‘મુનશીની નવલકથામાં કળાતત્વ’

મુનશી ગઈ સદીના બહુચર્ચિત નવલકથાકર છે. મુનશીનું વ્યક્તિત્વ બહુમુખી, સર્જક, વહીવટકર્તા, ધારાશાસ્ત્રી, સુધારક મંત્રી રાજ્યપાલ, ક્રાંતિકારી, વિદ્વાન, મુત્સદ્દી, સંસ્કારપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થાના સ્થાપક. આમ તો એમણે ધર્મ, કળા, સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજનીતિ, કેળવણી એમ અનેક વિષયો પર લખ્યું છે અને કવિતા સિવાયના દરેક સ્વરૂપમાં કામ કર્યું છે છતાં તેમની વિશેષ ખ્યાતિ નાટ્યકાર અને નવલકથાકાર તરીકે રહી છે. મુનશીનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હતું અને એમણે અનેક ગ્રંથો અંગ્રેજીમાં લખ્યા છે પરંતુ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોધ્યું છે તે પ્રમાણે મુનશી એ કિંચિત સંકોચ સાથે સર્જનાત્મક સાહિત્ય માટે પોતાની માતૃભાષા પસંદ કરી ત્યારે એ જાણતા નહોતા કે પોતે ગુજરાતી ગદ્ય સાહિત્યના સમર્થ સ્વામી બનશે અને નવલકથાકાર તરીકે અસામાન્ય નામના મેળવશે. ૧૯૧૩મા એમણે પ્રથમ નવલકથા ‘વેરની વસુલાત’ પ્રગટ કરી. ૧૦૧ વર્ષ પછી ૨૦૧૪મા, આપણે મુનશીની નવલકથામાં કલાતત્વ વિષે વાત કરવાના છીએ ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આ સર્જકનું નવલકથાના સ્વરૂપમાં કંઇક યોગદાન તો છે જે કારણે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ.

અહી પાંચેક મુદ્દાઓ પર વાત કરવા ચાહું છું.

1. સૌ પ્રથમ મુનશીએ નવલકથા લેખનનો પ્રારંભ કર્યો તે પૂર્વે નવલકથાના સ્વરૂપમાં કેટલું કામ થયું હતું
2. મુનશીએ નવલકથાલેખનનો પ્રારંભ કર્યો ત્યારે કઈ પરિસ્થિતિઓ હતી ?
3. મુનશીએ નવલકથાના સવારૂપમાં શું યોગદાન આપ્યું અને તેમના સમકાલીન વિવેચકોએ તેમની નવલકથાઓને કેવી રીતે મૂલવી ?
4. આધુનિક વિવેચન દ્વારા થયેલી મુનશીની નવલકથાઓની વિવેચના.
5. આજની ક્ષણે આપણે મુનશીની નવલકથાઓને કેવી રીતે મૂલવી શકીએ

મુનશીની પ્રથમ નવલકથા પ્રગટ થાય છે તે પૂર્વે ૧૯૬૬માં નંદશંકર તુજાશંકર મહેતાની ‘કરણઘેલો’ નવલકથા પ્રગટ થઇ હતી જેને આપને પ્રથમ નવલકથા ગણીએ છીએ. આ નવલકથા વોલ્ટર સ્કોટની કૃતિને અનુસરીને લખાઈ હતી. હંસા મહેતાને મતે એ નવલ બુલ્વર લીટનની ‘લાસ્ટ ઓફ ધ બેરન’ને આધારે લખાઈ છે. એ જ વર્ષે મહિપતરામની ‘સાસુ-વહુની લડાઈ’ પણ પ્રગટ થઇ હતી પરંતુ પ્રથમ નવલ તરીકે સ્થાપી શકાય તેટલી એ કૃતિ સત્વશીલ નહોતી.

કરણઘેલો’ અને ‘સરસ્વતીચંદ્ર’ વચ્ચેના ગાળામાં નવલકથા લેખનના ઘણા પ્રયાસ થયા હતા પરંતુ તેમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ જર્મન લેખક લીટન કૃત ‘ઝેનોની’ના ‘ગુલાબસિંહ’ નામે કરેલા રૂપાંતર સિવાય સાહિત્યિક દ્રષ્ટિએ નોધપાત્ર એકે નથી.

ગોવર્ધનરામ અને મુનશી વચ્ચેના સમયમાં ભોગીન્દ્રરાવ દિવેટિયા અને નારાયણ વસનજી ઠક્કુર જાણીતા નામ છે. તેમણે અનુક્રમે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી છે. આ બંને લેખકોએ સંખ્યાની દ્રષ્ટિએ વિપુલ પ્રમાણમાં નવલકથાઓ લખી છે પરંતુ અંગ્રેજીના અનુકરણને કારણે અને સુધારાવૃત્તિના અતિરેક અને ઓછી કલાસૂઝને કારણે એમની નવલકથાઓ ઉપદેશાત્મક બની ગઈ હતી અને આજે તો કાલગ્રસ્ત પણ થઇ ગઈ છે. હા, આ સમયમાં રમણભાઈ નીલકંઠ પાસેથી ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્ય-કટાક્ષની વિશિષ્ટ કૃતિ મળે છે.

મુનશી ૧૯૧૩માં ઘનશ્યામ ઉપનામથી ‘વેરની વસુલાત’ નવલકથા લેખનનો પ્રારંભ કરે છે તે કૃતિ પણ ‘’કાઉન્ટ ઓફ મોન્ટેક્રીષ્ટો’ સાથે ઘણું સામ્ય ધરાવે છે. પછીની નવલકથાઓ પર પણ એલેક્ઝાન્ડર ડૂમાનો પ્રભાવ રહેલો છે. કોઈ પણ સર્જક પોતાના યુગ સંદર્ભથી પ્રભાવિત થતો હોય છે. પરંતુ પ્રતિભાસંપન્ન સર્જક પછીથી પોતાની આગવી કેડી કંડારી લેતો હોય છે. મુનશી પણ એક પછી એક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ દ્વારા લેખક તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે અને પોતાનો વાચક વર્ગ ઉભો કરે છે.

મુનશીનું નવલકથાના સ્વરૂપમાં પ્રદાન શું ? તો કહેવાયું કે:
- મુનશી ‘સરસ્વતીચંદ્ર’ પછી નવલકથાને એક ડગલું આગળ લઇ ગયા. વિનોદ અધ્વર્યુ કહે છે કે “’વેરની વસુલાતે’ ‘સરસ્વતીચંદ્ર’ના પ્રભાવને પાતળો કર્યો”.
- મુનશીએ નવલકથાને ઉપદેશ અને બિનજરૂરી ચર્ચાઓમાંથી મુક્ત કરી. રસપ્રદ પ્રસંગ લેખન, વેગવંત કથાપ્રવાહ, સુશ્લિષ્ટ વસ્તુ સંકલના, સુરેખ અને સજીવ પાત્રલેખન અને ક્રમિક પાત્રવિકાસ એ એમની નવલકથાઓનો વિશેષ છે.. એમની નવલકથામાં સંવાદો નાટ્યાત્મક અને ચોટદાર છે. એમની નવલકથાઓનું નાટ્યરૂપાંતર સહેલીથી થઇ શકે છે. ‘સ્નેહસંભ્રમ’ નવલકથાનું ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ તરીકે એમણે જાતે જ નાટ્ય રૂપાંતર કર્યું છે. ‘લોપામુદ્રા’નો પ્રથમ ભાગ નવલકથા રૂપે અને પછીના ભાગ નાટકરૂપે આગળ વધે છે.


એમના સમયના અને પછીના વિવેચકોએ વસ્તુસંકલના પરત્વે મુન્શીના ‘કલાવિધાન,ની ખુબ પ્રસંશા કરી છે. નરસિંહરાવ જેવા પ્રમાણમાં સ્વસ્થ અને તટસ્થ ગણાતા વિવેચક પણ મુનશીથી પ્રભાવિત થયા છે. એમણે એકરાર કર્યો છે કે “બાકી ખાસ તો તેમના અસાધારણ સામર્થ્ય, કળાવિધાન, માનવ લક્ષણ વિષે ઊંડી અન્વેષણ શક્તિ ઈત્યાદી ગુણોથી મુગ્ધ થયો છું.” આનંદશંકર પણ એમને “મહાન નવલકથાકાર” કહે છે. નવલરામ ત્રિવેદી પણ મુનશીની નવલકથાઓમાં “જીવંત પાત્રોનું સર્જન, ઢાલલાકડીના દાવ જેવા સંવાદો, ત્વરિત કાર્યપ્રવાહ, સુઘટિત વસ્તુ-ગુન્થન, સરળ અને ઓજસ્વી શૈલી તથા વર્તમાન રાષ્ટ્રિય જાગૃતિને પોષક વિચારસરણીની પ્રસંશા કરે છે." વિવેચકોએ નોધ્યું કે ‘ગુજરાતનો નાથ’ નવલકથાથી કથનરીતીનું સ્વરૂપ બદલાયું. આલેખનપધ્ધતિમાં પણ ફેરફાર થયો. એમની પાત્રાલેખન પધ્ધતિ પર પશ્ચિમની સ્પષ્ટ અસર દેખાવા લાગી. વિવેચકોએ મુનશીની નવલકથામાં કથાનો વેગવંત પ્રવાહ, અપ્રસ્તુત અંશોનો પરિહાર, વસ્તુસંકલનનું ઘટ્ટ પોત, પ્રતાપી અને તેજસ્વી પાત્રો,પ્રેમ-સાહસ-રહસ્યનું રુચિર આલેખન વગેરે મુદ્દાઓ પર ભાર મુક્યો. ગોવર્ધનરામની અલસમંથર ગતિએ ચાલતી દીર્ઘસુત્રી કથનરીતિ, અનુપકારક અંશોનું ઉમેરણ, પાંડિત્યને કારણે કથારસમાં ઉભું થતું વિઘ્ન, સંસ્કૃતમય અને અલંકારપ્રચુર એવી ભાષાનો બહુધા પ્રયોગ – આ બધાની પ્રતિક્રિયા રૂપે આ તત્વો મુનશીએ સભાનપણે પોતાની નવલોમાં દાખલ કર્યા એમ કહેવાયું. આર્યત્વની ભાવનાવાળા પુરુષ અને સ્ત્રી પાત્રો સર્જ્યા. સ્ત્રી પાત્રોને ગૌરવવંતા આલેખ્યા. પુરુષસમોવડી નારીઓ સર્જી. મુનશી જીવનનો ઉલ્લાસ ગાય છે. ગોવર્ધનરામ પાત્રોનું માનસ ઘણુંખરું પહેલેથી જ વર્ણવી દે છે અને જુદા જુદા પ્રસંગોમાંથી પસાર થતા થતા તે વર્ણવેલા ગુણો ચરિતાર્થ થાય છે. જયારે મુન્શીના પાત્રો પોતાના કાર્ય દ્વારા જ ખીલતા જાય છે અને નવલને અંતે તેમનો પૂર્ણ વિકાસ સમજાય છે.

ટૂંકમાં મુનશી સ્વભાવે પરમ્પરાવાદી પણ છે અને રૂઢીભંજક છે, નવતાપ્રિય છે. કળા ખાતર કળામાં માને છે, જીવન ખાતર કળામાં નહિ. નીતિને તેઓ કલાની વિષકન્યા માને છે. મુનશીએ નવલકથાને પંડિતયુગીન ચિંતનભારથી અને અપ્રસ્તુત વિગતોથી મુક્ત કરી. આકારસૌષ્ઠવનું મહાત્મ્ય કર્યું. જીવન્તતાને લક્ષ્ય બનાવ્યું. ઘટના અને ઘટનાવેગને મહત્વ આપ્યું. જીવતા, ચમકતા, તરવરતા, આકર્ષક પાત્રો, વેગથી ધસતા પ્રસંગો અને સચોટ આલેખાનથી શ્રેષ્ઠ નવલકથાકારનું પદ પ્રાપ્ત કર્યું.

આધુનિક વિવેચકોએ અગાઉ મુનશીની જે ‘કલાસિદ્ધિઓ’ ગણાવાઈ હતી તેને મનોરંજનની તરકીબ તરીકે ઓળખાવી. આ વિવેચકો મુન્શીના પ્રભાવથી મુક્ત હતા. એમની પેઢીના વિવેચકો પર મુનશીએ જે ભૂરકી નાખી હતી તેની અસર આ વિવેચકો પર નહોતી. મુનશીની નવલકથાઓની ત્રુટીઓ તેઓ સ્પષ્ટ જોઈ શક્યા. સુરેશ જોષીએ ‘તપસ્વીની’ની સમીક્ષા કરતા કહ્યું કે “મુનશીની નવલકથા એટલે એકબીજા પર વર્ચસ્વ જમાવવા ઇચ્છતા પ્રતાપી પાત્રોની સૃષ્ટિ એમાં ત્વરિત કાર્યવેગ, ધારદાર સંવાદ, શૃંગાર તો ખરો જ, સાથે અદ્ભુત, ઠાવકા સર્વજ્ઞ મુત્સદ્દીઓ રાજખટપટની શતરંજના દાવ ખેલતા હોય, એમાં થોડા આદર્શઘેલા વીર હોય, જાજરમાન નારીઓ હોય, બાકી થોડા ફેરફાર હોય.” મુનશીની નિરૂપણ શૈલીની એકવિધતા અને મુનશીની નવલકથાની રૂપરચનામાં રહેલી ખામીઓ એમણે ચિંધી બતાવી.

સુરેશભાઈએ જ કહ્યું કે "મુનશીના પાત્રો સ્થૂળ દ્રષ્ટિએ જોતા ઘણી ધમાચકડી મચાવી મુકતા હોય છે પણ એની સાથે એમની આંતરિક સૃષ્ટિનો પટવિસ્તાર સમાંતર રીતે ઉઘડતો નથી......ગોવર્ધનરામમાં experienceની physicalityની માત્રા ઓછી છે તો મુનશીમાં આ physicalityનો જે psychic counterpart છે તે પુરો વ્યંજિત થઇ શકે એવી યોજના થઇ શકી નથી” ‘ક્ષિતિજ’ના વિશેષાંક’માં એમણે કહ્યું કે ‘મુનશીની આ કૃતિઓ બહુ બહુ તો રોમાન્સ છે. એને નવલકથા કહી શકાય નહિ. આટલું કરવા માટે ય મુનશીને પ્રથમ કક્ષાના નહિ એવા ફ્રેંચ લેખકો પાસે જવું પડ્યું. ફ્લોબેર કે સ્ટેઢાલ નહિ પણ વિક્ટર હ્યુગો અને ડુમા એમને ખપ લાગ્યા તે સુચક ઘટના છે.’

હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ ‘ક્ષિતિજ’ (ફેબ્રુઆરી, ૧૯૬૩)ના ‘નવલકથા વિશેષાંકમાં ‘ગુજરાતનો નાથ- એક દ્રષ્ટિપાત’ લેખમાં કહે છે કે ‘પોતાના મનમાં રમી રહેલા પ્રસંગોને એવાં પાત્રો દ્વારા ઈતિહાસની ઘટનાઓના ઢાળામાં ઢાળવા જતાં કેટલેય સ્થળે પ્રસંગયોજના, વસ્તુ સંકલનામાં કૃત્રિમતા પ્રવેશી છે. ત્યાં બનાવો એક પછી એક ઉઘાડ થયા કરતો લાગવાને બદલે જાણે લેખકની આયાસપુરઃસરની ગોઠવણીથી બનાવો યોજાતા હોય એમ લાગે છે’.

‘ગુજરાતનો નાથ’ વિષે એમણે કહ્યું ‘’મુનશીની નવલકથામાં ઘણી વિસંગતિઓ, કૃત્રિમતાઓ છે: પાત્રો અને પ્રસંગો કોઈ કેન્દ્રવર્તી બળને વશ વર્ત્યા વગર, ચરવા માટે છુટતા મુકેલા તોખારની માફક, મન ફાવે તે દિશામાં ગતિ-અગતિ કર્યા કરે છે અને તેથી એક પ્રકારની અરાજકતા એમાં દેખાય છે. આખી નવલકથાના તમામ તત્વોમાંથી સંયુક્ત રીતે, સમગ્રતયા કોઈ એક જીવન રહસ્ય, કોઈ એક સત્ય આથી પ્રગટ થઇ શકતું નથી. માત્ર પ્રણયની, વીરતાની, સતીત્વની, ધર્માંચારણની, રાજધર્મની છુટક છુટક ભાવનાઓ અહી-તહી વેરાયેલી પડી છે પણ હાથ, પગ, માથું વગેરે અંગો છુટા છવાયા પડ્યા હોય તો એને માનવાકૃતિ કહી શકાય નહિ. એ બધાના યથાયોગ્ય સંકલન-સંયોજન દ્વારા જ એક જ અને અખંડ માનવાકૃતિ સર્જી શકાય’.

લાભશંકર ઠાકર અને દિનેશ કોઠારી ‘Inner life’માં કહે છે કે “લેખકને હારબંધ બનતા સ્થૂળ બનાવોમાં વિશેષ રસ છે. બનાવો ઉપસે છે, ચરિત્રના સમગ્ર વ્યક્તિત્વની રેખાઓ ઉપસતી નથી....ગુજરાતી સાહિત્યમાં શ્રી મુનશીની કથાઓ તેમાની સ્થળકાળક્રિયાની સ્થૂળ એકતા, પ્રતાપી લાગતા ચરિત્રો, પ્રસંગોની પરંપરા અને ચોટદાર સંવાદોને કારણે નાટ્યાત્મક ગણાય છે પરંતુ એડવીન મ્યુર જેને ડ્રામેટિક નોવેલ કહે છે તેના વ્યાવર્તક લક્ષણો છે ‘single complex of life અને ચરિત્રની individuality જે મુનશીની કૃતિઓમાં નથી.”

મુનશીની પાત્રાલેખન પધ્ધતિ સામે આધુનિક વિવેચકોએ જે વાંધો લીધો તે આ કે મુંજાલનું નામ આવતા જ ‘પ્રતાપ’, ‘તેજ’, શબ્દો આવે જ. વળી લેખક વચ્ચે આવી તેની પ્રશંસા પણ કરે, પાત્રની વકીલાત કરે, એની તરફદારી પણ કરે. પાત્રોના વર્ણનમાં ‘હોઠ કરડ્યા’, ટટ્ટાર થયો’. ‘તબિયત વાળી’, વગેરે પ્રયોગોનું પુનરાવર્તન થયા કરે છે. આ બાબતો વ્યવધાનરૂપ બને છે. આના કારણે પાત્ર પર મહિમાનું લેબલ ચોટાડ્યું હોય એવું લાગે છે.

મુનશીની ભાષાની પણ ટીકા થઇ છે. નરસિંહરાવ મુનશીથી પ્રભાવિત હોવા છતાં એમણે મુનશીના ભાષા દોષોની ટીકા કરી છે. મુનશીના પાત્રો મુનશીની જ ભાષા બોલતાં હોય એમ લાગે છે. સંસ્કૃત પ્રીતિ ધરાવતી અને એનું ગૌરવ અનુભવતી મંજરી કાકને કહે છે ‘તમે નાહી આવો, હું રાંધી મુકું’. (‘કાકનો ભાવ કેમ વધ્યો ?’) જયદેવ પણ લોકોક્તિઓ ઉચ્ચારે છે. મીનળદેવી પણ, જે દક્ષિણમાંથી આવી હતી- એનું મૂળ નામ હતું મયણલ્લ, ગ્રામ્ય મહિલાની જ ભાષા બોલે છે.

વિવેચકોએ અગાઉ મુનશીની નવલકથામાં અનેક રસોની સૃષ્ટિ ગણાવી હતી. આધુનિક વિવેચકોએ કહ્યું કે એમ રસની સંખ્યા ગણાવવાથી ના ચાલે. એ રસ નવલકથામાં કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવ્યા છે તેનું મહત્વ છે. આ સંદર્ભમાં Ortegaએ ‘Dehumanization of Art’ માં કહ્યું છે તેમ ‘we want to see the life of the figure in a novel, not to be told it.’ તે યાદ રાખવા જેવું છે.

૧૯૮૦ પછી આધુનિકતાના વળતા પાણી થયા. નવેમ્બર ૧૯૮૧મા ‘એતદ’ના સળંગ અંક ૩૭માં નટવરસિંહ પરમારે કહ્યું કે ‘સુરેશ જોષીએ ખેડેલી ભોંયને પોપડા વળવા આવ્યા છે.’

હવે એકવીસમી સદીમાં આપણી પાસે મુનશીની નવલકથાઓને તટસ્થ રીતે જોવા તપાસવાની મોકળાશ છે. મુનશીના સમકાલીનો એમનાથી ખુબ પ્રભાવિત હતા. આધુનિક સમયમાં પ્રતિક્રિયાત્મક વિવેચન આવ્યું. આજે આપણે વધુ કેળવાયેલી વિવેકબુદ્ધિથી મુનશીની કૃતિઓમાંના કલાતાત્વને અને એ કલાતત્વ પર થયેલા વિવેચનનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આપણી પાસે હવે ઘણા ઓજારો છે. જયેશ ભોગયાતાએ ‘સ્વપ્નદ્રષ્ટા’ની વસ્તુ સંકલનાને કેન્દ્રમાં રાખીને તેનું વિવેચન કર્યું છે. એ લેખમાં એમણે પૂર્વ અને પશ્ચિમના વિવેચનની પધ્ધતિઓને આધારે વિવેચન કર્યું છે. ભરત મુનીએ નાટ્યશાસ્ત્રમાં વસ્તુવિકાસના પાંચ અંગનો નિર્દેશ કરતી સંજ્ઞા આપી છે તેને નવલકથાના અંગો માટે યોજી શકાય તે દર્શાવ્યું છે. અંગ્રેજીમાં વસ્તુવિકાસની પ્રક્રિયા દર્શાવતી અંગ્રેજીમાં પણ છ સંજ્ઞાઓ છે; exposition (પ્રગટીકરણ), Inciting incident (પ્રેરક બનાવ), rising action(વિકાસમાન ક્રિયા), falling action(અવનતિની પ્રક્રિયા - રહસ્યોદઘાટન), climax(ચરમબિંદુ), conclusion(નિર્વહન, સમાપ્તિ, નિષ્કર્ષ) લેખના અંતે એમને કહ્યું છે કે ‘લેખકની સફળતા કે નિષ્ફળતા દર્શાવતા ચુકાદારૂપ વિવેચનો કે નવલકથાના છુટક લેખોના સંગ્રહને બદલે પ્રત્યેક તબક્કાની લેખન પધ્ધતિ વિશેની જાણકારી રાખવાનું માળખાબદ્ધ આયોજન થઇ શકે તેવા લાંબાગાળાનું અભ્યાસોનું આયોજન વિચારવું જોઈએ.’ (‘આવિર્ભાવ’- પૃ.૬૭-૭૩).

ચંદ્રકાંત ટોપીવાળાએ પણ મધ્યકાળની અનેક રચનાઓને નવા અભિગમથી તપાસી છે. ટૂંકમાં કહેવું હોય તો મુનશીનું નવલકથાના સ્વરૂપમાં ચોક્કસ મહત્વનું યોગદાન છે અને હવે એને નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે.

(ગુજરાતી વિભાગ, વીર નર્મદ યુનિવર્સીટી, સુરત માં તા. ૧૩-૧૨-૧૫ના ‘મુનશી:પુનર્મુલ્યાંકન’ પરના પરિસંવાદમાં વાંચ્યું.)

દીપક રાવલ