રમેશ પારેખની કવિતાના ત્રણ રુદનોદ્ગાર

ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ બની ચૂકેલ મરશિયાને કવિ રમેશ પારેખ આગવી રીતે સંયોજે છે. પ્રજાજીવન સાથે કવિ રમેશ પારેખની નાળ અતૂટ રીતે જોડાયેલી છે. આ કવિને પ્રજા-લોક અને તેમની જીવનરીતિ, સંસ્કૃતિ અને ભાષાનો સીધો પરિચય છે. કવિને ગળથૂથીમાં જ સોરઠી વાણીના સંસ્કાર પીવા મળ્યા છે. આ સંસ્કારો રમેશ પારેખની કવિતામાં રચનાકલાના વિશિષ્ટ ઉપાદાન તરીકે આવે છે. કાવ્યમાં અભિવ્યક્તિની એક પ્રાણવાન તરકીબ તરીકે આવે છે. લગ્ન-મૃત્યુ જેવા પ્રસંગોએ ગવાતા ગીત અને મરશિયા જેવા સામુદાયિક લાગણીના આવિષ્કાર માટેના માધ્યમને રમેશ પારેખ અંગત ઉલ્લાસ, શોક કે વેદનાની અભિવ્યક્તિ માટે પ્રયોજે છે અને શુદ્ધ લોકજીવનનું વાતાવરણ પણ ઉપસી રહે છે. ભાષા અને લય પરત્વે પણ કવિ લોક-કવિતાને અનુસરે છે. અભિવ્યક્તિની સામગ્રી અને પ્રતીકો પણ આમસમાજમાંથી લે છે.
કવિ રમેશ પારેખ મૃત્યુના પ્રસંગને પણ મધ્યકાલીન ઠાઠમાં રજૂ કરે છે. ‘રાણી સોનાંદેનું મરશિયું’, ‘એક મરશિયું’ અને ‘એક નવોઢાનું મરશિયું’ના આંતરકલેવરમાં લોકકવિતાના લક્ષણો છે. પદોનું પુનરાવર્તન, પરંપરિત જીવનના પ્રતીકો અને કલ્પનો, ક્યાંક પ્રાસાનુપ્રાસ દ્વારા લાગણીને વળ ચડાવવો, કાવ્યમાં રચાતું શોકમગ્ન વાતાવરણ અને શબ્દમાં પ્રગટતી દૃશ્ય- શ્રાવ્યતા...માં કવિ લોકસાહિત્યના સંસ્કારો આબાદ રીતે ઝીલે છે.
‘રાણી સોનાંદેનું મરશિયું’માં સોનાંદેની વિફળ ઝંખનાઓને ‘ઝામણ નાગ’ના પ્રતીકથી કવિ કંડારે છે. ભાષાની વણખેડાયેલી શક્તિને કવિ નવેસરથી પ્રયોજે છે. શોકવ્યંજક રુદનોદ્ગારમાં વેદનાને- સંવેદનાને આકારબદ્ધ કરી છે. વિતાવેલા મિલનના રંગીન સ્મરણોને, સાથે સજાવેલ વસંતને, રોમેરોમની ઉત્સુકતાને અને જાગી ઊઠતી પ્રણયની આરતને પરાણે વળાવતી, નાથતી, દમન કરતી નાયિકાની હૃદયવ્યથાને વાચા આપી છે. ‘ધડૂસ’ની પુનરુક્તિથી કવિએ ક્રિયાને દૃશ્ય-શ્રાવ્ય બનાવી છે. લયનો હિલ્લોળ, શબ્દની ચિત્રાત્મક શક્તિ અને સઘન બનતી જતી વેદનાથી આ કાવ્ય સિદ્ધિનું શિખર પામે છે.         નાયિકા પતિને ‘ઝામણ નાગ’ તરીકે સંબોધે છે. સામાન્ય રીતે ‘નાગ’ને જાતીય વાસનાનું પ્રતીક ગણવામાં આવે છે. પરંતુ અહીં એ પ્રતીકની પરંપરિત મુદ્રાને કવિએ વિગલિત કરી ‘નાગ’ને નવો સંદર્ભ-‘સૌભાગ્ય’નો સંદર્ભ આપ્યો છે. એ સૌભાગ્ય નંદવાઇ ગયું છે. પોતાના શૃંગારનેય લેતા જવા નાગને- પતિને વિનવણી કરાઇ છે. કાવ્યનાયિકા દ્વારા નાગને પોતાની મેડી, ફળિયું, શેરીયુંમાંથી વળાવતી વેળા ‘ઊતરો’નો પ્રાસ ભાવની ગતિ સાથે લયને ગતિ આપે છે. પછી તો ‘ખમકાર’નો પ્રાસ પણ અર્થસૂચક નીવડે છે, ભાવને ઘૂંટે છે. ભોરિંગ અને મોરની પ્રતીકાત્મક સહોપસ્થિતિથી વિપ્રલંભશૃંગારની તીવ્રતા પરાકાષ્ઠાએ પહોંચે છે. એક વાસનાનું અને બીજું પ્રણયનું પ્રતીક બની કરુણરસને ઘેરો બનાવે છે. વૈધવ્યમાં રતિનો સ્થાયીભાવ જ નષ્ટ થાય એવું નાયિકા ઇચ્છે છે. નાગમતી અને હાથમતીમાં રમતાં ‘સૌભાગ્ય’- શૃંગારની સ્મૃતિને વિસ્તારી આપે છે. અતીતની એ આનંદદાયી પળોને નાયિકા યાદ કરે છે. અહીં શેરી, ફળિયું, મેડી અને લોહી-ની ગતિ, પ્રણયની સૂક્ષ્મતા તરફની ગતિ સૂચવે છે. ‘કાળાઝેર અંધારાના કડાકાથી’ નિરાધાર નાયિકા ભાંગી પડી છે. ભાષાનું બળ કરુણની પરાકાષ્ઠા સુધી વિસ્તરે છે, ‘ધડૂસ’ના ઉદ્ગાર -ક્રિયાથી રજૂ થતી પદોની પુનરુક્તિ કેટલી ઉચિત ક્રિયામય  છે :
                ‘હાલરહિંચકે ખાલી ચડશે
                તોરણચાકળે ખાલી ચડશે
                રામણદીવડે ખાલી ચડશે
                મારે આભલે ખાલી ચડશે
                હાલરહિંચકે ખાલી ચડશે તારી         
                પૂછશે કડાં             
                પૂછશે ભીંતો           
                પૂછશે મેડી             
                ઢોલિયા સીસમસાગના મને પૂછશે
                ચંદણચોકમાં ઘેરી પૂછશે
                વેરી,
                મારગે મને પૂછશે
                લીલાં ઝાડવાં ખેતર સીમ કે પાણીશેરડા                
                વાવડ પૂછશે
                ધડૂસ
                પૂછશે
                ધડૂસ          
                પૂછશે
                ધડૂસ....’

                ‘પૂછશે’ અને ‘તમને’ સાથે આવેલ ‘ધડૂસ’ શબ્દ લોકજીવનમાં મૃત્યુ પ્રસંગે છાતી કૂટવાના દૃશ્યને શ્રુતિકર બનાવે છે. કાવ્યનો પરિવેશ રચવામાં કવિએ જે સામગ્રીનો વિનિયોગ કર્યો છે તેનું જ બળ સંતર્પક બની રહે છે. મેડીયું, ફળિયું, શેરીયું, દામણી, હાલરહિંચકો, તોરણચાકળા, ઢોલિયો, ખેતર, સીમ, પાણીશેરડો જેવા શબ્દોમાં અભિવ્યક્તિનું નવું જ બળ રહેલું છે, કવિ એને સાંકેતિક રીતે દર્શાવે છે. એ શબ્દો જ ઘરાળુ લોકજીવન સાથે સંવેદનને જોડી આપે છે. આજે ભાષા બચાવોના સમયમાં આ ગુજરાતીનું મરશિયું જીવંતતા અને અમરતાની કંકોતરી બની રહે તો નવાઇ નહીં !    ‘એક મરશિયું’માં મોભીના તૂટી પડવાથી સર્જાયેલી કાવ્યનાયિકાની મનઃસ્થિતિની વિષાદમયતાને સર્જકે વર્ણવી છે. ઘરના મોભી અને પોતાના ભરથાર ઓચિંતા જ કાયમી વિદાય લે છે. આ અચાનક આવી પડેલી આપત્તિથી જાણે વરસોથી ઊગતાં સૂરજ-સૂરજવંશી છીનવાય જાય છે અને એની પ્રતિક્રિયા રુપે ‘રાતાંચોળ બલોયાં’ જેવા કેટકેટલાં ‘સૂરજ’ ‘બારસાખમાં’ ધડૂસ દઇને તૂટી પડ્યા છે અને નાયિકાની સ્થિતિ-
‘અશુંકશુંની ચંપાવરણી ડાળ    
ડાળથી ખરી પડેલો આંખ્યુંનો ચંદરવો  
તબકે વેરણછેરણ... વેરણછેરણ... વેરણછેરણ...
મોભી,    તૂટી પડ્યા અણચિંત્યાં ઘરના મોભ,
મોભી,    તૂટી પડ્યા અણચિંત્યાં ઘરના મોભ     
અને આ ભીંતે વળગ્યા કંકુના થાપાના ઝેરી દાંત         વાગશે જતાં- આવતાં  
વાગ્યા કરશે... વાગ્યા કરશે... વાગ્યા કરશે...’

લગ્નપ્રસંગે ભીંત ઉપર લગાવેલ કંકુના થાપા હવે જાણે ‘ઝેરી દાંત’ બનીને વાગ્યા કરશે, જેટલી વાર એ ભીંત સામેથી પસાર થવાનું બનશે એટલી વર એ કંકુથાપા કાવ્યનાયિકાની સુખદ ક્ષણોને તાજી કરશે અને  તુરંત વાસ્તવનો વિચ્છેદ ઝેર જેમ આખા શરીર-મનને વલોવશે, તરફડાવશે. કાવ્યનાયિકાની કરુણ સ્થિતિને તાદશ્ય કરતા કવિ કરુણના ભાવને કાવ્યાત્મકતા સુધી ખેંચી ગયા છે. આવી જ રચનારીતિને અનુસરતું કાવ્ય ‘એક નવોઢાનું મરશિયું’ છે. અહીં પણ કવિ જૂની સફળતાના ચીલે ચાલ્યા છે. અલબત્ત સામગ્રી બદલાયેલી જરૂર જણાશે. અહીં નવોઢાની ભીતર પાંગરેલી સંવેદનાની સામે સંબોધ્ય નાયકની વસમી વિદાયની સહોપસ્થિતિથી કવિ કવ્યમાં તાણ રચે છે. નવોઢાને ‘આંબે મ્હોર’ આવ્યાં ત્યારે જ નાયકને ‘મરતક’ આવ્યાં છે. ‘આંબે મ્હોર’ પ્રતીકથી નાયિકાની શૃંગારઘેલી અવસ્થા અભિવ્યક્ત થઇ છે. અને તેના શૃંગારને પોષનાર, માણનાર તો ‘વીંછીના ડંખ’ છોડીને ચાલ્યો ગયો છે. ‘છોળમારતા’ લોહીમાં પંખીઓ કલરવ કરી રહ્યાં છે- ને ઘરમાં નાયિકાની સ્થિતિ કેવી થાય-

 

‘બંધ ઓરડા   
હાવળ્ય દેતા   
તંગ ડાબલા   
ધૂળ ઊડતી    
જીવપણામાં    
સાંસ તતડતા  
ન્હોર ભરાવે ન્હોર...    
તમને મરતક આવ્યાં : અમને આંબે આવ્યા મ્હોર.’

અસંતુષ્ટ નવોઢાની કારુણ્યમય સ્થિતિને કવિએ વ્યંજનાના આશ્રયે આલેખી-ખોલી છે. આમ, ‘મરશિયા’ના રંગરોગાન અંતર્ગત રચાયેલી ત્રણેય રચનાઓ આસ્વાદ્ય રૂપ ધારણ કરે છે. કાવ્યનાયિકાના મુખમાં મુકાયેલા રુદનોદ્ગારો જાનપદી ભાષાની શક્તિને બરાબર પ્રગટાવી શક્યાં છે. કથાઅંશના વિશિષ્ટ વિનિયોગથી ઊર્મિકાવ્યની સિદ્ધિ ઔચિત્યપૂર્વક સધાઇ છે. ત્રણે કાવ્યમાં ‘રાણી સોનાંદેનું મરશિયું’ ઉત્તમ છે.

 


ભરત મકવાણા
જે.આર.એફ.,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર

હાલ : વ્યાખ્યાતા સહાયક,
સરકારી આર્ટસ & કોમર્સ કૉલેજ,
રાપર-કચ્છ

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us