Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

સાહિત્ય, સમાજ અને ઇતિહાસનો તુલનાત્મક અભ્યાસ

ઉર્દૂ, બંગાળી, ગુજરાતી આદિ વર્તમાન અને ફારસી, અર્ધમાગધી, અપભ્રંશ, સંસ્કૃત આદિ જૂની ભાષાઓનું એ સૈકાઓનું—ચોક્કસ એ સૈકાઓનું ગણી શકાય એવું સર્વ સાહિત્ય, જે જે મળી આવે તે સંશોધીને પ્રગટ કરવું, એ આ સમયના ઇતિહાસનું જ એક અતિ મોટું કાર્ય છે. સાહિત્યની કે બીજી કોઈ દૃષ્ટિએ તે કૃતિઓ ભલે ગમે તેટલી ઉતરતી જણાય, તથાપિ એ સમયની સંસ્કૃતિઓ ઇતિહાસ ઘટાવવાને માટે એ જ સર્વોત્તમ સાધન ગણવાનું છે, એ નિર્વિવાદ છે. આપણા વિદ્વાનોમાં ચીનમલાલ ડાહ્યાભાઈ દલાલે આ દિશામાં સારી પ્રવૃત્તિ આરંભી હતી, તે એક કરતાં વધારે વિદ્વાનોએ આગળ ચલાવવાની આવશ્યક્તા છે. હિંદના મધ્યકાલીન ઇતિહાસના શોધકોને માથે આ કર્તવ્ય ઘણું મોટું છે, અને તેમાં પ્રાન્ત પ્રાન્તના વિદ્વાનો અને સરસ્વતીપોષક સંસ્થાઓના સહકાર જેમ જેમ વધતા જશે, તેમ તેમ જ ઊંચી કોટિની કાર્યસિદ્ધિ હાંસલ થવા સંભવ છે.[1]

1920માં સાહિત્ય પરિષદના ઇતિહાસવિભાગના અધ્યક્ષસ્થાનેથી પ્રો. બળવંતરાય ઠાકોરે આપેલા વ્યાખ્યાનને સો વર્ષ થવામાં છે ત્યારે પણ પરિસ્થિતિમાં બહુ મોટો બદલાવ જોઈ શકાતો નથી. સ્વતંત્ર ભારતમાં પણ ઇતિહાસ તરફ જોવાની દૃષ્ટિમાં બહુ ફરક આવ્યો હોય એવી સ્થિતિ આજે નથી. ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં ઇતિહાસ, પુરાતત્ત્વવિદ્યા અને નૃવંશશાસ્ત્રના ક્ષેત્રમાં બહુ ઓછી માત્રામાં નક્કર સંશોધનો થાય છે. કેટલીક યુનિવર્સિટીઓમાં તો આ વિષયો પણ નથી ચાલતા. અન્ય વિદ્યાશાખાઓને મુકાબલે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં સક્રિય છે. ઉત્ખનનવિદ્યા, સમયનિર્ધારણના બીજા સાધનોનો ઉપયોગ, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત, પ્રાકૃત, ફારસી-અરબી સાહિત્ય સાથેનું જોડાણ ક્રમશઃ ઘટતું જાય છે. ઇતિહાસના વિદ્યાર્થીઓ-સંશોધકો સાહિત્યથી, સમાજશાસ્ત્રના અભ્યાસથી દૂર જતાં જાય છે, બીજી બાજુ સાહિત્યના વિદ્યાર્થીઓ-અધ્યાપકો ઇતિહાસ અને સમાજશાસ્ત્રના અભ્યાસથી દૂર થઈ ગયા છે, એ જ રીતે સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ-અધ્યાપકો સાહિત્ય કે ઇતિહાસથી અંતર રાખીને અભ્યાસ કરી રહ્યાં છે- પરિણામે ઉવેખી ન શકાય એવી ખાઈ વર્તમાન સમયમાં પ્રવર્તી રહી છે. આમ થવાથી બળવંતરાય ઠાકોરે પુરાવસ્તુવિદ્યા(આર્કિયોલૉજી)એ ઇતિહાસને કઈ રીતે સુધાર્યો તેની વાત કરતી વખતે કહી છે એવી સ્થિતિ થોડાં રૂપભેદે પુનઃ નિર્માણ પામતી અનુભવાય છે. એમણે કહ્યું હતું તે જોઈએ- પુરાતત્વસંશોધકોનાં ખોદકામ. ધનિકો, વિશ્વવિદ્યાલયો અને રાજ્યોએ અતિપુરાતન જનતાની સ્થિતિ ખરેખર કેવી હશે તેના સંશોધનનું આ નવું ક્ષેત્ર ખેડવા માંડ્યું, અને પ્રજાઓએ પોતાના આદિકાળ વિશે જે માન્યતાઓ પોતાના અમર સાહિત્યમાં સંચેલી, તેમાં કોફિયત, ફિશિયારી, ગપ્પાં, ડંફાસ, કપોળકલ્પિત લહરો, દેવકથાઓ(મિથ્સ), અશક્ય કુદરત વિરુદ્ધ ચમત્કારો(મિરેકલ્સ), બાલમાનસી કિસ્સા અને બીજા કચરાનું ભરણું કેટલું તો ભારે હતું તે ખુલ્લું થઈ ગયું. પ્રાચીન મિસ્ત્રકીટ, ટ્રોય, મિનોઅન માઇકિલિયન સંસ્કૃતિ, પર્સિપૉલિસ,રોમ આદિ હતા ત્યારે ખરેખર કેવા હતાં, તે ઉપર નવો જ પ્રકાશ પડતો ગયો, અને એ ખોદકામ અને બીજાં સંશોધનો વડે મળી આવેલાં સાધનો અન્યોન્ય ઘટના વડે ઉકેલતાં અને બેસાડાતાં, માત્ર સાહિત્યગ્રંથિત જૂના અહેવાલો સેંકડો વર્ષથી સૌ માનતા આવેલા તે એ પરંપરાસત્ય(ટ્રેડિશન), સાચ અને જૂઠ, વ્હેમ, મોટાઈ, અજ્ઞાન અ કેવળ કલ્પનાએ સર્જેલ કેડી તો અજબ ભુલભુલામણી છે, તે પકડાતું ગયું. પ્રાચીનો વિશે તેમનાં સંતાનોએ અનેકાનેક પેઢીઓ લગી એકસરખું માન્ય કરેલું, તે કરતાં આમ અર્વાચીનોને હાથે વિશેષ સંગીન અને દ્યોતક માહિતી જમા થવા પામી છે. [2]

અલબત્ત, બળવંતરાય ઠાકોર, નરસિંહરાવ દિવેટીયા, પંડિત ભગવાનલાલ ઇંદ્રજી, આનંદશંકર ધ્રુવ, ડાક્ટર બુલ્હર, જેમ્સ કેમ્પબેલ, પ્રો. કર્ન અને પ્રો. રામકૃષ્ણ ગોપાલ ભાણ્ડારકર, ડાકટર બર્જેસ, ડા.કોડ્રિંગ્ટન, રસિકલાલ પરીખ, પ્રો. સાંકળિયા, જેવાની સાહિત્ય, સમાજ અને ઇતિહાસ પરની એક સરખી ઉચ્ચ સમજનો અને સંશોધન અભિગમનો ગુજરાતને લાભ અવશ્ય મળ્યો છે. આ સીવાય વર્તમાન સમયે પણ નરોત્તમ પલાણ, રામજીભાઈ સાવલિયા, જસુમતીબેન, ફાધર ફ્રાંસિસ, સુભાષ શાહ, હસુ યાજ્ઞાક જેવા સાહિત્ય, સમાજ અને ઇતિહાસ ક્ષેત્રે સક્રિય સંશોધકો છે, એમના સંશોધનોનો ગૌરવપૂર્વક સ્વીકાર કરીને પણ કહેવાનું મન થાય કે આ પ્રયત્નો અપુરતા છે.

ઇસુની આઠમી સદીથી લઇને 13-14મી સદી એ ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. સિદ્ધપુરને કેન્દ્રમાં રાખીને વિસ્તરેલો સોલંકીયુગ તપાસીએ તો સમાજવ્યવસ્થા, મંદિરો, વિદ્યાલયો, ઉત્સવો, વિશિષ્ટ પરંપરાને સ્થપાવા, વિકસવા અને વિસ્તરવા માટેનો પણ સુવર્ણકાળ છે. ગુજરાતમાં એ સમયગાળામાં જૈન, શૈવ, શાક્ત, બૌદ્ધ અને પુષ્ઠિમાર્ગ(કૃષ્ણભક્તિ) તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાઓ જન્મી અનો પોષણ પામી. ગુજરાતના સિદ્ધપુર, અણહિલપુર પાટણ, ધોળકા, ખંભાત, કર્ણાવતી, ભૃગુકચ્છ, સુરત જેવા શહેરોની ખ્યાતી દેશ-વિદેશમાં પણ એટલી જ વ્યાપી હતી. કમનસીબે, જૈનોની વિશિષ્ટ ગ્રંથ સાચવવાની ભંડારાની વ્યવસ્થાનું મહત્વ અન્ય ધર્મો, સંપ્રદાયોમાં ન વિકસી- એટલે જેટલી મોટી માત્રામાં જૈન સાહિત્યની હસ્તપ્રતો, પુરાવાઓ અને વ્યવસ્થિત ઇતિહાસ પ્રાપ્ત થાય છે એટલી મોટી સંખ્યામાં અન્ય હસ્તપ્રતો, અન્ય દસ્તાવેજો પ્રાપ્ત થતા નથી. અથવા તો વેરવિખેરરૂપે મળે છે. કાળના પ્રવાહમાં ઘણું નાશ પામ્યું છે. વિધર્મી આક્રમણો અને પછી વિધર્મી શાસનવ્યવસ્થાના ગુસ્સાનો ભોગ ન બનવું પડે તેવા કારણોસર પણ તત્કાલીન કવિઓ વિવાદાસ્પદ બાબતોના સ્પષ્ટ ઉલ્લેખો કરવાથી દૂર રહ્યા હોવાનું જણાઈ આવે છે. તેમ છતાં અનેક લોકકથાઓ, દંતકથાઓ, લોકગીતો, બારોટોના ચોપડાઓ, પાળિયા પરના લખાણો, ભવાઈની વેશ, જૈન કથાઓ- એમ શિષ્ટ અને લોક બંને પરંપરામાં તત્કાલીન ગતિવિધિઓ, રીત-રિવાજો, ઉત્સવો, વિચારધારાઓ, લોકમાનસ પર તેની અસરો, વિવિધ સંપ્રદાયના મંદિરોને કેન્દ્રમાં રાખીને ઉજવાતા ઉત્સવો, મંદિરોમાં પ્રગટ થતું લોકમાનસ, લોકચિત્રણ, જીવનશૈલી સૂચક રીતે ઘણું કહી જાય છે. એ સૌને તપાસવાથી તત્કાલીન સમાજવ્યવસ્થા, તત્કાલીન જનમાનસ, લોકાચાર, લોકમાન્યતાઓ, જીવનપ્રસંગો, એમાના આદર્શો, એમના વિચારો, કલ્પનાવૈભવો, એમના અરમાનો-નો આપણને પરિચય થાય છે. વિધર્મી કે વિદેશી પ્રજાઓના આક્રમણથી જ મંદિરો તૂટ્યા છે એવું નથી. સમયની માર ખમીને તૂટેલા સુપ્રસિદ્ધ મંદિરોની યાદી પણ લાંબી થવા જાય છે. એ સીવાય જે તે સંપ્રદાયનો પ્રભાવ ઘટવાથી જનમાનસમાંથી ક્રમશઃ ભૂંસાતા જઈને મહત્વ ખોઈ બેઠા હોય એવા મંદિરો, તીર્થધામો પણ એ ગાળાના સાહિત્યમાં, ઇતિહાસમાં જોઈ શકાય છે. જેમકે, બૌદ્ધ ધર્મનો પ્રભાવ ગુજરાતમાંથી ઘટતો ગયો છે, ગીરનાર, પાલિતાણા, આબુ, ધોળકા, વલભી, ભૃગુકચ્છ(ભરુચ),સૂર્યપુર(સુરત), અંકલેશ્વર પાસે આદિ સ્થળો એક સમયે બૌદ્ધ ધર્મના મહત્વના તીર્થો હતા. પણ ગુજરાતમાં જૈન અને શૈવ ધર્મનો પ્રભાવ એટલો બધો વિસ્તરણ પામ્યો કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ઘટતા ગયા ને રાજ્યાશ્રય ન મળવાના કારણે એ તીર્થધામો જનમાનસમાંથી, સાહિત્યમાંથી પણ ભૂંસાતા ચાલ્યા. એને લગતી પરંપરાઓ, ઉત્સવો પણ કાળક્રમે નાશ પામતા ગયા.

ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા ર.છો પરીખના લેખને આધાર રાખી લખે છે કેઃ કેદારેશ્વર અને સોમેશ્વર શિવાલયોને ઉદ્ધારવાની તથા પાર્શ્વનાથના મંદિરો બાંધવાની કુમારપાલે આજ્ઞા કરી તેનું વર્ણન દ્વયાશ્રયમાં છે, આ મંદિરો અત્યારે તો નામશેષ થઈ ગયા છે પણ આચાર્ય હેમચંદ્રે એનો મહિમા વર્ણવ્યો છે. એ કાળના કવિઓની પ્રતિભા એ અદ્ભુત શિલ્પોને તથા એમાં દેખાતાં ગુજરાતી ટાંકણા જોઈને સ્ફુરતી હશે, પણ સમર્થ એવી કૃતિ હેમચંદ્રના શિષ્ય કવિ રામચંદ્ર દ્વારા લખાયેલી કુમારવિહાર શતક જોવા મળે છે. એમાં કુમારપાલે પાટણમાં બંધાવેલા પાર્શ્વનાથના મંદિર વિશે કવિએ વર્ણન કર્યું છે, જેમાં ગુજરાતના શિલ્પની ભભકનો તથા કવિ રામચંદ્રના મનોહારી છાન્દસ-શિલ્પનો અને હ્યદયંગમ ઉત્પ્રેક્ષણનો ખ્યાલ આવે છે.[3]

જૈન ધર્મના ગચ્છાધિપતિઓને શૈવ માર્ગી રાજાઓએ પણ આશ્રય આપ્યો છે. રાજાઓના અનેક પ્રધાનો જૈન હતા, રાજા અને ઘણીખરી પ્રજા પણ શૈવ ધર્મી હતી- એવા અનેક રાજ્યો ગુજરાતમાં તત્કાળે હતા. ઉપરાન્ત જૈન સાધુઓએ માત્ર રજપૂત રાજાઓને જ નહીં, પછીથી આક્રમણ કરીને સત્તાધિશ બનેલા મુસ્લીમ સુબાઓ, સુલતાનો સાથે પણ સારા સંબંધ કેળવીને જૈન ધર્મનું જતન કર્યું હતું. અકબર સાથે જૈન સુરિને સીધા સંબંધ હોવાનું અનેક કૃતિઓમાં નિરૂપણ જોવા મળે છે. રાજપૂતો અને મુસ્લીમ સુલતાનો સાથે સમાધાન કરાવ્યા હોવાના પુરાવાઓ પણ મળે છે. એટલે કહી શકાય કે, સોલંકીયુગ અને પછીના યુગમાં જેટલા શિવ મંદિરો તૂટ્યા એના પ્રમાણમાં જૈન મંદિરો વધારે પ્રમાણમાં જળવાઈ રહ્યાં છે. જો કે, ઘણાં જૈન મંદિરો પણ નાશ પામ્યા હોવાના, પુનઃ નિર્માણ પામ્યા હોવાના નિરૂપણો જૈન ગ્રંથોમાં જોવા મળે છે.

રુદ્રમહાલય, શ્રી સ્થળ સિદ્ધપુર, વૈજનાથ મંદિર સોખડા, શિવપંચાયતન મંદિર (આસુડા-દેવડા), હાટકેશ્વર મહાદેવ (વડનગર), શિવમંદિરનાં તોરણો (વડનગર), પોળોના જંગલમાં આવેલ શિવમંદિર, જૈન મંદિરો, મોઢેરાનું સૂર્યમંદિર,સિદ્ધનાથ મંદિર(ઓલપાડ), પાવાગઢ, થાન, રાણક-દેવડી, અમદાવાદના ત્રણ મંદિરો, ધોળકા, સોમનાથ, દ્વારિકા, કાળો ડુંગર, અર્બુદા પર્વત(હાલ રાજસ્થાન), (મૂળ શૈવ મંદિર, પછી જૈન મંદિર) કુંભારિયાના દહેરા, પાલિતાણાના મંદિરો, પાલિતાણાની બૌદ્ધ ગુફાઓ, ગીરનારની બૌદ્ધ ચૈત્યો ને ગુફાઓ, ધોળકાનું મંદિર, ખેડબ્રહ્માનું બ્રહ્માજીનું મંદિર, તરણેતરનું સૂર્યમંદિર, કચ્છના માંડવી, ભૂજ, અંજારના મંદિરો, ખંભાત, પ્રભાસ જેવા અનેક સ્થળો મધ્યકાળમાં તીર્થધામો તરીકે અતિ પ્રસિદ્ધ હોવાના પુરાવાઓ મળે છે. બધા જ મંદિરો આક્રમણકારો દ્વારા તોડવામાં આવ્યા હોય એવું પણ નથી. કાળક્રમે એની કીર્તિ ઓછી થવાના કારણે લોકમાનસ પરથી ભૂંસાતા ગયા હોય એવું પણ બન્યું છે. આ સંશોધન નિમિત્તે તત્કાલીન સામાજિક પરિસ્થિતિ, તત્કાલીન લોકઉત્સવો, રીત-રિવાજો, મહત્વના પ્રસંગો, ઐતિહાસિક ઘટનાઓ અને એનો પ્રભાવ જાણવાનો પ્રયાસ કરવામાં આવે તો ઘણું હાથ લાગે તેમ છે.

સમાજ અને સંસ્કૃતિ

તત્કાલીન સમાજનું ચિત્રણ કરતી સેંકડો કૃતિઓથી ભંડારો ઉભરાય છે. એક રીતે જોઈએ તો બધી હસ્તપ્રતોની પૂર્ણ અને વિશ્વાસનિય સૂચિનું કામ પણ હજી પૂરું થયું નથી. એની લિપિ ઉકેલવી, વિવિધ હસ્તપ્રતોની નકલોને મેળવણું કરીને પાઠ નિર્ધારણ કરવાનું ભગિરથકામ હજી સંશોધકોની રાહ જોઈ રહ્યું છે. પણ મહત્વની સાહિત્યકૃતિઓ, ધર્મને લગતી કૃતિઓ, લોકપરંપરાઓને સંપાદિત કરવાનું ખાસ્સું કામ થયેલું છે. એ ક્ષેત્રમાં કામ કરનારાં કે.હ.ધ્રુવ, પં. સુખલાલજી, સી.ડી.દલાલ,ઝવેરચંદ મેઘાણી, મૌલવી સૈયદ અબૂઝફર નદવી(ગૂજરાત વિદ્યાપીઠ), હરિવલ્લભ ભાયાણી, નરસિંહરાવ, કે.કા. શાસ્ત્રી, અનેક જૈન મુનિઓ, કીર્તિદા જોશી, નિરંજના શાહ, નિલોત્પલા ગાંધી, ર.છો. પરીખ, બળવંત જાની, અંબાદાન રોહડિયા અને બીજા યુવા સંશોધકો આ દિશામાં કાર્યરત હતા કે છે. ભો.જે.વિદ્યાભવન, વિદ્યાપીઠનું પ્રાચ્યવિદ્યા મંદિર, એલ.ડી.ઇન્ડોલોજી, વડોદરાનું પ્રાચ્ય મંદિર, પાટણ, અમદાવાદ, કોબા આદિના જૈન સંસ્થાનો, સ્વામિનારાયણ મંદિરોના સંસ્થાનો મધ્યકાલીન સાહિત્યની હસ્તપ્રતોને એકત્ર કરવા,સંરક્ષણ કરવા, પાઠસંપાદન, પ્રકાશનને લગતા કાર્યોમાં મહત્વનું પ્રદાન કરી રહ્યાં છે.

સાહિત્યમાં ભગ્ન મંદિરો- ધનપાલ નામના કવિની રચના તિલકમંજરી[4]માં સોમનાથ વગેરે પ્રદેશો ભાંગ્યાની વાતનો ઉલ્લેખ છે, મંત્રી યશપાલ કવિ(મોહરાજ પરાજય)

અહીં એટલું જ કહીશ કે- તુલનાત્મક સાહિત્ય ઉપરાન્ત એ જે ધરાતલ પર ઊભું છે એ સંસ્કૃતિ, સમાજ, ઇતિહાસને જો જીવન્ત રીતે સાંકળીને તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસ આ દિશાની ક્ષિતિજો વિસ્તરશે, એક મુલ્યવાન ઉમેરણ થશે, અને આપણા વિદ્યાર્થીઓ ખરા અર્થમાં મલ્ટિડાયમેન્સલ બનશે.

0000000000

સંદર્ભ

  1. પૃ-12, ઇતિહાસદિગ્દર્શન, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ.
  2. (પૃ-229) ઇતિહાસદિગ્દર્શન, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ.
  3. આહુતિ (સં. ડૉ. કૃષ્ણકાંત કડકિયા. પ્ર.આ.2003. પ્રકાશક- કડકિયા ટ્રસ્ટ, સરસ્વતીનગર, આંબાવાડી, અમદાવાદ15. સંપાદકીય લેખ. પૃ.19.
  4. ધનપાલ(સોલંકીકાલનું સાહિત્ય, પૃ-7,

ડૉ. નરેશ શુક્લ
૫૩-એ., હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬. ફોન-૯૪૨૮૦૪૯૨૩૫.