લોકગીતોમાં સ્ત્રીજીવન : નૂતન પરિપ્રેક્ષયમાં

લોકગીતના સર્જનના પાયામાં પડી છે લોકહ્રદયનીઉછળતી ઊર્મિઓ. જયારે આ ઊર્મિઓગીત બનીને વહે છે ત્યારે તેની આસપાસના જીવનનાં તમામ પ્રતિબિંબને સાથે લઈને આવે છે.  તેના પ્રત્યેનો ભાવ-અભાવ, રાગ-દ્વ્રેષ,  સુખ-દુ:ખનો સમુચિત સમન્વય લોકગીતોમાં થતો હોય છે. સંસારમાં પ્રાપ્ત થતી આનંદની ક્ષણો અને સાથોસાથ દુ:ખનાં ડૂસકાંઓ  લોકગીતમાં સંભળાય છે તેનુ નિમિત્ત કયારેક પ્રકૃતિ તો કયારેક આપ્તજનો પણ બને છે.
લોકગીતનું ઉદ્ ભવ સ્થાન એટલે નારીહદય.શ્રીઝવેરચંદ મેઘાણી લખે છે : 'શરદ પૂનમની રાત હોય અને ચાંદો અવકાશે ચડયો હોય ત્યારે બેઠેલી સરખે-સરખી સાહેલીઓના ગળામાંથી આપમેળે ગીત વહી નીકળે અને એ ગીત ગંગા બને છે.'  આ ગીત નિમિત્તે સ્ત્રીઓ પોતાના પરિવારના એક-એકસભ્યની કલ્પના કરે એમાંથી એક આદર્શ કુટુંબ -  સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી,નણંદનું ચિત્ર ઊપસી આવે છે. જેમ કે-

આજ રે સપનામાં મે તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે સાહેલી મારા સપનામાં રે,
ડોલતો ડુંગર ઈતો મારા સસરા જો
ખળખળતી નદીએ રે સાસુજી મારા ના'તાં'તાં રે,
ઘમ્મર વલોણું ઈતો અમારાજેઠ જો
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં'તાં રે ,
લવિંગ લાકડી ઈતો અમારે દેર જો
ઢીંગલીને  પોતિયે  દેરાણી  મારાં  રમતા'તાં રે,
જટાળો જોગી ઈતો અમારો નણદોઈજો
સોનાની થાળીએ રે   નણદી   મારાં ખાતાં'તાં રે,
પારસ પીપળો ઈતો અમારો ગોર જો
તુલસીનો કયારો રે ગોરાણીમારા પૂજતાં'તાં રે ,
ગુલાબી ગોટો ઈતો અમારો પરણ્યો જો
ફૂલડિયાની ફોયરું સાહેલી મારી ચૂંદડીમાં રે.

ગીતમાં પ્રત્યેક કુંટુંબીજન તેના યથાસ્થાને વર્ણવવામાં આવ્યું છે. એવી જ રીતે...
સસરો તે રણમલ રાજિયો રે,
સાસુડી સમદર લેર-વા'લા
જેઠ આષાઢીલો મેવાલિયો રે,
જેઠાણી વાદળવીજ-વા'લા
દેર  દડૂલા દોડવે    રે,
દેરાણી મારલી જોડય - વા'લા
નણદી તે ઉડણ ચરકલડી રે,
ઊડી જાશે    પરદેશ- વા'લા.
આવું કુંટુબજીવન સંસારના ફલક પર પ્રાપ્ત થાય તો માણસને સ્વર્ગની શોધ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી, પરંતુ લોકગીતનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરનારને કે તેના બન્ને પાસાંનો સમતુલિત રીતે અભ્યાસ કરનારની નજર સમક્ષ એક બાબત આવ્યા વિના રહેતી નથી કે કુટુંબજીવનમાં કયારેક અતિ ગુંગણામણની સ્થિતિ પણ સર્જન પામતી હોય છે. એ જ વાતાવરણમાં અણગમતું અને અઘટિત કહી શકાય તેવું મૃત્યુ પણ વહોરવું પડતું હોય છે. એવાં તો અસંખ્ય ઉદાહરણો આપણે લોકગીત માંથી મળી રહે છે.
સ્ત્રી પરણીને સાસરે આવે એ પછી એની આખી દુનિયામાં પરિવર્તન આવી જતું હોય છે. પોતાના પિતૃગૃહને ત્યજીને તે જાણે નવો જન્મ ધારણ કરતી હોય છે. તેની સાથેના એક-એક પાત્રનો સંબંધ બદલાઈ જતો હોય છે. માતાને સ્થાને સાસુ, પિતાના સ્થાને સસરા, ભાઈના સ્થાને જેઠ, બહેનના સ્થાને નણંદ-આ બધાંની વચ્ચે પોતાની જાતને જાણે ગોઠવી દેવાની હોય છે, સમાધાન કરી લેવાનું હોય છે. અહિયાંથી સંસારનો ખરો પ્રારંભ થાય છે.  આજ સુધી કરેલી કલ્પનાઓ વાસ્તવિકતાની અણી પર કસાય છે. પછી જે ગીત સ્ફુરે છે એ ગીતમાં લોકસમુદાયની ખરી લાગણીનો પડઘો સંભળાય છે. આથી એમ કહી શકાય કે લોકગીતમાં આગળ જે રમ્યજીવનની કલ્પનાઓ રજૂ થઈ છે તે તો કોઈ સાસરે ન આવેલી,  કુમારિકા કે યુવતીની છે. આથી જ લોકગીતોમાં આવાં કુટુંબચિત્રના મનભાવન નિરૂપણનાં ઓછાં મળે છે. તેની સામે  દર્દની ઘૂંટાતી લાગણીનાં ગીતો વધુ મળે છે. તેનો વ્યાપ પણ અનેક ગણો વધારે છે.
આવા લોકગીતોમાંથી એક સંયુકત કુટુંબનું ચિત્ર આપણી સમક્ષા આવે છે. તેમાં સ્ત્રીને સહન કરવાં પડતાં દુ:ખોનો નર્યોનિતાર ગાવામાં આવે છે. એમાંથી સાસરિયાનાં એકેએક પાત્રની ખરી ઓળખ થાય છે. કેટલાંક દૃષ્ટાંતો દ્વારા એનો પરિચય મેળવીએ :

ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
મારો સસરો તીંસાંઢિયા જેવડો
કાંઈ ડગ ડગકરે કાંઈ ડગ ડગ કરે.
ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
મારી સાસુ તે મરચા જેવડી
કાંઈતીખી લાગે કાંઈ તીખી લાગે.
ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
મારો જેઠ તો જોડા જેવડો
કાંઈકિંચૂડ કરે કાંઈ કિંચૂડ કરે.
ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
મારો દેર તે દેડકા જેવડો
કાંઈ ડેં ડેં કરે કાંઈ ડેં ડેં કરે.
ચાંદલિયા વીર માને કે'જો કે આણાં મોકલે
મારી નણંદ તી વીંછણ જેવડી
કાંઈ ચટકા ભરે કાંઈ ચટકા ભરે.
અહિંયાં નાયિકા હાસ્યાસ્પદ રીતે પોતાના સાસરિયાંને રજૂ કરે છે. પણ એટલી તો અવશ્ય ખાતરી થાય છે કે હાસ્યની પાછળ કંઈક વિડંબના રહેલી છે. એટલે જ આવું ટિખળયુકત ચિત્ર રજૂ કરવા માટે નાયિકાને પ્રેરે છે. જો શિષ્ટસાહિત્યમાં આવી રચનાઓ મળે તો આપણે એમ સ્વીકારીએ કે તે સર્જકગત અનુભવ હશે, પણ લોકગીતમાં તો સંઘોર્મિ  વહેતી હોય છે. આથી આ વ્યંગ-કટાક્ષા કોઈ એક વ્યકિતનો નથી પરંતુ આખા જનસમુદાયનું પ્રતિનિધિત્વરૂપ છે. આવા પરિવારમાં સ્ત્રીની કેવી સ્થિતિ થાય તે આપણે લોકગીતના આધારે જ તપાસીએ-
ઘર પછવાડે રે બેની, એક બાવળિયો રે
સોટા વાઢયા ચાર... બેડું મારું નંદવાણું રે
પે'લો તો સોટો બેની મને સબોડિયો રે
સાંભર્યાં મા ને બાપ... બેડું મારું નંદવાણું રે
બીજો તે સોટો બેની મને સબોડિયો રે
સાંભર્યાં ભાઈ-ભોજાઈ... બેડું મારું નંદવાણું રે
ત્રીજો તે સોટો રે બેની મને સબોડિયો રે
સાંભર્યાં સૈયરુંના સાથ... બેડું મારું નંદવાણું રે
ચોથો તે સોટો રે બેની મને સબોડિયો રે
જીવ ગયો અકલાશ... બેડું મારું નંદવાણું રે
(રઢિયાળી રાત, પૃ.૧૦૧)
ગીતમાં, આધુનિક સમયમાં માનવામાં ન આવે તેવી શારીરિક સજાની વાત નાયિકા કરે છે. આથી પણ આકરી વેદનાનાંલોકગીતો મળે છે. જેમ કે-
દાદા તે દીકરી વઢિયારે ના દેજો જો
વઢિયારી સાસુડી દાદા દોયલી
દિ'એ દળાવે મને રાતડીએ કંતાવે જો
પાછલે તે પરોઢિયે પાણીડાં મોકલે
ઓશિકે ઈંઢોણી વહું પાંગતે સીંચણિયું જો
સામે તો અરોડિએ વહું તમારું બેડલું
ઘડો ડૂબે નૈ મારું સીંચણિયું નવ પોગે જો
ઊગીને આથમ્યાં કૂવા કાંઠડે
ઊડતાં પંખીડાંમારો સંદેશો લઈ જાજે જો
દાદાને કે'જે મારી માતાને નો કે'જે જો
માતા છે માયાળુ આંસુ ઝેરશે
કૂવેનો પડજો ઘીડી, અફીણિયાંનો ઘોળજો
અજવાળી આઠમનાં આણાં આવશે
કાકાના કાબરિયા મામાના મૂઝડિયા જો.........
(રઢિયાળી રાત, પૃ. પ૭)
પ્રસ્તુત ગીતમાં  ચૈતસિકસ્થિતિ રજૂ થઈ છે. એક બાજુ વાસ્તવિક દુ:ખનો ચિતાર અને બીજી બાજુ તરંગોમાં ખોવાય જતું મન. વાસ્તવિક જીવનનાં દુ:ખો સહન કરતાં કરતાં એમાંથી વિચારતંતુ જન્મે છે કે એક દિવસ મામા, કાકા અને ભાઈ આવશે અને પોતાને આ યાતનામાંથી છોડાવશે. પરંતુ એતો ચિતભ્રમની કલ્પના છે. ગામમાં ખાનદાન ગણાતાં કુટુંબની આવી વાત કરનાર વહુની સ્થિતિ શું થાય છે તે જોઈએ તો-
ગામમાં સાસરુંને ગામમાં પીયરિયું રે લોલ
દીકરી કે'જો સખદખની વાત જો
કવળા સાસરિયામાં જીવવું રે લોલ,
સખના વારા તો માતા વહી ગયા રે લોલ,
દખના ઊગ્યાંછે ઝીણાં ઝાડ જો
કવળા સાસરિયામાં જીવવું રે લોલ
પછવાડે ઊભીને નણંદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ,
નણદીએ જઈને સાસુને સંભળાવ્યું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ,
આવી વાત પછી સાસુ સસરાને કહે, સસરો મોટા પુત્રને કહે, મોટો પુત્ર પોતાના નાનાભાઈને આ પ્રમાણેની વહુની વાત કરે. પછી એ પરણેતર શું કરે ?-
અધશેરોઅમલિયાં તોળાવિયાં રે લોલ
પાશેરો તોળાવ્યો સુમલ ખાર જો
વહુએવગોવ્યાં  મોટાં ખોરડાં રે લોલ,
સોનલા વાટકે અમલ ઘોળિયાં રે લોલ,
પીઓ ગોરી નકર હું પી જાઉં જો
વહુએવગોવ્યાં મોટા ખોરડા રે લોલ,
ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
વહુએવગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ,
ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની ઠાંસી એણે સોડય જો
વહુએવગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ,
(રઢિયાળી રાત, પૃ. પ૭)
આવું કરુણ મૃત્યુ વહુને આપી દેવાય, તો કયારેક પિયર જવા માટે ના ફરમાવાય અને છતાંય ભાઈના લગ્નનો ઉમંગ લોકનાયિકા રોકી શકતી નથી. આથી  શણગાર સજીને તૈયાર થાય અને એને ભાઈના બારણામાં જ ઝાટકે દઈ દેવાય-
આજ મારે સોનાની શરણાયે તે સુરજ ઊગિયો રે લોલ
આજ મારે  બાંધવડો  પરણે કે મૈયરનું  નોતરું રે લોલ
નોતરું આવેલું જાણીને લોકનાયિકાઉત્સાહમાં આવી જાય અને ઘરના વડીલો પાસે જવાની રજા માંગે. આખરે પોતાના પરણેતરની પાસે રજા માંગવાની વાત આવે છે. લોકનાયિકાએ રજા માંગી, પણ...
મારા ઓરડાના ભોગી પિયુજી જીવો ઘણું રે લોલ
તમે મેલો તો જાયે રે મૈયરને નોતરે રે લોલ
મારા કહ્યાવન્યા માથડિયાં મ ગૂંથજો રે લોલ
મારા કહ્યાવન્યા સેથલિયા મ પૂરજો રે લોલ
મારા કહ્યાવન્યાકાજળિયાં મ આંજજો રે લોલ
મારા કહ્યાવન્યા શણગારિયાંમ સજજો રે લોલ
એના કહ્યાવન્યા માથડિયાં મે ગૂંથિયાં રે લોલ
એના કહ્યાવન્યા સેથલિયા મેં પૂરિયા રે લોલ
એના કહ્યાવન્યાકાજળિયાં મેં આંજિયાં રે લોલ
એના કહ્યાવન્યા ચાલી મૈયરને નોતરે રે લોલ
મારા સસરો દેખેને ઝાલી ચોટલે રે લોલ
મારા જેઠજી દેખેને નાખી ઘોડલે રે લોલ
મારા વીરાની વાડીમાં પરણ્યો પહોંચિયોરે લોલ
પરણ્યે ચોટલિયો ઝાલીને માથાંવાઢિયા રે લોલ
(રઢિયાળી રાત, પૃ. ર૧)
તો કયારેક બેનને મળવા આવેલ ભાઈને મોતના ઘાટપણ ઉતારી દેવાય એ કેટલી કરુણતા બતાવે છે ?-
વચલી કોઠીના મેં તો ઘઉંડા કાઢિયા
ઝીણા સોયાને જાડા ભરડયા રે         નણદી જહોદણી
તેની રાંધી છે નણદે તલધર લાપશી
બીજો રાંધ્યોછે સોમલખાર રે        નણદી જહોદણી
સૌને પીરસી છે એણે તલધારી લાપસી
ભાઈને પીરસ્યો છે સોમલખાર રે        નણદી જહોદણી
પે'લે તે કોળિયે વીરનાં મોઢાં સમકોડિયાં
બીજે તે  કોળિયે  જીભુ ઝાલી  રે    નણદી જહોદણી
ત્રીજે તે કોળિયે ભાઈને ભાનુ ભુલાવિયું
પળમાં છોડાવ્યાંએનાં પ્રાણ રે    નણદી જહોદણી
મારીકુટીને રાંડે ભોમા ભંડારિયો
ઉપર ચણી છે સોમલ દેરી રે    નણદી જહોદણી

                આ લોકગીત કેટલી વિષમ પરિસ્થિતિનો ખ્યાલ આપે છે ? આથી જ કદાચ સમાજમાં દીકરીને દૂધપીતી કરી દેવાતી. દીકરી એટલે સાપનો ભારો એમ કહેવાતું. તો કયારેક આવા વિષમ સાસરિયામાં વળાવવા કરતાં દીકરીને ઝેર આપી દેવાતું તેવા ઉલ્લેખો પણ મળે છે :
બાર-બાર વરસે મારા આંણલાંઆવ્યાં રાજ
મારાં આંણલાંઆવ્યાં રાજ,
તેર વરસે  માથામાં  તેલ  નાખ્યાં  રાજ
ચંદરમાના અજવાળે માથાં ગૂંથિયાં રાજ
મારાં માથાં ગૂંથિયાં રાજ,
દીવડિયાની સંગે ભોજાઈએ સેંથા પૂરિયા રાજ
સમી તે સાંજના માડીએ વખડાં ઘોળ્યાં રાજ
માડીએ વખડાં ઘોળ્યાં રાજ,
પાછલે તે પરોઢિયે માડીએ વખડાં પાયાં રાજ
ડેલિયું   વળામણ   મારી   માતા  હતાં  રાજ
મારી માતા હતાં રાજ,
શેરિયું વળામણ મારો દાદો હતા રાજ
એ પછી ઝાંપા સુધી સૈયરો,ગોદરા સુધી બેન, સરોવર સુધી ભાભી અને ગામની સીમ સુધી ભાઈ સાથે છે. સીમ સુધી પહોચતાં તો વખ આખા શરીરમાં ફરી વળે અને પછી...
ખરા તે બપોરની મુજને લેરડિયું આવી રાજ
લેરડિયું આવી રાજ,
વીરાના રૂમાલે મોઢા ઢાંકિયાં રાજ
સંધા રે સાથીડા બેસી તે રિયા રાજ
બેસી તે રિયા રાજ,
મારા વીરજીએ તો  ચેયુ ખડકિયુ રાજ
મારે વીરેજીએ તો આગ્યુ તે મેલી રાજ
આગ્યુ તે મેલી રાજ,
આજ રે માડીની જાઈના વગડે વાસુ હતા રાજ
પ્રસ્તુત ગીતમાં દીકરીનું બાર વરસે આણું આવ્યું અને વિદાય વખતે જ માએ વખ ઘોળીને પાઈ દીધું એવું કારુણ્યસભર નિરૂપણ છે. અડધા રસ્તે જ એની ચિતા ખડકાઈ અને અગ્નિસંસ્કાર અપાયો ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે કેવું હશે એ સ્ત્રીજીવન ?
આ સિવાયનાં પણ અનેક ગીતો મળે છે જેમાં કયાંક કરિયાવર ઓછો પડતો હોય તો કયાંક પતિ પરદેશ ગયો હોય એવા સંજોગો મૃત્યુનું આખુ નાટક ભજવાઈ જાય. સ્ત્રીઓ પોતાની નજર સમક્ષા આવા સાસરિયાંનાં દુ:ખો જોતી એટલે જ પોતાની સાથે આવું ન થાય માટે અનેક વ્રતો એમણે અપનાવ્યા હશે એ સમજી શકાય તેવી બાબત છે.
આમ, લોકગીતોની દુનિયામાં દૃષ્ટિ કરીએ તો કયારેક સ્ત્રીજીવનના અતિ કરુણ પ્રસંગો પણ આપણી નજર સમક્ષા આવે છે અને સ્ત્રીજીવનની દારુણ સ્થિતિનું હદયદ્રાવક ચિત્ર કલાત્મક રીતે નિરૂપે છે.

 


પ્રા. હરેશ પી. આહિર
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કોલેજ, ભાણવડ,
જી. જામનગર
મો.99746 8350    ઇમેલ - hpvaru1985@gmail.com

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us