Download this page in

સુધારક યુગની ઐતિહાસિક નવલકથા –‘સધરાજેસંગ’

મહીપતરામ નીલકંઠ ઓગણીસમી સદીના ગુજરાતના સુધારકયુગના એક અગ્રણી કેળવણીકાર, સાહિત્યકાર, સમાજના હિતચિંતક, જાહેર જીવનના કાર્યકર હતા. તેમનો જન્મ: 3-12 -1829 ના રોજ વડનગરા નાગર કુટુંબમાં થયો હતો. મહીપતરામના લગ્ન તે સમયની રૂઢિ પ્રમાણે નાની ઉંમરે થયા હતા.તેમણે પ્રાથમિક શિક્ષણ સુરતની ગામઠી શાળામાં મેળવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇની એલફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યાં નર્મદાશંકર, કરસનદાસ મુલજી વગેરે મિત્રો તેમને મળ્યા હતા. રીડ, પેટન, હાર્કનેસ જેવા વિદેશી શિક્ષકોનું માર્ગદર્શન મળ્યું હતું. મહીપતરામ ‘બુદ્ધિવર્ધક સભા’માં પણ સક્રીય ભાગ લેતા હતા. એક સમાજસુધારક અને પત્રકાર તરીકે એમની કારકિર્દીની શરૂઆત થઇ હતી. ‘બુધ્ધિવર્ધકગ્રંથ’, ‘રાસ્તેગોફ્તા’, ’સત્યપ્રકાશ’માં એ લેખ લખતા. તેઓની 1850માં નિમાયેલી ‘હોપવાચનમાળા’ સમિતિના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી હતી. 1859માં અંગ્રેજ સરકારે મહીપતરામને ‘રાવસાહેબ’ના ઇલકાબથી નવાજ્યા હતા. મહીપતરામનું લેખન સર્જન જોતો સમજાશે કે એમના સમયમાં અનેક બાબતોમાં એ ‘પયોનિયર’ રહ્યા છે. એમણે નવલકથા,ચરિત્ર ચિત્રણ, પ્રવાસ પુસ્તક, ભવાઇના વેશ વગેરે સાહિત્ય એમની પાસેથી સાંપડે છે. એમની લેખન શક્તિ મધ્યકક્ષાની હતી છતાં સાહિત્યિક પ્રદાન ઇતિહાસની દૃષ્ટીએ નોંધપાત્ર છે.

ઇ.સ.1880માં લખાયેલી મહીપતરામની ઐતિહાસિક નવલકથા ‘સધરાજેસંઘ’ વાંચતા આપણને પ્રશ્ન થાય કે ‘સધરાજેસંઘ’ એટલે કોણ? ‘સધરાજેસંઘ’એ લોકબોલીમાં સિદ્ધરાજ જયસિંહ માટે બોલાતો તળપદો શબ્દ છે. ઇતિહાસ પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ દેવની વાત આલેખતી આ નવલકથા વાર્તા કહેવાતી હોય એમ લખાઈ છે. ‘કરણઘેલો’ને મળેલા આવકારથી પ્રેરાઈને તેમજ નમૂનારૂપ માનીને મહીપતરામે આ નવકથા લખી છે તેમ રમણલાલ નીલકંઠે નોંધ્યું છે’. તેથી ગુજરાતી ઐતિહાસિક નવલકથા આલેખનની પગદંડીની દિશામાં ‘કરણઘેલો’ની સાથે કદમ મિલાવે છે. પછી તો કનૈયાલ મુનશી, ર.વ. દેસાઈ, ધૂમકેતુ વગેરે સમર્થ સર્જકો પાસેથી ઉત્તમ ઐતિહાસિક નવલકથાઓ પ્રાપ્ત થાય છે.

મહીપતરામ સંશોધક ર્દષ્ટીના લેખક અને અંગ્રેજી સાહિત્યના ઉંડા અભ્યાસી હતા. આ ઐતિહાસિક નવલકથા લખવા માટે મહીપતરામે એ સમયના વ્યુત્પન્ન પંડિત વ્રજલાલ કાલિદાસની સહાય લીધાનું નવકથાના અંતે આપેલી ‘ઉપગ્રંથ’ શીર્ષકની નોંધમાં સ્વીકાર્યું છે. આ નવલકથા માટે ‘પ્રબંધ ચતુર્વિંશતિ’, ‘કીર્તિકૌમુદીકાવ્ય’, ‘વસ્તુપાલચરિત્ર’, ‘કુમારપાળગદ્ય’ વગેરે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યાનું નોંધ્યુ છે.

‘સધરાજેસંઘ’ અથવા ‘સિધ્ધરાજ જ્યસિંહ દેવની વાર્તા’ નામે લખાયેલી આ ઐતિહાસિક નવલકથાના મુખ્ય પેજ પર શિરોરેખાવાળી ગુજરાતી લિપિમાં લખાયેલ શબ્દો જોવા મળે છે. જેમાં મહીપતરામ પોતાને લેખક કે સર્જક નહીં પરંતુ ‘જોડનાર’ તરીકે નિખાલસ પણે રજૂ કરે છે. આ ગ્રંથ અમદાવાદ આર્યોદય પ્રેસમાં છપાય છે. સંવત 1952 સને 1896 જેની કિંમત સવા રુપિયો રાખવામાં આવી છે. મે આ અભ્યાસલેખ માટે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત અને રમેશ માં. શુક્લ દ્વારા સંપાદિત ‘મહિપતરામ ગ્રંથાવલિ ખંડ -2 નવલકથા અને લોકસાહિત્ય’ પુસ્તક, પ્રથમ આવૃતિ:2012નો ઉપયોગ કર્યો છે. મહીપતરામે ‘સધરાજેસંઘ’ ગ્રંથ પોતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો તે સમયે નાત બહાર મુકવામાં આવ્યા હતા અને તે સમયે જે મિત્રો સ્વદેશના ભલાને માટે નાત તરફનો સંતાપ ધૈર્યથી વેઠ્યો એ વિકટ સમયમાં સાથ સહકાર આપનાર સર્વ મિત્રોને અર્પણ કર્યો છે.

‘સંવત 1128માં કરણ સોલંકી ગુજરાતના રાજ્યાસને બિરાજ્યો’[પ્રુ.155] એ વાક્યથી નવલકથાની શરુઆત થાય છે:’ એના સમયમાં ગૂર્જર રાજ્યના સૂર્યની સોળેકળા તપી’ [પુ.296] એ વાક્ય પર પૂર્ણ થાય છે. સો –દોઢસો પાનામાં લખાયેલી આ નવલકથામાં સિદ્ધરાજ જયસિંહ દેવ કેન્દ્રબિંદુ છે. જેની આસપાસ સમગ્ર ઘટનાઓ બને છે. આ ઐતિહાસિક પાત્ર પ્રધાન કહી શકાય એવી નવલકથા છે. દસ પ્રકરણોમાં વર્ણવાયેલી ઐતિહાસિક નવલકથામાં સિદ્ધરાજના માબાપના લગ્ન, સિદ્ધરાજનો જ્ન્મ, બાળપણ, વાઘનો શિકાર, મલ્લવતળાવ, કર માફી, સહસ્રલિંગ સરોવર, માળવા પર સવારી, યશોવર્મનું નાસવું, રુદ્રમહાલય, રાણકદેવી હરણ, સ્વર્ગવાસ વગેરે ઘટના-પ્રસંગનું આલેખન કરવામાં આવ્યું છે.

કુશાગ્ર બુદ્ધિ સિદ્ધરાજ જયસિંહ દેવને બાળપણથી જ રાજા બનવાના કોડ હોય છે. માતા મયણલ્લદેવીના ગુણોનો પ્રભાવ સિદ્ધરાજ ઉપર સૌથી વધારે જોવા મળે છે. માતાને પણ દીકરા ઉપર એટલું જ વહાલ છે. માતાની સાથે યાત્રાએ ગયેલો સિદ્ધરાજ જંગલમાં વાઘનો શિકાર કરવા ચાલ્યો જાય છે. તો માતાની ચિંતા વધતાં તે શિવ ભગવાનને પ્રાથના કરે છે: ”હે દેવાધિદેવ કલ્યાણકારી શિવ! કે ત્રિલોક નાથ કૃપાળુ ભગવાન ! કુંવરની તોળા સુવર્ણ વડે કરીએ અને તે સર્વ સુવર્ણ આપને ચરણાર્પણ કરીએ એ સુવર્ણ લેઇ કુંવરને પાછો આપો.”[પ્રુ.178]આવી પ્રાર્થના કરે છે. ત્યાં જળાધારીની નીચેથી ‘અસ્તુ અસ્તુ’ અવાજ આવે છે. ત્યાં ભોયરામાં છૂપાયેલા ઢોગી ધુતારાની પોલ સિદ્ધરાજ પોતાની બુદ્ધિ વડે પકડી પાડે છે. ગારુડીના પ્રસંગમાં ઢોગી ધુતારા પ્રજાને કેમ કરી છેતરી પોતાની હાથ ચાલાકી બતાવે છે. તેમાં રાજા એની પાસે સત્ય બોલાવીને રહે છે. સિદ્ધરાજ કહે “હવે બાકીનું કહ્યા વિના નહિ ચાલે. તને એટલું સમજાવ્યો તોય હજી નકમી હઠ કે છે. જેટલું કહ્યુ તેટલા માટે તો લે આ સોનાનું કડુ પહેર, મે તને બધા લોક વચ્ચે આપ્યું હતું તેની આ બીજી જોડ છે.એ બીજા હાથનું છે.” [પ્રુ.268] આમ પોતે હોશિયાર છે ગમે તેવાની વાતોમાં આવે એવો નથી. વગેરે પ્રસંગોમાં મહીપતરામની સુધારા પ્રવૃતિનો પ્રભાવ જોવા મળે છે. નવલકથામાં સિદ્ધરાજ યુદ્ધ કરી વિવિધ રાજપૂત રાજાઓને ખંડિયા બનાવે છે પરંતુ ખંડિયા રાજાઓ સાથે તેનો વ્યવહાર ઉમદા છે. આર્યપ્રજા, ધર્મના રક્ષક તરીકે સિદ્ધ્રરાજને આલેખવામાં આવ્યો છે. ઈતિહાસને સંકોચીને સર્જક મહીપતરામે કથાવસ્તુને નવો આયામ આપવાનો પ્રયત્ન કર્યો છે.

સિદ્ધ્રરાજના યશસ્વી પાત્રને લોકકથા કે ભવાઈ વેશના આધારે જસમા ઓડણના પ્રસંગમાં શોષક કે વિષયી પણ બતાવ્યો છે. સહસ્ત્રલિંગ તળાવ બંધાવાની કામના ધરાવતો સિદ્ધરાજ જસમા ઓડણ પ્રત્યેનો વ્યવહાર એને શોભતો નથી. સામે કહેવાતી નીચી કોમમાં જન્મેલી જસમા પતિવ્રતા નારીના રૂપમાં નિરૂપાઇ છે. જસમા ધન જોઇ લલચાતી નથી પણ ધર્મને ખાતર મોત વાહલું કરે છે. ”ઓ પ્યારી જસમા! હે વાહલી સુંદરી તે આપઘાત શીદ કર્યો ! પ્રથમ તારા અલૌકિક રુપે મને મોહ પમાડ્યો તું ઇંદ્રની અપસરા જેવી છે તારુ અંગ કેવુ નજુક છે ! તરુ મુખ કેવુ કોમળ છે! તારા કેશની, તારા ચક્ષુની, તારા નાકની શોભા તારા હોઠનું ફૂટડાપણ કોણ વર્ણવી શકે! તારી ચામડી કેવી ગોરી છે! તારા સુંદર સ્વરુપે ને તારી મધુર વાણીએ મારા ઉપર મોહજાળ નાખી ત્યારપછી તારા સદગુણે મને સૌન્દર્યઅંશ પમાડ્યો તારા પણિયત સ્વામી ઉપર તારી ર્દઢ પ્રીતિએ તારા અચળ શીળવ્રતે મોહના બંધન મજબુત કર્યા.”[પ્રુ.200] સિદ્ધરાજ ત્યાં જુકી જાય છે. આ ઘટના બની હોવાનું ઘણા ઈતિહાસકારો સ્વીકારતા નથી.

નવલકથામાં સિદ્ધ્રરાજ જયસિંહના પાત્ર પછી મયણલ્લદેવીનું પાત્ર મુખ્ય છે. ચતુર, દ્રઢ, ઉદાર મનના, શાસન ચલાવવાના ઉમદા ગુણો ધરાવતી, રાજમાતા મયણલ્લદેવીના પાત્રને લેખકે ‘વરતવતુલા’ કરવાવાળી અને રોતલ બતાવી છે જે ખૂંચે છે. પહેલાં દસ પાનાં સિદ્ધરાજની માતાનું નામ ‘મીનલદેવી’ અને પછીનાં પાનાંમાં ‘મયણલ્લદેવી’ નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓ, પ્રધાન, જસમા ઓડણ, મારુતી, ગારુડી, મધુમુખી, રાણક દેવી વગેરે પાત્રોની યથોચિત ગૂંથણી નવલકથામાં કરી છે. લેખક મહ્દઅંશે જેતે પાત્રના ચરિત્રને ઉપસાવી શક્યા છે. ક્યાંક મૂળકથામાં આડકથા બિન જરૂરી વિસ્તારથી પણ આવે છે જેમકે, કૂકડભટની ઘટના. તો ‘સિદ્ધહેમ’ ગ્રંથનો મહત્વનો પ્રસંગ બે-ત્રણ લીટીમાં પૂરો થાય છે.

આખીય નવલકથા ઈતિહાસ અને લોકકથા પર આધારિત છે. પરંતુ વચ્ચે વચ્ચે સુધારક યુગની વાતો પ્રવેશી જાય છે. રમેશ મ. શુક્લ મહીપતરામની નવલકથા વિશે યોગ્ય જ નોંધે છે: “પાત્રો ઈતિહાસનાં છતાં, ઘટનાક્રમનો સંદર્ભ તત્કાલીન છતાં, ચિત્ર ઊપસે છે મહીપતરાકાલીન. રાજપૂતયુગના સામાજિક વિચારવર્તનને ઉવેખી નવલકથાકારે તેને સમકાલીન સામાજીક સુધારાના આંદોલનનો સ્પર્શ આપ્યો છે. તે સન્દર્ભે આ નવલકથાઓ નબળી છે.” [પૃ. 5 સંપાદકીય] આ નવલકથામાં મહીપતરામની આ મર્યાદા તપાસીએ તો નવલકથાની શરૂઆતમાં બાળલગ્નની વાત. એ જ રીતે ચક્રવતી રાજવી તરીકે સ્વધર્મની રક્ષા માટે ચિતોડમાં રાજા રાણીઓની સભાનું સંબોધન, સત્યાનંદ ઋષિ અને ગણિકા મારુતિની બોધ કથા, પાખંડી ભૂવાઓને ખૂલ્લા પાડવાનો પ્રસંગ વગેરેમાં સિદ્ધરાજના સમયનું નહીં પરંતુ મહીપતરામના યુગનું આલેખન લાગે છે.

આ નવલકથામાં કેટલીક મર્યાદાને નજર અંદાજ કરીને વિચારીએ તો જે સમયે ગુજરાતી ગદ્ય હજું ઘડાતું હતું, નવલકથા હજું પાપગલી માંડતી હતી ત્યારે મહીપતરાનું ઐતિહાસિક નવલકથા ક્ષેત્રમાં ‘સધરાજેસંગ’નું ઉમેરણ નવલકથાની પગદંડીને રાજમાર્ગ તરફ લઈ જવાનું નાનું કદમ છે, પાયાની ઈંટ છે. આ નવલકથાની એકથી વધારે આવૃતિઓ તેની એ જમાનામાં લોકપ્રિયતા હશે એમ સૂચવે છે.

સંદર્ભ ગ્રંથ:

1. ‘મહીપતરામ ગ્રંથાવલિ’ ખંડ : 2 નવલકથા અને લોકસાહિત્ય’,રચનાર: મહીપતરામ રૂપરામ નીલકંઠ, સંપા. રમેશ માં. શુક્લ,આવૃતિ:2012, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
2. ‘નવલકથા સ્વરૂપ’ : પ્રવીણ દરજી,આ. 2015, યુનિ.ગ્રંથનિમર્ણ બોર્ડ, અમદાવાદ
3. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન’નું તેરમું અધિવેશન
4. ‘નવલ વિશેષ’ મફત ઓઝા, પ્રથમ આવૃતિ, 1989