શબ્દસૃષ્ટિ ડિસેમ્બર ૨૦૧૪મા પ્રગટ થયેલી વાર્તા (?) 'પ્રેમીના પપ્પાનો પત્ર' વિશે

મણિલાલ હ. પટેલ આપણા અનુઆધુનિક યુગના એક મહત્વના વાર્તાકાર ગણાય છે . પાંચ વાર્તાસંગ્રહો આપી ચૂક્યા છે એટલું જ નહીં ૧૯૮૦ પછી ના ગાળાના આગળ પડતા કવિ, નિબંધકાર, વિવેચક પણ છે. પરંતુ શબ્દસૃષ્ટિ ના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાં એમની વાર્તા (?) 'પ્રેમીના પપ્પાનો પત્ર' વાંચીને મેં ભારે આંચકો ને નિરાશા અનુભવ્યા.

વાર્તા નું વસ્તુ ટૂંકમાં જોઈ લઈએ.
શીર્ષક સૂચવે છે તેમ આ વાર્તા પત્ર રૂપે લખાયેલ છે. પત્ર સમતાના પ્રેમી તન્મયના પપ્પા નીતિન પટેલ દ્વારા સમતા ને લખાયો છે. સમતા અને તન્મય એકબીજાને ચાહે છે . પરંતુ સમતાના પિતાને તેમનો આ સંબંધ મંજૂર નથી. કારણકે ભૂતકાળમાં સમતાની માતા પન્ના અને નીતિન વચ્ચે પ્રેમસંબંધ હોય છે. જે લગ્નમાં પરિણમેલ નથી. જોકે સમતાને પિતાનો અસ્વીકાર સ્વીકાર્ય નથી. તે લડી લેવાના મૂડમાં છે . માટે જ 'કદાચ' નીતિન પટેલ એને સમજાવવા , શાંત કરવા , તણાવભર્યા વાતાવરણમાં સ્વસ્થતા પ્રેરવા આ પત્ર લખે છે . જેમાં એ પરિસ્થિતિની નજાકત સમજાવે છે. પ્રેમનો સ્વભાવ સમજાવે છે. ને તેમની વચ્ચે કોઈ દેખીતો સંબંધ ન હોવા છતાં એક વડીલની રૂએ ધીરજથી કામ લેવા સલાહ આપે છે . અને અંતે એમનો પ્રણય સંબંધ નીતિન-પન્નાના સંબંધની જેમ નિષ્ફળ ન નીવડતા , લગ્નમાં પરિણમે એવા શુભાશિષ આપે છે .

વાત આટલી જ છે. પણ અગાઉ મેં કહ્યું એમ વાર્તા વાંચીને મેં નિરાશા ને આંચકાની મિશ્ર લાગણી અનુભવી. પણ કેમ ? કારણ શું ? નિરાંતે વિચારતા મને ત્રણ કારણો જણાયા.

૧) કૃતિમાં પ્રયોજાયેલી પત્રલેખનની મૃત કથનરીતિ
૨) પ્રસંગનો અભાવ
૨) બિનજરૂરી સૂત્રાત્મક પ્રેમ-મીમાંસા

પહેલા મુદ્દાની વાત કરીએ તો પત્ર રૂપે વાર્તા-રચના એ પરંપરાગત અને જૂનો નુસખો છે . જે આમ જોવા જઈએ તો કથાના સ્વરૂપને સુસંગત નથી. કારણકે કથા એ કથન નો મામલો છે. (લેખનનો નહીં.) જેમાં કથવા યોગ્ય પ્રસંગ અને એ પ્રસંગ સીધેસીધો પહોંચાડનાર કથક બંને અનિવાર્ય છે. માટે વાર્તામાં આવતું પત્ર-લેખન એ રીતે એક મૃત કથન બની જતું હોય છે . જેમાં કથકની અનિવાર્ય કડી પણ નકામી બની જતી હોય છે. માટે જ પત્ર લેખન દ્વારા વાર્તા કહેવાની પદ્ધતિ આજના કથનાત્મક્તા અંગે વિકસેલી સમજના યુગમાં નબળી ગણવામાં આવે છે. અલબત રવીન્દ્રનાથ ટાગોર જેવાએ પણ આ ટેકનિકનો ઉપયોગ કરી 'પત્નીનો પત્ર' નામની વાર્તા લખેલ છે . પરંતુ ટાગોરે જે સમયમાં ટૂંકી વાર્તાઓ રચી એ અર્વાચીન ટૂંકી વાર્તાનો શરૂઆતનો ગાળો હતો. ને એમની પાસે પશ્ચિમ ના એડગર એલન પો, ગોગોલ, બાલ્ઝાક આદિને બાદ કરતા ટૂંકી વાર્તાના ખાસ નમૂના ઉપલબ્ધ ન હતા. જ્યારે આજે તો વિવિધ ભાષાઓમાં થયેલા માતબર ટૂંકી વાર્તાના સર્જનને કારણે આપણી પાસે સ્ટ્રીમ ઓફ કોન્શિયસ, પ્રથમ પુરુષ, ત્રીજો પુરુષ વગેરે કથનરીતિઓ મોજૂદ છે. જેને કારણે પત્રલેખન જેવી પ્રાથમિક અને મૃત કથનરીતિ પાસે આજના વાર્તાકારે જવાની જરૂર નથી.

વધારામાં , પત્રમાં કોઈ પ્રસંગ પણ કહેવાતો નથી. જાણીતું છે કે ટૂંકી વાર્તા કથનની કળા છે. જેમાં એક આદિ-મધ્ય-અંત ધરાવતો, કથવા- યોગ્ય પ્રસંગ, કેન્દ્રમાં હોવો અનિવાર્ય છે. ટાગોરની 'પત્નીનો પત્ર' વાર્તામાં પણ આ વાર્તાની જેમ મૃણાલ નામની સ્ત્રીએ પોતાના પતિને લખેલા પત્ર થકી કહેવાય છે. પરંતુ પત્રમાં એક પ્રસંગ કેન્દ્રમાં તો છે જ. કેવી રીતે બિંદુ નામની અનાથ બાળા મૃણાલના જીવનમાં આવે છે ને પોતાના ઘરના સભ્યોની સંવેદનશૂન્યતા સામે કઈ રીતે મૃણાલ એને આશ્રય આપવાના અને ન્યાય અપાવવાના પ્રયાસો કરે છે એની અઆસ્પાસ જ આખો પત્ર રચાયેલ છે. જેમાં અંતે મૃણાલ પોતાના રૂઢીવાદી ઘરમાં ફરી ક્યારે પગ નહીં મૂકવાના નિર્ણયની જાણ કરે છે. જ્યારે 'પ્રેમીના પપ્પાનો પત્ર ' માં આવું કશું નથી. કશું બનતું જ નથી. પત્ર લેખક નીતિન પોતાની સંભવિત પુત્રવધૂ સમતા ને જે પત્ર લખે છે એમાં જીવન અને પ્રેમનો મર્મ સમજાવતી સૂત્રાત્મક પંક્તિઓ છે. (પ્રહલાદ પારેખના સુખ્યાત સોનેટ ની પણ પંક્તિઓ છે.) નીતિન અને પન્નાના ભૂતકાળના પ્રેમ સંબંધના ઉલ્લેખો છે. પરંતુ કોઈ પ્રસંગ નથી.. તો પછી ? સમગ્ર પત્ર ને જ એક પ્રસંગ ગણવો ? પણ એમ તો થઇ ન શકે. કારણકે પત્ર પ્રસંગ ન ગણાય. હા, પત્ર લખનાર પત્ર લખતા પહેલા ગડમથલ અનુભવે, જેમતેમ પત્ર લખે ને પૂરો કરે ને પછી એના માં કોઈ ભાવસંક્રાંતિ કે આંત:દર્શન થાય તો એ પ્રસંગ ગણી શકાય. અથવા પત્ર મેળવનાર પત્ર મેળવે, વાંચે ને વાંચીને કોઈ ભાવસંક્રાંતિ અથવા આંત: દર્શન થાય તો પ્રસંગ જેવું કૈંક બને. જોકે પેલો મૃત કથન નો પ્રશ્ન તો આવીને ઉભો જ રહે તો પણ ડેડ નરેટિવ જેવુંય કૈંક નરેટિવ લાગે ખરું. પરંતુ આવું તો કશું પ્રેમીના પપ્પાનો પત્ર માં બનતું નથી. માટે શબ્દસૃષ્ટિમાં ભલે આ કૃતિ વાર્તા ના વિભાગ હેઠળ પ્રગટ થઇ હોય પરંતુ આ લખનારના મતે એને વાર્તા કહી શકાય એમ નથી.

આંચકો લાગવાનું ત્રીજું કારણ છે સૂત્રાત્મક પ્રેમમીમાંસા. ૧૯૮૦ બાદ આધુનિકતાવાદના વળતા પાણી થયા ત્યારબાદ આજ લગી સુરેશ જોશીના સાહિત્યકર્મ પર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે . કથનાત્મકતાની અવહેલનાના આક્ષેપો ઉપરાંત તેમના કાવ્યાત્મક ગદ્ય પર, અલંકાર-પ્રચુર ભાષા ઉપર (ઉચિત કે અનુચિત રીતે ) આંગળીઓ ચીંધવામાં આવી છે. તેમની કથાસૃષ્ટિના બધા પાત્રો સાહિત્યિક છે, તમામની ભાષાનું એક જ સ્તર છે, સર્જકનો અભિગમ અત્યંત રોમેન્ટિક છે એવા સ્વાભાવિક નિરીક્ષણો જોરજોરથી પોકારવામાં આવ્યા છે. ને ૧૯૮૦ પછી સાહિત્યમાં શરૂ થયેલા પરિષ્કૃત વાર્તા, દલિત વાર્તા, નારીવાદી વાર્તા વગેરે પ્રવાહોમાં લખતા વાર્તાકારો અને તેમના વિવેચકો સૌએ આ લક્ષણો ને આધુનિકતાવાદની મર્યાદાઓ ગણી એમને ત્યાજ્ય ગણ્યા છે. એમનાથી વેગળા રહેવાનું પસંદ કર્યું છે, કવચિત જાહેર પણ કર્યું છે. મણિલાલ હ. પટેલ પણ એક રીતે પરિષ્કૃતિના, આ જ સમયગાળાના એક વાર્તાકાર-વિવેચક છે. પરંતુ, 'પ્રેમીના પપ્પાનો પત્ર' વાર્તામાંનો એક પરિચ્છેદ જુઓ :
"પ્રેમ તો સાવ નોખી અને નખરાળી વસ છે. ઝટ ઝટ ગમવા લાગે પણ એની ચાલ પકડાતા પરખાતા વર્ષો નીકળી જાય એમ પણ બને. પ્રેમ તો છે કાળમીંઢ પથ્થરો વચ્ચેય ઉછળતું કૂદતું ઝરણું. પથ્થરોના અવરોધો સાથે અફળાય છે, ચૂર ચૂર થાય છે ને ત્યારે જે ગાય છે એ ગીત તે પ્રેમ છે. પથરીલા પ્હાડો ને પોચા કરીને એની કૂખમાંથી પ્રગટે છે- બુન્દ બુન્દ ....ને પછી થનગને છે વહેવા. પૃથ્વી ખૂંદવા ચાહે છે એ નાનકડુ ને નટખટ નિર્ઝર ! વખતે ન વહેવા મળે તો પડી રહે છે ભીતરમાં. પ્હાડો પર વૃક્ષો લીલાછામ કેમ રહે છે જાણે છે ? સમતા ! પેલું નહીં વહી શકતું નિર્ઝર એમને ભેજ આપ્યા જ કરે છે. એ ઊંડે દબાઈ છુપાઈનેય ચાહ્યાંને લીલાછમ રાખે છે."

બોલો ! આમાં ક્યાં આવી કથનાત્મકતા કે અનુઆધુનિકતા કે પછી જીવન સાથેનું સીધું જોડાણ ? અરે, ઘડીભર નિબંધકાર સુરેશ જોશી પણ મોંમાં આંગળા ઘાલી જાય એવું સાહિત્યપ્રચુર અને અલંકારિક આ ગદ્ય છે . ધૂમકેતુ ને પાણી પાણી કરી નાખે એવું રોમેન્ટીસિઝમ અહીં શબ્દે શબ્દે ઉભરાય છે .ને કોઈ પણ વાર્તામાં અકારી લાગે એવી પ્રેમમીમાંસા છે. ને સમગ્ર કૃતિમાં તો આવા ઘણા વિધાનો છે. જેને કારણે કૃતિના વાંચન બાદ આપણને ઘડીભર એવો પ્રશ્ન થાય કે વાર્તાના નામે આટલી અકથનાત્મક રચના કોઈ નવોદિત પણ લખે ખરો ?

એટલે જ જ કદાચ કૃતિની નીચે મણિલાલ હ. પટેલનું નામ જોઈ આ લખનારે આંચકો ને નિરાશા અનુભવ્યા હશે, હેં ને ?

સાગર શાહ