બે કાવ્યો

(૧)

થેમ્સનું પાણી
તેજેન્દ્ર શર્મા
અનુવાદ: દીપક રાવલ

થેમ્સનું પાણી નથી સ્વર્ગનું દ્વાર
અહીતો ભરાયું છે એક વિચિત્ર માયાબજાર !
પાણી છે માટીયાળું, ગોરાં છે લોકોના તન
માયાના જાળામાં નથી દેખાતું મન
થેમ્સ ક્યાંથી આવે છે ક્યાં ચાલી જાય છે
એવા પ્રશ્ન આપણા મનમાં જગાડી શકતી નથી
થેમ્સ માત્ર છે !...થેમ્સ પોતાની જગ્યાએ યથાવત છે !
કહેવા માટે એની આસપાસ કળા અને સંસ્કૃતિનો સંસાર છે !
થેમ્સ ક્યારેક ખાડી છે, તો ક્યારેક સાગર છે
એના પ્રત્યે લોકોના મનમાં ન શ્રદ્ધા છે ન આદર છે !
બજાર સંસ્કૃતિઓમાં નદીઓ નદીઓ જ રહી જાય છે
બને છે વેપારનું માધ્યમ, મા બની શકાતી નથી !
થેમ્સ દશકાઓ, શતાબ્દિઓ સુધી કરે છે ગંગા પર રાજ
પછી સંકોચાઈ જાય છે, શોધતી ફરે છે પોતાનો તાજ !
થેમ્સ ધન છે, પ્રેમ છે ગંગા, થેમ્સ છે ઐશ્વર્ય, ભાવના છે ગંગા
થેમ્સ છે પ્રમાદ જીવનનો, મોક્ષની કામના ગંગા
મન બહેલાવવાના ઘણા સાધન છે થેમ્સ નદીની આસપાસ

ગંગા મૈયામાં મન લગાડે છે આપણો પોતાનો વિશ્વાસ !

**************************

(૨)

વૃક્ષોની છાયામાં
તેજેન્દ્ર શર્મા
અનુવાદ: દીપક રાવલ

વૃક્ષોની છાયામાં
કરતો રહું છું પ્રતીક્ષા
સુક્કા પાન ખખડવાની
ઘણા દિવસ થયા
એમને પિયર ગયાને !
રસ્તો કદાચ આ જ રહ્યો હશે
વૃક્ષની ડાળીઓ
અને પાંદડાઓમાં
એમના શરીરની સુગંધ
વસી ગઈ છે !
પાંદડાઓ ત્યારે પણ દુખી હતા
પાંદડાઓ આજે પણ દુખી છે
એમના પગમાં આવીને
ખખડવા વ્યાકુળ છે
પરંતુ સાંભળ્યું છે કે
આત્માના ચાલવાથી
અવાજ થતો નથી !!

 

000000000

***