પ્રતીક અને કલ્પનની પરિણિતી – “અગિયાર દરિયા"માં

ગઝલ એટલે 100 મીટરની દોડ. 200, 400, કે 800 મીટરની દોડ કરતાં એનું અંતર ટુંકું તેથી જ પહોચવું અઘરુ. ગઝલ એટલે કવિતા. ગઝલ એ કવિતાનો જ એક પ્રકાર છે બધા જ કાવ્યસ્વરૂપોમાં જુદી જુદી રીતે પ્રતીક અને કલ્પનોનો ઉપયોગ થતો રહયો છે, પરંતુ ગઝલ એ એક સ્વરૂપ છે કે તેની ગેરહાજરીમાં તો તે સહેજ પણ આગળ વધી શકતુ નથી કારણ એ જ કે ગઝલની ભાષા સાંકેતિક છે અને તેમાં વર્ણનને અવકાશ નથી. ગાગરમાં સાગરને સમાવવાનુ કામ તેને કરવાનું હોય છે. અને આ કામ પ્રતીક અને કલ્પન જ વધારે સરળતાથી અને સુંદરતાથી સારી રીતે કરી શકે. ગઝલને ગઝલ બનવા માટે આ પ્રતીક અને કલ્પનોનો ઉપયોગ ખુબ જ જરૂરી છે.

ગઝલની પ્રતીકાત્મક શૈલીનું એક કારણ જાતીય સમસ્યાઓ અને સભ્યમત પરંપરાનો પ્રભાવ પણ છે....કે જયાં પ્રત્યેક વાત ગોપવીને કહેવાની પ્રથા હતી.... સ્વાતંત્ર્યોત્તર ગઝલકાર વ્યકિતગત અનુભૂતિ ને કેન્દ્રસ્થાને મૂકે છે અને તેની અભિવ્યકિતમાં કાલ્પનિક સ્વાતંત્ર્યથી કામ લે છે. પ્રતીકો અને કલ્પનો દૂધમાં સાકરની જેમ એકબીજામાં ભળીને નવો જ ભાવ ઉત્પન કરે છે.નવા નવા પ્રતીકો, કલ્પનો તેમજ ચિત્રાત્મકતા દ્રારા તુચ્છ વસ્તુને પણ કવિતાના ઉપાદાનના રૂપમાં ગ્રહણ કરે છે. ગઝલકારો નવા પ્રવાહોના પ્રભાવ હેઠળ નવા નવા પ્રતીકો અને કલ્પનો ગઝલ માં પ્રયોજતા રહયા છે અને જૂનવાણી પ્રતીકો-કલ્પનોને નવા અર્થસંદર્ભો આપતા રહયા છે.

મનહર મોદીનું સર્જનકર્મ છેક 1956 ના ગાળાથી આરંભાયેલું છે.પણ, તેમનો પ્રથમ સંગ્રહ ‘આકૃતિ’ 1963 માં પ્રગટ થાય છે. આ સંગ્રહની ગઝલોને તેઓ 1967 માં પ્રગટ ‘ઓમ તત્સત’ કાવ્યસંગ્રહમાં પુર્નમુદ્રિત કરે છે તેમાં 1956 થી 1967 ના ગાળાની કાવ્યસર્જનની પ્રક્રિયાનો વિકાસ સામેલ છે. ’11 દરિયા’ માટે તેમને અઢી દાયકાથીયે અધિક કામ કર્યુ છે. મનહર મોદી કહે છે-“હુ મારા પૂરતું એમ જરૂર કહીશ કે આ સ્વરૂપમાં કામ કરવાની અર્થાત એ દ્રારા મને પામવાની હંમેશા મજા પડી છે. બે પંકિતના શેરમાં સમાઇ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે એમ હુ દ્ઢપણે માનું છું.“ ( 1 )

ગઝલ સાથેનો તેમનો નાતો અત્યંત પ્રગાઢ છે. આ સમયગાળો ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવી દેનાર હતો. બધા જ કાવ્યસ્વરૂપોમાં કંઇક બદલાવ આવી રહયો હતો, એમ કહેવાય કે આ ગાળો પ્રયોગનો હતો. દરેક સર્જક કાવ્યસ્વરૂપોની નવી શકયતાઓ તાગવા મથતો હતો. નવા નવા કલ્પન-પ્રતીકથી કવિતા ઓપતી હતી અને એવા સમયે મનહર મોદી ગઝલક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આમ, મનહરની કાવ્યપ્રવ્રુત્તિ પ્રયોગશીલ આબોહવામાં મહોરી છે.ગઝલમાં તેઓ લાંબા કાળ સુધી પરંપરાગત રીતિ અને માળખા સાથે કામ પાર પાડતા રહયા છે. પરંપરાને પૂરેપૂરી નિષ્ઠાથી પચાવીને સર્જનમાં , ખાસ કરીને ગઝલસર્જનમાં નવો અવાજ લાવે છે. તેમની આવી ગઝલો એ પ્રયોગનું સુ-ફળ બની રહે છે. આમ, તેમના ‘અગિયાર દરિયા’ સંગ્રહમાં પરંપરા અને પ્રયોગ બંને સામેલ છે.

મનહરની ગઝલોમાં ભાષાકીય વૈચિત્ર્ય જોવા મળે છે, છતાંયે તેમાંનુ કાવ્યત્વ જરાય અળપાતુ નથી, ઝાંખુ પડતુ નથી. પરંતુ, તે જ તેમના સર્જનને નવા ભાવસંદર્ભ ભણી લઇ જાય છે. તેમની ગઝલોમાંના તાજગીપૂર્ણ કલ્પનો તરતજ ઉડીને આંખે વળગે છે.
“ ઝાંખો અવાજ બારીએ ડોકાય એમ છે
લાગે છે આજ એમ, બધુ થાય એમ છે, “ ( 2 )

અહીં ‘ અવાજનું બારીએ ડોકાવું ‘ – એક અનોખુ કલ્પન આપણી સમક્ષ ખડું કરે છે. ગઝલમાં અર્થ વાચકને આકર્ષતો નથી એટલું આકર્ષણ તેના લયનું છે. તેની રજૂઆત જ ગઝલને એક જીવંત એકમ બનાવી જાય છે. તેમની ‘ઘાસ માં’ ગઝલમાં કેટલાક સરસ કલ્પનો મળી આવે છે, જે ગઝલને કાવ્ય તરીકે ટકાવી રાખે છે.
“ આખીય રાત ચાંદની સૂંદયા કરે જમીન
એવું કશુંક એનું દટાયું છે ઘાસમાં “

“ કેવા હશે એ હાથ, ને કેવી હશે કળા ।
તડકો બની તમિસ્ત્ર ગૂંથાયું છે ઘાસમાં “ ( 3 )

કલ્પનની ઉત્ક્રુષ્ઠતા કેવળ કોઇ ચિત્ર ઉપસાવવામાં નથી , પરંતુ ચિત્ર ઉપસાવવાની અને સંવેદનને મૂર્તરૂપ બક્ષવાની સાથે જ ભાવકની ઇન્ડ્રિયોને સંવેદિત કરવામાં જ કાવ્યાત્મક કલ્પનની સાર્થકતા રહેલી છે, જે ઉપરના શેરમાં જોઇ શકાય છે. ઇંદ્રિયબોધની દ્ર્ષ્ટિએ કલ્પનનું બહુ પ્રચલિત રૂપ ચારૂષ જ છે, પરંતુ અહીં ‘ ચાંદની સૂઘ્યા કરે જમીન ‘ – ધ્રાણેંદ્રિય કલ્પન એક અસરકારક અપીલ કરી જાય છે. તે જ રીતે બીજા શેરમાં ‘તડકો બની તમિસ્ત્ર ગૂંથાયુ છે’ કલ્પન પણ ચોટદાર છે. કારણકે ‘તડકો’ અને ‘તમિસ્ત્ર’ વિરોધાભાસ બાબત છે. એને કલ્પનરૂપે પ્રયોજીને કવિએ સચોટ વિરોધાભાસ કલ્પનનું ઉ.દા. પૂરું પાડ્યું છે. અહીં આસ્વાધ અને ભાવક્ષમ રમણીય કલ્પનોને કારણે, સંવેદન આલેખનને કારણે તો કયાંક કવિચિત્તને રજૂ કરતી પંકિતઓને કારણે કાવ્ય મધુર બની રહે છે.
“અવસર મળે તો ફૂલ બનીને ખીલી ઉઠું,
એવું વિચારી પાણી સૂકાયુ છે ઘાસમાં” ( 4 )

આમ, આવા સરળ કલ્પનો પણ મનહર મોદી એ પ્રયોજ્યા છે, જે અર્થના નહિ પણ લયના કારણે આપણને વાંચવા ગમે છે.
“મારી સામે મારો પડછાયો ધરી
મારી એકલતાને દોરે છે સડક”

પરિચિત બાબત ‘સડક’ કલ્પન દ્રારા એકદમ નોખી રીતે જ અભિવ્યકત થઇ છે. તેમની આધુનિકતા જેટલી સ્વરૂપલક્ષી નથી તેટલી ગઝલમાં સંવેદન નવા નવા કલ્પન અને વિચારના રૂપો પ્રગટાવવામાં પ્રગટ થાય છે. ‘કૂકડો’ ગઝલમાં જે આધુનિક માનવસંદર્ભ મળે છે તે અહીં હવે વધુને વધુ ગાઢ બનતો જાય છે. આધુનિકતાએ વ્યકિતસ્વાતંત્ર્ય વિશે બહું ઉડું ચિંતન આપ્યું છે અને તે ચિંતનનો સ્પર્શ ’11 દરિયા’ ગઝલને મળ્યો છે. એકલો માનવી સ્વતંત્ર હોય છે, પણ તે સ્વતંત્રતા માટે અન્ય માનવી પણ જરૂરી છે. આથી જ એકલા મનુષ્યનું મહત્વ નથી. આમ, સ્વતંત્રતાનો અર્થ બીજા મનુષ્ય વડે જ મળે છે.

‘પથારીમાં’ ગઝલમાં કેટલાક કલ્પન ચિત્રો મનહર મોદીની સર્જકતાના પાસામાં રંગાઇને આલેખાયેલા છે, ત્યાં તેમની ગઝલ પરની બળકટ પકડ જણાઇ આવે છે જુઓ –
“ઉપાડે છે મને હળવે રહી ખુશબોની આંગળીઓ
બનાવી મને એક ફૂલ, મૂકે છે પથારીમાં” ( 5 )

અહીં ‘ખુશબોની આંગળીઓ’ ધ્રાણેંદ્રિય કલ્પન અને ‘પોતાની જાતને ફૂલ બનાવી પથારીમાં મૂકવી’ કલ્પન નો પ્રયોગ અસરકારક છે.
“હું આળોટું તો આળોટે છે ઝરણાઓ પહાડોમાં
ને ઉંઘી જાઉં તો શિલાઓ ગબડે છે પથારીમાં” ( 6 )

અહીં ‘ઝરણાઓનું પહાડોમાં આળોટવું’ ને ‘શિલાઓનું પથારીમાં ગબડવું' કલ્પનો રુચિકર લાગે છે અહીં તેઓ સાંકડા અર્થબોધ કરતાં કાવ્યાત્મકતા ને વધુ મહત્વ આપે છે. અને કલ્પનાત્મક રીતે તો આ ગઝલ કોઇપણ ભાવકને સંતોષ આપે તેવી બની જ છે.

ગઝલનો પ્રત્યેક શેર પોતાનું સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતો હોય છે. આમ છતાં માળાના મણકાની જેમ પ્રત્યેક શેર હોય છે. જેમ માળાનો મણકો સ્વતંત્ર હોય છે છતાં એક જ દોરામાં પરોવાયેલો હોય છે એ જ રીતે ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોવા છતાં અંદરથી તો એક જ સૂત્રથી જોડાયેલો હોય છે. સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતી શેરની ગઝલને ગૈરમૂસલસલ કહેવાય જ્યારે જે ગઝલમાં એક જ રંગ, એક જ ભાવ તમામ શેરમાં ઘૂંટાયેલો હોય તેને મૂસલસલ ગઝલ કહે છે. મનહર મોદીએ સૌથી વધું માત્રામાં મૂસલસલ ગઝલનું ખેડાણ કર્યુ છે. આ રચનાઓની લાક્ષણિકતા તેમાં આલેખાયેલા ભાવ તથા વિચાર સાતત્ય તો ખરા જ પણ તેમાં પ્રયોજાયેલ પ્રતીકો પણ ખરા જ.

1963 માં પ્રગટ થયેલા તેમના ‘આક્રુતિ’ કાવ્યસંગ્રહમાં ‘કૂકડો’ નામની તેમની યશસ્વી મુસલસલ ગઝલ સ્થાન પામી હતી. તેમની આ ગઝલ આખાય ગાળાની ઉત્તમ ગઝલ બની રહે છે.તેમાં ‘કૂકડો’ જેવા પ્રતીકની પસંદગી જ તેમની સર્જકતાનો પરિચય કરાવે છે. આ પ્રતીકની પસંદગી જ તેઓ બાખૂબીથી નિભાવી જાય છે ત્યારે પ્રતીક ઉપર છલ્લુ ન બનતા ઘણું જ ઊંડાણ સિધ્ધ કરી જાય છે. અભિવ્યકિતની તાજ્પ અને પ્રતીકયોજના આ ગઝલની વિશેષતા છે.
“રાતને અળગી કરે છે કૂકડો
આંખ કિરણોથી ધુએ છે કૂકડો.” ( 7 )

આ શેરમાં પ્રભાત અને કૂકડાનો જે સંબંધ છે તે વ્યક્ત થયો છે, છતાં આંખને કિરણોથી ધોવાની વાત આહ્લાદક છે પણ, ક્રમશ: ગઝલમાં કૂકડો તેના સંદર્ભો ખોલતો જાય છે અને ‘કૂકડો’ સૂક્ષ્મ પ્રતીક બનતો જાય છે. તેમની આ ગઝલમાં કૂકડો પ્રતીક ની સાથે સાથે તેમના ‘નયન’ તખલ્લુસને પણ તેઓ આમ નિભાવી જાય છે.
“રાત વીતી ગઇ હવે ઊઠો નયન ।
ઊંડે ઊંડે સાદ દે છે કૂકડો.” ( 8 )

તો ‘સડક’ પ્રતીકને ઉજાગર કરતી ગઝલ પણ તેમની શકિતઓને પ્રગટ કરનારી બની રહે છે. ‘સડક’ ની સાથે જોડાયેલા સંદર્ભોને પણ તેઓ ઊંડો માનવસંદર્ભ આપી શક્યા છે તે બાબત તેમની સર્જકતાની ચાડી ખાય છે.
“અટકી અટકી અશ્વ ચાલે છે,ને જુએ
કોણ, આ એડી, કે ખખડે સડક” ( 9 )

આમ, શ્રી મનહર મોદીએ આ પ્રકારની રચનાઓમાં ખૂબ કાઠુ કાઢયું છે તે ઉપરના શેરમાં જોઇ શકાય છે. અહીં અશ્વના ચાલવાથી એની એડી ખખડે છે કે સડક – એ અશ્વ દ્રારા જોવાવું – ખરેખર આ વાત ‘અશ્વ’ અને ‘સડક’ જેવા પ્રતીકોથી કહેવાઇ છે તે સરાહનીય છે.
“આપણે બે રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા” ( 10 )

આ ગઝલમાં પેલી શબ્દરમત પણ તેઓ આ નિમિત્તે રમી લે છે. આમ, દરિયો સ્થૂળ દરિયો ન રહેતા કંઇક અલગ જ વસ બની રહે છે. એક સજીવ વ્યકિતત્વની ઓળખાણ તે આપણને કરાવે છે. ‘દરિયો’ આ ગઝલમાં તેની આગવી ઓળખ ગુમાવીને કવિકર્મનું સાધક બની જાય છે. તેમની ‘અમથાલાલ’ ગઝલ એ લાભશંકરના સ્પર્શવાળી ગઝલ હોય એવું લાગે છે. તેમનો ‘લઘરો’ મનહરમોદીમાં ‘અમથાલાલ’ બને છે. બાકી તેનું ગોત્ર અન્ય કાવ્યચરિત્ર જેવું જ છે.

‘પ્રકાશનો’ ગઝલમાં પ્રકાશના બધા જ સંદર્ભો સર્જીને ગઝલમાં તેની અનિવાર્યતા ઊભી કરવામાં તેઓ કેટલી હદે સફળ થયા છે..... જુઓ –
“પ્રશ્નો થયા ‘ તા એકદિવસ અંધકારને
પાડી શકાય કઇ રીતે ફોટો પ્રકાશનો.” ( 11 )

“પાણીપોચી ઇચ્છા ઊઘડી,
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી” ( 12 )

અહીં જાણે કે ‘દીવાલ’ ભાષાનું પ્રતીક બનીને આવે છે.

મનહર મોદી એ સ્વાતંત્ર્યોત્તર ગાળાના અને ખાસ કરીને આ ગાળાના સર્જક છે,જ્યારે આધુનિકતા પૂરબહારમાં ગુજરાતી સાહિત્ય ઉપર છવાયેલી હતી અને આ ગાળામાં તેમની આધુનિક ચેતનાનો સ્પર્શ ગુજરાતી ગઝલને નવી દિશામાં વાળવાનું કાર્ય કરે છે જેમાં તેમની આધુનિકતાના ઉન્મેષ પ્રબળપણે પ્રકટ થયા છે. આમ, અર્થથી ધીમે ધીમે તેઓ મુક્ત થવાનો પ્રયાસ કરે છે અને એમાં સફળ બને છે તેઓ ’11 દરિયા’ ની ગઝલોમાં.
“એક માણસ ઊછળે ધડધડ
એક દુનિયા હચમચે ધડધડ.” ( 13 )

આમ, આ ગઝલમાં કલ્પન – પ્રતીક વગર નું અન – અર્થક ભાવવિશ્વ પ્રગટ્યું છે તે માટે તેઓ ક્યારેક વ્યાકરણ ચિહનો નો પણ ત્યાગ કરે છે. તેમના આ અન – અર્થકના પ્રયત્નને શ્રી સુમન શાહ આ રીતે નોંધે છે: “અન-અર્થકના ભણીની ક્ષિતિજમા પોતાના પૂરા પ્રતિભાબળથી તો મનહર મોદી દોડી ગયા છે. શેખ અને લાભશંકરથી જુદા જ પ્રકારનું શબ્દસંધાન દાખવતા મનહરનું અન-અર્થક કાવ્યવિશ્વ ઠીક ઠીક પ્રકારે સ્વકીય રહયું છે. સદા રૂઢ અન્વિતીની ખોજમાં રહેલા આ કવિની પ્રતીકખચિત સ્રુષ્ટિ પરિચિત અને વપરાઇ ચૂકેલા પરિણામોની ભારે મોટી ઊથલપાથલ મચાવે છે. ઇન્ડ્રિયસંવેધ કલ્પન – સંયોજનથી રૂઢ અર્થને અતિક્રમી જવાનો આધુનિકોનો સર્વસાધારણ બનેલો તરીકો મનહરમાં તો એવા સૌદર્યને પણ ફગાવી દે છે અને સેતુઓ વિનાના વિયુક્ત અધ્યાક્ષક્ષેત્રોના શબ્દસંયોજનો વડે નર્યો ઊલટી દિશાનો વાસ્તવલોક ખડો કરે છે.” ( 14 )

તો પોતાની આવી પ્રતીક – કલ્પન સહિતની રચનારીતિનો ખુલાસો શ્રી મનહર મોદી આ રીતે આપે છે : “ત્રીસ-પાંત્રીસ વરસ પહેલાંનો એક પ્રસંગ યાદ આવે છે. એ વખતે અમારો રે ‘ મઠ ધમધોકાર ચાલતો હતો. લાભશંકરે રાયપૂર ચકલામાં ઉભા ઉભા આદિલ મન્સૂરીને સવાલ કર્યો : આ ( મનહર મોદી ) ની ગઝલો વિશે તમારો શો અભિપ્રાય છે ? આદિલે તેની તોફાની મસ્તીથી ધડાક લેતોક જવાબ આપ્યો : ગુજરાતી ગઝલ સાહિત્યનો આ આપણો પહેલો એબ્સર્ડ ગઝલકાર છે અને કદાચ છેલ્લો પણ, આવી ગઝ્લો બીજું કોઇ લખી શકશે કે કેમ એ કહી શકાય એમ નથી.” ( 15 )

આ બધા સાથે જ ગઝલકાર મનહર મોદી સતત પ્રવ્રુત્ત રહયા છે.ગઝલ એ તેમનો પ્રથમ પ્રેમ છે અને તેમની ઓળખ પણ છે. આથી જ ‘અગિયાર દરિયા’ ના એક શેરમાં તેઓશ્રી કહે છે :
“ગુર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના
લો લખી લો માલમિલકત આપણો અગિયાર દરિયા” ( 16 )

પાદનોંધ

 1. (1) અગિયાર દરિયા , મનહર મોદી, પ્રુ.5
 2. (2) એજન , પ્રુ.36
 3. (3) એજન , પ્રુ.69
 4. (4) એજન , પ્રુ.70
 5. (5) એજન , પ્રુ.113
 6. (6) એજન , પ્રુ.97
 7. (7) એજન , પ્રુ.98
 8. (8) એજન , પ્રુ.112
 9. (9) એજન , પ્રુ.112
 10. (10) એજન , પ્રુ.113
 11. (11) એજન , પ્રુ.3
 12. (12) એજન , પ્રુ.14
 13. (13) એજન , પ્રુ.7
 14. (14) સાહિત્યમાં આધુનિકતા , શ્રી સુમનશાહ , પ્રુ.224
 15. (15) અગિયાર દરિયા , મનહર મોદી, પ્રુ.8
 16. (16) એજન , પ્રુ.17
સંદર્ભગ્રથો
 1. (1) અગિયાર દરિયા , મનહર મોદી,પ્ર.આ.1967
 2. (2) ગઝલ : પરંપરા,પરિવર્તન અને પ્રયોગ , હરીશ વટાવવાળા, 2005
 3. (3) ગઝલ સાહિત્યમાં પ્રતીક અને કલ્પનાનો વિનિયોગ, હિમાદ્રિ એમ રાઠોડ ,પ્ર.આ. ઑગષ્ટ,2012
 4. (4) કાવ્યાસ્વાદ, હર્ષદ ત્રિવેદી, પ્રથમ આવ્રુત્તિ : 2006
 5. (5) સાહિત્યમાં આધુનિકતા,સુમન શાહ, ત્રી.આ.2014

ભાવનાબેન કે પટેલ
સહાયક શિક્ષક, નવાગામ પ્રાથમિક શાળા, તા. દહેગામ, જિ. ગાંધીનગર