યુઝ એન્ડ થ્રોની વરવી વાસ્તવિકતા પ્રગટાવતી 'કુલડી' વાર્તા

૧૯૮૦ પછીની ગુજરાતી વાર્તામાં વિષયવસ્તુ તથા નિરૂપણરીતિની દૃષ્ટિએ ખાસ્સો બદલાવ આવ્યો છે. આ સમયગાળાનો વાર્તાકાર આધુનિક રચનારીતિઓનો સભાનતાપૂર્વક વિનિયોગ કરી વાર્તાના પરંપરાગત માળખા તરફ પાછો વળ્યો છે. જેમાં જે-તે સર્જકની પ્રતિબદ્ધતા અને કૃતિની કલાત્મકતા બરાબર કલવાઈને – ઘૂંટાઈને સામે આવ્યાં. આ સમયમાં જ ગુજરાતી ટૂંકીવાર્તામાં સ્ત્રી-પુરુષના સંબંધની સંકુલતા, સ્ત્રી-પુરુષના આંતરમનની સૂક્ષ્મ લીલાઓને શક્ય તેટલા અંશે તાગવાની કોશિશ પણ થઇ. આવી કોશિશ કરનારા વાર્તાકારોની યાદીમાં અગ્ર હરોળમાં આપણે હરીશ નાગ્રેચાને અચૂક મૂકવા જ પડે. કારણ કે ટૂંકીવાર્તા થકી સાહિત્યમાં છવાઈ ગયેલા નાગ્રેચાએ સંખ્યા અને સત્વ એમ બંન્ને દૃષ્ટિએ સાતત્યસભર ખેડાણ કર્યું છે. એમની વાર્તાઓમાં એક વિશિષ્ટ પ્રકારની જીવન અભિમુખતા જોવા મળે છે. કદાચ એના કારણે જ એમની વાર્તાઓ લોકોને સ્પર્શી જાય છે- અપીલ કરી જાય છે. સાંપ્રત સમાજના સંકુલ સંવેદનોને વાચા આપતા આ સર્જક સ્ત્રીમાનસના સૂક્ષ્મ સંચલનોને પકડવામાં – નિરૂપવામાં માહેર છે. સ્ત્રીમાનાસના આવા જ સૂક્ષ્મ સંચલનને ધારદાર છતાં સહજતાથી ઉકેલતી વાર્તા એટલે 'કુલડી'.

૨૧મી સદીના આરંભે બદલાયેલા જીવન સંદર્ભે સ્ત્રીની સમસ્યામાં કોઈ બદલાવ નથી આવ્યાં. ખરેખરા અર્થમાં તે સ્વતંત્ર થઈ જ નથી. કારણ કે પુરુષનો અહમ્, સ્ત્રી પરનો એનો માલિકીભાવ અને એનું સામંતશાહી માનસ બદલાયું નથી લેશમાત્ર પણ. એક રીતે એમ પણ કહી શકાય કે દેહથી પર થઈને સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર થયો જ નથી- થતો જ નથી. બસ આજ વાત 'કુલડી'માં પડઘાતી જોવા મળે છે.

વાર્તાનો આરંભ નાયિકા પિયાસીના 'શટ-અપ, મમ્મા!'ના છણકા સાથે થાય છે. જાણે કે આરંભથી જ વાચકને ઉત્તેજિત કરી દેવાની નેમ હોય. કલકત્તાથી પાછા ફરતી વખતે સ્ટેશન પર માટીની કુલડીમાં પીધેલી ચાનો સ્વાદ દીકરી-પિયાસી અને પત્ની-ઇન્દુ પણ માણે એવા ખ્યાલથી માધવ પોતાની સાથે બે-ચાર કોરી કુલડીઓ પણ લઈ બેગમાં નંદવાય નહીં એમ ગોઠવીને ઘેર લાવે છે. પિયાસી ધરતીના ધાવણ જેવી કોરી માટીની માદક વાસ લેવા ઉતાવળી બની, અજાણી ઉત્તેજનામાં ચા પીવા માટે કુલડીઓ ટેબલ પર ગોઠવી પણ દે છે. ઇન્દુની ઈચ્છા હતી કે કુલડીઓ ચીતરીને ડેકોપીસ તરીકે વાપરવી. પણ પિયાસીએ પોતાનું ધાર્યું કરી કુલડીમાં ચા રેડી દીધેલી, ઇન્દુ અકળાઈ ઊઠી પણ જેવી પિયાસીએ બીજા દિવસે ફરી એ જ કુલડીમાં ચા પીવાની વાત મૂકી કે ઇન્દુ તાડૂકી ઊઠી "વપરાયેલી કુલડી, શા કામની?" બસ અહીંથી શરુ થાય છે પિયાસીની આંતરવ્યથા. સાવ નાની એવી વાતમાં ઇન્દુનું છંછેડાવું વિચિત્ર લાગે, કઇંક અંશે બેહૂદું પણ ખરું. આ પ્રસંગ થકી મા-દીકરી વચ્ચેના તીખા-ખારા સંબંધ તરફ પણ આંગળી ચીંધાય છે કદાચ. જે આખીય વાર્તામાં સતત ડોકાયા પણ કરે છે. ભોંયતળિયે રહેતી રીન્કુ પર થયેલા બળાત્કારની પ્રતિક્રિયા આપતા ઇન્દુ બોલી ઊઠે છે: "બિચારી વપરાઈ ગઈ, શું કામની રહી, કોઈના હવે?" ઇન્દુના સ્વભાવને-સ્ત્રીના સ્વભાવને આલેખી આપતો આ સંવાદ સાંભળી પિયાસી જાણે ઉછળી પડી- "શટ-અપ મમ્મા !" ઉપરાઉપરી બે વાર થયેલા- ઇન્દુ -સ્ત્રી દ્વારા થયેલા 'વપરાયેલી' શબ્દપ્રયોગથી પિયાસી જાણે કે હચમચી જાય છે અને એના ચિત્તમાં એક ભયંકર પ્રશ્ન પેદા થાય છે... આ આખીય ઘટનાથી સર્જક કહે છે તેમ "સવાર જાણે કે નંદવાઈ ગઈ." ભાવક સમજી જાય છે કે અહીં માત્ર એક સવાર જ નથી નંદવાઈ પણ એમાંથી ઊઠેલા પ્રશ્નના લીધે પિયાસીનું આખું કુમળું વ્યક્તિત્વ જ વેરવિખેર થઈ જાય છે. આ વાત સર્જક આગળ જતા અસરકારક રીતે નિરૂપે છે. દૂરદર્શન કેન્દ્ર પર પ્રોગ્રામ પ્રોડ્યુસર તરીકે કામ કરતી પિયાસી સવારના કુલડીના બનાવથી ધૂંધવાયેલી છે ને એમાં પણ ચેટ-શો માટે મનમાં ઘુમરાતા વિષયની અસ્પષ્ટતાથી અને સાથી કાર્યકરોની સપાટી પરની ચર્ચાથી વધુ ધૂંધવાય છે, અકળાય છે, વારેવારે પેલો એકનો એક પ્રશ્ન જ તેના મનમાં ઘુમરાયા કરે છે... સર્જકે આગળ નોંધેલા પિયાસીના જ વાક્યપ્રયોગ – "પાપા, કુલડીનું કોરાપણું ચાના સ્પર્શે કેવું, ઘુમરાતા ફીણ જેવું છાનગપતિયું કરી રહ્યું છે નહીં!"- મુજબ પેલો પ્રશ્ન ફીણ જેમ જ ઘૂમરી લેતો જાય છે. અહીં સર્જકે પિયાસીના મનમાં કયો પ્રશ્ન છે એનો ફોડ ન પાડીને વાર્તાને ચોટદાર બનાવાની તકને બરોબર જડપી છે. ભાવકને પણ એમાં બરાબરનો ભીંસ્યો છે.

આખરે આવું પૂછાય કે નહીં એનો વધુ વિચાર કરવાનું માંડી વાળી પિયાસી પરિવારની સ્ત્રીઓને પૂછી જ બેસે છે: "તમારા પર બળાત્કાર થાય તો તમારા પતિ તમારી જોડે કેવું વર્તે?" માસી, ફોઈ, ભાભી, કાકીની સાથે જ વૈશાલી, નિલમ, રીટાને આ પ્રશ્ન પૂછીને પિયાસી માત્ર બે જ દિવસમાં સ્ત્રીઓમાં હાહાકાર મચાવી દે છે. ઘડીક તો ભાવક પણ આ ક્રિયાથી આંચકો ખાય જાય પણ ધીરજથી વિચારતા સ્પષ્ટ થાય છે કે અહીં આવો પ્રશ્ન કરનારીના ચિત્તમાં કોઈ વિકૃતિ નથી પણ એક સામાજિક રીતિ પરનું વિચારવમળ જ છે, જેમાંથી બહાર નીકળવું પણ એટલું જ જરૂરી છે. અન્યથા આવા કાદવમાં સમાજ વધુને વધુ ઊંડો ખૂંપતો જ જશે. સર્જક આરંભથી જ ભાવકને વાર્તામાં-એના પાત્રોની ગતિવિધિમાં સંડોવતા હોવાથી એને- ભાવકને સમજાય છે કે બળાત્કાર કરનાર તો પુરુષ હોય છે પણ એનો ભોગ બનીને શારીરિક-માનસિક આઘાત-યાતના સહન તો સ્ત્રીએ જ કરવાની આવે છે. પુરુષ તો એવું માને પણ સ્ત્રી પોતે પણ બીજી સ્ત્રીને 'વપરાઈ' ગયેલી કહી શકે ખરી? કેવી રીતે? સ્ત્રી હોવાનો આ તે કેવો ગુનાહિત ભાવ, કેવું હલકું માનસ અને કેવી તો નિમ્ન માન્યતા કે સ્ત્રી પોતે જ પોતાને આટલી હદે ઊતરતી માને? વાર્તામાં અહલ્યાના ઉલ્લેખથી પણ આ વાત જ ઉપસી આવે છે. પણ વાર્તામાં તો પિયાસીને જવાબ મળવો તો દૂરની વાત રહી ઉલટું બધેથી અકળાયેલા-છંછેડાયેલા અવાજો ઇન્દુ સામે આવે છે: "ક્યાં ગઈ પેલી નફફટ?" વાર્તાના આરંભથી જ પિયાસી પ્રત્યે- ખરું કહીએ તો પિયાસીના સ્વભાવ પ્રત્યે અણગમો દર્શાવતી ઇન્દુને તો આ અવાજોથી જાણે કે પિયાસીને સારી પેઠે ઠમઠોરવાનું બળ મળે છે. આમ છતાં પિયાસી હારતી નથી, થાકતી નથી પણ દૂરદર્શન પર આવા જ પ્રશ્નને વાચા આપતું રેકર્ડિંગ પૂરું કરે છે ત્યારે તેની લાગણીઓ લોથ વળી જાય છે જુઓ-
"આપણને પોતાની જાતને ક્લોઝઅપમાં જોવાની, હોલ્ડ કરવાની બીક કેમ લાગે છે, વ્હાય? વ્હાય?" એક વાત અહીં કબૂલવી પડે કે સર્જકે પિયાસીના પાત્રની સાથે જ ભાષાનો પણ સારી પેઠે કસ કાઢ્યો છે.

વાર્તાનાયિકા જાણે ઝનૂની બની હોય એમ આખરે આ જ પ્રશ્ન પોતાના ભાવિ જીવનસાથી-આકાશને પણ પૂછી લે છે. નાયિકા સારી રીતે સમજે છે કે આ પ્રશ્ન પૂછીને એ પોતાનું-જો એ ખરેખર પોતાનું હોય તો ખોઈ પણ શકે છે. આમ છતાં એ જાણવા માંગે છે, એને અવગણીને પલાયન થવાનું તેને હરગિઝ મંજુર નથી. પિયાસી એ પણ સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં મળવાનું પણ એના ઉત્તર પર નિર્ભર છે ત્યારે પિયાસીના ઝનૂનની પરાકાષ્ઠા દેખાઈ આવે છે. આજ પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે સખી અનુશ્રી પણ આકાશની જેમ જ તેને હડધૂત કરે ત્યારે પિયાસીની શ્રધ્ધા ચોક્કસપણે ડગી જાય છે. તે નક્કી નથી કરી શકતી કે સવાલનો "સૌનો સામટો એકસરખો પ્રતિકાર, સવાલના સ્વીકાર માટે હતો કે જવાબના સ્વીકાર માટે?" સર્જકે નાનકડા વિધાન થકી પણ અહીં કેવી વ્યંજના પ્રગટાવી છે!

વાત આટલેથી અટકતી નથી અને શરુ થાય છે પિયાસીનો જાત સામેનો વિદ્રોહ. આ વખતે કોઇપણ ભાવક હચમચી જાય એવા શબ્દોમાં સર્જકે પિયાસીની પીડાને છતી કરી છે: " આમ તરડાવા, ઉતરડાવા કરતાં, ડોબી જ રહી હોત તો શું ખોટું હતું !" કોઇપણ પરિસ્થિતિમાં જ્યારે યોગ્ય સાથ ન મળે ત્યારે જાતનો જ દોષ કાઢવાની- જોવાની માનવની વૃત્તિ આદિકાળથી ચાલી આવે છે. એ જ વૃત્તિ પિયાસી પણ દાખવે છે આથી ભાવક પાત્ર સાથે સમભાવથી જોડાઈ જાય છે જ્યારે ઇન્દુ એનાથી વિરુદ્ધ વર્તે છે. સ્ત્રી તરીકે- એક માતા તરીકે તેણે પિયાસીને સધિયારો આપવો જોઈએ એના બદલે એકાધિક પ્રસંગોમાં પિયાસી પ્રત્યેનો અણગમો જોવા મળે છે. વાતવાતમાં માધવને તે કહ્યા કરે છે કે "કરી દો ઝટ એને એના ઘર ભેગી", "રહેવાતું ન હોય તો પરણી જાય", "ઠેકાણે નહીં પડી જવાનું?". પિયાસીને પણ તે કહે છે- "ક્યાં સુધી તોબરો ચડાવી રાખવાનો છે?", "એક દીઘી હોયને ડાચામાં." જાણે કે લાલ કીડીના દર પર પગ પડ્યો હોય એવી રીતે ઇન્દુને પિયાસી- એનો સ્વભાવ ચટકતો હતો. આ બધું જ ઇન્દુમાં રહેલી સ્ત્રીની સહજ વૃત્તિને ઉઘાડી પાડે છે. અન્યથા શિક્ષિકા- માતા એવી ઇન્દુ આવા શબ્દપ્રયોગ તો કેમ કરી શકે? અહીં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બનતી હોય એ વાત યાદ આવ્યાં વિના ન રહે.

ઇન્ટરવ્યૂ માટે દિલ્લી જવાનો દિવસ નજીક છે અને જે પ્રશ્નનો જવાબ આકાશે પણ નથી આપ્યો, કોઇપણ આપવા નથી માંગતા એ જવાબ કામવાળી જમના તરત જ આપે છે: "ખાંજરે નાખે મૂઓ, કાન તૂટેલા કપની જેમ. પછી શું સવાદ પડે એને?...!" જવાબથી પિયાસી સ્તબ્ધ રહી જાય છે. તેને કડવી વાસ્તવિકતા દેખાય છે કે બધી જ સ્ત્રીઓ આ જવાબ જાણતી જ હતી એટલે જ કદાચ પિયાસી પર અકળાતી હતી. એનો અર્થ તો એ જ થયો કે આવા પ્રશ્નોમાં કોઈ વર્ગભેદ નથી. આ વેદના- આ સમસ્યા દરેક સ્ત્રી માટે એકસમાન જ છે.

અંતમાં ઇન્દુમાં રહેલી સ્ત્રીને જોઈ ચૂકેલી પિયાસી નાટ્યાત્મક પ્રયુક્તિરૂપે વિડિયો કેસેટના માધ્યમથી આ પ્રશ્ન મમ્મા સામે મુકતી જાય છે. અહીં એ નોંધવું ઘટે કે કેસેટ 'મમ્મા'ને આપવાની વાત છે, ઇન્દુને- એમાં રહેલી સ્ત્રીને હરગિજ નહીં. બહુ સ્પષ્ટ છે કે કુલડીવાળા પ્રસંગ પછી આઘાતજનક રીતે પિયાસી સામે ઇન્દુનું આ રૂપ ઉઘડ્યું હતું. સર્જકે આ વાત અતિશય સૂક્ષ્મ નિરીક્ષણરૂપે નોંધી આપી છે. વાતમાં એકાએક વળાંક આવતો હોય એમ ઉચક મને પિયાસીના ગયા પછી ઇન્દુને બધું ખાલીખાલી લાગવા માંડે છે. જાણે કે પિયાસીની સાથે જ એના માટે અનુભવાતા રાવ-રોષ પણ જતા રહ્યા ન હોય! કેસેટ ચાલુ કરતા જ પિયાસીનો સીધો ને સટ પ્રશ્ન સામે આવે છે: "મારા પર આવું વીતે તો ઇન્દુ...? તારા પર વીતે તો તું શું એમ જ માને કે તું હવે માધવને લાયક નથી રહી? માધવ પણ એવું જ વર્તે કે હવે આ કુલડી શું કામની?" આ સાંભળી ઇન્દુ સ્તબ્ધ રહી જાય છે તો માધવને તો અગાઉથી જ રૂમની બહાર છૂપાઈને સાંભળતો દર્શાવાયો છે. જાણે અગાઉથી જ એને સંકેત મળી જાય છે કે ઇન્દુ એને આ પ્રશ્ન પૂછશે તો...? અહીં ભાવકને પણ પિયાસીની જેમ જ પ્રશ્ન થાય કે શું સમાજમાં સંબંધને માત્ર સ્પર્શના ત્રાજવે જ તોળવાનો હોય? સ્ત્રી પણ શું માટીની કુલડી છે કે એ વપરાઈ જાય? આમ છતાં વાર્તાના અંતે છૂપાઈને કેસેટ સાંભળ્યા પછી તરત જ માધવને બીજા ઓરડામાં સરકતો દર્શાવાયો છે. તેની આ સરકવાની ક્રિયા- વૃત્તિ સાબિત કરી આપે છે કે આખી વાર્તામાં મા-દીકરીના ઘર્ષણને ચૂપચાપ જોનાર માધવ પણ અન્ય પુરુષોથી જુદો નથી જ. શિક્ષિત હોવા ઉપરાંત વાર્તામાં તેને નર-નારીના ભેદથી પર રહીને વર્તતો બતાવાયો છે. પિયાસી- દીકરીને અઢળક ચાહતો અને લાડ લડાવતો માધવ આરંભમાં તો મુક્ત વિચારો ધરાવતો- ખુલ્લા મનવાળો જણાય છે. એણે ધાર્યું હોત તો મા-દીકરી વચ્ચે સંવાદિતા સાધી શક્યો હોત. અરે બળાત્કારની પ્રતિક્રિયા બેહૂદી રીતે આપતી ઇન્દુને તરત જ અટકાવી શક્યો હોત! ને તો પછી પિયાસીને ઇન્દુ કહે છે એમ "આવા સાવ ભવાડા" કરીને પરિવારની સ્ત્રીઓમાં 'ઊહાપોહ' મચાવાની જરૂર જ ન ઊભી થાત. પણ માધવનું જડબેસલાક મૌન અંત સુધી બરકરાર જ રહ્યું. કદાચ આકાશનું મૌન પણ એને માધવની હરોળના પુરુષોમાં જ સ્થાન અપાવે છે! આવું થાય ત્યારે સ્ત્રી-પુરુષના સંબંધ માટે શંકા જાગે. કેમ કે સ્ત્રીની સંવેદનાને તો જાણે અહીં અવકાશ જ નથી.

આ બધુ છતાં એવું નથી કે પિયાસીનો આક્રોશ આવા પુરુષો સામે જ છે, પણ પુરુષ જેવું વલણ અખત્યાર કરતી સ્ત્રી સામે પણ એટલો જ છે. પોતાની મા-ઇન્દુ સાથેના અબોલા આ વાતની જ સાહેદી પૂરે છે. વાર્તામાં આવતાં અહલ્યાના ઉલ્લેખથી પણ એજ- હલકું પુરુષમાનસ જ વ્યંજિત થાય છે.

આમ આરંભથી અંત સુધી અહીં એક યા બીજા સંદર્ભે 'કુલડી' કેન્દ્રમાં રહી છે. જેની અંદર પિયાસી, માધવ, ઇન્દુના વિચારો- વ્યથાઓ- મનોભાવો સતત ઠલવાતાં રહ્યાં છે, ડહોળાતાં રહ્યાં છે, ઝલકાઈને વેરવિખેર પણ થતાં રહ્યાં છે. સર્જકે પોતાની સિદ્ધ કલમથી વાર્તાનું પોત વણ્યું હોઈ ચોટની સાથે જ નાટ્યાત્મક અનુભૂતિ કરાવવામાં પણ સફળ રહ્યા છે.

ટૂંકમાં, વિશિષ્ટ છતાં કડવા લાગતાં સંવેદનને જરાક બોલકું બનાવીને, એને રૂપકડો કલાકીય ઢોળ ચડાવીને ગંભીર સામાજિક મુદ્દાને ન્યાય આપવાનો- અપાવવાનો પ્રયત્ન કર્યો છે જે પ્રશંસનીય છે. સ્ત્રી પરનું પુરુષનું સામંતશાહી માનસ આજે પણ લેશમાત્ર બદલાયું નથી એ વાત સમાજ સુધારકના અભિનિવેશ વગર વાર્તાકારના ગૌરવને છાજે એ રીતે નાગ્રેચાએ મૂકી આપી છે.

પ્રીતિ ધામેલિયા
જે.આર.એફ., ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર