લઘુકથા
ચિંતા


એ વખતે અમે કણબીવાડમાં રહેતા. મેડીબંધ મકાનો. એકદમ ઊંચા જતા દાદર દરેક ઘરને મળે.
શેરીના નાકે દુકાનો. બાપા પાંચિયું કે દસિયું વાપરવા આપે. બીજા છોકરાઓને એકાદ કે બે આના મળતા હોય ત્યારે પાંચિયું કે દસિયું કેટલું મૂલ્યવાન બની જાય તેની કલ્પના તમે કરી શકો.
વેકેશનના દિવસો એટલે ખિસ્સાખર્ચી ન મળે.. જાતે લઈને જમરૂખ ખાવાની મજા કંઈ ઓર હોય છે! પીપરમીંટની ગોળીઓ મોઢામાં પડી હોય એ બધાને દેખાડી શકાય. વટાણાની કડકડાટી સાંભળતાં ભાઈબંધ હાથ લંબાવે. ખારીશીંગના ફોફા ઉડાડતો દેખું કે કોક ને કોક ભેરુ દોડતો આવે જ. શેરડીના ગન્ન્નાનો રસ અડધા મોંઢાને ને અડધા બુસ્કોટને ગળ્યો કરે. દસિયું મળે ત્યારે હરીભૈના ખમણની ડીશની મિજબાની ઉડે. સોફ્તી આઈસ્ક્રીમનો કોણ હાથમાં થમાય. ક્રીમવાળા બિસ્કીટનું આખું પેકેટ ગજવામાં સમાય. દસિયું આવે ત્યારે છુપા સ્થાનોમાં નાસત કરવાની વેતરણ કરવી પડે. કાંતો હપ્તામાં વાપરવું પડે. ડબ્બલ જલસો મળી શકે.
કોઈ વાર નહોતો ખાસ એ દિવસે પણ બાપા ખૂશ હોવા જોઈએ. ઓફિસે જતા પહેલા મારા હાથમાં દસિયું પકડાવી દીધું હતું. કહે, ‘ભાઈ-બહેન ભેગા ભાગ લેજો.’
બહેનને ખબર હતી મને ભેગાનો અર્થ ભેજામાં ઉતરતો નહોતો. સંપૂર્ણ માલિકી મારી રહેતી. નીજની ખૂશી ઉપર બહેનના ભાગ્યમાં કાઈ આવે? બહેન પણ વેતરણમાં રહે મને ખૂશ રાખવાની.એથી વારે વારે એની નજર મારી ઉપર રહેતી.હું પણ એ ફીરાકમાં કે છાનોમાનો ઉપાડી જાઉં. ઘડીક પાટીમાં લીટા કર્યાં. વાર્તાની ચોપડી હાથમાં લીધી. મેડીની પરસાળમાંથી ડોકું બહાર કાઢ્યું. ઘડીવાર આકાશને તાકતો ઉભો. અંદર આવી હિંચકે બેઠો. બહેનને ખાતરી થઇ ગઈ કે ભાઈ બહાર જવાના મૂળમાં નથી. જેવી એ રસોડામાં ઘુસી કે બંદા બહાર.
ગોફણમાંથી વછૂટતા ગોળાની જેમ દાદર ઉતરવા માંડ્યો. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને ધડામ... ધડામ... ધડામ. આપણા રામ શેરીની વચ્ચોવચ ગોટમોટ થઇ ગયેલા. માથું ધૂળ ધૂળ. હાથ છોલી ગયો. કોણીયેથી લોહી નીકળ્યું. કડ્યમાં કળતર ઉપડ્યું.
ઉપર મેડીમાં બેન અને માંને અવાજ સંભળાયો હોવો જોઈએ. પણ માં આને એ પહેલા બેનડી પહોંચી ગઈ મારી પાસે. આવતાની સાથે જ પેલોવેલો પ્રશ્ન કર્યો, ‘દસિયું ક્યાં?’

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com