નક્કર કળાના આરાધકઃ વાર્તાકાર સુરેશ જોષી


ગુજરાતી સાહિત્યને ‘સુધારક યુગ’, ‘પંડિત યુગ’, ‘ગાંધી યુગ’, ‘આધુનિક’ અને ‘અનુઆધુનિક’- એવા તબક્કાઓ પાડીને જોવાનો એક ચાલ પડ્યો છે. આ યુગવિભાજનમાં બે તબક્કા એવા છે જેના પર કોઈ એક વ્યક્તિની જબરદસ્ત પક્કડ હોય. ‘ગાંધીયુગ’માં ગાંધીજી પૂર્ણકદના સાહિત્યકાર ન હોવા છતાં એમની ચળવળો, વ્યક્તિત્વ, વિચારો અને લખાણોનો એટલો મોટો પ્રભાવ પડ્યો હતો કે એમના સમકાલીન એવા અનેક પ્રતિભાશાળી સાહિત્યકારોની ઉપસ્થિતી છતાં ‘ગાંધીયુગ’થી એ તબક્કો ઓળખાય છે. બીજી વાર બન્યું આધુનિક ગુજરાતી સાહિત્યના સંદર્ભે. સુરેશ જોશીએ પોતાની બળવાખોર વિવેચના, મજબૂત આધાર ઊભો કરતી નવલિકાઓ, લઘુનવલના પ્રયોગો, નિબંધો અને કવિતાઓ તેમજ વિવિધ સામયિકો, ઉહાપોહ દ્વારા જે વારાવરણનું નિર્માણ કર્યું તે ‘ઘટના’ પોતે જ એટલી સક્ષક્ત બની રહી કે આધુનિકતા અને સુરેશ જોશી અભિન્નરીતે સંકળાઈ ગયા. આ ગાળાને ‘સુરેશયુગ’ કહીએ તોય ચાલે.

ભલે ‘મલિયાનિલ’થી વાર્તાઓ લખાવાનો આરંભ થયો હોય, પણ ગુજરાતી ટૂંકીવાર્તાનું કાઠું ‘ધુમકેતુ’એ ઘડી આપ્યું. એમણે વિષયો, નિરૂપણરીતિઓ, વૈવિધ્યસભર ભાવો અને અસરકારક અનુભૂતિ વિશ્વ સર્જવામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી તો ‘દ્વિરેફ’ અને ‘સુન્દરમે’ થોડો જૂદો માર્ગ પણ ચીંધી બતાવ્યો-‘સાવ છેવાડા’ના માણસ સુધી પહોંચવાની મહેનતનું પરિણામ એ આવ્યું કે ટૂંકી વાર્તા એ કલાપ્રકાર હોવાની વાત જાણે ઢંકાઈ જ ગઈ. દેશમાં આઝાદીની ચળવળો ચરમસીમાએ હતી, આઝાદ થવાની વાત હોય કે સામાજિક બદલાવની, શહેર-ગામડાં વચ્ચેના ભેદને સ્પષ્ટ કરવા હોય, હાંસીયામાં ધકેલાઈને સદીઓથી જીવતા માણસોની સંવેદનાઓ હોય કે શહેરીકરણના ચકરડામાં જોતરાઈ ગયેલા નગરવાસીની દશા હોય- દરેક લેખક નવી સિચ્યુએશન, નવી ચોટ, નવી વાર્તા- કરીને ભાવકના ચિત્તમાં લાગણીના ઉભરાઓ સર્જવાની હોડમાં મચી પડ્યો હોય એવું વાતાવરણ જામ્યું હતું. નિવડેલા પોતાની કેડીઓને મોટા માર્ગમાં પરિવર્તિત કરવામાં પડેલા, નવા એને એનુસરવામાં ને લેખકપણાનો નવો નવો કેફ સ્વાદવામાં મદમસ્ત હતા, હા ‘જયંત ખત્રી’- ‘જયંતી દલાલ’ કે ‘બકુલેશ’ જેવા કેટલાક અપવાદો પણ મળે - પણ મોટાભાગનાને મજા હતી જાણીતી ગોળીઓને ચૂસવાની- જાણીતી રીતિઓ, થોડા ફેરફારો સાથે આવતા હોઈ ‘નવા’ લાગતા વિષયો, વર્ણનો, વિવિધ વર્ગમાંથી આવતા પાત્રો જોઈને આફરિન પોકારી જતા આપણાં ભાવકો મજેથી કથારસમાં ડૂબકાં ખાતા હતા ને કમનસીબે વિવેચકો પણ ખાસ કશી ચિન્તા વિના છબછબિયાનો આનંદ ઉઠાવતા હતા.

1957માં સુરેશ જોશી એમનો પહેલો વાર્તા સંગ્રહ- ‘ગૃહપ્રવેશ’ લઈને આવે છે. સાથે એમની અતિ જાણીતી થયેલી પ્રસ્તાવના- ‘કિંચિત્’-પણ ગુજરાતી સાહિત્યમાં ઝીંકાય છે. આ વાર્તાઓ અને આ પ્રસ્તાવના દ્વારા એમણે રજૂ કરેલ વાર્તા-વિભાવનાએ સર્જકો, ભાવકો અને વિવેચકો- એમ સાહિત્યજગતના બધા જ સ્ટેકહોલ્ડરો માટે ભૂકંપની અસરો સર્જેલી. તત્કાલીન સર્જકો ગીન્નાયા એટલે કે એમની લખાવટ, એમની સિદ્ધ-પ્રસિદ્ધ થઈ ચૂકેલી વાર્તાઓનો છેદ ઉડતો હતો, ભાવકો એટલે નારાજ થાય એવી સ્થિતિ થઈ કે- તૈયાર ભાણે મળતો વાર્તારસ, ચમચીએ ચમચીએ કરાવાતું ભાવન કે રસાસ્વાદ અહીં સહેલાઈથી ઉપલબ્ધ નહોતો- સુ.જોની વાર્તાને પામવા મથામણ કરવાની જરૂર પડતી હતી, જેની એને ટેવ જ નહોતી. અને વિવેચકો માટે તો સ્વાભાવિક જ આ પડકાર અણધાર્યો હતો. વર્ષોથી તૈયાર મળેલી વિભાવનાઓ, આદિ-મધ્ય ને અંતના ચોખઠાં, પાત્રાલેખન કલાથી માંડી ભાષાના અલંકરણોની પરંપરાગત પદ્ધતિએ આંગળી ચીંધીને બતાવી શકાય એવી રચનાઓ ઉપર તો એમની દુકાનો ચાલતી હતી- એમની પર સુરેશ જોષીએ આકાર, ઘટના તિરોધાન, લીલા પ્રવૃત્તિ અને રુપાન્તરણ સિદ્ધ કરવાની વાત મુકી સાથોસાથ સાહિત્યનું પ્રયોજન- ચેતો વિસ્તાર, ચેતનાના પરિધિને વિસ્તારવું-એમ કહીને રીતસરના ચાલ્યાં આવતાં ચોકઠાંઓને ઉખાડી ફેંક્યા. આ સ્થિતિ અસહ્ય હતી બધાં માટે.

અને એટલે જ એના પ્રત્યાઘાતો પણ બહુ આકારા પડ્યા હતાં. શરુઆત ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના લખી આપનાર ત્યારના અગ્રણી વાર્તાકાર શ્રી ગુલાબદાસ બ્રોકરથી જ થઈ ગયેલી..! પછી તો જાણીતા અને અજાણ્યા, ક્યારેક નનામા તો ક્યારેક ઉછીના નામ ધરીને કેટલાય વિવેચકોએ સુરેશ જોશીની વિચારણાને અને એમની વાર્તાઓ વિશે- ‘એમની વાર્તામાં પ્રતીકો અને કલ્પનો આવવા ખાતર આવે છે’, કશી અનિવાર્યતાથી નહિ’, ‘બીન જરૂરી પુનરાવર્તનો’, ‘એક જ સરખા કલ્પનો’, ‘પ્રતીકોની ભરમાળ’ ‘સંવેદનવિશ્વોની એકવિધતા’ –વિશે બળાપા કાઢવામાં આવ્યા, કેટલાકોએ એમની વાર્તામાંથી એકસરખા શબ્દો, પ્રતીકો, પદાવલિઓ- અલગ કાઢી યાદીઓ કરીને કહ્યું કે ‘જુઓ આ વાર્તામાં કશું જ નથી’.

સમકાલીન એક સર્જકે તો સાવ સામા છેડે જઈને કહ્યું કે ‘હું તો ઘટના વિના એક ડગલું પણ ભરું નહીં’- ‘ઘટના નહીં તો વાર્તા નહીં’- એવા લેખકો બમણા જોરથી સુ.જો.ના વિચારોથી વિપરિત વાર્તાઓ લખવા માંડેલા- આ ગોકીરો એટલો મચ્યો ને વિદ્વાન વિવેચકો, સુપ્રસિદ્ધિમાં ન્હાતા લેખકોની આવી બૂમરાણે ગભરાયેલો ભાવક- બીચારો ગૂંગળાઈ ગયો. સામાન્ય રીત તો એવી છે કે, માણસને નવું ગમે છે, માણસમાં વિસ્મય જન્મે તે તો સૌને ગમે, કંઈક નવું હોય એટલે ખચકાટ જરૂર હોય પણ સાથોસાથ એ મનોમન નવું જોવા-સ્વીકારવા અને એની મજા લેવા તૈયાર થવાય મથે- પણ બૂમરાણ એટલી મચી કે કેટલાક વિવેચકોએ તો સુરેશ જોષી ઉપર એવું આળ પણ ચડાવી દીધું કે ‘એમણે ગુજરાતી ટૂંકી વાર્તાથી વાચકને વિમુખ કરાવી દીધો’. હજી પણ સામાન્ય છાપ એવી જ છે કે, સુરેશ જોષીને વાંચવા અઘરા પડે.

આવું કેમ થયું છે ?- એ સમજવા જેટલી આપણે સૌએ સહુષ્ણુતા દાખવવી પડે. સંસ્કૃત, અંગ્રેજી, બંગાળીથી માંડી વિદેશી સાહિત્યથી જે સમૃદ્ધ થયેલા છે એ સુરેશ જોશી ઇચ્છે તો તમને ને મને ગલગલિયા કરાવે એવી પ્રણયકથાઓ, જાસૂસકથાઓ કે પછી ગોવર્ધનરામ કે ‘દર્શક’ જેવી ઉભયમાર્ગી પ્રશિષ્ટ કથાઓ ઘસડી શકે એવી પ્રતિભા તો ધરાવતાં જ હતા- છતાં એ માર્ગ છોડીને શા માટે સરસ મજાની ચાલમાં રમમાણ એવા ગુજરાતી સાહિત્યને ઉપર-તળે કરવાની અને આવું આળ માથે લેવાની ઉધામાત એમણે કરી હશે ? એ સમજવા એમની રચનાઓને, એમની વિવેચનાને, એમના વિચારોને સમજવા પ્રયત્ન કરવો પડે. સદનસીબે- એમની હયાતીમાં જ એ પ્રયત્નો શરુ થઈ ગયેલા. અને હવે સમય એવો છે કે, માત્ર આધુનિક જ નહીં, પછીના અનુઆધુનિક કે કન્ટેમપરેરી ગુજરાતી સાહિત્યને સમજવું હોય તો પણ સુરેશ જોષીને સમજ્યા વિના ચાલે એમ નથી- એ એમનું પ્રદાન છે.

આ વાર્તાઓ આજે વાંચીએ છીએ ત્યારે ગુજરાતી સાહિત્યએ વચ્ચેથી છએક દાયકા વટાવી દીધા છે. એમની સાથે જ જેમની વાર્તાઓ પ્રકાશિત થતી હતી એવા કેટલાક વાર્તાકારો બદલાયેલા પ્રવાહો સાથે કદમ મિલાવીને આજે પણ સક્રિય છે- આજે ફરી પાછા સહેલાઈથી હાથમાં આવે એવી ઘટનાઓ, પરિવેશ, પાત્રો, મૂલ્યો, કશાક સંદેશ, કોઈ વાદ, વર્ગ કે આરંભ-મધ્ય કે અંતની વાર્તાઓના યુગમાં આવી પહોંચ્યા છીએ પણ એને તપાસીએ તો પણ સુરેશ જોશીએ જે પ્રયુક્તિઓ, જે રુપાન્તરણ અને ભાષા સાથે કામ લેવાનો વિશિષ્ટ આગ્રહ રાખેલો તેના સુ-ફળ જોઈ-પામી શકીશું. એમને વિરોધભાવે કે સમર્થનભાવે વિસારી શકીએ એમ નથી.

એમના કુલ પાંચ વાર્તાસંગ્રહો- ‘ગૃહપ્રવેશ’, ‘બીજી થોડીક’, ‘અપિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ‘એકદા નૈમિષારણ્યે...’માં કુલ વાર્તાઓ જોઈએ તો 62 જેટલી થવા જાય છે. અને શિરીષ પંચાલ કહે છે તેમ- સુરેશ જોષી જેવા સર્જકો ભિન્ન ભિન્ન કૃતિઓ દ્વારા એક આખું વિશ્વ ઊભું કરતા હોય છે. એટલા જ માટે આવા સર્જકોની બધી કૃતિઓને એકસાથે ધ્યાનમાં રાખવી પડે.[ . સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ(કથાસાહિત્ય) પૃ. 15, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી. ગાંધીનગર] અને આમ પણ સુરેશ જોષી આપણે જે રીતે સાહિત્યસ્વરૂપોની વિભાવનાઓ બાંધીએ છીએ એનો સ્વીકાર કરવાને બદલે એને વિવિધ ‘રસકોટિઓ’ તરીકે ઓળખાવતા હતા. એટલે એમના નિબંધો, વાર્તાઓ, લઘુનવલના પ્રયોગો કે કવિતા બધામાં તમને કશીક સળંગસૂત્રતાનો, કશાક સમાન સંવેદનવિશ્વનો અનુભવ થતો હોય છે. એને મર્યાદારૂપે પણ જોવામાં આવ્યું છે તો સામે છેડે કહી શકીએ કે આ એક એવો સર્જક છે જે પોતાના ચિત્તમાં પડેલું છે એને મૂર્ત કરવા, ઉત્તરોત્તર વધારે સઘન, વધારે આકારબદ્ધ, વધારે રૂપાન્તરિત કરીને આપણી સામે લાવવા ઈચ્છે છે અને એટલે વિવિધ ટેકનિક- પુરાણકથાઓ, દૃષ્ટાંતકથાઓ, પ્રતીકો, સન્નિદ્ધિકરણ, કપોળકલ્પનાઓથી માંડી વિવિધ ઓઝારો વાપરી વાપરીને એક અ-પૂર્વ એવો સર્જક ધર્મ બજાવી રહ્યાં છે. એ સમાજ પાસેથી સીધેસીધું ઉછીનું લેતા નથી, વિવિધ વિચારો, સંદેશાઓ, સિચ્યુએશનો, અપાર માનવમહેમરામણના પ્રશ્નો, જાણીતા સામાજિક પ્રશ્નો- આદિમાં જવાને બદલે એ પોતાની સાચકલી અનુભૂતિ છે- એ એમની આસપાસનું જગત બદલાઈ રહ્યું છે, ખાસ કરીને ભય અને કૂતુહલની આખી દુનીયા ખોઈ નાંખી છે, આસપાસના પરિવેશને, પ્રકૃતિને બાદ કરીને જ જીવવા લાગ્યા છીએ-પરિણામસ્વરુપ જે ગુમાવ્યું છે તે, આજના આપણઆં જીવનમાં ખોખલાઈ હોવા છતાં ટટ્ટાર ખડું હોવાના દમ મારતું જીવી રહ્યું છે- એ છળને, એ હકીકતના મૂળ સુધી જવામાં રસ ધરાવે છે. આ પ્રશ્નોથી પલાયન કરવાને બદલે પોતે શૈશવમાં ને પછીથી પણ જીવનરસનો સાચો અનુભવ કર્યો છે- એ બંનેને સામસામે મુકવાની મથામણ કરે છે. પાછી આવી મથામણ પણ જાણીતા અને સાવ જ લપટાં પડી ગયેલા રસ્તે નહીં- સાથોસાથ કલાકૃતિનું ઉચિત ગૌરવ થાય, કલાકારનું સાચું ગૌરવ થાય એ રીતે. એ સમયની સાથે વાસી થઈ જતાં વાર્તાકારને નથી ઇચ્છતા એટલે કલાધર્મનો આકરો રસ્તો શોધવાની મથામણ કરે છે. આમ કરતા આ વાર્તાકારને થોડી વધારે ધીરજથી સમજવો રહ્યો.

સુરેશ જોષીના આગ્રહો શા છે ? અને શા માટે ? એવા આગ્રહો રાખે છે તે જોઈએ-

  1. (1) ટૂંકીવાર્તા વિશે એમણે પહેલી વાત કહી તે સર્જનના પ્રયોજનની- અને એ છે લીલા. અને આ લીલા શબ્દને વધારે સ્પષ્ટ કરતા કહે છે- ‘અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ’. પછી વાતને આગળ વધારતાં કહે છે કે- ‘સ્થાયી ભાવ આઠ કે નવ ગણાવાયા છે પણ એ બધામાં વિસ્મયનો અંશ અનિવાર્યતયા રહ્યો જ હોય છે. આ વિસ્મય જ આપણી ચેતનાને વિસ્તારે છે. રસમાત્રનો આદિ સ્રોત આ વિસ્મય જ છે. એને ચમત્કાર કહો કે ચેતોવિસ્તાર કહો, એ જ સર્જન માત્રનું પ્રયોજન છે.’[કિંચીત્. સુ.જો.નું સાહિત્યવિશ્વ(કથાસાહિત્ય) પૃ.-11.]
  2. (2) બીજી વાત કરી તે તિરોધાનની, પરિહારની. વધું સરળ કરવા કહ્યું- ‘આપણે જે કહેવા ઇચ્છીએ છીએ તેને એનાથી જેટલે દૂર જઈને કહીએ તેમ વધારે મજા પડે. રમતમાં પ્રતિપક્ષી જેમ વધારે હંફાવે એવો હોય તેમ વધારે મજા.’
  3. (3) ‘સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે એ માન્યતાને ઘડીભર અળગી કરીએ ને સામે છેડેથી જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ fantasy આગળ..! નહીં ખાતરી થતી હોય તો બાળકની ક્રીડા જુઓ, એમાં ખુરશી ગુસ્સે થાય છે, લાકડી ઘોડો બને છે. બાળકમાં જીવનનો એવો તો ઉચ્છલ સ્રોત વહે છે કે એ પૂરવાળી નદીની જેમ વસ્તુવસ્તુના પાર્થક્યના કાંઠાને તોડીને બધું સમતળ કરી મૂકે છે. લાકડી, ખુરશી, ખીલો, ઢીંગલી – બધું એની સમકક્ષ બનીને જીવવા માગે છે. બાળક બધાંને જીવનની લહાણ કરે છે. કળાકાર પણ ! એટલે સત્યના સર્વાશ્લેષી પ્રસારમાં તો fantasy ને absurdity પણ સમાઈ જાય છે. સત્યના આલિંગનની જે બહાર રહ્યું તેની का गति ? સત્યના ઘણા મૂલ્યવાન અંશો આ fantasy અને absurdityની અંદર દટાઈને પડ્યા રહ્યા છે. કળાકાર સિવાય એનો ઉદ્ધાર કરવાનું બીડું કોણ ઝડપે ?
  4. (4) ‘જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ, એને પ્રગટ કરવામાં કળાનો વિશેષ રહેલો નથી. કળાનો વિશેષ રૂપવિધાનમાં છે, નવ-નિર્માણમાં છે.’ સતત પર્સપેક્ટિવ્ઝ બદલતાં રહેવા પડે, સીધું કથન કે એક જ બાબતને ફોકસમાં રાખીને વાત કહેવાને બદલે એકાધિક પરિમાણો, સન્નિધિકરણ, પારદર્શિતા, ક્રિયાત્મકતા ઉમેરવી પડે- નવી રીતે કહેવું પડે.
  5. (5) ‘ભાષા વ્યવહારમાં પણ પ્રયોજીએ છીએ અને સાહિત્યમાં પણ પ્રયોજીએ છીએ. એનાં આ દ્વિવિધ કાર્યને લીધે થોડી મુશ્કેલી ઊભી થાય છે. સર્જકે ભાષાનો નવો સંસ્કાર કરવો પડે છે. રૂઢ પ્રયોજનના સંદર્ભમાંથી એને મુક્ત કરી એને આગવું રૂપ આપવું પડે છે. માધ્યમને પ્રયોજવાની રીતિ એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે.’
  6. (6) ‘સાહિત્ય આપણામાં સાક્ષીરૂપ ચેતનાને આવિર્ભાવ સાધી આપે છે, જેને કારણે પરિમિત વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી આપણે અનુભૂતિઓને નહીં પણ અનુભૂતિઓના આકારને ઓળખતા થઈએ છીએ. આ આકારોને નિર્માણ દ્વારા ઓળખવાનો આનંદ કળાનો આગવો આનંદ છે. કળાનું કામ મૂલ્યબોધનું વ્યાકરણ આપવાનું નથી, વિધિનિષેધભરી સ્મૃતિઓ રચવાનું નથી, ને છતાં આપણા મૂલ્યોની રચનાને પહેલો ઘાટ કળા જ આપે છે- પ્રગટ રીતે નહીં, પ્રચ્છન્ન રીતે.’

0000000000

હવે, એમની કેટલીક વાર્તાઓને પ્રત્યક્ષ રીતે તપાસીને એમની વાર્તા-વિભાવનાને પણ સ્પષ્ટ કરતા જઈએ.

‘ગૃહપ્રવેશ’ની મોટાભાગની વાર્તાઓમાં પરમ્પરા સાથેનો અનુબન્ધ સ્પષ્ટ વરતાય છે, સાથોસાથ એ પોતે જે નવો રાહ લેવા ઈચ્છે છે તેના પ્રયોગ કરવાનું વલણ પણ આ રચનાઓ સાથે ક્રમશઃ વિકસતું દેખાઈ આવે એવું સ્પષ્ટ છે. જે કહેવું છે, એનાથી દૂર રહીને કહેવાની લીલા રચે છે. એ માટે એમની પ્રિય પ્રયુક્ત રહી છે સન્નિધિકરણની. ઘણી રચનાઓમાં આ ટેકનિકનો આશ્રય લીધો છે. આરંભની ‘જન્મોત્સવ’ કે ‘નળદમયંતિ’ જેવી રચનાઓમાં આ ટેકનિક એટલી ઘનીભૂત થઈ નથી એ જોઈ શકીએ છીએ-તેમ છતાં સમાન્તરે બે ઘટનાઓ, દૃશ્યો મુકીને કંઈક ત્રીજું જ પરિમાણ સર્જવાની દિશામાં એ સફળ રહે છે. કૃષ્ણજન્મનું દૃષ્ય અને સમાન્તરે જ મણકીની કૂંખે જન્મતા બાળકની ઘટના- બંને છેવટ જતાં બેકગ્રાઉન્ડમાં રહી જાય અને જે ઘેરું સંવેદનવિશ્વ સર્જવું છે તે મુખ્યરૂપે ઉપસી રહે તો ‘નળદમયંતિ’-ની ચિત્રાનો જીવનસંઘર્ષ અને નળ-દમયંતિનો જીવનસંઘર્ષ ભલે ધરાતલ જૂદાં હોય, પરિમાણો જૂદા હોય પણ સતિત્વના નવાં જ પરિમાણ સાથે, સાથોસાથ સૂક્ષ્મ આંતરસંઘર્ષ અને જીવનઆનંદ બ-ખુબી આકારિત થતો અનુભવીએ છીએ.

‘વાર્તા કહોને’ ની ચંપા- જે ગતિએ ઇન્દુભાઈના ઘરમાં પ્રવેશે છે, ચાંગળે ચાંગળે ઘી ખાય છે- એ, એ દરમિયાન ઇન્દુભાઈની પોતાની બાહ્ય અને ચૈતસિક સ્થિતિ કેટલા આછા અમથા લસરકે આપણી સામે ઉપસી રહે છે. આરંભના સંકેતોથી બંધાતી વાર્તાની દિશા ક્રમશઃ અંત આગળ આવતા કેવા કારુણ્યને, સાથોસાથ વાત્સલ્યને પ્રગટાવે છે તે સુરેશ જોશીની સર્જકીય પકડને સ્પષ્ટ કરનારી છે. આ વાર્તા સીધી જ તત્ત્કાલીન પરમ્પરા સાથે જોડાયેલી અનુભવીએ છીએ. પણ એમાં આલેખનની આંતરરીતિ બદલાઈ ગઈ છે. ચંપાની ક્રિયાઓમાંથી જન્મતો નિઃસંતાન હોવાનો અભાવ ને સામે છેડે અચાનક આવી પડેલી આ સ્થિતિમાં ઇન્દુભાઈનું વર્તન, મૃત્યુ પામેલી પુત્રી સાથે સધાતું સન્ધાન આ વાર્તાને નવતર બનાવે છે.

આ રચનાઓમાં પ્રયોજેલી ટેકનિકને તેઓ હાથવગી કરતાં કરતાં ક્યાંના ક્યાં લઈ આવ્યા છે- એ ‘રાક્ષસ’, ‘કપોલકલ્પિત’થી માંડી ‘બે સુરજમુખી અને’ સુધીમાં વિકાસતારૂપે જોઈ શકીએ એમ છીએ. આરંભની વાર્તાઓથી જ ખપમાં લીધેલી આ પ્રયુક્તિને જુદી જુદી રીતે, જૂદા જૂદા સંદર્ભો સાથે, વધુને વધું ભાતીગળ રીતે આલેખતા રહ્યાં છે.

બીજી થોડીક..
કુરુક્ષેત્ર- મહાભારત યુદ્ધના રૂપો ખાલી રાજકિય કે કૌટુંબિક કક્ષાએ જ થોડાં હોય છે? જૂઓ સુરેશ જોશી કઈ રીતે આકારિત કરે છે - બારણાની નજીક ડોસા માથે મોંએ ધોતિયું ઓઢીને સુતા હતા- સીધા સપાટ, જાણે હવે ઠાઠડી પર સુવાડવાનું બાકી રહ્યં ન હોય..! એમની જિંદગીનાં વાંકાચૂંકા પાંસઠ વરસોને મહામુશ્કેલીએ ચેહનાં લાકડાની જેમ ખડકીને એની ઉપર એઓ જાણે આરમથી પોઢ્યા હતા. રાંધણીના ભેજની દુર્ગન્ધ વચ્ચે બા અને ભાભી સૂતાં હતાં. આજે મોટાભાઈને ‘નાઈટ’ હતી, એટલે વચલા ઓરડામાં ગૃહસ્થાશ્રમ અમારે ભોગવવાનો હતો, ઊંઘના દુઃશાસને ભાભીના વસ્ત્ર અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં હતાં. બાના દાંત વગરના મોંની પોલી દાબડી એની બજરની દાબડીની જેમ અર્ધી ખુલ્લી રહી ગઈ હતી. ને પથારીમાં મારી બાજુમાં મારી પત્ની સૂતી હતી - ‘પત્ની’ શબ્દનોય ભાર ન વેઠી શકે એટલી નાની...!! (સર્જક ભાષા પાસેથી કેવું કામ લઈ શકે તે તપાસવા જેવું છે. વ્યવહારભાષાથી સર્જક ભાષા ક્યાં અને કેવી રીતે અલગ પડી છે તે..) નાયકના ચિત્તમાં ચાલતું યુદ્ધ ભલે શૂક્ષ્મ હોય, છે ભયાનક-
‘એ અન્ધકાર ને એ નિસ્તબ્ધતા- એને તળિયે ધબકતા બે જીવ. અમે બંને કંઈક સરજવા મથતા હતા. તૂટેલાફૂટેલા સંસારના ટુકડામાંથી હું કાંઈક સાંધી સુધી રચવા મથતો હતો. પણ સૃષ્ટિ અંધકારના ગર્ભમાં રચાય છે. માતાના ગર્ભાશયના અન્ધકારમાં શિશુ પોષાય છે. મારી પાસે એટલો અંધકાર નહોતો. એથી તો હું રખડી રખડીને અન્ધકારને તાગતો હતો ને મારી પાસેની આ નારી- મારા છિન્નભિન્ન અંશોમાંથી અર્ક સારવી લઈને ગર્ભમાં એનો ઘાટ કંડારવા મથતી હતી. માતાના ગર્ભાશયમાં અન્ધકારની ખોટ નથી, જન્મોજન્મથી એ ચાલ્યો આવે છે. હું ધૂંધવાયો. એવા ધારદાર ટુકડાઓ એને આપું કે જે ગર્ભના અન્ધકારમાંય ન સંધાય,...!!’

વરાહાવતાર-ના મિ. મજમુદાર જે રીતે ધનિકોની પાર્ટીમાં આઉટસાઈડરપણું અનુભવે છે ને એમાં છેલ્લે દાંતનો દુઃખાવો ઉદ્ધારક બને છે. પ્રલયકાળે સમુદ્રમાંથી પૃથ્વીને બચાવતા વરાહ અવતાર સાથે સાથે સાવ સામાન્ય લાગતાં આંતરસંઘર્ષની પળોને આલેખી છે- તો વામનાવતારમાં નાયિકા (કા) પતિની પહેલી પત્નીના ફોટાની આંખોથી કેવા ભાવસંવેદન અનુભવી પોતાની જાતને ન્યૂન કરતી જાય છે, ને છેક છેલ્લે એના ગર્ભમાં થતો ફરકાટ વામનરૂપે આવી ફરીથી કઈ રીતે પોતે ગૃહસ્વામિની જ નહીં, પોતાના અસ્તિત્વનો નવો અર્થ પામે છે- તે સૂચિત થઈ રહે છે. અજાતકકથા- આપણી ભારતીય કથા શૈલી, અને મિથના ઉપયોગ દ્વારા વર્તમાન સંવેદનને પ્રગટ કરતી પરંપરાગત લાગે તેવી છતાં ટેકનિક અને એબ્સર્ડના ભાવને ઘૂંટતી એક મજબૂત રચના તરીકે ઉપસી રહે છે. સુરેશ જોશીએ જ્યાં જ્યાં અઢળક પ્રતીકોવાળી ભાષા પ્રયોજીને, કે પછી કપોળકલ્પિતની દિશામાં જઈને કે સભાન રીતે વાતોના અંકોડા છોડતાં જઈને કૉલાજ કરવાના પ્રયોગો કર્યા છે- તેવી વાર્તાઓને નજરમાં રાખીને જ મોટાભાગના વિવેચકોએ એમને ટાર્ગેટ બનાવીને દુર્બોધ વાર્તાકાર સાબિત કરવાની મથામણ કરી છે.

હકીકતે એવી રચનાઓ બહુ ઓછી છે. આ આગળ કહી તેવી સુરેખ, અપૂર્વ શૈલીએ અને બંધારણે સર્જાઈ હોવા છતાં એમાં ઘટનાઓ, સંવેદનાઓ, અંતની ચોટથી માંડી મધ્યભાગે સંદેશ કે કશુંક હાથવગું મૂલ્ય એમાં પ્રાપ્ત થાય જ છે. મને ક્યાંય એવી મુશ્કેલીઓ અનુભવાતી નથી જેવા એમના સમકાલીને વિવેચકોએ વગોવ્યા છે તેવું કશું અનુભવાતું નથી.

બે ચુમ્બનો (અંજુ, મંજુ, આનંદ અને શ્રીપતરાય, બિલાડી-ચકલી) સમાન્તર આલેખાતાં મનઃ સંચલનો, સમાન્તર ઘટનાઓ, અંતે ચોટ, - આ બધું આ વાર્તામાં સુરેખ રીતે, કશું જ દુર્બોધ નથી. હા, તમને તૈયારભાણે પણ મળે એમ નથી. તો ‘લોહનગર’ અને ‘થીગડું’ - વાર્તા આ સંગ્રહની બહુ ચર્ચાયેલી પ્રતીકના વિસ્તરણનો અનુભવ કરાવતી અત્યંત જાણીતી થયેલી રચનાઓ છે. ‘થીગડું’ વાર્તામાં પ્રભાશંકરના સંસ્મરણો અને સમગ્ર જીવન આકારિત થવા સાથે વર્તમાનને સાંધીને અસ્તિત્વને ટકાવવાની મથામણ ચિરાયુની વાર્તા દ્વારા આબાદ રીતે કંડારવામાં આવી છે.

સામાન્ય રીતે વાર્તાકાર લક્ષ્યવેધી હોય છે, હોવો જોઈએ એવો આગ્રહ વર્ષો સુધી રાખવામાં આવ્યો. સુ.જો. એમની વાર્તાઓમાં એક સાથે એકાધિક લક્ષ્યો પર કેન્દ્રિત થતાં અનુભવાય છે. એમની વાર્તાઓમાં એ કેટલું બધું એક સાથે કહેવા ઇચ્છતા હોય છે. અને એટલે જ એમની ભાષા ખરા અર્થમાં લોડેડ છે, અર્થોથી, સંદર્ભોથી, વૈવિધ્યસભર પરિમાણોથી, એક મુખ્ય ને બીજા ગૌણ રસ- એવું નહીં, એક કરતાં વધારે રસની પણ સહોપસ્થિતિ સર્જીને કંઈક અ-પૂર્વ એવું ‘રૂપ’ આપણી સામે સર્જી આપવાનો અત્યંત સભાન પુરુષાર્થ હાથ ધરતાં અનુભવાય છે.

અપિ ચ

સુરેશ જોશી પોતે શું કરી રહ્યાં છે એનાથી પુરેપુરા અવગત છે- એટલે સમકાલીન સર્જકો અને વિવેચકોને સાવ સોંસરવા ઉતરે એવા શબ્દોમાં સંભળાવતા લખે છે- ‘મારો જે સાચો ભાવક છે તે તો કૃતિમાં મેં જે કર્યું તેને સૂક્ષ્મતાથી પામી શકશે, એ જો ન પામી શકે તો એની દયા ખાઈને એ સૂક્ષ્મતાને કાઢી નાખું અને એની કક્ષાએ નીચો ઊતરીને લોકપ્રિય થવા મથું તો મને લાગે છે કે હું બન્નેને અન્યાય કરું છું. એ રીતે મારી પ્રજા કોઈ દિવસ સંસ્કારિતાની દિશામાં આગળ વધવાની નથી. લોકપ્રિયતા, સમાજિભિમુખતા કે વાચકાભિમખતા જેવા પ્રશ્નો મારી દૃષ્ટિએ તો અપ્રસ્તુત છે. નહિ તો ભવભૂતિને કેમ કહેવું પડત કે કાલોડંયં નિરવધિ વિપુલા ચ પૃથિવી ? હું શા માટે એવો આગ્રહ રાખું કે મારો જમાનો મને તરત જ ઓળખે, પાંચ વરસમાં જ મારો પ્રભાવ એવો પડે કે બધા મને તરત ખભે બેસાડી દે, ચન્દ્રકો મળી જાય, મારી કૃતિઓ પાઠ્યપુસ્તક તરીકે આવી જાય..[એજન. પૃ-176.]

આ પ્રકારનું જાત સાથેનું કમિટમેન્ટ બહુ ઓછા સર્જકો દાખવી શકતા હોય છે. સુ.જો.એ જીવનભર આ વાતની સાવચેતી રાખવા સાથે સર્જકધર્મનો મહિમા કર્યો છે.

એક મુલાકાત- વાર્તા અદ્ભુત છે. બાહ્ય દેખાતી ઘટના તો સાવ આછી અમથી એટલી જ છે કે વાર્તા નાયક અગાઉથી નક્કી થયેલી મુલાકાત માટે શ્રીપતરાયને મળવા એમના વિશાળ ઘરમાં અડધોકલાક વહેલો પહોંચ્યો છે.- શ્રીપતરાય પધારે છે, પણ એમને મળ્યા વિના જ વાર્તાનાયક એ ઘર છોડી પાછો જતો રહ્યો બસ. પણ એ થોડાં સમયમાં એના ચિત્તમાં જે ભજવાય છે, જે મનઃસંચલનો જન્મે છે- તે સર્જકકર્મનો ઉત્તમ નમુનો છે. દેખીતી ડિવાઈસ છે બેઠકખંડમાં રહેલા દર્પણમાં પડતા નાયકના પ્રતિબિંબ પાસેથી લીધેલું કામ. નાયક અને એનું પ્રતિબિંબ સર્જીને સર્જકે કમાલ કર્યો છે. એમાં ભળે છે- શ્રીપતરાયને પ્રગટાવતા વિવિધ પ્રતીકો અને કલ્પનો. – ‘ત્યાં પેલા બારણામાંથી શ્રીપતરાય દાખલ થયા. મારા પ્રતિબિંબની ઉપસ્થિતિની એણે કશી નોંધ લીધી હોય એમ લાગ્યું નહિ. એઓ ઓરડાના કેન્દ્રમાં મૂકેલી ખુરશી પર બેઠા. એમના બેસવાની સાથે એ ઓરડાની બીજી બધી વસ્તુનાં પરિમાણ સંકોચાઈ ગયાં. મારું પ્રતિબિમ્બ પણ જાણે વામણું બની ગયું. પેલી યુવતી શ્રીપતરાયની આજુબાજુ ઊડાઊડ કર્યા કરતી હતી- સાપની પાસે ઊડતાં પતંગિયાની જેમ. શ્રીપતરાયને ધારીધારીને જોયા. એમની ચામડી ફિક્કી ધોલી હતી- દેડકો ઊંધો થઈ જાય ત્યારે એના પેટ ઉપર જે ધોળાશ દેખાય છે તેના જેવી. શબ્દો બોલતી વખતે એઓ નજર ઊંચી કરતા નહોતા. એમનાં જડબાંના હલનચલનમાં સાપ દેડકો ગળતો હોય તેનું સૂચન હતું. એમની ડોક રહીરહીને અર્ધવર્તુળ વિસ્તારીને ફરતી હતી. ત્યાં શ્રીપતરાયની દૃષ્ટિ મારા પ્રતિબિમ્બ પર પડી. પેલી યુવતી એની ચંચળ ગતિએ માર તરફ આવી. એણે કદાચ મારા પ્રતિબિમ્બને શ્રીપતરાયની નજીક જવાને કહ્યું પણ કશું બને તે પહેલાં શ્રીપતરાયે સામે જોયા વિના હાથ હલાવીને મને ત્યાં જ બેસી રહેવાનું સૂચન કર્યું. આથી અર્ધો ઊભો થયેલો હું બેસી ગયો....’

શ્રીપતરાયનું વ્યક્તિત્વ ઉપસવાની સાથો સાથ એમની હાજરીમાં બીજાના અસ્તિત્વના થતાં હાલહવાલ પણ આપણી સામે પ્રગટતા જાય છે. નાયકને શું કહે છે, શા કારણે શ્રીપતરાય આ નાયક સાથે આમ વર્તી રહ્યાં છે-એની કશી જ વિગત અહીં નથી અપાઈ, એની જરૂર પણ નથી. છેલ્લા ફકરામાં આખોય આકાર આપણાં ચિત્તમાં રચાઈ આવે છે- ‘ત્યાં મોટા ખણ્ડનું બારણું ખૂલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું નહોતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી, પતંગિયાના જેવી અસ્થિરતાથી, ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડીવાર રહીને શ્રીપતરાય દાખલ થયા-સાપની જેમ પેટે ચાલતા હોય તેમ, ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાના કંપાઉન્ડની બહાર નીકળી ગયો.[એજન પૃ.187-88]’

આપણને સમજાય છે કે મુલાકાત થઈ જ નથી. અને તેમ છતાં મુલાકાત થઈ ગઈ છે.

‘કપોલકલ્પિત’ અને ‘રાક્ષસ’- એ બંને વાર્તાઓમાં વાર્તાનું આખું બાહ્ય કલેવર તો કોઈ પરીકથા કે કલ્પનાકથાનું લાગે. હમણાં હમણાં ‘હેરી પોર્ટર’-ની ફિલ્મોએ આ પ્રકારના અદ્ભુત વિશ્વનો અનેરો અનુભવ સમગ્ર દુનીયાને કરાવ્યો છે- સુરેશ જોશીની આ વાર્તાઓ એ કૂળની છે. આ ઉપરાન્ત બીજી ઘણી વાર્તાઓમાં પણ સુ.જો.એ આ પ્રયુક્તિ પ્રયોજી છે. પણ એને વારંવાર વાંચીએ, એના પડળોને ધ્યાનથી તપાસતા જઈએ તેમ તેમ આ વાર્તાઓ આપણી સામે એનું અસલી રૂપ ખોલતી જાય છે. બાળકોની દુનીયા જેવો અનુભવ કરાવનારી આ વાર્તાઓમાં જે ધ્વનિ, કોઈ એક ચોક્કસ સમયગાળો નહીં પણ કોઈપણ કાળે શક્ય હોય એવા માનવજીવનના સંદર્ભો, એના વિચ્છેદો, એની લાચારી અને આંતર-બાહ્ય સંઘર્ષો ને તેમ છતાં ઉફરા ઉઠીને જીવન સાથે તાલ મીલાવવાની એની શ્રદ્ધા- એમ કેટકેટલું ઠાંસી ઠાંસીને આ વાર્તાઓમાં ભર્યું છે સર્જકે. સુરેશ જોશીએ – ગુજરાતી ટૂંકી વાર્તામાં કહેવાતું તે- એક અનુભૂતિ કણને એટલા બધાં મોટા ફલક પર વિસ્તારીને મુકી આપ્યું છે કે એને પામવા સમજવા ચોક્કસ એવી સજ્જતા કેળવવી જ પડે. કપોળકલ્પિત એટલે ટાઢા પહોરના ગપ્પા થોડાં છે ? - એને સાવ સાચી એવી ધરાતલનો આધાર છે- ગાંડી થઈ ગયેલી સ્ત્રી- ‘નાનાં બાળકો એને ઘેરી વળીને પૂછેઃ ‘તમે ક્યાંથી આવ્યા...?’ તો એ કહેઃ ‘આ ચાંદો છે ને, એ તો મસમોટો કરોળિયો છે. એ રૂપેરી જાળ ગૂંથે છે...!!’ અને પછી સર્જાય છે કલ્પનાની લાગતી અજાયબ સૃષ્ટિ. પણ એમાં ધ્યાનથી જોઈએ તો એ ગાંડી થઈ ગયેલી લાગતી સ્ત્રીની વેદના પછવાડે આખીએ માનવજાતની તાસીર છતી કરતા સુરેશ જોષીને હજી મુલવવાના બાકી છે- એવું નિઃસંકોચ કહી શકું છું. એ પણ સમાનધર્માની રાહ જોવા તૈયાર જ હતાં.

ન તત્ર સૂર્યો ભાતિ-

વાર્તાની વાર્તા-માં વાર્તાસર્જનની કોઢમાં આપણને લઈ ગયા છે. વાર્તા નાયિકાનું નામ એષા કહે છે, પણ પછી તરત કહે છે ‘એ એનું સાચું નામ નથી’. ‘કોઈ પણ સંદર્ભની સીમાની એ બહાર રહેવા ઈચ્છે છે’.- એ આવીને ‘ચાલો ને, એક વાર્તા લખીએ’- કહીને નાયકને લખવા માટે લલકારે છે- પછી જે આલેખન છે એમાં વાર્તારચનાની પ્રક્રિયા પણ છે, પાત્રોની ખીલવણીની રીત પણ છે, સંઘર્ષ, સંવેદન, નિરીક્ષણ, વાર્તાવરણનું આલેખન અને ચોટ લાવવા કે નહીં લાવવા- વાર્તાને ગતિ આપવા કે ઠહરાવ લાવવાના નિદર્શનો પણ છે ને તેમ કરવામાં પાછી એ પોતે જ એક વાર્તા છે- એ વાત ભૂલાઈ નથી. આ જ સંગ્રહની ‘દુર્લભા’ નામની વાર્તામાં રેખા અને સુહાસ-પ્રેમ લગ્ન કરે છે- પણ સંલગ્ન થયા છે ખરા...? એ ભાવકે જ સમજવાનું છે!! બંનેનું વર્તન, બંનેના અલ્પ સંવાદો, બંનેને દેખાતા સંદર્ભો, આ બધું બોલકું થઈને રેખાના આંતરવ્યક્તિત્વને વ્યંજિત કરી રહે છે. તો ‘બે સુરજમુખી અને...’નામની બહુ ચર્ચિત રચના વિશે ઘણું લખાયું છે. લખાવટની પદ્ધતિ સાથે પ્રયોગ કરીને કશુંક નવું ઉપજાવવાની મથામણમાંથી સર્જાયેલી આ વાર્તામાં વિરામચિહ્નો નથી. અસબદ્ધ રીતે જોડાતા લાગતા વાક્યો, શબ્દો, ગદ્યલય, વારંવાર વાંચવાથી ઉપસતાં વિરામચિહ્નો- આપણી સામે જાતભાતના, જાણીતા, અજાણ્યા સંદર્ભો વેરે છે- પળે પળે આપણું ચિત્ત કોઈ અર્થની ખૂંટી પકડવા આમતેમ ભટકે, કશુંક હાથ લાગશે લાગશે...ની આશા બંધાય ત્યાં પાછું નવું સર્જાઈ આવે. કદાચ- આ લીલા જ રચવી છે એમણે. જરૂરી થોડું છે કે દર વખતે કશુંક હાથ લાગે જ...? બસ મજા પડે છે. એબ્સ્ટ્રેક્ટ ચિત્રને જોતા હોય એવી.

એકદા નૈમિષારણ્યે...

‘નૈમિષારણ્ય એટલે જ વાર્તાઓનું વન’. ગૃહપ્રવેશથી એમણે આરંભેલી વાર્તાલેખનની પ્રક્રિયા આ સંગ્રહે પહોંચીને અટકી છે, અથવા તો કહીએ વિરામ પામી છે. ત્યાં સુધીમાં એમના ઉહાપોહ, એમના વિચારો અને વિચારોને મૂર્ત કરતી મહત્વની કવિતાઓ, નિબંધો, વિવેચન ગ્રંથો, લેખો, વાર્તાઓ અને નવલના પ્રયોગો- પ્રકાશિત થઈ ચૂક્યા હતા. શરૂઆતે નવી દિશા કંડારવા માટેની એમની જે મથામણ હતી તે હવે પાકટ થઈ ચૂકી છે, હાથવગી થઈ ગઈ છે કહીએ તોય ચાલે. અને સાથોસાથ એ કહે છે તેમ- ‘તો છતાંય મને લાગે છે કે ઘણા વખતથી કશું લખ્યું નથી ને લોકો કહેશે કે વાર્તા નથી લખતા, તો લાવ, લખી જોઉં એ એક મોટો રોગ છે. તો હવે જેમ તમે આગળ જાઓ, તેમ લખવાનું. તમારે કંઈક વધારે મોટો પડકાર ઝીલવાનો હોય તો તમે લખો. નહિ તો જે કરી ચૂક્યા હો તેનું પુનરાવર્તન કરો તો હથોટી બેસી જાય ખરી, એની ના નહિ, પણ પછી નવું તમે ન કરી શકો..’[એજન. પૃ.-224]

પુનરાગમન- સુધીમાં આવતા સુ.જો. પ્રયોગો પછીની સ્વસ્થતા ધરી બેઠેલા અનુભવાય છે. એમાં ઘટના નામે કશુય નથી કહીએ તો ચાલે. નાયકની ઉંઘ અચાનક ઊડી ગઈ- આટલી પાતળી સેર લઈને સુ.જો. લઈ જાય છે ફેન્ટસીમાં, પણ નરી ફેન્ટસી પણ કેમ કહેવી, તન્દ્રા છે, જાગૃત અવસ્થા છે, કે ચૈતસિક સંચલનો..? ક્યાંનો ક્યાં નાયક જઈ પહોંચે છે ? એકલતા પણ છે, બધા સંદર્ભોથી એ જોડાયેલો હોવા છતાં. આરંભે ગામડું છે, પછી મહાનગર પણ ઉપસી આવે છે, પછી તો કોઈ નગર જ નહીં ઋતુઓ, પ્રલયો, જ્વાળામુખીઓથી માંડી તોપની ગર્જનાઓ, મંદિરના ઘંટ, પ્રસુતાઓની ચીસો- લશ્કરની કૂચ..! કેટકેટલું ફરી વળે છે એના ઉપર કે એમાં એ પોતે..! પછી અચાનક જ બધું ગાયબ. અચાનક ટોળામાંનો એ, પડછાયો માત્ર, હોઠ પણ ખૂલે નહી- એવી સ્થિતિ. ને પુનઃ પ્રકાશનો અણસાર, કૂકડો જાગ્યો...’જોયેલી આ વિશ્વરૂપની લીલા સંકેલાતી જોઈ નિસ્તબ્ધતાની ઓથ લઈ એ ચાલ્યો...ઘરમાં પ્રવેશીને બારણું વાસ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો...’ માત્ર બે-અઢી પાનાંમાં આલેખાયેલી આ રચનાનો ચૂસ્ત બંધ જોવા જેવો છે. આંતરિક વિસ્તરણ આ કૃતિને નવાં જ પરિમાણો આપે છે.

‘અને હું..’ તથા ‘અગતિગમન’ જેવી વાર્તાઓમાં નગરજીવનની કરૂણ વાસ્તવિકતા, ટોળામાંય એકલતા અને શૂન્યતાનો અનુભવ કરતા પાત્રો, એબ્સર્ડની અનુભૂતિ, જીવન માટેના હવાંતિયા અને એનાથી છૂટવાના ફાંફા મારતા પાત્રો આપણી સામે એના બહુપરિમાણો અને ઊંડાણો સાથે ઉપસી આવે છે.

સુમન શાહે એમની વાર્તાઓનો ઝીણવટભેર અભ્યાસ આપણી સામે મુક્યો છે, તો શિરીષ પંચાલે પણ એકાધિક વાર સુરેશ જોષીના સાહિત્યને જુદા જુદા સમયબિંદુ પર ઊભા રહીને મૂલ્યાંકન, પુનર્મુલ્યાંકનો આપ્યા છે. સુમનભાઈએ સુરેશ જોષીના સમગ્ર સાહિત્ય પર જ પોતાનું સંશોધન કેન્દ્રિત કર્યું હતું. આજે એ કર્તાલક્ષી સંશોધનનો ઉત્તમ નમૂનો બની રહ્યો છે. શિરીષ પંચાલે સમગ્ર સુરેશ જોષીને નજરમાં રાખીને વિવિધ સ્વરૂપોમાં વ્યાપેલી એમની ચેતનાને કેટલાંક નિશ્ચિત બિન્દુઓ પર ઊભા રહીને જોવાનો પ્રયાસ પણ કર્યો છે.

સુ.જો.ની વાર્તાઓમાં આવતા સ્થળો, પાત્રોના નામો, પુનરાવર્તિત થતાં રહેતા કલ્પનો,ક્યાંક એક સરખાં લાગતાં અધ્યાસો આદિનો સ્વતંત્ર અભ્યાસ પણ કરવા જેવો છે. મને એવું લાગ્યું છે કે આમ થવા પાછળ સુ.જો.ની મર્યાદિત એવું અનુભવ જગત નહીં પણ ચોક્કસ આગ્રહને પ્રગટ કરવા માટેની મમત જવાબદાર છે. મર્યાદિત લાગતા વિષયો પાછળ એ સંવેદન, એ વાત, કે વિષયને નવી નવી રીતે પ્રગટ કરવાના, રૂપનિર્માણ કરવાના પ્રયત્નમાં રત રહ્યાં છે. અને જેટલું આલેખ્યું છે એનાથી અનેકગણું એ અનુભવી ચૂક્યા હશે- એવું ચોક્કસ કહી શકીએ. કેમકે, એ જે રીતે જગતને જુએ છે, અને જોયા પછી એ જે નવું જગત સર્જવાની તીવ્ર ખેવના ધરાવે છે- એ ભાગ્યે જ કોઈ ગુજરાતી લેખકમાં જોવા મળી છે, કે મળશે

સંદર્ભસૂચિ :

1. સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ(કથાસાહિત્ય) પૃ. 15, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી. ગાંધીનગર
2. કિંચીત્. સુ.જો.નું સાહિત્યવિશ્વ(કથાસાહિત્ય) પૃ.-11.
3. એજન. પૃ-176.
4. એજન પૃ.187-88
5. એજન. પૃ.-224

ડૉ. નરેશ શુક્લ, ૫૩-એ., હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬. ફોન-૯૪૨૮૦૪૯૨૩૫.

*******************************