ધીરેન્દ્ર મહેતાની કથા સૃષ્ટિમાં જોવા મળતા સ્ત્રી પાત્રોનું વૈવિધ્ય

ગુજરાતી સાહિત્યમાં તેમજ સમગ્ર વિશ્વ સાહિત્યમાં કેટલાય સર્જકોએ સ્ત્રી ચરિત્ર વિશે પોતાની કલમ અજમાવી છે. તો કેટલીક સ્ત્રી લેખિકાઓએ નારીચેતના, સ્ત્રીના જીવનની વિષમ પરિસ્થિતિ, સંવેદના આલેખી છે. પછી તે ગોવર્ધનરામની કુમુદ કે અલકકિશોરી હોય, મુનશીની મંજરી, મૃણાલ કે મીનળદેવી હોય તેમજ ઇશ્વરપેટલીકરની 'જમનટીપ' નવલકથાની ચંદા હોય કે ર.વ. દેસાઇની વાર્તામાં આવતા સ્ત્રી પાત્રો આ સર્વેની તુલનામાં ધીરેન્દ્ર મહેતાના કથા સાહિત્યમાં આવતાં સ્ત્રી પાત્રોમાં વૈવિધ્ય જોવા મળે છે. જેનું નિરુપણ અહી કરેલ છે.
ધીરેન્દ્ર મહેતાની પ્રથમ નવલ 'વલય' માં ઉત્તર્રાધમાં આખી કથા કાજલના પાત્ર પર ઢળી પડે છે. કથાનો સમગ્ર ભાર એક સમયે તેના પર આવી પડે છે. સ્ત્રી સહજ ચિંતા લેખકે કાજલમાં વર્ણવી છે. તો બૌધિક અભિગમ દાખવી અપંગ અનિકેત સાથે જીવનને જોડતી સત્યા છે. નગરજીવનની કાજલ અને ગ્રામ જીવનની સત્યાનું સામ્ય કારૂણ્યની મૂર્તિ રૂપે પ્રગટ થાય છે. તો 'ચિહ્ન' નવલમાં ઉદયના પગની સારવાર કરતાં યામિની બહેન છે. તો બાલ સખી રાજુ કામવાળી છે પરંતુ ઉદયને તેની સાથે ગોઠે છે. રાજુ ઉદયને તેડે છે રમાડે છે બહાર ફરવા માટે લઈ જાય છે તેથી રાજુનું પાત્ર કામવાળીના રૂપમાં ઉઠાવ પામે છે. ઋતુ યામિની બહેન જોડે કામ કરતાં તારા બહેન નર્સની પુત્રી છે. ઋતુ વ્યવહારું છે તેમજ અમલા આદર્શ છે. અમલા ઉદયની સાથે અભ્યાસ કરતી સીધી સાદી યુવતી છે. બંનેના પાત્ર ધ્યાનાકર્ષક છે. 'અદશ્ય' નવલમાં કન્યા છાત્રાલયમાંથી નિવૃત થયેલા એકાંકી જીવન આઈ છે. તો આઇના જોડે લાગણીના સંબધથી જોડાયેલ આરતી છે. 'દિશાન્તર' નવલમાં સ્વેચ્છાએ અપંગની સાથે જીવન જોડતી પૂર્વી છે. 'આપણે લોકો'  નાં ઇલાબહેન સતત કેન્દ્રમાં રહે છે અને ઇલાબહેનની સતત સંભાળ રાખતી દર્શનાભાભીના ચરિત્રમાં હદયને સ્પર્શી જાય છે. મનોવિજ્ઞાન માટે કેસ બની શકે એવી છતાં અસ્તિત્વશીલ ભૂમિકામાં જીવતી કાવેરી એ વીલક્ષણ સ્વભાવની કુણ્ઠિત યુવતી છે તો કાવેરી એવી સાથે કોઇ સંબધ ન હોવાં છતાં તેને સાથે રાખતાં ર્ડા. કૃષ્ણાબહેન ધ્યાનાકર્ષક છે. તેવી જ રીતે 'દર્પણ લોક'  નવલમાં પોતાના પતિ આનંદના મૃત્યુ પછી આંનદની બહેન સમજુબા સમક્ષ સૌભાગ્યવતી સ્ત્રીની ભૂમિકા ભજવવી અને સમજુબાંને આનંદની હયાતીનો અહેસાસ કરાવી પોતાના દર્દને દબાવી રાખતી કમલ સ્ત્રી સંવેદનાની સાક્ષાત મૂર્તિ છે. તો 'દર્પણલોક' માં આનંદની મોટી બહેન સમજુ પણ કિશોર અવસ્થામાં માતા-પિતા વિહોણી બની, ભાઈની સ્નેહભરી જો હૂકમી છતાં અભ્યાસ તરફ દિનપ્રતિદિન બનતી પાલક કાકી દ્વારા નકામી વસ્તુની જેમ ફંગોળાતી હોય તેવો વ્યવહાર પામતી, ઉમરમાં મોટા એવા બીજવરને પરણી સંસાર માંડે છે, સંતાનો પામે છે - સુખ નહી. તેના બંને પુત્રો પરણીને બદલી કરાવી અન્યત્રે રહેવા જતાં રહે છે. 'ધારણા' નવલમાં માતા - પિતાની સંભાળ રાખતી લગ્ન નહી કરવાનું નક્કી કરી નોકરી કરતી કરુણા છે. તો પોતાના પરિવાર સાથે પ્રમેથી જીવતી અરૂણા છે. 'બે બહેનો' ની આ વાર્તામાં પિતાના મૃત્યુ બાદ સ્મશાનમાં જતી કરુણા લેખકની કલમે ઉચ્ચતાના શિખર સર કરતી સ્ત્રીત્વની ઉત્તમ શક્તિ છે. 'હડસેલો' વાર્તામાં લેખકનું લક્ષ્ય સાવકી માંના ઓરમાન સંતાન2 સાથેના સંબંધની એક શક્યતા દર્શાવવાનું છે. 'સાત - પાંત્રીસની ટ્રેન ચૂકી ગયા પછી' વર્તામાં દામ્પત્ય જીવનને ટકાવી રાખતી રેખા સતત આક્રમક મિજાજમાં દેખાયા કરે છે. કેતન સાથે દામ્પત્ય જીવન નિભાવવાનો કશો અર્થ નથી છતાં માનવમન અકળ છે ને કાચેતાંતણે પણ એ બંધાઈ રહેતું હોય છે. રેખા જેવા દષ્ટાંતો મળવા આપણા સમાજમાં મુશ્કેલ નથી. પરિસ્થિતિને નભાવી લઇને પણ રેખા કશુંક રચી શકે છે.
એવી જ રીતે ધીરેન્દ્ર ની વાર્તાઓમાં વિવિધ પ્રકારની સ્ત્રી પાત્ર સૃષ્ટિ જોવા મળે છે. 'સમ્મુખ' વાર્તામાં બીમાર સાસુ પ્રત્યેના અદૂભૂત અને સમર્પિત પ્રેમની વાર્તા છે. પ્રેમતો એવો કે એ પતિની પાસે નહિ, સાસુની પાસે જ સૂતી ને એ જુવાન હતી. પતિ પણ જુવાન જ. છતાં પતિ તેને ત્યાંથી કોઇવાર પોતા પાસે ઘસડી જાયતો તેના બાહુપાશમાં તે "બરફની શિલા" જ આવતી, ઉષ્માભરી સુમિતા નહિ. સુમિતા તેના સાસુ પ્રત્યે સમર્પણભાવ અને પ્રેમ અનુભવી શકે છે. તેનો આ વાર્તા સુંદર નમૂનો છે. તો 'અકારણ' વાર્તામાં સમાજજીવનનું તાદશ ચિત્ર ખડુ કર્યુ છે. અમ્માના હાકોટા સાંભળતી નાની વહુ પોતાની ઇચ્છાઓને દબાવી નવા વાતાવરણમાં પોતાની જાતને ગોઠવતી નજરે પડે છે. 'પ્રતીતિ'  માં પુત્રી સુચેતા યુવાન થઇ છે અને તે શેખર નામના કોઇક યુવાનના પ્રેમમાં છે તે જાણે છે છતાં પણ સુચેતા-શેખરનો સંબંધ તેને મંજુર નથી. કેમકે સુચેતા વિદુલાની સાથે જ રહે, ફક્ત માતાનેજ પ્રેમ કરે તેવું તેનું મનોમંથન છે આમ માતા-પુત્રીના પ્રેમની આ વર્તા છે. 'પરકીયા' વર્તામાં બેદરકારી પૂર્વક વર્તતી યુવતી છે જે આપણને સૌને અચરજ પમાડે છે. 'ખોવાઈ ગયેલી વસ્તુનું નામ' વાર્તામાં આવતી આધુનિક યુવતી વૈશાલી વાર્તામાં આકર્ષણ જન્માવે છે. 'તથાપિ' વાર્તાની શરૂઆતથી જ એક યુવતી તેનું મધ્યબિંદુ બની રહે છે. કાલિંદીના પાત્ર દ્વારા વાર્તામાં શરૂઆતથી અંત સુધી કૌતુક રહે છે. કોઇ વ્યક્તિ પ્રત્યક્ષ હોવાં છતાં પ્રત્યક્ષ હોતી નથી અને ક્યારેક અપ્રત્યક્ષ વ્યક્તિ હમેંશા પ્રત્યક્ષ રહેતી હોય છે. સતત પોતાના હોવાના આભાસ કરાવતી ધારા અને માલા બંને 'આભાસ' વાર્તામાં આભાસરૂપે હમેંશા દેખાઈ છે. 'આગામી' વાર્તામાં ત્રણ ભાઈ હોવા છતાં પોતાની બીમાર માતાની સેવા કરવા લગ્ન નહીં કરવાનો નિર્ણય કરીને બેઠેલી ર્ડાક્ટર બહેન વાર્તાના સતત ફોકસમાં રહે છે. 'ગેરહાજર' વાર્તા પિતા-પુત્રીની વાર્તા છે. પિતા બીમીર હોય છે અને તેમની પુત્રી સુમિત્રા તેમની સારવાર કરે છે. તે તેનાં પિતા વગર રહી શકતી નથી. આમ પિતાને અતિશય વહાલ કરતી સુમિત્રા છે. એવી જ રીતે 'આંચકો' વાર્તામાં પથારીવશ પિતાની આપકમાઇમાંથી દવાઓ ખરીદતી, ર્ડાક્ટરનું બિલ ચૂકવતી અને પોતાની ફરજ બજાવી સંતોષની લાગણી અનુભવતી અવનિ ધ્યાનાકર્ષક છે.
'એટલું બધુ સુખ' વાર્તાની નિશા અને વસુધા છે તો 'અહેસાસ' વાર્તામાં સુખ હોવાં છતાં દુઃખી સલમા અને સલમાની સતત સંભાળ રાખનાર બાંદી છે. 'સુધા અને સુજાતા' વાર્તાના નામ પ્રમાણે આ વાર્તા બે સ્ત્રીઓની જ છે. પરંતુ તેમની સાથે જોડાયેલું એક બીજુ પાત્ર પ્રકાશ છે. વાર્તામાં પોતાના પિતાના એકાન્તના દૂર કરવા મથતી સુજાતાનું પાત્ર પ્રશંસાપાત્ર છે. તો બીજી બાજુ પ્રકાશના જીવનમાં આવનાર સુધા પણ ધ્યાનાકર્ષક બને છે. છૂટી પડી ગયેલી ક્ષણો વાર્તામાં આશાના અવાસાન પછી અવનિની સંભાળ લેતા અનિલની સંભાળ અચાનક કોઇક લેતું થઇ જાય છે ત્યારે પિતાને ખબર પડે છે કે દીકરી આટલી  મોટી થઇ ગઇ. આમ વાર્તામાં સમજુ અવનિ ધ્યાન ખેંચે છે. 'અચરજ' વાર્તામાં પિતા માધવલાલનાં મૃત્યુના સમાચાર થી દીકરી પ્રવિણાના મનની ગડમથલ અને મનમાં પ્રશ્ન આગળ વાર્તા થંભી જાય છે. 'ફીણ' પણ પર્ણા અને અપર્ણા નામની બે સ્ત્રીઓની વચ્ચે વીટળાયેલી મહેન્દ્રસરની વાર્તા છે. 'નો સર થેક્યું' માં વંદનાની મુગ્ધતા અને પરિપકવતા સુંદર રીતે આલેખી છે. તો 'આગંતુકની વિદાય' વાર્તામાં વિશાખા કોલેજમાં અધ્યાપિકાની નોકરી લઇને આવે છે તે બહુ બુદ્ધિશાળી હોય છે. સાથીદાર અધ્યાપકોને ભેજાગેપ લાગતી હોય છે. વાર્તા લખનારે તેને ઉચ્ચકોટિના સ્થાને સ્થાપી છે. તે આગંતુકની જેમ આવે છે અને આગંતુકની જેમ વિદાય પણ લે છે. 'બત્તી' નામની વાર્તામાં વાત્સલ્યધામમાં રાહુલની સંભાળ સુરતા જતનથી લે છે. પણ એક દિવસ રાહુલને કોઇ દંપતી દત્તક લઇ ગયુ અને સુરતા એકલી રહી ગઇ. સુરતાના જીવનમાં કેવી રીતે અંધારુ છે અને પ્રકાશ તરફ મીટ છે તેનું હદયપૂર્વક વર્ણન છે. 'જૂઈ નથી? ' વાર્તામાં પુત્રીના મૃત્યુ બાદ મમતા તેના આઘાતમાંથઈ બહાર આવતી જ નથી. તેનું મન જૂઇ છે તે જૂઇને ભૂલી શકતી નથી. એટલે જ લેખકે નોંધ્યુ છે કે "પરિસ્થિતિમાં આ ફેરફાર મમતાને મંજૂર નથી" ભલે ભ્રાન્તિ તો ભ્રાન્તિ, પણ એ એને ટકાવી રાખવા માંગે છે. માતાની કરૂણતા વર્ણવી છે. માની વેદના સ્ત્રીના ઋજુ હૃદયને વ્યક્ત કરે છે. 'ત્રીજી રાત્રિ' વાર્તામાં દત્તક લીધેલા કૃણાલ માટે સતત ત્રણ રાત જાગતી મેહા કેન્દ્રમાં છે, તો 'પાંદડી' વાર્તામાં આટલા દિવસ સુધી રહેનાર, પાંદડીની જરૂર છેલ્લે રહેતી નથી પણ પાંદડીનું ખરેખર શું થયું હશે? તે પ્રશ્ન વાર્તા પૂરી થયા પછી આપણા મનમાં ફર્યા કરે છે. 'ઘેરો' વાર્તામાં અત્યારની પરિસ્થિતિમાં એક ગૃહિણીની મનોદશા વર્ણવી છે. વાર્તામાં પ્રીતિ કેવી રીતે ઘોંઘાટો, અવાજો અને પોતાના પતિ આસુતોષ, બાળકો સમીર અને રાખી તેમજ આડોશ-પાડોશની બૂમો અને વાતચીતથી તંગ આવી જાય છે. તેનું નિદર્શન છે. 'એક જ દિવસનો સવાલ' વાર્તામાં સમજૂ પત્ની માલતીનું વર્ણન છે તો 'કેન્સર' વાર્તામાં કેન્સર જેવી અસાધ્ય બિમારી સામે લડતા ભાભીના પાત્ર દ્વારા લેખકે કરુણ્ય દાખવ્યું છે.
શ્રી ધીરેન્દ્ર મહેતાની કથાસૃષ્ટિમાં અવનવી સ્ત્રીચરિત્રશક્તિ જોવા મળે છે. પોતાના માતા-પિતાની સેવાચાકરી કરવા લગ્ન નહીં કરનાર યુવતીઓ છે તો બીમાર પિતાની સેવા કરી સંતોષ અનુભવતી 'આંચકો' વાર્તાની અવનિ છે તો પિતાના મૃત્યુને ન સ્વીકારનાર સુમિત્રા છે તો પિતાના જીવનના એકાંતને દૂર કરનાર પુત્રી સુજાતા છે તો માતાના મૃત્યુ પછી પિતાની સંભાળ લેનાર 'છૂટી પડી ગયેલી ક્ષણો' વાર્તાની અવનિ છે. તો ડોક્ટર, આધ્યાપિકા, પત્નિ, પુત્રી, પ્રેમિકા, માતા, બહેન, ભાભી, ગૃહિણી, વિધવાનાં રૂપમાં સ્ત્રીચરિત્ર ચિત્રણ થયેલું જોવા મળે છે. ધીરેન્દ્ર મહેતાએ સ્ત્રીને ઉચ્ચકોટીના સ્થાને બિરાજમાન કરી છે. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી જગદંબા છે તેવું નિરૂપણ તેમની વાર્તામાં ફલિત થાય છે. સ્ત્રી નારી છે પણ અભળા નથી. અત્યારની નોકરી કરતી આધુનિક સ્ત્રીની વિચારધારા તેમની વાર્તાઓમાં ફલિત થાય છે. આદર્શ ગૃહિણીથી માંડી પિતાના શબની સાથે સ્મશાનમાં જતી કરુણા ભલભલા મર્દોને સ્ત્રીશક્તિનો પરિચય આપનારી યુવતી છે. તો બીજાને સુખી કરી તેના સુખમાંજ સુખી રહેતી સેવાભાવી યુવતીઓ ધીરેન્દ્રની વાર્તામાં જોવા મળી. 'પાંદડી' વાર્તાની પાંદડી હોય કે 'બત્તી' વાર્તાની સુરત્તા હોય કે 'ચિહન' વાર્તામાં આવતી રાજુ કામવાળી હોય - આ બધી બાળાઓથી માંડી 'ધારણા' નવલની વાર્તાઓ 'બે બહેનો' ની પુત્રવધૂ ખ્યાતિ હોય કે 'અકારણ' વાર્તાની નાની વહુ હોય કે પછી 'દર્પણલોક' ની વિધવા કમલ હોય ધીરેનદ્રની કલમે બાળાના પાત્રોથી માંડી વિધવાનું પાત્ર આલેખવામાં તાજગી અને નાવીન્યતા અનુભવે છે. અલગ-અલગ ભૂમિકાઓ ભજવતી સ્ત્રીપાત્રસૃષ્ટિ તેમની વાર્તાઓમાં જોવા મળી. ધીરેન્દ્રની વાર્તામા જોવા મળતી સ્ત્રીપાત્રસૃષ્ટી પરથી અનુમાન કરાય કે કદાય, સ્ત્રીના સંવેદનોને લેખક નિકટતાથી ઓળખી શક્યા છે.
સ્ત્રીનાં વ્યક્તિત્વના પાસા તેની ઋજુતા, કોમળતા તેના હૃદયની લાગણી, ભાવના, ઉર્મિ, સંવેદના આલેખવામાં લેખકની કલમ તાજગી અને સૌરભતામાં સરી પડે છે. સ્ત્રી બહેન હોય, પત્ની હોય, પ્રેમિકા હોય તે બીજા માટે જીવતી ઝઝૂમતી નજરે પડે છએ. નારી નારાયણી છે. નારી સદૈવ પૂજયતે તેવો સૂર ધીરેન્દ્રની વાર્તામાંથી ફલિત થાય છે. સ્ત્રી દરેક રોલમાં ફીટ છે. સમાજની રચનામાં સ્ત્રીનો સિંહ ફાળો છે. સ્ત્રીના વ્યક્તિત્વના વિવિધ પાસા ધીરેન્દ્રની વાર્તામાં જોવા મળ્યાં. ધીરેન્દ્રની સ્ત્રીપાત્રસૃષ્ટિમાં નવ્યનારી ચેતનાવાદમાં દેખાતો પુરુષદ્યેષ, પુરૂષ પ્રધાન સમાજ પ્રત્યેનો વિદ્રોહ, સ્ત્રીની ઉડંદતા, સ્ત્રી સ્વાતંત્ર્ય ઝુંબેશ વગેરે બાબતો દેખાતી નથી. સતત વિપ્રલંભમાં ઝુરતી પ્રેમિકાનું આલેખન, ત્યાગમૂર્તિ તેમનામાં જોવા મળે છે. ધીરેન્દ્ર પાસેથી આપણને ભવિષ્યમાં એવી અપેક્ષા રહેશે કે નારી પ્રધાન નવલકથા- નવલિકા આપે. ગ્રામ્યજીવનની કે નગરજીવનની નારી હોય ધીરેન્દ્રની કલમે તેના વર્ણનમાં અતિશયતા વાપરી છે. લેખક જરાય નારીવાદમાં સપડાયેલા લાગતા નથી. તેમની વાર્તાઓમાં સ્ત્રીશક્તિ વિશેષ જોવા મળે છે. ધીરેન્દ્રની વાર્તાઓના સ્ત્રીપાત્રો વિશે કહેવાનું મન થાય કે,
"એક એક પે અદકાં મોતી, રાજમાતા એક ટગટગ જોતી"

 


પ્રો. સોનલ જોશી
આસિ. પ્રોફેસર, ફાઇન આર્ટ કોલેજ, પાલનપુર

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us