વહી પેસોસે મેંને કફન લિયા

વાર્તા સંગ્રહ : ‘મા ! તું કોની ઢીંગલી ? લેખિકા : પદ્મા ફડિયા પ્રકાશન : નવયુગ પુસ્તક ભંડાર, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી : 1961

 

નૈનિતાલ, નયનસરોવર, પહાડની ગોદમાં પોઢેલું નાનું બાળ. એનાં સુંદર શાંત વહેતાં જલતરંગો જાણે મીઠું હાસ્ય, ધીરા અને તોફાની, મીઠા અને શીતળ વાતા વાયરા જાણે એનું મીઠું હાલરડું. અને એને વહાલ કરીને પોઢાડતી લીલીછમ ધરતી. વળી ઉંચે ક્યારેક સૂર્યનાં પ્રખર કિરણોને ઢાંકતાં ને છાયા દેતાં વાદળો એ જોઇ જોઇને હું ધરાતી ન હતી. વૃક્ષો એ સરોવરને લળી લળીને ચૂમી લેતાં હતાં, ઉંચેથી નીચે ઉતરીને પ્રીત કરતો મેઘરાજ હૈયું વરસાવીને ચાલ્યો જતો હતો. આનંદ, ચારે તરફ આનંદ. જીવનનું ચેતન અને કુદરતની ભવ્ય લીલા અહીં જોવા મળતી હતી. ઇશ્વરની આ સર્જનલીલાને નિરખતી હું ગેલેરીમાં બેઠી હતી.
‘મેમસાબ, સલામ.’
ક્યાંકથી કોક બુઢ્ઢો પોતાના પ્યારા ઘોડા સાથે હોટેલની બહાર રસ્તા પર ઊભો રહી મને સલામ ભરતો હતો.
પરંતુ મારી નજર ત્યાં ન હતી, દૂર દૂર, આભની સાથે રમતા ગિરિશૃંગોની મસ્તીને જોતી ખોવાઇ ગઇ હતી. ફરીથી અવાજ આવ્યો.
‘સલામ...મેમસાબ.’
વહેતા વાયરાનાં મીઠાં ગૂંજન, મેઘની પ્રીત, ગિરિશૃંગોની ગૌરવભરી પ્રતિભા, ને અહીં મારી આંખ સામે ટકોરી શો અવાજ કરતું નયનસરોવર, અને એ સૌની વચમાં જાણે કર્કશ, જાડો, ઘોઘરો છતાં કંઇક આર્જકતાથે ભરેલો અવાજ સાંભળી મારી એકાગ્રતા તૂટી. મેં ઉંચા આકાશ પરથી મારી દ્રષ્ટિ ઉઠાવી નીચે ધરતી પર ઠેરવી.
એક બુઢ્ઢો મારી સામે ઝૂકી ઝૂકીને સલામ કરતો હતો. એનો શ્યામલવર્ણ, નાનકડો પાતળો દેહ, લંબગોળ મુખ, નાની દાઢીમૂછ, ફાટેલો, ન ઓળખી શકાય એવો સફેદ ઝભ્ભો, મેલોઘેલો લેંઘો અને ઉપર કાળી બંડી, માથા પર પહેરેલી તેલવાળી ચીકણી
એક બુઢ્ઢો મારી સામે ઝૂકી ઝૂકીને સલામ કરતો હતો. એનો શ્યામવર્ણ, નાનકડો પાતળો દેહ, લંબગોળ મુખ, નાની દાઢીમૂછ, ફાટેલો, ન ઓળખી શકાય એવો સફેદ ઝભ્ભો, મેલોઘેલો લેંઘો અને ઉપર કાળી બંડી, માથા પર પહેરેલી તેલવાળી ચીકણી ગોળ ટોપી વગેરે જોઇને હું ઘડીભર વિચારમાં પડી ગઇ.
'કેમ ! શું કામ છે ?' હું જરા ચીડાઇને બોલી ; આ માનવી કેવો કંગાલ, દીનહીન હતો ! અને આ હિમાલયના પહાડો વચ્ચે બિરાજતી વનશ્રીનું અપાર ઐશ્વર્ય, દેવોના દેવો પણ જ્યાં વસતા હોય એવી રળિયામણી આ ઇન્દ્રભૂમિ શી અહીંંની સંપત્તિ, ને એની સાથે તાદાત્મ્ય સાધતા પોતાની અપાર સંપત્તિને ઉડાવતા દેવોના આવાસના આ માનવી ? એવી ઐશ્વર્ય સંપત્તિની વચ્ચે ચંન્દ્રમાંના કલંક જેવો આ કદરૂપો માનવી ? અહીં એની દરિદ્રતા દર્શાવી શાને આ સ્વર્ગને કલંકિત બનાવે છે ? મારા હૈયામાં એક ઘૃણા પેસી ગઇ. હિમાલયના કુદરતી સૌન્દર્યનું વિલોપન કરનારા આવા બેહાલ માનવીઓ જવાબદાર છે. અને તેથી મેં એક કટુતાભરી નજર કરી ફરી એની સામે જોયું, ત્યારે એ આતુરતાભરી આંખોથી મારી સામે કોણ જાણે કેવા ભાવથી જોતો હતો.હું કાંઇ ન બોલી, ત્યારે ફરી એ ઘોઘરા અવાજે બોલ્યો :
'મેમસાબ, આપકો ચાનાપીક જાના હૈ ?'
'નહી તો ?'
'આજ હી ચલો, દેખીયે વહાં ફલેગ ભી જુડ રહા હૈ ! આજ હી ચલો ન ?'
'ના, ભાઇ, આજે તો મારે નથી આવવું. ખૂબ મોડું થઇ ગયું છે. હ્જુ તો ઘરમાં પણ કોઇ ઉઠ્યું નથી. કાલે આવજે; વિચાર કરીશું. કહી ફરી હું પાછી ઉંચા ઉન્મત ગિરિશિખરોમાં ખોવાઇ ગઇ; પરંતુ મારી નજર હવે સ્થિર રહી શકી નહિ. નીચે ઇશ્વરના ગુન્હેગાર શો પેલો બુઢ્ઢો માનવી વારેવારે...મેમસાબ...બબડતો હતો. એનો એ બબડાટ મારા ધ્યાનને બેધ્યાન કરતો હતો. છેવટે ફરી મેં એની સામે જોઇ કહ્યું, 'ભાઇ, આજ હું નહિ આવું, તું ચાલ્યો જા !'
'મેમસાબ, યે સબ લોગ અભી જાતે હૈ, કુછ હરકત નહિ હોગી, આજ હી ચલો ન !'
પણ મને કોણ જાણે આજે જવું જ ન હતું, અને આ કંગાલ માણસ અહીંથી ખસતો ન હતો. સાંજે પ્રભાતને સમયે પેલી ખીલતી કુદરતની ભવ્ય પ્રતિભા મને આકર્ષી રહી હતી: એના તાલે તાલે મારું મન નાચી રહ્યું હતું, જ્યારે અહીં કુડાકર્મનો ભોગ થઇ પડેલ આ પાપી માનવીની આંખોમાં વાદળ જેવી પ્રીત ક્યાં હતી ? એના હૈયામાં નયન-સરોવર જેવી પ્રેમની મીઠી ગુલતાન ક્યાં ખેલતી હતી ? અરે, એને બદલે એ જ પાષાણ શો, ઠંડો હિમ શો યંત્રવત લાગણી શૂન્ય ઊભો હતો; એને જોઇ મને ત્રાસ છૂટ્યો.
'ના...ભાઇ...ના મારે નથી જવું. તું તારે જા. મને ખબર છે કે તારે પૈસા જોઇએ છે એટલે તું આગ્રહ કરે છે. મારી ઇચ્છા ન હોય તો પણ મારે આવવું જોઇએ? કાંઇ પૈસા એટલા મફતના નથી આવતા સમજ્યો? અજાણ્યો, તારો ઘોડો અજાણ્યો...મને કાંઇ પાડી નાખે તો !'
'મેમસાબ, યે જિમ્મેદારી મેરી પર રખ લીજીએ ! આપકો કુછ હો જાય તો મેરે પ્રાણ બરાબર.'
'સારૂં જા...બીજા ઘોડા લઇ આવ.ત્યાં સુધી હું બીજાને તૈયાર કરું છં.' કહી હું ઉઠી. અંદર ગઇ, સૌને ઉઠાડ્યા. શરૂ શરૂમાં તો હા...ના...કરી પણ પછી તૈયાર અમે સૌ બેઠાં. અમને તૈયાર થયેલાં જોઇ બીજા કેટલાંક ઘોડાવાળાઓ દોડી આવ્યા. પણ અમે ના પાડી. ત્યાં તો અમારા ઘોડાઓ આવી પહોંચ્યા. સથવારાના સૌના એક પછી એક ઘોડા પર બેસી ચાલવા માંડ્યું. પણ હજી પેલો બુઢ્ઢો આવતો દેખાતો ન હતો. અમે સૌએ પૂછ્યું તો કહે કે એ આવે છે ! ક્યાં ગયો છે તેની ખબર નથી. હવે તો હું એકલી જ બાકી રહી ગઇ હતી. સૌ લોક ઘોડાને દોડાવતા ક્યાંયે દૂર નીકળી ગયા હતા. હું જ ઓબી ધીરે પગલે ચાલતી એ બુઢ્ઢાને મનમાં લડતી વારંવાર પાછળ જોતી ચાલતી હતી. ક્યાંય સુધી એ દેખાયો નહિ, છેવટે એ ફસકી ગયો એમ માની બીજા ઘોડા પર બેસવાનો નિર્ણય કરી હું પાછળ પાછળ ચાલ્યા આવતા ઘોડાવાળાને ચાઇના પીકનો ભાવ પૂછવા લાગી. થોડીક રકઝક અંતે નક્કી કરી જ્યાં હું એક નાના ઘોડા પર બેસવા જાંઉ છું ત્યાંતો દૂર બૂમ સંભળાઇ.
'મેમસાબ, મે આ ગયા.'
'અરે તું ક્યાં ગયો હતો ? કહીને પછી ચાલ્યો ગયો ? જો અમારા બધા માણસો ચાલ્યા ગયા, હુ કેટલી પાછળ રહી ગઇ ? આવી રીતે કરવું હતું તો પછી શા માટે સવારના પહોરમાં સતાવતો હતો ?'
'મેમસાબ, દેરી હો ગઇ. આઇએ...બેઠીયે. મેરે ઘોડે પર...' એમ કહી એણે મારો હાથ પકડ્યો.
મેં તો એક ઝાટકે મારો હાથ પાછો ખેંચી લીધો. જાણે એ છોભીલો પડી ગયો હોય તેમ સ્તબ્ધ ઊભો રહ્યો; ને પછી બોલ્યો,
'મેમસાબ, આપ હી ખુદ ચઢ જાઇએ, મૈં કુછ નહિ કહુંગા !' અને કોણ જાણે એના ઘોડા પર હું અનાયાસે ચઢી ગઇ.
'સમ્હાલકે બેઠીયે મેમસાબ, યહ લગામ પકડ લીજીયે, હાં...ચલો...'
ને અમે ચાલવા મંડ્યા. હું ઘોડા પર બેઠી હતી, એ નીચે ચાલતો હું પહાડોની ગોદમાં
ખેલતી હતી; એ પરસેવાનાં ટીપાં રેલાવતો હતો, હું પંખીઓના મીઠાં કૂંજન સાંભળતી ડોલતી હતી; અને એ કોણ જાણે કોનાં કરુણ આક્રંદ સાંભળતો હશે. પણ મને એ પણ ચાલતો, ઘોડો દોડતો, એની સાથે એ પણ દોડતો, મારો ઘોડો આગળ દોડૅતો તો હું ચીસ પાડી એને ધમકાવતી, ' કદાચ પડી જઇશ તો !'
અધવચ્ચે આવ્યા બાદ મેં બુઢ્ઢા સામે જોયું, અને પૂછ્યું.
'નામ શું છે તારું ?'
'દોલતસિંગ.'
'બાળબચ્ચા છે?'
'હા...મેમસાબ...'
'રોજના કેટલા રૂપિયા કમાય છે ?'
'આઠ-દસ કમાતા હું મેમસાબ.'
મારા હાથમાં પૈસાની થેલી હતી. ચશ્મા હતા, ગરમકોટ  તથા શાલ હતાં, એ બન્ને કપડા તો મેં
પહેરી લીધાં, પણ ચશ્મા કે પૈસા હાથમાં રહે એ મને ફાવતું ન હતું. એટલે મેં અનાયાસે જ દોલતસિંગને આપ્યા.
'દોલતસિંગ...આ સાચવજે, હું માંગુ ત્યારે મને આપજે.'
'અચ્છા મેમસાબ.'
અને ફરી હું નિરાંતે શ્વાસ ખેંચી ઉંચા શંકુદ્રુમના વૃક્ષો અને એમાંથી  આવતી મીઠી સોડમ લેવામાં
તલ્લીન બની ગઇ. દૂર-દૂર હવે તો બદ્રીનારાયણના પહાડો દેખાતા હતા, નંદાદેવીનું ઉંચું શિખર અણનમ
અને વિજયી બનીને શોભતું હતું. પહાડો પર છવાયેલાં બરફનાં વિશાળ મેદાનો અને એ પર પડતાં સૂર્યનાં કિરણોને કારણે એ ધરતી નીલમ-માણેક શી ચમકતી દેખાતી હતી. ત્યારે બીજી તરફ પહાડોના શિખરો પર છવાયેલી શંકુદ્રમ વૃક્ષોની હારો જાણે લડાયક સૈન્યની જેમ અડગ અને સુસજ્જિત બનીને હસતી હતી. ક્યાંક ક્યાંક ઝરણાંઓ નાચતાં હતાં. જીવનની રોજબરોજની ધમાલમાંથી છૂટીને અહીં હું અપરંપાર શાંતિ અનુભવતી હતી, એનો મને આનંદ હતો.
દોલતસિંગ પણ શાંત હતો. મેં એકવાર એની તરફ નજર કરી. એ ધીરે ધીરે ચાલતો હતો, એની નજર નીચી હતી; એ મારાથી ક્યાંય દૂર ન જાય એવી તકેદારી હું એની પર રાખતી હતી, કારણ મેં એને સારીયે મૂડી સોંપી દીધી હતી, જો કે એની એને ખબર ન હતી.
ચાઇનાપીક અમે પહોંચ્યા, કુદરતની ભવ્ય લીલાનાં દર્શન કરી અમે ખૂબ ઘૂમ્યા, ઠંડી દૂર કરવાને ગરમ ગરમ ચા લીધી. એ સમયે દોલતસિંગની બે આંખો મારી સામે મંડાયેલી મેં જોઇ. કેવી કાતર આંખો ! મારી આંખો એની સામે પદતાં જ ત્યાંથી દૂર ચાલ્યો ગયો.
અને થોડી વારે એ મને બોલાવવા આવ્યો. પાછા ફરવા અમે સૌ તૈયાર થઇ ઘોડા પર બેઠા, પણ દોલતસિંગની પેલી કાતર જેવી દેખાયેલી બે આંખો મારા હૈયામાં ઘર કરી બેઠી. હું જેમ જેમ નીચે ઉતરતી ગઇ તેમ તેમ એ બે આંખોમાંથી હજાર-હજાર આંખો મારી સામે તરવરવા લાગી. વૃક્ષે-વૃક્ષે...પાંદડે-પાંદડે...પહાડે-પહાડે જ્યાં નજર કરું ત્યાં...દોલતસિંગ અને એની આંખો...ન મને ઝાડ દેખાય કે ન ઉંચું આસમાન, જ્યાં જ્યાં હું કુદરતને જોવા મથું ત્યાં દોલતસિંગની બે આંખો મારા હૈયાને બાઝી પડેલી જ દેખું...
'દોલતસિંગ...' મેં ચીસ પાડી...
'ઓ મેમસાબ...ક્યા હો ગયા !'
‘અરે, મને કંઇ જ દેખાતું નથી મને નીચે ઉતરવા દે...’
’ક્યાં બહનજી, બૈઠી રહો...હરકત નહિ હોગી...’
’મારી થેલી તો તારી પાસે જ છે ને !’
’હાં બહનજી.’
એ બહાને મેં એની સામે જોયું ; ફરી એ કાતર આંખો, એ શુષ્ક મુખ...એ નિષ્પ્રાણ જીવન મને લાગ્યું
કે આ માણસ ભૂત તો નહિ હોય ને !
‘દોલતસિંગ... આપણો સથવારો ક્યાં છે ? તેઓની સાથે લઇ લો.’
‘મેમસાબ, વે તો બહુત દૂર નીકલ ગયે હૈ ! ઘોડા દોડાઉં તો આપકો મુશ્કેલી હોગી.’
દોલતસિંગ વારંવાર મારી સામે જોતો હતો. એની મને ભારે બીક લાગી. શું આ માણસ જાદુ કરતો હતો ! મને એની હજાર આંખો દેખાડતો હતો ? શું આ માણસ મને લૂંટવા માગતો હશે ?
મને ભય લાગ્યો, આજુબાજુ કોઇ ન ન હતું, જે કુદરત મને ખૂબ ખૂબ વહાલી લાગતી હતી તે મને અત્યારે ભૂતપ્રેત શી ભયભિત અને ભયંકર લાગવા માંડી, જેની પાછળ હું ગાંડી હતી અને જેનામાં સમાઇ જવા ચાહતી હતી તે હવે મને દુશ્મન જણાવા લાગી. મારું હૈયું થરથરી ઉઠ્યું.
છેવટે મેં દોલતસિંગને ફરી કહ્યું : દોલતસિંગ, ભાઇ, જરા જલ્દી કર.’
‘બહનજી, ડરના નહીં, મૈં હું ન !’
હું બહારથી સ્થિર દેખાતી હતી, પણ અંતર મારું ધડકતું હતું, હર પળે મને એની બે કાતર આંખો ચોમેરથી ઘેરી વળતી હતી. ને એનો આખો યે દેહ મને ફરી ફરીને ભૂતપ્રેતની યોનિની સાક્ષી કરાવતો હતો.
દોલતસિંગ હજુ ય મારી સામે જોતો હતો.
એની આ નજર મારાથી ન જ જીરવાઇ. છેવટે મેં જ ઘોડો દોડાવ્યો. જે થવાનું હોય તે થાય. લગામ ખેંચી, હલાવી, ચાબૂક ફટકારી, હું ટટ્ટાર બની. મારો ઘોડો પવનવેગી બન્યો, દોડ્યો, જાને ઉઠ્યો.
ને હું થોડી જ વારમાં નીચે આવી. સૌને જોયાં ને મને હાશ થઇ.
દોલતસિંગ પણ મારી સાથે જ દોડતો આવ્યો હતો. એનેન હાંફ ચઢી હતી. એ હાંફતો હતો પણ મને એની પરવા ન હતી. મને હૈયે એટલી હોંશ હતી, હું હવે એકલી નથી ને એની પેલી બે કાતર આંખો હવે મને કોઇ અસર કરી શકે તેમ નથી.
છેવટે દોલતસિંગના સામું જોયા વગર એને ઘોડો સોંપી હું હોટેલ પર આવી.
દોલતસિંગ ચાલ્યો ગયો.
જેવી હાશ કરતી હું ખુરશી પર બેઠી કે તરત જ પૈસાની થેલી મને યાદ આવી. હું બેબાકળી બની ઉઠી દૂર દૂર નજર કરી. બીજા ઘોડાવાળાઓને પૂછ્યું. કોઇએ જવાબ ન આપ્યો કે તે ક્યાં રહે છે. મારા પેટમાં ફાળ પડી. મારી થેલીમાં તો ઘણું ઘણું બધું હતું માત્ર પૈસા જ નહિ. બીજી અનેક વસ્તુઓ. હવે ! હું કોને કહું ! કહું તો પણ ગાંડી બનું.
મને એની કાતર આંખો યાદ આવી. એ મને ભૂલાવવામાં નાખવા માટે જ આવી કાતીલ દ્રષ્ટિ મારી નાંખતો હતો; અને મને એકલી રાખતો હતો. પણ એમાં એ ન ફાવ્યો તેથી એણે બીજી યુક્તિ વાપરી ને હું કંટાળી ને ભૂલી જાઉં એ ખાતર એ આમ બનાવી ને ચાલ્યો ગયો.
એ ચાલ્યો ગયો ને મારા હૈયાના રામ બોલી ગયા બીજેદિવસે તો મારે જવાનું હતું. જવાનો ઉમંગ, મન ભરી ને જોઇ લેવાની આ કુદરત, એના ઉંચા પહાડો પર કલ્પના દ્રષ્ટિએ રમવાની મજા, હું બધું જ ખોઇ બેઠી. વિદાય લેવાની વાતને પણ વિસરી ગઇ.
હું વારંવાર ગેલેરીમાં આવી આવીને જોવા લાગી. ક્યાંક કોઇ ઘોડાવાલો આવતો કે તરત એનેન પૂછતી; પણ કોઇ દોલતસિંગનો જવાબ આપતું નહિ.
છેવટે મિલ્કત ગઇ જાણી હું મનને સ્થિર કરી અહીંથી વિસ્તારેલી જિંદગીને સમેટવા બેઠી. પેટી પેક કરી બીજું બધું સમેટી લીધું. પણ એ રાતે મને ઉંઘ ન આવી. દોલતસિંગની કાતિલ આંખો મારા હૈયામાં શૂળ ભોંકવા લાગી; જાણે એ અટ્ટહાસ્ય કરતો દેખાયો. હવામાં વીંઝાતા હાથ જાણે હમણાં મારા મસ્તક પર પડશે અને પૈસાની લાલચે મને મારશે એ બીકે હું ઉંઘી શકી નૈ. આખી રાત તરફડિયાં મારીને વિતાવી.
બીજે દિવસે વહેલી સવારે હું ઉઠી, ગેલેરીમાં બેઠી કદાચ તે દિવસ્દની જેમ આજે આવે તો ! આજે મારું મન કુદરતમાંથી ઉઠી ગયું હતું. એ આરતિનો ઘંટનાદ, એ મીઠો રણકાર, એ વાદળની ગજગામિની શી ગતિ એ બધુંય મારે મન પરાયું બન્યું હતું. મને કંઇ સૂઝતું ન હતું.
પ્રભાત ફાટ્યું. સાત અશ્વો લઇ સૂર્યદેવે સવારી શરૂ કરી, લોકોની અવરજવર શરૂ થઇ, ઘોડાવાળાઓની દોડાદોડ શરૂ થઇ, પણ દોલતસિંગ ન દેખાયો.
દસ વાગ્યા, અને બસ સ્ટેંડ પર પહોંચ્યા; સામાન ઉપર ચડાવી અમે બેઠાં. સૌ આવજો... આવજો...કરવા લાગ્યાં, પણ મારું મન ખોવાઇ ગયું હતું ને હું મૂઢ બની ગઇ હતી; મન રડું રડું થઇ ગયું હતું. જેમ તેમ આવજો કહી હું ભારે મન સાથે વિરામ લેતી હતી.
બસનો ઘુરરર... અવાજ થયો. મેં છેલ્લી દ્રષ્ટિ બહાર ફેંકી, કોઇ ન જણાયું. ખલાસ હવે જેને એટલો દલ્લો મળ્યો છે તે હવે આવે ? હાથ ધોઇ નાંખી નૈનિતાલને ભારે હૈયે વિદાય આપી હું સ્વસ્થ બનવા પ્રયત્ન કરી રહી.
બસ ઉપડી. ભોં...ભોં...કરતે બસ ચાલી, પવનવેગી બની એ ઉડવા લાગી.
લગભગ અર્ધો માઇલ એ પહોંચી હશે ને ત્યાંથી રૌ... ઠૈરો...કરતો કોઇનો ઘોઘરો અવાજ મારે કાને પડ્યો. મેં તરત જ બહાર ડોકિયું કર્યું તો દોલતસિંગ ઘોડા પર દોડતો આવી રહ્યો હતો.
‘દોલતસિંગ’ મેં ચીસ પાડી.
’હાં...બહનજી...યહ તુમારી થેલી ઔર યહ ચશ્મા બહનજી...બડી મુશ્કીલસે આયા હું...લે લીજીએ...
ઓર તલાશ કીજીએ કિ કોઇ ચીજ કમ તો નહિ હૈ ન !
‘દોલતસિંગ !’ બોલતાં મેં બસની બહાર હાથ કાઢી એનો હાથ પકડી લીધો.
’બહનજી...મેરી છોટી લડકી ગુજર ગઇ. કલ મેં આયા થા, તુમકો ચાઇના પીક લે જાને કે લિયે-સો
ઉસીકે લિયે આયા થા, ખાનાપીના, દવાદારૂ કરનેકે લિયે પેસા નહિ થા, લડકી મર રહીથી ઇસલિયે મૈ આપકો કહ રહા થા બહનજી, આપને કફન કે લિયે પૈસા દિયા...વહી પૈસોંસે મેને આજ ઉસીકા કફન બનવાયા ઔર યહાં દોડા આયા બહનજી માફ કરના.’
મારા પૈસાનું કફન...જે મેં પૈસા એની કમાઇના આપ્યા હતા તેનું કફન ! અને આ થેલીમાં જે દલ્લો ભર્યો હતો તેને એણે હાથ પણ ન લગાડ્યો ? એની સામે જોયું પણ નહિ ? ઇમાનદારીની મહાનતા !
હું પેલાં ગિરિશૃંગોમાં જે સુંદરતા જોતી હતી...તેય મને હવે ઝાંખી લાગવા માંડી. હરીભરી કુદરતની સંપત્તિ આ માનવીની શ્રેષ્ઠતા આગાળ જાણે નિર્માલ્ય જણાઇ. એ માનવી જે હિમાલયની પવિત્ર ભૂમિમાં ઉછર્યો હતો અને એનું સર્જન જેટલું શ્રેષ્ઠ હતું તેનાં એ પ્રતીકરૂપ આજે એ દેવ સમો શોભતો મને જણાયો.       આજ માનવી પશુ સાથે પશુ બની શ્રમ કરતો, ઇમાનદારીથી કમાતો દોડતો હતો. આજ માનવી પુત્રીના કફન માટે કામ-પૈસા માંગતો હતો અને આજ માનવી પારકાની દોલતને ઠોકરે ઉડાવતો હતો-માત્ર વફાદારી ખાતર, હિમાલયની પવિત્રતા ખાતર-માનવીની શ્રેષ્ઠતા ખાતાર.       એ બુઢ્ઢો દોલતસિંગ હજી એ મારી આંખો સામેથી ખસતો નથી.  


ડો. ભાવેશ જેઠવા,
ભાષા સાહિત્ય ભવન, શ્રી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજના સહયોગથી.
000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us