Download this page in

વિશ્વસાહિત્યની ખ્યાત નાટ્યકૃતિ ‘મૅકબેથ’

વિલયમ શેક્સપિયરની વિશ્વ સાહિત્યમાં ખ્યાત અંગ્રેજી નાટ્યકૃતિ ‘મૅકબેથ’ (Macbeth) ફિલ્મ, સિરિયલ, ઓપેરા, નવલકથા, વાર્તા જેવા અનેક માધ્યમોમાં રજૂ થઈ છે. 2015માં બ્રિટીશ-ફ્રેન્ચ ફિલ્મએ શેક્સપિયરના ટ્રેજેડી નાટકો આધારિત ફિલ્મ બનાવવાની શરૂ કરી. એના દિગ્દર્શક હતા Justin Kurzel. ‘Macbeth’ નામથી જ આ ફિલ્મ બની છે. ફિલ્મ શરૂ થાય છે મૅકબેથ અને લૅડી મૅકબેથ એનું બાળક ગુમાવે એવી ક્ષણની કથાથી, જે કથા મૂળ નાટકમાં નથી. હિન્દી ફિલ્મ ‘મકબૂલ’માં આ જ બાળક સંદર્ભની ઘટનાને ફિલ્મના અંતમાં લઈને કરુણ પરિવર્તન આણતો અંત સર્જ્યો છે. આ ફિલ્મોએ મૂળ નાટકના કરુણને બાળકનો સંદર્ભ લાવી વધુ ઘેરો-ગહન અને સંવેદનશીલ બનાવ્યો છે. ફિલ્મ દિગ્દર્શકોનું નાટકની કથામાં આ ઘટનાતત્ત્વ સર્જનાત્મક ઉમેરણ છે. Len Fleckenstein નામના દિગ્દર્શકે Odell Parkમાં 2010-11માં આ સંપૂર્ણ નાટકનું મંચન કરાવ્યું છે. BBFC દ્વારા શૈક્ષણિક હેતુથી ‘મૅકબેથ’ પરથી Animated Tales બનાવવામાં આવી છે. ઓક્ટોબર 2013માં Globe Theatre દ્વારા Dale Neilના દિગ્દર્શન તળે અને નવેમ્બર 2013માં Dubai American Academy દ્વારા Padraig Downeyના દિગ્દર્શનમાં આ નાટકનું થિયેટરમાં મંચન થયેલું છે. આ ઉપરાંત ફિલ્મ, નાટક, વાર્તા સ્વરૂપે કહેવાયેલા સંક્ષિપ્ત સાર – Internetમાં ઉપલબ્ધ છે. આ બધામાં Globe Theatreનું નાટક જોવાની મજા આવી. પાત્રો, વેશભૂષા, રંગસજ્જા, સંગીત, પ્રકાશ વ્યવસ્થા અને સમગ્રતયા પ્રસ્તુતિ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે. અન્ય પ્રયોગો જે શેક્સપિયરના નાટકને સંપૂર્ણપણે ભજવવાના પ્રયાસરૂપ છે, એ પણ રસપ્રદ છે.

હિન્દીમાં વિશાલ ભારદ્વાજના દિગ્દર્શન હેઠળ ‘મૅકબેથ’ આધારિત ‘મકબૂલ’ ફિલ્મ 10 સપ્ટેમ્બર, 2003માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં અને 30 જાન્યુઆરી 2004ના રોજ ભારતમાં રીલીજ થઈ છે. ‘મકબૂલ’ ફિલ્મમાં ઇરફાન ખાન, તબુ, નસરૂદ્દીન શાહ, પંકજ કપૂર, ઓમ પુરીએ ‘મૅકબેથ’ નાટકના પાત્રગત લક્ષણોનું આધુનિક કથા રૂપાંતરણમાં પ્રતિનિધિત્વ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર ભૂમિકા નહોતી ભજવી શકી, પણ વિશાલ ભારદ્વાજે વિલિયમ શેક્સપિયરના નાટકો પરથી ફિલ્મ નિર્માણમાં આગળ ધપાવ્યું. 2006માં ‘Othello’ પરથી ‘ઓમકારા’ અને 2014માં ‘Hamlet’ પરથી ‘હૈદર’ ફિલ્મ બનાવી શેક્સપિયર ટ્રાયોલોજી સર્જી. આ ટ્રાયોલોજી ફિલ્મ આધુનિક ભારતીય સમસ્યાઓને આ નાટક નિમિત્તે પ્રસ્તુત કરે છે.

હિન્દી સાહિત્યમાં રાંગેય રાઘવે શેક્સપિયરના ‘હૅમલેટ’, ‘મર્ચન્ટ ઓફ વેનિસ’, ‘ઑથેલો’, ‘જૂલિયસ સિજર’, ‘મૅકબેથ’ જેવા નાટકોનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. મૂળે તો તમિલ ભાષી પણ એમની પ્રતિભા હિન્દી ભાષાને સમૃદ્ધ કરે છે. તિરુમલ્લે નમ્બાકમ વીર રાઘવ આચાર્ય એમનું નામ. રાંગેય રાધવે એ એમનું ઉપનામ છે. હિન્દી સાહિત્યની ઉપન્યાસ, વાર્તા, નિબંધ, નાટક, વિવેચન આદિ અનેક વિધાઓમાં એમનું પ્રદાન છે. તેઓ હિન્દી સાહિત્યના પ્રતિભાવંત સર્જક છે. તેઓને હિન્દીના શેક્સપિયર માનવામાં આવે છે. જો કે આ નાટક ભારતની લગભગ બધી ભાષાઓમાં અનુવાદિત થયું છે.

ગુજરાતી ભાષામાં ‘મૅકબેથ’ના અનુવાદ થયા છે. એક સમયે ભાવનગરની શામળદાસ કૉલેજમાં અધ્યાકપ રહેલા નરભેશંકર પ્રાણજીવન દવેએ (1871-1952) શેક્સપિયરના પાંચ નાટકોની અનુવાદ શ્રેણી આપી. જેમાંથી ‘વેનિસનો વેપારી’ (1911) અને ‘હેમ્લેટ’ (1917) બે કૃતિ મળી, પણ એમના અન્ય ત્રણ અનુવાદ વિશે જાણ મળી શકી નહીં. એવી જ રીતે એમ. ટી.બી. આર્ટ્સ કૉલેજ, સૂરતમાં અધ્યાપક રહી ચૂકેલા જયંત પટેલના ‘જુલિયસ સિઝર’, ‘રૉમિયો જુલિયેટ’, ‘ઓથેલો’, ‘વેનિસનો વેપારી’, ‘હેમ્લેટ’, ‘એઝ યુ લાઈક ઈટ’ અને ‘મૅકબેથ’ – જેવા નાટકોના અનુવાદ ધી પોપ્યુલર બુક સ્ટોર, સૂરતે પ્રકાશિત કર્યા છે. ચન્દ્રકાન્ત અમીને શેક્સપિયરના નાટકોને કથામાં રૂપાંતર કરી ‘શેક્સપિયર નાટ્યકથામાળા’ વસુંધરા પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરી છે, જેમાં ‘મૅકબેથ’ પણ છે. મનસુખલાલ ઝવેરીએ ‘હેમ્લેટ’, ‘ઓથેલો’ અને ‘કિંગ લિયર’ એ ત્રણ નાટકોના અનુવાદ આપ્યા છે. જે ગંગોત્રી ટ્રસ્ટ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયા છે. નાટ્યવિદ્યા વિભાગ, હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક રહી ચૂકેલા અને જાણીતા નાટ્યવિદ્દ જશવંત ઠાકરે ‘મૅકબેથ’ને વનવેલી છંદમાં પદ્યમાં અવતરિત કર્યું છે. શેક્સપિયરે પોતાના નાટકોમાં ફ્રી વર્સમાં પદ્યનાટકના પ્રયોગો કર્યા છે. જશવંત ઠાકરે કરેલો ગુજરાતીમાં આ મહત્ત્વપૂર્ણ પદ્યાનુવાદ છે. ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ઠાકુરના ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’, ‘માયાર ખેલા’, ‘વાલ્મિકીર પ્રતિભા’ આદિ ગીતિનાટ્ય આ સ્વરૂપના બેનમૂન ઉદાહરણ છે. એમાં રવીન્દ્ર સંગીતની પણ વિશેષ ભૂમિકા રહી છે. સંગીત, નાટક અને નૃત્યની ત્રણેય વિધાઓનો સમવાય એવું આ સ્વરૂપ મંચન માટે પડકારરૂપ છે. જો કે ગુજરાતી સાહિત્યને પદ્યનાટકના પ્રયોગો ખાસ અનુકૂળ આવ્યા નથી. ઉમાશંકર જોશી જેવા સર્જકોએ વનવેલી છંદમાં ‘મંથરા’ જેવું મંચનક્ષમ પદ્યનાટક આપ્યું છે. દુર્ગેશ શુક્લ, ઉશનસ્, હસમુખ બારાડી જેવા નાટ્ય સર્જકોએ આ સ્વરૂપમાં રચના કરી છે. પરંતુ અન્ય ભજવણીના સ્વરૂપોની તુલનાએ આપણે એના પ્રયોગોમાં બહુ ઝંપલાવ્યું નથી.

જશવંત ઠાકરે ‘મૅકબેથ’ની પ્રસ્તાવનામાં ‘મૅકબેથ’ના બે અન્ય અનુવાદોનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે: “‘મૅકબેથ’ પરથી તૈયાર થયેલાં બે નાટકો ગુજરાતીમાં છે: (1) નારાયણ વસનજી ઠક્કરે ‘માલવકેતુ અથવા માયા-પ્રભાવ’ નામનું નાટક ‘મૅકબેથ’ પરથી તૈયાર કર્યું – અનેક ફેરફાર સાથે (2) શ્રી આપાભાઈ પટેલે ‘તાંડવ નૃત્ય’ નામે રૂપાંતર પ્રગટ કર્યું છે તે બધી જ વાતે મૂળ પ્રમાણે પણ ગદ્ય નાટક છે.” આમ ‘મૅકબેથ’ના ગુજરાતીમાં ગદ્ય અને પદ્યમાં અનુવાદો થયા છે.

26 એપ્રિલ, 1564માં ઇંગ્લૅન્ડના સ્ટ્રેટફોર્ડ-ઑન-અવોનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ. જૉન શેક્સપિયર એમના પિતા અને મેરી ઑડેન માતા. ફ્રી ગ્રામર સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું. આર્થિક સ્થિતિ વિકટ હોવાથી ભણવાનું છોડી ધંધા માટે લંડન જવાનો નિર્ણય લીધો. લંડનના નાટ્યગૃહોમાં એમણે કામ અને અભિનય શરૂ કર્યો.

પ્રાચીન સુખાન્ત પ્રહસન નાટકોની શૈલીમાં એમણે કૉમેડી નાટકો લખ્યા. ‘ધી કૉમેડી ઓવ્ એરર્સ’ (The comedy of Errors) અને ‘ધી ટેમિંગ ઑફ ધી સૂ’(The Taming of the Shrew) સુખાન્ત પ્રહસન નાટકો છે. ‘લવ્સ લેબર્સ લૉસ્ટ’(Love’s Labour’s Lost) દરબારી સુખાન્ત નાટકશૈલી ધરાવે છે. ‘ધી ટુ જેન્ટલમેલ ઑવ્ વેરોના’ (The Two Gentlemen of Verona) સ્વછંદતાવાદી સુખાન્ત નાટક છે. ‘અ મિડ સમર નાઈટ્સ ડ્રીમ’ (A Midsummer Night’s Dream), ‘ધી મર્ચન્ટ ઑવ્ વેનિસ’ (The Merchant of Venice), ‘મચ અડો અબાઉટ નથિંગ’ (Much Ado About Nothing), ‘એઝ યૂ લાઇક ઇટ’ (As You Like It), ‘ટ્વેલ્વથ નાઇટ’ (Twelfth Night) જેવા શેક્સપિયરે ઉત્કૃષ્ટ સુખાન્ત નાટકોની રચના કરી છે. તેમજ હેનરીશ્રેણી - (Henry VI), (Henry IV Part I), (Henry IV Part II), (Henry V) ઉપરાંત ‘રીચર્ડ ત્રીજો’ (Richard III) જેવા ઐતિહાસિક નાટકો સફળ રચનાવિધાન ધરાવે છે.

શેક્સપિયરના વિશ્વપ્રસિદ્ધ ટ્રેજેડી નાટકો એમના જીવનની અને વિશ્વ સાહિત્યની અનન્ય ઉપલબ્ધિ છે. ‘હૅમલેટ’ (Hamlet), ‘ઓથેલો’ (Othello), ‘કિંગ લિયર’ (King Lear), ‘મૅકબેથ’ (Macbeth), ‘જૂલિયસ સિજર’ (Julius Caesar), ‘એન્ટોની એન્ડ ક્લિઓપેટ્રા’ (Antony and Cleopatra) આદિ કરુણસભર દુ:ખાન્ત નાટકોમાં માનવજીવન અને મનની ગંભીર ઘટનાઓને પ્રસ્તુત કરી છે. પોતાનો અપરાધ, મહાત્ત્વાકાંક્ષી ક્ષણો, પોતાની ત્રુટી સ્વયંની યાતના અને વિનાશનું કારણ બને છે, વ્યક્તિના મસ્તિષ્કમાં ઉઠતો આંતરિક સંઘર્ષ નાટકને કરુણ દુ:ખથી ભરી દે છે. શેક્સપિયરે માનવમનની નિર્બળતાની ક્ષણોને નાટકનું હાર્દ બનાવ્યું છે અને વિશ્વ સાહિત્યને ટ્રેજેડી નાટકોની અનન્ય ભેટ ધરી છે. બીજી તરફ ‘રૉમિયો એન્ડ જૂલિયેટ’(Romeo and Juliet) જેવા પ્રેમકાવ્ય સમા નાટકની રચના પણ એમણે કરી છે.

શેક્સપિયરના નાટકોમાં ગદ્ય પ્રયોગ હોવા છતાં એમાં સતત કાવ્યાત્મકતાનો પ્રવાહ ઝરે છે. નાટકોમાં ઘણો ભાગ કાવ્યમાં છંદોબદ્ધ બની આવે છે. સંગીત અને નૃત્યનો લય એમાં જળવાઈ રહે છે. મૂળત: એમના નાટકો કાવ્યનાટ્ય-પદ્યનાટક કે રવીન્દ્રનાથ ઠાકુર જેને ગીતિનાટ્ય કહે છે તે શૈલી ધરાવે છે.

‘The Tragedy of Macbeth’ નામે મૂળ શીર્ષકથી પ્રકાશિત થયેલું ‘મૅકબેથ’ પાંચ અંકનું ટ્રેજેડી નાટક છે. રચનાકાળ વિશે મતભેદ પ્રમાણે 1605-6માં એનું પ્રથમ મંચન થયું અને શેક્સપિયરના મૃત્યુ (23 એપ્રિલ, 1616) પછી 1623માં એ ગ્રંથરૂપે પ્રકાશિત થયું. આ નાટકની પટકથાનો આધાર વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક રાફેલ હોલિન્શેડની સ્કૉટલૅન્ડના ઇતિહાસ સંબંધી કૃતિ છે. રાંગેય રાઘવે આ નાટકના અનુવાદ ગ્રંથની ભૂમિકામાં આના ઇતિહાસ વિશે સંદર્ભ આપતા લખ્યું છે, “ ‘મૅકબેથ’માં જે ઘટનાઓનું વર્ણન છે એને પૂર્ણપણે ઐતિહાસિક અથવા કાલ્પનિક માની લેવું પણ યોગ્ય નહીં ગણાય. ‘કૉનસાઇજ ડિક્શનરી ઑફ નેશનલ બાયોગ્રાફી’માં ‘મૅકબેથ’ વિશે લખ્યું છે કે- “મૅકબેથ (મૃ. 1057) સ્કૉટલૅન્ડનો બાદશાહ; સ્કૉટલૅન્ડના રાજા ડંકનની ફોજનો કમાન્ડર તથા 1040માં એમની હત્યા કરી પોતાનો અધિકાર જમાવનાર, જેને નૉર્થમ્બ્રિયાના અર્લ સિવાર્ડએ 1054માં હરાવ્યો તથા 1057માં મૅલકૉમ ત્રીજાએ મારી નાખ્યો.”

‘મૅકબેથ’ વિશે ઇતિહાસમાં વધુ સ્પષ્ટ ઉલ્લેખ ન મળવાના કારણે શેક્સપિયરે હોલિન્શેડ દ્વારા કથિત મૅકબેથના કથા-તત્ત્વને પોતાના મનોનુકૂળ ઢાળવામાં પૂરી સ્વતંત્રતાથી કામ લીધું. એમનો ઉદ્દેશ્ય જેટલો એક દુ:ખાન્ત નાટક લખવાનો હતો એટલો ઐતિહાસિક નાટક લખવાનો નહોતો. પોતાની અપ્રતિમ પ્રતિભાથી પાત્રોનું ચયન કરી, એને નવ્ય સાજ-સજ્જામાં પ્રસ્તુત કરી, તથા ઘટનાઓનું પ્રભાવોત્પાદક વર્ગીકરણ કરીને, શેક્સપિયર મુખ્ય ઐતિહાસિક ઘટના કરતા વધુ પોતાની આ કૃતિમાં રોચકતા ઉત્પન્ન કરવામાં સફળ બન્યા છે.”

ડાકણોની ભવિષ્યવાણીથી લઈ ડંકનની હત્યા સુધીની કથા પ્રથમ અંકના સાત દૃશ્યોમાં આલેખાયેલી છે. પહેલા અંકના પ્રથમ દૃશ્યમાં નિર્જન અરણ્ય છે, વાદળાના ગડગડાટ અને વીજળીના ઝબકારા વચ્ચે ત્રણ ડાકણ બહેનો યુદ્ધ અને મૅકબેથની વાત કરી ભયનું એક વાતાવરણ ઊભું કરી જાય છે. બીજું દૃશ્ય છે યુદ્ધ છાવણીનું. સમ્રાટ ડંકન, એના બે પુત્ર મૅલકૉમ અને ડોનલબેન ઉપરાંત લેનોક્સ અને અન્ય અનુચરો મંચ પર છે. એક સાર્જન્ટ યુદ્ધના સમાચાર લઈને આવે છે અને મૅકબેથના યુદ્ધકૌશલ્યની કથા સંભળાવે છે. તેના પછી રૉસનો પ્રવેશ છે. એ પણ યુદ્ધક્ષેત્રની સ્થિતિ અને એની સામે મૅકબેથની વીરતાનું વર્ણન કરે છે. ત્રીજા દૃશ્યમાં ડાકણોનો મૅકબેથ અને બેન્કો સાથે સંવાદ છે. અહીં ડાકણો ભવિષ્યવાણી કરે છે કે, મૅકબેથ સમ્રાટ બનશે. સાથે-સાથે બેન્કો માટે પણ ડાકણો ભવિષ્યવાણી કરે છે કે, એ સમ્રાટનો પિતા બનશે. મૅકબેથ આ સમયે તો માત્ર ગ્લેમિસનો થેઈન જ છે. ડાકણો એના મનમાં સમ્રાટ બનવાનું સપનુ નાખી દે છે. ચોથા દૃશ્યમાં સમ્રાટ ડંકન યુદ્ધમાં મૅકબેથની વીરતા વિશે સાંભળેલી પ્રશંસાથી ખૂશ થઈ મૅકબેથને કાઉડોરનો થેઈન ઘોષિત કરી એ ઉત્સવ ઉજવવા ગ્લેમિસ જવાનું કહી દે છે. આખો રસાલો ગ્લેમિસ ઉપડે એ સાથે આ દૃશ્ય રચાય છે. પાંચમું દૃશ્ય છે મૅકબેથના મહેલનું, જ્યાં જવા રસાલો ઉપડ્યો છે. અહીં એક મહત્ત્વનું પાત્ર ઉમેરાય છે- મૅકબેથની પત્ની લેડી મૅકબેથ. મૅકબેથે મોકલેલો પત્ર એ વાંચી રહી છે અને એક દૂત દ્વારા ડંકન સમેત બધા આવી રહ્યાના સમાચાર એને મળે છે. મૅકબેથની સાથે લેડી મૅકબેથ પણ મહાત્ત્વાકાંક્ષી સ્ત્રી છે. ડંકનને મારી મૅકબેથ સમ્રાટ બને એ આખી યોજના એના મગજમાં ખતરનાક રૂપે ઘડાય છે. રામાયણમાં જેમ મંથરા કૈકેયીને બે વરદાન માગવા ઉશ્કેરે છે અને સરળ કૈકેયીને રામાયણનું ખલપાત્ર બનાવી દે છે એમ અહીં લેડી મૅકબેથનું પાત્ર એવી કોઈ ભૂમિકા ધરાવે છે. એ મૅકબેથને તૈયાર કરે છે ડંકનની હત્યા માટે. છઠ્ઠા દૃશ્યમાં સૌનું આગમન, સ્વાગત અને પ્રશંસા ચાલે છે. સાતમાં દૃશ્યમાં ડંકનની હત્યાનું ષડ્યંત્ર ભજવાય છે. ભોજન પછી શયનકક્ષમાં સૂતેલા ડંકનની કટારથી મૅકબેથ હત્યા કરે છે, એ પણ અસંમજસ સ્થિતિમાં. પાપ કરવાનો ડર પણ એમાં છૂપાયેલો છે. ભયના ઓથાર તળે જાણે અર્ધજાગૃત અવસ્થામાં એ હત્યા કરે છે એ સાથે જ એનામાં ડર-ભયનું તત્ત્વ પગ પેસારો કરે છે. એના વીરતા ભરેલા હૃદયમાં કપટ, દગાબાજી અને ભય સ્થાન લેવા લાગે છે. ડંકનના મૃત્યુ સાથે નાટક એક વિચિત્ર વળાંક લે છે મૅકબેથની ભયની ગ્રંથીને જકડવાનો.

બીજા અંકમાં ચાર દૃશ્ય છે. ડંકનના મૃત્યુ પછી એના બે પુત્રો મૅલકૉમ અને ડોનલબેન ષડ્યંત્રોના ડરથી ભાગી જાય છે. એક ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડ જતો રહે છે. ડંકનની હત્યાના આરોપો પહેરેદારો પર આવે છે તેમજ બીજી તરફ આ બે પુત્રો તરફ પણ આશંકા સેવાય છે. સમ્રાટની હત્યા પછી ફેલાયેલું વાતાવરણ અને લોકોમાં ફેલાયેલા ભયનું વાતાવરણ છે. હત્યા કરી પાપના ભયના ઓથાર તળે નશામાં બબડતા મૅકબેથની કરુણ સ્થિતિ આ અંકમાં ભયાનકતા તરફ આગળ વધતા એક વાતાવરણનું નિર્માણ કરે છે. બીજી તરફ ડાકણની ભવિષ્યવાણી પ્રમાણે મૅકબેથના રાજ્યાભિષેકની તૈયારી થાય છે.

ત્રીજા અંકમાં છ દૃશ્યો છે. મૅકબેથ સમ્રાટ તો બની ગયો પણ બેન્કોથી એ ડરે છે. બેન્કો રાજનિષ્ઠ વ્યક્તિ છે અને એને જોઈ મૅકબેથના હૃદયમાં ગભરાટ વધી જાય છે. એક બીજી વાત પણ એને પજવે છે કે, ડાકણોએ ભવિષ્યવાણી એમ પણ કર હતી કે, બેન્કો સમ્રાટનો પિતા બનશે. અર્થાત્ બેન્કોનો પુત્ર સમ્રાટ બનવાનો, પોતાના સંતાનો રાજગાદી મેળવી નહીં શકે. પોતે ડંકનની હત્યા કરી અને આ પાપ વહોર્યું ને પોતાની જીવનભરની ઊંઘ, સુખ-શાંતિ ગુમાવી. હવે એના પુત્રોની જગ્યાએ બેન્કોનો પુત્ર સમ્રાટ બને એ એના માટે સહ્ય નહોતું. એ ભોજન સમારંભનું નિમિત્ત ગોઠવી, બે હત્યારા બોલાવી બેન્કો અને એના પુત્ર ફ્લીન્સનું હત્યાનું ષડ્યંત્ર ગોઠવે છે. બેન્કોની હત્યા થાય છે પણ એનો પુત્ર છટકી જાય છે. આ પછી મૅકબેથનું માનસ અતિ ભયની જાળમાં ભ્રમણાઓમાં ફસાય છે. એને બેન્કોનું ભૂત દેખાવા લાગે છે. ભોજનસમારંભમાં અતિથિઓ વચ્ચે જ એનો ભય જાહેરમાં એના કાબૂ બહાર જતો રહે છે. ભય એના પર કબજો જમાવે છે અને એના માનસિક અસંતુલનનો સમય શરૂ થાય છે. અહીં એના ષડ્યંત્રના રહસ્યો ખૂલવાની શક્યતા આવી જોય છે પણ લેડી મૅકબેથ બધું સંભાળી લે છે.

પેલી ત્રણ ડાકણોની પણ સરદાર એવી એક મોટી ડાકણ છે હિકેટ. ચોથા દૃશ્યમાં એનો અને ત્રણ ડાકણોનો આ બધી ઘટના સંદર્ભ સંવાદ છે. એમના માટે તો આ એક ખેલ માત્ર છે. ને હવે એ બધી મળી, માયાથી ભૂત-પિશાચ બોલાવી એવી રમત રમવા ઈચ્છે છે કે, મૅકબેથ પોતાના નસીબ પીટવા લાગે, ડરની સીમા પાર કરી પોતાની મહાત્ત્વાકાંક્ષાઓ માટે ખતરનાક બની જાય. આ અંકના અંતિમ- છઠ્ઠા દૃશ્યમાં આ નાટકની કથા સામા છેડાની, બીજી સ્થિતિ તરફ વળાંક લે છે. લેનોક્સ અને એક સરદારની વાતચીતમાં, સમ્રાટ ડંકનના મૃત્યુ પછી પલાયન થઈ ઇંગ્લૅન્ડમાં શરણ લેનાર એમનો પુત્ર મૅલકૉમની કથા હવે કેન્દ્રમાં આવવા લાગે છે. ઇંગ્લૅન્ડના સહૃદય સમ્રાટે આવી દુર્દશામાં ગયા હોવા છતાં એક રાજકુમારની માફક એમનું સ્વાગત કર્યું છે અને યુદ્ધમાં એની સહાયતા કરવા તૈયાર છે. એ સાથે મૅકડફ પણ રાજ્ય છોડી મૅલકૉમ સાથે ઇંગ્લૅન્ડ જઈ મળે છે. અહીં નાટકની કથા એક રસપ્રદ વળાંક લે છે. નાટકના પૂર્વાર્ધમાં મૅકબેથ માટે સાહજિક રીતે અનુકૂળ પરિસ્થિતિ અને એની સફળતાનો સમય છે; જ્યારે નાટકના ઉત્તરાર્ધમાં ચોતરફ વિષમતાઓ એને ઘેરી વળે છે. એક તરફ વિરોધ અને વિદ્રોહનો જૂવાળ અને બીજી તરફ પોતાની અંદર ઊંડા મૂળ નાંખી એને પોતાના સકંજામાં જકડતો ડર – મળીને મૅકબેથની કરુણ સ્થિતિનું વાતાવરણ રચે છે.

ચોથા અંકમાં ત્રણ દૃશ્યો છે. પ્રથમ દૃશ્યમાં ડાકણો માયાથી ભૂત-પિશાચ બોલાવે છે, મૅકબેથ તીવ્રતાપૂર્વક પોતાનું ભવિષ્ય જાણવા મથે છે. એમાં એની સામે કેટલીક વાત આવે છે કે, જ્યારે બરનમનું વન સામે ચાલીને આવશે અને ડન્સીનેન સાથે ટકરાશે ત્યારે એનું મૃત્યુ થશે અને કોઈ સ્ત્રીના પેટે જન્મેલો વ્યક્તિ એને મારી નહીં શકે. મૅકબેથને થાય છે કે, જમીન સાથે જડાયેલો વૃક્ષો ક્યારેય સ્વયં ચાલીને આવવાના નથી, એટલે હવે એને મૅકડફ કે કોઈનાથીયે ડરવાની જરૂર નથી. એ મૅકડફની પત્ની અને એના બાળકોની હત્યા કરાવી નાખે છે અને જે કોઈ પોતાની સામે વિદ્રોહ કરતો લાગે કે એવી આશંકા જાય એ સૌને મોતને ઘાટ ઉતારવા લાગે છે. આ બધી હત્યાઓથી એ પોતાની ફરતે ભરડો લઈ ગયેલા ડરના જાળા તોડવા મથે છે, પણ એ જેટલો એમાંથી બહાર આવવા મથે એટલો જ ઊંડો ઉતરતો જાય છે. તો બીજી તરફ મૅકડફ મૅલકૉમને મળી મૅકબેથના અત્યાચારોથી ત્રસ્ત પ્રજાની સ્થિતિની વાત કરે છે. ઇંગ્લૅન્ડનું એક હજાર સૈન્ય અને સેનાપતિ સિવાર્ડની સહાયતા સાથે તેઓ યુદ્ધની તૈયારી કરે છે.

પાંચમાં – અંતિમ અંકમાં આઠ દૃશ્યો છે. પ્રારંભમાં એક ડૉક્ટર અને દાસી નિમિત્તે લેડી મૅકબેથની અતિ દયનીય માનસિક સ્થિતિ પ્રગટે છે. પોતાના હાથ પર લાગેલા પાપી ડાઘને કાઢવા એ જે રીતે મથે છે, અજાગૃતપણે ડંકનની હત્યા વિષેનો એ બબડાટ, એને સતત પીડતી લોહીની દુર્ગંધ, એક અપરાધ મનુષ્યના મસ્તિષ્કને કેવી ભયાનક સ્થિતિમાં લઈ જઈ ગાંડા બનાવી મૂકે છે એનું અતિ કરુણાજનક દૃશ્ય ભજવાય છે. લેડી મૅકબેથના ભયાનક અંતકાળને પ્રસ્તુત કરતું આ પ્રથમ દૃશ્ય નાટકને કરુણતામાં ઘેરી લે છે.

મૅકબેથ પણ માનસની સમતુલા જાળવી શકતો નથી. એ પણ આ દુ:ખમાંથી છૂટવા તડફડે છે. લેડી મૅકબેથ અને પોતાની માનસિક વ્યથાથી એ સમજી ચૂક્યો છે કે, હવે એ ઈચ્છે તો પણ પાછો ફરી શકે એમ નથી. અપરાધો અને અત્યાચાર કરવામાં એ એટલો આગળ નિકળી ગયો છે અને પોતાનું હૃદય જ આ અપરાધથી પોતાની જાતને જ પીડી રહ્યું છે. નાટકના પ્રારંભનો મૅકબેથ જે શત્રુ સેનાની સામે હિમંતપૂર્વક વીરતાથી લડે છે, એ વીર યોદ્ધાના હૃદયમાં હિમંતનું સ્થાન ભયે જમાવી લીધું છે. એનું મસ્તિષ્ક ભયના ઓથારથી તડફડે છે. અહીં સુધી આવતા મૅકબેથની સ્થિતિ અતિ કરુણાજનક બનતી જાય છે.

મૅલકૉમ, મૅકડફ અને લેનોક્સ, રૉસ, સેનાપતિ સિવાર્ડ અને એનો યુવાન પુત્ર ઉપરાંત અન્ય સરદારો મળી ડન્સીનેન તરફ આગળ ધપી રહ્યાં છે. બરનમના વૃક્ષોના ડાળખા કાપી, આગળ રાખી, સૈન્ય આગળ વધે એવી યુદ્ધની વ્યૂહરચના સેનાપતિ સિવાર્ડે કરી છે; જેથી શત્રુને પોતાના સૈન્યબળનો ખ્યાલ ન આવે. આ રચના એવી છે જાણે આખું બરનમ વન ડન્સીનેન તરફ ચડી આવી રહ્યું છે. મૅકબેથનો મૃત્યુનો એક સંકેત આ પણ હતો કે બરનમ વન ડન્સીનેન તરફ આવશે. આ સમાચાર સાથે મૅકબેથને લેડી મૅકબેથના મૃત્યુના સમાચાર પણ મળે છે અને એ સંપૂર્ણપણે ડગી જાય છે, હિમંત હારી જાય છે. પોતાના પ્રલયને, જીવનના અંતકાળને સમજી જાય છે. ચારેય તરફથી ઘેરાઈ ચૂક્યો છે, ભાગી છૂટવાની પણ કોઈ શક્યતા નથી ને છેવટે મૅકબેથ મરણિયો થઈ જાય છે.

રણ-દુન્દુભિ સાથે યુદ્ધ શરૂ થઈ જાય, યુવાન સિવાર્ડ સામે મૅકબેથ લડે અને એને મારે ત્યારે મહાભારતના અભિમન્યુ ચક્રવ્યૂહનું સ્મરણ થઈ આવે. વીરતાપૂર્વક યુવાન સિવાર્ડ લડે છે અને વીરગતિ પામે છે. મૅકબેથ અને મૅકડફ વચ્ચે યુદ્ધ એક રીતે આ નાટકનો અંતિમ અધ્યાય છે. મૅકબેથને હજી એક ભવિષ્યવાણીના બળે લડી રહ્યો છે કે, એને કોઈ સ્ત્રીથી જન્મેલો વ્યક્તિ મારી નહીં શકે, પણ મૅકડફ એક ક્ષણમાં એનો તોડ કાઢે છે. મૅકડફને અધૂરા મહિને એની માતાના ગર્ભને ચીરીને લેવામાં આવ્યો હતો. એ એની માતાથી પ્રાકૃતિક રીતે જન્મ પામ્યો નહોતો. મૅકડફની આ વાત સાંભળતા જ મૅકબેથ છેલ્લી બચેલી થોડીઘણી હિંમત પણ સાવ હારી જાય છે. મૅકડફ એને આત્મસમર્પણની એક તક આપવા તૈયાર થાય છે, પરંતુ મૅકબેથ છેલ્લા શ્વાસ સુધી લડે છે. મૅલકૉમ સમ્રાટ બને અને એક સુશાસન સ્થપાય એવા વાતાવરણ સાથે નાટકનો અંત આવે છે. આ નાટક મહાત્ત્વાકાંક્ષી શાસકોની માનસિકતા, મહાત્વાકાંક્ષા, અપરાધભાવને પ્રગટાવે છે.

સંદર્ભ::
1. Macbeth, William Shakespeare, Create space independent Pub., 2018
2. મૅકબેથ, હિન્દી અનુવાદ - રાંગેય રાઘવ, પ્રકાશક - રાજપાલ એન્ડ સન્સ, આ.વર્ષ- 2015
3. Macbeth - A Critical Evaluation, Dr. S. Sen, Unique Publishers (I) Pvt. Ltd. – New Delhi, 2018
4. શેક્સપિયર, લે. સંતપ્રસાદ ભટ્ટ, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ- અમદાવાદ આ.વ. 1997

રાજેશ્વરી પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.