'નર્મદ' : ગુજરાતી ભાષાનું પ્રથમ જીવનચરિત્રાત્મક નાટક

 

વ્યક્તિના જીવનસમગ્રમાંથી સામાન્ય રીતે સમગ્ર અસ્તિત્વને હચમચાવી મૂકતાં સંઘર્ષમય નાટયાત્મક પ્રસંગો નાટ્યકારને જૂજ પ્રમાણમાં સાંપડતા હોય છે. વીસમી સદીની પ્રથમ પચીસીમાં ગુજરાતી નાટ્યસાહિત્યનાં તખ્તા પર અર્વાચીનતાનો સબળ આવિષ્કાર ઝીલતાં કનૈયાલાલ મુનશી સાથે ચન્દ્રવદન મહેતા નાટકના સ્વરૂપમાં કેટલાંક યુક્તિપૂર્વકના પ્રયોગો કરીને પોતાની નાટ્યકાર તરીકેની વિશિષ્ટ છાપ અંકે કરે છે. ચન્દ્રવદન મહેતા રંગભૂમિની સભાનતાનો ઉત્કટ્તાથી નાટકમાં ઉપયોગ કરીને નાટયપોષક વાતાવરણ ખડું કરવામાં માહેર છે. અહિં તેમના જીવનરચરિત્રાત્મક નાટક 'નર્મદ'(૧૯૩૭)ને નાટયરૂપના સંસ્કારો કેવાં-કેવાં સાંપડ્યા છે તે જોવાનો ઉપક્ર્મ રાખ્યો છે.
સામાજિકજીવનમાં ચરિત્રના જાહેરજીવનમાં વિષમતા અને લાગણીની અંગતતા વિશે ચં. ચી. પૂર્વે બહુ ઓછાં નાટ્યપ્રયાસો થયાં છે. તે રીતે જોઇએ તો 'નર્મદ'(૧૯૩૭) ગુજરાતી નાટ્યસાહિત્યનું પ્રથમ જીવનચરિત્રાત્મક નાટક લેખવું પડે. ગુજરાતી ભાષાના આ પ્રથમ જીવનચરિત્રાત્મક નાટકમાં બંડ્ખોર, જોસ્સાપ્રેરક અને સુધારાના પ્રહરી એવાં નર્મદના વ્યક્તિતત્વને નાટ્યકારે નાટ્યરૂપ આપ્યું છે. નર્મદનું બહુરંગી વ્યક્તિત્વ ચન્દ્રવદન મહેતાને નાટ્યપોષક લાગ્યું હશે કે પછી સમાજ સાથે નિરંતર સંઘર્ષરત રહેતાં નર્મદની પ્રકૃતિ નાટ્યાવશ્યક પ્રસંગોમાં બંધ બેસતી હશે તે અંગે નર્મદની નાટ્યમય જીવનલીલા જવાબદાર હોવાની સંભાવના છે. ગુજરાતી જીવનચરિત્રાત્મક નાટકમાં એક મહત્વની વાત એ નોંધવી રહી કે આ સ્વરૂપના ઉદ્દગમકાળે ચન્દ્રવદન મહેતા વ્યક્તિતત્વને ચરિત્ર તરીકે પસંદ કરે છે, જેને તત્કાલીન સમાજમાં બહુ સ્વીકૃતિ નથી સાંપડી અને તેની હયાતી પછી તેના તમામ જીવનપગલાંઓ સમાજ માટે નવી દિશાઓના દ્યોતક બન્યાં છે. નર્મદનો સમગ્ર જીવનસંગ્રામ અથડામણોથી ભરપૂર હોયને નાટ્યોપકારક પ્રસંગોની કસોટીકારક ગૂંથણી આ દીર્ઘનાટકમાં થઇ છે.
ત્રણ અંકના આ નાટ્યવિધાનમાં નાટ્યકાર નર્મદના વ્યક્તિત્વપરિચયના પોતાની પૂર્વેના પ્રયાસોમાં કેવળ ઉમેરો ન કરતાં; તેમણે નર્મદની જીવનનાટ્યલીલામાંથી કેટલુંક જાળવી – કેટલુંક જતું કરીને નર્મદનું બહુરંગી વ્યક્તિત્વ ચરિત્રાત્મક સામગ્રીના નાટ્યસંકલનથી સિદ્ધ કર્યું છે. નર્મદના જીવનચરિત્રાત્મક સામગ્રીના આ નાટ્યસંકલનમાં ચન્દ્રવદન મહેતાની મૌલિક નાટ્યસૂઝ દેખાઇ આવે છે.
નાટકની શરૂઆત 'નાટકમાં નાટક'(play within play)ની પ્રયુક્તિથી થાય છે. સમગ્ર નાટક બેવડી રંગભૂમિ પર ભજવાઇ રહ્યું હોય એવી વિશિષ્ટ નાટ્ય-રજૂઆતથી નાટકની તખ્તાલાયકી સિદ્ધ થતી આવે છે. નાટકની મંડળી ચન્દ્રવદન મહેતાનું નર્મદના જીવન અંગેનું નાટક ભજવવા માટે તૈયાર થઇ છે. પરંતુ નાટકના કેટલાંક દ્રશ્યો ભજ્વવા માટે કેટલાંક 'વરિષ્ઠ પ્રેક્ષકો' વાંધો ઉઠાવે છે. નર્મદના સમયે પણ 'તુળજી વૈધવ્યચરિત્ર' ભજવતી વખતે 'વાંધા ઉઠાવનારા' હતા તેમ નર્મદ વિશેનું નાટ્ક ભજવતી વખતે પણ આવા 'વાંધા ઉઠાવનારા વરિષ્ઠ પ્રેક્ષકો' સામાજિક અને સાંસ્કૃતિક વાડાબંધીના પરિચાયક છે. નર્મદે પોતાના સમયમાં કરેલાં પ્રશ્નો કોઇ પણ સમયમાં ઉત્તરહીન સાબિત થયાં છે ! નર્મદના સામાજિક સંઘર્ષનું સમાધાન ચં. ચી. સુધી તો સાંપડ્યું નથી જ; અને આજે સાંપ્રત સમયમાં પણ એ સંઘર્ષના પૂરાં સમાધાન તો નથી જ થયાં. નાટકકાર ચન્દ્ર્વદન મહેતા એ રીતે પણ નર્મદના જીવનસંદેશના નાટ્યવાહક બન્યાં છે. નાટકની અંદર નાટકની પ્રયુક્તિમાં સમાજરક્ષક એવી પોલીસ પણ નાટ્યલેખક ચન્દ્રવદન મહેતાએ પ્રયોજેલા નર્મદરચિત બે ગીતો રદ કરવાનો આદેશ આપે છે. અહીં નાટ્યલેખકનો ડઠૄર સમાજ પ્રત્યેનો નાટ્ય આક્રોશ રહેલો જોઇ શકાય છે. નાટકમાં મહાજનો પણ પોતાના પરંપરાગત રીતરિવાજો અંગેનું નાટકમાં આવતું ફારસ ભજવવા સામે વિરોધ નોંધાવે છે. આ પ્રકારના નાટ્યાંતર્ગત વિરોધોના સંકલનથી થાકી-હારીને સૂત્રધાર પ્રેક્ષકોમાં રહેલા લેખક ચન્દ્રવદન મહેતાને બોલાવી આમાંથી કંઇક રસ્તો કાઢવા વિનંતી કરે છે. ચન્દ્રવદન પોતાના સાફ મિજાજ પ્રમાણે નાટકમાંથી એક લીટી પણ કાઢવાની મનાઇ કરે છે અને વિરોધની વચ્ચે આ જીવનચરિત્રાત્મક નાટક 'નર્મદ'નો પ્રારંભ થાય છે. નાટ્કની રજૂઆત અંગેના મૂળ દ્રશ્યોમાં ખુદ પોતાના સમયની રંગભૂમિની અપ્રગતિશીલ પરિસ્થિતિ વિશે સ-કટાક્ષ ચિતાર આપવાનો લાભ લેતાં રહી ચન્દ્રવદન મહેતા નર્મદના વિચારો પ્રત્યેની વીસમી સદીની કેટલીક અસહિષ્ણુતાઓ પણ વ્યકત કરી લે છે.
નાટ્યારંભે જ લેખકે કોઇ જોશી દ્વારા કરાયેલી આગાહીને લીધે ડરી જ્તાં લોકો દર્શાવીને બાળલગ્ન, વળગાડ, અંધશ્રદ્ધા, રેલગાડીને દાનવ ગણતાં લોકોનું અજ્ઞાન વગેરે નર્મદના સમયની લાક્ષણિકતાઓનું છૂટક-છૂટક પ્રસંગો દ્વારા રંગનિદર્શન કરીને નર્મદના તત્કાલીન સમયને નાટ્યવાણી આપી છે. નાટકમાં ત્યાર પછીનો તરતનો પ્રસંગ આવે છે નર્મદ-જીવન સાથે જોડાયેલો ન્યાતભોજનનો. પ્રસ્તુત જીવનચરિત્રાત્મક નાટકમાં ચરિત્ર(નર્મદ)નો પ્રવેશ ખુલ્લી છાતીએ જાહેરમાં નાતભોજન માટે નાગર સ્ત્રીઓને બેસાડવાનાં રિવાજનો વિરોધ કરવાના દ્રશ્યથી થાય છે. તત્કાલીન સમાજજીવનની આચાર-વિચારની દરિદ્રતા, રૂઢિચુસ્તતાની સામે આ નર્મદ જેવા સામાજિક અગ્રણીની નીડર નેતાગીરી અને ટેકીલા સ્વત્વનો નાટ્યાર્થ ક્યાસ કાઢવામાં ચન્દ્રવદન મહેતાને ધારી સફળતા મળી છે. એ પછીના દ્રશ્યમાં નર્મદને કવિ લાલદાસની કવિતાઓની નકલ ઉતારતો દર્શાવ્યો છે. નાટકમાં ચરિત્રના જીવનની સત્યપૂત જીવનઘટનાને સ્થાન આપવાનું હોવાથી નર્મદજીવન સાથે જોડાયેલ જદુનાથ મહારાજ સાથેનો સંઘર્ષ વૈષ્ણવ શેઠ તાપીદાસ નર્મદપત્ની ડાહીગવરી પાસે આવીને નર્મદને રોકવાની વિનંતી કરે છે, એ દ્રશ્યમાં તત્કાલીન સમયમાં જદુનાથ મહારાજ સામે નર્મદે જાહેર વિરોધ કર્યો હોવાથી તાપીદાસની વિનંતીઓને વશ થયા વિના નર્મદ જોસ્સાભેર કહી દે છે કે પોતે જદુનાથને ખુલ્લો પાડીને જ જંપશે. નાટકમાં પ્રયોજાયેલી તાપીદાસની સૂરતી એવી બોબડી ભાષાના નિયોજનથી નાટકની મંચનક્ષમતામાં પણ ઉમેરો થાય છે. તાપીદાસ અને નર્મદના સંવાદોમાંથી નર્મદનો ટેકીલો સ્વભાવ પરખાય છે, જુઓ :
"તાપીદાસ : પણ ટમે આ માંડી વાળો અને ડાહ્યા ઠઇને ઘેડ બેસો. આ આપણા કામ નહિ. ગમે ટેમ પણ જડુનાઠ મા'ડાજ ઇશ્વડનો અવટાડ, એની સાઠે વાડવિવાડ?
નર્મદ : (ઉશ્કેરાઇને) લોકોના પૈસા ધૂતીને રંડીબાજી કરનારને તમે ઇશ્વરનો અવતાર કહો છો? શરમ છે! શી મૂર્ખાઇ કરો છો !
તાપીદાસ : અડડ ડડડ ! શું બોઇલા સું બોઇલા કવિ! કાં નડકમાં પડો ! આ શું બોલો છો !
નર્મદ : ખરું બોલું છું. તમારાં મંદિરોમાં જે અનાચાર થાય છે તેથી તો તોબા શેઠ્જી ! તમારા જવાનિયા મહારાજો તો મોટે ભાગે બાંકેલાલ જ હોય છે. એ જવાનિયા વધુ તો સ્ત્રીઓને જ તાકે છે તથા તેઓને માટે જ તલપે છે. અરે જવા દો, મને વધારે નહિ બોલાવો."('નર્મદ' : ચં. ચી. મહેતા, સમગ્ર નાટ્યકૃતિઓ, ત્રિઅંકી(3),પાના નં.૪૧૬–૪૧૭)
જદુનાથ મહારાજની પાપલીલાઓને ખુલ્લી પાડવામાં નર્મદને કિસનદાસ કે ઝવેરીલાલ જેવાઓના સમર્થન કે સહકાર સાંપડે છે. નાટકના એ પછીના દ્રશ્યોમાં ગૌરીવ્રત પ્રસંગે છોકરીઓને નર્મદરચિત ગીતો ગાતી દર્શાવાઇ છે, ત્યારબાદનું દ્રશ્ય સાહિત્યવીર નર્મદના મુંબઇના ઘરનું છે. જ્યાં નર્મદ મિત્રો સાથે મહેફિલને માણી રહ્યો છે. આ નાટ્યાત્મક પ્રસંગમાં નર્મદના સ્વભાવવૈવિધ્યનું નિદર્શન નાટ્યકારે કરાવ્યું છે. જેમાં તેની ઉદારતા, મિત્ર પ્રત્યેની વફાદારી, કલાપ્રીતિ, વધી ગયેલું લેણું,સર્જનાત્મકતા વગેરેનું નિદર્શન છે. આ જ દ્રશ્યને અંતે નર્મદ કલમનાં ખોળે માથું મૂકવાની આકરી પણ મનગમતી પ્રતિજ્ઞા કરે છે.
બીજા અંકના પહેલા દ્રશ્યમાં નવલરામ વગેરે સહદય સાથે નર્મદના સંવાદો મૂક્યાં છે. નર્મદના ગ્રંથ માટે નાણાકિય સહાય આપવાની તૈયારી બતાવનાર કરસનદાસ શેઠ સટ્ટામાં ખુવાર થઇ જાય છે, ત્યારે નર્મદના મિત્રો નર્મદને સલાહ આપે છે કે શેઠ કરસનદાસને અર્પણ કરવા ધારેલો ગ્રંથ અન્ય કોઇ સક્ષમ વેપારી પાસેથી નાણાં લઇને તેને અર્પણ કરવો. નાટકમાં નર્મદ મક્ક્મતાથી આમ કરવાની ના પાડે છે અને કરસનદાસ સાથેની મૈત્રી તેની નાણાકીય સ્થિતિ પર આધારિત નથી અને પોતે ગ્રંથ તો તેમને જ અર્પણ કરશે એવો નિર્ધાર વ્યકત કરે છે. કેવળ કલમને ખોળે માથું મૂકીને જીવનનિર્વાહ ચલાવવાની ટેક લીધા પછી બીજા અંકનું આ પ્રથમ દ્રશ્ય નર્મદના જીવનનું ચરિત્ર ઘડતર કરવામાં કામ આવે છે. આ પહેલાં મથુરદાસ શેઠ નિબંધસંગ્રહ માટે પૈસા આપવાનું કહીને ફરી ગયા હોવાનો અને એ નિબંધની ચોપડીઓ લૂંટાવી દેવાનો કડવો અનુભવ હોવા છતાં પોતે મિત્રધર્મમાં અડગ રહેવા માગે છે. જો કે કોશ તૈયાર કરવા માટે ભાવનગરનાં લોકો તરફથી મળનારી નાણાંકીય સહાય અટકી પડી હોવાથી નર્મદ ઘણો ચિંતિત છે તેવું નાટકમાં દર્શાવાયું છે. આમ છતાં તે પોતાનું પુસ્તક છપાવવાની, વિધવાવિવાહ, સ્ત્રીકેળવણી, બાળલગ્નનિષેધ, વૈષ્ણવી સાધુ-સંતોની પાપલીલાઓ ઉઘાડી પાડવાની અનેક પ્રવ્રુત્તિઓની વાત આયોજનપૂર્વક કહે છે.
એ પછી નાટકના દ્રશ્યમાં નર્મદે લખેલ વિધવાનાં વાળ ઉતારવાનાં અને વિધવા પુનર્લગ્નના દ્રશ્યો ભજવવામાં સૂત્રધાર પોતે જ ખચકાટ અનુભવે છે અને નાટ્યલેખક ચન્દ્રવદન મહેતાને જણાવે છે કે પ્રેક્ષકો આ નહીં સાંખી શકે ત્યારે ચન્દ્રવદન મહેતા પોતાની લાક્ષણિક શૈલીમાં સૂત્રધારને ખખડાવી નાખે છે અને પ્રેક્ષકો ઉપર પણ વેધક કટાક્ષો કરે છે. અંતે સૂત્રધારના આદેશથી દ્રશ્યથી ભજવાય છે. જેમાં તાપીદાસ શેઠનાં વર્તન-વલણની નિખાલસ વાતો છે. ગંગાદાસ નામનો તાપીદાસ શેઠનો મિત્ર વશીકરણ વિદ્યા જાણતો હોવાનો ડોળ કરતા ભૂવાને લઇ આવે છે. અહીં તાપીદાસની પત્ની અંબા અંને બીજી સ્ત્રીઓ નર્મદરચિત ગરબાઓ ગાય છે. આ જ સમયે તાપીદાસના કાકાના સાઢુ મર્યાના સમાચાર આવે છે અને તાપીદાસ અંબાને રોવા-કૂટવાનું કહે છે પણ અંબા રોવા-કૂટવાની મિથ્યા પ્રથાનો વિરોધ કરે છે. અંબાના આ વિરોધમાં તાપીદાસને નર્મદના 'સુધારાના વિચારો'ની ગંધ આવે છે. નર્મદની વૈચારિક સંપદા કેવી રીતે સમાજમાં પ્રસરતી જતી હતી તેનો એક નાટ્યાત્મક ચિતાર ચન્દ્રવદન મહેતાએ નાટકમાં આપ્યો છે.
ત્રીજા અંકના પ્રથમ દ્રશ્યમાં નર્મદના વિધવાવિવાહનો પ્રસંગ મૂકવામાં આવ્યો છે. નર્મદ નર્મદા સાથે આ વિધવાવિવાહ પોતાનાં પ્રથમ પત્ની ડાહીગવરીના સૂચનથી કરે છે. એ પછીના દ્રશ્યમાં અમૂલ્ય વસ્ત્રાલંકારોથી સુસજ્જ નવયૌવના ગુજરાતમાતાના રૂપે અન્ય કુમારિકાઓનાં સહકારથી નર્મદને રંગમંચ વચ્ચે બાજઠ ઉપર સ્થાન ગ્રહણ કરાવે છે. નાટકમાં આ દ્રશ્ય અચાનક આવી ચૂક્યું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. અહીં રજૂ થયેલી નર્મદની એકોક્તિમાં નરશાર્દૂલ વીર સુધારક, કવિ તેમજ પ્રેમી તરીકેનાં નર્મદનાં ચરિત્રનાં અનેક પાસાંઓ રજૂ થાય છે. નાટકમાં મૂકાયેલા પાર્શ્વધ્વનિઓ નર્મદને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રશંસા અને નર્મદના જયજયકારનાં સ્વપનદ્રશ્ય જેવી નાટ્યોપકારક સ્થિતિનું સંરચન નાટકને વધુ ને વધુ દ્રશ્ય-શ્રાવ્ય ઘટકો પૂરાં પાડે છે. આ દ્રશ્ય પછી નવલરામ વગેરે મિત્રો નર્મદને ગોકળદાસ તેજપાલનાં ખાતામાં નોકરી સ્વીકારી લેવાનો આગ્રહ કરે છે. નર્મદ 'કલમને ખોળે માથું' મૂકવાની પ્રતિજ્ઞા તોડીને નોકરી કરવા જાય છે. આ પછી અચાનક જ આગંતુક અને કંઇક અંશે વહેલા આવી ચૂકેલું દ્રશ્ય- નર્મદના અંતકાળનું દ્રશ્ય આવે છે. ચરિત્રજીવનના આ અંતિમ નાટ્યદ્રશ્યમાં પત્ની ડાહીગવરી, નર્મદાગવરી, કિલાભાઇ વગેરે સ્વજનો હાજર છે. આ બધાની હાજરીમાં નર્મદ પોતાના જીવનનો સંતાપ, જીવનની વેદના, જીવનનો નિર્વેદ, થાક વગેરે ભાવોને વ્યકત કરતા સંવાદો-એકોક્તિઓ સાથએ જીવનક્રમ ટૂંકાવે છે અને એક 'ઝળળ કસંબી' રંગમાં વિલીન થઇ જાય છે.

નાટકમાં એક પ્રસંગ નર્મદના જાહેર જીવનનો અને એક પ્રસંગ નર્મદના અંગત જીવનનો એવાં નાટ્યવસ્તુના સંકલનમાં લેખકનો મુખ્ય આશય નાટકની નાટ્યક્ષમતા અને તખ્તાલાયકી વિકસાવવાની સાથોસાથ નાટકના મુખ્ય ચરિત્રના જીવનનું સંતુલન જાળવવાનો પણ રહ્યો હોય તેમ જોઇ શકાય છે. બેવડી રંગભૂમિ પર સમતોલ રીતે ભજવાતું રહેતું આ નાટક વ્યવસાયી રંગભૂમિના બેવડા પડદા પાડવા-ઉઠાવવાની તરકીબને વસ્તુસંવિધાનના સંકલનમાં કામ લાગે છે. નર્મદના જીવનના વ્યક્તિલક્ષી પ્રસંગો અને સામૂહિક પ્રસંગો સંઘર્ષ જન્માવવામાં ઉપકારક નીવડ્યા છે. નર્મદના તત્કાલીન જીવનકાળ સંદર્ભને વ્યકત કરવા માટે નાટ્યકારે નાટ્યકળામાં તાદ્રશ્યતા આણવા સૂરતી બોલીનાં લય-લહેકા કે લઢણોને કામે લગાડ્યાં છે. આ ઉપરાંત રંગલાની રમૂજ, નર્મદરચિત કાવ્યપંક્તિઓનું યથાસૂઝ નાટ્યનિયોજન, સંઘગીત અને ગરબાનું સંકલન નર્મદના ચરિત્રાત્મક જીવનની સામગ્રીને નાટ્યક્ષમ અસરકારકતા બક્ષે છે. નાટકમાં ઘણે સ્થાને આવતાં સંદર્ભો પરથી સમજાય છે કે નર્મદની શતાબ્દિ નિમિત્તે આ નાટક લખવા માટે લેખકે 'મારી હકીકત', 'નર્મગદ્ય' અને 'નર્મકવિતા' જેવા નર્મદરચિત ગ્રંથો ઉપરાંત 'જૂનું નર્મગદ્ય', 'વીર નર્મદ', 'પ્રવીણસાગર લહેર', 'ગુજરાતી' સાપ્તાહિકમાંના નંદનાથના લેખનો તેમજ નર્મદ વિશેના જ્યોતીન્દ્ર દવેના લેખનો આધાર લીધો છે. આ તમામ નર્મદજીવનના સંદર્ભોનું નાટ્યોચિત્ત સંયોજન ચન્દ્રવદન મહેતા 'નર્મદ'(૧૯૩૭) નાટકમાં કુશળતાથી કરી શક્યા છે. ટૂંકમાં નર્મદની શતાબ્દિ નિમિત્તે લખાયેલા આ નાટકની રચના પાછળનો હેતુ નર્મદનું ચરિત્ર ચિતરવાનો રહ્યો હોય એમ જ લાગે છે. નર્મદના બહુરંગી વ્યક્તિત્વનાં વિવિધ પરિમાણો પ્રસંગાવલિઓમાં રસી-ગૂંથી લઇને ચન્દ્રવદન મહેતાએ નર્મદને યોગ્ય નાટ્યતર્પણ કર્યું છે. જો કે નાટકમાં નર્મદનાં સ્ત્રીરસિક અને કાવ્યરસિક ચરિત્ર તરીકેનાં પાસાં, વ્યસન કરવાની આદત આલેખાયા નથી. સમગ્ર નાટકમાં ચન્દ્રવદન મહેતાએ નર્મદનાં 'વ્યક્તિ' તરીકેના ઉજળાં પાસાંઓને જ નાટ્યરૂપ આપ્યું છે. નર્મદના ચરિત્રલેખનમાં નાટ્યકારનો ગુણગ્રાહી દ્રષ્ટિકોણ 'સમગ્ર નર્મદના ચરિત્ર' ને વ્યકત ન કરતાં એક 'અધૂરું જીવનચરિત્રાત્મક નાટક' હોવાનું સૂચન કરી રહ્યું છે.

 

(સંદર્ભ: 'નર્મદ'(૧૯૩૭) લેખક: ચન્દ્રવદન મહેતા, 'સમગ્ર નાટ્યકૃતિઓ'-પ્રકા.ગુજરાત સાહિત્ય અકાદમી, પ્ર.આ.:૧૯૮૯)

 

પ્રા. દિકપાલસિંહ જાડેજા(સરકારી વિનયન કૉલેજ, તળાજા)
e-mail : dikpal.28@gmail.com, mo.: 9375781129.

000000000

 

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index