ગુજરાતમાં સ્ત્રી ઉત્કર્ષના પ્રયત્નો : એક ઐતિહાસિક અધ્યયન

More on Portrayal of Women in Social World

“તમારી દિકરીઓને ઘરેણાં આપશો તો પતિ છીનવી લેશે,
પરંતુ જ્ઞાન આપશો તો તે જબરજસ્તીથી લઇ શકશે નહિ.”
-કવિ દલપતરામ


વિશ્વના સર્જન પછી ઇશ્વરને વિચાર આવ્યો હશે કે, દુનિયાને હજી વધારે સંદર બનાવવી છે, એટલે જ તેમણે માનવનું સર્જન કર્યું. તેમણે માનવને બે રૂપ આપ્યાં: એક પુરૂષ અને બીજું સ્ત્રી. આ બંને એકબીજાના પૂરક છે; પરંતુ સ્ત્રી વગર દુનિયાનું કોઇ અસ્તિત્વ નથી. ઇશ્વરે સ્ત્રીની એવી શારિરીક રચના કરી કે સંસારમાં ભવિષ્યની પોતે રચયિતા બની ગઇ. યુગોથી જે કોઇ પુરૂષ મહાન બન્યા એની પાછળ એક સ્ત્રીનો એટલે કે મા, બહેન કે પત્નીનો હાથ અવશ્ય રહ્યો છે. માટે કહી શકાય કે યુગ ભલે ગમે તે હોય પણ સંસારની ભલાઇ સ્ત્રીના વિકાસમાં જ રહેલી છે.
સ્ત્રી ઉત્કર્ષ એટલે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, વાસ્તવિકતા કે વ્યવહારને સમજવાની સ્વતંત્ર શક્તિ ધરાવે અને એના સંદર્ભમાં પરિસ્થિતિનો મુકાબલો કરવાની, એને વળતો પડકાર આપવાવની, નિર્ણય લેવાની, પરિસ્થિતિ ઉપર ઉઠવાની – ટકી રહેવાની અને ધીરે-ધીરે પણ ચોક્કસ રીતે પ્રગતિ પામવાની સમજણ કેટલા પ્રમાણમાં ધરાવે છે એના ઉપર સ્ત્રી ઉત્કર્ષનું સ્વરૂપ આધરિત રહે છે.         પુરૂષના સ્ત્રી પ્રત્યેના વલણમાં અને સ્ત્રીના પુરૂષ પરત્વેના વલણમાં સ્વસ્થતા, સમતુલન, તટસ્થતા, માનવતા આવે તો સ્ત્રી-પુરૂષ બંનેનો વિકાસ થતાં માનવ સમાજનો માનવીય વિકાસ શક્ય બને. સ્ત્રી-પુરૂષમાં સહજીવનની સાચી સમજણ ઉભી થાય તો માનવ વિકાસનો મર્ગ અવશ્ય ખુલ્લો થાય. આ સમજણના સંદર્ભમાં ગુજરાતના ઇતિહાસમાં સ્ત્રી ઉત્કર્ષનો વિચાર અને પ્રવૃત્તિ કેવી રીતે થઇ છે તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિ પાસે પોતાનો સ્ત્રી ઉત્કર્ષની સમજણનો સંસ્કાર ન હતો એમ કહી શકાય નહીં. આ સંસ્કૃતિમાં સ્ત્રી ઉત્કર્ષની પોતાની સમજણ હતી. સલામતીના વિચારને વળગી રહી સ્ત્રી ઉત્કર્ષને સિધ્ધ કરવાનું વૈચારિક સામર્થ્ય આ સંસ્કૃતિએ કેટલેક અંશે બનાવ્યું છે.
વેદકાલીન સ્ત્રીનું સ્થાન સ્ત્રી ઉત્કર્ષનું સૂચક જણાય છે. વેદોમાં સ્ત્રીના શિક્ષણ, ચારિત્ર્ય, ગુણ, કર્તવ્ય અને અધિકારોનું વિશાળ વર્ણન કરેલું છે. આ પ્રકારનું વર્ણન સંભવત: જગતના કોઇ ધર્મગ્રંથમાં મળતું નથી. ચારેય વેદોમાં નારી વિષયક સેંકડો મંત્રો આપવામાં આવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે વૈદિક કાળમાં સમાજમાં નારીનું વિશિષ્ટ સ્થાન હતું. વૈદિક સાહિત્યના અભ્યાસથી જાણી શકાય છે કે ભારત વર્ષના સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ગૌરવવંતુ સ્થાન મળેલું છે. સ્ત્રીઓના શિક્ષણ માટેની ઉત્તમ વ્યવસ્થા હતી. સ્ત્રીઓ રાજનીતિક, સામાજિક અને વહીવટી કાર્યોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી.
બ્રાહ્મણ ગ્રંથોમાં પણ નારીને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં તેનો આદર નથી થતો અથવા તેનું અપમાન થાય છે, ત્યાં બધાં જ ધર્મ-કર્મ નિષ્ફળ જાય છે.”
તેમણે બીજું પણ કહ્યું છે કે, “જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.”
વૈદિક કાળમાં ભારતીય નારીને પુરૂષોની જેમ જ શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર હતો. જેમ કે સૂર્યા, સાવિત્રી, ઘોષા, ઇંદ્રાણી, અદિતિ, અપાલા, આત્રેયી જેવી સ્ત્રીઓએ શિક્ષણ મેળવીને ઋગ્વેદ અને અથર્વવેદમાં ૪૩૨ જેટલા વેદમંત્રોની રચના કરી છે.
મૌર્યકાળમાં ચાણક્ય જેવા મહાન અર્થશાસ્ત્રીએ સ્ત્રીઓની દશા સુધારવા માટે કેટલાંક પ્રયત્નો કર્યા હતાં. દાસ-દાસી પ્રથાને નાબૂદ કરવાનું કાર્ય ચાણક્ય એ જ કર્યું હતું.
મધ્યકાલીન યુગ સ્ત્રી માટે અંધકાર યુગ બન્યો અને સ્ત્રીઓને વિવિધ દંડકથી વંચિત રાખવામાં આવી. એનું સ્થાન નિમ્ન થતું ગયું. દંડકો અને અધિકારો છીનવાતા ગયા.
અંગ્રેજોના આગમન પૂર્વે સ્ત્રીઓની સ્થિતિ દેવી તરીકેની અથવા ગુલામ તરીકેની હતી. તેમને પણ માનવી તરીકેનું આગવું વ્યક્તિત્વ હોય છે. તેનો વસ્વીકાર કરવામાં આવ્યો ન હતો. સ્ત્રીઓના સ્વતંત્ર માનવ વ્યક્તિત્વ પરત્વે ભારતીય સમાજમાં જાગૃતિ ન હતી, પરંતુ બ્રિટિશ શાસન સાથે આધુનિક વિચારસરણીનો, આધુનિક વહીવટ, મુદ્રણાલય, રેલ્વે, તાર, ટપાલ વગેરે આવ્યાં. ભારતીય સમાજમાં પરંપરા તરફથી આધુનિકતા તરફ ગતિ કરવાનાં વલણો જણાવા લાગ્યાં. આધુનિક હિંદની સામાજિક, ધાર્મિક સુધારક ચળવળોની ગતિવિધિ જોઇએ તો પણ દેખાય છે કે બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ મુખ્યત્વે પાશ્ચાત્વ ઢબની ચળવળો હતી. જ્યારે આર્યસમાજ, રામકૃષ્ણમિશન અને થિયોસોફિકલ સોસાયટી મુખ્યત્વે પુનરુત્થાનવાદી ચળવળો હતી. આમ આધુનિકતા અને પરંપરાના અવઢવમાં સુધારક વિચારસરણીઓ ઘડાતી જતી હતી. આ વિચારસરણીઓ સ્ત્રી ઉત્કર્ષના વિચારને પણ ઉપસાવતી જતી હતી.
ગુજરાતમાં સહજાનંદ સ્વામીએ દૂધપીતીનો રિવાજ અને સતીપ્રથા નાબૂદીના પ્રયત્નો કર્યા હતા. તેમણે સ્ત્રીઓને માનભર્યું સ્થાન આપ્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાની પત્નીને પડદાપ્રથા સમાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આવી રીતે આ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. જ્યાં રાજમહેલોમાં સ્ત્રીઓના પડદા હટાવી લેવામાં આવ્યા. અહીં સ્ત્રી શિક્ષણ ઉપર ભાર દેવાની શરૂઆત થઇ.કારણ કે સ્ત્રીઓ જ સામાજિક જીવનનું સંચાલન કરતી હતી. અહીંની કેટલીક સ્ત્રીઓ લાકડી અને લેઝીમ ચલાવતાં પણ શીખી હતી.
ગુજરાતમાં અઢારમી-ઓગણીસમી સદી દરમિયાન સમાજ અજ્ઞાન બાળલગ્નો, દહેજપ્રથા વગેરે અનેક દૂષણોથી ઘેરાયેલો હતો. આ સમયે ગુજરાતમાં પશ્ચિમી કેળવણીનો પ્રારંભ થતાં આ દૂષણોને દૂર કરવા અનેક સમાજ સુધારકો આગળ આવ્યા. એના પરિણામે ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો પ્રારંભ થયો. ગુજરાતમાં સ્ત્રીઓ માટે શાળાઓ સ્થાપવાનો સૌપ્રથમ પ્રયત્ન ઇ.સ. ૧૮૪૯ માં અમદાવાદમાં શેઠ હઠીસીંગ કેસરીસીંગના કુટુંબની નાણાંકીય મદદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કર્યો હતો. શરૂઆતમાં માત્ર એક જ છોકરી નિશાળે આવતી, પરંતુ વર્ષ પૂરૂં થતાં સુધીમાં તેઓની સંખ્યા પાંચની થઇ હતી. આ સમયે કરુણાશંકર દયાશંકર નામે શાળા શિક્ષક એક ખાનગી નિશાળ ચલાવતા હતા. જ્યાં ૪૭ છોકરાઓ સાથે એક છોકરી પણ ભણતી હતી. ઇ.સ. ૧૮૫૦ માં મગનભાઇ કરમચંદની નાણાંકીય મદદથી બે કન્યાશાળાઓ શરૂ કરવામાં આવી.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાથમિક શાળાઓ માટે સ્ત્રી શિક્ષકોને તાલીમ આપવાનો પ્રયત્ન થયો હતો. આ માટે અમદાવાદમાં ઇ.સ. ૧૮૭૧ માં એક કોલેજ સ્થાપવામાં આવી હતી. આ સંસ્થાને નાણાંકીય મદદ બેચરદાસ લશ્કરીએ કરી હતી. આગળ જતાં મિશનરીઓ તરફથી છ કન્યાશાળાઓ ખોલવામાં આવી હતી. જેમાંની એક મુસલમાન છોકરીઓ માટેની ઉર્દૂ કન્યાશાળા હતી. ઇ.સ. ૧૮૭૭ માં અન્જુમને ઇસ્લામે મુસલમાન કન્યાઓ માટે નિશાળ શરૂ કરી હતી. ઇ.સ. ૧૮૯૨ માં રા.બ.રણછોડલાલે ખાડિયામાં કન્યાશાળા સ્થાપી હતી. ઇ.સ. ૧૮૯૫ માં જૈન કન્યાઓ માટે ફતાસાની પોળમાં એક કન્યાશાળા ખોલવામાં આવી હતી.
શાળાઓ શરૂ કરવા સાથે અને સ્ત્રીઓ માટે યોગ્ય પ્રકારની કેળવણીનો વિચાર કરવા સાથે જ આ સમયગાળામાં સામાન્ય શૈક્ષણિક અને અન્ય બૌધ્ધિક પ્રવૃત્તિઓમાં રસ પેદા કરવા ખાસ પ્રયત્નો થયા હતા. આ સંદર્ભમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ભજવેલો ભાગ ખાસ નોંધવા લાયક છે. તેણે પુખ્ત ઉંમરની સ્ત્રીઓ માટે ચર્ચાઓ અને વ્યાખ્યાનો યોજ્યાં અને સ્ત્રીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાન વધે તેવા પુસ્તકો પ્રકાશિત કર્યા. આ સમયે નર્મદ, દલપતરામ, નવલરામ, કરશનદાસ મૂળજી જેવા સામાજિક વિચારકોએ કેળવણી માટે જોરદાર વકીલાત કરી હતી.
આ સમયે ઘણા લોકો કન્યાને લગ્નવય થતાં લગી ચાર પાંચ ધોરણ સુધી ભણાવતા હતા. પણ નાની વયમાં થતાં લગ્નોને કારણે કન્યાઓનું શિક્ષણ અધકચરૂં રહેતું. શ્રી લાભશંકર ઉમિયાશંકરે સ્ત્રી કેળવણીના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. ઇ.સ. ૧૯૦૧ માં વિદ્યાગૌરી નિલકંઠ અને શારદાબેન મહેતા ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનાર પ્રથમ સન્નારીઓ હતાં. લગ્ન પછી પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જેને લીધે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓમાં શિક્ષણની મહત્વાકાંક્ષા જાગી હતી. આમ છતાં ઓગણીસમી સદી દરમિયાન ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો વ્યાપ જોઇએ તેટલા પ્રમાણમાં વિસ્તર્યો ન હતો.
આ સમયનું સ્ત્રીજીવન ધાર્મિક અને અનેક પ્રકારની પ્રણાલિગત રૂઢિઓથી ઘેરાયેલું હતું. અનેક સ્ત્રીઓ જ્ઞાતિની મર્યાદાઓમાં રહી જીવન વિતાવતી હતી. જ્ઞાતિની મર્યાદામાં માનનારને અનેક રીતે સહન કરવું પડતું. વડીલ વર્ગના શાસનને આધિન રહેવું પડતું. સંસારની કઠીનતાઓથી તેઓ ટેવાઇ ગયેલાં હોઇ એમને જ્ઞાતિનાં બંધનો સામે બળવો કરવાની તો કલ્પના પણ આવતી ન હતી. સ્ત્રીઓ પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિવાળી હતી. ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખી તેઓ પોતાનું જીવન વ્યતીત કરતી હતી.
જેમ જેમ સમાજમાં કેળવણીનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સુશિક્ષિત યુવકો ભણેલી અને સંસ્કારી કન્યાઓને પસંદગી કરતા થયા. આને લીધે ઉચ્ચ કોમોમાં સ્ત્રી કેળવણીને વિશેષ ઉત્તેજન મળ્યું. એની અસર અન્ય અભણ અને પછાત વર્ગની જ્ઞાતિઓ ઉપર ધીમે ધીમે વધવા લાગી. આના પરિણામે સમાજમાં બાળલગ્નોનું પ્રમાણ ઘટવા લાગ્યું.
સ્ત્રીઓમાં શિક્ષણનો ફેલાવો વધતાં સ્ત્રીઓ જાતે જ પોતાની સ્થિતિ, પોતાના હક્કો, વિશેષાધિકારો અને સમાજમાં પોતાના સ્થાન પરત્વે સભાન બની. સામાજિક પરિષદોમાં સ્ત્રીઓએ સક્રિય ભાગ લેવાની પણ શરૂઆત કરી.
ગુજરાતમાં સમાજ સુધારકોએ પણ સ્ત્રી ઉત્કર્ષના વિચારને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ ૧૮૫૮ માં જણાવ્યું હતું કે, “સ્ત્રીના હક્ક અને સ્થાન છીનવાઇ ગયાં છે.” તે જ રીતે નર્મદે ૧૮૬૫ માં જણાવ્યું હતું કે, “સ્ત્રી ધણીની ગુલામ નથી તે પણ માણસજાત છે. જેવો પુરૂષ તેવી સ્ત્રી, એકને બીજા વિના ચાલતું નથી.” આમ, વૈચારિક સ્તરે ગુજરાતના સુધારકો સ્ત્રી-પુરૂષની સમાનતાનો વિચાર કરતા થયા હતા. સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસવું જોઇએ એવું સમજતા થયા હતા. જો કે, આ વૈચારિક પરિવર્તન વાસ્તવિક વ્યવહારમાં પરિવર્તન લાવવા ઘણો સમય માંગી લે છે.
સ્ત્રી ઉત્કર્ષના વિચારનો પ્રચાર અને પ્રસાર કરવામાં ૧૮૫૪થી શરૂ થયેલા સામયિક “બુધ્ધિપ્રકાશ” એ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ માસિકના એજન્ટો સુરત, ભરૂચ, જૂનાગઢ, ધંધુકા, ખેડા, રાજકોટમાં હતા. આ કામગીરી મુખ્યત્વે શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી.
ગાંધીજીની સત્યાગ્રહ ચળવળોએ પણ બહેનોને મોટી સંખ્યામાં સક્રિય બનાવી હતી, ઇ.સ. ૧૯૧૭–૧૮નો ખેડા સત્યાગ્રહ, ઇ.સ. ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહ અને અન્ય સત્યાગ્રહોમાં બહેનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. અસહકાર, સવિનય કાનૂન ભંગ કે ૧૯૪૨ની ચળવળોમાં પણ બહેનો સક્રિય હતી.
૧૯૧૫ થી ૧૯૪૭નો સમયગાળો વિવિધ સત્યાગ્રહ ચળવળો અને પ્રવૃત્તિઓથી ધમધમતો રહ્યો હતો અને બહેનો ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી બહુ મોટી સંખ્યામાં ભાગ લેતી થઇ હતી. એટલે કે, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમનું પ્રદાન નોંધનીય રહ્યું હતું.
શરૂઆતમાં સ્ત્રી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ મહ્દઅંશે ઉપલી જ્ઞાતિઓ પૂરતી મર્યાદિત રહી હતી. આ સાથે એ પણ નોંધવું ઘટે કે ગાંધીયુગ દરમ્યાન અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી આ પ્રવૃત્તિઓનો વ્યાપ બહુજનસમાજ અને વિવિધ કચડાયેલી, દબાયેલી શ્રમિક આદિવાસી સ્ત્રીઓ સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા છે.
ભારતના બંધારણ દ્વારા સ્ત્રીને કાનૂની દ્રષ્ટિએ લગભગ પુરૂષ જેટલા હક્ક મળ્યા. આથી સ્ત્રીના દરજ્જામાં મહત્વનો ફેરફાર આવ્યો.
ગુજરાતમાં સ્ત્રી સંગઠનો દ્વારા સ્ત્રી વિકાસના પ્રયત્નો:
        સ્વૈચ્છિક મંડળો સુસંસ્કૃત સમાજનો પાયો અને મોભ છે. સુસંસ્કૃત સમાજ જેટલો મજબૂત અને કાર્યશીલ તેટલું જ રાજ્યનું જોહુકમીપણું અને સર્વવ્યાપકતા ઓછી. આવા સમાજમાં સામાન્ય જન અને સામૂહિક હિત સમાજ અને રાજ્યની વ્યવસ્થામાં કેન્દ્રસ્થાને રહે છે. સ્વૈચ્છિક મંડળો આવા સુસંસ્કૃત સમાજની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે.
વર્તમાન સમાજમાં સ્ત્રીઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમજ સ્ત્રીઓના સ્થાન સુધારણા માટે કેટલીક સંસ્થાઓ મહત્વની રહી છે. જેમાં બિનસરકારી મહિલા સંસ્થાઓ ‘જ્યોતિસંઘ’, ‘સેવા’, ‘અવાજ’, ‘ચેતના’ અને ‘અમવા’ જેવી સંસ્થાઓએ મહિલા જીવનની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કામ કર્યું છે. આ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમના જીવનના દરેક પાસાનો વિકાસ થાય અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવવી અને તેમને માનભેર જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે.
(૧) જ્યોતિસંઘ:
સ્વાતંત્ર્યની લડત સમયે શ્રી મૃદુલાબેન સારાભાઇના પ્રયત્નોથી ઇ.સ. ૧૯૩૪ માં ૨૪મી એપ્રિલે ગાંધીજીના આશિર્વાદથી આ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થા સામાજિક પરંપરાને સ્ત્રીના વિકાસમાં અવરોધ માને છે. એટલે જ જ્યોતિસંઘ રૂઠિચુસ્ત સમાજની પરંપરાઓમાંથી સ્ત્રીઓને સ્વતંત્રતા અપાવવા કામ કરે છે. સામાજિક ક્ષેત્રે પરિવાર અને અસામાજિક તત્વોથી પીડીત અને દુ:ખી સ્ત્રીઓને મદદ કરવાનું કામ જ્યોતિસંઘ દ્વારા થયું છે. જ્યોતિસંઘ સ્ત્રીઓને સામાજિક ક્ષેત્રે પુરૂષો સમાન દરજ્જો અપાવવા મદદ કરે છે. જ્યોતિસંઘ વિધવા, ત્યક્તા, કુંવારી માતા, બળાત્કારથી પીડિત સ્ત્રીઓને નૈતિક અને સામાજિક સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. આર્થિક આત્મનિર્ભરતા માટે સ્ત્રીઓ દ્વારા નાના-નાના ઉદ્યોગો (જેવા કે; કાપડ, મસાલા, નાસ્તા વગેરે બનાવવા) ચલાવવામાં આવે છે. પારિવારિક ઝઘડાઓ અને વિવાહિત જીવનમાં આવનારી સમસ્યાઓનું સમાધાન કરીને જ્યોતિસંઘ સ્ત્રીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.
(૨) સેવા:
        વિશ્વની આ જાણીતી સ્વરોજગાર સ્ત્રી-સંસ્થા અમદાવાદમાં છે. ૧૯૭૨માં અસંગઠિત અથવા અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને સંગઠિત કરવા આ સંસ્થાની સ્થાપના થઇ.
સેવા સંસ્થા સ્ત્રીઓના વિકાસમાં સૌથી મોટી અડચણ આર્થિક પરાવલંબન, ગરીબી અને શોષણને માને છે. માટે જ સેવા સંસ્થા સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીને વિકાસના માર્ગ પર અગ્રેસર કરે છે. સ્ત્રીઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એટલા માટે સેવા સંસ્થાએ સ્વાશ્રયી વ્યવસાયો અપનાવ્યા છે. આ સંસ્થાએ સહકારી મંડળીઓ દ્વારા સ્થાનિક વ્યવસાયો તેમજ પરંપરાગત વ્યવસાયોનો વિકાસ કરીને સ્ત્રીઓના આજીવિકાના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. સેવા સંસ્થાએ ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક સમસ્યાઓને સ્ત્રીઓના સહયોગથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે, બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર ગામની સ્ત્રીઓને સ્થાનિક પરંપરાગત વ્યવસાયોની (જેવા કે; ભરત ગૂંથણ, ખેતીકામ વગેરે) તાલીમ આપીને તેમજ આ વ્યવસાયો સંબંધી સાધન ઉપલબ્ધ કરાવીને તેમને રોજી રોટી પૂરી પાડી છે. તેનાથી આ ગામોમાં દુષ્કાળના સમયે ઉભી થતી આજીવિકાની તંગી અને વિસ્થાપનની સમસ્યાને રોકવામાં મદદ કરી છે.
એ જ પ્રમાણે ગીરનાર વિસ્તારમાં કપાતા જંગલોને બચાવવા માટે તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સ્ત્રીઓને વૃક્ષો વાવવા તેમજ લોખંડ અને સોપારીના કામ શીખવાડીને આજીવિકા મેળવવાના સાધનોથી પરિચિત કરાવી છે. સેવા બેન્કે સ્ત્રીઓને આર્થિક ધિરાણ સહાયતા, બચત અને જીવન વીમામાં  ભાગીદારીની તકો આપી છે. જેનાથી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાનવવામાં મદદ મળી છે. અને આ આર્થિક આત્મનિર્ભરતાની અસર તેમના જીવનના બીજા પાસાઓ ઉપર પણ જોવા મળી છે. આવી સ્ત્રીઓ પારિવારિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે પુરૂષો સમાન ગૌરવ પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.
(૩) અવાજ:
        અવાજ સંસ્થા સ્ત્રીઓમાં પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિના અભાવને સ્ત્રીઓના વિકાસમાં અવરોધ માને છે. એટલે જ અવાજ સંસ્થાએ સ્ત્રીઓની આર્થિક આત્મનિર્ભરતાની તુલનામાં સ્ત્રીઓમાં પોતાના અસ્તિત્વની ગરિમા અને અધિકારો પ્રત્યે જાગૃત નહીં થાય ત્યાં સુધી પુરૂષ પ્રધાન સમાજમાં તે શોષિત પીડિત અને દુ:ખી રહેશે. આ વિચારને લઇને અવાજ સંસ્થા સ્ત્રીઓને પોતાના અધિકાર પ્રત્યે જાગૃત કરવા માંગે છે. આ સંસ્થાનું માનવું છે કે જો સ્ત્રીઓને પારિવારિક અત્યાચારો અને સમાજના અસામાજિક તત્વોની હિંસાથી બચાવવી હશે તો લિંગભેદ પર આધારિત વ્યવસ્થાનો વિરોધ કરવો પડશે. સ્ત્રીઓને પણ પુરૂષો સમાન વ્યક્તિત્વ વિકાસના અધિકારો અને તકો મળવી જોઇએ. આ સંસ્થા સ્ત્રીઓમાં પોતાના અધિકારો પ્રત્યે ઉદાસીનતા અને અજ્ઞાનતાને દૂર કરવા માટે જાગૃતિ કેમ્પ આયોજિત કરે છે. લિંગ સમાનતા બાદ સ્ત્રીઓએ આર્થિક આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થવું જોઇએ એવું આ સંસ્થાનું માનવું છે.
(૪) ચેતના:
        આ સંસ્થાની શરૂઆત ૧૯૮૦ માં ગ્રામ્ય સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અંગેના કાર્યક્રમોથી થઇ. આ સંસ્થા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પોષણના મુદ્દાઓ વિશે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે. આ માટે સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓની ક્ષમતાવૃધ્ધિની જરૂરિયાતોને આધારે તેના વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.
(5) અમવા:
        આ સંસ્થાની સ્થાપના ઇ.સ. ૧૯૯૧માં કરવામાં આવી હતી. મુસ્લિમ સ્ત્રીઓનું સામાજિક સ્તર સુધરે, તેઓ આર્થિક સ્વતંત્રતા પણ હાંસલ કરે અને તેના પરિણામ સ્વરૂપે તંદુરસ્ત સામાજિક વ્યવસ્થા ઉભી થાય. આવા ઉમદા હેતુથી શિક્ષિત બહેનોનાં જૂથ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરી હતી.
સ્ત્રી માર્ગદર્શન કેન્દ્ર, તાલીમ વર્ગો, સબસીડી સાથેની લોન સહાય અપાવવાની કામગીરી, સ્ત્રી જાગૃતિ શિબિરો, યુવતી વિકાસ કેન્દ્ર, કુદરતી આફતો કે કોમી તનાવમાં રાહત કામગીરી, મેરેજ બ્યુરો, અમવા જકાતફંડ દ્વારા સીધી મદદ, સ્ત્રી જાગૃતિકરણ કાર્યક્રમ, અમવા સહકારી ઉત્પાદક અને વેચાણ મંડળી, અમવા ઘોડીયાઘર, શીવણ, એમ્રોડરી, લેધર રેક્ઝીન આઇટમો, સિરામીક, મોતી ઝવેલરી, મહેંદી વગેરેની તાલીમ આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ સંસ્થા દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થા માઇક્રોફાઇનાન્સના ક્ષેત્રે હવે લોકપ્રિય બનતી જાય છે.
આ સંસ્થાઓ ઉપરાંત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, પૂતળીબા ઉદ્યોગ મંદિર, ભાવનગર મહિલા મંડળ, બીજીરાજ બા અનાથ આશ્રમ, શિશુ મંડળ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, રમાબા સ્ત્રી વિકાસ ગૃહ, વિકાસ વિદ્યાલય વગેરે સ્ત્રી ઉત્કર્ષ માટેની મહત્વની કામગીરી કરે છે. આ સ્ત્રી સંસ્થાઓ સરકારી, અર્ધસરકારી અને ટ્રસ્ટ સંચાલિત કે સ્વૈચ્છિક સંસ્થા છે.
ગુજરાત સરકારે મહિલા અને બાળવિકાસ કમિશ્નરની પોલીટેકનીક અમદાવાદની કચેરી દ્વારા મહિલા અને બાળકોના વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. સમગ્ર દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ અલગ મહિલા અને બાળ વિભાગ જાન્યુ-૨૦૦૨ થી શરૂ કર્યો છે. આ વિભાગે અનેકવિધ નવીનતમ અને અસરકારક યોજનાઓ મહિલાઓના લાભાર્થે શરૂ કરેલ છે. જેવી કે મુખ્યમંત્રીની કન્યા કેળવણી યોજના, વિદ્યાલક્ષ્મી યોજના, વિદ્યાસહાયક યોજના, સર્વશિક્ષા અભિયાન, વૈકલ્પિક શૈક્ષણિક યોજના, વિધવા પેન્શન યોજના, બાલિકા સમૃધ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.
        સ્ત્રી હવે ‘અબળા નથી પણ સબળા છે.’ આ કથનને ચરિતાર્થ કરતાં-કરતાં સ્ત્રી પોતાના તનમનની સુંદરતાને જાળવી રાખીને આર્થિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહી છે. આજે મોટાભાગની સ્ત્રીઓ પગભર થઇ છે. એમાંથી કેટલીક સ્ત્રીઓ પાસે સરકારી નોકરી છે. કેટલીક પાસે પોતાના ઉદ્યોગ ધંધા છે, કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. તો કેટલીક વિવિધ સાંસ્કૃતિક ગતિવિધિઓમાં સંલગ્ન છે. ફેશન ડીઝાઇનીંગ, ગૃહસજાવટ, સૌંદર્ય વિશેષજ્ઞ વગેરે તરીકે પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીને આવનારી પેઢીઓ માટે નવો મર્ગ પ્રશસ્ત કરી રહી છે.
        આજની સ્ત્રીઓ અત્યાધુનિક બનવાની ઘેલછામાં ફેશન-સિનેમા, હોટલ, ડાન્સ-ડિસ્કો ક્લબ તરફ આકર્ષિત થઇ રહી છે. જે તેની છબી ખરાબ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ બધી જ બાબતો પોતાની મર્યાદામાં સારી છે. પરંતુ જ્યારે સ્ત્રી પોતાની મર્યાદાઓને ઓળંગે છે ત્યારે ઘર, પરિવાર અને સમાજમાં તે નિમ્ન બની જાય છે અને પોતાના સ્ત્રીત્વને ઠેસ પહોંચાડીને પોતાની ગરીમાને નુકસાન કરે છે.
        સ્ત્રીની સમસ્યાને લૈંગિક સમસ્યાતરીકે ન જોતાં માનવઅધિકારના સંદર્ભમાં જોવાનો દ્રષ્ટિકોણ કેળવવો જોઇએ. કારણ કે, સ્ત્રી અને પુરૂષ બન્ને સંસાર રથનાં બે પૈડાં છે.         આપણે સમાજ અને રાષ્ટ્રને બદલવા માંગીએ છીએ. સમાજની રોગિષ્ઠ પરંપરાઓ અને રાષ્ટ્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને તોડવા માંગીએ છીએ, આ કાર્ય માત્ર સ્ત્રી દ્વારા જ શક્ય છે. સ્ત્રી જાગૃત, ભણેલી અને સંસ્કારી હશે તો જ સમાજ બદલાશે ને રાષ્ટ્ર સજીવન બનશે. ત્યાગની સાક્ષાત મૂર્તિને પોતાના મૂળભૂત અધિકારો માટે લડત આપવી પડે. તે સમગ્ર પુરૂષ જાતિ માટે શરમની વાત છે. પુરૂષોએ પોતાના સ્વાર્થ માટે પણ સ્ત્રીઓને અધિકારો આપવા પડશે. સ્ત્રી વિકસિત નહિ બને તો પુરૂષો લકવાગ્રસ્ત બની જશે.

સંદર્ભ -
1. (સંપા.), ઋષભ દેવ શર્મા. "સ્ત્રી સશક્તિકરણ કે વિવિધ આયામ." રામકોટ હૈદરાબાદ: ગીતા પ્રકાશન, ૨૦૦૪.
2. અક્ષયકુમાર આર. દેસાઇ. “ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા.” અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, ૧૯૭૩.
3. ઉષા ભટ્ટ. “અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વ શક્તિ.” અમદાવાદ, ૧૯૮૨.
4. ચંદ્રિકા રાવલ. “જેન્ડર અને સમાજ.” અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦.
5. નીરા અ. દેસાઇ. “ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન.” નીરા અ. દેસાઇ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, ૧૯૮૩.
6. મફતલાલ પટેલ. “મહિલા અને માનવ અધિકારો.” અમદાવાદ: રન્નાદે પ્રકાશન, ૨૦૦૧.
7. વિનુભાઇ મ.પટેલ અને આરતી પી. કસ્વેકર. “લોકશિક્ષણ અને સ્ત્રી શિક્ષણ થકી સ્ત્રી ભૃણ હત્યા અટકાવીએ.” અમદાવાદ : સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ , ૨૦૦૬.
8. શેણ્ડે, હરીદાસ રામજી. "નારી સશક્તિકરણ." જયપુર: ગ્રંથ વિકાસ, n.d.
9. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અને પ્રવિણચંદ્ર ચિ. પરીખ. “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૮ અને ૯.” અમદાવાદ : ભો.જે.વિદ્યાભવન , ૧૯૮૪.

 

 

પ્રા. ડૉ. વિરસંગભાઇ આર. ચૌધરી આસીસ્ટન્ટ પ્રોફેસર (ઇતિહાસ), સરકારી વિનયન કોલેજ, બેચરાજી