અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કૃત 'અન્વીક્ષા'- એક અભ્યાસ

            'અન્વીક્ષા'(૧) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો પ્રથમ વિવેચનસંગ્રહ છે.'એરીસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર' ગ્રંથથી જાણીતા થયેલા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બે વિભાગમાં અહીં પોતાને વિવેચના રજૂ કરે છે.પ્રથમ ભાગમાં આઠ અભ્યાસલેખો અને બીજા વિભાગમાં પંદર અવલોકનો છે જયારે પરિશિષ્ટમાં યુજીન આયોનેસ્કોનો 'લેખક અને તેના પ્રશ્નો' સુદીર્ઘ લેખ અનુવાદરૂપે અને સૂચિ આપી છે.પ્રસ્તાવનામાં એમણે સ્વીકાર્યું   છે તેમ આયોનેસ્કોના વિચારોથી પોતાની માન્યતાને પુષ્ટિ મળે છે.પ્રારંભે જ આયોનેસ્કોનું આ વિધાન જોવા મળે છે, " To write, also, is to think while in motion; to write is to explore. The critic must repeat the itinerary of the poet. Often the poet has moved forward in a kind of darkness or twilight. The critic covers the same ground with a lamp in his hand and illuminates the path."
        આ વિધાનના સંદર્ભમાં આ સંગ્રહને મૂલવવાનો મારો પ્રયાસ છે, કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની વિવેચનો કેવો અને કેટલો પ્રકાશ ફેંકે છે
         '૧૯૪૫ પહેલાના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો' લેખમાં કવિતા માટે જરૂરી તત્ત્વની ચર્ચા નર્મદથી શરૂ કરી છે. અહીં કવિતા સંદર્ભે વિશેષ ચર્ચા જોવા મળે છે, એની સામે ગદ્ય વિષે જૂજ ચર્ચા છે.આપણાં વિવેચનને સાહસિક ગણાવી જરા તિર્યક રીતે કહે છે, "...ચર્ચાશોખ તો ખરો પણ ચર્ચાખોરી આપણાં વિવેચનમાં તો ઘણી જગાએ સુપરિણામી નીવડી છે."(પા. ૨૦) આ બે વખત આવતો 'તો' ઘણું બધું કહી જાય છે. યંત્રસંસ્કૃતિ અને એને કારણે છિન્નભિન્ન થયેલ મૂલ્યોની તપાસ 'સર્જાતા સાહિત્યમાં જીવનમૂલ્યની માવજત' લેખમાં કરી છે. 'એરીસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા' માં પ્લેટો અને એરીસ્ટોટલની માન્યતા, ભિન્નતાની ચર્ચા કરી આ ગ્રંથની મહત્તા સ્થાપી છે અને કેથાર્સિસ, અનુકરણ વિષે વિગતે ચર્ચા કરી છે.પત્રકાર, કવિ, લોકસાહિત્યકાર તરીકે મેઘાણીના કાર્યોનું વિગતે આકલન 'મેઘાણી: શબ્દના સોદાગર'લેખમાં કર્યું છે.અહીં મેઘાણીને મળેલી લોકપ્રિયતા સંદર્ભે જે તારણ આપે છે, "મેઘાણીએ લોકસમૂહને નજરમાં તો રાખ્યો હતો, પણ પહેલો માનદંડ પોતાની આંતરિક સૂઝમાંથી પ્રગટાવ્યો હતો. એક બાજુ લોકજીવન અને બીજી બાજુ 'અતરીયા'નો એકલ પંથ - એ બંનેની વચ્ચે મેઘાણીએ સમતુલા જાળવી, એ મેઘાણીને વરી છે તેવી લોકપ્રિયતાનો કીમિયો છે."(પા.૪૧)- આ વાત અગત્યની બની રહે છે.                  
           પદ્યનાટકની શોધ હજી આજે પણ રહી છે અને એને માટે અનુકૂળ છંદની શોધ પણ રહી છે. 'પદ્યનાટકની શોધમાં-' લેખમાં આ મુદ્દાની ઉદાહરણ સાથે ચર્ચા કરી છે અને વનવેલી છંદને પદ્યનાટક માટે અનુકૂળ ગણાવે છે. અહીં મહત્ત્વની વાત નોંધે છે કે, "રંગભૂમિમાં કવિતા નહિ પણ રંગભૂમિની કવિતા સિદ્ધ કરવાનો મનોરથ જ્યાં કોક્તોનો હતો, અને પ્રત્યેક પદ્ય નાટ્યકારનો એ મનોરથ હોવો જોઈએ."(પા.૫૬) આ મનોરથ સિદ્ધ થવો જોઈએ પણ થતો નથી કારણકે નાટક અને રંગભૂમિ વચ્ચે જ ખાસું અંતર જોવા મળે છે ત્યાં પદ્ય અને નાટક વિશે શું કહેવું? નર્મદના જીવન અને એની મથામણની પણ યોગ્ય રીતે નોંધ 'નર્મદની કાવ્યવિભાવના અને તેની કવિતા ઉપર તેની અસર'- માં લેવાઈ છે.
      વિવેચક તરીકે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વિશાળ વાચનનો ખ્યાલ અને એમાંથી તારવીને પોતાની વિવેચનામાં સાંકળવાનો પ્રયાસ એક અભ્યાસુની છબિ ઉપસાવે છે.
      વિવેચન, કવિતા, સંપાદન, નવલકથા, વાર્તાસંગ્રહ,અને નાટકના અવલોકનમાં એમનું વલણ મુખ્યત્વે આસ્વાદનું રહ્યું છે.જે તે અવલોકનના પ્રારંભે જ કૃતિની લાક્ષણિકતા એક લસરકે પ્રગટાવે છે. જેમકે, જયવંત દળવીની નવલકથા વિશે નોંધે છે, "શ્રી જયવંત દળવીની મરાઠી નવલકથા 'ચક્ર'નો ગુજરાતી અનુવાદ 'દુનિયા બહારની દુનિયા'વાંચીને થયું- વાત કંઈ નવી નથી, પણ નવી રીતે કહેવાઈ છે."(પા.૧૩૮) સુરેશ જોશીના બે સંગ્રહો 'ગુજરાતી કવિતાનો આસ્વાદ' અને 'મરણોત્તર'ના અવલોકનમાં પ્રશંસાનું વલણ દેખાઈ આવે છે. 'ગુજરાતી કવિતાનો આસ્વાદ'માં તો આસ્વાદ સંદર્ભે લાંબી ભૂમિકા છે અને ઉદાહરણ વગર અછડતી વાતો કરી છે. અવલોકનના શીર્ષક 'કાવ્યાસ્વાદનું સીમાચિહ્ન'માં પણ પ્રશંસાનો ગુણ દેખાય છે. સીમાચિહ્ન કહી દેવાથી એ બની જતું નથી, વિવેચકે એ બતાવવું પડે. જયંત કોઠારીએ પણ આ સંદર્ભે નોંધ કરી છે, "આ જ અનિરુદ્ધ 'ગુજરાતી કવિતા'ના આસ્વાદનું અવલોકન કરતી વેળા કાવ્યાસ્વાદની પ્રક્રિયા વિશે થોડું આમતેમ લખી નાખી, સુરેશ જોશીએ પોતે પોતાની પદ્ધતિ વિશે કરેલા નિવેદનો નોંધી, એમણે કરાવેલા આસ્વાદો વિશે માત્ર એકબે અછડતા અધ્ધર અભિપ્રાયોથી પતાવે છે એ નવાઇભર્યું લાગે છે."(૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને સુરેશ જોશીનો સંબંધ ગુરુ-શિષ્યનો રહ્યો છે એ વાત ધ્યાનમાં રાખીએ.
       'મીરાં- અધ્યયન ગ્રંથ અને પદસંગ્રહ' લેખમાં મંજુલાલ મજુમદારના સંપાદન વિશે વિગતે નોંધ છે પણ ભૂપેન્દ્ર ત્રિવેદીના સંપાદન વિશે ઝાઝું કહ્યું નથી, અહીં સંતુલન જળવાતું નથી. ગુલાબદાસ બ્રોકર અને સ્નેહરશ્મિના વાર્તાસંગ્રહના અવલોકનમાં બ્રોકરના સંગ્રહનું અવલોકન ઉતાવળથી થયું હોય એવું લાગે છે તો સ્નેહરશ્મિના સંગ્રહ વિશે વિગતે વાત કરી છે. પન્નાલાલની નવલકથા 'મીણમાટીનાં માનવી'ની ચર્ચા ભાષા, કથાવસ્તુ અને સમાજદર્શનની રીતે કરે છે પણ સુરેશ જોશીની નવલકથા 'છિન્નપત્ર' સંદર્ભે નોંધે છે, " સામાજિક માળખું નહીં તો નવલકથા નહીં, એવા ગઈ કાલ સુધીના ખ્યાલને આવી આધુનિક નવલકથાઓએ ટકવા દીધો નથી; અને તેથી નવલકથાને સમાજના આંતરજીવનનો ઈતિહાસ કહીને ઓળખાવનારી વ્યાખ્યાઓને આવી કૃતિઓ ગાંઠતી નથી."(પા. ૧૩૭) પરંપરા અને આધુનિક નવલકથા વચ્ચે રહેલો ભેદ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આ રીતે ચીંધી બતાવે છે. નવલકથામાંથી નાટકની રૂપાંતરણ પ્રક્રિયા વિશે 'પૂર્ણિમા' નાટક સંદર્ભે  વિગતે ચર્ચા કરી છે. લાભશંકરના 'વહી જતી પાછળ રમ્ય ઘોષા'ના 'તડકો-૨' કાવ્ય વિશે નોધે છે, "... પ્રાસથી દોરવાવાનું વલણ તો ચાલુ જ રહ્યું છે. એને કારણે કાવ્યભાષા પર કવિનો કાબૂ નથી રહેતો એ શબ્દો નિ:સહાય બનીને તણાતા જાય છે."(પા.૧૬૩) લાભશંકરની કવિતા માટે આજે પણ આ વાત સાચી છે ત્યારે પૂર્વે નોંધેલી આયોનેસ્કોની વાત અહીં સાચી પડતી લાગે છે. લાભશંકરના સંગ્રહના અવલોકનમાં સમીક્ષાત્મક વલણ જોવા મળે છે. કૃષ્ણવીર દીક્ષિત આ અવલોકનો સંદર્ભે નોંધે છે, "તેમાં કોઈ કોઈ કૃતિનું વધારે પડતું વિસ્તૃત તો કોઈ કોઈનું અતિશય ટૂંકુ વિવેચન થયું છે તે ખરું અને તેને કારણે કંઇક અસંતોષ પણ અનુભવાય છે.પરંતુ લેખકની નિષ્ઠા અને પ્રામાણિકતા અને ન્યાયપ્રીતિ વિષે કશો સંદેહ રહેતો નથી."(૩)
      'અન્વીક્ષા'માં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની અભિવ્યક્તિ સ્પષ્ટ છે. ક્યારેક કટાક્ષમાં તો ક્યારેક તિર્યક રીતે પોતાની અભિવ્યક્તિ સાધે છે. જેમકે-
(૧) 'સર્જાતા સાહિત્યમાં જીવનમૂલ્યની માવજત' લેખમાં કહે છે, "પ્રકાશકોને અને વર્તમાનપત્રોના તંત્રીઓને માગ્યો માલ પૂરો પાડનાર આપણા કેટલાક લેખકોને લેખિનીબ્રહ્મચર્યની વાત આજે કોઈકે કરવી પડે એવો સમય આવ્યો છે."(પા.૨૭)
૨) 'ધૂપછાંવશૈલીનો સ્વાધ્યાય ગ્રંથ 'માં વિશ્વનાથ ભટ્ટે નિવેદનમાં પુસ્તક પ્રકાશનના વિલંબ સંદર્ભે કરેલા પ્રકોપ અંગે લખે છે, "કાદવ ઊડે તો તણખા ન ઝરે એવી સાદી વાત સંસ્કારસેવકોને કહેવાની ન હોય."(પા.૯૪)
         લેખકનું વિશાળ વાચન રહ્યું છે પણ એથી ક્યાંક બિનજરૂરી અવતરણો દાખલ થયા છે. જેમકે, 'ધૂપછાંવશૈલીનો સ્વાધ્યાય ગ્રંથ'માં જણાવે છે કે,"એલિયટ જેવા તો ત્યાં સુધી કહે છે કે કવિજીવનની એવી માહિતી કૃતિના રસાસ્વાદમાં કામયાબ નીવડતી નથી." (પા.૯૦) આવું કહ્યા પછી એ જ વાત રજૂ કરતું લાંબુ અવતરણ બિનજરૂરી બની રહે છે. પુસ્તકનો સંદર્ભ કે પાનાં સંદર્ભ ક્યાંક અપાયા છે તો ક્યાંક નથી અપાયા, એમાં એકસૂત્રતા જળવાતી નથી. 'ડૉ.' , 'શ્રી' વગેરે સંબોધનો તો ઠીક પણ 'સ્વ.' સંબોધન ખટકે છે. ક્યાંક વિવેચકનો 'હું ' જરા વધારે મોટો થઈને આવી અભિવ્યક્તિમાં પરિણમે છે, “ … આ વિદ્વાન લેખકના પાંડિત્યનો સંપૂર્ણ લાભ મળી રહો એવી શુભેચ્છા સાથે અમે આ પુસ્તકને સહર્ષ આવકારીએ છીએ.” (ભારતીય સૌન્દર્યશાસ્ત્ર, પા. ૮૭)
     'અન્વીક્ષા' માંથી પસાર થયા પછી પ્રથમ વિવેચનસંગ્રહ તરીકે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વિશાળ વાચન અને અભ્યાસનિષ્ઠાની પ્રતીતિ થયા વિના રહેતી નથી.  

                                    સંદર્ભ નોંધ
(૧) અન્વીક્ષા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્ર.- અશોક પ્રકાશન, મુંબઈ. ડિસેમ્બર, ૧૯૭૦
(૨) વિવેચનનું વિવેચન ,  જયંત કોઠારી, પ્ર.- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. સપ્ટેમ્બર,૧૯૭૬. પા. ૧૨૭
(૩) ભાવન , કૃષ્ણવીર દીક્ષિત, પ્ર.- રન્નાદે પ્રકાશન, અમદાવાદ. માર્ચ,૧૯૮૯. પા. ૧૦૨

 

ધ્વનિલ પારેખ

000000000

 

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index