Download this page in

પરિણામ

‘શું આજે પરિણામ આવવાનું હતું કે? ના ના, હજુ તો પરીક્ષા જ ક્યાં લેવાઈ છે તે? તો કેમ આજે એના મુખ પરથી તેજ ઊડી ગયું ?’

મને બરાબર યાદ છે કે તેણે મારાથી એક ટકાના માર્કથી આગળ રહીને ઊંચી મેરીટ યાદીમાં પ્રથમ ક્રમાંક મેળવી પ્રવેશ લીધો હતો.એ ભણવામાં, રમતગમતમાં તેમજ શાળાની મોટા ભાગની પ્રવૃત્તિમાં હમેશા મોખેરનો વિદ્યાર્થી. શાળામાં એ શિક્ષકોનો પ્રિય રહેતો, શાળાનું નામ ગર્વથી ઊંચું કરનારો, નિયમિત વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. એણે અહીં કૉલેજમાં પણ ગમતા વિષયો સાથે સાયન્સમાં એડમિશન લીધું.

આજે પણ અકબંધ છે મારી સ્મૃતિમાં કૉલેજનો એ પ્રથમ દિવસ. સૌ એક નવા જ વાતાવરણમાં. એક નવા જ પરિવેશમાં હતાં. ને એમાંય એના માટે તો જાણે કે એ દિવસ એક અનેરા પર્વ જેવો હતો. દરેક વિષયના જુદા જુદા અધ્યાપકો આવીને, કોલેજ વિશેની, અહીની પરંપરા વિશેની ને પોતાની તથા જુદા જુદા વિષયો વિશેનો પરિચય આપતાં હતાં. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ સૌ આનંદથી અભ્યાસમાં રત થતા જતાં હતાં, દિવસો પર દિવસો પસાર થતા જતા હતા.

આને શિક્ષકોના માનીતા વિદ્યાર્થી થવાની પે’લેથી જ હોંશ. અને એ થતો જ. અહિયાં પણ એ ......માનીતો, જાણીતો ને પ્રિય.

આજકાલ એ કોઈ અલગ જ અંદાજમાં ખોવાયેલો રહે છે. વર્ગમાં હાજર હોય પણ ખરોને ના પણ હોય. અનિયમિતતા? અને એ પણ આનામાં? ના હોય. ક્યારેય ન જોયેલો ભાવ એના ચહેરા પર વર્તાતો. કોણ જાણે કેમ? શું થયું હશે આને? પેહલા તો એને ક્યારેય આવો નહોતો જોયો!

પણ! પણ, એ સાચું કે કોઈના લેકચરમાં હાજર રહે કે ના રહે, સુલોચના મેમના લેકચરમાં તો અવશ્ય હાજર હોય જ. મને થતું ‘આવું કેમ?’

બધાંથી અલગ જ વ્યક્તિત્વ સુલોચના મેમનું. મેમ ખૂબ તેજસ્વી, પ્રેમાળ, સરળ અને ચંચળ સ્વભાવનાં. સાથે સુંદર પણ એટલાં જ.

ને, હવે તો એવું લાગે છે કે એ સુલોચના મેમના વર્ગમાં પણ, હાજર રહીને હાજર ન્હોતો રે’તો. જાણે કે એનું મન હવે ભણવામાં નહિ પણ....??? ના, ના! એવું તો ના જ હોય..?

એ સવારે પેહલા જ લેક્ચરમાં મેમ આવ્યાં. એ દિવસે એમના મુખ પર કાંઈક અજબની રોનક છલકાતી હતી. ગુલાબી ગાલ અને ચમકતી અણીયાળી આંખો સાથે એમની ચંચળતા બરાબર સુમેળ ખાતી હતી. એમની સાડીમાંથી પ્રસરતી પરફ્યુમની મહેક આખાયે ક્લાસને મઘમઘાવતી. કોણ જાણે કેમ પણ આજે એવું થતું હતું કે આ સુલોચના મેમ જ છે? આમતો એમની સાદાઈ જ એમની સુંદરતા છે પણ આજે કઈક અલગ જ લાગે છે. મારે પૂછવું તો પૂછવું કેમ કરીને કે ‘મેમ આજે કાંઈ વિશેષ છે કે?’ શબ્દો હોઠ પર આવીને અટકી જતા. રોજ કરતાં આજે કઈક અલગ જ એમના મુખની કાંતિ હતી.આજે મેમ, મેમ નહિ પણ જાણે કે કોઈ.....??

લેકચર પૂરું થતાં વર્ગમાંથી બહાર નીકળતાં મારા મનની વાત કોઈકે છીનવી લીધી. કોઈકે કહ્યું ‘મેમ આજે આમ...આટલાં બધાં.. કૈં વિશેષ...??’ ‘હમ્મ..! ટુ ડે ઈઝ માય ફસ્ટ એનીવર્શરી, મારા લગ્નનું પહેલું....’ કહેતાં મેમ વર્ગમાંથી બહાર નીકળી ગયાં.

અનાયાસે મારી નજર એના પર પડી તો ‘હા આજે પરીક્ષાનું પરિણામ’ આવ્યું હોય એવું જ લાગ્યું.