નારીઃ સાહિત્ય અને સમાજ સંદર્ભે

More on Portrayal of Women in Literary World

Portrayal of Women in Social World

આજે નારીવાદના ઉગ્રતાભર્યા આંદોલનો ભલે સમી ગયા હોય પણ એના કેન્દ્રમાં રહેલા પ્રશ્નોએ પ્રસ્તૃતતા ગુમાવી નથી. સમાજમાં, ખાસ કરીને દુનીયાના વિકસીત અને વિકાસશીલ દેશોમાં નારીના પરંપરાગત દરજ્જામાં ખાસ્સો બદલાવ જોવા મળે પણ દુનીયાના કેટલાય એવા દેશો છે, એવા સમાજો અસ્તિત્વમાં છે ત્યાં હજી નારીચેતના કે નારીવાદ અને એની પાછળની એક મજબૂત ભૂમિકાનો હરફ પણ ઉચ્ચારાયો નથી. સ્ત્રીને હજી પણ ત્યાં આજથી બે સદી પહેલા જે સ્વરૂપે આ વિકસીત-વિકાસશીલ દેશોમાં જોવામાં આવતી હતી તે જ અવસ્થામાં આજે જીવે છે. આ કમનસીબી હલ કરવાની હજી બાકી છે.
દુનીયાની પ્રાચીન સંસ્કૃતિઓથી માંડી આજના આધુનિક યુગ સુધી પહોંચતા સુધીમાં સ્ત્રીનું સ્થાન સતત બદલાતું રહ્યું હોવાનું સમાજશાસ્ત્રીઓ નોંધે છે. વિવિધ સમાજોના અભ્યાસો કર્યા પછી કેટલાક તથ્યો સામે આવ્યાં છે તે પણ જોવા જેવા છે. મોટાભાગના સમાજો પિતૃસત્તાક સમાજો છે. માતૃસત્તાક સમાજોમાં પણ કેન્દ્રરૂપ મહત્વના કાર્યોમાં પુરુષો પ્રાધાન્ય ભોગવતા હોવાનું જોવા મળ્યું છે. શારીરિક શક્તિ અને તત્કાલીન જરૂરિયાતો-શિકાર, કુટુંબરક્ષણ, સીમા વિસ્તરણ, ઘર છોડ્યા પછી આવતી આફતો સામે ટકવાની મુશ્કેલીઓ- જેવા તે સમયના પ્રાથમિક કક્ષાના સમાજની સમસ્યાઓએ અને સ્ત્રીની શારીરિક રચનાની કેટલીક મર્યાદાઓના કારણે આરંભે સ્ત્રીને ઘર-કુટુંબ-બાળ ઉછેરની જવાબદારી અને પેલી મુશ્કેલીઓથી બચાવવાની દાનતે સ્ત્રીને મર્યાદીત વિસ્તરણની તક આપી, આરંભમાં કદાચ ઉમદા આશયથી પણ પછીથી અધિકારભાવની પ્રબળતાને કારણે જન્મેલા માલિકીભાવે સ્ત્રીઓની ક્રમશઃ અવદશા કરવાની દિશામાં જ વિસ્તરણ થયું.
આદિમ અવસ્થાથી માંડીને ભવ્ય સભ્યતાઓના મોટા વિસ્તારમાં કમનસીબે સ્ત્રીઓને સાવ સામ-સામા છેડાની અવસ્થાઓનો સામનો કરવાનો આવ્યો. એક બાજુ એને દેવી કે મહાદેવીના રૂપે સ્વીકારવામાં આવી તો બીજી બાજુ એને ખરાબમાં ખરાબ નીચલા સ્થાન પર હડસેલી દેવામાં આવી હોવાની હકીકતથી કોઈ અજાણ નથી. એટલે એ વિશે પુનરાવર્તન કરવા ઇચ્છતા નથી. નારીવાદ અને એની ચળવળો વિશે પણ ઘણી માહિતીઓ ઉપલબ્ધ હોવાથી એ પણ આ લેખમાં અપ્રસ્તૃત ગણી છે. પણ એ વિશેની સૌથી મોટી એક બે હકીકતોને ધ્યાન પર લેવી જરૂરી જણાય છે. એક તો આ આખીએ સભાનતા રાતો-રાત આવી નથી. દુનીયાના કોઈપણ સમાજોમાં ઉચ્ચ-નીચના ભેદ ન હોય એવો સમાજ અસ્તિત્વમાં નથી. હા, મોભો, આર્થિક, રંગ, જાતિ, ધર્મ, વૈચારિકથી માંડી અનેક પ્રકારના વાડાઓ સરજીને માનવજાત પોતાના વિકસિત માનતી આવી છે. પોતાના જ જેવા બીજા માનવને ચડતો કે ઉતરતો માનવો અને એ માનીને વિશિષ્ટ રીતે વર્તવું એ જાણે કે એના સ્વાભાવનું લાક્ષણિક પાસું રહ્યું છે. એક જ ઘરના સભ્યોથી માંડી વિશ્વની મહાન ગણાતી પ્રજાઓ આ ભાવથી પર થઈ શકી નથી. કદાચ એની આ લાક્ષણિકતાઓને જોઈને જ દરેક ધર્મો, સંસ્કૃતિઓએ જુદા જુદા ભેદે ‘વિશ્વકુટુંબકમ્’-ની ભાવનાઓના નારા લગાવવા પડ્યા હશે !
ઔદ્યોગિક ક્રાંતિએ માનવજાતને કેટલાય ફાયદા અને ગેરફાયદાઓ કરાવી આપ્યા છે. – એ બાબત પર વિચારીએ ત્યારે જણાય કે સાવ સામાન્ય જણાતા એ આરંભિક યંત્રોએ માનવજાતની સાવ દશા અને દિશા જ બદલી કાઢી છે. ખબર નથી પડતી કે એ દિશા સર્જનની છે કે વિસર્જનની. માનવજાત કયા માર્ગે છે એ તો આવનારાં દિવસો જ બતાવશે. પણ છેલ્લી ત્રણ-ચાર સદીઓના વર્તમાનને તો એણે સાવ અપૂર્વ એવા બદલાવનો અનુભવ કરાવ્યો છે. સૌથી મોટો ફાયદો કાળા ગુલામો અને જગતભરની નારીઓને થયો છે. આ બંને વર્ગની જિંદગીમાં સુખનો સુરજ ઉગવાની શરૂઆતના કારણરૂપ આ ઔદ્યોગિક ક્રાંતિને જોઈ શકીએ.
અંગ્રેજ રાજદ્વારી જ્હોન સ્ટુઅર્ટ મિલ દ્વારા મહિલા-મતાધિકારની ચળવળ આરંભાઇ અને અમેરિકામાં વ્યવસ્થિત નારીવાદી ચળવળની શરૂઆત એલિઝાબેથ સ્ટેન્ટન દ્વારા કરવામાં આવી તે પહેલા રેનેસાંએ ખાસ પ્રકારની માનસિકતાનું નિર્માણ કરી આપેલું. નવજાગૃતિકાળ એ અર્થમાં જાગૃતિનો કાળ બની રહે.
ઉપરા-છાપરી આવી પડેલા વિશ્વયુદ્ધોએ સમગ્ર માનવજાતના ચિત્ત પર જે અસર પાડી હતી તે અ-પૂર્વ હતી. બીજા બધી જ જાતના વર્ગભેદ પછી, એથી એ મોટો પ્રશ્ન અસ્તિત્વનો આવી ને ઊભો રહ્યો. જાત-પાત, ધર્મ-અધર્મ કે વિધર્મીઓ, રંગભેદ, નાના-મોટા, શક્તિશાળી-નબળા, બૌદ્ધિક કે બૂધાં, પૂર્વના કે પશ્ચિમના- કોઈ પોતાને સુરક્ષિત અનુભવી ન શકે એવા એ અરાજકતાંભર્યા યુદ્ધના વર્ષોમાં માનવજાતે પોતાના ક્ષણભંગુર અસ્તિત્વનો સાક્ષાત્કાર કર્યો. હિરોસીમા-નાગાસાકિની કરુણાન્તિકાએ માણસની આંખો જ ખોલી નહીં એને સાવ સ્તબ્ધ કરી નાંખ્યો. ચિત્તને સાવ અવાચક્ કરી નાંખનારાં એ નરસંહારની કિંમત ચૂકવ્યા પછી એનામાં જે બદલાવ આવ્યો એમાં નારીવાદી ચળવળને ખાસ્સો વેગ મળે એ પ્રકારનો માહોલ સર્જાતો ગયો છે.
સાહિત્યએ આ ચળવળને બહુ ઉત્સાહથી અપનાવી. નાટ્યકાર ઇબ્સને – A Doll’s House(1879)ને આ ચળવળ સાથે સાંકળવામાં આવી છે એમાં નિરૂપાયેલા નાયિકાના ગૃહત્યાગને લઇને. એ જ રીતે A Room of One’s own (1929) વર્જિનીયા વુલ્ફની રચનાએ પણ આરંભકાળને ખાસ્સું વૈચારિક બળ પૂરું પાડ્યું. સિમોનના The Second Sex(1949)માં એનું વિદ્રોહીરૂપ જોવા મળે છે. આરંભે સ્વાભાવિક જ કોઈપણ આંદોલનનું આક્રમક રૂપ પ્રગટે. ત્યારબાદ એમાં પ્રોઢિનો ઉમેરો થાય અને ત્યાર પછીના તબક્કામાં એમાં સ્વસ્થ એવી વૈચારિક પિઠિકા રચાતી હોવાનો ઇતિહાસ માનવજાતે અનેક જાતના વૈચારિક આંદોલનોમાં જોયો છે. અનિલા દલાલ ઍલન શૉવાલ્ટરને ટાંકીને આ રીતે તબક્કાઓ કહે છે.1 ‘પરંપરાના પહેલા, Feminine તબક્કા વિશે તે કહે છે કે આ લેખિકાઓ તેમનાં લેખનમાં પુરુષ સર્જકની બૌદ્ધિક સિદ્ધિઓ હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ પુરુષ સભ્યતાના નારી વિશેના પૂર્વગૃહિતોને આત્મસાત કરે છે. તેઓ તેમની ભાષા-અભિવ્યક્તિમાં, પાત્ર નિરૂપણ અને કૃતિ સંરચનામાં પણ પેલા પ્રભાવ હેઠળ રહે છે. બીજા Feminist તબક્કામાં પુરુષની સત્તા અને આધિપત્ય સામેનો વિરોધ અને આક્રોશ પ્રકટ કરતું નારીસાહિત્ય સર્જાય છે. પુરુષે ઘડેલી નારીત્વની છબિઓને મૂળમાંથી ઉખેડી પોતાની આગવી છબિ ઉપસાવવામાં અને અન્યાયગ્રસ્ત નારીત્વના દૃશ્યો રચવામાં તેઓ તત્પર બને છે. તેમનાં લેખનમાં પુરુષ-દ્વૈષની આત્યંતિકતા-પ્રગટ થવા માંડે છે. ત્રીજા female તબક્કામાં સ્ત્રી તેના લેખનમાંથી અનુકરણ અને વિદ્રોહ, જે બે બાબતો પુરુષ પર આધારિત છે, તે બંનેને તિલાંજલિ આપે છે. અને સ્વાયત્ત કલાસર્જનના સ્ત્રોતને પોતાના નારી તરીકેના અનુભવોમાંથી શોધી લે છે.’

ભારતમાં નારીવાદી વિચારધારા


એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે આ સદીઓના સમયગાળા દરમિયાન ભારતીય સ્ત્રીઓએ પોતે કોઈ મોટાપાયે ચળવળ કરી હોય કે વિરોધ કર્યો હોય- જે આંદોલનરૂપ ધરે એવું ક્યારેય નોંધાયું નથી. ભારતીય સ્ત્રી જાણે રાજકીય, સામાજિક, ધાર્મિક, સાસ્કૃતિક પાસાઓથી દોરવાતી જ રહી, પોતે કોઈ પ્રકારના પ્રતિકારમાં કે સંઘર્ષમાં ઉતરવાનું કેમ મુનાસિબ માન્યું જ નહીં એ મોટો પ્રશ્ન છે...નાના વિદ્રોહ હશે, પણ એ વિદ્રોહમાંથી કોઈ વિચારસરણીનું ધરાયુ નથી કે વ્યાપક આંદોલન સર્જાયું હોવાની કોઈ માહિતી વિશે ઇતિહાસ ચૂપ છે.
આવું થવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તે જોઈએ તો બે બાબતો સમજાય છે.
  1. ભારતીય સ્ત્રીને પોતાના થતાં અન્યાય પ્રત્યે સભાનતા જ નથી. એવી સભાનતા આવે તે માટે જે માનસિક વિકાસ જોઈએ તેવો વિકાસ રોકવામાં આવ્યો હોય તેવું બની શકે.
અથવા
  1. જે પ્રકારનું જીવન એને જીવવા મળ્યું એનાથી એ ખુશ છે. જ્યારે ચિત્ત સંઘર્ષનો અનુભવ જ ન કરતું હોય તેવી સ્થિતિમાં એ પ્રતિકાર ન કરે તે પણ હકીકત છે.
ખેર, જે પણ હોય. એ હકીકત સ્વીકારવી જ રહી કે ભારત હોય કે વિશ્વમાં સ્ત્રીને એના અસ્તિત્વ વિશે, અધિકારો વિશે અને સામાજિક દરજ્જા વિશે સભાન કરવામાં પુરુષોનો હાથ રહેલો છે. જોકે, ફોર્બ્સ જેવા કેટલાક વિદ્વાનો ભારતીય નારીવાદી ચળવળને સ્વતંત્ર ગણે છે, એ પશ્ચિમથી પ્રેરાઈને થઈ હોવાનો સ્વીકાર કરતા નથી.[2]
ભારતમાં કેટલાક વિચારક સંતો, કવિઓ અને ખાસ તો પાશ્ચાત્ય કેળવણી અને સમજ પામેલા ભારતીય સમાજસુધારકો એ અંગ્રેજ અમલદારો દ્વારા સ્ત્રીઓની બદતર હાલત વિશે વિચારવાનું શરું કરેલું. સતીપ્રથા, બાળવિવાહ, વિધવા પુનર્લગ્ન જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને કાયદાઓ દ્વારા , ચળવળો દ્વારા સ્ત્રી શોષણ સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો.
અંગ્રેજોથી સ્વતંત્ર થવાની વિચારધારા ક્રમશઃ મજબૂત બનતી આવી તેની સાથો સાથ સ્ત્રી-જાગૃતિની વાત પણ કેન્દ્રમાં આવવા લાગેલી. ગાંધીજીએ એમના વિવિધ આંદોલનોમાં સ્ત્રી અને દલિતોને સતત સાથે રાખ્યાં. એમણે જોયું કે ભારતની સૌથી મોટી નબળાઈ વર્ગ વ્યવસ્થા છે અને એની જ સમાન્તરે સ્ત્રીઓની અવદશા પણ એટલી જ જવાબદાર છે.
સમુહ માધ્યમોનો વ્યાપ વધતો ચાલ્યો. રેલવે અને તાર-ટપાલની વ્યવસ્થા ભલે અંગ્રેજોએ પોતાની વહિવટી સરળતા માટે કરી હોય પણ એ ફાયદાકારક નીવડી ભારતના વ્યાપક વિસ્તારમાં ફેલાયેલી ભારતીય પ્રજાને એકજૂથ કરવામાં, સતત આદાનપ્રદાન અને એકબીજાથી નીકટ લાવવામાં આ માધ્યમો બહુ કારગત નીવડ્યાં છે. ચોપાનીયાઓ, સામયિકો, સમાચારપત્રો અને કેળવણીની સંસ્થાઓ દ્વારા તેમજ સમાજસુધારકોએ સ્થાપેલી વિવિધ ઉદ્દેશ સાથેની સંસ્થાઓએ ભારતીય સમાજને સમૂળગો ઢંઢોળી નાંખ્યો. એમાં નારીજાગૃતિની ચળવળો બહુ મહત્વની સાબિત થઈ.
ભારતીય સાહિત્યમાં ‘નારી-ચેતના’ તો સદીઓથી કેન્દ્રમાં રહી છે. નારીના વ્યાપકરૂપોનું આલેખન સદીઓથી થતું આવ્યું છે. પણ ‘નારીવાદી’ આલેખન નવી બાબત છે. જેમાં સમાનતા, સમ્માન અને સ્વતંત્રતા-કેન્દ્રમાં હોય. આરંભમાં દહેજ, બળાત્કાર, ઘરેલું હિંસા, ભ્રૃણ હત્યા, રોજબરોજના પ્રશ્નો, જાહેર સ્થળોએ થતી છેડખાની, ધર્મ કે રિવાજના આધારે થતી હિંસા, વૈવાહિક જીવનના પ્રશ્નો, વિધવા અને ત્યક્તાઓના પ્રશ્નો, બાળકીથી લઇને વૃદ્ધત્વ સુધીના વિવિધ તબક્કાઓને કેન્દ્રિત કરતી સમસ્યાઓને લઇને ભારતની વિવિધ ભાષાઓમાં કેટલાય પુરુષ અને સ્ત્રી લેખકો દ્વારા નારીવાદને પોષક સાહિત્યની રચનાઓ થવાની શરુઆત થઇ.
મહાદેવી વર્મા દ્વારા ‘શૃંખલા કી કડિયાઁ’- એ દૃષ્ટિએ મહત્વની રચના બની રહે. અમૃતા પ્રિતમ, મન્નૂ ભંડારી, મહાશ્વેતા દેવી, કૃષ્ણા સોબતી, મૃદુલા ગર્ગ, પ્રભા ખેતાન, મૈત્રૈયી પુષ્પા, મેહરુન્નિસા પરવેઝ, લવલીન, ગિતાંજલિ, રાજી શેઠ, ચિત્રા  મુદગલ, ઉષા પ્રિયંવદા જેવા નામો મહત્વના છે. આ યાદી હજી ઘણી લાંબી થઈ શકે પણ અહીં એ અપ્રસ્તૃત છે. કેટલાય પુરુષ લેખકોના નામ પણ આ યાદીમાં ઉમેરી શકીએ. આંતર ચેતનાથી આરંભીને સમાજના વ્યાપક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને સમગ્ર ભારતમાં નારીવાદી લેખન મજબૂત રીતે વિસ્તાર પામ્યું છે. બદલાતા સમય સાથે બદલાયેલી નારીના રૂપોને ઝીલતું સાહિત્ય પણ એટલું જ સર્જાઇ રહ્યું છે. ભારતીય સમાજની વ્યાપક પરંપરાગત માન્યતાઓ પર પ્રહાર કરતી રચનાઓ અને તદ્દન ઉદ્દંડ લાગતી આક્રોશપૂર્ણ રચનાઓ પણ ભારતીય સાહિત્યમાં સર્જાઇ છે.
ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળથી જ ઓછું પણ નારીઓ દ્વારા રચાતું સાહિત્ય મળતું રહ્યું છે. પણ કમનસીબે એમાં વ્યાપક ધારાના અનુકરણથી વિશેષ છાપ ઊભી કરે એવું સાહિત્ય ઓછું છે. મીરા એના સમયથી ઘણી આગળ અને એ સમાજને આઘાત આપે તેવું વર્તતી અને સર્જતી કવયિત્રી રહી છે. રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યની આ કવયિત્રીએ પોતાની જીવનશૈલીથી અને રચનાઓ દ્વારા તત્કાલીન રૂઢિઓનો વિરોધ કર્યો છે. પણ એ પછીની કેટલીયે સ્ત્રીઓએ પુરુષોની શૈલીએ સાહિત્યસર્જન કર્યા કર્યું. મોટાભાગે ભક્તિકેન્દ્રી સાહિત્યની રચનાઓ આપી છે.
લીલાવતી મુનશીથી માંડી ધીરુબેન પટેલ સુધીના કેટલીય સ્ત્રીઓએ નારીચેતનાને વાચા આપતાં સાહિત્યનું આલેખન કર્યું પણ એમાં પેલો ‘નારીવાદ’ સ્પષ્ટરૂપે દર્શાવી શકીએ તેમ નથી. ‘સાત પગલાં આકાશમાં’-એ ગુજરાતી સાહિત્યમાં વ્યાપકરૂપે સ્વીકારાયેલી નારીવાદી રચના છે. જો કે, એમાં જે આક્રોશ છે તેની પછીથી ઘણી આલોચના પણ થઈ છે. તેમ છતાં સૌ પ્રથમવાર પ્રગટરૂપે નારીવાદી રણશીંગુ ફૂંકતી આ રચનાઓ પછીથી ગુજરાતમાં સભાનરીતે નારીવાદી સાહિત્ય સર્જાવાની શરૂઆત કહી શકીએ. જો કે,  એ પછી એવી આક્રોશપૂર્ણ નવલકથાઓ પ્રગટી નથી એ પણ હકીકત નોંધવી જોઈએ. કવિતા અને વાર્તાઓમાં નારીવાદ વધારે અસરકારક રીતે અને બોલકા સ્વરૂપે ઝીલાયેલો જોઈ શકાય છે. સ્વસ્થ રીતે નારીવાદી કહી શકાય એવી રચનાઓ  હિમાંશી શેલત, સરોજ પાઠક, બિંદુ ભટ્ટ, વર્ષા અડાલજા, ભારતી દલાલ, જયા મહેતા, દક્ષા વ્યાસ, વસુબેન ભટ્ટ, ગીતા નાયક, પન્ના ત્રિવેદી, જેવાએ સર્જન દ્વારા તો શરીફા વીજળીવાળા, રંજના હરીશે અનુવાદો, સંપાદનો અને સેમિનારો દ્વારા ગુજરાતમાં ‘નારીકેન્દ્રી સાહિત્ય’ની આબોહવા સર્જી આપી છે. શક્ય છે કે આ યાદીમાં કેટલાય નામ રહી ગયા હશે પણ એ પાછળનો આશય ગુજરાતી નારીવાદી સાહિત્યની આછેરી છબિ ઉપસાવવાનો જ રહ્યો છે. આ ઉપરાન્ત કેટલાય પુરુષ લેખકો દ્વારા નારીચેતના, નારીવાદી સાહિત્ય સર્જન થતું રહ્યું છે. શરીફા વીજળીવાળાએ નારીવાદી કૃતિઓ વિશે સ્પષ્ટતા કરતાં લખ્યું છે.
‘મને લાગે છે કે સ્ત્રી કે પુરુષ કોઈના પણ હાથે લખાયેલી કૃતિમાં જો નારીના આંતરિક વિશ્વમાં ડોકિયું થયું હોય, એના સંવેદનાજગતને સ્પર્શી શકાયું હોય. સ્ત્રી હોવાના કારણે જ એના ભાગે સહન કરવાનું આવ્યું હોય તો એવી કૃતિને આપણે નારીવાદી કૃતિ કહી શકીએ. વાર્તાઓની વાત પર જતાં પહેલાં એક સ્પષ્ટતા અતિ મહત્વની બની રહે છેઃ સ્ત્રી દ્વારા લખાયેલી હોવાને કારણે જ વાર્તા નારીવાદી નથી બની જતી. ( આપણે ત્યાં આવાં એકથી વધુ નકામા સંપાદનો થયા છે.) વાર્તામાં માત્ર સ્ત્રીના શોષણની કે એના વિદ્રોહની વાત થઈ હોવાને કારણે જ એના ઉપર વરસી ન પડાય. જે વાત આપણે દલિત વાર્તા માટે કહીએ છીએ એ વાત નારીવાદી વાર્તા માટે પણ એટલી જ સાચી છે. નારીવાદી કૃતિએ પણ કળાના ધોરણે તો પાર ઊતરવું જ પડે. પ્રતિબદ્ધ રહીને પણ નારીવાદી કૃતિએ કલાત્મકતા તરફ વળવાનું છે. પ્રચારાત્મક બની બેસવાના જોખમને સર્જકે અતિક્રમવું જ રહ્યું.’[3]  શરીફાબેનનું આ કથન નારીવાદી સાહિત્ય અને વિવેચન બંનેની દિશાનો અણસાર આપી દે છે. સ્વયં સ્પષ્ટ છે.
‘સાહિત્ય એ સમાજનું દર્પણ છે’- એવું કહેવાયું છે. સમાજમાં સ્વાભાવિક જ બદલાવ આવતો ગયો છે. છેલ્લા પાંચ દાયકામાં ગુજરાતી સમાજે સાવ કાયાપલટ કરી છે એ જોઈ શકાય છે. ‘ગુજરાતી મણિબા’- કહી શકાય એવી નારી હવે નથી રહી. એ ઘર ઉપરાન્ત નોકરી, વ્યવસાય અને પોતાની જાત માટે પણ સમય કાઢતી થઈ છે. પણ એની સંખ્યા હજી ઓછી છે. હજી શિક્ષણ લેવાની બાબતે કેટલાય નાનાં-નાનાં સમાજો જોઈએ તો પછાત છે. કેટલીયે જ્ઞાતિઓની સ્ત્રીઓ હજીએ પરંપરાને વેંઢારવામાં પોતાનું અમૂલ્ય જીવન ખરચી નાંખે છે. આ સ્થિતિ બદલવા માટે સરકાર દ્વારા, ખાનગી સંસ્થાઓ દ્વારા અને એન.જી.ઓ દ્વારા પ્રયત્નો ચાલુ જ છે. કેટલાક વર્ષોથી નવા નવા જ્ઞાતિ-સમાજો દ્વારા પણ સામાજિક બદલાવની પહેલ કરવામાં આવી રહી છે અને નારી સાથે સીધા જ સંકળાયેલા પ્રશ્નો- ખાસ કરીને માદા ગર્ભપાત, દહેજપ્રથાનો વિરોધ, શિક્ષણ આપવાની પહેલ, વિધવા પુનર્લગ્ન, છૂટાછેડાને લઇને કાઉન્સલિંગ, આત્મહત્યાઓ બાબતે ચિંતાઓ થવા માંડી છે એ ભવિષ્ય નિર્માણમાં ઉપયોગી સાબિત થનાર છે. આ બધી જ બાબતો આજના ગુજરાતી સાહિત્યમાં ડોકાવા લાગી છે. ખાસ કરીને વાર્તાઓ સમૃદ્ધિ દાખવી રહી છે. હજી આત્મકથાઓ ઓછી લખાય છે. લખાય છે એ જૂદા ઉદ્દેશથી લખાય છે. એ જ રીતે નવલકથાઓમાં પણ હજી ઘણી શક્યતાઓ ઉઘડવી બાકી છે.
સાહિત્ય સંદર્ભે નારી અને નારીવાદ વિશે આટલી વ્યાપકરૂપે જોયા પછી સમાજમાં નારી અને નારીવાદની શી સ્થિતિ છે એના પર દૃષ્ટિ કરીએ.
ભારતીય સમાજમાં નારીનું સ્થાન, દરજ્જો અને ભૂમિકા કાળક્રમે બદલાતાં રહ્યાં છે. તે સમયના સામાજિક વાતાવરણની અસર તેના પર પડતી રહી છે.  આપણે આરંભે યુગ વિભાજન કરીને ભારતીય સમાજમાં સ્ત્રીની સ્થિતિનો ચિતાર મેળવીએ.

વૈદિક યુગ (ઇ.સ.પૂ. 1500થી 1000)

આ ગાળામાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ભારતીય આર્ય સમાજમાં દૃઢ થયેલી હતી. આમ છતાં સ્ત્રી સાથેનું વર્તન સન્માનજનક હોવાના અનેક પૂરાવાઓ મળે છે. પુત્ર દ્વારા પિતાનો વારસો અને ધર્મનું વહન કરવાની માન્યતા હોવાથી પુત્ર જન્મનું મહત્વ વિશેષ હોવા છતાં પુત્રીના જન્મનું મહત્વ એટલું જ કરવામાં આવતું. બંનેના ઉછેરમાં પણ ખાસ્સી સમાનતા, પતિની પસંદગીમાં અને અપરણિત રહેવા ઇચ્છતી પુત્રીને તેમ કરવાની છૂટ હતી. પરણિતાને અર્ધાંગિની કે સહધર્મચારિણી ગણવામાં આવતી અને જીવન-પુરુષાર્થો[4]ની સિદ્ધિ માટે સ્ત્રીને અનિવાર્ય ગણવામાં આવી છે. સ્ત્રી પણ જનોઈ ધારણ કરતી અને યજ્ઞોમાં બેસતી. યજ્ઞ-પુરોહિત પણ બની શકવાની સ્વતંત્રતા ત્યારે જોવા મળે છે. આ સીવાય શિક્ષણ મેળવવામાં, જાહેરજીવનમાં હિસ્સેદારીમાં, અર્થોપાર્જનથી માંડી યુદ્ધોમાં ભાગ લેવાના અનેક પ્રસંગો વર્ણવાયેલા જોવા મળે છે. એ બતાવે છે કે વૈદિક કાળમાં એનું સ્થાન પુરુષ સમોવડું હતું. સ્ત્રીધન, પુનઃ લગ્નનો અધિકાર પણ હતો.

ઉત્તર વૈદિક (ઇ.સ.પૂર્વે-1000થી 600)

આ કાળમાં આર્યોનું વિસ્તરણ થાય છે. ઉત્તર ભારતના વ્યાપક વિસ્તારમાં સ્થાયી થવાથી, અનેક સ્થાનિક પ્રજાઓના સંપર્કમાં મુકાવાથી અને યુદ્ધોની-સંઘર્ષનું પ્રમાણ વધવાની સાથે સ્ત્રીનો દરજ્જો ભયમાં મુકાવા લાગે છે. આર્યો અનેક પેટા ટોળીઓમાં, દૂર દૂરના વિસ્તારોમાં પથરાવા અને સ્થિર થવા લાગે છે. સ્વાભાવિક જ સ્થાનિક નિવાસીઓ સાથેના સંઘર્ષો પણ વધે છે. બીજી બાજુ એકસૂત્રતાને બદલે આંતરિક વૈવિધ્ય પણ પ્રદેશ પ્રમાણે વધવા લાગે છે. એમાં મુખિયા અને ગુરુનો પ્રભાવ વિભિન્નરૂપે પડવા લાગે છે. યુદ્ધ અને વિસ્તરણમાં સ્ત્રીની સરખામણીએ પુરુષની જરૂરિયાત ધર્મના અંચાળા હેઠળ વ્યક્ત થવા લાગતા મૃત્યુ પછીની વિધિઓ- ધાર્મિક ક્રિયાકાણ્ડોમાં અને મોક્ષપ્રાપ્તિ માટે પુત્ર જન્મની અનિવાર્યતા પર ભાર મુકાય છે. વળી, મનુસ્મૃતિ જેવા ગ્રંથો દ્વારા સામાજિક મુલ્યોને બદ્ધ કરતો ગ્રંથ રચાવા પાછળની એ વખતના સમાજની માનસિકતા પ્રતિબિંબિત થાય છે. એમાં પુરુષ અને સ્ત્રીના દરજ્જામાં ફરક જોવા મળે છે. એક બાજુ દેવી તરીકે સ્તૃતિ કરતા ઋષિ મનુ, એમના બીજા આદેશોમાં દાસી તરીકે જ વર્ણવતા જોવા મળે છે. સ્ત્રી માટે ખુલ્લાપણું ઘટ્યું, ચાર દિવાલો વચ્ચે પુરાવા લાગી. મનુ પ્રેરીત સમાજ વ્યવસ્થામાં સ્ત્રી પરના નિયંત્રણો અનહદરીતે લાદવામાં આવ્યા છે. એ માત્ર ઘરકામ કરવા, સંતતિ વધારવા, કોઈપણ નિર્ણયો સ્વતંત્ર રીતે ન લઇ શકે અને પતિને મન-વચન-કર્મથી પતિને આધિન રહેવાનું સ્પષ્ટ ફરમાન કરવામાં આવ્યું. કજોડાલગ્નનો સ્વીકાર, ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીની ઉમરનો તફાવત ઘણો રાખવામાં આવેલો. પુરુષ 28 વર્ષનો હોય તો 12 વર્ષની સ્ત્રીને પરણવા જણાવ્યું છે. આવા સ્ત્રીને અન્યાય કરનારાં મુલ્યોની ખાસ્સી લાંબી યાદી થઈ શકે એમ છે.
બીજી બાજુ એ પણ વિચારણીય બાબત રહી છે કે, સ્ત્રી-પુરુષની શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને વેપાર-વાણિજ્ય, ખેતિ, વિદેશ-યાત્રા, યુદ્ધો, રાજકીય ખટપટો, અન્ય પુરુષો સાથે મુકાબલો થઈ શકે એવી સ્થિતિથી બચાવવા નારીને વધારે ગૃહસ્થિ, સામાજિક વ્યવહારો, કલાઓ, સંસ્કૃતિ અને રિવાજોના નિર્વહનમાં તેમજ બાળઉછેર અને એ રીતે સામાજિક નાગરિક બનાવવાની મોટી જવાબદારી સ્ત્રીને સોંપવામાં આવી હોવાથી આવા વિભાજન વ્યાપકરીતે સ્વાકારવામાં આવ્યા હોવાનો પણ એક મત વ્યાપકપણે વિચારાયો છે. એમાં સ્ત્રીને અવગણવા નહીં પણ કાર્યવહેંચણી એની ક્ષમતાના આધારે સોંપવામાં આવી હોવાનું પણ કેટલાક વિદ્વાનો દ્વારા કહેવાયું છે. તેમ છતાં એ પણ હકીકત છે કે, પરિપક્વતાના અભાવે આવી સમજ ન ખીલવાના કારણે સ્ત્રીના ભાગ્યમાં તો બેડીઓ બનીને રહેનારાં મુલ્યો જ વિશેષ પ્રચલિત બનેલા.

મધ્યકાલીન યુગમાં સ્ત્રીનો દરજ્જો

ઇ.સ. છઠ્ઠી સદીથી મોગલોનો પગપેસારો ભારતવર્ષમાં વધવા લાગ્યો. આક્રમક વિધર્મીઓના આગમને અને એમની સત્તા લાલસા, કામલોલૂપતાના પરિણામ સ્વરૂપે ભારતીય સમાજે પ્રતિકારની જગ્યાએ સંકુચિતતાનો માર્ગ સ્વીકાર્યો. એની સીધી અસર ભોગવવાની આવી સ્ત્રીઓએ.
વિધર્મીઓની નજરથી બચાવવાના ઓઠા હેઠળ સ્ત્રીને રસોડામાં ઠૂંસી દેવામાં આવી. લાજ પ્રથા અમલમાં આવી. પર પુરુષ જ નહીં આસપાસના કોઈપણ પુરુષનો સંપર્ક ન શક્ય બને એવી વ્યવસ્થાઓ અમલમાં મુકાવા લાગી. પરિણામે એ સ્ટ્રેસનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું કે સ્ત્રી હવે સાપનો ભારો બની રહી. એના જન્મ સામે જ વાંધો આવવા લાગ્યો. પરિણામે દૂધપીતિ કરવાની ક્રૂર પરંપરા સર્જાઈ, દિકરીનો જન્મ એટલે અમંગળના એંધાણ- એવા ભાવના કારણે દુર્દશા વધતી ચાલી. શિક્ષણ લેવાની વાત તો દૂર રહી, બાળપણમાં જ વિવાહ કરી દઈને માથેથી ભાર હળવો કરી નાંખવાની માનસિકતા ઘર કરવા લાગી. એના પરિણામ સ્વરૂપે વિધવાઓ, બાળવિવાહો, કજોડાઓની એક અમાનવીય પરંપરાઓ આ ગાળામાં ઘર કરવા લાગી. પતિનું મૃત્યુ થાય એટલે સ્ત્રી માટે જીવતે જીવ નર્કની વ્યવસ્થા અમલમાં આવી. એનાથી બચવા સતિપ્રતાનો ક્રૂર રસ્તો જન્મી આવ્યો. બીજી બાજુ ધર્મના બહાના હેઠળ દાસી પ્રથા અમલમાં આવી અને સ્ત્રીનું બધી રીતે શોષણ થવા લાગ્યું. આ સમયગાળો ખરા અર્થમાં અંધેર યુગ બની રહ્યો.

બ્રિટિશ સલ્તનતમાં સ્ત્રીનો દરજ્જો.

આજે જે ઉજળું પ્રભાત જોવા મળે છે, એ બ્રિટિશ સલ્તનતને આભારી છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. અંગ્રેજોની વ્યવસ્થિત રાજ્ય પ્રણાલી, શિક્ષણનો વ્યાપ વધારવાની એમની નીતિ, રેલવે-તાર-ટેલિફોન આદિ ટેકનોલોજીના કારણે આવેલ બદલાવ, વર્તમાનપત્રો, સામયિકો અને કાયદાકીય પીઠબળ, શિક્ષણ મેળવેલા ભારતીય વિચારકોની વિચારણામાં આવેલ બદલાવ, વિશ્વના દેશો સાથેના સંપર્કમાં મુકાવાના કારણે દૃષ્ટિકોણમાં આવેલ બદલાવે ભારતીય સમાજને અભૂતપૂર્વ એવો બદલાવી નાંખ્યો. એકદમ અંધારિયા કૂવામાં જીવતો ભારતીય સમાજ જાણે કરવટ બદલીને જાગી ઉઠ્યો. વચ્ચેની સદીઓમાં કેટલાય કારણોસર એનામાં જે જડતા વ્યાપી ગઈ હતી એમાં એકાએક નવા પ્રાણસંચાર થયાનું આ સમયગાળામાં જોઈ શકાય છે. ખાસ કરીને, રાજા રામમોહન રૉય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, બહેરામજી મલબારી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, મહર્ષિ કર્વે, શ્રીમતિ એની બેસન્ટ જેવા જાગૃત સમાજસુધારકોએ વિધવા-વિવાહ, પુનઃ લગ્ન, બાળલગ્નનો વિરોધ, સ્ત્રી શિક્ષણનો સ્વીકાર,દૂધ પીતિ કરવાનો વિરોધ, જાહેર જીવનમાં સ્ત્રીની ભૂમિકા, પરદાપ્રથાની નાબૂદી, સતિ-પ્રથાનો વિરોધ જેવી બાબતોની જાગૃતિ ફેલાવા લાગી.
આવું વાતાવરણ નિર્માણ કરવા માટે નીચેના પરિબળોની સક્રિયતા નોંધપાત્ર ગણી શકીએ.
  1. સમાજસુધારકોની ચળવળો.
  2. નારી ઉત્કર્ષને કેન્દ્રમાં રાખતી સંસ્થાઓ.
  3. નારી શિક્ષણને પ્રોત્સાહક બ્રિટિશરોની નીતિઓ.
  4. કાયદાકીય રક્ષણ. (સતિપ્રથા નાબૂદી, દૂધપીતિ કરવાનો વિરોધ, સ્ત્રીઓનો જાહેરજીવનમાં સ્વીકાર)
આ પ્રક્રિયામાં વેગ વીસમી સદીના આરંભથી આવે છે. ખાસ કરીને ગાંધીજીએ જે રીતે પોતાની ચળવળમાં સ્ત્રી અને સમાજના નીચલા સ્તરના લોકોને સ્થાન આપીને લડતને સઘન બનાવવા સાથે સમાન વ્યવહાર દ્વારા જે અસર જન્માવી તે અનન્ય છે.  શહેરો જ નહીં, ગામડાની સ્ત્રીઓ સુધી પહોંચેલી ગાંધી-અસરે આખાય ભારતમાં સ્ત્રીઓને સક્રિય બનાવી. પહેલી વાર ખુબ મોટી સંખ્યામાં સ્ત્રીઓ જાહેર જીવનમાં આવવા લાગી, સેવા સંસ્થાઓમાં, સત્યાગ્રહોમાં, કૂચ કરવામાં, પિકેટિંગ કરવામાં એટલું જ નહીં, સમાન્તર ચાલતા ક્રાંતિકારી આંદોલનોમાં પણ સ્ત્રીઓએ ખુફિયા હુમલાઓ કરવામાં, સંદેશાવ્યવહારથી માંડીને યુદ્ધની તાલીમો લેવા સુધીની વીરતા દાખવવા માંડી. કેટલાય નવા નવા ક્ષેત્રોમાં સ્ત્રીઓની હિસ્સેદારી ક્રમશઃ વધતી ચાલી. પરિણામે ભારતને આઝાદી મળી એ સમયે સ્ત્રીઓની હિસ્સેદારી અવગણી ન શકાય એટલી મોટી હતી એ એક હકીકત છે. ભલે શિક્ષણનો વ્યાપ ઘણો ઓછો હતો પણ એ સમયની એની સક્રિયતા વિશ્વમાં અજોડ કહી શકાય એવી છે.

સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો દરજ્જો.

1947માં ભારતને આઝાદી મળી. 1950માં ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું. એમાં સ્ત્રીને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો. એટલે 26 જાન્યુઆરી 1950નો દિવસ ભારતીય સ્ત્રીઓ કાનૂની રીતે પુરુષની સમકક્ષ ગણવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આપણાથી સુધરેલા ગણાતા વિશ્વના ઘણાં દેશોમાં સ્ત્રીને મતાધિકાર ભારત કરતા ઘણાં વર્ષો પછી મળ્યો છે. આ બાબતને આશ્વાસનરૂપ લઇ શકીએ એટલું જ. મતાધિકાર મળ્યા પછીએ એના ઉપયોગની સભાનતા માટે જે પુખ્તતા વ્યાપવી જોઈએ એ શિક્ષણના અભાવે, જાગૃતિના અભાવે અને સામાજિક માળખાની ચૂસ્તાના પરિણામે સ્ત્રીઓમાં કેટલા અંશે આવી છે તે એક અલગ જ સંશોધન માગી લેતો પ્રશ્ન છે.
એક અબજથી વધારે વસ્તીમાં ચાલીસ ટકા જેટલી સ્ત્રીઓનો હિસ્સો હોવા છતાં ભારતના રાજકારણમાં, ભારતની વહિવટી બાબતોમાં, નીતિનિર્ધારણની બાબતોમાં કે પછી મોટાભાગની પરંપરાગત વ્યવસાયો- ખેતી કે જ્ઞાતિના વ્યવસાયોને બાદ કરતાં કેટલા ટકા સ્ત્રીઓની સક્રિય ભૂમિકા છે એ તપાસીએ ત્યારે નારીઓના ફાળા બાબતે બહુ સુખદ પરિણામો જોવા મળતાં નથી.

વર્તમાન સમયે સક્રિય નારીઓની ભૂમિકા અને વ્યાપક માનસિકતા.

1. રાજકારણમાં સ્ત્રીઓ.

વર્તમાન સમયે રાજકારણમાં સક્રિય હોય એવી સ્ત્રીઓની સંખ્યાની રીતે જોઈએ તો ભારત દેશના ઇતિહાસમાં એના સુવર્ણકાળના મંડાણ કહી શકીએ. આખાય ઇતિહાસમાં નજર કરીએ તો આટલી મોટી સંખ્યામાં ક્યારેય સક્રિય રાજકારણમાં સ્ત્રીઓની સંખ્યા આ પહેલા ક્યારેય નથી રહી. પંચાયતોમાં સ્ત્રી અનામત બેઠકોના કારણે ભારતના પંચાયતી રાજમાં હજ્જારોની સંખ્યામાં સ્ત્રીઓ સક્રિય થઈ છે. હજ્જારો ગામડાઓમાં સ્ત્રી સરપંચ બની છે. જો કે, એની સક્રિયતા વિશે સંદેહ હોવાની પૂરી શક્યતા છે. પતિ, સસરા કે અન્યની સહાયથી તે રાજકારણમાં સક્રિયતા દાખવી રહી હોવાના સમાચારો મળતા રહે છે. અને એ હકીકત પણ છે. પરંતુ આ શરૂઆત છે. રસોડું અને ઘર છોડીને પહેલી જ વાર સક્રિય થયેલી આ નારીઓની પહેલી પેઢી શીખી રહી છે. આવનારી પેઢીઓ સક્રિય થઈને સ્વવિવેકથી વહિવટ સંચાલન કરતી થશે એ પણ હકીકત છે.
હા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ હાલ કેટલીયે સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય છે. દેશના સર્વોચ્ચ પદે સુશ્રી પ્રતિભા પાટીલ હોય, લોકસભાના અધ્યક્ષ તરીકે મીરાકુમાર, કોંગ્રેસ પક્ષના પ્રમુખ સોનીયા ગાંધી અને વિરોધપક્ષના વડા તરીકે સુષમા સ્વરાજ હોય એવી સ્થિતિ આજની વર્તમાન નારી-શક્તિનું વર્તમાન ચિત્ર રજૂ કરે છે. માયાવતી, મમતાજી, જયલલિતા, અંબિકા સોનીથી માંડી વસુંધરારાજે સિંધિયા જેવી સ્ત્રીઓએ ભારતીય રાજકારણમાં ચાવીરુપ સ્થાન મેળવ્યું છે. ઇન્દિરા ગાંધીએ વિશ્વનેતાઓમાં માનભર્યું સ્થાન મેળવ્યું છે એ કોઈથી અજાણ્યું નથી. તેમ છતાં એક હકીકત એ નોંધવી રહી કે આ સ્ત્રીઓએ રાજકારણમાં પુરુષોથી અલગ પડીને સાવ નવી અને આગવી સ્ત્રીદૃષ્ટિને ઉજાગર કરે, નારીવ્યક્તિત્વને દેશના રચનાત્મક ભવિષ્ય માટે કોઈ નવું સન્ધાન કરે એવું પ્રદાન કર્યું છે ખરું...? એવો પ્રશ્ન ઊભો થાય. જો કે આશા રાખીએ. એમાં પણ નવી પેઢી નવું કરશે.

2. વ્યવસાયિક સ્ત્રીઓ.

વ્યવસાયિક સ્ત્રીઓ-નો મોટો વર્ગ આજે અને સદીઓથી સક્રિય છે. ખેતી અને પરંપરાગત જાતિ આધારિત વ્યવસાયોમાં સ્ત્રીઓની સક્રિયતા સદીઓથી રહી છે. ઘર અને બાળ ઉછેરની જવાબદારી અદા કર્યા પછી એ પતિ અને કુટુંબને આર્થિક મદદ કરવા સતત કાર્યરત રહી જ છે. હાલ, વિવિધ સરકારી, બીનસરકારી નોકરીઓમાં સ્ત્રીઓની હિસ્સેદારી વધી રહી છે. ખાસ કરીને શિક્ષણ, નર્સિંગ, સહકારી પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની હિસ્સેદારી પુરુષો કરતાં પણ વધારે હોવાની શક્યતા છે. આ સ્ત્રીઓ પૈકી મોટાભાગની સ્ત્રીઓ પરંપરાગત જવાબદારીઓ ઉપરાન્ત વ્યવસાયિક જવાબદારીઓનું નિર્વહન કરે છે. પરિણામે બેવડી જવાબદારીઓના કળણમાં સપડાઇને પોતાના જીવનને વ્યતિત કરતી અનુભવે છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય સ્ત્રી મનથી નારીવાદ- પ્રેરીત વિચારોને સમજવા લાગી છે પણ કમનસીબે પરંપરાઓના વહન સામે વિદ્રોહ કરીને પોતાના કુટુંબ-સમાજને છેહ પણ નથી દઇ શકતી. એવી સ્થિતિમાં સેન્ડવિચ જેવી હાલતમાં જીવતી હોવાના અહેસાસ કરે છે

3. મિડિયા સાથે સંકળાયેલી સ્ત્રીઓ.

મિડિયા સાથે સંકળાયેલી સ્ત્રીઓમાં પત્રકાર, મોડેલ, અભિનેત્રીઓ વગેરે. આવી સ્ત્રીઓ આજે નારીવાદનો ચહેરો બની રહી છે. આધુનિક જીવન જીવતી, જાકમજોળ દુનીયા સાથે કદમ મિલાવતી આ સ્ત્રીઓની સમસ્યાઓ જુદી જ છે. આવી સ્ત્રીઓ જુદી જ રીતે, તદ્દન આધુનિક રીતે શોષણની ભોગ બનતી હોવાના સમાચારો પ્રગટ થતાં રહે છે. એક બાજુ સફળતાનો નશો, બીજી બાજું સ્વ સાથેનો સંઘર્ષ, સ્ટેટસ, પોતાની આસપાસના પુરુષો દ્વારા રખાતી અપેક્ષાઓ, વ્યવસાયિક અપેક્ષાઓ, કુટુંબની અપેક્ષાઓ, બાળકો અને પતિની અપેક્ષાઓ- એ ખરેખર સ્વતંત્ર થઈ શકી છે કે નવા જ પ્રકારના કળણમાં ફસાયેલી છે એ સંશોધનનો વિષય છે. જો કે, અપવાદરૂપ નારીઓ પણ આ બધા ક્ષેત્રમાં હોવાની. સિંગલ વુમન તરીકે પોતાનું જીવન જીવતી સ્ત્રીઓ પોતાના અસ્તિત્વને લઇને બહુ જાગૃત છે પણ એના પણ નોંખા પ્રશ્નો અને સમાધાનો હોવાની શક્યતા નકારી શકાય એમ નથી.

4. સામાજિક કાર્યકર્તા અને એક્ટિવિસ્ટ સ્ત્રીઓ.

સમાજમાં જઇને વિવિધ પ્રશ્નોને લઇને સામાજિક કાર્યો કરતી સ્ત્રીઓના પ્રયત્નોએ સમાજમાં ખાસ્સો બદલાવ આણ્યો છે. એ હકીકત ભૂલી શકાય એમ નથી. ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં નારીગૃહો, નારી કેળવણીની સંસ્થાઓ, હોસ્ટેલ્સ, સ્વસ્થ્ય સંબંધી સવલતો આપતી સંસ્થાઓ ચલાવાઈ રહી છે. નીરક્ષર, ગરીબ અને ત્યજાયેલી નારીઓને તેમજ ઘરેલુ નારીઓને વિવિધ ઉત્પાદક કાર્યોમાં સાંકળીને આર્થિક પગભર કરાવતી કેટલીયે પ્રવૃત્તિઓ આજકાલ ચાલી રહી છે. એના મૂળમાં સામાજિક કાર્યકર્તા બહેનો અને ચળવળો દ્વારા જાગૃતિ ફેલાવતી બહેનોનો મોટો ફાળો છે. સીધા કોઈ જ નારીવાદી આંદોલનો કરવાના બદલે પુરક પ્રવૃત્તિઓ દ્વારા સાચા અર્થમાં સમાજમાં નારીનું સ્થાન મજબૂત કરનારાં આવા પ્રયત્નો થકી સમાજમાં બદલાવ આવી રહ્યો છે.
આટલી વાત જોયા પછી પણ કેટલાક પ્રશ્નો હજી નવેસરથી આપણી સામે આવી રહ્યાં છે એ પણ જોવા જેવા છે. એને અણદેખ્યાં કરવાથી મુશ્કેલીઓ સર્જાય તેમ છે. ગર્ભનિરોધકો હોય કે સોનોગ્રાફીના મશીનની શોધ હોય કે પછી ઇન્ટરનેટ જેવા અત્યાધુનિક સમુહમાધ્યમો હોય -  આ સંશોધનો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે એ તો સ્વીકારવું જ રહ્યું પણ એના ઉપયોગ પાછળની માનસિકતા જોઈએ છીએ ત્યારે હજીએ પુરુષ માનસ કે વ્યાપક રીતે કહીએ તો સમાજનું માનસ(જેમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય છે.) એ ટેકનોલોજીનો ઉપયોગ કઇ રીતે કરી રહ્યું છે એ જોઈને ચિન્તા જન્મે તેમ છે. ગર્ભ નિરોધકોની શોધ પાછળનો આશય ઉમદા હોવા છતાં એ હકીકત છે કે વિશ્વના કેટલાય સંકુચિત માનસ ધરાવતાં સમાજો-દેશોમાં એનો ઉપયોગ સ્ત્રીગર્ભ રોકવા કે નાશ કરવા માટે જ વધું થયો છે. કદાચ ભૂતકાળમાં આટલી હદે ક્યારેય સ્ત્રીભ્રૃણની હત્યાઓ કરવામાં નહીં આવી હોય...! આ આઘાતજનક વાત ટેકનોલોજી સંદર્ભે વિચારવા જેવી છે.
એ જ રીતે ઇન્ટરનેટ જેટલું ઉપયોગી માધ્યમ બન્યું છે એનાથી એ વધારે માનવ-ચિત્તની રાક્ષસી વૃત્તિને વ્યાપક ફેલાવવાનું નિમિત્ત પણ એટલું જ બન્યું છે. ટિનએજ અને એથી એ આગળ વધીને બાળકોમાં વ્યસનરૂપે વ્યાપી ચૂકેલું ઇન્ટરનેટ માળખું વ્યભિચાર અને સામાજિક બદીઓનો પ્રચાર-પ્રસાર કરનારું માધ્યમ બની રહ્યું હોવાના અહેવાલો ચિન્તા જનક જ નહીં અંધકારમય ભાવિનો નિર્દેશ કરનારાં છે.
ટેલિવિજન અને ફિલ્મના માધ્યમથી ભાગ્યે જ કોઈ દેશ-સમાજ વણસ્પર્શ્યો રહ્યો છે આજે. આ બંને માધ્યમે માનવજાતની મોટી સેવા કરી છે. ભવ્ય ભવિષ્ય સર્જવામાં એમનો ફાળો રહેલો છે એ વાતને સ્વીકાર્યા પછી પણ જે પ્રશ્ન રહે છે તે આ જ કે, કેટલીય સામાજિક સમસ્યાના મૂળમાં પણ આ માધ્યમો રહેલા છે. હમણાં જ જેને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી એ ફિલ્મ – ‘ડર્ટિ પિક્ચર’- આ સમાજને શું ચીંધવા માંગે છે. એ કયો આદર્શ આપણી સામે પ્રસ્તૃત કરે છે...! એ પ્રશ્ન છે. એમાં કલાસર્જનની સ્વતંત્રતાના નામે દલીલો થઈ શકે પણ એ બાળમાનસથી માંડીને મોટેરાઓની કઇ વૃત્તિઓને ઉત્તેજક નીવડશે એ વિશે તો પ્રશ્ન હોઇ શકેને..? એમાં નારીનું જે રૂપ આલેખાયું છે તે સમાજની હકીકત હોવા છતાં જે રીતે પ્રદર્શિત કરાયું છે તે પ્રશ્નો નથી સર્જતું શું ? એ જ રીતે ટી.વી. પર આવતી અનેક જાહેરાતો પૈકી કોઈ જાણીતી કંપનીના પરફ્યુમની જ વાત લઇને કહીએ તો પુરુષ દ્વારા એ પરફ્યુમ છાંડવાની સાથે જ જે રીતે સ્ત્રીઓ આકર્ષાય છે- એ વાત ભારત કે વિશ્વની કોઈ સ્ત્રી માટે સહ્ય હોવી જોઈએ કે નહીં ? એ વિશે વિચારવું રહ્યું. આ તો સામાન્ય ઉદાહરણો છે. કલાઓની દુનીયા સ્વતંત્ર હોઇ શકે, કલાકારને અભિવ્યક્તિ સ્વાતંત્રય હોઈ શકે પણ સાથો સાથ સામાજિક દાયિત્વ પણ દરેક સમાજના સભ્ય માટે અનિવાર્ય હોય છે એ સ્વીકાર બળજબરીથી નહીં નૈતિકરીતે વિચારવાથી આવી શકે એ સમજવાની પુખ્તતા પણ કલાકારોથી માડી પ્રોડક્ટ કોઈપણ ભોગે વેચનારાં વેપારીઓએ અને સામે પક્ષે છીછરા પ્રલોભનોથી આકર્ષાઈ જતાં ઉપભોક્તાઓએ પણ સમજવી પડશે. અન્યથા નવા આંદોલનોની ભૂમિકા સર્જવા જઈ રહ્યાં છીએ.
સમગ્ર રીતે જોઈએ તો છેલ્લી દોઢેક સદીમાં વિશ્વભરની સ્ત્રીઓની સ્થિતિમાં ખાસ્સો બદલાવ આવ્યો છે તે જોઈ શકાય છે. સહજીવનથી માંડીને વિશ્વની કોઈપણ એવી બાબતો બાકી નથી- એ પછી રમતગમત હોય કે સંશોધનો હોય, સાહસિક પ્રવૃત્તિઓ હોય કે અધ્યાત્મની પ્રવૃત્તિઓ હોય, ઉદ્યોગો હોય કે પછી રાજકીય મંત્રણાઓ હોય, અવકાશની સફરથી માંડીને કલાની દુનીયામાં થતું ચૈતસિક ઉડ્ડયન હોય- સ્ત્રીઓએ પોતાની હાજરી મજબૂતિથી પૂરાવી છે. પૂરાવી રહી છે અને એના થકી જ વિશ્વનો બદલાવ જડપથી થઈ રહ્યો છે. કુદરતે નર-માદા યુગ્મને સૂચક રીતે જ બનાવ્યું છે. એકની પણ ગેરહાજરી કે નિષ્ક્રિયતા વિકાસને થંભાવી દે- એ હકીકતને સદીઓ સુધી અવગણી પણ હવે ચાલે તેમ નથી.

 


[1]. નારી-વિમર્શ. લેખ. શબ્દસૃષ્ટિ. નવે-ડિસે. 2002. પૃ. 236.

[2] . જૂઓ. ડૉ. રંજના હરીશનો લેખ. નારીવાદની સ્પષ્ટ વિભાવના. (શક્તિ) પૃ-27-41. ગૂર્જર પ્રકાશન. અમદાવાદ

[3] . શતરૂપા. સંપા. શરીફા વીજળીવાળા. ગૂર્જર પ્રકાશન. પ્ર.આ. 2005

[4] . ધર્મ, અર્થ, કામ અને મોક્ષ


ડૉ. નરેશ શુક્લ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
ગુજરાત કોલેજ(સાંજની) અમદાવાદ-6

 

ડૉ. હેતલ ઠક્કર
આસિ. પ્રો. સમાજશાસ્ત્ર વિભાગ
ગુજરાત કોલેજ (સાંજની)
અમદાવાદ-6