સેકન્ડ સીટીઝન

More on Portrayal of Women in Social World

ઈ.સ.ની ર૧મી સદીના દ્વિતીય દસકમાં વિશ્વ પહોંચી ચૂકયું છે. ઈ.સ.ની ર૦મી સદી બે મહાયુઘ્ધો ઠંડુ યુઘ્ધ જેવી મહાન રાજકીય ચળવળોની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ તથા સંસ્‍થાનવાદ અને સામ્રાજયવાદની નાગચૂડમાંથી બેઠા થયેલા અનેક રાષ્‍ટ્રોના ઉત્‍થાનની સાક્ષી બની હતી. સ્ત્રીઓ અને તેમની સમસ્યાઓ તથા સમાજમાં સ્ત્રીનો દરજજો તેને લઈને પણ ૧૯મી અને ર૦મી સદીમાં વિશ્વભરમાં ખાસ્સી ચળવળો ચાલી. ૧૯મી સદીથી સ્ત્રીના સ્થાનમાં પરીવર્તન લાવવા મથતા આ આંદોલનને નારીવાદી આંદોલનની સંજ્ઞા મળી. વર્તમાન સમયમાં તેનો ચોથો તબકકો ચાલી રહયો છે. આ નારીવાદી ચળવળોએ પશ્ચિમ વિશ્વમાં નારીમુકિતને કાજે ખાસ્સુ કાર્ય કર્યું છે. શરુઆતમાં એન્ટી-સ્લેવરી આંદોલનથી શરુ થયેલ આ ચળવળ બીજો તબકકો આવતા સ્ત્રીઓના રાજકીય અધિકારો અને સ્ત્રીને સેકન્ડ સીટીઝનમાંથી ઈકવલ સીટીઝનશીપ તરફ જઈ રહયો છે. આગળ જતાં નારીને સંપત્‍તિનો અધિકાર પુરુષો જેટલી જ રોજગારીની તકોનો અધિકાર અને શિક્ષણના અધિકારની વાત આ આંદોલને સુપેરે કરી છે.
ઈ.સ.ની ૧૯મી અને ર૦મી સદીમાં થયેલ સામાજિક-ધાર્મિક સુધારક ચળવળોએ પણ સ્ત્રીઓના સમાજપરિવર્તન અર્થે અનેક આંદોલનો ચલાવેલા. ર૦મી સદીમાં ભારતમાં પૂર્વાર્ધમાં અને સ્‍વતંત્રતા બાદ દલિત આંદોલનો અને નારીવાદી આંદોલનો જોવા મળે છે. જોકે બંને આંદોલનોમાં ઘણો ફર્ક છે, તેમ કેટલીક સમાનતાઓ પણ છે.
ઈ.સ.ર૦૦૪ના યુનાઈટેડ નેશન્સના હયુમન ડેવલપમેન્‍ટ રિપોર્ટ પ્રમાણે સામાન્ય સ્ત્રીઓ પુરુષો કરતા વધારે કાર્ય કરે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલાક ચૂંટેલા વિકસિત દેશોમાં પુરુષોની સરખામણીએ સ્‍ત્રી ર૦% વધારે કાર્ય કરે છે. અથવા તો પુરુષોના કાર્યના ૧ર૦% જેટલું કાર્ય કરે છે અને પ્રતિદિવસ પુરુષો કરતાં ૧૦ર મીનીટ વધુ કાર્ય કરે છે. વિકાસશીલ દેશોના સર્વેમાં યુનાઈટેડ નેશન્‍સનો રિપોર્ટ દર્શાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ પ% વધારે કાર્ય કરે છે. અથવા તો પુરુષોના કાર્યના ૧૦પ% કાર્ય કરે છે. અને પ્રતિદિવસ પુરુષો કરતાં ર૦ મીનીટ વધારે સમયનું યોગદાન આપે છે. કેનેડા, ડેન્‍માર્ક, હંગેરી, ઈઝરાયલ અને નેધરલેન્‍ડના સર્વેમાં યુનાઈટેડ નેશન્‍સ દર્શાવે છે કે સ્‍ત્રીઓ વિશ્‍વમાં ૬૬% જેટલું કાર્ય કરે છે, વિશ્‍વનું પ૦% જેટલું ફૂડ ઉત્‍પાદન કરે છે. પરંતુ માત્ર તેમાંની ૧૦% આવક અને ૧% સંપત્‍તિ ધરાવે છે.
ઈ.સ. ર૦૦૪ના ઉપરોકત આંતરરાષ્‍ટ્રીય રિપોર્ટને ઘ્‍યાને લઈએ તો નારીવાદની દશા અને દિશા બંને સમજાય છે. સાહિત્‍યમાંઅને સમાજમાં નારી એ વિશેના અનેક સેમિનાર્સ અને ચર્ચા સભાઓ થાય છે. પરંતુ હજુ પણ સ્‍ત્રીઓ જાણે કે સેકન્‍ડ સીટીઝન હોય તેમ જણાય છે. આ સમસ્‍યાનો શું ઉકેલ હોઈ શકે ? ૧૮મી સદીના ઉતરાર્ધમાં શરુ થયેલ પ્રબુઘ્‍ધવાદ અને તેણે પ્રબોધેલ માનવ સમાનતાનો ખ્‍યાલ કે ૧૯મી સદીના મહાન સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળો કે ર૦મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. આ બધામાંથી નારીવાદ અને નારીવાદી આંદોલનો લગભગ પસાર થઈ ચૂકયા છે. આ બધાનો પ્રભાવ ચોકકસપણે સ્‍ત્રીના વિકાસમાં અને સમાજ પરિવર્તનક્ષેત્રે પડયો છે. ર૦મી સદીએ નારીમુકિત આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી છે. ઈ.સ. ૧૯૧૯માં શોધાયેલ સેનેટરી નેપકીનથી લઈ ર૦મી સદીના ઉતરાર્ધમાં શોધાયેલ ગર્ભનિરોધક ગોળીઓ, ફ્રિઝ, માઈક્રોવેવ ઓવન, શહેરીકરણ, શિક્ષણ આ બધા વિકાસને પરિણામે સ્‍ત્રીઓની સ્‍થિતિ ઘણી સુધરી. સમાજની માનસિકતામાં પણ પરીવર્તન આવ્‍યું. વર્તમાન સમયમાં ર૧મી સદીના ફેમીનીઝમની વાતો થવા લાગી છે. ત્‍યારે સ્‍ત્રીઓના અધિકારો પરત્‍વે સ્‍ત્રીઓએ જ સંગઠિત થવું પડશે. અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓ સ્‍ત્રી સમાનતા માટે કામ કરે છે. પરંતુ જયાં સુધી સ્‍ત્રીને રાજકીય અધિકારો આપવામાં નહીં આવે તથા વ્‍યવસ્‍થિત રીતે કાયદાના પરીપ્રેક્ષ્યમાં સંપત્‍તિના અધિકારો આપવામાં નહીંઆવે તો સ્‍ત્રી સમાનતા પૂર્ણપણે સ્‍થપાશે નહિં.
મિશેલ બેકલેટ નામના મહિલા દક્ષિણ અમેરિકાના ચીલી રાષ્‍ટ્રના ઈ.સ.ર૦૦૬થી ઈ.સ.ર૦૧૦ દરમિયાન રાષ્‍ટ્રપ્રમુખ રહેલા. તેઓ યુનાઈટેડ નેશન્‍સના વુમન ડીપાર્ટમેન્‍ટના પ્રથમ જનરલ અને એકઝિકયુટીવ ડાયરેકટર રહી ચૂકયા છે. તેઓ લેટિન અમેરિકાના પ્રથમ મહિલા ડિફેન્‍સ મીનીસ્‍ટર પણ રહી ચૂકયા છે. થોડા સમય પૂર્વે જ તેઓ ભારત આવ્‍યા ત્‍યારે આ સંદર્ભે એમની સાથે ભારતીય પત્રકારો અને પ્રબુઘ્‍ધ લોકોએ ચર્ચા વિચારણા કરી. તેઓ ભારતીય સંસદમાં મહિલા રીઝર્વેશન બીલ સંદર્ભે પણ બોલ્‍યા છે. એટલું જ નહિં જેન્‍ડર ડીસ્‍પરેટી વિશે પણ તેમણે વિચારો રજૂ કર્યા છે.
મિશેલ બેકલેટ સ્‍પષ્‍ટપણે એમ માને છે કે નિર્ણય લેનારી કોઈપણ સત્‍તા ધરાવતી સંસ્‍થામાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ ઓછામાં ઓછું ૩૦% હોવું જોઈએ. ૧૯૯પમાં બેઈજીંગ કોન્‍ફરન્‍સ પણ આ વાત તેમણે મુકી હતી.
શું મિશેલ બેકલેટ કહે છે તેમ સ્‍ત્રીઓને રાજકીય અધિકારો આપવાથી સ્‍ત્રી સમાનતા સાધી શકાશે? ભારતીય સંસદમાં ૩૩% સ્‍ત્રી અનામતનો ખરડો છેલ્‍લા ચારેક વર્ષથી અટવાયેલો છે. જો તે પસાર થાય તો ભારતમાં સ્‍ત્રીઓને ઉચ્‍ચ દરજજો પ્રાપ્‍ત થઈ શકે? હું માનું છું કે મિશેલ બેકલેટ કહે છે તે બિલકુલ સત્‍ય છે. તેમના વિચારો કાલ્‍પનિક કે કપોળ કલ્‍પિત નથી, વાસ્‍તવિકછે. ઈ.સ. ૧૯૯૧માં ભારતીય સંવિધાનમાં પંચાયતીરાજ વ્‍યવસ્‍થાને કાયદાનું સ્‍વરૂપ આપવામાં આવ્‍યું. એટલુંજ નહિં આ કાયદા અન્‍વયે સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓમાં ૩૩% મહિલા અનામત દાખલ કરવામાં આવી. ૧૯૪૭માં જેમ કેટલાય લોકોએ ધારણા કરી હતી કે ભારતમાં લોકશાહી કયારેય સફળ નહીં થાય. તેવી જ વિતંડાવાદી ધારણાઓ આ ૩૩% મહિલા અનામત સાથે જોડવામાં આવી હતી. શું મહિલાઓ શાસન કરી શકશે? તેઓ પારદર્શી વહીવટ આપી શકશે. તેમની શારીરિક બાબતો એ માટે બોજારૂપ તો નહિં બને? જેવી અનેક બાબતો તે સમયે ચર્ચાતી. પરંતુ તેનો બહુ અદભૂત ઉત્‍તર તેમણે આપ્‍યો છે.
ઈ.સ.ર૦૦૯માં રાજસ્‍થાન રાજયમાં પંચાયતમાં ચૂંટાયેલ સ્‍ત્રીઓ, તેમની કાર્યશૈલી, તેમના લોકહિતના કાર્યો અને પુરુષ સરપંચની સરખામણીમાં સ્‍ત્રી સરપંચનું યોગદાન એ સંદર્ભે એક રસપ્રદ સર્વેક્ષણ થયું છે. આ સર્વેક્ષણના તારણો આંખ ઉઘાડનારા છે. રાજસ્‍થાન જેવા પછાત અને બહુશિક્ષિત ન હોય, સામાજિક રીતે રૂઢિચૂસ્‍ત ગણાય. તેવા રાજયમાં થયેલ આ સર્વેક્ષણ સ્‍પષ્‍ટ કરે છે કે જયાં પુરુષ સરપંચ હોય છે ત્‍યાં કોમ્‍યુનિટી હોલ(ગપ્‍પા મારવા માટે અથવા જુગાર રમવા માટે) તથા ગામના પાદરમાં સ્‍ટ્રીટ લાઈટની વ્‍યવસ્‍થા(રાત્રે ટોળાં કરી બેસવા માટે)ના કાર્યો મહદ અંશે કરવામાં આવ્‍યા હતા. જયારેજયાં સ્‍ત્રી સરપંચો સત્‍તાએ હતા ત્‍યાં પીવાના પાણીનો હેન્‍ડ પંપ તથા આ હેન્‍ડ પંપની બાજુમાં જ સ્‍ટ્રીટ લાઈટની વ્‍યવસ્‍થાનો આગ્રહ જોવા મળ્‍યો છે. આ બાબત દર્શાવે છે કે પુરુષ માત્ર પોતાને કેન્‍દ્રમાં રાખે છે. જયારે સ્‍ત્રી આખાય કુટુંબને કેન્‍દ્રમાં રાખે છે. પુરુષને આપણે રાજકારણમાં જોઈએ છીએ ત્‍યારે તે પોતાના વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરવાને બદલે જાણેકે પોતાની જ્ઞાતિનું પ્રતિનિધિત્‍વ કરે છે. તેનાથી રાષ્‍ટ્રનો વિકાસ શકય નથી.
નજીકના ભવિષ્‍યમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્‍યારે અનેક લોકો પોતાની જ્ઞાતિના કદ પ્રમાણે વિધાનસભાની જગાઓ માગી રહયા છે. કોળી, રાજપુત, પટેલ, બ્રાહમણો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ જેવા વિભિન્‍ન વર્ગો પોતાના સમાજના લોકો રાજકીય અધિકારો પ્રાપ્‍ત કરે તે માટે લોબીંગ કરે છે. તો સ્‍ત્રીઓએ સંગઠિત થઈને રાજકીય હકકો માટે જાગૃત થવામાં વાંધો શું છે? ર૦મી સદીના દલિત આંદોલનને જોઈએ તો સામાજિક સુધારણાના આંદોલનો કરતાં તેમણે મેળવેલા રાજકીય અધિકારોએ તેમને વધારે સ્‍વતંત્રતા બક્ષી છે. મહાત્‍મા ગાંધી અને ડોકટર આંબેડકર વચ્‍ચે આ બાબતે ઘણી ચર્ચાઓ ચાલી હતી. ડો. આંબેડકર દલિતોના રાજકીય અધિકારો પરત્‍વે મકકમ હતા. તેમણે સ્‍પષ્‍ટ કર્યુ કે સદીઓથી પછાત રહેલા દલિતોનેરાજકીય અધિકારો નહી મળે તો તેમનો વિકાસ અસંભવિત છે. શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજસુધારા પણ પૂર્ણપણે સમાનતા સ્‍થાપી શકવા અસમર્થ છે. માટે રાજકીય અધિકારો અનિવાર્ય છે. જો સ્‍ત્રી સમાનતાને ખરા અર્થમાં લાવવી હોય તો સ્‍ત્રીઓને તેમની સંખ્‍યા પ્રમાણે રાજકીય અધિકારો આપવા જ જોઈએ.
ર૦મી સદીના મહાન ચિંતકોમાં જેને સ્‍થાન આપી શકાય તેવા વિમલા ઠકારે પોતાના વિશ્‍વ વિખ્‍યાત પુસ્‍તક ભમન કે ઉસ પારભ માં મનુષ્‍યને પોતાની ચેતનાને સંકોરી મનથી પાર લઈ જવાની વાત કરી છે. તેઓ કહે છે કે જો આપણે માનસશાસ્‍ત્ર અને મનોજગતની વાત કરીશું તો હજારો વર્ષ જુના કલ્‍પનો અને રૂઢિઓ તેની સાથે આવશે. ગીતાના સાક્ષીભાવને સમર્પિત વિમલા ઠકારના આ ભમન કે ઉસ પારભ વિચારને સ્‍ત્રીઓએ અને પુરુષોએ પણ અમલમાં મુકવો રહયો.
વર્તમાન વિશ્‍વમાં હજુ પણ સ્‍ત્રીઓને માત્ર લિંગભેદને કારણે અનેક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. નારીવાદી ચળવળોએ ખાસ્‍સુ કાર્ય કર્યુ છે. પરંતુ ભારત અને ત્રીજા વિશ્‍વના અનેક દેશોમાં સ્‍ત્રી સમાનતા કે સ્‍ત્રીના સામાજિક દરજજામાં બહુ મોટા ફેરફારો આવ્‍યા નથી. શિક્ષણ અને રાજકીય અધિકારો જ સ્‍ત્રીને સેકન્‍ડ સીટીઝનમાંથી ઈકવલ સીટીઝનશીપ તરફ લઈ જશે એવી આશા ઠગારી નહીં નીવડે.

 

 

 

પ્રો. જનક ગઢવી
અઘ્‍યક્ષ, ઈતિહાસ વિભાગ
ગુજરાત આર્ટ્‌સ એન્‍ડ કોમર્સ કોલેજ,
એલિસબ્રીજ, અમદાવાદ.