કવિશ્રી ‘સારસ્વત’ પ્રતાપસિંહ રાઠોડના કાવ્ય સંગ્રહ ‘વાછરોટ’માં અંગસાધક પ્રત્યયોથી પ્રગટતી અંગસાધકતા....

કુંતીના ગર્ભમાંથી ભિન્ન ભિન્ન દેવતાઓનાં સંપર્કથી જે પુત્રો પેદા થતા હતા તેમાંથી દરેકમાં પોતાના પિતાનું ગુણગૌરવ હતું. કર્ણમાં સૂર્યનું તેજ, યુધિષ્ઠરમાં ધર્મરાજની ધર્મનિષ્ઠા. ભીમમાં પવનનો બલ. અર્જુનમાં ઇન્દ્રનું પરાક્રમ અને નકુળ સહદેવમાં અશ્વિની કુમારોનું રૂપસૌંદર્ય. તેમજ કલાનૈપુણ્ય. વંશશાસ્ત્રના આ નિયમ પ્રમાણે સાહિત્યવિવેચનનો આ કનિષ્ઠપુત્ર વિજ્ઞાન પણ કદાચ રૂપકૃતિ પ્રત્યે વધુ અનુરકત છે.
ફણ પ્રશ્ન થાય છે કે શૈલીવિજ્ઞાન એટલે શું ? તો સીધી અને સાદી રીતે સમજ આપતી હોય તો એમ કહી શકાય કે જેવી રીતે ભાષાનું વિજ્ઞાન એટલે ભાષાવિજ્ઞાન એમ શૈલીનું વિજ્ઞાન એટલે શૈલીવિજ્ઞાન. હવે શૈલી અને વિજ્ઞાનને અલગથી જોવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે સ્પષ્ટ થશે. તો શૈલી એટલે સ્ટાઈલ-યાની કે કોઈ લેખક કવિની વિશિષ્ટ પ્રકારની લેખનશૈલી. કે પછી કોઈ પણ પ્રકારની વિશિષ્ટ અભિવ્યક્તિ. એ પછી સાહિત્ય, કલા, સંગીત ઈત્યાદિ હોઈ શકે. કહી શકાય કે ઉત્તમ, રૂચિકર, સુંદર, રચના પદ્ધતિ. તો આવાત થઈ શૈલીની.
જે રીતે ભાષાવિજ્ઞાન તે વિજ્ઞાન છે જે ભાષાનું પૃથક્કરણ કરીને એ સ્પષ્ટ કરે છે કે ભાષા કેવી રીતે કાર્ય કરે છે, શબ્દાવલી, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, વાકયાંશ કે પછી ધ્વનિતંત્ર કે રૂપતંત્ર વગેરે ને નિશ્ચિત રૂપથી તપાસે છે તેમ શૈલીવિજ્ઞાન પણ ભાષાવિજ્ઞાનના માપદંડોનો વિનિયોગ કરીને જે તે શૈલીનું વિવેચનાત્મક અધ્યયન કરે છે. એ વાત સત્ય છે કે શૈલીવિજ્ઞાન ભાષાવિજ્ઞાનના માપદંડોનો સ્વીકાર કરે છે, પણ એનો મતલબ એ નથી કે ભાષાવિજ્ઞાનની બધી મર્યાદાઓ શૈલીવિજ્ઞાન સ્વીકાર છે. કારણ શૈલીવિજ્ઞાનનો મૂળ આધાર પસંદગીની પ્રવૃત્તિ પર રહેલો છે.
આ રીતે ભાષાવિજ્ઞાન અને શૈલીવિજ્ઞાન છે તો એક જ ગોત્રનાં, પણ બંનેમાં પાયાનો તફાવત એ કહી શકાય કે એક ભાષાને પકડે છે અને એક ભાષાની ચમત્કૃતિને પકડે છે... એટલે જ ડૉ.નગેન્દ્ર કહે છે તેમ – “સાહિત્ય ભાષા પ્રયોગ રીતિ કે શૈલીનું વિવેચન વિશ્લેષણ છે અને આ વિવેચન વિશ્લેષણની નિયમસંહિતા છે શૈલીવિજ્ઞાન”. યાની કે શૈલીવિજ્ઞાન એક રીતે તો વિવેચન જ છે, પણ અલગ નિયમોને ધ્યાનમાં રાખીને ચાલતું વિવેચન. નિયમનસંહિતા વિવેચન.
એટલા માટે જ શૈલીવિજ્ઞાનના વિષય વ્યાપમાં સામાન્ય રીતે સિદ્ધાંત અને તેમાંની શૈલીનો વિનિયોગ કરી વિશિષ્ટ કૃતિઓના ભાષા સૌંદર્યનું અલગ અલગ રીતે વિશ્લેષણ વિવેચન કરવામાં આવે છે. પણ આ વિવેચન ભાષાવિજ્ઞાન સાથે કઈ રીતે જોડાયેલું છે એ જોવું એક મહત્વની બાબત છે. શૈલીવિજ્ઞાનની અધ્યન પ્રક્રિયા શું છે ? એ સ્પષ્ટ છે કે શૈલીવિજ્ઞાન એ સાહિત્યિક શૈલીનું ભાષા વૈજ્ઞાનિક અધ્યન છે. તો આ પ્રક્રિયામાં ભાષાશાસ્ત્રનાં અંગો અને સાધનોનો ઉપયોગ થવો જોઈએ. ભાષાવિજ્ઞાનના ચાર અંગો ધ્વનીવિજ્ઞાન, રૂપવિજ્ઞાન અને અર્થવિજ્ઞાન. આ ચાર લાક્ષણિકતાઓ સાહિત્યમાં કઈ રીતે યોજાઈ છે, પ્રયોજાઈ છે તે જોવાનું કામ શૈલીવિજ્ઞાન કરે છે.
સમયની અને વિષય વ્યાપની મર્યાદાને ધ્યાનમાં રાખતાં ગુજરાતી ભાષાના વ્યાકરણમાં જેનું વિશેષ મહત્ત્વ છે તે રૂપસિદ્ધિના બે મહત્ત્વના વિભાગો પદસિદ્ધિ અને અંગસિદ્ધિમાંથી અંગસિદ્ધિ સંદર્ભે વાત કરીને ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયોને જોઈ-તપાસીને ભાષામાં તેને કઈ રીતે પ્રયોજવામાં આવે છે તે જોવાનો ઉપક્રમ અહીં સેવ્યો છે.
પ્રત્યયો વિશે થોડું :
પ્રત્યય એટલે કે શબ્દના મૂળ અંગને કોઈ નવો અર્થ આપવા, કોઈ વિશેષતા લાવવા તેની અરસપરસ કોઈ રૂપઘટકો જોડવામાં આવે તે. આ રૂપઘટકો જેને ભાષાવિજ્ઞાનની પરિભાષામાં પ્રત્યયો તરીકે ઓળખવામાં આવે છે. – ‘છોકરો’, ‘અણઆવડત’, ‘વણજોઈતું’, ‘દેખાડીશું’, ઈ. શબ્દોમાં છોકર, આવડ, જોઈ, દેખ ઈ. મુળ અંગોની આગળ પાછળ ‘ઓ’, ‘અણ’, ‘ત’, ‘વણ’, ‘ઈશુ’ ઈ. રૂપઘટકો લાગ્યા છે, આ રૂપઘટકો તે જ પ્રત્યયો. આ પ્રત્યય અને મૂળ અંગોનું જોડાણ કઈ રીતે થાય છે એ જોવાથી કોઈપણ ભાષાના બંધારણ અને રૂપસમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
વિભક્તિના પ્રત્યયો ની, માં, થી વગેરે તેમજ કૃદંતો, ય્  - એલ્ – વ્ – વગેરેને બાદ કરતાં ગુજરાતીમાં બીજા અંગસાધક પ્રત્યયો પણ જોવા મળે છે. આ અંગસાધક પ્રત્યયો એટલે કે એવા પ્રત્યયો કે મૂળ અંગને પ્રત્યય લાગ્યા પછી પણ બીજા પ્રત્યયો લાગી શકે છે... એટલે કે આવા પ્રત્યયોથી સાધિત શબ્દો કોઈ અન્ય પ્રકારના પ્રત્યયો લગાડી શકાય એવું અંગ બનાવે છે. દા.ત. ‘મરણ’ના મુળ અંગ ‘મર’ને ‘ણ’ પ્રત્યય લાગી ‘મરણ’ શબ્દ સાધિત થયો. હવે આ ‘મરણ’ને ‘ઈય’ પ્રત્યય લાગીને ‘મરણિય’ શબ્દ સાધિત થાય અને ‘મરણિય’ ને ‘ઓ’ પ્રત્યય લગાડીએ તો ‘મરણિયો’ શબ્દ બને, આમ ‘ણ’ અને ‘ઈય’ પ્રત્યય લાગી સિદ્ધ થયેલા શબ્દોને અન્ય પ્રકારના પ્રત્યય લાગી શકતા હોવાથી તે અંગસાધક પ્રત્યયો છે... આ રીતે ‘દેખ’ શબ્દમાં ‘આઈ’ લાગે એટલે ‘દેખાઈ’ને ‘દેખાઈ’ને પૂર્વે ‘અ’ લાગે એટલે ‘અદેખાઈ’ શબ્દ બને... તો જે અંગની અરસપરસ લાગી કોઈ નવો શબ્દ બનાવે તે અંગસાધક પ્રત્યય થયો કહેવાય... (ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જો શબ્દના બન્ને ઘટકો પ્રધાન હોય તો તેવા શબ્દો સમાસ બને છે) આ પ્રત્યયો મૂળ અંગની આગળ કે પાછળ લાગી શકે છે. મૂળ અંગની આગળ લાગતા પ્રત્યયને પૂર્વ પ્રત્યય અને મૂળ અંગની પાછળ લાગતા પ્રત્યયને પર પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે... અહીં મુખ્ય ચર્ચાનો વિષય અંગસાધખ પ્રત્યયો સાહિત્યમાં કેવી રીતે ઉપયોગાયા છે ને વિવેચક એનું કેવી રીતે શૈલીવિજ્ઞાન આધારિત વિવેચન કરે છે એ જોવાનો અભિગમ જ રાખ્યો છે... અન્યથા અંગસાધક પ્રત્યયો વિશે નો જ એક સેમિનાર થઈ શકે એઠલી ચર્ચાને અવકાશ રહ્યો છે.
ઝૂરાપો, સ્મરણ – મૂંઝવણ કેવી કેવી !
મળી છે મને હાંઝવણ કેવી કેવી !
ફૂલો, ચાંદ, તારા, ઝરણ, પ્હાડ દરિયા;
મને સોંપી છે જાળવણ કેવી કેવી !
પણે આંસુટોળાં, આ હસતી કટારો;
વીંધાવું સતત ! આગમણ કેવી કેવી !
તૂટી નાવ, તોફાની દરિયાનો નાવિક;
કિનારે ઝૂરે રાજવણ કેવી કેવી !
ઉછાળી યુગોથી ઊભો વાટ જોઉં;
ગઈ મોઈ કયાં મૂંઝવણ કેવી કેવી !
મૂળે ‘મૂંઝવણ’ શબ્દનો કાફિયા સાચવવા માટે કેવા શબ્દો બનાવીને કવિ પોતાની વાતને સિદ્ધ કરે છે તે જોઈએ.
કવિને ગઝલમાં પોતાની વાતની ચમત્કૃતિ સાધવા માટે ‘ણ’ પ્રત્યયનો પ્રયોગ કરીને ગઝલના કાફિયામાં કેવા નવા નવા શબ્દો સાધિત કરે છે જુઓ – જાળવણ, આગમણ, રાજવણ, મૂંઝવણ ઈ. શબ્દોમાં જાળવ, ઓગમ, રાજ, મૂંઝવ, ઈ. નામિક અને આખ્યાતિક મૂળ અંગમાં ણ પ્રત્યય લગાવીને કાવ્યમાં કવિ કેવા સ-રસ વિશેષણો બનાવી કાવ્યને લય અને આકાર શક્યા છે. આ જ તો કવિની એ શૈલી વિશેષતા ગણી શકાય છે.
આ સિવાય ‘તર’ પ્રત્યયનો ઉપયોગય કરીને કેવા નવા શબ્દો આધિન કરે છે જૂઓ.
‘તર’ પ્રત્યયનો ઉપયોગ કરીને કવિ શબ્દોના મૂળઅંગમાં કેવી રોચકતા લાવી શક્યા છે. જોઈએ કેટલાક ઉદાહરણો. આ પ્રત્યયો ક્રિયાવાચક પરિણામ વાચક અર્થ દર્શાવતી સંજ્ઞાઓ બનાવે છે.
શબ્દનાં માથાં ગણ્યાથી શું વળે ?
એક-બેમાં ઠોસ જીવનતર  જોઈશે
છે શ્રમિકો વ્યસ્ત સૌએ ચક્રધર;
કૃષ્ણને પણ અર્થ નવતર જોઈશે.
છે હજારો વર્ષથી એક જ તરાહ;
કાલથી જુદૂં ગણતર  જોઈશે.
અહીંયા ગઝલનાં કાફિયા તરીકે જીવતર, નવતર, ગણતર જે શબ્દોનો પ્રયોગ કર્યો છે. જે ગઝલાં એક લયતા આવે છે. તેમાં જીવ, નવ, ગણ, ઈ. મૂળ અંગોને તર પ્રત્યય સાથે સાધીને એક પ્રકારની અંગસાધકતાને પ્રગટ કરે છે. ‘તર’ પ્રત્યય કોઈક પરિણામને સિદ્ધ કરવાની વાત કરે છે. અહીંયા કવિ કાંઈક કરવા માટે, કાંઈક હોવું જોઈએ, કે કાંઈક કરવું જોઈએ, એ ભાવને વ્યક્ત કરવા માટે ‘તર’ અંગસાધક પ્રત્યયનો ઉપયોગ કરીને પોતાને જે કહેવું છે તેમાં અસરકારકતા લાવી શક્યા છે.
આ કવિએ પ્રાદેશિક કાવ્યોમાં પણ આ અંગસાધક પ્રત્યયોનો ઉપયોગ કરીને પોતાની આગવી શૈલીથી એક આગવી ઓળખ ઊભી કરી છે. જેમકે –
‘પાકટ કુવાર્યાકાનું ર્ગાણું’ યાની કે પુખ્ત વયની છોકરીનું ગીત આ ગીતના શીર્ષકમાં જ જુઓ – પાકટના પાકુ મૂળ આખ્યાતિક અંગને ‘ટ’ અંગસાધક પ્રત્યય લગાવીને પારટ શબ્દ સાધિક કર્યો છે. જે પુખ્તતાની પાકી ખાત્રી કરાવી જાય છે. ઉપરાંત આટ – આઈ – આશ – નાર – આર્... વગેરે પ્રત્યયોનાં ઉદાહરણો પણ જોવા મળે છે.
આ કાવ્યસંગ્રહમાં મોટાભાગનાં ઉદાહરણો પરપ્રત્યયનાં જ જોવા મળે છે ને આમેય ભાષામાં / સાહિત્યમાં પણ પરપ્રત્યનો જ વધારે પડતો ઉપયોગ થયેલો જોવા મળે છે... આ કાવ્ય સંગ્રહમાં પણ મોટેભાગે જે ઉદાહરણો જોવા મળે છે તે પરપ્રત્યનો જ રહ્યાં છે... પૂર્વ પ્રત્યયનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલો જોવા મળે છે... કેટલાંક શબ્દોને અહીં જોવાનો પ્રત્યન કર્યો છે... ડૉ. ઊર્મિ દેસાઈ કહે છે તેમ ગુજરાતીમાં કુલ ‘વણ’, ‘અ’, ‘અણ’, ‘ક’, ‘ન’, ‘સ’ એમ કુલ છ પૂર્વપ્રત્યયો જોવા મળે છે.
‘ટોળું’ કાવ્યમાં ‘પ્રગટ આક્રોશ પણ અપ્રગટ આનંદ?’ જેવી પંક્તિઓમાં અપ્રગટ જેવા શબ્દોમાં પૂર્વ પ્રત્યયોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. મૂળઅંગ ‘પ્રગટ’ની આગળ ‘અ’ પ્રત્યય લગાવી અપ્રગટ શબ્દ આધિન કર્યો છે. ‘અ’ પ્રત્યય મૂળ અભાવનાત્મક તેમજ નકારાત્મકતાનો અર્થ દર્શાવે છે. આક્રોશની અભાવાત્મકતા બતાવવા પ્રગટતી આગળ અપ્રગટ લાગવી ટોળાનો આક્રોશની વાસ્તવિક સ્થિતિ દર્શાવી છે. તો ‘રમત’ કાવ્યમાં ‘અનુભવું છું મારી જાતને સુરક્ષિત – ઝળહળતી’માં ‘રક્ષા’ મૂળ અંગને ‘સ’ પ્રત્યય લગાવી સુરક્ષા શબ્દ સાધિત કર્યો છે. ‘સુ’ પ્રત્યય મૂળ સારું અથવા સાથે એવો શબ્દ દર્શાવે છે. આ ઉપરાંત ‘કમૂરતાં’, અનહદ, અગોચર, અવગતિયો, અણજાણી જેવા કેટલાક ગણતરીનાં જ ઉદાહરણો અહીં જોવા મળે છે.
આ રીતે કવિએ આ સંગ્રહમાં અંગસાધક પ્રત્યયોનો ઉપયોગ કરીને પોતાની વાતમાં ચમત્કૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગસાધક પ્રત્યયો પણ કોઈ અંગને જ્યારે સાધિત કરે છે ત્યારે કોઈ ચોક્કસ અર્થ દર્શાવતા હોય છે. જેમકે ‘વણ’ પૂર્વપ્રત્યય અભાવાત્મક, ‘અ’ અને ‘અણ’ અભાવાત્મક તેમજ નકારાત્મક, ‘ન’ અભાવ, વગરનું ઈત્યાદી વિશિષ્ટ અર્થ દર્શાવે છે. પણ એ જ્યારે કોઈ અંગને લાગીને એ અંગને સાધિત કરે છે ત્યારે... એકલા પ્રત્યયનો કોઈ જ અર્થ જાળવતો નથી એ ચોક્કસ બાબત છે.
આમ, કવિ પોતાના વિશિષ્ટ લેખન કૌશલમાં એક પ્રકારની અર્થરોચકતા લાવવા માટે આ અંગસાધક પ્રત્યયોનો ઉપયોગ કરે છે. કવિને માટે અજાણપણે થયેલો ઉપયોગ શૈલીવિજ્ઞાન માટે એક વિજ્ઞાનિક વિવેચનાત્મક અભ્યાસ બની રહે છે. વિવેચક તેના મૂળમાં જઈને જુએ છે કે આ પ્રત્યયોનો ઉપયોગ કરીને કવિ પોતાની વાતને કેવી ચમત્કૃતિ આપી શક્યા છે. અહીં ‘સારસ્વત’ પોતાના કાવ્યસંગ્રહમાં આવા કેટલાય અંગસાધક પ્રત્યયોનો ઉપયોગ કરીને પોતાની વાતને એક આગવી શૈલીથી પેશ કરી શક્યા છે...
આ રીતે સાહિત્યમાં શૈલીવિજ્ઞાનના અનેકવિધ પાસાંઓનો ઉપયોગ કરીને કૃતિનું વિવેચનાત્મક અભ્યાસ શૈલીવિજ્ઞાનના કેટલાક આગવા નિયમો સાથે કરી શકાય છે... અહીં તો મારો એક અલ્પ પ્રયત્ન જ છે... હજુ તો પા પા પગલી કરું છું, કયાંક ગબડી જાઉં કે ગોથું ખાઈ જાઉં તો એક બાળક સમજી ક્ષમ્ય ગણશો...
 

ડૉ. દશરથ સો. પટેલ,
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કૉલેજ,અમીરગઢ
mail: dspatel282@gmail.com
000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us