Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

ગુલાબદાસ બ્રોકર લિખિત “ નવા ગગનની નીચે ”

પ્રવાસલેખન એ સાહિત્યનો એક રસપ્રદ પ્રકાર છે. સાહિત્યકારે પોતે કરેલા જે-તે સ્થળ વિશેનો પ્રવાસ જ્યારે આલેખે છે ત્યારે તે સ્થળ વિશેનો સમગ્ર પરિચય તેમજ તેની સ્વાનુભૂતિ તેમાં આલેખાય છે. ‘નવા ગગનની નીચે’ માં ગુલાબદાસ બ્રોકર યુરોપના પ્રવાસ વિશેના પોતાના અનુભવો આલેખે છે. ત્યાંની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ ઉપરાંત એક ભારતીય વ્યક્તિ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ત્યાં કેવી મુશ્કેલીઓ, મૂંઝવણો અનુભવે છે તેનું આલેખન અહીં થયું છે.

આ પ્રવાસનિબંધમાં ગુલાબદાસ બ્રોકર ‘પ્રયાણ’ નામનું પ્રથમ પ્રકરણ આપે છે. જેમાં લેખક પોતે જર્મનીમાં પી.ઇ.એન.ની કોન્ફરન્સમાં જવાની તૈયારી કરે છે તેનું વર્ણન છે. આ કોન્ફરન્સમાં તેમણે પ્રતિનિધિ તરીકે જવાનું થયું. તેમાં આમંત્રિત પ્રતિનિધિ તરીકે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન જવાના હતા. ઉપરાંત પેરીસમાં હંસાબેન અને લંડનમાંથી હિંગોરાણી જવાના હતા. પી.ઈ.એન.ની કોન્ફરન્સમાં તેમનો વિષય હતો “વિજ્ઞાન યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન.” લેખક ૧૭મી જુલાઈ ૧૯૫૯માં રાત્રે એક વાગે એર ઈંડિયા ઈન્ટરનેશનલના વિમાનમાં વિદેશ જવા નીકળે છે.

બીજા પ્રકરણમાં લેખક રોમની ધરતી પર ઉતરે છે. ત્યાં તેમને તેમના મિત્ર સુભાષભાઈ મળે છે. રોમમાં તેમને બે અનુભવ થાય છે. જેમાં એક સ્ત્રી બાંકડા પર બેસી સ્તનોને ઉઘાડાં કરી બાળકને સ્તનપાન કરાવી રહી છે. બીજું આપણે ત્યાં મહેમાનો માટે પીવાનું પાણી અપાય છે જ્યારે ત્યાં વાઈન અપાય છે. ત્યારબાદ લેખક ફ્રેન્કફર્ટ જવા ઉપડે છે. ત્યાં વિદેશી લોકો સાથે સંપર્ક થાય છે.

ત્રીજા પ્રકરણમાં લેખકને કોરીયાથી આવેલા પી.ઈ.એન.ના પ્રમુખ શ્રી ચાઉ સાથે પરીચય થાય છે. ત્યારબાદ બંને સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળવા જાય છે. ત્યારબાદ લેખક જમવા માટે હોટેલ શોધવા જાય છે. ત્યાં તેમને વિદેશની બે ખાસિયતો જોવા મળે છે. એક, ત્યાં રસ્તો ઓળંગવામાં કોઈ તકલીફ નહોતી પડતી અને બીજું એ કે ત્યાં મોટા ભાગની ગાડીઓ મર્સિડીઝ હતી. અને આ ગાડીઓ અહીં ટેક્સી તરીકે વપરાતી હતી

ત્યારબાદ લેખક મિ. ચાઉ સાથે કોન્ફરન્સના ઉદઘાટનમાં જાય છે. ત્યાં ડૉ. હિંગોરાણી સાથે મુલાકાત થાય છે. કોન્ફરન્સ દરમિયાન લેખક એક બાબત નોંધે છે કે પશ્ચિમના સર્વ દેશોમાં લોકોને તાળીઓ પાડતાં સારું આવડે છે. જેને એ મળે એના આત્મા પ્રફુલ્લ થઈ જાય. જ્યારે આપણા દેશમાં વિદ્યાર્થીઓને મૂંગા રહીને માન આપવાને હાથ ઊંચા કરવાનું કહેવામાં આવે છે. ત્યારે લેખક મનમાં વિષાદ વ્યક્ત કરે છે. આ કોન્ફરન્સ દરમિયાન લેખક મિ. ચાઉ સાથે ગેટેનું મકાન જોવા જાય છે. લેખકે પોતે અનુભવેલ ગેટેના મકાનનું વર્ણન કરતાં કહે છે કે ગેટેનું મકાન જૂની ખાનદાનીના નમૂનારૂપ હતું. ત્યાર બાદ લેખકની મુલાકાત એસ. ફિશર ફેરલાગ સાથે થાય છે. તેની વિશે જાણવા મળે છે. અહીંની સ્ત્રીઓ પોતાની મરજી પ્રમાણે જીવે છે, પોતાની મરજી મુજબ પોતાને ગમતા યુવકને પરણે છે. વિદેશના યુવાનોની માન્યતા એ છે કે જે છોકરીએ સેક્સનો અનુભવ કરેલો હોય તેને જીવનસાથી બનાવવી જોઈએ. આ પ્રકારનું જીવન હોવા છતાં એસ. ફિશર ફેરલાગ પોતાના વ્યક્તિત્વને ભારતીય નારીની જેમ જ ઉજાગર કરે છે.

વિદાયવેળા જે દ્રશ્ય લેખકને અતિ હ્રદયસ્પર્શી લાગ્યું તેનું આલેખન બધાની આંખો ભીની કરી જાય છે. જે પ્રજા પંદર વર્ષ પહેલાં તો એકબીજાની સામે ભયંકરમાં ભયંકર શસ્ત્રો વડે હુમલાઓ કરતી હતી. તે ફ્રેન્ચ અને જર્મન દેશના લેખકો એકબીજાની વિદાય લેતાં પ્રેમથી એકબીજાને ભેટતા હતા. આજે તો જર્મનો, ફ્રેન્ચો, અંગ્રેજો, ઇટાલિયનો, અમેરિકનો એકબીજા જોડે ભાતૃભાવ કેળવી રહ્યા હતા. આ બધું જોઈ લેખકના મનમાં એક ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી થાય છે. આ પ્રકરણમાં લેખકના પોતાના સાહિત્ય વિશેનું, સાહિત્ય સંસ્કારો વિશે બધું જાણે છે. લેખક દસ દિવસથી યુરોપમાં, વિવિધ લેખકોની વચ્ચે રહ્યા છે પણ એમાંના એકપણે હિંદુસ્તાનમાં સાહિત્યની દુનિયામાં શું થઈ રહ્યું છે એવું પૂછ્યું નથી. એ લોકો માત્ર રવિન્દ્રનાથ ટાગોરને જ જાણે છે. બાકી પછીની ખબર નથી.

પાંચમા પ્રકરણ ‘ધુમ્મસના શહેરમાં’ માં લેખક લંડનની મુલાકાતે જાય છે. ત્યાંનું ખુશનુમા વાતાવરણ લેખકને વધારે પ્રભાવિત કરી જાય છે. ત્યાં થિયેટરમાં રોહામ ગોનનું ‘The Complaisant Lover’ નાટક જોયું. નાટક આખુંય સરસ રીતે ભજવાયું હતું. આપણા દેશ સાથેની તુલના કરતાં ત્યાંના નાટક દરમિયાન જે શાંતિ હતી, એ જગ્યાએ આપણા ત્યાંની જેમ સતત અને નિરંતર ધમાધમ ક્યાંય નહોતી. લેખકે લંડનમાં જોયેલા નોંધપાત્ર સ્થળોમાં લાયન્સનું ખધિગૃહ પિર્કડિલી, ઇન્ડિયા હાઉસ, બ્રિટીશ મ્યુઝીયમ હતું. ત્યાંના લોકોની નોંધપાત્ર બાબત એ હતી કે ત્યાં નર્યો મૈત્રીભાવ છલકાતો લેખકે જોયેલો. ત્યારબાદ લેખક ઇન્ડિયા હાઉસ પહોંચી જાય છે. ત્યાં તેમની મુલાકાત વિનાયક નામના ચિત્રકાર સાથે થાય છે. વિનાયક તેમને લંડનના ટાવરમાં લઈ ગયો. જ્યાં જૂના ઈંગ્લેન્ડનો આખો ઇતિહાસ તાજો થઈ જાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળ નોંધપાત્ર હતું. બકિંગહામ પેલેસ, સેન્ટ જેઇમ્સ પાર્ક, રાંધનું વિશ્વવિખ્યાત શિલ્પ નોંધપાત્ર હતું. અને લેખકની માન્યતા હતી કે સ્વતંત્ર માણસ સ્વતંત્રતા ગુમાવે ત્યારે હ્રદય કેવું વલોવાઈ જાય એ જોવું હોય તેણે શિલ્પ જોવું જ જોઈએ.

આ ઉપરાંત લેખકને કિશનસિંહ ચાવડાના પુત્ર વિજય, ઉપરાંત જે.સી.પટેલના ઘરમાં રહેતા વિદ્યાર્થીઓ અને દરિયાલાલ સાથે મેળાપ થયો. આ બધા મધુર સ્મરણો સાથે લેખકે લંડનની વિદાય લીધી. ત્યાર બાદ તેઓ હોલેન્ડ પહોંચે છે. જ્યાં પહોંચતા જ લેખક એક મૂંઝવણમાં મૂકાઈ જાય છે. તેમનું પાસપોર્ટવાળું પાકિટ ખોવાઈ ગયું હતું. અને આ ઘટના બાદ જ લેખકને ખબર પડે છે કે માનવીના સુખદુઃખ કેવી નાની-નાની ચીજો પર આધાર રાખે છે. હોલેન્ડ એ માખણ અને પનીરનો દેશ ગણાતો. ત્યાંની ચીઝ જગવિખ્યાત છે. અને ત્યાંના લોકોની તંદુરસ્તી તેમના અંગેઅંગમાંથી ઉભરાઈ આવતી હતી. આનું કારણ ચોખ્ખા-દૂધ, માખણ, પનીર જેમને જોઈએ એથીયે વિશેષ પ્રમાણમાં મળતા હતા.

બીજું ઐતિહાસિક સ્થળ હતું મેડુરોડેમ. આ સ્થળ વિશેની એક કિવદંતી હતી કે ત્યાં એક જ્યોર્જ મેડુરો નામનો જુવાન રહેતો હતો. ૧૯૪૦ માં તેણે નાઝીઓ સામે યુદ્ધમાં બહાદૂરી બતાવી હતી. પછી કેદ પકડાયો. ૧૯૪૫ માં કેદ છાવણીમાં મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં તેના માતા-પિતાએ આ નાની નગરી બંધાવી હતી. એને અહીંના લોકો ‘મિનિએચર વિલેજ’ કહેતા. શહેર ધમધમવાળું હતું. પણ રસ્તાઓ ચોખ્ખા ચણક હતા. શહેર જૂના કાળથી બનાવેલું હતું તેથી, જૂના કિલ્લાઓ જેવાં મકાનો, આજની અદ્યતન શિલ્પસમૃદ્ધિ દર્શાવતા મકાનો પણ હતા. આ શહેરની આવક પણ વધારે હશે. સાજ સજાવટ અને સારસંભાળ માટે ઘણો ખર્ચ થતો હતો.

પેરિસમાં લેખકે નેપોલિયને ચણાવેલી વિજયની કમાન, તુઈલેરીનાં ઉદ્યાનો, સોલોનું વિશ્વવિદ્યાલય ઓપેરા વગેરે સ્થળોની રંગત માણી હતી. ભવ્ય મહાલયો, વિશાળ ઉદ્યાનો તો એની શોભા હતી. પેરિસમાં આ ઉપરાંત નાના લત્તાઓ, સામાન્ય અને ક્ષુદ્ર લાગતી જગ્યાઓ પણ સંસ્કૃતિના તેજે દીપતી બની ગઈ હોય એવું લાગતું હતું. આ ઉપરાંત નરસિંહરાવ, કનૈયાલાલ મુનશી, નાનાલાલ આ બધાએ અહીં રહી જે સાહિત્યસર્જન કરેલું તે પણ લેખક યાદ કરે છે. પેરિસમાં લેખક ‘રેઝર્સ એડ્રજ’ નામની ક્લબમાં કાર્યક્રમ જોવા જાય છે. ત્યાંના અશ્લિલ પાત્રો, અશ્લિલ ઘટનાઓ જોઈ લેખકને આ કાર્યક્રમ પ્રત્યે સૂગ ચડે છે. આ ઉપરાંત પેરિસના એફિલ ટાવરની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે.

ત્યારબાદ લેખક પૌરાણિક સંદર્ભની યાદ આપે તેવા નોત્રદામનું દેવળ જોવા ગયા. ત્યાં પહોંચ્યા બાદ ઝાગઝગાટ કરતું પેરિસ અદ્રશ્ય થઈ ગયું. શહેરના પુરાણા ભાગમાં આવેલ એ દેવળ પણ પુરાણું હતું. આકાશમાં ઓગળી જવા મથતા એના મિનારા પુરાણકાળની અને પુરાણા જીવનની યાદ આપતા હતા. આ મંદિરમાં હરણોનો ખંધિયો પોતાનું જીવન વિતાવી ગયો હતો. અહીં મેરીની આ મૂર્તિ આગળ આનાતોલ ફ્રાન્સનો મદારી પણ પોતાના ખેલ કરી કરીને પોતાની ભક્તિ પ્રદર્શિત કરી રહ્યો હતો.

આઠમા પ્રકરણમાં સ્વિટઝર્લેન્ડના પ્રવાસનું વર્ણન કરે છે. સ્વિટઝર્લેન્ડ એટલે સૌંદર્યનો શશિ ગણાય. ત્યાં લેખક વિલેપાર્લેવાળા મિત્ર દેવુ પારેખ સાથે મુસાફરી કરે છે. સ્વિટઝર્લેન્ડમાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક સૌંદર્ય જોવા મળતું નથી. પણ માત્ર ત્યાં જીવતું, જાગતું, જીવંત સૌંદર્ય જ જોવા મળે છે. તેમાં જીનીવાનું સરોવર, તેને શોભા અર્પતી ટેકરીઓ એ ચિત્રમાં ગોઠવાતી હોય તેવી અદભૂત લાગતી હતી. ચોખ્ખું ચણક, નિસર્ગના સૌંદર્યથી ભરપૂર લાગતું હતું. તેમાં કેલ્વિનના પૂતળાં અનોખું કુતૂહલ જગાવતાં હતાં. ત્યાર પછી બરફનું જ સામ્રાજ્ય ધરાવતા ‘મો બ્લા’(Mant Blanc) નું સૌંદર્ય આવે છે ત્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ જોવા મળતો. ઇટાલી, ફ્રાન્સ, સ્વિટઝર્લેન્ડ, ઓસ્ટ્રિયાને પોતાનું સૌંદર્ય અર્પતા આલ્પસનું ઊંચામાં ઊંચું અને ભવ્યમાં ભવ્ય આ શિખર ‘મો બ્લા’ જોનારામાં અનેક ભાવ પ્રેરી રહે છે. સ્વિટઝર્લેન્ડ પૃથ્વી પરનું સ્વર્ગ કેમ કહેવાય છે; તેનું કારણ છે ત્યાંનું ‘મેટરહોર્ન’ નું શિખર એના સરોવરનું અને એના કિનારાની પેલી બાજુના પહાડોનું, વૃક્ષોનું, હિમરાશીનું, અનન્ય દર્શન સચોટ થતું જાય છે. ત્યારબાદ ‘ઝરમાત’ નામનું નાનું ગામડું આવે છે. સામાજિક દ્રષ્ટિએ ત્યાંની એક ખાસિયત એ હતી કે ત્યાં એક છાપેલી સૂચના ચોંટાડેલી હતી, જે ગામના વહિવટદારો તરફથી આવનારા પ્રવાસીઓને ઉદ્દેશીને હતી. તે આ પ્રમાણે હતી : “ તમે મોટા માણસો છો, અમારું ગામ નાનું છે. અમારા ગામમાં તમે આવો છો એ તમારો ઉપકાર છે. પણ તમે ભણેલા છો. અમે અભણ. તમે સુધરેલા છો અમે ગામડિયા, અમારી સ્ત્રીઓ પણ એવી જ, ભોળી અને અભણ, પણ એમને અમારી રીતરસમ ગમે છે. કૃપા કરીને એવું વર્તન ન કરતા જેથી એને આંચકો આવે.

પ્રકરણ નવમાં નિસર્ગના સૌંદર્યની ભૂમિમાંથી હવે કલાના સૌંદર્યની ભૂમિમાં જવાનું હતું. અને તે છે જલનગર વેનિસ અને કલાનગર ફ્લોરેન્સ. વેનિસની રાજકોટ કે પોરબંદરના અમુક અંદરના ભાગથી બહુ વિશેષ આકર્ષક કદાચ ન લાગે પણ લાંબે પદે પથરાયેલી કેનાલ એ વેનિસની વિશેષતા હતી. ‘ડ્યુકલ પેલેસ’ માં મધ્યયુગની વેનિસની જાહોજલાલી ત્યાંના સર્વ સત્તાધિશો ડ્યુકો, તેમની રાજરમતો, તેનો વૈભવ, તેમની આપખુદીનો ઐતિહાસિક પરિચય મળતો હતો. ત્યાર બાદ ફ્લોરેન્સની કલાનગરી નોંધપાત્ર હતી. ત્યાં માઇકલ એન્જેલોનું એક અત્યંત સુપ્રસિદ્ધ શિલ્પ હતું. માઇકલ એન્જેલોની કળા ગમે તે યુગમાં ગમે તેને સ્પર્શે તેવી છે. ફ્લોરેન્સના એ સમયના શ્રીમંતોએ તૈયાર કરાવેલું એ શિલ્પ અદભૂત હતું. આ ઉપરાંત ફ્લોરેન્સની પ્રખ્યાત ચિત્ર ગેલેરી પ્રિટિ પેલેસના પ્રાંગણમાં અને ગામના ચોકમાં તે પ્રખ્યાત શિલ્પ ‘ડેવિડ’નું હતું. છેટેથી જોતાં જ બળનો-માર્દવભર્યા બળનો ખ્યાલ આવતો.

દસમા પ્રકરણમાં સનાતન શહેર એટલે કે જેને યુરોપના લોકો ‘ધી ઈટર્નલ સિટી’ કહે છે તે રોમ, પુરાણ પ્રસિદ્ધ નગરી જેનું નામ લેતાંવેત જ અનેકાનેક ભાવો હ્રદયમાં આપોઆપ ઉભરાઈ આવતા હતા. રોમનું ‘કોલોસિયમ’ ખંડેર જોવા જેવું હતું. તેનો ઉપરનો ભાગ અર્ધગોળાકાર હતો. બધું જૂનું પુરાણું લાગતું હતું. આ ઉપરાંત રોમની કબરોમાં પુરાણું રોમ જીવંત બની જતું હતું. નવો ધર્મ સ્વરૂપ લેવા મથે ત્યારે તેના અનુયાયીઓને કેવી વિટંબણાઓ સહન કરવી પડે તેની સાક્ષી હતી આ કબરો. નોંધપાત્ર રીતે કહી શકાય કે રોમ માત્રને માત્ર કબરો અને ભોંયરાઓનો દેશ છે.

અગિયારમા પ્રકરણમાં લેખક પિરામિડોના દેશ ઈજિપ્તમાં જાય છે. જ્યાં કેન્દ્રસ્થાને ‘કેરો’ છે. કેરોનું મ્યુઝીયમ કે જ્યાં પુરાણકાળનાં માનવ શરીરો ચિરનિંદ્રા પોઢેલાં હતાં. કાચની કબરમાં પુરાઈને અહીંના લોકોને માણસો પોતાને કોઈને કોઈ રૂપે સાચવી રાખવામાં રસ હતો. આ મ્યુઝીયમમાં મમીઓ ઉપરાંત ઘણું બધું જોવાલાયક હતું. પુરાણો કાળ અને એની સંસ્કૃતિ આખી ત્યાં જીવંત બની જતી હતી. ત્યાર બાદ કેરોમાં મુડદાઓનું ગામ છે જેને અહીંના લોકો ‘ધ સિટી ઓફ ધી ડેડ’ તરીકે ઓળખાવે છે. અહીં મુડદાં દટાય છે. આ કબ્રસ્તાન નથી પણ રિવાજ એવો છે કે મરેલા માણસોને પણ તેમના પોતાનાં મકાનોમાં જ રાખવા જોઈએ. અથવા જમીનના પ્લોટ ખરીદી રાખે છે. તેના પર દિવાલો અને દરવાજા પણ કરે છે. જેમ માણસ વધારે શ્રીમંત તેમ તેનો જમીનનો ટુકડો મોટો અને દિવાલો તેમજ દરવાજા વધારે ગંજાવર. તેના કુટુંબના માણસોને એ જમીનમાં દફનાવાય. મન થાય ત્યારે કુટુંબના માણસો અહીં આવે અને પોતાના મૃત સંબંધીઓ જોડે સ્મય ગાળે અને આ રીતે પોતાના સંબંધીઓ સાથેનો, પોતાનો નાતો જાળવી રાખે છે.

ત્યાર બાદ ત્યાંની ‘અલ-અઝહર વિદ્યાપીઠ’ નોંધપાત્ર બની રહે છે. ઇસ્લામના અભ્યાસ માટે એ કદાચ મોટામાં મોટું વિદ્યાધામ છે. આપણા હિંદીઓ માટે તો તેનું સવિશેષ આકર્ષણ છે. મૌલાના અબુલ કલામ આઝાદ ત્યાં વિદ્યાભ્યાસ કરીને ઇસ્લામની ફિલસૂફીમાં પારંગત થયા હતા.

આખા યુરોપની પરિક્રમા કરી લેખક પાછા મુંબઈ આવે છે ત્યારે વચ્ચે પોતે જોયેલા સ્થળો વિશે અવનવા દ્રશ્યોની હારમાળા જુએ છે. જેમાં પેરિસ, રોમ, લંડન, ફ્રેન્કફર્ટ, એફિલ ટાવર, ફુવારાઓ, ભીંતચિત્રો, શિલ્પ, માણસો આ બધા દ્રશ્યો તેમની નજર સમે ગતિ કરતા હતા.

*******************************************************

ડૉ. મનીષ બી. ચૌધરી
અધ્યાપક,સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
સમી. જિ. પાટણ,મો. ૯૬૬૨૫૨૭૫૯૭
મેઈલ :mann_chaudhari@yahoo.com