નારી જાગૃતિઃ પરંપરાગત સમાજ પર પડેલી અસરો

More on Portrayal of Women in Social World

વિશ્વની કોઇપણ સંસ્કૃતિ કે સમાજના વિકાસમાં સ્ત્રીનું સ્થાન મહત્વનું રહ્યું છે. એક હાથે તાળી પડી શકે નહીં. સ્ત્રીની સ્થિતિ અને દરજજાનું નિરીક્ષણ કરવાથી જ સામાજિક સ્તરનો ખ્યાલ આવી જતો હોય છે. આ રીતે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વનું છે. ઋગ્વેદકાળમાં પ્રાચીનકાળમાં વિદુષી મહિલાઓ અને જ્ઞાની મહિલાઓનું સામાજિક સ્થાન મહત્વનું હતું. આજે ઇન્ફમેંશન ટેક્નોલોજી અને કોર્પોરેટ સેક્ટરના જમાનામાં સમાજકારણ, રાજકારણ કે ઔધોગિક એમ દરેક ટોચના સ્થાને મહિલાઓનું મહત્વ અને દરજજો સ્વીકારાયો જ છે. અલબત્ત, પુરૂષોના આધિપત્યવાળા સમાજમાં સ્વતંત્ર વ્યક્તિના નિખાર સાથે મજબૂતીથી બહાર આવવા, આગળ આવવામાં મહિલાઓએ ભારે સંઘર્ષ ખેલવો પડતો હોય છે. સિક્કાની બીજી બાજુ મહિલાઓમાં નિરક્ષરતાનું પ્રમાણ વધું છે. મહિલાઓમાં અક્ષરજ્ઞાન વધે, સાક્ષરતા વધે, એ માટેના પ્રયાસો સામૂહિક રીતે હાથ ધરવા જોઇએ.
૧. કુંવારી રહી જતી આધુનિક નારીના જિંદગીના રંગઃ
ભારત સહિત વિશ્વભરના મોટા ભાગના દેશોએ જિંદગીને પોતાની સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર સ્વીકારેલ છે. આપણા દેશનો ભૂતકાળ એ રહ્યો છે.કે સ્ત્રીએ પુરુષના આધિપત્ય હેઠળ જ જીવવાનું પણ વેદોમાં તો એટલે સુધી કહેવાયું છે કે સ્ત્રીએ બાળવયમાં પિતાની, યુવાવયમાં પતિની અને વૃધ્ધવયે પુત્રની આજ્ઞામાં રહેવું. આ ક્યાંનો નિયમ છે? તેમ છતાં આજની આધુનિક નારીએ, નવા શિખરો સર કરીને સ્વસ્થપણે જાગૃત રહીને સમાજને સમજાવ્યું છે કે સ્ત્રીને પણ જીંદગી તેની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે.
આપણા સમાજની મુક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતીઓ કહે છે કે અમારૂ કાર્યક્ષેત્ર અને જીવનદ્રષ્ટિ એવી છે કે અમારી લાઇફ સ્ટાઇલને અનુરૂપ અમારા જીવનસાથીએ જીવવું પડે તેમ છે જે આજના પુરૂષપ્રધાન સમાજમાં શક્ય નથી.  મોટેભાગે પત્નીને પતિ તથા ઘરનાની અનુકૂળતા પ્રમાણે જ તેનું જીવન એડજસ્ટ કરવું પડતું હોય છે. કારકિર્દી અને જુદા જુદા ક્ષેત્રોમાં નવા નવા દ્વાર ખૂલ્યાં હોઇ તેમજ મહિલાઓમાં પુરૂષો જેવો જ આત્મવિશ્વાસ કેળવાયો છે તેથી શહેરોની મહિલાઓમાં અપરણિત રહી જીવન જીવવાનો ટ્રેન્ડ વધતો જાય છે. આવી યુવતીઓને તેઓ માટે કુંવારી કે અનમેરીડ છે તેવો નહીં પણ "સીંગલ વુમન" શબ્દ વપરાયતો ગમે છે.
૨. સિંગલ વિમેન ઉર્ફે વર્કિંગ વિમેનઃ
યહી હૈ રાઇટ ચોઇસ ઉર્ફે જીને કી આઝાદી..... સ્વતંત્ર વિચારસરણી ધરાવતી નવા યુગની નારી પોતાની જીંદગી પોતાની રીતે જીવવા માંગે છે અને જીવે પણ છે. એમાં ખોટું શું છે? પણ સમાજનો બહુમતી વર્ગ આવી એકલવાયી નારીના લઘુમતી વર્ગ તરફ કોઇ જુદો જ દ્રષ્ટિકોણ રાખે છે. પરિવર્તન હંમેશા ધીમી ગતિનું અને સમય માગી લેનારુ હોય છે. વીસમી સદીના ઉત્તરાર્ધથી લગભગ દેશમાં સિંગલ વુમન-વર્કિંગ વુમનનો ખ્યાલ વહેતો થયો એમ કહી શકાય. સિંગલ વુમન કન્સેપ્ટ પાછળ શિક્ષણનો વ્યાપ્ત અને રોજગારીની વિપુલ તકો મુખ્ય ભૂમિકા ભજવે છે. આજે ૨૧ મી સદીમાં ગ્લોબલાઇઝેશન અને મલ્ટિનેશનલ કંપનીઓનું વિસ્તરણ સમાજ જીવનના પ્રવાહોને બદલી રહ્યું છે.
૩. આજની જાગૃત નારી- લગ્ન માટે જન્માક્ષર નહીં, પરંતુ બ્લડ રિપોર્ટ માંગે છે. :
એકવીસમી સદીની સ્ત્રીઓ અંગે આજકાલની વાત કરીએતો, તેના અઘિકારો વિષે ઘણી બધી બાબતોમાં જાગૃત થઇ છે. પોતાના વિચારો, અભિવ્યકિત બાબતે સ્વયં સ્પષ્ટ અને નિખાલસ બની છે. હજુ હમણાં સુધી લગ્ન કરવાની બાબતમાં પણ દીકરીને ગાય દોરે ત્યાં જાય! એવો ઘાટ હતો. પરંતુ આ બાબતમાં એક પ્રકારનું ઉલ્લેખનીય ચોક્કસ પરિવર્તન આવ્યું છે. જે મા-બાપ નિર્દેશ કરે તે છોકરો ના ગમતો હોય તો છોકરી તેની સ્પષ્ટ "ના" કરી શકે એવી ઉમદા હિંમત તેણે કેળવી છે. કોઇ છોકરા સાથે આખી જિંદગી ફાવશે કે નહીં, તેનો નિર્ણય થોડી ક્ષણોમાંતો કઇ રીતે લઇ શકાય? પણ હવે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ અને સ્વનિર્ણયશક્તિના ગુણ સોળે કળાએ ખીલ્યા છે. આજકાલની નારી લગ્ન માટેનો નિર્ણય જાહેર કરતાં જરાપણ ખચકાતી નથી, એટલુંજ નહીં, પણ નારી જાગૃતતાના ભાગરૂપે યુવતીઓ લગ્ન કરતાં પહેલાં જન્માક્ષર નહીં પણ છોકરાના બ્લડ રિપોર્ટ પહેલાં માંગતી થઇ છે અને પછી જ આવા સબંધમાં આગળ વધવા માંગે છે.
શાદી? ઔર તુમ સે? કભી નહી!- જે લગ્નોત્સુક યુવક ન ગમતો હોય તેને આવું હિંમતભેર કહી શકે એ યુવતી જ જિંદગીની બાજી જીતી શકે. નહીં તો પડ્યું પાનું નિભાવી લેવાનો વારો આવે. લગ્નએ કોઇ ઢીંગલા-ઢીંગલીની રમત નથી જયારે મન થયું જોડાઇ ગયાં અને જયારે મન ભરાઇ ગયું છૂટાં પડી ગયાં.
જેમ અનેક બાબતોમાં ભારતીય સમાજ આજકાલ દિશાભ્રમિત છે તેમ આજની આધુનિક નારીના માનસમાં પણ પોતાની કારકિર્દી પછીનો કોઇ સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે કે યોગ્ય લગ્ન - લગ્ન પહેલાં, યુવતીના મનમાં આ પવિત્ર સબંધ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ, પરિપક્વતા હોવી જ જોઇએ, આજકાલ ફેસબુક, ઇન્ટરનેટ, ચેટીંગના જમાનામાં યુવાનો "ચટ મંગની પટ બ્યાહ"ની જેમ યુવાનીના આવેગમાં સામેના પાત્રને બરાબર સમજયા વગરજ ફટાફટ લગ્નની ગોઠવણ કરી લે છે. થોડા સમયમાં જ સામસામા પક્ષની મર્યાદાઓ ધ્યાનમાં આવતાં જ લગ્ન ગૃહસ્થાશ્રમન રહેતાં સર્કસ બની જાય છે અને લગ્નેતર સબંધોના વિષવમળો આવા કુટુંબને બરબાદ કરી મૂકે છે. જો આમ લગ્નસબંધ તૂટવાથી વ્યકિતગત અને કુટુંબની બરબાદી સાથે જીવનની પહેલી પાઠશાળા વેરવિખેર થઇ જાય છે- જેની સામાજીક જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે.
૪. લીવ ઇન રિલેશનશીપઃ
વર્તમાન સમયમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીનું વળગણ તથા વ્યાપ્ત વધી ગયા છે જેથી સમાજમાં અવશ્ય ક્રાન્તિ આવી છે. પશ્વિમના દેશોમાં વ્યાપક જોવા મળતી લગ્ન કર્યા વિના જ સાથે રહેવાની જીવનપ્રણાલી ભારતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષેોથી જોવા મળે જ છે. નોકરીયાત અથવા ર્આિથક રીતે પગભર આધુનિક યુવતી લગ્નબંધનમાં જકડાઇ જવાનું પસંદ કરતાં નથી તેઓ જવાબદારીઓથી મુક્ત જીવન જીવવા માટે "લીવ ઇન રિલેશનશીપ" અર્થાત્ લગ્ન કર્યા વિના સાથે રહેવાની દાંપત્યજીવનશૈલી અપનાવવા આગળ આવવા લાગી છે. આ વ્યવસ્થા જો ભારતીય સમાજમાં પ્રચલિત થવા લાગીતો માનવજીવન તથા સામાજિક વ્યવસ્થા માટે ખૂબ ભયજનક પરિસ્થિતિ ઉભી કરશે. લીવ ઇન રિલેશનશીપ અપનાવનાર સંતાનની જવાબદારીથી પણ દૂર રહેશે, જેથી આ સંજોગોમાં આધેડવયે જીવનમાં ખાલીપો પણ લાવી શકે છે.
૫. ન્યૂ લાઇફ સ્ટાઇલનો ન્યૂ મંત્ર- ઢળતી ઉંમરે લગ્નને મોડાં સંતાનોઃ
આપણે ત્યાં શિક્ષિત કે અશિક્ષિત બંન્ને સમાજમાં યુવક-યુવતીઓનાં લગ્ન કરાવી દેવાની વિધિ પ્રચલિત છે. આધુનિક સમાજની વિડંબના એ છે કે યુવક-યુવતીઓનો એક એવો વર્ગ ઉભો થઇ રહ્યો છે કે જે યૌવનની ઢળતી ઉંમરે લગ્ન કરવા માંગે છે અને મોડાં સંતાનો ઇચ્છે છે, જે ને બર્થ કંટ્રોલનો પણ એક અંશ કહી શકાય. મૂળ વાત એ છે કે શિક્ષણ અને ટેક્નોલોજીના વધેલા વ્યાપ સાથે આજની આધુનિક નારી લગ્ન કરવા માટે જીવનસાથીની પસંદગી માટે કાચબાગતિએ આગળ વધી રહી છે.
સ્ત્રી રોગ નિષ્ણાતોના મતે ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના આદર્શ ગાળામાં માતૃત્વ નહી પામતી સ્ત્રી ગમે ત્યારે અથવા મોટી ઉંમરે સંતાન પામીને પોતાના જીવનમાં ઘણીખરી મુશ્કેલીઓથી ઘેરાઇ જાય છે. તેના આરોગ્ય તથા સંતાન ઉછેર ઉપર પણ અસરો પડે છે. તે ઉપરાંત માતા અને સંતાન વચ્ચેનો લાંબો વય તફાવત પણ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો સર્જે છે. આમ સરવાળે એમ પણ કહી શકાય કે- અસંતુષ્ટ ઘરના વાતાવરણમાં ઉછરેલા બાળક મોટા થઇને સમાજમાં કેવાં કાર્યો કરશે તે એક જટિલ સવાલ છે.
(એમ કહેવાય છે કે પૃથ્વી પરની દરેક સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવું એ જિંદગીનો અણમોલ અવસર છે.)
મહદ્અંશે એમ પણ જોવામાં આવ્યું છે કે આજની આધુનિક નારી આધુનિક દેખાવા માટે, ફેશનના કારણે મોજ મસ્તી કરવા માટે અને દેખાડો કરવા તેમજ પોતાનું ફિગર બગડે નહીં તેમ વિચારીને બાળકની ઝંઝટથી દૂર ભાગતી રહેતી હોય છે.
૬. આધુનિક યુગની નારીની મોર્ડન ઇમેજ બનાવવા જતાં- ઉભી થતી ગ્લેમરસ વિચારસરણી
મુદ્રિત સ્વરૂપના અસ્તિત્વની સાથે જ જાહેરખબરો પણ અસ્તિત્વમાં આવી છે, જેમાં પ્રોડક્ટ તરફ સંભવિત ગ્રાહક-ઉપભોક્તાનું આકર્ષણ વધારવા માટે જાહેરાત નિર્માતાઓ સ્ત્રી મોડેલની નમણી દેહાકૃતિનું ઘણીબધી જાહેરાતોમાં પ્રદર્શન કરાવતા રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા, માર્કેટિંગ એન્ડ એનાલિસિસના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે ૯૭ ટકા જાહેરાતોમાં પ્રોડક્ટ સાથે તાલમેલ ધરાવતી હોય કે નહીં તેમ છતાં વિષયાંતર કરીને નારી દેહનું પ્રદર્શન કરાવવામાં આવે છે અને અંતે મોટેભાગે આ કામ માટે ખુદ મોડેલ ગર્લને જ જવાબદાર ગણવામાં આવે છે, જચારે સત્ય કંઇક બીજુ જ હોય છે.

૭. પગભર આધુનિક માનુનીઓની ખાટી મીઠી જિંદગીઃ
હમ કિસીસે કમ નહીં કમાઓ, ખાઓ ઔર ઐશ કરો
આજે વિશ્વના મોટાભાગના દેશોએ સ્ત્રીને પુરૂષ જેટલું અને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં પણ સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીના સ્થાનને અગ્રીમતા આપવામાં આવી છે. શિક્ષણનો વ્યાપ વધવાની સાથે ઉચ્ચ શિક્ષણ મેળવતી સ્ત્રી ઘરની ચાર દિવાલોમાં જ રહેવાને બદલે ઘરનો ઉંબરો ઓળંગવા માંડી છે. આધુનિક યુગમાં નોકરી કે વ્યવસાય સ્વીકારનારી સ્ત્રી ર્આિથક મોરચે પગભર થવાની સાથોસાથ સ્વતંત્ર અને સ્વનિર્ભર બની શકે છે. સ્વતંત્ર રહેવાની સાથોસાથ મોટાભાગની યુવતીઓ લગ્ન કરવાની તક પણ ચૂકી જાય છે. સારી કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધતા વધતા લગ્નનો માર્ગ પાછળ રહી જાય છે. પછી સમય જતાં, આ જ સ્ત્રી મા અને માતૃત્વની અનુભૂતિ કરી શકતી નથી. અલબત્ત પગભર માનુનીઓની જિંદગી ખાટી-મીઠી યાદોથી ભરપૂર હોય છે, કારણકે તેઓ નીતનવા અનુભવોમાંથી પસાર થયા હોય છે.
લોકો એકલી રહેતી સ્ત્રીને જરા જુદી નજરે જ નિહાળતા હોય છે. એકલા રહેવાને કારણે પરિવારને ગુમાવતા જાય છે. સ્વભાવ એકલવાયો અને ચિડિયો થઇ જાય છે. કદાચ જિંદગીમાં વધારે પડતી સ્વતંત્રતા પણ આવી જાય છે. કોઇ બોલનાર, રોકનાર કે ટોકનાર હોતું નથી. થાક લાગે ત્યારે પગ દબાવી આપે એવું કોઇ સ્વજન આસપાસ હોતું નથી. બિમાર પડે ત્યારે દવા તો ઠીક ચાનો કપ આપનાર પણ કોઇ હોતું નથી. બસ જિંદગી યુહી બસર જાતી હૈ.......
આ બાબત, વર્તમાન પરિસ્થિતિને ખૂબજ અસર કરતી રહી છે, જે સામાજીક દૂષણના ભાગરૂપે બહાર આવી  શકે છે. - કારણકે ન્યૂઝ પેપરનાં મુખ્ય પાના પર, મેગેઝીનોમાં તથા હવે તો પબ્લિક રોડ પર મોટાં હોર્ડિંગ્ઝના ભાગરૂપે આધુનિકતાનો વ્યાપ્ત આજ ખૂબ વધ્યો છે. જેની સીધી અસર કુમળી વયના બાળકોના માનસ પર ગુનો આચરવાની પણ ઇચ્છા જાગે એ હદ સુધી ઉતરી આવી શકે છે. મહિલા આજે ચાર દિવાલ વચ્ચે જીવતી અબળા નારી નથી રહી, આધુનિક યુગમાં મહિલા હવે સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહી છે, પછી એ કોર્પોરેટ વિશ્વ હોય, અત્યાધુનિક ગણાતા આઇ.ટી ક્ષેત્ર હોય કે પછી રમતગમતનું ક્ષેત્ર હોય . દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે, જે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી જાય છે. મેરી કોમના જીવનમાં પણ એક સમય એવો આવ્યો જયારે તેમણે પ્રથમવાર ખુમાન લમપક સ્પોર્ટસ્ કોમ્પલેક્સની બોક્સિંગ કરતી જોઇ અને બોક્સિંગના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. મેરી કોમ ભારતની એક એવી મહિલા બોક્સર ખેલાડી છે, જેણે ૨૯ વર્ષની નાની ઉંમરમાં માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પૂરી દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. મેરી કોમે પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે લંડન ઓલમ્પિક ૨૦૧૨માં કાંસ્યચંદ્રક મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. મેરીકોમ ૫૧ કિલોની શ્રેણીની વિશ્વમાં ચોથા નંબરની મહિલા ખેલાડી છે.
આજના આધુનિક યુગમાં સ્ત્રીઓમાં પરિવર્તન આવ્યું છે પણ ધીમું, તેમ છતાં મક્કમ ગતિનું છે, અને સમય માગી લેનારુ છે. સ્ત્રીઓને યોગ્ય રીતે અને સાચી દિશામાં શિક્ષણ આપવાની જરૂર  છે. પાકા ઘડે કાંઠા ન ચડે. આવું શિક્ષણ નાનપણથી જ મળી રહે એ જોવું જોઇએ. પ્રાથમિક શિક્ષણમાં જ મહિલા હક્કો-અધિકારોના પાઠ ભણાવવામાં આવે એ મહત્વનું છે. સ્ત્રી-પુરૂષના સમૂહશિક્ષણમાં સમાનતાની અને ભેદરહિત વલણની વાતો થવી જોઇએ. સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રસાર વધ્યો છે. એથી સ્થિતિમાં સુધારો થયો જ છે. સ્ત્રીઓનું વલણએ રહ્યું છે કે જો ભણીશું તો નોકરી મળશે અને નોકરી મળશે તો ર્આિથક રીતે પગભર થઇશું એ સ્પષ્ટ છે. મુદ્દો સ્વ-જાગૃતિનો છે. એમ કહેવાય છે કે સ્ત્રી પાસે આંખો અને પાંખો બંન્ને છે, માત્ર ઉડ્ડયનનો નિર્ધાર કરવો રહ્યો......
સ્વામી વિવેકાનંદે તેમના સમયમાં ભારત જેવા પૂર્વના અને અમેરિકા જેવા પશ્વિમના દેશો વચ્ચેનો સંસ્કૃતિભેદ દર્શાવતા કહ્યું હતું કે પૂર્વનાં દેશોમાં સ્ત્રીેએ "મા" ના પવિત્ર સ્થાને બિરાજે છે. જયારે પશ્વિમના દેશોમાં ઘરે ઘરે પત્નિની જ આણ હોય છે. સ્વામી વિવેકાનંદે ઓગણીસમી સદીના અંતકાળમાં કરેલી વાતમાં આજે પરિવર્તન આવેલું છે. અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા બાદ તેમણે આ નિરિક્ષણ રજૂ કર્યું હતું. આજની ભારતીય નારી પશ્વિમની નારી કરતાં સહેજેય પાછળ નથી, પરંતુ દરેકે દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરૂષ સમાનતાનો ઉદય થયો છે. જિંદગીના રંગ-મંચ પર સુખ-દુઃખના સંવાદો બોલાતા, હસતાં-રડતાં માનવપાત્રો અનેકવિધ ભૂમિકાઓ ભજવે છે. કેટલાંક નાટકને જીવન માની લે છે તો કેટલાંક જીવનને નાટક માનતા હોય છે. જે અદાકારીને વાસ્તવિકતા માની લે છે તે સત્ય ગુમાવી દે છે અને જે વાસ્તવિકતાને અદાકારી સાથે જાળવે છે તે જીવનના સાચા તત્વને પામી શકે છે. "જીંદગી પસાર કરી નાખવી" અને "જીવન જીવવું" એ બંન્ને વચ્ચે આકાશ-પાતાળ જેવો ભેદ છે. જીંદગી જીવવાની પ્રક્રિયામાં જીવંતતા આવે એટલે એની પ્રત્યેક પળ આશ્વર્ય અને આનંદની અભિવ્યકિત બની જાય છે તેથી જ “EVERY CHANGE OF SCENE BECOMES A DELIGHT”  પલટાતું પ્રત્યેક દ્રશ્ય આનંદમય ઘટના બની જાય છે.

Woman you’re light of life
Woman you’re delight of life
You’re moon that shines, so bright
Bringing light on the darkest night
Woman you’re soul of creation
With a thousand tender expression

સંદર્ભ સૂચિઃ
૧. જીવનનું જાગરણ - દેવેશ મહેતા, નવભારત પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ, નવેમ્બર ૧૯૯૬ ,

૨. યશસ્વી સ્ત્રી પાત્રો - (ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાઓ) -સંશોેધિકા- ડાૅ. વાસંતી ખોના, નવભારત પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ , ૨૦૦૫
૩. લાગણીના અવસર - ચંદુ મહેસાનવી, નવભારત પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર, ૨૦૦૪
૪. યુવામનો તરંગ - ભવેન કચ્છી, નવભારત સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧ ,

૫. આપણી વાત - વર્ષા પાઠક, નવભારત સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૪
૬. સંદેશ દૈનિક પત્ર
૭. સ્ત્રીની આરપાર - દિનેશ દેસાઇ, નવભારત સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩

 

 

 

ભાવિન એસ. શાહ, આસી. પ્રોફેસર,
ગુજરાત આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ(સાંજની),
એલિસબ્રીજ, અમદાવાદ-૬