‘આનંદના આ-લોકમાં’ નિરૂપિત નિર્મળ હાસ્ય

{‘આનંદના આ-લોકમાં’(રતિલાલ બોરીસાગરના પ્રતિનિધિ હાસ્યનિબંધો), સ્ંપા. રમણીક સોમેશ્વર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્ર.આ. ૨૦૧૨ મૂલ્ય-૧૩૫.}

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં હાસ્યની મીમાંસા રમણભાઈ નીલકંઠથી શરૂ કરીને ગગનવિહારી મહેતા અને જ્યાતીન્દ્ર દવેમાંથી પસાર થઈ બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરિસાગર સુધી વિસ્તરી છે. મૂળે હાસ્ય સ્થાયીભાવ છે, વ્યવહારમાં અને સાહિત્યમાંએ એક જ છે. આ હાસ્ય સહજ સ્મિતથી સારું કરી અતિહસિત અને અપસિત અટ્ટહાસ્ય સુધીનો વિસ્તાર ધરાવે છે. આવી વ્યાપક્તા ધરાવતા હાસ્યપ્રદેશમાં રતિલાલ બોરિસાગરનું સ્થાન દર્શાવવાનો અહીંનમ્ર ઉપક્રમ છે.

રતિલાલ બોરીસાગરે હાસ્યસાહિત્યમાં ‘મરક-મરક’(૧૯૭૭)થી શરૂ કરી ‘ૐ હાસ્યમ’(૨૦૧૦)સુધીના નવ પુસ્તકો આપ્યા છે.એમાંથી પસાર થતાં હાસ્યકાર રતિલાલ બોરિસાગરનો જે પરિચય પ્રાપ્ત થાય છે, તે જોઈએ –

  1. (૧) હાસ્ય નિષ્પન્ન કરવાની તરકીબોનું વૈવિધ્ય.
  2. (૨)હાથ લાગેલી તરકીબોમાં બહુશ્રુતતાનો વિનિયોગ.
  3. (૩)માધ્યમ હાસ્યનું અને લક્ષ્ય જીવનદર્શન –ફિલસૂફીનું.
  4. (૪) નિરૂપણ રીતિમાં સર્જકતાનો વિનિયોગ.
  5. (૫) સહજ પ્રેરક-સર્જક.

(૧)

રતિલાલ બોરીસાગરે મોટેભાગે નિબંધોમા પોતાની જ વાત માંડે છે.પોતિકી કથામાં વૃત્તિ, સ્વભાવ, આદત,વલણોમાંથી કોઈને કોઈ પ્રાણઅંશ તેમના હાસ્યની તરકીબ બને છે. સહજતા અને તટસ્થતાએ એમના ગુણવિશેષ બને છે. રતિલાલ બોરીસાગરમાં ‘સેન્સ ઓફ હ્યૂમર’ગજબ છે.

વ્યવહારુ વાણીના પ્રવાહમાંથી હાસ્ય લહેર ઊઠે અને એ લહેર પછી ઊંડાણમાં લઈ જઇ સ્પર્શે – એ રતિલાલ બોરીસાગરની વિશેષતા છે ‘જૂનું એટલું’ (સોનું શબ્દને અધ્યાહાર કહ્યો છે)નિબંધનો પ્રારંભતો જુઓ;“આ જૂની વસ્તુઓનો ઘરમાં ખડકલો કરવાની ટેવ હવે છોડો. તમને આ જૂની વસ્તુઓ સંઘરવાનો શોખ ક્યાંથી જાગ્યો?” આ ઉક્તિ લેખકની પત્નીની છે. લેખક કહે છે – “શ્રીમતિનો આ સનાતન કકળાટ છે.”જૂની વસ્તુઓ સાથે મને પ્રેમ છે અને એ પ્રેમને કારણ સાથે કાંઇ સંબંધ હોતો નથી ! એવી દલીલ કરતાં લેખક કલાપીને યાદ કરે છે. પછી પૂરાતત્વવિદે પોતાની પત્નીને જૂની વસ્તુઓ પ્રત્યેના પોતાના શોખની વાત જેમકે-પત્ની જેમ જૂની વધારે તેમ પ્રેમ પણ વધારે એવો તર્ક પોતાની પત્નીને સંભળાવે છે- પણ મારી પત્નીથીએ સત્ય સહન થયું નહીં. પછી ક્રમશ: સાયકલ, ઘડીયાળ અને રેડિયોનીકથા માંડે છે.‘જૂની સાયકલ પર બેસીને આવવાનું શકય ન હતું કારણકે સાયકલના પૌરાણિક દેહને ટ્યુબ ટાયરના નવા વસ્ત્રોનું પરિધાન કરાવવાનું બાકી હતું. એ સાઇકલને જૂના ટાયર અને ટ્યુબથી સજાવી પેંડલનો ખટક-ખટક અવાજ, હેન્ડલ,તાળું ......એ સાયકલ અચેતન અવસ્થામાં મારે ત્યાં પડી છે’. અહીં નકામી થઈ ગયેલી સાઇકલને લેખક છોડી શકયા નથી, પણ વાતતો વિસ્તરે છે છેક વાચક સુધી. ગુજરીમાંથી લાવેલું જી=યુએનયુ ઘડિયાળ, સાચો સમય ના બતાવે – અવાજ કરે પણ લેખક લખે છે કે ઘડિયાળની નીચે પથારી હોય તો’ય ફાવી ગયું છે – આ વ્યંજના છે. જૂનો રેડિયો સસરાએ ભેટ આપ્યો, નકામો જ હતો, છતાં લેખક કહે છે –“તમારી પુત્રીને લઈ જવા કરતા તમારા રેડિયાને લઈ જવા હું વધારે તલપાપડ છું.” જૂની વસ્તુ અને તે પણ મફત મળે – નકામું હોય છતાં માણસ માત્રની વૃત્તિ કેવી લાલચ રાખે છે. તેના તરફ લેખકનું લક્ષ્ય ગયું છે તે લેખકની વિશેષતા છે. કારણ વગર જૂની વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ કેવી પરિસ્થિતિ સર્જે છે, તેવા ઠેરઠેર દ્ર્ષ્ટાંતો જોવા મળે છે.

(૨)

રતિલાલ બોરીસાગરની હાસ્ય નિષ્પતીની તરકીબોમા મોટેભાગે ‘સ્વ’ અને ‘સ્વજનો’, એની મર્યાદાઓને આધારિત છે.‘પત્નીને ઘરકામમાં મદદ કરવા વિશે’નિબંધમાં “છોકરો રોઈ રોઈને અર્ધો થઈ જાય તોય ચોપડી હાથમાંથી મૂકવાના જ નહીં!” આવા વાક્યો પત્ની સંભળાવે એ તો ઠીક, પણ પત્નીને ઘરકામમાં મદદ કરવા એની સહમતિથી હું બીજી પત્ની લાવવા તૈયાર થાઉં – ઋષિઓ ક્યાં પત્નીઓને મદદ કરતાં હતા?પત્નીનો ઉપાલંભ આંગણું ઓળગીને મિત્રોના કાન સુધી પહોચ્યો, પછી મિત્રોની સલાહ, સૈદ્ધાન્તિક સ્વીકાર, દૂધે ઉદ્વારોહણ આરંભ્યુ. –‘મોડા ઉઠવા વિશે’માં કેટલા બધા વાક્યો છે – જે માણસ વધારે સૂઈ રહે તે નિરૂપદ્રવી હોય છે,‘મોડા ઉઠવા વિશે’,‘વાંચવા લાવેલું પુસ્તક પાછું ન આપવા વિશે’,‘હું વિશે’,‘ઋણ મીમાંસા’,‘પોલીસ સ્ટેશનની મુલાકાત’, આ બધા નિબંધોના કેન્દ્રમાં તો ‘હું’ છે,‘લલિતનિબંધ’ની જેમ ‘હું’ વિષય બને છે. મોતિયાનું ઑપરેશન હોય કે એંજોયગ્રાફી, કરકસરના મોઘા પ્રયોગો વગેરે.. ખરીદીમાં સહાય કરવાનીકળેલો નાયક પત્નીને સહાય કરવાને બદલે કેવી સમસ્યા ઊભી કરે છે જુઓ ;

“છસો વીસ રૂપિયા પાંસઠ પૈસાનું શાક લાવ્યા, આડત્રીશ રિક્ષાના અને એંસી થેલીના.... પત્નીએ સોસાયટીમાં ઘેરઘેર ફરીને વેચી માર્યું,માંડ ત્રણસો રૂપિયા ને વીસ પૈસા ઉપજ્યા. પત્નીના બાવડા રહી ગયા તે નફામાં .... ત્યારથી પત્ની લેખકનું નામ લેતી નથી. આ વાતના કેન્દ્રમાં પણ ‘હું’ જ છે. તો,બીજી તરકીબ ‘જ્ઞ’ થી ‘ક’ સુધીના નિબંધોમાં એમને આરોગ્ય વિશે કહો, શિક્ષણ વિશે કહો, નોકરી વિશે કહો, નિંદા વિશે કહો,‘સ્વ’ થી જ નિબંધો આરંભાય છે. તેમાં સાંપ્રત સમસ્યાઓ અને જીવન દર્શનની વ્યંજના ઉમેરાય છે.

ત્રીજી તરકીબ સર્જક સીધો ઘટના પ્રદાર્થ કે વ્યક્તિના પ્રત્યક્ષ–પરોક્ષ અનુભવોમાંથી સમસ્યા ઊભી કરીને નિબંધો રચે છે, એક ઘડિયાળને કારણે ડોનેસન અને ડીમાન્ડડ્રાફટ, અફવા એટલે ૧૦-૧૨ના બાબા -બેબીના માતાપિતાનો ટી.વી ઇન્ટરવ્યુ, ઇન્કમટેક્ષ ભરવા વિશે, આપણી કોલેજો વિશે, નિરીક્ષણો અહીં ધ્યાનપાત્ર છે.

(૩)

સમાજજીવનને પ્રગટ કરતાં નિબંધો જોઈએ તો- કરકસરના પગલાં લેવા સજ્જ થયેલો સર્જક – લેખક કરકસરના મોઘાં પ્રયોગોમાં લખે છે‘રાતભરની ટાંકીના ઠંડા પાણીએ ન્હાવાનું કામ કારગિલ મોરચે લડવા કરતાં પણ વિશેષ અઘરું છે. રોબર્ટ ફોસ્ટની પંક્તિઓ –‘MILES TO GO AND PRONLISES TO KEEP’જે જવાહરલાલને ગમતી હતી; ગાંધીજીએ દૂધ પીવાની ના પાડેલી, પણ તબિયત માટે દૂધ પીવાનું અનિવાર્ય ગણેલું – ગાંધી માર્ગે જઈશ. સંસ્કૃતમાં એક શ્ર્લોક છે- સમુદ્રનું એક મોજું પૂરું થાયને ત્યાં બીજું આવી જાય છે... આસ્વાદનું વ્રત ભૂખ્યા ઓફિસ જાય છે ગીત- "યે રાત ઇતની હૈ મતવાલી તો સુબહ ક આલમ ક્યાં હોગા",તેમણે નિબંધોમાં અંગ્રેજી કહેવતોનો પણ ઉપયોગ કરેલ છે . જેમકે ‘એક ઘડિયાળને કારણે’ જેવા નિબંધમાં ‘ACCIDATS HARE NO TIMETABLE’ પણ એ વાતને અકસ્માતના સમયપત્રક વિરોધની વાત કહે છે. અને લેખકનું બહાર નીકળવું અને ઘડિયાળનું એમના ઉપર પડવું, એકતેત્રીસ મિનિટ અને દસ સેકંડે – આ ઘટના ઘટેલીએ ઘડિયાળ કેમ પડી? પગ પર પડી – અર્ધી સેકન્ડ પછી પડી હોત તો?શિવજીએ ગંગાને જટામાં જીલી લીધી એમ મારા મસ્તક પર પડત તો,મારા પર પડી હોતતો ‘હું’ ની વિસ્મૃતિ – બ્રાહ્મીસ્થિતિ, પગ સૂઝી ગયો, જમણા પગનો પંજો કોઈએ હવા ભરી હોય એમ સૂઝી ગયો, બે તદ્દન ગરીબ ભાઈઓમાંથી એકને કરોડ રૂપિયાની લોટરી લાગેને રાતોરાત માલદાર થઈ જાય તેમ મારા શરીરના બે દુર્બળ પગમાંથી એકલ પગ એકદમ વિકસી ગયો.’ બ્રહ્માણ પુત્ર કર્ણ પરશુરામના ખોળામાં પડી રહે એમ હું પડી રહ્યો. કર્ણની સાથળને ભ્રમરે કોરી ખાધેલી છતાં ગુરુની નિંદ્રા ન તૂટેએ આશયથી તે ક્ષત્રિય ચૂપ રહ્યો – એ ઘટના બે વ્યક્તિના ખભે હાથ રાખી ગાંધીજીની જેમ પ્રાર્થના સભામાં જતાં, એમ દાદર ચડ્યા. મેઘાણીના ‘કોઈનો લાડકવાયો’માં સેજ લીલાવવાની જેમ પથારી પાથરેલી ....પ્લાસ્ટરનો વિમોચન વિધિ –એટલે જ રઘુવીર ચોધરીએ કહ્યું છે “બોરિસાગરના નિબંધોની વિશેષતા એ છે કે – આજના જીવન અને જગતની આંટીઘુટી ભરી વિગતો ગૂંથીને આ હસાવે છેએ ગૂંથણીમાં જ એમની બહુશ્રુતતાનો પરિચય થાય છે .”

રતિલાલ બોરીસાગરના નિબંધોમાં એમના વ્યક્તિ ચરિત્રની સાથે આપણને ગુજરાતી સમાજની તાસીર અને તસવીરના પણ દર્શન થાય છે. મોટાભાગના લોકો ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે પણ એનું ટેકનિકલ જ્ઞાન ધરાવતા નથી. એ વાત કહેવા માટે ‘હું એક - આજન્મ પ્રેરક કર્તા' નિબંધ પુરવાર નીવડે છે. હું કબૂલ કરું છું કે –‘નિયમિતતા’ જેવો શબ્દ મારી ડિક્શનરીમાં નથી, દેવાની વાત કરતાં કહે છે કે આપણીતો સંસ્કૃતિ જ ઋણાનુબંધની છે . .

આમ, રતિલાલ બોરીસાગરના આ નિબંધો માણસ સહજ નબળાઈને હસી લઈ એને કર્તવ્યબોધ અવશ્ય કરાવે છે. સમાજની વિવિધ તરેહોને કેન્દ્રમાં રાખી એને બરાબર પકડી હાસ્ય નિપજવવાના કીમિયા સહજ શોધી લે છે. તેમનાં નિબંધોનું લક્ષ્ય ભલે હાસ્ય નીપજવવાનું હોય પણ, જીવનદર્શન એટલું જ સહજતાથી ઉપાસવી જાણે છે.

- મગન પરમાર