‘અશ્રુઘર’માં ઝળકતું કવિ રાવજીનું ભાષાકર્મ

ગુજરાતી સાહિત્યમાં નવલકથા સ્વરૂપ એક વિશાળ પટ પર પથરાયેલું છે. નવલકથા એના આરંભથી આજ લગીના સમયખંડમાં વિવિધ સર્જકો દ્વારા ઉત્તુંગ શીખરોને પામતી રહી છે પણ આજે અહીં વાત કરવી છે કવિજીવ રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથાની જેણે બહુધા વિવેચકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું એટલું જ નહીં વાહવાહી પણ લૂંટી હતી. લઘુનવલની ગણનામાં મુકાયેલી ‘અશ્રુઘર’ ગુજરાત સરકાર દ્વારા પણ પુરસ્કૃત થયેલી છે.

અશ્રુઘરનું જમાપાસું એ એની ભાષાને ગણાવી શકાય, કારણ કે જન્મદત્ત કવિ એવા રાવજીની આ કૃતિ હોવાને ન્યાતે અહીં અત્રતત્રસર્વત્ર એક કવિ વિહરતો અનુભવાય છે અને કદાચ આ જ કારણને લીધે ‘અશ્રુઘર’ને વાચકો તથા વિવેચકોએ હ્યદયના સાચા ઉમળકાથી આવકારી છે.

આ સંદર્ભે વાત કરતાં શ્રી ચંદ્રશંકર ભટ્ટ યથાર્થ જ નોંધે છે કે, “રાવજી પાસે લેખનની આગવી સૂઝ છે. તેની વાણી યથાપ્રસંગ તીક્ષ્ણતા અને કલાત્મકતા સાધી શકે છે. તેમાં અસરકારક અભિવ્યક્તિ છે. ભાષાની તાજગી છે.”

તો ડૉ. સતીશ વ્યાસ આ જ વાતને રજૂ કરતાં કહે છે; “અશ્રુઘર કવિ રાવજીની નવલકથા છે. અહીં પ્રસંગનિરૂપણ નહીં, પણ સંવેદનનિરૂપણ પ્રાધાન્ય ભોગવે છે; કથન નહીં, પણ કવન આધિપત્ય ધરાવે છે. સ્વાનુભવનું સહજ સઘન પોત અહીં સાદ્યન્ત અનુભવાય છે.

‘અશ્રુઘર’ની કથા એક શિયાળુ તડકાથી આરંભાઇને કારતક-માગશર માસના બીજા શિયાળા સુધીના લગભગ અગિયાર-બાર માસના ગાળામાં સમાપ્ત થાય છે. જેમાં પ્રારંભ અને અંત સેનેટોરિયમમાં અને વચ્ચેનો પટ કથાનાયક સત્યના ગામડાના આગવા જીવનમાં રોકાયેલો છે.

ક્ષયની સારવાર અર્થે આણંદ પાસેના સેનેટોરિયમના અગિયાર નંબરના ખાટલાનો દર્દી સત્ય એની પાસેના દસ નંબરના દર્દીની પત્ની લલિતા સાથે સ્નેહ અનુભવે છે. એમના પ્રણયદિનોની સાક્ષી સર્વદમન (કૂતરું) બન્યું છે. સાજો થયા બાદ પોતાને વતન પાછો ફરતો સત્ય સેનેટોરિયમમાં પોતાનું ખમીસ ભૂલી આવે છે અને સાથે લઇ આવે છે લલિતા દ્વારા એને લખવા અપાયેલી પેન. આમ, લલિતા સત્યના ખમીસ અને સત્ય લલિતાની પેનના સહારેજ એકમેકને પોતાનાં સ્મરણોમાં સાચવી શક્યાં છે.

ગામડે પરત ફરેલા સત્યની બિમારી વિશે લોકોને જાણ થાય એ પહેલાં જ એના હાથ પીળા કરાવી દેવાની ચિંતા કરતી સત્યની મા એની મોટી વહુની બહેન સૂર્યાજોડે સત્યના વેવિશાળનું ગોઠવી દે છે પણ સત્યના હ્યદય મન પર તો લલિતાએ કબજો જમાવ્યો છે. ‘વૈશાલીની આમ્રમંજરી’ સમી સૂર્યા બહુપુરુષ ભૂખી છે. ગામના જ યુવક અને સત્યના પિતરાઇ એવા રતિલાલ સાથેના સમાગમથી તે ગર્ભવતી બની છે. સૂર્યાના આવા વ્યક્તિત્વને લીધે સત્ય એને સ્વીકારી શકતો નથી અને લલિતાને વિસારી શકતો નથી.

વિધિની વક્રતા કહો કે સર્જકની કલમકમાલ પણ લલિતા સત્યના જ ગામની શાળામાં શિક્ષિકા તરીકે જોડાય છે અને એ જાણી હર્ષથી ઉછળી પડતો સત્ય અધિકારવશ લલિતાને પોતાની સાથે લગ્ન કરી લેવા જણાવે છે પણ વિધવા બનેલી લલિતા લોકલાજની બીકે એવું પગલું ભરી શકતી નથી અને સત્યને ત્યાંથી ચાલ્યા જવાનું સંભળાવી દે છે. લલિતા વિશે પોતે સેવેલી આશા ઉગતા પહેલાં જ વિરમી જવાની વેદનાથી વજ્રાઘાત પામેલો સત્ય અત્યંત ક્રોધિત થઇ ઉઠતા તેની વ્હાલસોયી બકરી રમતીના લાડને સહન કરી શકતો નથી અને તેને એક જોરદાર મુષ્ઠિ પ્રહારથી મોતને ઘાટ ઉતારી દે છે. પછી તો ગામના વડીલો અને આગેવાનો સત્ય લલિતાના મામલામાં વચ્ચે પડીને લલિતાની બદલી અન્ય સ્થળે કરાવી નાંખે છે.

શરીરથી હારી ગયેલો સત્ય મનથી પણ હારી જતાં સૂર્યા વિશે પોતે સઘળું જાણતો હોવા છતાંય તેની સાથે લગ્ન કરી લે છે. જીવનમાં કશો સાર ન રહેતાં મરવા માટે જ જીવતો સત્ય એની ભરપૂર બેદરકારીને પગલે ફરીથી બિમાર પડે છે અને એ જ સેનેટોરિયમમાં પુનઃ ભરતી થાય છે જ્યાંથી તે આવ્યો હતો. સેનેટોરિયમમાં પોતાના સ્વજનોની હૂંફ-પ્રેમ માત્ર ઇચ્છતો સત્ય એના અંતિમ સમયમાં ખાસ મિત્ર એવા એહમદની પાસે છે અને લલિતાને મળી લેવાની એકમાત્ર અંતિમ ઇચ્છાને વશ થઇ ચાલતા એના શ્વાસ લલિતાની અંતિમ મુલાકાતથી જ થંભી જાય છે અને સત્ય એને ન ગમતા સેનેટોરિયમમાં જ હંમેશને માટે આંખો મિંચી જાયછે.

આમ, સત્ય-લલિતા અને સૂર્યાના ત્રિકોણમાં સર્જાયેલી આ લઘુનવલનો ત્રિકોણ અન્ય નવલોમાં આલેખાયેલા ત્રિકોણથી સાવ અલાયદો અને આગવો બની રહ્યો છે.

હવે આપણે વાત કરીએ ‘અશ્રુઘર’ની ભાષામાં ડોકાતા કવિ રાવજીની તો તેમણે નવલકથામાં પ્રયોજેલા પ્રસંગો, પાત્રો અને પરિવેશને રજૂ કરવા માટે અલંકારો, પ્રતિકો અને વિશિષ્ટ ગ્રામિણ બોલી સઘળાને બહુ કાળજી અને કુનેહ પૂર્વક ખપમાં લીધું છે અહીં ઠેર-ઠેર નજરે પડતી કાવ્યાત્મક શૈલીને વિગતે જોઇએ.

  1. - ‘શિયાળુ તડકા આડેથી કોઇ પડછાયો ખેસવી લેતું એને લાગ્યું.’ (પૃ-9)
  2. - ‘દુર્ગંધના પોટલામાં ઝાઝુ વજન નહોતું.’ (પૃ-10)
  3. - ‘સત્યની આંખો એની ઘઉંવર્ણી તંદુરસ્તીને સૂંઘવા લાગી હતી.’ (પૃ-11)
  4. - અન્ય દર્દીઓને લલિતાની ભાળવણી કરી નિરાંતજીવે જતા એનાપિતરાઇ કાકા માટે ‘......રોપેલી તમાકુમાં પાણી વાળીને ઘર તરફ જતા ખેડૂતની જેમ હવે કાંઇ કરવાનું ના હોય એમ ભત્રીજાવહુ પર નજર નાખતા જતા રહ્યા.’ (પૃ-11)
  5. - ‘છોભીલો પડેલો સૂર્યપ્રકાશ સોનેરી ખોળા પર બેસી એના મોં ને એના સુંદર અક્ષરોને જોઇ રહ્યો.’ (પૃ-11)
  6. - ‘ખાટલાઓમાં પડેલા સમયના ટુકડાઓ પાસાં બદલતા હતા છતાં દિવસ કેમે કર્યો રોગના જંતુ જેવો ખસતો નહતો, જ્યારે .......દિવસ સોનેટોરિયમની બહાર તો પતંગિયાની જેમ ઘડીક બેસીને ઉડી જાય છે.’ (પૃ-12)
  7. - હોસ્પિટલની બપોરી વેળા માટે ‘........બાકીના દર્દીઓ સેનેટોરિયમના નિશ્ચલ સમુદ્રની મધ્યમાં પોતાના જહાજોને અધ્ધરતાલ લાંગરીને રોગ વગરની દુનિયામાં પહોંચી જતા.’ (પૃ-12)
  8. - ‘બપોરે તો કેવળ શ્વેત શઢ જેવી મચ્છરદાનીઓનો આછો આછો ફફડાટ જ સાંભળ્યા કરવાનો.’ (પૃ-22)
  9. - લલિતાના બિમાર પતિ માટે – ‘લલિતા એના રુગ્ણ સૌભાગ્યને જોઇ રહી હતી’. (પૃ-14)
  10. - ‘બાર તિમિસ્રનો મહાસાગર ઘૂઘવતો હતો એમાં લોહીની ઉલટી જેવી શિયાળવાની લાળી હતી.........બળદની ખરીઓ જેવું જલ સત્ય પાંપણ પર છલકાતું અનુભવી રહ્યો.’ (પૃ-26)
  11. - ‘આછુપાતળું અંધારુ સત્ય પર ઓઢાડી નર્સ રૂમમાં સૂવા જતી રહી.’ (પૃ-26)
  12. - ‘સત્યે હાથ મુકવાનું કહ્યું એ હવે એના મનમાં ખેડાણ જમીનમાં દાણો નાંખ્યા જેવું લાગવા માંડ્યું.’
  13. - ‘પારકી ગાય જેવી ઉંઘ’ (પૃ-27)
  14. - ‘સત્યના મૌનને અડીઅડીને પોતાના તરફ વહી આવતી આછી હવાના સંસ્પર્શથી મહુડીની શાખા પરથી મહુડા ખરી જાય એમ ખરખર કરતાં આંસુને એ રોકી ન શકી.’ (પૃ-35)
  15. - ‘અપક્વ ફળ જેવા સ્તનોની પાછળ કોક કીડો પ્રવેશી ગયો હોય એવી.....’ (પૃ-37)
  16. - ‘સડક જેવડો લાંબો નિસાસો એના મ્હોમાંથી બહાર નીકળી ગયો.’ (પૃ-39)
  17. - ‘છીંકામાંથી નાની ડુંગળી પડી જાય એમ આંખમાં આવીને બચપણ પાછુ પડી ગયું.’ (પૃ-41)
  18. - ‘સાકરની ગાંગડી જેવી એની આંખો અને ગંધની પોટલી જેવા એના ગાલ.’ (પૃ-49)
  19. - ‘કચુમરા ફળ જેવી જુવાની’ (પૃ-52)
  20. - ‘એક ભજનનો રેલો ગામમાંથી ઉંચે ચડતો હતો......ભજનની એક છાલક ગામ પર છલકી પડી, કૂતરાં, શેરી અને ફળિયાં ઓઢીને ઉંઘી ગયાં.’ (પૃ-52)
  21. - ખાટલામાં લઘર-વઘર પડેલી સૂર્યા અને એના અંગ પરની અસ્તવ્યસ્તતા જોઇ- ‘ભીની જગ્યામાં કોઇ કૂતરે બોટ કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હોય એવું દેખાતું હતું.’(પૃ-65)
  22. - ‘એના વક્ષમાં સહસ્ત્રઅશ્વોની હેષા પ્રવેશી ગઇ હતી.’ (પૃ-68)
  23. - ‘કમળપત્ર જેવા મુલાયમ હાથ હાથમાં લઇ એકાદ માસના સહવાસને એની હથેળીમાં એના પ્રમત્ત હોઠથી જાગ્રત કર્યો.’ (પૃ-70)
  24. - ‘ગાલની છલકાતી ગુલાબી તલાવડીને એક શ્વાસે પીધી.’ (પૃ-70)
  25. - ‘કબૂતરના અવાજ જેવી ભોળી આંખો સત્યને તાકી રહી.’ (પૃ-94)
  26. - ‘......એની કેળમાં આંબાના મૉર જેવો પરિચય ફૂટતો દીઠો.’ (પૃ-102)
  27. - ‘છાતીની ભીરુ સસલીઓ ક્યાંક નાસી જવા ઉછળી.’ (પૃ-112)
  28. - ‘તરફેણો નવવધૂની આંગળીઓ જેવી ખેતરમાં ફરવા લાગી.’ (પૃ-118)
આ નવલકથામાં ગ્રામિણ-કૃષિજગતના તળપદા શબ્દો, એની લઢણો અને કેટલાક રૂઢિપ્રયોગોનો પણ સહજ-સરળ ઉપયોગ થયો છે જે સમગ્ર કથાને વિશેષ મહત્વ અર્પે છે. દા.ત.- ‘પાઇની કરી નાંખી’(પૃ-38), ‘મણનો છશેર’ (પૃ-42), ‘ઓખાદ બગાડી નાંખવી’ (પૃ-50), ‘ચેટલી વીહે હો થાય’ (પૃ-58)

જ્યારે વિવિધ શબ્દપ્રયોગો જોઇએ તો, ‘મારો બેટ્ટો’, ‘મેર સાલી ટણપી’, ‘અલ્યા ભૈ’, ‘બર્યું’, ‘રડ્યો’, ‘મૂઓ’, ‘ખરપા’, ‘ભવાયા જેવો’, ‘એની બોનને રાખુ’, ‘ભમ્બુરા જેવો’ વગેરે અને વિવિધ શબ્દલઢણોમાં ‘બુકાટવું’, ‘લહલહ’, ‘હહેડ’, ‘સસડાવી’, ‘કદકદ’, ‘તયડાજી’, ‘મકલાતો’, ‘ટીબલા’, ‘વેંગો’, ‘બયડો’ વગેરેનો સમાવેશ કરી શકાય.

આ ઉપરાંત રાવજીએ આ કથામાં ખપમાં લીધેલા સ્ત્રીવાચક વિશેષણો જોઇએ તો ‘વિચિત્રા’, ‘આગંતુકા’, ‘રુગ્ણા’, ‘પુષ્ઠદેહા’, ‘સ્મિતવતી’, ‘મુક્તકેશા’, ‘ઉત્સુકા’, ‘મદિરલોચના’, ‘સુગંધશિલ્પા’ને ગણાવી શકાય.

એક નાની અમથી લઘુનવલમાં રહેલું ભાષાનું આટલું વૈવિધ્ય એ સર્જક રાવજી પટેલની શબ્દસમૃધ્ધિની સાહેદી નથી તો બીજું શું? એક વાચક તરીકે આ નવલ આપણને એની આગવી ભાષાથી તો નવપલ્લવિત કરે જ છે પણ સાથે સાથે એમાં વણાયેલી કથાનું પોત પણ આપણને અંત લગી ‘સત્ય‘થી વેગળા થવા દેતું નથી જે પ્રશંસનીય બાબત ગણી શકાય.

કવિ અને વિવેચક એવા શ્રી ચંદ્રકાંત શેઠના શબ્દોમાં થયેલા કવિ રાવજીના વખાણને અહીં રજૂ કરીને મારી વાતને પૂરી કરું છું.
“રાવજી ‘અશ્રુઘર’માં બેસીને એ રીતે વાત કરે છે કે આપણને એ ‘અશ્રુઘર’માં થોડોસમય વધુ રહેવાની ઇચ્છા થાય છે. આજના જીવન-સંદર્ભમાં આપણામાં આવી ઇચ્છા પ્રેરનાર રાવજીની આ સિધ્ધિ ઓછી છે?”

ડૉ. ભાર્ગવ પં. ભટ્ટ
6, આસોપાલવ સોસા, દહેગામ, જિ- ગાંધીનગર, 382305