સમલૈંગિક સમ્બન્ધ અને સાહિત્ય અન્તર્ગત કિરીટ દૂધાતની વાર્તા ‘પાવય’[1]

ભારતીય ષડ્୍દર્શનમાંના સાંખ્યદર્શને માનવશરીરની રચનાની દૃષ્ટિએ પુરુષ અને પ્રકૃતિના મિલનની વાત આદિકાળથી કરેલી છે. પરંતુ પુરુષ-પુરુષ અને પ્રકૃતિ-પ્રકૃતિના સમલૈંગિક સમ્બન્ધોની વાતે આજના સમયમાં સૌનું ધ્યાન આકર્ષ્યું છે. આજના વિચારશીલ મનુષ્યને સ્નેહના સમ્બન્ધવાળા સમલૈંગિક સમ્બન્ધો સામે જાતિગત ઇન્દ્રિયસુખ ગૌણ બાબત લાગે છે. અને તેથી જ આ પ્રકારના સમ્બન્ધ સર્વસામાન્ય બને અવું આધુનિક અને વૈચારિક સમાજ માનવા લાગ્યો છે. પરંતુ શરીરની રચનાની દૃષ્ટિએ વિજ્ઞાન અને જ્ઞાન એને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તરીકે જ જુએ છે. આ બેવડા પ્રવાહની વચ્ચે પણ સમાજના કોઇક છેવાડે તો આવા સમલૈંગિક સમ્બન્ધો જોવા મળ્યા જ છે. ભલે ને સમાજમાં તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કહીને સર્વસ્વીકૃતિ ના મળી હોય પણ વાસનાતૃપ્તિના ભાગ રૂપે કેટલાયે લોકોએ આવા સમલૈંગિક સમ્બન્ધોનો આશરો લીધો છે.

આવી જ એક વાસ્તવિક હકીકત સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા કવિ અને વહીવટી અધિકારી રહી ચૂકેલા શ્રી કિરીટ દૂધાતે પોતાના પુસ્તક ‘બાપાની પીંપર’[2]માં વર્ણવી છે. વાર્તાલેખક કિરીટદૂધાતનું બાળપણ તેમના મામાને ત્યાં વીત્યં હતું. તેઓ જ્યારે દસમા ધોરણમાં હતા ત્યારે તેમના મામાના ગામમાં આ હકીકત બની હતી. તે ગામનો ગોરધન લુહાર જન્મથી પાવય (પાવૈયો) હતો. તેના જીવનમાં જે કંઇ બન્યું હતું તેના લેખક સીધા સાક્ષી હતા. વળી,બધી જ ઘટનાઓ લેખકની આંખ સામે બની હોવાથી તેમણે તેનું વાસ્તવિક અને હૂબહૂ વર્ણન કર્યું છે.

એસ.એસ.સી.ની પરીક્ષા પછી આગળ અભ્યાસ કરવા લેખક અમદાવાદ ગયેલા. ત્યારબાદ બે વરસ પછી તેઓ મામાના ગામમાં પાછા ફરે છે. ગામમાં પ્રવેશતાં જ તેમનાં અગાઉનાં સ્મરણો તેમની આંખ સામે એક ચિત્રપટની જેમ એક પછી એક તાદૃશ થવા લાગે છે. તેઓ પોતાના મિત્ર જ્યંતી,રવજીઆતા અને ગોરધન લુહાર વગેરેની ખબર પૂછવા માંડે છે. લેખકને ખબર પડે છે કે, ગોરધનને તો એક રાતે કેટલાક પાવૈયાઓ આવીને બહુચરાજી લઇ ગયા. અને એ તો સાચે જ પાવૈયો બની ગયો છે. બસ આટલી જ વાત સાંભળતા લેખકનો ગોરધન સાથે વીતેલો અતીત જાગૃત થઇ ઉઠ્યો અને તેમને થયું કે, અરેરે છેવટે ગોરધન પાવય(પાવૈયો) થઇ ગયો ખરો !. પરંતુ મીઠીમા અને ચંપાનું શું થયું હશે ? એ પ્રશ્ન લેખકને હવે ઓર સતાવવા લાગ્યો. પણ તેમનું મન તો ગોરધન સાથે વીતાવેલા સ્મરણોને જ વાગોળવા લાગ્યું. અને તેમના ગોરધન સાથે થયેલા સંવાદો પણ તેમના માનસપટ પર તાજા થવા લાગ્યા. તેમણે એકવાર ગોરધનને પૂછેલું, ‘ગામના બધા વાતો કરે છે કે, તમે બહુચરાજી માતાના ભગત થઇ જવાના છો તે સાચું?’ ત્યારે ગોરધનનું મોઢું લાલચોળ થઇ ગયેલું અને તે બબડેલો,તો પછી ડોશીનું ને ચંપાનું રણીધણી કોણ? હજી નૈ.. હજી નૈ..’ એમ બોલીને એ અટકી ગયેલો. અને તરત લેખકને કહેલું, ‘ભાણા! તું બોલે છે બહું, એના કરતા મારી ધમણ ખેંચી આપને’. લેખકે જોયેલું કે, ભઠ્ઠીના લાલચોળ પ્રકાશમાં ગોરધનનું મોઢું કુમળાશભયું લાગતું હતું.એ પૂરું જોર કરી કરીને ઘણ ઝીંકતો હતો પણ લોઢું ઝડપથી ટીપાતું ન હતું. આ બધું લેખકને આજે જાણે આંખ સામે દેખાવા લાગ્યું. એકવાર તો બે પાવૈયાઓએ લેખકને ગોરધનનું ઘર પૂછ્યું. અને પોતાના મિત્ર જયંતીએ ના પાડવા છતાં લેખક પેલા બન્નેને ગોરધનના ઘરે લઇ ગયેલા. પછી તો તેમણ ત્યાં કમઠાણ માંડેલું. મોટેથી તાળીઓ પાડી પાડીને મીઠીમાને ઝપટમાં લીધેલાં અને કહે, ‘માતાના સાચા ભગતને ઘરમાં પૂરી રાખ્યો છે તે ડોશી તને કીડા પડશે’ વગેરે વગેરે....ને ત્યારે ગોરધન પણ ડઘાઇ ગયેલો અને બે પગ વચ્ચે માંથું કરીને હીબકાં ભરવા લાગેલો. બીચારી ચંપા પણ રોવા માંડેલી. છેવટે ગામના બે-ચાર માણસોએ આવીને પેલા પાવૈયાઓને કાઢી મૂકેલા. અને ત્યારે લેખકે પોતાના મિત્ર જ્યંતીની પૂછેલું કે, ‘આ બધું શું થયું?’ મિત્ર જ્યંતીએ તેની માંડીને વાત કરી ત્યારે તો લેખકને ખબર પડી કે, ‘માણહમાય નૈ અને બાયુંમાંય નૈ ઇ એટલે પાવય(પાવૈયા)’.

ત્યારપછી લેખકને ખબર પડી કે, ગોરધન મીઠીમાના પેટમાં હતો ત્યારે જ તેના પિતા ગુજરી ગયેલા. ચંપા ત્યારે એકાદ વરસની હતી. મીઠીમાને એવો ડર કે, ‘જો છોકરી આવશે તો પિંડદાન કરનારું કોઇ રહેશે નહીં’ આ ચિંતામાં ને ચિંતામાં ગોરધનનો જનમ થયો. ગોરધનની આવી જાતિ વિશે મીઠીમાને સૌથી પહેલી ખબર પડેલી.પરંતુ ગોરધન છોકરો જ છે એવી વાત તેમણે ગામ આખમાં વહેતી કરેલી. એટલું જ નહીં તેને કપડાં પણ છોકરાનાં જ પહેરાવે. જોકે, ગામ લોકો ધીમે ધીમે જાણી ગયા હતા કે, ગોરધનમાં કઇક લોચો છે. અને પછી તો ગામના છોકરાઓ તેને ખીજવતા પણ ખરા. ક્યારેક તો મારતા પણ. આ બધાથી ડરીને ગોરધને એકલવાયું જીવવાનું શરૂ કરી દીધેલું. માંડ ચાર ચોપડી ભાણ્યો ત્યાં તો મીઠીમાએ તેને નિશાળમાંથી ઉઠાડી લીધો અને બેસાડ્યો લુહારની કોઢમાં. ગોરધનનું શરીર આવું કપરી મહેનતનું કામ કરી શકે તેવું ન હતું. પરંતુ મીઠીમા તેને પરાણે કોઢમાં બેસાડતાં. અને જો ગોરધન થાક લાગ્યો છે એવી ફરીયાદ કરે તો કાળઝાળ થઇ જતાં. તેમને મન તો પોતાનું પિંડદાન અને ચંપાના જવતલ હોમવા સિવાય ગોરધનનું બીજું કોઇ કામ જ ન હતું. આમ, બહું નાની ઉંમરે ગોરધન કોઢમાં લોઢાં ટીંપવા લાગેલો. લેખક નિશાળેથી છૂટી રમવા નીકળે ત્યારે ગોરધન કોઢમાં જ હોય. લેખક તેના તે કપરા કામને જોઇને હસતા ત્યારે ગોરધન કહેતો, ‘ભાણા ! આમ હીં હીં કર્યાં કરતાં ચલ ધમણ ખેચીં દેને.’ લેખક ધમણ ખેંચે અને ગોરધન ઘણ ઝીંકે. છેવટે થાકીને બન્ને એકબીજાની સામે જોયા કરતા. લેખક ત્યારે સાતમા ધોરણમાં ભણતા એટલે એમને એમ થતું કે મીઠીમા કદાચ ગોરધનને ઘી-દૂધ નહીં ખવડાવતાં હોય, તેથી જ એ વધારે તાકાત કરી શકતો નથી, પણ હકીકતમાં તેની પાવય(પાવૈયા)ની જાતિ જ તેનું મુખ્ય કારણ હતું.

ગોરધનની કોઢે ઘણાં લોકો આવતાં. તેમાં એક બાજુના રાથળી ગામના હાથીબાપુ પણ હતા. તે સ્વભાવે લબાડ અને ગામના ઉતાર જેવો માણસ હતો. કયારેક તો તે ખેડૂતોને પણ મારતો અને વેઠ કરવા ઉઠાવી જતો. એટલું જ નહીં તેના ગામમાં આવતા ભવાયાને પણ તેણે અડધી રાતે ઉચાળા ભરાવેલા. અતિશય કામી એવો હાથીબાપુ ભવાયાના ખેલમાં ગાનારી બનેલા ભવાયાને પણ છોડતાં નહીં. તેને ખબર હોય કે આ ભવાયો પુરુષ છે તો પણ તેને ખોળામાં બેસાડી અને તેના કપડાંનાં બનાવેલાં બનાવટી પયોધરોને અડપલાં કરતો. તેના આવા કૃત્યોથી ભવાયા અડધી રાતે ભાગી જતા. આ હાથીબાપુની નજર ગોરધનની બહેન ચંપા પર હતી. ગોરધન આ જણાવા છતાં ડરનો માર્યો તેને કશું કરી શકતો નહીં. અને બાપુને મન તો ગોરધન પવાયો હતો, એનાથી વળી શું ડરવાનું. એકવાર બાપુ ખૂબ પીધેલી હાલતમાં ખુલ્લી તલવારે ગોરધનની કોઢે આવ્યા અને નશામાં ધૂત તેમણે, ‘ક્યાં ગઇ ઓલી ચંપલી’ એવી બૂમ પાડી. જો એ સીધા ગોરધનના ફળિયા બાજુ ગયા હોત તો તો, ડામચિયા પાછળ સંતાયેલી ચંપાને હાથ પકડીને રમતવાતમાં ખેંચી જતા, પણ એ સીધા ગોરધન પાસે ગયા. લેખક પણ આ વખતે ગોરધનની સાથે હતા. તે પણ બાપુથી ડરી ગયેલાં. પણ ગોરધને ધ્રુજતાં ધ્રુજતાં છેવટે બળ કરીને ઘણ ઉપાડ્યો અને બોલ્યો ‘વયોજા તારી જાતના ટેંટા નહીંતર વધેડી નાંખીશ.’ બાપુ બોલ્યા, ‘અલ્યા તુ પાવૈયો થૈને મને ગાળ દે છે.’ છેવટે બાપુ લથડતા પગે ચાલ્યા ગયા.

આ બનાવ પછી ગોરધનની આબરૂ વધવાને બદલે ગામ લોકોએ તેને ઠપકો આપ્યો કે, તે હાથીબાપુ સામે હાથ ઉપાડ્યો. હવે એ તેને અને ગામ બન્નેને રંજાડશે. ગોરધન પણ આ વાતથી ડરતો. છેવટે ગોરધનની બીક સાચી પડી. એકવાર તે જંગલ જવા ગયો ત્યાંથી જ હાથીબાપુના માણસો તેને ઉપાડી ગયાં. મીઠીમાને ખબર પડી તો તેમણે સરપંચ, તલાટી અને પોલીસ પટેલ પાસે ઘણી આજીજી કરી પણ કોઇનું કંઇ ચાલ્યું નહીં છેવટે ચાર દિવસે ગોરધન પાછો આવ્યો. અને હાથીબાપુ જે ચંપા સાથે ન કરી શક્યા તે ગોરધન સાથે તેમણે કરેલું. લેખક ગોરધનની ખબર પૂછવા ગયેલા ત્યારે એ પડખાભેર ખાટલીમાં સૂતેલો. એ થોડું નીરસ હસ્યો અને બોલ્યો, ‘જો ભાણા ! જીવતો પાછો આવ્યો છું.’ લેખક તેનો કોમળ હાથ જે ઘણ પકડી પકડીને ગાંઠોવાળો બની ગયેલો તેને પોતાના હાથમાં લઇને પંપાળવા લાગ્યા.

અઠવાડિયા પછી ફરી એણે કોઢ ચાલુ કરી. લેખક પણ ત્યાં જઇ ઘમણ ખેંચવા લાગ્યાં અને પેલા પાવૈયા પણ આવતા જતા થવા માંડેલા. ગોરધને પણ બે જ વાત નક્કી કરેલી કે, આટલા દિ કામકાજ કરીને જે મૂડી બચી છે, તેનાથી ડોશીને જાત્રાએ મોકલીશ અને ચંપાના હાથ પીળા કરી દઇશ. પણ એક દિવસ તેની કાળી મજૂરીના પૈસા કોઇક તેની કોઢમાંથી ચોરી ગયું. ગોરધન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો. ઘણું સમજાવ્યા પછી તેને કળ વળી. છેવટે, બીજાં ત્રણ વરસ મથીશું એમ કહીને એણે ફરીવાર કોઢની કાળી મજૂરી શરૂ કરી દીધી. એસ.એસ.સી. પછી લેખક અમદાવાદ જવા નીકળ્યા ત્યારે છેલ્લીવાર તેઓ ગોરધનને મળ્યા હતા.એ ખૂબ ઉદાસ થઇ ગયેલો અને એણે ત્યારે છેલ્લીવાર જાણે લેખકની પીઠ થાબડેલી. ત્યારપછી લેખકને અવાર-નવાર ગામના પત્રો મળતા, પણ તેમાં ગોરધનની વાત ભાગ્યે જ હોય. હવે આજે બે વરસ પછી તેઓ ગામમાં પાછા આવ્યા છે. તેમણે મિત્ર જયંતીને પૂછ્યું, ‘ક્યાં ગ્યો ગોરધન?’ અને ખબર પડી કે,એ તો પાવય(પાવૈયો) બની ગયો છે. ડોશી જાત્રાએ દ્વારકા ગયેલાં ત્યાં જ દેવ થઇ ગયેલાં અને ચંપા પણ પરણીને સાસરે ગઇ.ત્યારપછી એકરાતે પેલા પાવૈયાઓ આવીને ગોરધનને લઇ ગયેલા. એની કોઢની વસ્તુઓ ગામ લોકો ચોરી ગયા. ઘર ખંડેર થઇ ગયું અને હવે તો તેમાં પડેલા ખાડાઓમાં માત્ર સાપ પડ્યા રહે છે. નીરાશ થયેલા લેખક છેવટે તેની ખંડેર ખડકીનું બારણું બંધ કરીને વાર્તાને પૂર્ણ કરે છે.

વાર્તાલેખકનું ઘણુંખરું જીવન ગોરધન પાવૈયા સાથે વીત્યું છે. વળી, એના જીવનમાં કેવી ઉતર-ચઢ થઇ તેના પણ તેઓ સાક્ષી રહ્યા છે. આ આખીયે વાસ્તવિક વાર્તાને જોતાં, વર્તમાન સમયમાં ચર્ચાસ્પદ બનેલા સમલૈંગિક સંબંધો અને સાહિત્યની ર્દષ્ટિએ કથયિતવ્ય તરીકે કેટલીક આવી બાબતો ફલિત થશે.

  1. (1) ગોરધનના પાત્રથી સ્પષ્ટ થાય છે કે, સમાજમાં પાવૈયાઓનાં પાત્રો હતાં. અને સમાજ તેને નહીં પુરુષ કે નહીં સ્ત્રી એવી હીન નજરે જોતો.
  2. (2) સમલૈંગિક સંબંધોની ર્દષ્ટિએ જોઇશું તો; હાથીબાપુ જેવા હવશખોરો ગોરધન જેવા પાવૈયાઓને પણ પોતાનો શિકાર બનાવતા. એટલે કે પાવૈયાઓ સાથેના આવા સમલૈંગિક સંબંધોને સમાજે આંખ આડા કાન કરીને પણ સ્વીકારી લીધા હતાં. જો કે એને સર્વસ્વીકૃતિ નહીં જ મળી હોય પણ બંધબારણે શરીરસુખ માટેના આવા વૈકલ્પિક સંબંધો પણ સમાજના કોઇ ખૂણે ચાલતા જ હતા.
  3. (3) સમાજમાં હાથીબાપુ જેવા લબાડ અને બદમાશ લોકોને વિજાતીય સ્ત્રીસુખ સરળતાથી નહીં મળતું હોય, ત્યારે જ પાવૈયા જેવા નબળા તનમનના માણસને બળજબરીથી પણ તાબે કરવાનું લોકોને કોઠે પડી ગયું હશે. અને એનાથી પણ આવા સમલૈંગિક સંબંધો સમાજના કોઇક એકાંત ખૂણે છાનીછૂપી રીતે ચાલતા હશે.
  4. (4) એક પુરુષ અને બીજા પુરુષની શારિરીક રચના સમાન હોવાથી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતા તેમના સમલૈંગિક સંબંધોને સ્વીકૃતી આપતી નથી. કેમ કે તેમાં ઇન્દ્રિયસામ્ય બાધારૂપ છે. તેમ છતાં આવા સમલૈંગિક સંબંધો એવું પણ સિદ્ધ કરે છે કે, ઇન્દ્રિયસામ્ય હોવા છતાં આવા પ્રકારનો સંબંધ પુરુષ-પુરુષમાં શક્ય બન્યો હતો.
  5. (5) સમલૈંગિક સંબંધોએ સમાજના કોઇક અજાણ્યા ખૂણે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હશે તો જ, લેખકશ્રી કિરીટ દૂધાત જેવા અને અન્ય સાહિત્યકારોને આ બાબતને સાહિત્યમાં મૂકવી અનિવાર્ય બની ગઇ હશે. અર્થાત୍ આવા પ્રકારના સંબંધો વિશે કોઇ જાહેર વિરોધ કે રોકટોક વિશેષ જોવા નહીં મળતા હોય. પરંતુ સમાજે બંધબારણે પણ આ સંબંધને નાછૂટકે સ્વીકાર્યો તો હશે જ.
પાદટીપ
  1. (1)‘સમલૈંગિક સમ્બન્ધ, સાહિત્ય અને સમાજ’ વિષયક એક દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદ,સી.બી.પટેલ આર્ટસ કોલેજ,,નડિયાદ,જિ.ખેડા,તા. 25 જાન્યુઆરી 2014
  2. (2) બાપાની પીંપર: લેખક; કિરીટ દૂધાત,પ્રકાશક;નવભારત સાહિત્ય મંદિર,જૈન દેરાસર પાસે,ગાંધી રોડ,અમદાવાદ,ડિસેમ્બર 1998

ડૉ. મહેશકુમાર એ. પટેલ
સરકારી વિનયન કૉલેજ,
મણિનગર,અમદાવાદ