‘ઘુમવા દીગ્દીગંતો’

(‘ઘુમવા દીગ્દીગંતો’ : લે.વીનોદ મેઘાણી, પ્રકાશક : ગુર્જર પ્રકાશન, પૃષ્ઠ : 190, પ્ર.આ. : 2009, કિંમત: 80 રુ.)

            

ઘુમવા દીગ્દીગંતો એ પુસ્તક શ્રી વીનોદ મેઘાણી દ્વારા રચિત રેડીયો ઓફીસર તરીકેની તેમની નોકરીનાં છુટા-છવાયાં અનુભવોનું મઠારેલું સ્વરુપ છે. આ  પુસ્તકની વિશેષતા એ છે કે તે ‘ઉંઝા જોડણી’માં લખાયેલું છે અને ભાષાના કોઈપણ જાતનાં ઠઠારા વિના તદ્દન સહજ રજૂઆત પામ્યું છે. પુસ્તકને  વધુ રોચક બનાવવા માટે લેખકે જયાં જયાં શકય બન્યું  ત્યાં ત્યાં જે તે વિસ્તારોના ઐતિહાસિક તેમજ ભૌગોલિક પરિચય ઉપરાંત પોતાના સફરના નકશાઓ, અંદાજીત માર્ગદર્શીકાઓ અને ફોટોગ્રાફ્સ પણ મૂક્યા છે. આમ લગભગ 15 જેટલી તસવીરો આ પુસ્તકને વઘુ આકર્ષક બનાવે છે.

                પુસ્તક એના નામ ઉપરથી જ સ્પષ્ટ કરે છે કે દિશાઓના અંત સુધી ઘુમવાની અંહી વાત કરવામાં આવી છે. તેર જેટલા જુદા જુદા અનુભવલેખો અને એકસો નેવું પાનાનાં, દેખાવે ડાયરી જેવા લાગતાં આ પુસ્તકમાં દરિયાઈ સફરના રોમાંચક અનુભવોને આવરી લેવામાં આવ્યા છે.

                મુંબઈથી કારકિર્દીની પ્રથમ જહાજયાત્રાનો આરંભ કરીને છેક અંદમાન- નિકોબાર ટાપુઓ, કોચીન, તુર્કી, મેકિસકો, ઈઝરાયેલ, યુરોપ, ઈંગ્લૅન્ડ, જાપાન, દક્ષિણ આફ્રિકા, ઉત્તરધ્રુવ, પનામાં નહેર, ડેન્માર્ક, ઈટલી, ભારત અને લંડન જેવા વિવિધ દેશોના વિવિધ વિસ્તારોમાં ફરીને પોતાના દિલધડક અનુભવોની વાત કંડારવામાં લેખકે કોઈ કચાશ રાખી નથી. અનેક વિકટ પરિસ્થિતિઓમાં પણ જહાજ પર કામ કરતાં વિવિધ દેશોના લોકો જાતિ ભિન્નતા, ધાર્મિક ભિન્નતા તેમજ ભાષા ભિન્નતાના કોઈપણ જાતના અવરોધ વગર કેવા એક થઈને ઝઝૂમે છે અને તેમાંથી પાર પડે છે એ બાબત ખરેખર કાબિલે દાદ છે.

દરિયામાં અનેક ઝંઝાવાતી રાતો અને દિવસો પસાર કરવાના વર્ણનો ઉપરાંત પોતાના સાથી મિત્ર અનિલની દરિયામાં ફેંકાઈ જવાની ઘટના અને કુદરતના ક્રુરપણાને લીધે તેને ન બચાવી શકવાનો અફસોસ માત્ર લેખકનો જ નહીં પરંતુ વાચકનો પણ આગવો બને છે. વળી, અનિલના મૃત્યુ પછી તેની પ્રેમિકા ‘સોનાવરણી સીતા’ નો ફોટોગ્રાફ્સ લઈને લેખક અનેક પ્રયત્નોને અંતે જ્યારે તેને મળે છે અને જાણે છે કે અનિલથી તેણીને એક બાળક પણ છે ત્યારે જોજનો દૂર તદૄન ભિન્નતાઓમાં પાંગરેલા આ પ્રેમથી એ વાત ફરી અહીં સ્પષ્ટ  થાય છે કે પ્રેમને ક્યારેય કોઈ સીમાડા કે બંઘનો હોતા નથી. બીજા એક પ્રસંગમાં ઈઝરાયેલમાં ફાટી નીકળેલી લડાઈમાં પોતાના જહાજ પરના સાથી મિત્ર ‘યોસી’ની બહેન ખપી જાય છે અને બઘા જ ભિન્ન સંસ્કૃતિના લોકો યોસીને પોતપોતાની રીતે સાંત્વના આપે છે અને અંતે યોસીની બહેનનું મનપસંદ ગીત ગાઈને તેણીને શ્રઘ્ઘાંજલી આપવાનો પ્રસંગ પણ કરુણતા પ્રસરાવી જાય છે.

કરુણ પ્રસંગો ઉપરાંત પુસ્તકમાં ક્યાંક ક્યાંક મર્માળુ હાસ્ય ઉપજાવનારા પ્રસંગો પણ જોવા મળે છે. જેમ કે મેડમ તુસાદ મ્યુઝીયમની મુલાકાત વેળાએ ગેટમાં બેઠેલા હબસીની વાત હોય કે પછી બસમાંથી ઉતરતા યુગલમાંની સ્ત્રીને હાથ આપતી જાપાની હોસ્ટેસની વાત હોય પણ સહજ રીતે અનુભવાતા હાસ્યને આપણે ઈચ્છીને પણ રોકી શકતા નથી. તો વળી હાસ્ય નીપજાવનારા કોઈ પાત્રની જ જો વાત કરીએ તો લેખકના મિત્ર ‘કેન’નું પાત્ર પણ મહત્વનું સાબિત થાય છે. કેન વેસ્ટઈન્ડિઝનો રહેવાસી છે અને ગિટાર વગાડવાનો શોખીન છે. તે બેવડાઓને પોતાની ગિટારના તાલે કેવા ડોલાવે છે એનું સુંદર વર્ણન જોવા મળે છે. કેન અને લેખકના કૌટુંબિક સંબંઘોના ઉંડાણનો અને ઘણા સમયથી કેન સાથે સંપર્ક ન થયો હોવાની લેખકની વેદનાનો આબેહૂબ અનુભવ આપણને પણ થાય છે. તો વળી ડાગોરો આંખોવાળી દિલ્હીની એક યુવતી ‘અંજુ’ જે અતિ સુંદર છે અને સામાજિક કાર્યકર છે તેના પર કેટલાક યુવકો બળાત્કાર કરીને તેનું ખૂન કરે છે એ ઘટના જાણે આપણા માનસપટ પર ઘેરો આઘાત ઉપસાવી જાય છે.

                સમગ્ર પુસ્તકની ધ્યાનાકર્ષક બાબત એ જણાય છે કે દુનિયાનાં અનેક નાનાં મોટા દેશના લોકો આપણા દેશને ઓળખે છે અને જાણે છે જે આપણા માટે ગર્વની વાત છે. બીજી બાબત એ પણ ગણી શકાય કે પુસ્તકમાં આલેખાયેલ તમામ પાત્રો ભલે જુદી જુદી દુનિયાના હોય પણ તેમનામાં રહેલા માણસાઈ, ભલાઈ અને દિલેરીના ગુણો એકસમાન રીતે જોવા મળે છે. એમનામાં જોવા મળતી ગજબની યુનિટી, ગજબનું અન્ડરસ્ટેન્ડિંગ અને કો-ઓપરેશનની ભાવના વડે નાની અમથી વાતમાં અન્ય સાથે ઝઘડી પડનારા આપણને તેઓ પ્રેરણા પૂરી પાડે છે એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી. કોઈ પ્રસંગમાં એમનામાં મારાપણાની તુચ્છ ભાવના ડોકાતી નથી. મક્કમ મન અને અડગ વિશ્વાસથી જહાજ પર અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરતાં આ વીરોની વાતથી આપણામાં જાણે ઉષ્માનો સંચાર થતો હોય એવું લાગે છે.

                કદથી નાના એવા આ પુસ્તકમાં લેખકે અઢળક વાતો એવી રીતે રજૂ કરી છે કે જાણે એમનું માલવાહક જહાજ જ જોઈ લો. કારણ કે જહાજ પૂરેપૂરું માલથી લદાયેલું હોવા છતાંય ઓવરવેઈટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ( જેને જહાજોની ભાષામાં ‘ડેડવેઈટ’ કહેવામાં આવે છે.) એવી જ રીતે અહીં અનેક પ્રસંગો હોવા છતાં પુસ્તક નીરસતામાં ન ડૂબે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પુસ્તકમાં એવા અનેક વિસ્તારો અને વ્યક્તિઓની વાત છે જેમને લેખકે તો જોયા, જાણ્યાં અને માણ્યાં છે પણ આપણને તો એમનાથી પરે હોવા છતાંય એમની વચ્ચે જીવતાં હોવાનો અપાર આનંદ પ્રાપ્ત થાય છે.

                સમગ્ર પુસ્તકને અંતે લેખકે જહાજી દુનિયાના અનેક નવા શબ્દો અને શબ્દ સમૂહોની સમજૂતી આપી છે જેના પરિણામે ભાવકને પુસ્તકમાં ગળાડૂબ થવામાં કોઈ અડચણ ઊભી થાય નહીં. ક્યારેય ન જોયેલી, ન જાણેલી કે ન કલ્પેલી એવી એક રોમાંચક દુનિયાની સફર આપણને કરવા મળે છે તો રાહ શેની જોવી, વિશેષ આનંદાનુભવ અને રોમાંચ માટે પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.


પ્રા.ભાર્ગવ પં. ભટ્ટ
વ્યાખ્યાતા સહાયક
સરનામું: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,વાંસદા, જિ: નવસારી


000000000

***