Download this page in

સ્વપ્નાઓને સાકાર કરવાની પ્રેરણાત્મક કથા ‘ઍલ્કેમિસ્ટ’ વિશે

બ્રાઝિલમાં જન્મેલા સર્જક પૉલો કોએલોની સુધા મહેતા દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલી આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર તરીકે નામના પામનાર કૃતિ ‘એલ્કેમિસ્ટ’ ઑગસ્ટ ૨૦૦૮ સુધીમાં વિશ્વની ૬૭ ભાષાઓમાં અનુવાદિત થયેલી છે. તેની દસ કરોડથી પણ વધારે નકલો વહેંચાઈ ચુકી હતી. કલા એ માણસને જીવતા શીખવે છે, તેના આંતર મનને પ્રગટ કરતાં શીખવે છે, સપનાઓ જોતા શીખવે છે. પણ પોતે જોયેલા આ સપનાઓ માત્ર સપના ન રહી જાય પરંતુ ભવિષ્યમાં એ વાસ્તવિકતા બને એટલે કે તેના સપનાઓ સાકાર કેમ કરવા તે તો વ્યક્તિ એ જાતે જ મહેનત દ્વારા શીખવું પડે છે. આવી જ એક વાતને નવલકથાના વિષયવસ્તુ તરીકે સ્વીકારીને આ સર્જક વાત કરે છે. એટલે જ સર્જકે આ કૃતિના ઉપશીર્ષક તરીકે મુકેલ વિધાન આ કૃતિનું હાર્દ બની રહે છે કે ‘પોતાના સપનાઓને સાકાર કરવાની પ્રેરણાત્મક કથા’.

કથાનો નાયક સાન્તિયેગો નામનો એક છોકરો છે. તેનો જન્મ સ્પેનમાં આવેલા એન્ડાલુશિયન પ્રદેશમાં થયો છે. તે સોળ વર્ષનો થયો ત્યાં સુધી ભણ્યો છે તેથી તેના માતા પિતા ઈચ્છતા હતા કે તે પાદરી બને પણ તેની ઇચ્છા પ્રવાસો કરવાની હતી, ફરવાની હતી, દુનિયાને જોવાની હતી. એથી તે પિતાને કહી દે છે કે પોતે પાદરી બનવાને બદલે આ દુનિયાનો પ્રવાસ કરવા માંગે છે. પિતા તેને સમજાવે છે કે જે લોકો પ્રવાસ કરે છે તેની પાસે અઢળક પૈસા હોય છે જ્યારે તેમની પાસે પ્રવાસ કરવા જેટલા પૈસા નથી. તેના પિતા તેને એમ પણ કહે છે કે આપણે ત્યાં તો પ્રવાસ માત્ર ગોવાળ જ કરી શકે. કેમ કે, ઘેટાંની સારસંભાળ રાખતા રાખતાં તેની જરૂરિયાતો પૂરી કરવા માટે ઋતુ પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોવાળે પ્રવાસ કરવો જ પડે. સાન્તિયેગોને આ વિચાર ગમી ગયો. તેણે ગોવાળ બનવાનું નક્કી કરી લીધું. એક ભણેલો ગણેલો છોકરો માત્ર પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે થઈ ઘર છોડી ઘેટાંઓ ખરીદી પ્રવાસે નીકળી પડે છે. આ પ્રવાસમાં બે વર્ષનો સમયગાળો વીતે છે ત્યાં એક દિવસ પોતે એક જગ્યાએ રાતવાસો કરવા રોકાય છે. ત્યાંથી જ આ નવલકથાનો પ્રારંભ થાય છે. પ્રારંભે જ આવતું આ જગ્યાનું વર્ણન જોઈએ: ‘છોકરાનું નામ સાન્તિયેગો હતું. પોતાના ધણને હાંકતો હાંકતો તે જ્યારે એક સૂમસામ દેવળના સ્થળે પહોંચ્યો ત્યારે સાંજ થવા આવી હતી. દેવળની છત તો કેટલાંય વર્ષોથી પડી ગયેલી જણાઈ અને તેમાંના જૂના પૂજાસ્થળે અંજીરનું એક મોટું વૃક્ષ ઊગી ગયું હતું.’ (પૃ. ૧૧)

આ બે વર્ષોમાં તે ગોવાળ તરીકે પોતાના ઘેટાંઓનું રક્ષણ અને પાલન પોષણ કેમ કરવું તે બધું જ શીખી ગયો હોય છે. ઘેટાંનું ઉન વેચતી વખતે તેની મુલાકાલ શેઠની એક છોકરી સાથે થઈ હોય છે. તેમના વચ્ચે થોડી વાતચીત થાય છે. પોતે તે છોકરી પ્રત્યે આકર્ષાય છે. એટલે વર્ષો પછી પોતે ફરીથી તે જ ગામમાં પોતાના ઘેટાંના ઉનને વેચવા માટે જવાનું નક્કી કરે છે. આ જગ્યાએ આરામ કરતી વખતે તેને અચાનક એક સ્વપ્ન આવે છે. આ સ્વપ્નમાં એક બાળકી આવી તેને ઈજીપ્તના પિરામિડો સુધી લઈ જાય છે. એક જ રાતમાં તેને આ સ્વપ્ન બે વખત આવે છે તેથી તે પોતાને આવેલા આ સ્વપ્નને સમજી શકનાર ગામની એક સ્ત્રી પાસે જાય છે. તે સ્ત્રી પાસે જઈને પેલી સ્વપ્નમાં આવેલી બાળકી વિશે સ્ત્રીને જણાવે છે કે, ‘જો તું અહીં આવીશ તો તને છૂપો ખજાનો મળશે એમ કહીને તે મને તેનું ચોક્કસ સ્થાન બતાવવા જતી હતી, ત્યાં જ મારી આંખ ઊઘડી ગઈ. બંન્ને વખત.’ (પૃ.૧૮) તે સ્ત્રી સાન્તિયેગોને આવેલા સ્વપ્નનો અર્થ તેને સમજાવતાં જણાવે છે કે, ‘આ સ્વપ્ન જગતની ભાષામાં છે.... તારે ઇજિપ્તના પિરામિડો પાસે પાસે જવું જ જોઈએ. મેં તેના વિશે કદી કાંઈ સાંભળ્યું નથી, પણ જો એક બાળકી તને ત્યાં લઈ ગઈ હોય તો તેનું અસ્તિત્વ હોવું જ જોઈએ. ત્યાં જ તને એવો ખજાનો જડી આવશે જેથી તું એક ધનવાન વ્યક્તિ બનીશ.’ (પૃ. ૧૮)

પેલી સ્ત્રીની વાતને ગંભીરતાથી લેવાના બદલે સાન્તિયેગો ત્યાંથી નીકળી જાય છે. નગરના ચોકમાં જઈને પોતે એક પુસ્તક વાંચતો હોય છે ત્યાં તેને સાલેમનો રાજા મેલ્વિઝેડેક મળે છે. ચોર તેને લૂંટી ન લે એટલા માટે થઈને તે વૃદ્ધના છુપા વેશમાં હોય છે જેથી સાન્તિયેગો તેને પહેલાં તો ઓળખી શકતો નથી. પણ પાછળથી તેને તેની હકીકત વિશે ખબર પડે છે ત્યારે તે તેના પર વિશ્વાસ કરે છે. તે સાન્તિયેગોને જણાવે છે કે તેણે પ્રવાસ કરવો જોઈએ અને ઈજિપ્તના પિરામિડો પાસે જવું જોઈએ. એ તેને શિખામણ આપે છે કે, ‘એ ખજાનો શોધવા માટે તારે કેટલાંક શુકન અથવા ભાવસૂચક ચિહ્નો પ્રમાણે વર્તવું પડશે. ભગવાને બધાં માટે ચાલવાનો એક માર્ગ તૈયાર રાખ્યો હોય છે. તેમણે મૂકેલાં ચિહ્નો જ તારે સમજીને અનુસરવાનાં છે.’ (પૃ.૨૮) એ માટે તે સાન્તિયેગોને બે રત્નો પણ આપે છે. આ રત્નો આપતી વખતે મેલ્વિઝેડેક સાન્તિયેગોને કહે છે કે, ‘આ રત્નોનાં નમ છે યુરીમ અને થુમીમ. કાળું રત્ન ‘હા’ માટે છે અને સફેદ રત્ન ‘ના’ માટે છે. જ્યારે તું શુકન વાંચવામાં મૂંઝવાઈ જાય ત્યારે તે માટે આ રત્નો તને મદદ કરશે અને તેમને હંમેશા ‘હા’ કે ‘ના’માં પ્રશ્ન કરવો.’ (પૃ. ૨૯)

સાન્તિયેગો પોતાના ઘેટાંઓને વેંચી હોડીમાં બેસી અખાતને પાર કરી આફ્રિકા પહોંચે છે. ત્યાં તેને જાણ થાય છે કે અહીંથી ઈજીપ્ત જવા માટે વિશ્વનું સૌથી વિશાળ માનવ વસ્તી વગરનું – સહરાનું રણ પાર કરવું પડે છે. આફ્રિકામાં તેને એક વ્યક્તિ મળે છે જે તેને સહરાનું રણ પાર કરાવવાની લાલચે તેના બધા જ પૈસા લઈને ભાગી જાય છે. તે હવે સાવ જ એકલો અને પૈસા વગરનો નિરાધાર થઈ જાય છે. તે એક ક્ષણ હતાશ થઈ જાય છે. આખા દિવસનો ભૂખ્યો પોતે એક દુકાન પાસે જાય છે જેમાં કાચના વાસણો વેચાતા હોય છે. દુકાનમાં મુકેલા ગંદા થઈ ગયેલા કાચના પ્યાલાઓ સાફ કરવાનું કહી તેના બદલામાં પોતે દુકાનના માલિક પાસેથી કંઈક ખાવાની માંગણી કરે છે. છોકરાના કામથી પ્રભાવિત થઈ દુકાનનો માલિક તેને કામ પર રાખી લે છે. સાન્તિયેગો બહુ જ ઉત્સાહથી દુકાનનું બધું જ કામ કરે છે. દુકાનમાં કામ કરવાથી પોતાની પાસે ઇજિપ્ત જવા જેટલા પૈસા હવે ભેગા થઈ ગયા હોવાથી સાન્તિયેગો એ જગ્યાએ જ રોકાઈ જવાના બદલે પોતાના પ્રવાસને પૂર્ણ કરવા નીકળી પડે છે.

સાન્તિયેગો આરબોની વણઝાર સાથે ઇજિપ્ત જવા નીકળી પડે છે. સહરાના રણને પાર કરવાની પોતાની આ સફરમાં તેનો પરિચય એક અંગ્રેજ સાથે થાય છે. આ અંગ્રેજ કોઈ પણ ધાતુને સોનામાં બદલી શકાય એવી શોધ વર્ષોથી કરતો હતો. તે પોતાની શોધની બહુ જ નજીક હતો પણ પોતાની શોધને પૂરી કરી શક્યો નહોતો. આ સફરમાં તેને બીજા લોકો મળે છે. આ લોકોનો સરદાર સાન્તિયેગોના બન્ને રત્નો તેની પાસેથી લઈ છે. જેના બદલામાં તે સાન્તિયેગોને રણ પાર કરવામાં મદદ કરે છે. પોતે ફરીથી સાવ નિરાધાર બની જાય છે. આ જ સફરમાં તેને કિમિયાગર નામનો એક માણસ મળે છે. આ જ કિમિયાગર સાન્તિયેગોને પ્રકૃતિની ભાષા સમજતાં શીખવે છે. રણની આકરી સફર પૂરી થાય છે. પોતે પિરામિડોથી હવે ત્રણ કલાકના અંતર જેટલો જ દૂર છે ત્યાં કિમિયાગર તેને એક પાદરીના ઘરે લઈ જાય છે. કિમિયાગર સાન્તિયેગોને પાદરીના રસોડામાં સીસામાંથી સોનું બનાવી દેખાડે છે. કિમિયાગરે બનાવેલા સોનાના ચાર ટૂકડાઓ કરવામાં આવે છે. એક ટૂકડો કિમિયાગર પાદરીને બક્ષિસ તરીકે આપે છે, કારણ કે તેણે આ બંન્નેને પોતના ઘરમાં રહેવા આશ્રય આપ્યું હતું. બીજો ટૂકડો કિમિયાગર પોતાની પાસે રાખે છે, ત્રીજો ટૂકડો સાન્તિયેગોને આપે છે અને ચોથો ટૂકડો પાદરીને આપી દેતા કહે છે કે, ‘આ ભાગ છોકરા માટે છે. જો તેને કદીય જરૂર પડે તો.’ (પૃ.૧૧૪)

કિમિયાગર છેક સાન્તિયેગોને પિરામિડો પાસે લઈ જાય છે. પોતાની અને પિરામિડોની વચ્ચે હવે એક નાનો ટેકરો જ છે તેવી ક્ષણે કિમિયાગર સાન્તિયેગોને છોડીને ચાલ્યાં જાય છે. સાન્તિયેગો પિરામિડો સુધી જાય છે. સ્વપ્નામાં આવેલી છોકરીએ બતાવેલી જગ્યાએ તે ખાડો ખોદવાની શરૂઆત કરે છે. ખાડો ખોદવા છતાં તેને ત્યાં કશું જ મળતું નથી. તેવામાં અચાનક તેને એક અવાજ સંભળાય છે. લડાઈમાંથી આવેલા શરણાગતો સાન્તિયેગોને અહીંયા ખાડો ખોદતા જોઈ વિચારે છે કે આ છોકરો અહીંયા જરૂર કંઈક સંતાળી રહ્યો હશે. તેઓ સાન્તિયેગોની જડતી લે છે. તેમને સોનાનો એક ટૂકડો મળે છે. એટલે તેઓ એવું માની લે છે કે આ છોકરો આ સોનાને જ સંતાળવા અહીંયા ખાડો ખોદી રહ્યો હતો. સાન્તિયેગો તેમને જણાવે છે કે પોતે ખજાનાની શોધમાં આ ખાડો ખોડી રહ્યો છે. તેમ છતાં પેલા લોકો તેની વાત માનતા નથી. સાન્તિયેગોને એકલો છોડીને જતાં પહેલા એ લોકોનો સરદાર સાન્તિયેગોને મૂર્ખ ગણી એક શિખામણ આપે છે કે, ‘તું મરી નહીં જાય. તું જીવશે અને શીખશે કે માણસે આટલા મૂર્ખ ન બનવું જોઈએ. બે વર્ષ પહેલાં આ જ સ્થળે, બરાબર અહીં જ મને પણ એક સ્વપ્નું વારંવાર આવતું. મને તેમાં થતું કે મારે સ્પેનના મેદાનોમાં જવું, તેમાં એક ખંડેર થયેલું દેવળ શોધવું, જ્યાં ગોવાળો અને તેનાં ઘેટાં રાતવાસો કરે છે. મારા સ્વપ્નમાં એ ચર્ચના કેન્દ્રમાં એક અંજીરનું વૃક્ષ ઊગ્યું તેવું દેખાયું હતું. જો એનાં મૂળિયાં હું ખોદું તો મને છૂપો ખજાનો મળશે, પણ હું કંઈ એવો મૂર્ખ નથી કે આખુંય રણ પસાર કરીને માત્ર એક વારંવાર આવતા સ્વપ્નની પાછળ દોટ મૂકું.’ (પૃ. ૧૧૯) અહીંયા આ નવલકથા પૂર્ણ થાય છે.

કથાનાયક સાન્તિયેગોને શરૂઆતમાં સ્વપ્નું આવ્યું હતું તેથી તે સ્પેનના મેદાનો છોડી છેક ઇજિપ્તના પિરામિડો પાસે આવ્યો હોય છે. પણ અંતે જ્યારે તે પેલા સરદારના મુખેથી તેને આવેલા સ્વપ્ન વિશે સાંભળે છે ત્યારે તેને ખબર પડે છે કે ખરેખરો ખજાનો ઇજિપ્તના પિરામિડો પાસે નહિ પણ પોતે જ્યાં રાતવાસો કરતો હતો તે જગ્યાએ – જૂના ખંડેર થઈ ગયેલા દેવળમાં હતો. તેથી તેની ખુશીનો પાર રહેતો નથી. કેમ કે, તેને હવે ખજાનાની અસલી જગ્યા પણ ખબર હતી. ખજાના સુધી પહોંચવા માટે થઈને પેલા પાદરી પાસે તેના માટે જ રાખેલો સોનાનો એક ટૂકડો પણ હતો. પોતે હવે એ પણ જાણતો હતો કે કયા રસ્તે થઈને પાછા પહોંચી શકાય છે.

આમ, આ નવલકથાનો મુખ્ય હાર્દ એ છે કે આપણો ખજાનો આપણી આસપાસ જ હોય છે પણ એને પામવા માટે આપણે દુનિયાભરની સફર ખેડવી પડે છે. કપરા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ રસ્તામાં ક્યારેક તમે લુંટાઈ પણ શકો છો તેમ છતાં પણ જો તમે તમારી સફર નિરંતર શરૂ રાખશો તો જ તમે તમારા ખજાના સુધી પહોંચી શકશો. વળી, આ નવલકથા એ પણ સમજાવે છે કે રસ્તામાં પ્રલોભનો પણ આવશો. જેમ સાન્તિયેગોને પેલી દુકાનમાં પૈસા કમાતા આવડી ગયું હતુ કે પછી કિમિયાગર પાસેથી સીસામાંથી સોનું બનાવતા જોઈ ગયા પછી એ પોતે ધારત તો એવું કરવાનું શીખી શક્યો હોત. તેમ છતાં કથાનાયક કોઈ પ્રલોભનોમાં લલચાઈ જઈ પોતાનું ધ્યેય ભૂલતો નથી. તેમ જો પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરવી હોય તો પ્રલોભનોથી દૂર રહેવું જોઈએ. વળી આ નવલકથામાં આવતા કેટલાંક વાક્યો આપણને પ્રેરણા પૂરી પાડે છે. જેમ કે,

  1. ૧. ‘જ્યારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદ આવે છે.’ (પૃ.૨૪)
  2. ૨. ‘કોઈ વ્યક્તિ કંઈ પણ કરતી હોય, દુનિયાના ઈતિહાસને ઘડવામાં તેની ભુમિકા કેન્દ્રમાં હોય છે, પણ મોટે ભગે આ બાબતથી તે અજાણ જ રહે છે.’ (પૃ.૧૧૬)
  3. ૩. ‘જ્યારે તમારી અંદર વિશાળખજાનો હોય અને બીજાઓને તમે તેની વાત કરો, તો તમારી વાત પર ભાગ્યે જ કોઈને વિશ્વાસ બેસે છે.’
  4. ૪. ‘જે કંઈ એક વાર બને છે તે ફરી કદી બનતું નથી. જે કંઈ બે વાર બને છે તે ચોક્કસ ત્રીજી વાર પણ બને છે.’
  5. ૫. ‘કોઈ વસ્તુ યોગાનુયોગ જેવી નથી હોતી.’
  6. ૬. ‘એક સ્વપ્નના સાકાર થવાની શક્યતા જ જીવનને રસભર બનાવે છે.’ (પૃ.૧૬)
  7. ૭. ‘જીવનમાં સાદી વાતો જ અસાધારણ હોય છે.’ (પૃ.૧૮)
  8. ૮. ‘જો તું એ બાબતે વચન આપતો ફરે જે તારી પાસે હજી આવ્યું પણ નથી, તો તે મેળવવા માટેના પ્રયત્નો કરવાની તારી ઇચ્છા જ મરી જશે.’ (પૃ.૨૫)
  9. ૯. ‘જ્યારે બધા દિવસો આવનાર દિવસ જેવા જ હોય એવું ત્યારે લાગે ત્યારે લોકો સારી ચીજોનું અસ્તિત્વ ભૂલી જાય કે તેમના જીવનમાં સૂર્ય રોજેરોજ પણ ઊગે છે.’ (પૃ.૨૭)