કાવ્ય

(1)
લોહીના ખાબોચીયાં...
કાચની કરચો
તુટી ગયેલી દુકાનોના કાટમાળ..
એની નીચે ધરબાઈ ગયેલી લાશો
એ લાશોની આંખોમાંના અધૂરાં સ્વપ્નો..
એ સ્વપ્નામાં ગૂંથાયેલો એનો પરિવાર..
એ પરિવારના અઢળક પ્રશ્નો..
એ પ્રશ્નોની મૂગી ચીસો...
એ ચીસોના પોતાના ઘ
ઘામાંની વેદના..
બધ્ધે બધ્ધુ જ ખડકાઈ જશે હમણાં કચરાની જેમ.
કલાક બે કલાક પછી બધું સાફ સુથરું થઈ જશે.
બે દિવસમાં તો ફરી ધમધમતું થઈ જશે બજાર...
માત્ર અટકી જશે  પરિવારના શ્વાસ
જેમના ઘરમાંથી નીકળેલો જીવતો જણ.
લાશ બનીને ફેંકાઈ ગયો..
કોઈના પિશાચી યજ્ઞમાં હોમાઇ ગયો...
શહેર તો શહેર છે એને ક્યાં કોઈ ફેર પડે છે...?
જ્યારે જ્યારે ફેર પડે છે
ત્યારે પડે છે તો માત્ર ને માત્ર...
શહેરના કોઈ ચોક્કસ બજારમાં
બોમ્બ બ્લાસ્ટમાં ફૂરચા થઈને ઊડી ગયેલા
પારેવાના અનાથ માળાને....!
(2)
ફરી કોઈ માનો જણ્યો..
ફરી કોઈ બેનીનો વીર...
ફરી કોઈ ભાર્યાનો ભરથાર..
ફરી કોઈ જણ્યાનો બાપ...
ઘરે આવશે જ નહીં...
આવશે એના ક્યારેય પાછા નહીં આવવાના સમાચાર...
ડૂમો, ડૂસકા...અને આક્રંદ...!!
(3)
આવતી કાલથી,
એણે જીવનને નવેસરથી ગઠવવું પડશે.
સૌથી પહેલા તો છાપામાં નોકરી વિષયક જાહેરાત જોવી પડશે.
દીકરીની ફી માટ દાગીના ગીરવે મુકવાય જવું પડશે.
દાગીના ન હોય એણે શું કરવું એ પ્રશ્ન તો ખરો જ..!
સાંજનું વાળું અને સવારની ચા તો રોજની રામાયણ..
બપોરે તો કંઇ ના હોય તો ચાલે...!
આવા આવા તો કંઈ કેટલાય પ્રશ્નો એને ઘેરી વળશે...
કેમ..?
કેમકે એ પ્રશ્નોનો પહેરદાર
હણાઈ ગયો
એક જ ધડાકે...
કોઈના એક કારમા સ્મિતને સંતોષવા...


ભરત ઠાકોર, અમદાવાદ

 


000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us