ખોલકી (સુન્દરમ્‌) - એક નિત્ય નૂતન વાર્તા

‘ખોલકી’ વાર્તા વિશે એટલું બધું લખાયું છે, કહેવાયું છે કે, એના વિશે વધારે શું કહેવું - એવો પ્રશ્ન ઊઠે પણ આ રચનાની સિદ્ધિ એ છે કે, દરેક કાળે સાહિત્યરસિકોને આકર્ષવાની એ સજ્જતા ધરાવે છે. એમાં સિદ્ધ થયેલ કલાત્મકતા, એના વસ્તુથી માંડી આકાર સુધીના ઘટકોની પૂર્ણતા સુધી વ્યાપેલી છે. એક સર્વાંગ સુંદર વાર્તાનો નમુનો કહી શકીએ એટલી ચુસ્ત વાર્તા છે. એ જ્‌યારથી પ્રગટ થઇ - એટલે કે ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામનાં સુન્દરમ્‌ના બીજા સંગ્રહમાં - ત્યારથી તે સાહિત્યરસિકો અને વિવેચકોના ધ્યાનનું કેન્દ્ર બની રહી છે. ખોલકીને વિષ્ણપ્રસાદ ત્રવેદી જેવા નીતિવાદી વિવેચકે પણ ‘.....બીભત્સરસની બેનમુન વાર્તા’ તરીકે પ્રમાણી છે તો અન્ય વિવેચકે એને ‘એક લલચામણા વિષયને કલાકારની તટસ્થતાથી, નિર્મમતાથી અંત સુધી નિભાવવામાં સુન્દરમની કલાસિદ્ધિ છે’ કહીને વાર્તાની રચનામાં દાખવેલ કલાસંયમની ઉચિત નોંધ લીધી છે.

વાર્તામાં વાત માત્ર આટલી જ છે - વાર્તાનિવેદક ચંદન - જે બાળવિધવા છે- તેના બીજા લગ્ન થયા છે. માનું આકસ્મિક મૃત્યુ અને બહેનના વિવાહ જેવા કારણોસર એ સાસરે જઇ શકી નથી. એના પતિને વિવાહ થયા ત્યારે ઘૂંમટામાં ને ઘૂંમટામાં ધારીને જોવાયા નથી, મળી જ નથી. એનાથી ઉમરમાં ઘણાં મોટા અને ત્રણ છોકરાના બાપ એવા એના નવા પતિ ગામમાં લૌકિકે આવ્યા છે. ચંદનની ભાભી એ બેયનો રાત્રી મેળાપ ગોઠવી આપે છે - બસ, બાહ્ય ઘટનાની રીતે આટલી વાત આ વાર્તામાં બને છે. પણ, આટલી ઘટના તો અહીં નિમિત્ત માત્ર છે. લેખકનું આ લક્ષ્ય નથી. પતિદર્શનથી મેળાપ સુધીના માત્ર એક જ દિવસમાં ચંદનનું મુગ્ધ જીવન કઇ કરુણતામાં પરિણમવાનું છે - તેનો સંકેત એ વાર્તાનું લક્ષ્ય છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ એટલે જ ‘નરી રચનાનો અને નરી ઘટના વચ્ચેનો તથ્યરચનાનો કલાત્મક નમૂનો બનીને ( આ વાર્તા) ઊભી રહે છે’ કહ્યું છે.

વિગતે જાઇએ.

લેખકે આખી વાર્તા ચંદનના મોંએ કહેવડાવી છે. પાત્રનું કથન હોઇ એક વિશિષ્ટ એવી આત્મીયતા કેળવાઇ રહે છે. ચંદન ખરેખર તો કહેતી નથી, માત્ર જુએ છે એ એવાને એવા જ સ્વરૂપે રજૂ કરે છે. કયારેક સ્થૂળ વિગતો કહેવાઇ છે પણ એના પર વાર્તા કેન્દ્રિત થતી નથી. આછા અમથા ઉલ્લેખોથી કથાપિણ્ડ બંધાયે જાય છે. જેમકે, ચંદન પોતાના પતિને જાવા કેમ ઉત્સુક છે એનું કારણ સહજ આપે છે, કહે છે -
‘તે રાતે અમારા વિવાહ થયા ત્યારે ઘૂંમટામાં ને ઘૂંમટામાં મારાથી એમને ધારીને જાવાયેલા ન હતા. અને પછી ત્રીજા દહાડે મારી મા મરી ગઇ તે બાપાએ મને ના જવા દીધી, અને તે તેડવા આવ્યા ત્યારે મારી બેનના વિવાહ થવાના હતા એટલે બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત’ એટલે વિવાહ થઇ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે બધાની ભેગા કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને મને થયું કે લાવ જાઉં તો ખરી....’

અહીં નિખાલસ અને સરળ શૈલીના આત્મીય લ્હેકાથી ભાવક સહજ રીતે જ ચંદન સાથે જાડાઇ જાય છે. ચંદન આસપાસ વિંટળાયેલો ઉપેક્ષિત સમાજ, એ સમાજની બહુ લગ્ન પ્રથા અને એ માટેના માપદંડ તેમ જ વ્યવહારો વિશે તેમ જ પોતાના પતિ તરફની લાગણી-ઉત્સુકતા આટલી અમથી વાતમાં રજૂ કરી દેવાઇ છે. ભાભી મીઠી છેડછાડ સાથે એના પતિની ઓળખ કરાવે છે. એ સાથે જ વાર્તાની દિશા અને ચંદનની દશા (કે અવદશા ) મૂર્ત થવા લાગે છે. ભિયા,ભાભી અને ચંદનના વ્યક્તિત્વની રેખાઓ ઘૂંટાવાનો આરંભ થઇ જાય છે.

વાર્તાનાયક ભિયાનું પ્રથમ દર્શન જ વાચકને આંચકો આપી ચોંકાવનારું છે. ભાભી ચંદનને એના પતિ બતાવતા કહે છે -
‘પેલો ગળાનો હૈડિયો મોટો ખારેક જેવો દેખાય છે ને તે,’
‘હા, જુઓ, આ હમણે ગળફો કાઢ્યો તે...’

આ પરિચયવિધિમાં પેલી શિષ્ટ સમાજમાં થતી નણંદભાભીની મીઠી રકજક નથી, કે પછી પરિચય કરાવવાની આ રીતમાં ભાભીની કોઇ યોજના કે ચંદનના મનને ઠેસ આપવાનો હેતુ પણ નથી. એકદમ નિમ્ન સ્તરના જીવન જીવતા સમાજની લાક્ષણિક છબિ છે. આવી ચેષ્ટા એ જીવનમાં સૂગ પ્રેરક નથી - માનસિક અવસ્થામાં જીવતી ભાભી સહજ અને યથાતથ પરિચય જ કરાવી રહી છે. ચંદને પણ ભાભીના છૈંયાને રમાડતાં રમાડતાં જોયા કીધું. વાર્તામાં સુન્દરમે પ્રયોજેલી ભવ્ય પ્રયુક્તિનો આરંભ અહીંથી જ થઇ જાય છે. વાર્તાનાં પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ સ્ફૂટ રીતે ક્યાંય આલેખાયેલું ન હોવા છતાં ક્રિયા અને વાતાવરણ તથા વસ્તુઓના નિર્દેશ વડે જ ચંદનના મનમાં આરંભાયેલ મહા-દ્વન્દ્વનું આલેખન થતું રહે છે, વાર્તામાં આ કારણે વિશિષ્ટ પરિમાણ સધાય છે.

આંતરચેતના પ્રવાહના નિરૂપણ માટે આપણા ગુજરાતી સર્જકો ખાસ કરીને સુરેશ જાશી, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા જેવા લેખકોએ જે પ્રકારનું ગદ્ય,પ્રતીકો અને પ્રયુક્તિઓનો આશ્રય લાધો છે એનાથી તદ્‌ન ઊલટી રીતે અહીં એકદમ સરળ કથન, સામાન્યજન સુલભ ક્રિયા અને વર્તન દ્વારા જ પાત્રની માનસિક અવસ્થાની જટિલતા સિદ્ધ કરી શક્યા છે. જેમકે, ભિયા પાણી પીવે છે ત્યારે - ઊંચે પવાલે પાણી પીધું ત્યારે એમના ગળાનો હૈડિયો ઉંદરડી પેઠે ઊંચોનીચો થતો હતો.

સૂપડી જેવી મૂંછો , ખોં ખોં કરવું , દાઢી માટે નરભા રાતને આમંત્રણ આપવાની બરછટ રીત, ત્યાર પછી દાઢી પર હાથ ફેરવવો, આંગળી વતી દાઢીના બાલ ખેંચવા કે પછી પેશાબ ક્યાં કરવો - તે પૂછવા જેવી ભિયાની એકેએક ક્રિયામાંથી એનું બરછટ, કુત્સિત વ્યક્તિત્વ વ્યંજિત થતું રહે છે. એમાંની કોઇ ક્રિયાથી ભાવક અજાણ ન હોય, માનવસુલભ એવી આ ક્રિયાઓ પણ ચંદન જે પ્રકારે કે એંગલથી જુએ છે તે અને જે પ્રકારની પરિસ્થિમાં યોજાઇ છે તે પરિસ્થિતિ જ બીભત્સનો અનુભવ અને સામે પક્ષે જેને એ સહેવાનું છે એ ચંદનની ગભરું અને દૈન્ય પરિસ્થિ તરફ અનુકમ્પાનો અનુભવ કરાવે છે. સ્વાભાવિક જ ભાવકનું સંવિદ્‌ ચંદન સાથે જાડાઇ જાય. આ પ્રકારનું આલેખન વેળાએ ભલભલા લેખકો ધીરજ-સંયમ ખોઇ બેસી પાત્રને ન્યાય આપવા કે મનોભાવોને આલેખવાની લાલચમાં પડી જતાં હોય છે. સુન્દરમની આ નિર્મમ તટસ્થતા ધ્યાન ખેંચે એવી છે.

ભિયા પેશાબ કરવા જાય છે ત્યારે એમની ગેરહાજરીમાં વાળંદ દ્વારા ભિયાની જે પ્રશંસા કરાઇ છે તે- ભિયા તો જબરા શોખીન દેખાય છે - માં જે જે ઉપાદાનો - લીલો રૂમાલ, રાતો પટ્ટો અને ફેંટો બાંધવાની રીતમાં પ્રગટતી રસિકતા પણ શિષ્ટ કે શૃંગાર જન્માવનાર તરીકે નથી આલેખાઇ. અહીં તો એ બધા વડે પણ ભિયાની કામુકતા, વિલાસી અને બરછટ અહ્‌મની જ ઘોષણા થઇ રહે. વાળંદ અને પડોશણના એકદમ નગણ્ય રીતે આલેખાયેલાં પાત્રો પણ ભિયાના વ્યક્તિત્વને આકારવામાં મદદ કરે છે.

ચંદન અને ભિયાનું દૃષ્ટિમિલન વિલક્ષણ અને વાસ્તવલક્ષી રીતે આલેખાયું છે. પેશાબ કરીને પાછા ફરેલા ભિયા હવે એકલા છે. તેમનું ધ્યાન સ્વભાવિક રીતે જ બારીએ જાય છે. ચંદન તરફ જાય છે. એ સ્થિતિ લંબાય તે માટે ફાળિયું છોડીને છેડાને ફરીથી વીંટતા-વીંટતા તિરછી નજરે ચંદનને જાઇ રહે છે. ચંદન કહે છે, ‘કોટ પહેરતા પહેરતા એમણે બારી ભણી જાયું અને મેંય જાયું, અને મને કંઇ કંઇ થઇ ગયું’. અહીં ‘કંઇ કંઇ થઇ ગયું’. આટલા અમથા વાક્યમાં જ આખી ચંદન સૂચવાઇ જાય છે. તો સામા પક્ષે આ દૃષ્ટિ-મિલન વખતે ભિયાની પ્રતિક્રિયા પણ તપાસવા જેવી છે.

‘પછી એમણે ફેંટો બાંધી લીધો અને કોટ પહેર્યો, ગજવા પરની ગડી હાથથી સાફ કરતાં કરતાં એમણે બટન બીડ્યાં અને ચાંદીની સાંકળીવાળાં ખમીશનાં બટન જરા ઢંકાઇ ગયાં હતાં તે દેખાય એમ કર્યા...રૂમાલ ગજવામાં ઘાલ્યો અને ખોંખારો ખાઇ મારા ભણી જાવા ગયા, ત્યાં એમને ખાંસો ચડ્યો. ઘડીવાર ઊભા ઊભા એમણે ખાંસ્યાં કર્યું.’

આ કથામાં ભિયાની પ્રોઢ ઉમર, વિલાસી અને અધિકારભાવમાં રાચતા પુરુષની અણગમતી છબિ ઊભરી આવે છે. ચંદનની દૃષ્ટિએ નીરખતા લેખકની તિક્ષ્ણ નિરીક્ષણ શક્તિનો આ વિરલ નમૂનો છે.

‘કંઇ થઇ ગયું’નો રોમાંચ અનુભવનારી ચંદન આ વાક્ય પહેલા મુગ્ધ અને ભાવિ વિશેની કલ્પનામાં રાચનારી યૌવના છે. તો આ દૃષ્ટિમિલન પછીની ચંદન કંઇક નવાં જ સ્વરૂપે રજૂ થવા લાગે છે.

ચંદનના પાત્રનો વિકાસ નોંધનીય છે. આ અનુભવમાંથી પસાર થયેલી ચંદન ધીમે ધીમે પોતાના મનની વાત પણ વ્યક્ત કરવા લાગે છે. આ વ્યક્ત કરવા જેટલા વિદ્રોહથી વિશેષ એ કંઇ કરી શકે એમ નથી. આવી સ્થિતિ-જડતાની સ્થિતિ લેખકે વ્યંજિત કરી છે. મનની વાત કહેવા જટલો વિકાસ પામેલી ચંદન ભાભીના ‘પહેલા મૂરતીયા કરતા સારા છે ને ?’ પ્રશ્નના ઉત્તરમાં સ્ફૂટ રીતે જ સામો વેધક સવાલ પૂછી નાંખે છે. ‘એમાં વળી આપણે શું સારા ને નરસાં ? જે મળ્યું તે ખરું. ને નહિ ગમે તો તું બદલાવી આપીશ ?’

આ પ્રશ્નમાં જ એની પરવશ સ્થિતિ, ભાવિના અંધકાર વિશેનો એનો ખ્યાલ સ્પષ્ટ થઇ રહે છે. તો એની સામે ભાભી પણ સ્ત્રી છે છતાં ચંદનના સંવેદનને પામી શકી નથી. એ ચંદનની સંવેદના પામી શકે એવી ભાભીની માનસિક ક્ષમતા પણ નથી. એ તો સાવ અણઘડ અને બજારૂભાષામાં સાન્તવન કહો તો સાન્તવન આપે છે. ‘હવે હમણાં જે કંઇ છે તેને તો વાપરી જુઓ. પછીની વાત પછી !’ અહી વાપરેલા ‘વાપરી જુઓ’ શબ્દમાં કેટલું બધું સૂચવાય છે ? આ ભાભીનું પાત્ર વિલક્ષણ રીતે આલેખાયું છે. લગ્નજીવન એટલે માત્ર ઘર ચલાવવા માટે જ સ્ત્રીના અસ્તિત્વની સમજ ધરાવનાર માનસ એ માત્ર એ સમાજના પુરુષોનું જ નહિ, સ્ત્રીઓનું પણ છે- એનું વાસ્તવિક આલેખન આ ભાભીના પાત્ર વડે કરાયું છે. એટલે જ ભાભી ચંદનને મહાસુખના પોટલા આપતી હોય એમ “ભિયાએ તમને રાતે બોલાવ્યા છે’ કહીને ‘તમં ચંદનબા નસીબદાર. અમારે તો ઘરબાર માવતર છોડીને આટલું દૂર આવવું પડ્યું. તમારે ઘેર બેઠા ગંગાજી આવ્યા' એમ કહીને ચૂંટી ખણે છે ! આવી એને મીઠી લાગતી છેડછાડ ચંદન અને એના પક્ષે બેસી જાતા ભાવક માટે તો ચચરાવી, હલબલાવી નાંખનારી જ બની રહે. કુત્સિતનો અનુભવ બેચેન કરી મૂકનારો હોવા છતાં વાર્તાને અધવચ્ચે છોડી ન શકે એવું ખેંચાણ- હવે, ચંદનનું શું થશે ? એ કેવી રીતે વર્તશે?-ની ઇન્તેજારી ભાવકને સતત વાર્તારસમાં જકડી રાખે છે.

આવા વિપરીત ધ્રુવના પતિ-પત્નીનું મિલન લેખકે અત્યંત પ્રભાવી શૈલીમાં અને બારીકગૂંથણી વડે કર્યું છે. ભાભી અને વાંઝણી પડોશણે ભિયા-ચંદનના મેળાપ માટેની યોજના કરી છે. પણ, એ આલેખન પણ શૃંગારનો અનુભવ નથી કરાવતું. ભિયાની કામુકતા અને સામા પક્ષે હલાલ થવા જતી ગરીબડી ચંદન જ નજરે પડે છે. પેલી બેય સ્ત્રીઓની ઠણ્ડક અને આવા કામ માટેની આવડત અદ્‌ભુત છે. ચંદન મેડા પર જાય છે ત્યારે અંધારું કરી પડોશણ દ્વારા બોલાતું વાક્‌ય ‘મારી વાંઝણીના ઘરના આવા ભાયગ કયાથી ?’માં એ સ્ત્રીની માન્યતા તથા વંધ્યાવસ્થા એકદમ નવા અર્થ સંકેતો પ્રગટાવે છે, સુન્દરમે આવા અનેક સંકેતો સહજ રીતે જ વાર્તામાં વણી લીધાં છે. આવા અર્થસંકુલ વાક્યો આ વાર્તામાં ઠેક ઠેકાણે મળી આવે તેમ છે.

‘ઘાંસતેલનો ભખભખ ધુમાડા કાઢતો ખડિયો’માં ‘ભખભખ’ શબ્દ !
‘મને ન જાઇ હોય એમ એ ઊઠ્યા’
‘કોઇ યાદ આવેલી ચીજ લેવા આવતા હોય એમ એ મારા ભણી ચાલ્યા આવ્યા.’
‘બારીમાંથી ડોકું અંદર લેવા ગયા ત્યાં એમનું મોઢું મારા સાથે ઘસડાયું.’
‘એમણે હાથની બે આંગળીઓએ પહેરેલી વીંટીઓ મારા હાથને કચડતી હતી.’
‘કોટ લેવા જતા કોટ પર ભેરવેલો ફેંટો પડી ગયો તે એમણે ઠોકર મારી ખૂણાંમાં ધકેલ્યો.’
‘એમનું મોઢું મારા સાથે ઘસાવા લાગ્યું. એમની દાઢીમાં કોક કોક ઠેકાણે રહી ગયેલ ખૂંપરા મારા ગાલે ખૂંચતા હતા.’

- જેવા વાક્યો ચંદન વડે રજૂ કરાયા છે.ચંદનની આ મધુરજની છે! ચંદનની આ બધું જોવાની રીત અને રજૂઆત જ એના અણગમાને અને ભાંગી પડેલા માનસને વ્યક્ત કરે છે. સામાન્ય રીતે અહીં શૃંગાર જન્મવાની શક્યતા છે. કેમકે, પતિ-પત્નીનું આ પ્રથમ મિલન છે, એકાન્ત અને ઝંખનાના આલમ્બન વિભાવો છે પણ સ્થિતિ તદ્‌ન વિપરીત છે. ભિયામાં રહેલ જડસુપણું, બીભત્સ વર્તન, કોઇપણ હૂંફ વગરની માત્ર વાસના,કામુકતા અને સામે પક્ષે ચંદનની દયાજનક હાલત અને શુદ્ધ એવી નારી સહજ અભિલાષાના અસમાન ધરાતલ પર આ મિલન યોજાયું છે. એ જ કારણે ભાવક વિપરીત ભાવ અનુભવે છે. ચંદન અકળાય છે, એની અપેક્ષાઓ પર પાણી રેડાઇ ચૂક્યું છે.વાર્તારંભે પતિદર્શન માટે ઉત્સુક એવી ચંદનનાં સ્વપ્નો રોળાઇ ચૂકયા છે, આટલા ટૂંકા ગાળામાં. એટલે એ કહે છેઃ ‘મને ઊંઘી જવા દો સીધી, સવારે તો વહેલા ઊઠી જવું પડશે મારે’ પણ ભિયા આ વાક્ય પાછળના ધ્વનિને ક્યાં સમજી શકે એમ છે ? એ તો ‘એમનું મોઢું કોઇ દિશામાંથી આવ્યું અને મારા ગાલ પર એમના દાંત બિડાયા. મારાથી જરાક ચીસ પડાઇ ગઇ.’ અસહાય ચંદન પાસે કોઇ માર્ગ નથી. એ ઝાલેલી ઇસ મુકતી નથી, ત્યારે ભિયા ખૂબ જારથી આંચકો મારીને હાથ છોડાવી, ચત્તી કરી દેતા કહે છે.’ આમ ફરને, ખોલકી.’-- આખી વાર્તામાં થયેલ બારીક આલેખનથી પ્રગટેલા કુરુપ, બીભત્સ અને જડતાનું શિખર આ ‘આમ ફરને, ખોલકી.’સુધીમાં સિદ્ધ થાય છે. લેખકે ઉચિત રીતે જ વાર્તાને અહીં અટકાવી દીધી છે. ભિયા અને ચંદનના લગ્નજીવનનો આ આરંભ છે. આ યાત્રા કેવી નિવડવાની છે એ માટેનો આટલો સશક્ત સંકેત મૂક્યા પછી એક પણ શબ્દ ‘ચંદન-ભિયા’ના જીવન વિશે કહેવાની જરૂર રહેતી નથી.

આ વાર્તા માટે જયંતી દલાલે નોધ્યું છે - ‘ખોલકી’ આ સંગ્રહની સર્વશ્રેષ્ઠ વાર્તા છે. એનું વસ્તુ - આર્કિટેકચર - સન્નિધાનનું, સાથે મુકી દીધાનું, જક્સ્ટ્રાપોઝિશનનું છે પણ તેનું શિલ્પ - સ્કલ્પચર - એકબાજુના ગોપન- માસ્કિંગનું એ બીજા હિસ્સાના અનુકૂળ રીતના અતિ આલેખનનું છે.’ આમ, વર્ણન બધું ભિયા વિશે છે પણ મનોદશા ચંદનની આકારિત થાય છે. એક સ્ત્રી શરીરસંબંધને કઇ નજરે જુએ છે એનું આટલું બધું - અસરકારક અને બારીકાઇ વાળું નિરૂપણ કરનાર ગુજરાતી સાહિત્યમાં કદાચ સુન્દરમ્‌ પહેલા હશે.

આ કૃતિમાં પ્રયોજાયેલ ભાષાની સજ્જતા તથા વિશેષો અને સામર્થ્ય તેમજ અર્થસંકેતોની વ્યાપતતાને તપાસવા જેવી છે. એ સ્વતંત્ર લેખની લેખની અપેક્ષા રાખે એટલી સમૃદ્ધ બાબત છે.

સંદર્ભ સામગ્રીઃ

  1. ૧. ‘ખોલકીઃ- તથ્યરચનાનો કલાત્મક નમૂનો.- ચંદ્રકાન્ત ટોપીવાળા.
  2. ૨. ‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ - જયંત કોઠારી.
  3. ૩. ‘સુન્દરમ્‌ની વાર્તાકલા’ નલિન રાવળ, વિશ્વમાનવઃ માર્ચ, ૧૯૬૮
  4. ૪. ‘સુન્દરમની વાર્તાઓઃ માનીય સંવેદનાનાં અનોખાં પરિમાણો’
  5. ૫. ગુજરાતી ટૂંકી વાર્તાનું કર્ણફૂલ - રમણલાલ જોશી.
  6. ૬. સન્નિધાન - જયેશ ભોગાયતાનો લેખ.પૃ.૭૧.

ડો. નરેશ શુક્લ , ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ફોન-૯૪૨૮૦૪૯૨૩૫