ભાગ- 4
રોમીયો અને જુલીયટ
મુખ્ય વાર્તા લેખક- માટ્ટઓ બેન્ડેલા.
અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ- મહેન્દ્ર ભટ્ટ

(રોમીયો અને જુલીયટ- ના નામથી અજાણ એવો કોઈ જણ શોધવો અઘરો પડે. વિશ્વભરમાં જાણીતા આ પ્રેમીઓના નામ અત્યંત પ્રસિદ્ધ છે. પરંતુ એ મૂળમાં એમની વાત શું હતી – એનાથી અવગત ન હોય એવા ભાવકોને આ રચનાની જાણકારી મળી રહે તે હેતુથી આ કથાને સાહિત્યસેતુમાં હપ્તાવાર પ્રકાશિત કરવામાં આવનાર છે. આશા રાખીએ છીએ કે આપ સૌ આ કથાનો આનંદ ઉઠાવો. પ્રતિભાવો આપશો એવી અપેક્ષા રાખીએ છીએ.   - સંપાદક)

 

જુલિયટ વિલાપ કરતી રહી. રોમિયોનું કૃત્ય કોઈ રીતે એની સમજમાં ઉતરતું ન હતું. એ વિચારતી રહીઃ આડે ન આવ્યું તેં આપેલ વચન...તારી કીર્તિ કલંકિત કેમ કરી..મને કરી દુઃખીયારી, અનાથ, તારી આ સહધર્મચારિણી અને મિત્ર...એટલી જ જો તરસ હતી તને કેપેલેટના લોહીની તો કેમ છોડ્યું મારું આ તને વહાલું હ્ય્દય... જે હતું તારા હવાલે, ખાનગી એકાંત સ્થળે... મારા પર મેળેલ વિજય તારા એ મહત્વકાંક્ષી મન માટે પુરતો નહોતો... તે તેં મારા સગાવહાલાના લોહીના રંગે તેને વધારે ભવ્ય બનાવ્યો...જા હવે અન્ય સ્થળે જઈ છેતરજે અન્યને તારા એ મોહક વ્યક્તિત્વ વડે, ફસાવજે કોઈને તારી ભ્રમ જાળમાં, પણ તારું મોં ન દેખાડજે મને. હું છું ત્યાં આવીશ નહીં ફરી. મારા દુભાયેલા મનને તારો બચાવ શાતા નહીં આપી શકે. શેષ જિંદગી વિલાપમાં વિતાવીશ. આંસુ સુકાઈ જાય, શરીર માટીમાં મળી જાય ત્યાં સુધી.
આટલું બોલતાં બોલતાં તો એનું હ્ય્દય ભરાઈ આવ્યું અને તેના કોમળ શરીરને એટલો બધો તો શ્રમ પડ્યો કે ન તો તે આગળ બોલી શકી કે ન તો રડી શકી. મૂર્છિત થઈ પડી, નિષ્પ્રાણ જેવી. પણ ધીમે ધીમે જાત પર કાબુ મેળવતી ગઈ અને ભાનમાં આવી હોય તેમ બોલી.
ઓહ, બીજાની કીર્તિને વખોડતી જીભ, દુશ્મનો પણ જેને વખાણતા થાકતા નથી, તેના માટે કેવું બોલે છે તું...તારા રોમિયો પર આવું દોષારોપણ .. એ પણ જે સાવ બેગુનાહ છે. નિર્દોષ છે. તેના માટે તું આવું બોલે છે. તો પછી તે આશરો શોધશે ક્યાં...તું તો માત્ર તેનું સલામત આશ્રયસ્થાન...દુઃખનું એકમાત્ર આશ્વાસન.. અને તું ઉઠીને તેને અપકીર્તિ આપે છે....લે, રોમિયો મારા કૃતઘ્નિપણાનો સંતોષ... મારા જીવનનું આથી વધારે સાર્થક બલિદાન કયું હોય...તારી વફાદારીને મેં જ દગો કર્યો તે ભલે દુનિયા આખી જાણે. તારા પર વેર લેશે લોકો. અને મારી ભૂલ માટે આપશે સજા. આમ બોલતા બોલતાં તો તેની તમાર શક્તિઓ હણાઈ ગઇ.
આ તરફ જુલિયેટને ન જોતા તેની વૃદ્ધ આયા તેને શોધવા મહેલમાં દરેક જગ્યાએ ફરી વળી. તેને ખબર ન પડી કે જુલિયેટ ક્યાં અદૃશ્ય થઈ ગઈ...અંતે તેણે તેને તેની શૈયા પર પડેલી જોઈ. શરીર તો ઠંડુગાર. જાણે આરસપહાણ ન હોય.. વૃદ્ધાને થયું કે તે મૃત્યું પામી. તેથી તે રડવા માંડી. તેને કંઈ સમજાતું ન હતું. તે બોલીઃ – અરે મારી વહાલી દીકરી, તારા મૃત્યુથી મને કેટલો આઘાત લાગ્યો છે. કેટલો શોક છે મને... બોલતાં બોલતાં તેના શરીર પર હાથ ફેરવતી ગઈ. હાથ ફેરવતા તેને જીવનનું આશાકિરણ માલુમ પડ્યું. તે તેને ઢંઢોળવા લાગી. અંતે જુલિયેટ મૂર્છામાંથી જાગૃત થઈ. જુલિયેટ, મારી વહાલી શું થઈ ગયું છે તને...શાને આટલો બધો ખળભળાટ...દુઃખ શેનું છે...આ દર્દ શેનું છે... આ બેસુમાર ભારણ...
અરે મા, શું તું નથી જાણતી આ આંસુ, દુઃખ, દર્દ અને ફરિયાદનું કારણ...એકી સાથે બે બે જણને ગુમાવ્યાં છે મેં. મને બન્ને ખુબ વહાલા હતા. ..મને લાગે છે કે તારી જેવી ગુણિયલ યુવતિને આ અતિરેક શોભે નહીં. આફતના સમયે સ્વસ્થ રહેવું ડહાપણભર્યું હોય છે. અને થિબાલ્ટ તારા આંસુથી હવે દુનિયામાં પાછો તો નથી ફરવાનો. તેની ઉદ્દંડતા પણ કંઈ ઓછી નહોતી. શૌર્ય અને પુરુષાતનમાં બિલકુલ ઉતરતો નહીં તેવા રોમિયોને હુમલો કરી ગુસ્સે કરવો તેને માટે યોગ્ય નહોતું. રોમિયો શું કાયરની માફક જોતો રહે... એમાં એણે ખોટું શું કર્યું છે... શું તારા માટે એ પુરતું નથી કે રોમિયો તો જીવે છે હજી. એ તો એવી વાત છે કે જીવતો નર ભદ્રા પામે. દેશનિકાલની સજા તો કદાચ કાલે પૂરી થાય. તું તો જાણે છે બધાનો તે કેટલો માનીતો છે...ખુદ પણ કેટલો મહાન છે. માટે શાંત થા. નસીબજોગે અત્યારે તારાથી એ દુર છે પણ મને ખાતરી છે કે, એક દિવસે એ જરુર તારી પાસે પાછો ફરશે. વિચારી જો કે એ પણ કેટલી મધુર, સુખકર અને આનંદદાયક હશે. હમણાં તો તે કઇ પરિસ્થિતિમાં છે તેની ભાળ મેળવવી રહી. જો આ ભારણ દૂર કરવાનું તું મને વચન આપતો હું હમણાં જ જાઉં ફાધર લોરેન્સ પાસે અને ભાળ કાઢું તેની.
જુલિયેટલને તેની વફાદાર આયાના શબ્દોમાં વિશ્વાસ બેઠો. તે શાંત થઈ ગઇ. વૃદ્ધ આયા તરત જ ફ્રાયર લોરેન્સ પાસે પહોંચી. ફ્રાયરે કહ્યું કે, રાત્રે રોમિયો જુલિયેટને મળવા નિયત સમયે જરૂર આવશે, અને શું કરવું તે અંગે વાત કરશે.
રોમિયોની પરિસ્થિતિ એક સાગરખેડુ જેવી હતી. આફતના તોફાનમાં અહીં તહીં અથડાયા પછી આશાના કિરણ સમાન, ઉતરવા લાયક જમીન જૂએ અને બચી ગયાનો ખાત્રીપૂર્વક અહેસાસ થતાં આનંદ અનુભવે. પણ બીજી જ ક્ષણે ફરી સમુદ્ર ઉછળે અને મોજા ઉગ્ર બની ગર્જના કરતા દેખાય અને મોતના જડબામાં ઘકેલાયાની લાગણી થાય. એમ ઘડીમાં સુખ તો ઘડીમાં દુઃખ. પળેપળ પલ્લા નમતા હતા. આખરે નિયત સમયે વચન પ્રમાણે તે ઉપડ્યો અને લટકતી નિસર્ણીની મદદ લઇ પહોંચ્યો જુલિયેટના શયનખંડમાં, પહોંચતા જ તેણે જુલિયેટને પોતાની બાહોમાં સમાવી લીધી અને બોલ્યો.
મારી વહાલી સખી, મને તો હતું કે આપમા લગ્નથી આપણા કુટુંબોમાં આનંદદાયક સુમેળ અને સંપ બની રહેશે. મેં વરની પૂર્ણાહૂતિનો ઉદ્દેશ ઇચ્છ્યો હતો અને ઇશ્વરે નિર્મેલી સ્થિતિમાં પાછળનું જીવન વ્યતિત કરવાની મને આશા હતી. મારો ઇરાદો સ્વચ્છ અને પારદર્શક હતો. પણ બન્યું કંઈક તેનાથી સાવ વિપરીત. કુદરતની ગતિ ન્યારી છે. આવી ઇચ્છાના બદલામાં મને મળી રખડપટ્ટી, જુદા જુદા પ્રદેશમાં ભટકવાનું, મિત્રોથી જુદો, અલગ એકલો, નહીં રહેઠાણની કોઈ જગ્યા નિશ્ચિત. આમાં હું તને શું કહું કે મારી ગેરહાજરી દરમિયાન તું શાંતિથી કેમ, ક્યાં રહીશ...
બસ, વેદનાથી ભયભીત બનેલી જુલિયેટના આંસુએ તેને બોલતા અટકાવી દીધો. તે બોલી – રોમિયો, તું આટલો પથ્થરદિલ ઇન્સાન કેમ બની ગયો...ક્યાં ગઈ તારી દયા...કેમ મુકી મને એકલી, ઘેરાયેલી આ ઘાતકી વેદનાઓમાં...ના, ના રોમિયો તારે બેમાંથી એક વાતે તો નિર્ણય કરવો જ પડશે. કાં તો તું જા પછી તરત જ આ બારીએથી પડતું મૂકું અને મારું જીવન સમાપ્ત કરી દઉં. નહીંતર લઇ જા મને તારી સાથે. જ્યાં જ્યાં તું જઈશ ત્યાં તારા પડછાયા માફક રહીશ અને પથદર્શક બની તને મર્ગદર્શન આપીશ. કારણ હું તારામાં ઓતપ્રોત બની ગઈ છું કે તું જઈશ પછી નિશ્ચેત બની જશે મારું આ શરીર. મારું જીવન હેતુવિહિન થઈ જશે. મને તારા વગર જીવવાની ઇચ્છા જ નથી. તારા સાન્નિધ્યમાં જ મને સુખ પ્રાપ્ત થાય છે. માટે આ બદનસીબને તારી સાથે લઈજા. તને આજીજી કરું છું. રોમિયો તું એક માત્ર તો છે મારો આધાર. હું તારા નોકર તરીકે રહીશ. બસ. તારા દુર્ભાગ્યની સાથી. અને તને જો એમ હોય કે મને આ વેશમાં તારી પત્ની તરીકે તું મને સાથે રાખી નહીં શકે તો હું વેશપલટો કરવા પણ તૈયાર છું કે પછી તને એવો શક છે કે તારા વફાદાર નોકર પેટ્રો કરતાં મારી સેવા ઉણી ઉતરશે...તેના કરતાં મારી નમકહલાલી કે વફાદારી ઓછી પડશે...મારા સૌંદર્યની સ્તૃતિ કે વારંવાર કરી છે શું તને હવે તેના માટે માન રહ્યું નથી...મારા આંસુ, મારો પ્રેમ, એ સુખદ પળો, આનંદ, જે કાંઈ તેં અનુભવ્યું છે મારા સાનિધ્યમાં તે બધું શું વિસ્મૃત થઈ ગયું...
જુલિયેટની આવી દશા નિહાળી, તે વધારે કંઈ બોલે તે પહેલાં તો રોમિયોએ તેને પોતાની બાહોમાં સમાવી લીધી. પ્રેમભર્યું ચૂંબન આપતા તે બોલ્યો, બસ કર જુલિયેટ, મારા દિલની સમ્રાજ્ઞી, ઇશ્વરની સાક્ષીએ તને વિનંતી કરું છું કે જે ઉત્કટ પ્રેમ હું તારા માટે અનુભવું છું તેના સોગંદ, આવા ખોટા વિચાર કરવાનું છોડી દે. નહિંતર તું આપણા બંને માટે સંકટ ઊભું કરીશ. તેમ છતાં તારા મનનાં વિચારો પ્રમાણે જ કરવાનો આગ્રહ રાખીશ તો તો પછી વિનાશ નિશ્ચિત જ છે.  તારી ગેરહાજરીની જાણ તારા પિતાને થશે કે તરત તે આપણો પીછો કરશે અને પકડી પાડશે. અંતે બંનેને ક્રૂર સજા થશે. મને ચોરી કર્યાની અને તને પિતાની આજ્ઞાના ઉલ્લંઘનની. ઉલ્લાસભર્યા આપણા જીવનની પરિકલ્પના ત્યાં જ પૂરી થઈ જશે. શરમજનક મૃત્યુ તેના પર પૂર્ણવિરામ મુકી દેશે. માટે બુદ્ધિથી કામ લે. થોડા સમય માટે ગોપાવી દે તારા આ વિચારને. મારી હદપારીના સમય દરમિયાન હું કંઈક એવું કરી બતાવીશ કે બે ચાર માસમાં મારી સજા માફ થઇ જાય અને ઘરે પાછો ફરું. જો એમ ન થાય તો પણ મિત્રોની મદદ લઇ બળજબરીથી લઇ જઈશ તને વેરોનાની પાર, એ પણ નકલી વેશપલટામાં નહીં. હા, મારી પત્ની તરીકે. હંમેશના જીવનસાથી તરીકે. પરંતુ તે દરમ્યાન ધીરજ ધરજે અને ખાત્રી રાખજે કે મૃત્યુ સીવાય આપણ બેઉને કોઈ વિખુટા પાડી શકશે નહીં.
રોમિયોની વાત જુલિયેટના દિલમાં ઉતરી ગઇ. તે બોલી, મારી વહાલા મિત્ર, તારી ઇચ્છા અને આનંદ ખાતર તું કહે છે તેમ હું કરીશ. તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારું હ્ય્દય અને મારી શુભકામના તારી સાથે રહેશે. પણ એક વાત કહું કે, ફ્રાયર લોરેન્સ મારફત તારા સમાચાર મને મોકલતો રહેજે.
પ્રેમીઓએ બીચારાઓએ તે રાત આ રીતે પસાર કરી અને પ્હો ફાટતા અલગ પડ્યાં. બંનેને પારાવાર દુઃખ થયું. જુલિયેટની વિદાય લઇ રોમિયો પહોંચ્યો ફ્રાયર લોરેન્સ પાસે. બધી જ માહિતી તેને આપી. તે ત્યાંથી ઉપડ્યો, એક વેપારીના વેશમાં, વેરોનાથી દૂર અને વગર આફતે પહોંચ્યો મોન્ટૂઆ. ત્યાં તેણે એક મકાન ભાડે લીધું અને ઉંચા લોકોની સોબતમાં દિવસો વ્યતિત કરવા લાગ્યો. દુઃખનું ઓસડ દહાડા- એ ન્યાયે ધીરે ધીરે પોતાની વેદના ભૂલવામાં કામયાબ થયો.
પરંતુ આ તરફ જુલિયેટ બિચારીના હાલ-હવાલ તો એવા થયા કે તે પોતાનું દુઃખ છાનું રાખી શકી નહીં. તેના ચહેરા પરની ફિક્કાશ ચાડી ખાઈ ગઈ. તેને વારંવાર નિઃસાસા નાંખતી જોઈ તેની માતાથી ન રહેવાયું.- પુત્રી, જો તું આમ જ રહીશ તો તો હું ને તારા પિતા જલ્દી મૃત્યુ પામશું. અમે બંને અમારા જીવન કરતાં પણ વધારે તને ચાહીએ છીએ. તારું આ દુઃખ હળવું કર, આનંદમાં રહે. થિબાલ્ટના મૃત્યુના વિચાર કરવા છોડી દે. ઇશ્વરને ગમ્યું તે ખરું. તેને થિબાલ્ટની વધારે જરૂર હશે. શું તને એમ છે કે તારા આંસુથી દેવ પોતાની ઇચ્છા બદલી દેશે.
જુલિયેટ જવાબમાં એટલું જ બોલી. –થિબાલ્ટના મૃત્યુના આંસુ તો ક્યારનાય સુકાઈ ગયા છે. અશ્રૃનું ઝરણું હવે તો સાવ સુકાઈ ગયું છે. તેમાં હવે પ્રવાહ ફૂટે એ અસંભવ છે. પરંતું તેના શબ્દનો મર્મ તેની માતા સમજી શકી નહીં. તે શાંત રહી. તેને ડર હતો કે જો તે કાંઇ વધારે કહેશે તો જુલિયેટ વધારે નારાજ થઈ જશે. જો કે પુત્રીના વિષાદનું કારણ જાણવાના પ્રયત્નો તેણે ચાલુ રાખ્યા. તમામ પ્રયત્નો કરી  જોયા. છેવટે ઘરના નોકર-ચાકર સુદ્ધાને પણ પૂછ્યું. તેમના દ્વારા જાણવાની કોશીશ કરી, પરંતુ કંઈ વળ્યું નહીં. છેવટે તેણે એક દિવસ લાગ જોઈ તેના પતિ એન્ટોનિઓને વાત કરી.
મારા સ્વામી, તમે જો આપણી દીકરીનો ચહેરો અને વર્તણૂંક હમણાં ધ્યાનપૂર્વક નિહાળ્યાં હોય તો તેમાં થયેલ પરિવર્તનથી તમને જરૂર આશ્ચર્ય થાય. થિબાલ્ટના મૃત્યુના કારણે તે બહુ ઉદાસ રહે છે. તેણે ફક્ત માંસ, પીણાં કે ઉંઘ છોડ્યા છે એટલું જ નહીં પરંતુ તે સતત રડ્યા કરે છે. પોતાના શયનખંડમાં એકલી એકલી પડી રહે છે. જાત ઉપર દુલમ કરે છે, કેમ જાણે આપણે તેની કાળજી જ ન લેતા હોઈએ. દાળમાં કંઈક જરૂર કાળું છે. જો દુઃખનું કારણ જ ન સમજાય તો ઉપાય કરવાની તો વાત જ શી કરવી... મેં તો તમામ પ્રયત્નો કરી જોયા. પહેલાં તો મને થયું કે થિબાલ્ટના મૃત્યુનો આઘાત તેને લાગ્યો હશે પણ જ્યારે તેણે મને કહ્યું કે, એ આંસુ તો ક્યારનાય સુકાઈ ગયા. ત્યારે મને લાગે છે કે તેના વિષાદનું કારણ કંઈક અલગ જ હોવું જોઈએ. જુઓને તેની સહેલીઓ તો એક પછી એક પરણીને સાસરે ચાલી ગઈ અને આપણે આના માટે હજી કાંઇ વિચાર્યું નથી. કંઈક કરો, હું તમને કહું છું, ઘોડા છૂટી જાય એ પહલા તબેલાને તાળું મારો.

000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index