સાહિર અને જાદુ
લેખક: ગુલઝાર
અનુવાદ: દીપક રાવલ

આ સાહિરની નનામી ઉઠી તે પહેલાની વાત છે.
હું વાત જાદુની કરી રહ્યો છું અને સંદર્ભ સાહિર લુધિયાનવીનો છે.
જાદુ અને સાહિરનો સંબંધ વિલક્ષણ હતો. જાદુ, જાવેદ અખ્તરનું હુલામણું નામ છે, લાડનું નામ. મિજાજ કવિનો પણ અને વિદ્રોહી પણ... આખો વંશવેલો જ એવો છે. બાપ જાં નિસાર અખ્તર. મામા મજાજ અને હવે સસરા કૈફી આઝમી.
બાપનો આદર તો એણે કદી કર્યો નહિ. કૈક ગુસ્સો હતો. નારાજગી હતી જે જાદુની રગેરગમાં ભરી હતી પોતાના બાપ વિરુદ્ધ. મા જીવતી હતી ત્યારે તો સહન પણ કરી લેતો હતો પરંતુ એમના ગુજરી ગયાં પછી વાતે વાતે ઘરેથી નીકળી જતો અને સીધો સાહિરને ત્યાં પહોંચતો. એનો ચહેરો જોઈને જ સાહિર સમજી જતા કે પાછો બાપ સાથે ઝઘડો કરીને આવ્યો છે. પરંતુ એ આ વાતનો જરા પણ ઉલ્લેખ ન કરતા. જાણતા હતા કે પહેલા તો જાદુ ભડકશે અને પછી રોઈ પડશે. બંને પરિસ્થિતિઓમાં એને સંભાળવાનું કામ અઘરું હતું.
થોડો સમય જવા દઈને કહેતા, “જાદુ, આવ ચાલ નાસ્તો કરી લે”.
અને નાસ્તો કરતા- કરતા જાદુ જાતે જ બોલી બોલીને બળાપો કાઢી લેતો અને રડમસ ચહેરે એ ત્યાં જ દિવસ પસાર કરતો. પરંતુ ક્યારેક ક્યારેક એમ પણ બનતું કે સાહિર એને ચેતવી દેતા કે અખ્તર આવવાનો છે, બપોરે જમવા.’
જાદુ નજર ઉઠાવીને જોતો કે અહીયાં પણ ચેન નથી. એનું ચાલતું તો સાહિરને મોઢે જ કહી દેતો, ‘ આ બાપ દરેક જગ્યાએ, દરેક સમયે શા માટે ?’
જાદુ દીકરો હતો જાં નિસાર અખ્તરનો અને એનો મિજાજ હતો એના મામા મજાજનો. ખુબ લાગણીશીલ અને બહુ ગુસ્સાવાળો....સાહિરે એને દીકરાની જેમ રાખ્યો અને દોસ્તની જેમ સંભાળ્યો. સાહિર કહેતા જાદુ એરોઝમા સરસ ફિલ્મ લાગી છે યાર. અરે શું નામ છે એનું... જા જોઈ આવ...’  
અને એ રીતે એ બાપ દીકરાનો સામનો થતો બચાવી લેતા. સાવ અનોખો સંબંધ હતો સાહિર અને જાદુનો.
એક વાર તો સાહિરના ઘરેથી પણ નીકળી ગયો.
તમે જ બહુ માથે ચડાવ્યો છે મારા બાપને.”
સાહિર હસી પડ્યા તો જાદુએ કહ્યું, “મારો બાપ પણ આજ રીતે હસે છે મારા પર. મારે કોઈ જોઈતા નથી; ન એ ન તમે”. અને લડીને ઘરેથી નીકળી ગયો.
થોડા દિવસ ગાયબ રહ્યો. બહુ સ્વાભિમાની હતો. નાક બહુ ઊંચું હતું અને મિજાજ એનાથી પણ ઊંચો. ખબર નહિ ક્યાં સુતો અને ક્યાં ખાધું!
કમાલ સાહેબ, કમાલ અમરોહીના પ્રોડક્શન મેનેજર સાથે દોસ્તી હતી. એની સાથે સાંજ પસાર કરી લેતો અને રાતે ત્યાં જ સ્ટુડીઓમાં , પ્રોડક્શન સ્ટોર માં સુઈ જતો. એ સ્ટોરમાં જ્યાં દરેક પ્રકારનો પ્રોડક્શનનો સામાન પણ ભરેલો હતો. મીનાકુમારીની બે ફિલ્મફેર એવોર્ડની ટ્રોફીઓ પણ ત્યાં પડી હતી. તે એક આદમકદ આઈના સામે ઉભો રહીને પોતાને જ ટ્રોફી આપતો અને પછી પોતે જ ટ્રોફી લેતો. પછી પ્રેક્ષકો તરફથી તાળીઓ પડતો અને પછી નમીને લોકોનો આભાર પણ માનતો. આ પ્રસંગ જાદુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યો હતો કે લગભગ રોજ સુતા પહેલા આનું પુનરાવર્તન કરતો હતો. કેટલાય દિવસો પસાર કર્યા આ સ્ટુડીઓમાં.
પછી જયારે સાહિરને ઘરે દેખાયો તો મોં ઉતરેલું હતું, ચહેરો સુકાઈ ગયો હતો. સાહિરે લાડથી બોલાવ્યો પણ જાદુનો ગુસ્સો હજી ઉતાર્યો નહોતો.
ફક્ત નહાવા માટે તમારો બાથરૂમ અને સાબુ વાપરવા માગું છું. જો તમને વાંધો ના હોય તો.. ......”
જરૂર”. સાહિરે રજા આપી ને કહ્યું કંઈક ખાઈ લે”.
ખાઈ લઈશ ગમે ત્યાં, તમારે ત્યાં નથી ખાવું મારે
જયારે નાહીને આવ્યો ત્યારે સાહિર ડ્રેસિંગ ટેબલ પર, એક સો રૂપિયાની નોટ સામે રાખીને, પોતાના વાળમાં સતત કાંસકો ફેરવી રહ્યા હતા અને જાવેદને આ રૂપિયા રાખીલેએવું કહેવા માટે શબ્દો શોધી રહ્યા હતા. જાવેદની ખુદ્દારીથી ડરતા પણ હતા, ઈજ્જત પણ કરતા હતા. આખરે ડરતા ડરતા કહી દીધું, “જાદુ, આ સો રૂપિયા રાખીલે. હું તારી પાસેથી લઇ લઈશ’.
સો રૂપિયા એ જમાનામાં બહુ મોટી રકમ હતી. સો રૂપિયા ના છુટ્ટા કરાવવા લોકો બેંકમાં જતા કે પેટ્રોલ પંપ પર.
જાદુએ સાહિર પર અહેસાન કરતો હોય એમ નોટ લીધી, ’રાખી લઉં છું, જયારે પગાર મળશે ત્યારે પાછા આપી દઈશ.’
જાવેદ શંકર મુકર્જીનો આસિસ્ટંટ બની ગયો હતો ત્યાં એની મુલાકાત સલીમખાન સાથે થઇ હતી. એ પછી એ બહુ કમાયો. દારૂ મામાની જેમ પીતો હતો અને પીને બાપ પર ભડાસ કાઢતો હતો સાહિરની સ્ટાઈલમાં. પરંતુ એ સો રૂપિયા એણે કદી પાછા ન આપ્યા. હજારો કમાયો, પછી લાખો પણ આવ્યા પરંતુ સાહિરને હંમેશ કહ્યું:
તમારા સો રૂપિયા તો હું ખાઈ ગયો’.
અને સાહિર પણ હંમેશા કહેતા એ તો હું તારી પાસેથી કઢાવીશ બેટા...’
આ ચણભણ સાહિર અને જાદુ વચ્ચે છેલ્લા દિવસો સુધી ચાલતી રહી. સાહિરના બહુ દોસ્તો નહોતા પરંતુ એ દોસ્તપરવર મનુષ્ય હતા અને સાંજે દારૂ પીધા પછી ઘણા લોકોને ઐસી તૈસી કરી નાખતા હતા. એ દિવસોમાં કૃષ્ણચંદ્ર વાળા મકાનમાં રહેતા હતા, એમના જુના દોસ્ત ઓમપ્રકાશ અશ્ક વરસો એમની સાથે રહ્યા. એકવાર મારી સામે જ અશ્ક સાહેબે પંજાબીમાં કહ્યું હતું સાહિર, દારૂ પીધા પછી તું ગાળાગાળી કેમ કરે છે?’
સાહિરે પંજાબીમાં જ જવાબ આપ્યો હતો દારૂ સાથે ચટપટું તો જોઈએને યાર!”
સાહિરના મિત્રોમાં એક ડોક્ટર કપૂર પણ હતા જે પોતે હૃદય રોગી હતા પરંતુ સાહિરના મિત્ર હતા. સાહિર કહેતા કપૂર, તને જોવા હું આવું કે મને બતાવવા આવું?”
એ સાંજે...એ છેલ્લી સાંજે પણ આમ જ થયું. આટલા વરસોમાં સાહિરે  પોતાનું મકાન બનાવી લીધું હતું. ‘પરછાઈયાં’. ડૉ.કપૂર, વર્સોવા એક બંગલામાં જતા રહ્યા હતા. જાદુ એક ખુબ સફળ લેખક બની ગયો હતો. એ સાંજે સાહિર ડૉ. કપૂરને જોવા ગયા હતા. ખબર મળી હતી કે એમની તબિયત ઠીક નથી. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.શેઠ એમને જોવા આવી રહ્યા હતા. કદાચ રામાનંદ સાગર પણ ત્યાં હતા કે પછી આવ્યા. સાહિરે કપૂરનું મન હળવું કરવા પત્તા મંગાવ્યા અને એની પથારીમાં બેસીને જ રમવા લાગ્યા. પત્તા વહેંચતા વહેંચતા અચાનક ડૉ.કપૂરે જોયું, સાહીરનો ચાહેરો સખત થઇ રહ્યો હતો. કદાચ એ પીડા દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કપૂરે કહ્યું સાહિર’! અને એ સાથે જ સાહિર એ પથારીમાં ઢળી પડ્યા. ડૉ.શેઠ દાખલ થયા. હૃદય ચાલુ કરવા બહુ પ્રયત્ન કર્યો પરંતુ સાહિર ચાલ્યા ગયા હતા. ડૉ.કપૂરને ગભરાયેલા જોઈને રામાનંદ સાગર એમને તરત ત્યાંથી પોતાને ઘરે લઇ ગયા. સહીરનો ડ્રાઈવર અનવર દોડતો આવ્યો. એણે શબ સાંભળી લીધું. યશ ચોપડા એમની ખૂબ નજીક હતા. એમને ત્યાં ખબર આપી તો તેઓ શ્રીનગર ગયા હતા. એ પછી જાદુને ખબર આપવામાં આવી. ડ્રાઈવર નહોતો તેથી એ ટેક્સી કરીને પહોંચ્યો અને એ જ ટેક્સીમાં સાહિરને એના ઘરે લઇ આવ્યા, ‘પરછાઈમાં. અનવર અને ટેક્સીવાળાની મદદથી એમને ઉપર લઇ ગયા. પહેલા માળે, જ્યાં એ રહેતા હતા.
જાદુ જાણે કોઈ શૂન્યમાં હતો. પરંતુ ઘરે પહોંચીને એ એમના ગળે વળગીને જે રીતે રોયો છે, જીંદગીમાં એટલું કદી નહોતો રોયો. એ વખતે રાતનો એક વાગ્યો હશે. ક્યાં જાય? કોને બોલાવે? જાદુએ કંઈ કર્યું નહિ. એકલો બેસી રહ્યો એની પાસે. આસપાસના પડોસીઓ આવી ગયા હતા. એક પડોસીએ કહ્યું થોડી વારમાં લાશ અકડવા લાગશે. બંને હાથ છાતી પર લઈને બાંધી દો. પછી મુશ્કેલી થશે.’
જાદુ રોતો રહ્યો અને લોકો જેમ કહેતા ગયા એમ કરતો રહ્યો.
પછી સવાર થતા થતાં લોકોને ફોન કરવા શરુ કર્યા. જેમ જેમ ખબર ફેલાતી ગઈ તેમ તેમ લોકો આવવાના શરુ થયા. બેસવા માટે ચાદર કાઢો. અહીંથી ખુરસીઓ હટાવી દો. ત્યાંનો દરવાજો ખોલી નાખો. બાળકની જેમ જાદુના આંસુ વહી રહ્યા હતા અને એ બધા કામ કરી રહ્યો હતો.
નનામીની તૈયારી કરવા નીચે આવ્યો તો જોયું કે ટેક્સીવાળો ત્યાં જ ઉભો છે.
અરે! કહ્યું કેમ નહિ? કેટલા પૈસા થયા તારા?’
એ કોઈ બહુ ઉમદા વ્યક્તિ હતો. તરત હાથ જોડ્યા.
હું સાહેબ...ના પૈસા માટે નથી રોકાયો. આવું બન્યા પછી.... રાતે હું ક્યાં જતો?’
જાદુએ ખીસ્સામાંથી પાકીટ કાઢ્યું. ટેક્સીવાળાએ પાછું કહ્યું ના, સાહેબ રહેવાદો’.
જાદુએ લગભગ ચીસ પાડીને કહ્યુંઆ લે, રાખ સો રૂપિયા. મરીને પણ પોતાના રૂપિયા કઢાવી લીધા!’
અને પછી હિબકેને હિબકે રડી પડ્યો.
આ સાહિરની નનામી ઉઠી તે પહેલાની વાત છે.


000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us