‘આદિવાસી – ઓળખ’ વિશે

આદિજાતિના વિકાસ માટે પૂર્વેથી ઘણા પ્રયત્નો થતા આવ્યા છે. હાલમાં પણ ઘણી બધી યોજનાઓની જાહેરાતો થાય છે. આ માટેના હકદાર પણ તે લોકો છે કારણ કે સંસ્કૃતિને વળગી રહેનારી, સાંસ્કૃતિક ધરોહરને સાચવી બેઠેલી આવી પ્રજાને આધારે જ સમાજ ટકી રહેલો છે એ ન ભુલવું જોઇએ. સોરઠી લોકસાહિત્ય માટે એક બાજુથી જે કાર્ય ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે તેવું ભગીરથ કાર્ય બીજી બાજુથી ડો.ભગવાનદાસ પટેલ આદિવાસી જાતી પર કરી રહ્યા છે. સંશોધક,સંગ્રાહક અને સંપાદક એમ ત્રણે સંજ્ઞા સાથે સંકળાયેલા ભગવાનદાસ પાસેથી આદિવાસીને જાણવા, પીછાણવા અનેક પ્રકારનું સાહિત્ય મળે છે. આદિવાસીની આસપાસ રહેલી સાંસ્કૃતિક અને સામાજીક ઘટમાળની વાત તેઓ તેમના પૂસ્તક ‘આદિવાસી – ઓળખ’માં વિસ્તારથી આલેખે છે. લેખક પાસે અહીં દાંતાથી ડાંગ સુધીનો વિશાળ પટ છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાથી સંશોધક પોતાના કાર્યની શરુઆત કરે છે.
      પ્રથમ પ્રકરણ ‘પૃથ્વીની ઉત્ત્પત્તિકથા’ અદભૂત રીતે રજૂ કરવામાં આવી છે. ખેતરના કોશિયાથી માંડીને ઉચ્ચ શિક્ષિત વર્ગને રસ પડે તે રીતે નિરૂપણ થયેલું છે. ‘પૃથ્વીની ઉત્ત્પત્તિ’ વિશે તો ઘણાં શોધ સંશોધનો થયેલાં છે. વૈજ્ઞાનિક રીતે પણ વિપુલ માહિતીઓ પ્રાપ્ત છે. અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ વૈવિધ્ય સભર ઉલ્લેખો જોવા મળે છે. પરંતુ અહીં ‘પૃથ્વિની ઉત્પત્તિ’ની જે વાત છે તે તો આજના કહેવાતા ઉચ્ચ, મધ્યમ કે પછી બુદ્ધિપ્રધાન સમાજની સાથે તાલમેલ જમાવવાની મથામણ કરતા આદિવાસી વર્ગના મુખે કહેવાયેલી વાત છે. દુનિયાનું કોઇપણ વિજ્ઞાન, કોઇપણ શાસ્ત્ર ગમે તેવી કેફિયતો રજૂ કરે પરંતુ આદિવાસી પ્રજાની ખાસિયત રહી છે કે તેમના અમુક જે ચોક્કસ રૂઢ થયેલા ખયાલો છે તે ક્યારેય બદલાયા નથી. અલબત્ત સમાજમાં – સંસ્કૃતિમાં જાગૃતિ અવશ્ય આવી છે. આદિવાસી લોકસાહિત્યમાં જેમ ‘રૉમ-સીતામાની વારતા’, ‘પૉડવ-કોરવની વારતા’, ‘તોળીરૉણીની વારતા’, ‘રૂપારૉણીની વારતા’, ‘રાઠોર વારતા’ પ્રચલિત છે. તેવી રીતે ‘પૃથ્વીની ઉત્પત્તિકથા’ પણ મહત્ત્વની છે. આદિવાસીઓની માન્યતા પ્રમાણે ઇંડાખાણમાં રહેલા ઇંડામાંથી પરમેશ્વર પેદા થયા એ જ રીતે મનસાદેવીની દુંટીમાંથી કમળનું ફૂલ ઉત્પન્ન થયું. સમય જતાં ભગવાનથી એકલતા ન સહેવાતાં તેમની ધરતીમાતા રચવાનો વિચાર આવ્યો. પરંતુ ધરતીમાતા રચવા માટેનું જરૂરી બીજ તો પાતાળલોકમાં વસેલા નાગના મુખમાં હતું. આથી આ બીજ લાવવા માટે પરમેશ્વરની પુત્રી ઉમિયાદેવી મદદે આવી. જે ભગવાનના અમીમાંથી પેદા થઇ છે. ઉમિયાદેવી કાચબીનો વેશ લઇ પાતાળમાંથી ધરતીબીજ લઇ આવી. ભગવાન ધરતીબીજ, કમળનું ફૂલ તેમજ પગ ભાંગીને તેમાંથી નીકળેલી માટી – આ ત્રણેને મસળી તેમાંથી રોટલી બનાવી અને રોટલી પર ભગવાનનો હાથ પડતાં પૃથ્વીની રચના થઇ. ત્યારબાદ ભગવાને પવનદેવ, અગનદેવ વગેરે ઉત્પન્ન કર્યા. આદિવાસી માન્યતા પ્રમાણે માનવ જાતની ઉત્પત્તિ પણ આવી જ રીતે થઇ. “ભગવાને ભરી નજર નાખી; વૈકુંઠપુરી પેદા થઇ. ભરી નજરે કેતકી, કેવડા, કદળી, રાય, ટુંડણિયા પેદા કર્યા. ભરી નજરે આંબાવાડી પેદા કરી. ભરી નજરે કૈલાસપુરી પેદા કરી. અગનકોટ પેદા કર્યો. ભરી નજરે મનખાવતાર પેદા કર્યો.”
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભીલોએ જે નોંધપાત્ર ફાળો આપ્યો છે તેને ઉજાગર કરવા માટે લેખક માત્ર પોતાના તારણોનો જ આધાર નથી લેતા પરંતુ રોબર્ટ શેફર, ડી.ડી.કોસામ્બી વગેરે જેવા તજજ્ઞોના મંતવ્યોનો પણ અભ્યાસ કર્યો છે.
બીજા પ્રકરણથી આપણે જોઇશું તો જણાઇ આવે છે કે લેખકે પ્રાગૈતિહાસિક સંસ્કૃય્તિના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તેમણે માનવસંસ્કૃતિના ઉત્ક્રાંતિનો તબક્કાવાર ઊંડો અભ્યાસ કર્યો છે. વિકાસને તેમણે મુખ્ય ત્રણ તબક્કામાં વિભાજિત કરી દીધો છે :
      (1) પ્રાગૈતિહાસિક
      (2) આદિ ઐતિહાસિક
      (3) અંતિમ ( એટલે કે આજ સુધીનો )
            આ ઉપરાંત દરેકના પેટા તબક્કા પણ તારવી બતાવ્યા છે. પ્રારંભના તબક્કાને તેઓ બે લાખ વર્ષ પૂર્વથી ગણાવે છે. તો તેઓ એમ પણ સ્પષ્ટ કરે છે કે પહેલાનું આનર્ત અત્યારે ઉત્તર-પૂર્વ તરફ અરવલ્લી સુધી વિસ્તરેલ છે. સંશોધકોને ઉત્તર ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલા પાષાણ અવશેષો, અરવલ્લીની હારમાળાઓ તેમજ તેમાંથી નીકળતી હરણાવ, ભીમાક્ષી, દુકાળી અને સાબરમતી નદીઓની ભેખડો છે. પોતાના સંશોધનનો પ્રાથમિક તબક્કો તેઓ ખેડબ્રહ્મા તાલુકાથી કરે છે. ખૂબ સઘનતાથી અભ્યાસ કર્યા બાદ તેઓ એવા તારણ પર આવે છે કે ‘આશરે 70 હજાર વર્ષ પહેલાંથી આરંભી 5 હજાર વર્ષ સુધી પોતાનું જીવન ટકાવી રાખવા માટે આ વિસ્તારના તત્કાલીન માનવે વિવિધ પાષાણ ઓજારોની રચના કરી યોગક્ષેમ માટે વિધવિધ પ્રવૃત્તિઓ કરી છે, અને આનંદ મેળવવા માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ કરી છે. આ પ્રવૃત્તિઓ જ આજની આપણી સંસ્કૃતિનું વિકસિત રૂપ છે.
      ઉત્ક્રાંતિના પ્રારંભમાં આ પ્રજાતિ ‘નિષાદ’ તરીકે ઓળખાતી તેમ નોંધીને તેઓ તત્કાલીન સમયના દેવી-દેવતાઓ, તંત્ર-મંત્ર, રીત-રિવાજ, ખાણી-પીણી, પ્રકૃતિ તત્ત્વોના ઉલ્લેખો, તેમની પ્રવૃત્તિઓ તેમજ ભાષા બાબતે પણ તેઓ પોતે ચોક્કસ નથી, પરંતુ ભાષા વૈજ્ઞાનિકો માટે સંશોધન બની રહે તેવું તારણ કાઢ્યું છે.મુંડા તથા કોલ ભાષાઓના થોડાક શબ્દો પરિવર્તન પામીને ભીલી બોલીમાં પ્રવેશ્યા છે. તેમણે નોંધેલ થોડા શબ્દો જોઇતો-
      કોલ કે મુંડા  -  ભીલી
      નારિકેલ     -   નાળેર
      મરફ        -   મરઘો
ચાવલ      -   સાવલ
કમ્બલ      -   કાંબોર
લકુટ        -   લાખરી
ઉપરાંત ભીલ શબ્દની ઉત્પત્તિ વિશે પણ તેઓ જણાવે છે કે ‘ભીલ’ શબ્દનું મૂળ દ્રવિડ ભાષાના ‘બીલ’ શબ્દમાં રહેલું છે. જેનો મૂળ અર્થ ધનુષ્ય થાય છે. ‘ધનુષ્ય ધારણ કરવાવાળા તે ભીલ. સિંધુ અને લોથલ સાથે આ લોકો જોડાયેલા હતા તેવી કડી પણ મળી આવે છે.
‘સમુદ્રમાં થતું અને આભૂષણો માટે વપરાતું શંખલું ઉત્તર ગુજરાતના લાંઘણજ ગામના પ્રાગૈતિહાસિક ટીંબામાંથી મળી આવ્યું છે. આ શંખલું નવપાષાણ યુગના નિષાદ લોકોનો સંબંધ સમુદ્ર કે સિંધુ સભ્યતાના બંદર લોથલ સાથે જોડે છે.’
આમ ભારતની ઉત્તરે આવેલા અરવલ્લી અને દક્ષિણ પઠાર એ દુનિયાના પ્રાચીનતમ ભૂમિખંડ છે. આ બંન્ને ભૂભાગમાંથી પ્રાચીન પાષાણ યુગના લોકોની સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. જેના આધારે આ ભૂભાગને તેઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ઉદભવસ્થાન ગણાવે છે.
આવી રીતે પૂર્વકાલીન જાતિઓમાંની એક જાતિ તે આદિવાસી છે. તેઓ આદિકાળથી અહીં વસતા હોવાથી તેમને આદિવાસી એવું નામ આપવામાં આવ્યું છે. જો કે આદિવાસી માટે અનેક દંતકથાઓ પુરાકલ્પનકથાઓ પ્રવર્તે છે. કોઇ તેમને જંગલો અને પહાડોમાં વસતા ભલા ભોળા લોકો ગણાવે છે. તો કેટલાક તેને અમાનવીય વ્યવહારવાળા લોકો તરીકે પણ ઓળખાવે છે.
ભારતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભૂભાગમાં વસતા આદિવાસી સમુદાયમાંથી ગુજરાતમાં 29 સમુદાયો વસે છે તેમાંથી અડધી વસતી તો આદિવાસીઓની ઉપજાતિ ભીલ લોકોની છે. જેઓ મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લામાં વસે છે. આ વિશેની વાત તેઓ ત્રીજા પ્રકરણમાં ટૂંકમાં પરંતુ સચોટ રીતે રજૂ કરે છે. જ્યારે પ્રકરણ ૧થી તેઓ ભીલ લોકોનો સામાજિક અને સાંસ્કૃતિક પરિચય આપે છે. ભીલ લોકો ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં (1) તળ ગુજરાત (2) સૌરાષ્ટ્ર (3) કચ્છ. આ ભૌગોલિક એકમોને સંશોધકે અક્ષાંશ- રેખાંશ તેમજ કિ,મિ,ની રીતે પણ બતાવી આપ્યા છે. જેમાં તળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ડુંગરીભીલ લોકોથી પોતાના કાર્યનો આરંભ કર્યો છે. ભીલી પ્રદેશના ફળ,ફુલ પ્રાણીઓ, તેમનું શારીરિક બંધારણ વગેરે વિશે ઝીણવટતાપૂર્વક નોંધ કરીને તેઓની ભાષાની વાત પણ કરે છે. ભીલો પોતાની ભાષા એટલે કે ભીલી ભાષા બોલે છે. જેને કોઇ લિપિ નથી હોતી. વિશેષમાં તેઓ એમ પણ નોંધે છે કે તે ભીલી બોલી નહીં પરંતુ ભીલી ભાષા કહેવી યોગ્ય લેખાશે.
ભીલી લોકોના પહેરવેશ, ખેતી, ખાણીપીણી, નાચગાન, કૌટુંબિક સંબંધો, જન્મ-મરણ સમયના રિવાજો; ઉત્સવો, શાસન પદ્ધતિ, દેવી-દેવતાઓ વગેરેના પરિચય માટે એક-એક પ્રકરણમાં વિસ્તારથી રસપ્રદ આલેખન કર્યું છે.
આમ સમગ્ર પુસ્તકમાં આપણને રોચક અને રસિક પ્રકારે આદિવાસીઓની ઓળખ કરાવનાર સંશોધક વર્ણન વિલાસથી દૂર રહ્યાં છે. અલબત્ત પુસ્તકની આલેખન રીતિ એવી થયેલી છે કે તે ક્યારેય ગાઇડ કે માહિતીપ્રધાન લાગતું નથી. એક પછી એક પ્રકરણ રસપ્રદ બનતા રહે છે. જેવી રીતે આલેખન રીતિ નોંધપાત્ર છે તેવી રીતે દરેક પ્રકરણમાં જરૂર જણાય ત્યાં ચિત્રો મૂકીને પણ ભાવકને વિદિત કર્યા છે. ચિત્રો રસિકજનોના માનસ પર આદિવાસીના લોક્ના સમગ્ર જીવનની ઝાંખી કરાવી આપે તેવા છે.

અંતે ડૉ. ભગવાનદાસ પટેલે જ નોંધેલ વાતથી મારી વાત પૂરી કરીશ. ‘ભારતીય સભ્યતા કેવળ આર્ય જાતિની, કુલીન લોકોની જ સંસ્કૃતિ નથી. એ તો એકાદ પથ્થર સ્થાપીને એના પર સિંદુર ચોપડી એની પૂજા કરનાર લોકોથી માંડીને અદ્વૈતની મહત્તમ અનુભૂતિ સુધીનાં વૌવિધ્યોથી પોતાના જીવનમાં રંગ ભરનાર અને ભારતભૂમિને રંગમયી, વિચારમયી, ગતિમયી બનાવતી વિવિધ પ્રજાઓની સહિયારી સંસ્કૃતિ છે.’  

ડો. ભાવેશ એમ. જેઠવા
ગુજરાતી વિભાગ, આસી. પ્રોફેસર, કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી, ભુજ


000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index