મનોવિજ્ઞાનનાં મનોવિશ્લેષણાત્મક અને માનવતાવાદી પરિપ્રેક્ષ્યમાં સ્ત્રી વ્યકિતત્વનો અભ્યાસ

More on Portrayal of Women in Social World

(૧) પ્રસ્તાવના -
મનોવિજ્ઞાનની વિવિધ વિચારધારાઓમાં વર્તનવાદી, મનોવિશ્લેષણવાદી અને માનવતાવાદી વિચારધારાઓનો પ્રભાવ શરૂઆતથી લઈ આજદિન સુધી અંકબંધ રહયો છે. અરે એટલું જ નહિ ઉત્તરોતર વધ્યો છે તેમ કહેવું પણ અતિશ્યોકિત ભર્યું નહિ કહેવાય સમાજ અને સાહિત્યમાં નારી સંદર્ભે જોવા મળી રહી છે તેનાં મૂળ એક અર્થમાં જોઈએ તો મનોવિજ્ઞાનનાં વર્તનવાદી, મનોવિશ્લેષણવાદી અને માનવતાવાદી પરીપ્રેક્ષ્યમાં જોવા મળે છે સમાજ અને સાહિત્યમાં પ્રગટ થતાં નારીના વ્યકિતત્વને મનોવિશ્લેષણ અને માનવતાવાદી પરીપ્રેક્ષ્યમાં સમજવાની સ્ત્રીના વર્તનના દરજજા પાછળનાં મૂળ કારણોને સમજવામાં પણ અનુકૂલન રહેશે.
(ર) વ્યકિતત્વના સિધ્ધાંતોની પૂર્વભૂમિકા -
સ્ત્રી અને પુરૂષ અંગેનાં પ્રચલિત બીબાઢાળ ખ્યાલોને બદલે હકીકતો તરફ ધ્યાન ખેંચવાનું કામ વ્યકિતત્વના સિધ્ધાંતશાસ્ત્રીઓએ કર્યું છે. એક સિધ્ધાંત જે ર્ગિભત અથવા અવ્યકત તરીકે ઓળખાય છે તેમા એવુ પ્રતિપાદિત કરવામાં આવે છે કે સ્ત્રી અને પુરૂષ વિષેની ધારણાઓ સુચિત હોવી જોઈએ. બંને જાતિ વચ્ચે જે જૈવિક તફાવતો છે તે તો રહેવાના જ છે. આપણો અનુભવ એવુ સૂચવે છે કે એ તફાવતો અસ્પષ્ટ હોય તો પણ બધાં જ સ્ત્રી-પુરૂષો એવા ચીલાચાલુ વિચારો પ્રમાણે પોતાનું વ્યકિતત્વ વિકસાવતા નથી. જાતિભેદ વિષે ચર્ચા કરનારાઓ "આમ હોવુ જોઈએ" એવી ભાષામાં પોતાના વિચારો વ્યકત કરતા હોય છે. કોઈકે તો વળી એમ કહયું છે કે "સ્ત્રીઓને જોવી જોઈએ, સાંભળવી નહીં." સામાન્ય વાતચીતમાં જો કોઈ સ્ત્રી બુધ્ધિર્પૂવકની તાર્કિક ચર્ચા વિચારણા કરે તો એવી સ્ત્રીનો સ્વીકાર કરતાં આવા લોકો અચકાય છે. કેટલાક લોકો એમ માને છે કે સ્ત્રીત્વ, સુંદરતા અને બુધ્ધિનો અભાવ એક સાથે સંકળાયેલા છે. "સ્ત્રીઓ શું સમજે છે?" એવું કહીને કક્કો કાઢી નાખવાનું યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. જો એ બુધ્ધિ ભર્યું વર્તન કરે તો એનામાં સ્ત્રીત્વનો અભાવ છે અને એ પુરૂષ જેવી છે એવો આક્ષેપ સમાજમાં અમુક વર્ગો હંમેશા વિનાસંકોચે કરતાં હોય છે. આવી ધારણાઓમાં કે આક્ષેપોમાં કેટલું તથ્ય છે ને કેટલું નકરૂં જુઠાણું છે એ વિષે વિચારવાનો પ્રામાણિક પ્રયાસ કરવો રહયો.
જાતિને કારણે એવી કઈ મર્યાદા ઉભી થાય છે કે જેને ઓળંગી ન શકાય? બાળપણના અનુભવો, ઉછેર વગેરે સ્ત્રીમાનસમાં કેવા પ્રકારની અસરો કાયમ માટે નીપજાવે છે તે સમજવું જોઈએ. જિંદગીની શતરંજમાં સ્ત્રીઓ એક પ્યાદા જેવી છે કે એને બીજા જેમ ચલાવે તેમ તે ચાલે કે પછી એ ચાવીવાળું રમકડું  છે કે એની આંતરિક ગોઠવણ પ્રમાણે અનુસરે કે પછી એનું સ્વતંત્ર વ્યકિતત્વ છે કે એને સ્વતંત્ર અરમાનો છે કે અને એને જેમ વર્તવું હોય તેમ વર્તવાની છૂટ છે? આ પ્રશ્ન અંગે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં બે વિરોધાભાષી અભિપ્રાયો પ્રવર્તે છે - (૧) પ્રત્યાઘાતી અને (ર) અગ્રલક્ષી પ્રથમ મતાનુસાર વાતાવરણ જે ઉદ્દીપકો પૂરાં પાડે છે અને જે દૃઢીકરણો પ્રાપ્ત થાય છે તેને અનુસરવાની વાત છે. જયારે બીજા મત મુજબ સ્ત્રીઓએ કેમ વર્તવું તે તેઓ સ્વંય નક્કી કરે છે. પોતાના ધ્યેયો, મૂલ્યો અને સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને ભૂતકાળ તથા વર્તમાનકાળ કેટલાંક અવરોધો અવશ્ય ઉભા કરે તો પણ એ અવરોધોથી હારીથાકીને પારોઠના પગલા ભરવાને બદલે સ્ત્રીઓ પોતે નવો રસ્તો પકડે અથવા ચીલો ચાતરીને આગળ વધે. વાતાવરણને એ પોતાના ધ્યેયોને અનુરૂપ વળાંક પણ આપે અને એમ કરતાં જે સ્વતંત્રતા મળે તેનો ઉપયોગ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે કરે. આ બંને મતમતાંતરોમાંથી કયો સાચો અને કયો ખોટો એ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ રીતે આપવો ઘણો અઘરો છે. આમ છતાં બંને પ્રકારની સ્ત્રીઓ કોઈપણ સમાજમાં આપણને આજે પણ જોવા મળે. એક જે પ્યાદા તરીકે વર્તતી અને બીજી વાતાવરણને બદલીને મૌલિક રાહ પસંદ કરતી. પ્રખ્યાત માનસશાસ્ત્રી અને વ્યકિતત્વના ક્ષેત્રમાં સિધ્ધાંત પ્રદાન કરનાર ગોર્ડન ઓલપોર્ટ એમના પુસ્તક Becoming : Basic Considerations a Psychology of Personality (1955) માં સૂચવે છે તેમ ઘણૂં ખરું સામાન્ય લોકો એમની જિદંગીમાં જે કાંઈ બને કે મળે એની સામે પ્રત્યાઘાતી બને છે, કમ્પ્યુટરની જેમ એમાં જે કાંઈ દાખલ કર્યું હોય એ જ પ્રમાણે એ વળતી રજૂઆત કરે છે તેમ જે પ્રમાણે આપણને પહેલાં શીખવવામાં આવ્યું હોય તે મુજબ વાતાવરણમાં જે ઉદ્દીપકો પ્રાપ્ત થાય તેની પ્રતિકિ્રયા વ્યક્ત કરીને વર્તવાનું પસંદ કરીએ છીએ કારણકે એમાં ખાસ વિચારવું પડતું નથી અને ચાલુ ચીલા પણ ચાલવું એ ઘણું સહેલું છે, નવો ચીલો પાડવામાં થોડું કષ્ટ ઉઠાવવું પડે છે. પણ અગ્રલક્ષી ખ્યાલ મુજબ લોકો પહેલ કરે છે, એમના વર્તનનું મૂળ એમની અંદર જ પડેલું હોય છે એટલે કે પ્યાદાને બદલે મૌલિક રીતે વર્તે છે, એ લોકો પોતે જ નક્કી કરે છે કે એમના જીવનને કેવો વળાંક આપવો છે.સાધારણ રીતે આપણી મૂળભુત જરૂરીયાતો સંતોષાય એટલે કે ખોરાક, કપડાં વગેરે મળી રહે અને ઘર્ષણ ઉદ્વેગ કે તાણથી બચવા અસરકારક રીતે વર્તી શકીએ છીએ. આપણે પોતે જ નક્કી કરીએ છીએ સભાન રીતે કે ભવિષ્યમાં કયાં મૂલ્યો અપનાવીને, કયાં ધ્યેયો હાંસિલ કરવાં છે એમાં આપણને નડતી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં નડવાની મુશ્કેલીઓને નજર અંદાજ કર્યા વગર આપણે ધ્યેય તરફ પ્રયાણ ચાલુ રાખીએ છીએ. મૌલિક રાહ પસંદ કરવાની સ્વતંત્રતાને માણીને જીવીએ છીએ.ઓલપોર્ટ કહે છે તેમ માનસિક રીતે અસ્વસ્થ માનવીઓની જેમ પ્રતિકિ્રયાત્મક રીતે વર્તવાને બદલે અગ્રલક્ષીરીતે વર્તવું વધુ હિતાવહ છે. અત્યંત સ્પષ્ટ છે કે પ્રત્યાઘાતી કે પ્રતિકિ્રયાવાદી વલણ અગ્રલક્ષી બનવામાં જબરો ગતિરોધ ઉત્પન્ન કરે છે. તેમ પ્રત્યાઘાતી વલણ આપણને સ્વતંત્ર રીતે તેમજ દૃઢતાપૂર્વક વર્તવા દેતું નથી.
પ્રતિક્રિયાવાદી વિચારસરણીના જનક સિગમંડ ફ્રોઈડ મનાય છે અને અગ્રલક્ષી વિચારધારાના જનક કાર્લ રોજર્સ ગણાય છે. જયારે કાર્લ યુંગ આ બંને અંતિમ વિચારધારાઓનું સંયોજીત સ્વરૂપ વર્ણવવાનો પ્રયાસ કરે છે.
(૩) ડેવિડ બકાનનો મત -
ડેવિડ બકાન એમના પુસ્તક The Duality of Human Existencs : an Essay on Psychology and Religion માં એક મહત્વના મુદ્દા તરફ આપણૂં ધ્યાન ખેંચે છે. દરેક માનવીના વિકાસમાં જે સામાજીક સંસ્થાઓ જે રીતનો ફાળો આપતી હોય તેને ધ્યાનમાં રાખીને પરલક્ષી દૃષ્ટિએ વિચાર થવો જોઈએ. આત્મરક્ષણ, અસ્મિતા અને સ્વવિસ્તારનો આધાર સામાજીક સંસ્થાઓ જેવી કે કુટુંબ, શાળા, કોલેજ વગેરે ઉપર રહેલો છે. પુખ્ત વ્યકિતમાં સમાજ સાથેનો સંબંધ સંતુલિત અને સુયોજિત જોવા મળે છે. સમુદાય સાથેના સબંધો અરસપરસ પ્રકારના જોવા મળે છે એટલે સ્ત્રીત્વઅને પુરૂષત્વએમ બે ખાનાંઓમાં માનવજાતિને ગોઠવવાનું બરાબર નથી, ઉભયલીંગી સમાજનું ઘડતર હિતાવહ નથી અને પુખ્તવયના લોકોમાં બંને પ્રકારના ગુણોનો સમન્વય જોવા મળે. સ્ત્રીત્વ સાથે સામુદાયિકતા અને પુરૂષત્વ સાથે સકતૃત્વ સબંધીને સાંકળવાનું અને એ રીતનું બંને જાતિનું સામાજીકરણ કરીને ચોક્કસ બીબાંઓમાં ઢાળવાનો પ્રયાસ બરાબર નથી.
(૪) ર્ડા. સિગમંડ ફ્રોઈડનો સિધ્ધાંત -
સ્ત્રીઓ પરત્વે ફ્રોઈડના મંતવ્યોની ઘણી ટીકા થયેલી છે. એના વિચારો વિશે ગેરસમજો પણ પ્રવર્તે છે. ફ્રોઈડના ઘણા બધા સિધ્ધાંતોમાંથી સ્ત્રીઓ પરત્વેનો ખ્યાલ કોઈપણ જાતના સંદર્ભ વિના ઉપાડવામાં આવ્યો હોય એવું પણ લાગે છે. આમાં થોડે ઘણે અંશે ફ્રોઈડનો પોતાનો પણ દોષ હશે. સ્ત્રી મુકિતના આંદોલનના નેતાઓએ ફ્રોઈડના વિચારો અને ખાસ કરીને વ્યકિતત્વના વિકાસના વિચારની ઠેકડી પણ ઉડાડી છે. જુલિયટ મીચેલ, શુલમીથ ફાયરસ્ટોન, કેરેન હોર્નિ, કાર્લ યુંગ, કલેરા થોમસન, બ્રુનો બેથેલેમે પોતપોતાનાં લખાણોમાં કડક ટીકા કરેલી છે. આપણે જાણે છીએ કે ફ્રોઈડના તારણો માનસિક બિમાર અને એના જમાનાના યુરોપના સમાજના અમુક વર્ગમાંથી ઉપચાર માટે આવેલી સ્ત્રીઓના વિશ્લેષણની નીપજ હતા.આમછતાં ફ્રોઈડે સ્ત્રીઓના વ્યક્તિત્વના વિકાસમાં ભૂમિકાઓની અપેક્ષાઓના પ્રભાવની જે વાત કરી છે તેને નકારી શકાય એમ નથી. એના મત પ્રમાણે માનવીય કિ્રયાઓ પ્રેરણામાંથી જ ઉદ્ભવે છે અને બધું જ માનવીય વર્તન અતાર્કિક અને ઉર્ધ્વગામી છે. ચેતસિક શકિતની જરૂરતો બધી જ કિ્રયામાં રહે છે. આપણી બધી જ પ્રવૃતિઓનું ધ્યેય પ્રેરણાતૃપ્તિ છે અને મૃત્યું આપણી અંતિમ ધ્યેય છે. મૃત્યુપર્યંત આપણે સતત સમાજ સાથેના સંઘર્ષમાં વ્યસ્ત રહીએ છીએ. પ્રેરણાતૃપ્તિના માર્ગમાં સમાજ અને સંસ્કૃતિના ધારાધોરણો અવરોધ ઉભા કરે છે. જૈવિક સમાનતાને કારણે માનવજાતની મૂળભૂત એષણાઓ સરખી છે આમછતાં આપણી ચેતસિક ઉર્જાનો ઉપયોગ સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવારણને માટે દરેક વ્યકિત જુદી જુદી રીતે કરે છે એ હકીકત છે. વ્યકિતની ગત્યાત્મકતા અને વિકાસનો ફ્રોઈડનો આ સિધ્ધાંત વ્યકિત ચેતસિક ઉર્જાનો વિનિમય કેવી રીતે કરે છે એના પર મદાર બાંધે છે.
જાતીય તફાવતોની સમજ ચાર થી છ વર્ષના ગાળામાં ઉગે છે એવું એનુ માનવુ હતું. છોકરા-છોકરીઓના શરીરમાં જે જુદાપણું છે તે તરફ દરેક બાળકનું ધ્યાન ખેંચાય છે. ખરેખર જોઈએ તો ભેદભાવના પ્રારંભની આ અવસ્થામાં ઉભયગુણવિધતા વિકસાવી શકાય પણ પુરૂષપ્રધાન સમાજોમાં એ શક્ય બનતું નથી.વ્યકિતનો વિકાસ જૈવિક અને વાતાવરણજન્ય શક્યતાઓના સંતોષ વચ્ચેની આંતર રમત દ્વારા જ સંભવિત બને છે. સામાજિક વાતાવરણમાં છોકરા-છોકરી વચ્ચેના ઉછેરભેદનો પ્રારંભ ઘણો વહેલો થઈ જાય છે. એક લેખકે કહયું છે તેમ વિદેશોમાં બાળક હોસ્પિટલમાં જન્મે કે તરત એને ભૂરા રંગની પટ્ટી કાંડા પર લગાડી દેવામાં આવે છે જેમાં એનુ નામ લખેલુ હોય છે ને છોકરીને ગુલાબી રંગની પટ્ટી લગાડાય છે. આપણે ત્યાં મહારાષ્ટ્રમાં છોકરી જન્મે તો જલેબી અને છોકરો જન્મે તો પેંડા વહેંચવાનો રિવાજ અમેરિકામાં સીગરેટ અને ચીરૂટ વહેંચવાને મળતો આવે છે.
લઘુતાનાં બીજ નાનપણમાં વવાઈ જાય છે ને ઘીમે ઘીમે અંકુરિત થઈને એના સમગ્ર સ્વને આવરી લે એવું ફ્રોઈડનું કહેવું હતું. છોકરીનું કૌટુંબિક વાતાવરણ આ માન્યતાને દૃઢ કરે છે કારણકે માતા પોતે પણ પોતાના વિષે નીચો ખ્યાલ ધરાવતી હોય છે. પુત્રના જન્મ માટે પુરૂષનું શુક્ર નિર્ણાયક ભાગ ભજવે છે. છોકરા-છોકરીઓ વચ્ચે સરખામણી થતી જ રહેતી હોય છે. યુવાવસ્થામાં પુત્રી પિતા તરફ અને પુત્ર માતા તરફ આ કારણસર આકર્ષાય છે એમ કહીને ફ્રોઈડે ઈડીપસ ગ્રંથિનો ખ્યાલ રજૂ કર્યો હતો. સ્ત્રીઓમાં શિષ્ન ઈર્ષ્યા અને પુરૂષોમાં શિષ્નલોપના ભયની વાત ફ્રોઈડે કરી હતી.
ફ્રોઈડના ઘણા બધા ખ્યાલોનો વિરોધ થયો છે. ખાસ કરીને શિષ્ન ઈર્ષ્યાના બોધનનો સજજડ વિરોધ થયો છે. શિષ્નલોપના બોધનની પણ ટીકા થઈ છે. ફ્રોઈડના બધા જ વિચારોને સમજવા માટે ડુંગળીના છોંતરાં ઉખાડવાં પડે એવું પણ કોઈકે કહયું છે. જો કે ફ્રોઈડના અજ્ઞાત મનનો ખ્યાલ અને મનોજાતીય વિકાસના ખ્યાલને થોડા ઘણા ફેરફાર સાથે ઘણા મનોવિશ્લેષકો સ્વીકારે છે. ફ્રોઈડ દરેક સમાજમાં પ્રવર્તમાન બેવડાં ધોરણોથી માહિતગાર હતો અને સ્ત્રીઓને સમાજની રૂઢિઓના બંધનો શિકાર બનાવતાં હતા એથી પણ એ વાકેફ હતો.
(પ) યુંગની વિચારસરણી -
યુંગના મતાનુસાર મહત્વ આત્માવિષ્કાર તરફ પ્રયાણનું છે જેમાં દરેક વ્યકિત પછી તે સ્ત્રી હોય કે પુરૂષ પોતાના અંતઃસત્વને પામવા મથે છે. અપૃર્ણતામાંથી પૂર્ણતા તરફની આ મજલ છે અને આદર્શ પરિણામ વિકાસનું છે. માત્ર વ્યકિતના ગુણલક્ષણો સ્ત્રીત્વ અને પુરૂષત્વમાં આરોપણ બીબાંઢાળ ખ્યાલોથી જુદુ પડતું હોઈ તેમજ ઉભયગુણવિધતા સાથે સંબંધ ધરાવતું જણાયું હોઈ એને અગ્રલક્ષી ગણ્યું છે. ભૂતકાળને બદલે ભવિષ્ય તરફ મીટ માંડવાનું યુંગનું સૂચન વાસ્તવમાં સ્ત્રીઓએ અપનાવીને પોતાના વ્યકિતત્વના વિકાસ માટેની પ્રવૃતિઓમાં રત રહેવું જોઈએ.
(૬) રોર્જસનું પ્રદાન -
કાર્લ રોર્જસ અને યુંગે ભલે જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કર્યુ હોય પરંતુ બંને જીવનને એક સર્જનાત્મક વિકાસની પ્રકિ્રયા ગણે છે એ દૃષ્ટિએ બંનેનું મહત્વ સ્વીકારવું રહયું. ફ્રોઈડ કે યુંગની જેમ રોજર્સ જાતીય તફાવતો કે સમાનતાની ચિંતા કર્યા વગર સ્ત્રી-પુૃરૂષને વ્યકિત તરીકે જોવાની ભલામણ કરે છે. તદ્ઉપરાંત એ વ્યકિતની સંભવિત શકિતઓના વિકાસમાં અવરોધ કે દરમિયાનગીરી કરનાર સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને સ્વ-આવિષ્કાર તરફ આગળ વધવાનું સૂચવે છે. રોજર્સ એવું માને છે કે બધાં જ જીવસ્વરૂપો માનવીય અને અમાનવીયમાં અંતર્ગત રીતે સ્વ-આવિષ્કાર તરફનું વલણ રહેલું છે ભલે એ મકાનના નકશાની જેમ એકદમ સાકાર ન બનતું હોય. આપણું આ વલણ પસંદગી વાળું, સર્જનાત્મક અને દિશાસૂચક હોય છે. આપણૂં જીવન ટકાવવા અને આગળ વધારવા આપણે મથીએ છીએ. જે કોઈએ કોઈ બીજમાંથી અંકુર ફૂટતાં અને છોડરૂપે ફાલીને કળી બેઠેલી અને કળીમાંથી ફૂલ ખીલવાની પ્રકિ્રયા ધ્યાનથી નીરખી હોય તે વિકાસની અંતર્ગત શકિત અને પ્રકિ્રયાને બરાબર સમજી શકશે. માનવજીવનનો વિકાસ આવો જ ચમત્કારી ગણાય છે. રોજર્સ વધારામાં એવુ પણ સુચવે છે કે માનવી પણ ફૂલની માફક જીવનના વેગનો વિશ્વાસ કરે છે અને આજુબાજુનાં પરિબળોને અનરૂપ બનાવીને વિકાસ સાધે છે. એ કહે છે તેમ આપણી સમગ્રતામાં આપણે જેવા છીએ તેને બદલે આપણે જેમ વિચારીએ છીએ તેવા છીએ એમ માનીને સ્વ-આવિષ્કારનો પ્રયાસ કરતા રહીએ છીએ. આ વલણ માનસિક પ્રકારનું છે જે આપણને વર્તવા, વિકસવા અને આપણે આપણા વિષે જે જાગ્રત મત ધરાવીએ છીએ તેને સુસંગત રીતે અનુભવવા તરફ આપણને દોરી જાય છે. નાનપણમાં અન્ય લોકો આપણને અવગણે  છે કે સ્વીકારે છે એ મુજબ આપણો સ્વ વિષેનો ખ્યાલ અથવા સ્વબોધ વિકસે છે. ઉછરતા બાળકને સ્વીકૃતિનો અનુભવ થાય તો પોતાની મહત્તાનું ભાન એનામાં કેળવાય, મોટપણે અન્ય લોકો આપણી સાથે જે રીતે વર્તે તેનું આંતરીકરણ કરીને આપણા વિકાસની દિશા નક્કી કરીએ છીએ. રોજર્સનો એકબીજો ખ્યાલ સંપૂર્ણ કાર્યરત વ્યકિત અંગેનો છે. આવી વ્યકિતની વ્યાખ્યા આપતાં એ વર્ણવે છે કે આવી વ્યકિત સર્જનાત્મક હોય, અનુભવો પરત્વે ખુલ્લું મન ધરાવતી હોય, પૂર્વગ્રહોથી પીડાતી ન હોય, વાસ્તવિકતામાં ગોઠવવાને બદલે એને બદલીને પોતાનું ધ્યેય સિધ્ધ કરવાની વૃત્તિવાળી હોય, રચનાત્મક નિર્ણયો દ્વારા આત્મવિશ્વાસ વધારતી હોય. યક્ષ પ્રશ્ન પોતાની જાતને ઓળખીને એને પામવાની અને સાચુકલી વ્યકિત બનવાનો છે. આમાં નથી વાત સ્ત્રી-પુરૂષના ભેદની કે નથી શરતી સ્વીકારની. દરેક વ્યકિતનું સન્માન જળવાવું જોઈએ, કોઈ ઉંચું નથી ને કોઈ નીચું નથી, બધીજ વ્યકિતને સ્વ-આવિષ્કારનો હક્ક છે, દરેકે એ તરફની પોતાની મજલ ચાલુ રાખવી જોઈએ.
(૭) સારાંશ -
ઉપરોકત મનોવિશ્લેષણવાદી અને માનવતાવાદી એવા બે પરિપ્રેક્ષ્યો બે જુદા જુદા અભિગમો પ્રતિકિ્રયાથી અને સમગ્રથી અભિગમો થકી સ્ત્રી વ્યકિતત્વને સમજાવવાનો પ્રયાસ કરે છે. જે મૂળતઃ સ્ત્રીના અજાગ્રત અને સામાજીક પ્રેરણ પર વધારે ભાર મૂકે છે અને પ્રેરણાને સમજવા વિભિન્ન સમસ્યાનાં મૂળભૂત ઉપાયો શક્ય નથી અને સમસ્યાનાં મૂળભૂત ઉપાયો કર્યા વગર સમસ્યાનો કાયમી ઉકેલ પણ શક્ય નથી. સ્ત્રીના દરજજામાં આવી રહેલ વિધાયક પરિવર્તન પણ અતિ સમાનતાને જ આભારી છે. આજ વિચારધારા વધારે પરિપક્વ રીતે આગળ વધે એ જ સમયની માંગ અને અનિવાર્યતા છે. આમ જે ઉજજળ ભવિષ્ય જે આધારસ્તંભ બનશે એ પણ નિર્વિવાદ હકીકત છે.


ર્ડા. નિલેષ જે. ગઢવી
મનોવિજ્ઞાન વિભાગ,
એમ.એન.કોલેજ,
વિસનગર