સ્ત્રીના સતીત્વને રજૂ કરતી નવલકથા – ‘ધરતીનો અવતાર’

ઈશ્વ્રર પેટલીકર ગુજરાતી સાહિત્યમાં સિદ્ધહસ્ત નવલકથાકાર છે. ગ્રામજીવનની ગાથાને, ગામડાનાં ભોળા માનવીનાં હૈયાંને તેઓ સરસ રીતે ઉપસાવી શક્યા છે. જર, જમીન અને જોરુંની  વ્યથાને વાચા આપી શક્યા છે. સમાજમા બનતી ઘટનાઓને તેઓએ પોતાની સામાજિક નવલકથામાં નિરૂપી છે.
‘જનમટીપ’, ‘ભવસાગર’, ‘પંખીનો મેળો’, ‘તરણાઓથે ડુંગર’....... જેવી નવલકથાઓ વાંચવા છતાં  પુન; પુન: વાચવાની ઈચ્છા થાય તેવી સામાજિક નવલકથા છે. અહીં વાત કરવી છે નારીના હૈયાને વાચા આપતી,  સ્ત્રીના સતીત્વ રજુ કરતી નવલકથા ‘ધરતીના અવતાર’ની.
‘ધરતીનો અવતાર’ નવલકથામાં લેખકે ગ્રામજીવનના ચિત્રને સરસ રીતે ઉપસાવી શક્યાં છે. સ્ત્રીના અવતારને ધરતીના અવતાર સાથે સરખાવી છે. આ નવલકથાની કથા વિશે ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે ; બાચારા ગામનો ગેમલ જુવાન, રસિક, દેખાવડો, મર્દ અને સુંદર પત્નીની અભિલાષા સેવતો યુવાન છે. રાયસંગ-ઉજમ તેના ભાઈ-ભાભી છે. જેસંગ,નંદુ તેના પિતરાઈ છે. છીતાબાવા (જીજી) તેના પિતા છે. આ નવલકથાનું એક મહત્વનું પાત્ર તે રૂપાળી છે. તેની આસપાસ આખી નવલકથાની ઘટના વણાઈ છે. ગેમલના લગ્ન ડાભસંગની દિકરી રૂપાળી સાથે નક્કી થાય છે. એ અરસામાં તે નંદુ સાથે મજાક કરે છે. ગેમલને જાણવું છે કે તેની પત્ની કેવી છે.  પણ નંદુ એમ કાંઈ સીધે સીધું કહે તેમ નથી.રકજકને અંતે કહે છે. ‘રૂપાળી એ રૂપાળી નથી એતો નામથી જ રૂપાળી છે.’
નંદુના આ વાક્યથી તેના મનમાં સળવળાટ થાય છે.અંતે તેનું મન રૂપાળીને જોવા તૈયાર થાય છે. રૂપાળી અને તેની  મા કપડાની ખરીદી કરવા જાય છે ત્યારે વનમાળીની દુકાને બેસીને જોઈ લેવી તેવું નક્કી કરે છે. કલાવતી સાથેની વાતચીતમાં તે રૂપાળીને ઓળખી કાઢે છે. રૂપાળી પણ પટેલની ચાની દુકાનેથી જ ગેમલને ઓળખી કાઢે છે. ત્યારથી બન્નેના જીવનમાં ઉલઝન શરૂ થાય છે. ગેમલ રૂપાળી સાથે ન પરણવાની માથકૂટ કરે છે, પરતું તાબાવાના હઠાગ્રહને કારણે ગેમલને ત્યાં જ પરણવું પડે છે.
ગેમલ અને રૂપાળીનું જીવન પાંચ પાંચ વર્ષ સુધી કજીયા, કંકાસ, મારપીટ, ઝઘડાભર્યું ચાલે છે. બન્ને ભગવાન પાસે મોત માંગી રહ્યા છે. રૂપાળીનો કદરૂપો દેખાવ તેને ગમતો નથી, તેથી તે કોઈ પણ કારણસર તેની સાથે ઝઘડાં કરે છે. આખા ઘરનું કામ કરતી અને ગેમલનો ત્રાસ સહન કરતી રૂપાળીને એક શ્રદ્ધા છે કે તેનો ધણી તેનો થશે જ. રૂપાળી સાથે જ્યારે ઝઘડો કરતો ત્યારે ગેમલના પિતા અકળાઈ ઉઠીને કહેતા :     
‘‘એ ધરતી જેવી જ અસ્ત્રી છે. એના રૂપરંગ જોવાના જ ન હોય’’ – આ  આર્ષવાણી, વેદવાણી જીજી ( છીતાબાવા)ના મુખે સાંભળવા મળે છે.
પાંચ પાંચ વર્ષથી ઝઘડાથી ભરેલાં જીવનમાં મોત ઈચ્છાતા ગેમલ- રૂપાળીની પ્રાર્થના ભગવાન સ્વીકારે છે. ગેમલનું હૃદયપરિવર્તન થાય છે. ઘટના એવી બની કે રૂપાળીને ઘરનાં આંગણામાથી જ ગેમલની આંખ સામે જ ઝેરીલી  સાપણ ડંસ દે છે.  અને એનું ઝેર આખા શરીરમાં વ્યાપી જાય છે.ઘરના બધા એમજ  માને છે, કે હવે રૂપાળી બચી શકશે જ નહીં. આ વાતથી હતાશ થયલો ગેમલ પોતે કરેલા પાપનું  પ્રાયશ્ચિત કરે છે. મનોમન પોતે રૂપાળીને કરેલાં અન્યાયની માફી માંગે છે. લળી લળીને ભગવાનને પ્રાર્થના કરે છે.                                   
        ‘હે  ભગવાન ! કોઈ પણ ઉપાયે મારી રૂપાળીનો વાળ વાંકો થવા ન દઈશ.’ એમ કહેતા તેની આંખમાથી પાણી ઝરવા મંડે છે.
સાપ કરડેલ રૂપાળીને ઝડપ ભેર નાગજી વૈદને ત્યાં લઈ જાય છે. રૂપાળીના સાપ કરડેલ શરીરને તપાસતા અને કેસની ગંભીરતા લેતા નાગજીવૈદ કહે છે. ‘‘પેટમાં બચ્ચા હોય તેવી છંછેડાયેલી,ઘસીને ડંસેલીને પાછળથી મારી નાખેલી સાપણનું ઝેર જીરવલું મે આજ પહેલીવાર જોયું છે. આટલું ઝેર જીરવવાની શક્તિ સતી વિના બીજી સ્ત્રીની શક્તિ નહીં ’’   આ સતી તુલ્ય સ્ત્રીને  નાગજી વૈદે વંદન કર્યા. દવા અને દુવાથી રૂપાળી સાજી થાય છે.  ત્યારબાદ ગેમલ- રૂપાળીનું  હર્યું ભર્યું  જીવન શરુ થાય છે.પણ એક દાયકો પુરો થવા છતાં રૂપાળીનો ખોળો ભરાતો નથી તેની ચિંતા રૂપાળીને સતત થયા કરે છે. ગેમલને બીજી પત્ની લાવવા કહે છે. પણ  ગેમલ તે વાત સ્વીકારવા ત્યાર નથી.તેને તેના પિતાની ઢબથી જવાબ આપતા કહે છે: ‘ધરતી એના ખેડુતને કદી  ન  ફળે એવું બને જ નહીં, જો એ ન ફળતી હોય તો એમાં ધરતીનો નહીં, પણ એના ધણીનો - એના કરમનો દોષ’ અંતે રૂપાળીને સારા દિવસો રહે છે ,  જ્ન્માષટમીની રાત્રે ગેમલના ઘેર પુત્રનો જન્મ થાય છે. આ નવલકથામાં રૂપાળીના પાત્ર દ્વારા સ્ત્રીના સતીત્વનો મહિમા કર્યો છે.
ગ્રામજીવનની માન્યતા, રૂઢિઓ, પ્રસંગોને લેખકે ગેમલ, રાયસિંગ,જેસંગ, રૂપાળી, ઉજમ, નદું, જીજી,ડાભસંગ, લાડબા જેવા પાત્ર દ્વ્રારા ગ્રામજીવનનો સરસ રીતે ઉઠાવ આપ્યો છે,
જીજીના પાત્ર દ્વારા વેદવાણી વહી છે. ગ્રામજીવનનાં રહેતા, નિરક્ષર, ઢોર, ઢાંખર, ખેતર સાથે સંકળાયેલ વ્યક્તિને ‘યત્ર નાર્યસ્તુ પુજયન્તે રમન્તે  તત્ર દેવતા’ વેદની ઋચાની ખબર  ન હોય પણ પોતાની હૈયા સૂઝથી કહે છે:  અસ્ત્રીનો  મહિમા  તેના રૂપ, રંગ પર નથી પરંતુ તેના અંતરમાં રહેલા રૂપ પર રહેલો છે. રૂપાળી ભલે રૂપાળી  ન હોય પરંતુ તેનું અંતરના અમીથી ભરેલું  છે.’’ - એ બાબત સાર્થક થાય છે.
લેખકે ગ્રામજીવનના વાતાવરણને  પાત્રના મુખે ઉપસાવી શક્યા છે. ભાષાનો ઉપયોગ સરસ રીતે કરી જાણ્યો છે. પ્રસંગોચિત ભાષા જોવા મળે છે. રૂઢિપ્રયોગ, કહેવતનો વિનિયોગ પણ સારી રીતે કરી શક્યા છે. પાત્રને, ગ્રામજીવને ઉપસાવા લેખકે ભાષાને આત્મસાત કરી હોય તેવું જણાય છે. આજના આધુનિક સમયમાં – સમાજમાં સ્ત્રીની સ્થિતિ નાજુક છે, સન્માન-સલામતીનો અભાવ છે, તેવા સમયમાં સમજવા જેવી વાત છે કે, સ્ત્રીએ ખરેખર ધરતીનો અવતાર છે, આ ધરતીના અવતારને  કારણ વગર કનડગત ન કરવી એ  બાબત આજના સમાજને સૂચક રીતે કહી જાય છે, આ ધરતીના અવતાર સમી સ્ત્રીનું સન્માન જાળવવાની વાત તેઓ આ સામાજિક નવલકથા દ્વ્રારા  કહી શક્યા છે.

 

  • ગૌતમ પી. વાધેલા

  • મો. ૯૮૯૮૫૩૪૬૬૯

000000000

***