Download this page in

એક નજર સુદામાની પત્ની તરફ

રસને ગહન-ઘટ્ટ-ઘેરો-તીવ્ર બનાવે એવું કોઈ પાત્ર પ્રેમાનંદ જેવા રસસિદ્ધ આખ્યાનકારની નજરે ચડે અને એનો પૂર્ણ અર્ક ન નીકળે એવું બને નહીં. મૈત્રીની ઉદાત્ત ધારા વહાવતું એમનું ખૂબ પ્રસિદ્ધ આખ્યાન ‘સુદામાચરિત્ર’માં બ્રહ્મવિદ્દ, બ્રહ્મનિષ્ઠ ભક્ત સુદામા અને પ્રેમમૈત્રીનો પરમ આદર દાખવતા કરુણાનિધાન કૃષ્ણના ઉદાત્ત ચરિત્રની પડછે, હ્રદયવિદારક,કરુણ વેદના ભરી જતું પાત્ર છે સુદામાની પત્નીનું. એક નારીની સહનશીલતા અને ધૈર્યની તમામ સીમાઓ પાર થઈ જાય એવી દારુણ અવસ્થામાં પણ જે વિવેક અને આદર જાળવી રાખે છે, એવું દયનીય તો ખરું જ, પણ સુદામાની ભક્તિ અને બ્રહ્મનિષ્ઠાની સામે ટક્કર આપી શકે એવું પતિનિષ્ઠ ઉદાત્ત ચરિત્ર છે એની પત્નીનું. અહીં એક નજર નાખીએ પ્રેમાનંદે નિરૂપેલા સુદામાની પત્ની તરફ.

‘સુદામાચરિત્ર’ના પ્રારંભે સાંદીપનિ ઋષિના આશ્રમેથી પરત ફરેલા, મનથી સંન્યાસી એવા સુદામાના ગૃહસ્થાશ્રમની વાત માંડી,કવિ એમના પત્નીના પાત્રનો પ્રવેશ અને પરિચય કરાવે છે-
પતિવ્રતા પત્ની વ્રતપાવન, પતિને પરમેશ્વર કરી પ્રીછે,
સ્વામીસેવાનું સુખ વાંછે, માયાસુખ નવ ઈચ્છે. (કડવું-1-12)

દશ બાળક થયાં સુદામાને, દુખદારિદ્રે ભરિયા,
શીતળાએ અમીછાંટો નાખ્યો, થોડે અન્ને ઊછર્યાં. (કડવું-1-13)

અજાચકવ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓઢે,
આવી મળે તો અશન કરે, નહિ તો ભૂખ્યા પોઢે. (કડવું-1-14)

પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઈચ્છે ઘરસૂત્રનું,
ઋષિપત્ની ભિક્ષા કરી લાવે, પૂરું પાડે પતિપુત્રનું. (કડવું-1-15)

સુદામાએ અજાચકવ્રત લીધું છે ને એમનું મન તો સતત પરમેશ્વરમાં લીન રહે છે, પણ દશ બાળકો અને પતિના ભરણ પોષણની, ઘરસંસારની તમામ જવાબદારી આવી એમની પત્ની પર. કવિએ શરૂઆતમાં જ એના ગુણલક્ષણ નિરૂપ્યા છે કે, પતિને પરમેશ્વર માની, એની સેવા કરનાર પતિવ્રતા એ સ્ત્રી છે. સુદામા કેવળ નામના ગૃહસ્થ છે, પણ જીવન જતિ સમાન છે. ભિક્ષા લેવા તો નથી જવાના, પરન્તુ કોઈ કામ કરીને પણ કશું લાવતા નથી. એમના પત્ની ભિક્ષાન્ન માગી લાવે અને ઘરસૂત્ર ચલાવે.

ભિક્ષાનું કામ કામિની કરે, કોનાં વસ્ત્ર પખાળે, ને પાણી ભરે,
જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. (કડવું-2-3)

ઘણાં વર્ષો સ્ત્રી-સંતાનોએ આવા દુખમાં કાઢ્યા. સમય જતાં નગરમાં ભિક્ષાન્ન કે કોઈ કામ મળતું બંધ થવા લાગ્યું. બાળકો સાવ ભૂખ્યા રહે એવી સ્થિતિ એક માતા માટે અતિ કષ્ટદાયક થઈ પડે છે. ત્યારે એ સુદામા પાસે જઈ વિનયથી હાથ જોડીને પોતાનું દુખ વ્યક્ત કરે છે.

ન મળે કંદ, મૂળ કે ફળ બેદિવસ થયાં લઈ રહે જળ,
સુખશય્યા, ભૂષણ, પટકૂળ, તે ક્યાંથી? હરિ નથી અનુકૂળ. (કડવું-2-6)

પોતાના માટે કશી વસ્તુની એ કામના કરતી નથી, પણ રુદન કરતાં ભૂખ્યા બાળકોનું મુખ હવે એનાથી જોઈ શકાતું નથી. દારુણ દારિદ્ર એની ચોપાસ વીંટળાઈ વળ્યું છે. બીજું કડવું એની આ સમગ્ર પીડાને જ વર્ણવે છે. નથી હાથમાં પકડવા ધાતુપાત્ર, નથી એકેય સાજું વસ્ત્ર, ઘરની ભીંતોય પડી ગઈ છે, ને ઘરમાં શ્વાન-મંજાર આંટા મારે છે. અતિથિ કશું પામ્યા વિના પાછા ફરે છે, વિના નૈવેદ્ય દેવપૂજા કરવી પડે છે. લોકો વાર-તહેવારે નવ્ય ભોજન કરે છે અને પોતાને ત્યાં જેવો દિવસ ઊગે, એવો કોરો ને કોરો આથમે છે. જેમ એ એક પતિવ્રતા પત્ની છે તેમ એ માતા પણ છે. સમાજના વ્યવહારોની એને ચિંતા છે.

આ બાળક પરણાવવા પડશે, સતકુળની કન્યા કેમ જડશે? (કડવું-2-11)

સંતાનોની જ ફક્ત નહિ, એને સુદામાની પણ ચિંતા છે.

હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુખ દેખીને મરું.
આબોટ્યું-પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે. (કડવું-2-13)

બીજેત્રીજે કાંઈ પામો આહાર, તે મુજને દહે છે અંગાર (કડવું-2-15)

પોતાનાથી શક્ય એટલું એણે બધાંના ભરણ- પોષણનું કામ કર્યું, પણ હવે એને પણ નગરમાં કામ કે અન્ન મળતું બંધ થવા લાગ્યું. દુખના સમુદ્રમાં એને કૃષ્ણનો વિચાર આવે છે, કે આમાંથી એ જ ઉગારી શકે. કૃષ્ણ પાસે જવા એ જ સુદામાને વિનવે છે. એક રીતે જોઈએ તો સુદામા-કૃષ્ણની ભેટ કરાવવાનો યશ, સુદામાની પત્નીને જાય છે. સુદામાને એ કરુણતાભરી વિનંતી કરે છે.

છેલ્લે વિનતી દાસી તણી, પ્રભુ! પધારો ભૂધર ભણી,
તે ચૌદ લોકનો છે મહારાજ, બ્રાહ્મણને ભીખતાં શી લાજ? (કડવું-2-22)

સુદામા સહજમાં માને એમ નહોતા. અસહ્ય વેદનાથી પરિવાર વીંટળાયો હોવા છતાં જે પોતાનું વ્રત ન તોડતા હોય, એને પોતાના મિત્ર કૃષ્ણ પાસે કશુંક લેવાની આશાએ જવા માટે તૈયાર કરવા, કોઈ સાધારણ વાત નહોતી. ત્રીજા કડવામાં કૃષ્ણ પાસે જવા સુદામાના મનમાં વાત ઊતારવા મથે છે. એ સમજાવે છે કે ધન નહીં મળે તો ગોમતી-મજ્જન-દર્શન-ફળ નહીં જાય. સુદામાના હ્રદયમાં એક સંકોચ જાગે છે. એ કહે છે કે, વિપ્રને માગતા કોઈ પ્રતિરોધ નથી, પણ મિત્ર આગળ માગતા જીવ જાય છે.
જાદવ સઘળાં દેખતાં, હું કેમ ધરું જમણો હાથ?
હું દુર્બળ મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ. (કડવું-3-6)

સુદામા ખૂબ કપરો તર્ક કરે છે- ‘જેમ ગર્ભમાં રહેલ પ્રાણી કશો ઉદ્યમ નથી કરતું, છતાં એનું પોષણ થાય છે, તો આપણે પણ સંતોષ રાખવો જોઈએ.’ એની પત્ની સમજી જાય છે કે, જાચવા જવાની વાતે તો સુદામા ક્યારેય નહીં જાય. ને આવી પરિસ્થિતિમાં તો પરિવાર કેમ કરી જીવી શકશે? એ એક વચલો રસ્તો કાઢી આપે છે.

જોડવા પાણિ, દીન વાણી, થાયે વદન પીળું વર્ણ,
એ ચિહ્ન જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ. (કડવું-3-10)

સુદામાએ માગવાની જ જરૂર નહીં પડે, જાચકના લક્ષણો જ ઘણાં થઈ પડશે અને સુદામાનું વ્રત પણ જળવાય રહેશે. તેમજ મિત્ર પાસે જમણો હાથ લંબાવવાની દ્વિધા નહીં અનુભવવી પડે. સુદામા કહે છે કે, કૃષ્ણ સ્વયં અંતર્યામી છે, જગતના મનની વાત જાણે છે, અહીં બેઠા બેઠા જ નવનિધિ આપશે ત્યાં જવાની જરૂર નથી.સુદામાના આ વચન સાંભળી છેવટે ઋષિપત્ની રડી પડે છે અને પોતાની પીડા વહાવી દે છે.

તમો જ્ઞાની, ત્યાગી, વેરાગી, છો પંડિત, ગુણભંડાર,
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર.(કડવું-3-13)

નિ:સહાય અવસ્થામાં રડતી પત્નીને જોઈ સુદામા એને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ મુશ્કેલીને વિધિનું વિધાન સમજી, જે છે તેમાં સંતોષ માનવા ઘણી શિખામણઆપે છે, પણ એની પત્ની એક જ વાતમાં આ તાત્વિક વાત ભૂખ્યા પેટે ગળે ન ઉતરે એટલું જણાવી દે છે.

અન્ન વિના ભજન સૂઝે નહિ, ઋષિરાયજી રે,
જીવે અન્ને આખું જગત, લાગું પાયજી રે. (કડવું-3-18)

સ્વયં શિવે અન્નપૂર્ણાને ઘરે રાખ્યા છે તો અન્ય તો કોણ એના વગર રહી શકે? અન્ન થકી આખો સંસાર જ્યાં ચાલી રહ્યો છે તો પોતે વિના અન્ને કેમ કરી જીવી શકે? પોતાના બાળકો ખાવા માગે, એને શું આપવું? અન્નનું પરમ મહાત્મ્ય તો એ જ સમજી શકે, જે એના માટે અતિ તરસી ગયું હોય. બીજી તરફ એને દૃઢ વિશ્વાસ છે કે એક માત્ર કૃષ્ણ એમને આ દારિદ્રમાંથી અવશ્ય બહાર કાઢી શકશે.

એની પત્નીની સમજણ અને ધૈર્યની ત્યાં પણ કસોટી હતી કે એ સુદામાને જીદ્ પૂર્વક જવા નથી કહેતી. સુદામાની જ્ઞાનપ્રભાને યોગ્ય વાત કરીને મનાવે છે. એની વાતમાં સુદામાને પણ સત્ય પ્રતીત થાય છે અને છેવટે જવા તૈયાર થાય છે, પણ જ્યાં પોતાના બાળકોને ખવડાવવા કોળિયો અન્ન નથી ત્યાં સુદામા કૃષ્ણપુત્રો માટે ભેટ લઈ જવાની વાત કરે છે. તેમ છતાં આને માટે એ વાત જ સુખદાયક હતી કે સુદામા જવા તૈયાર થયા. પડોશણ પાસે માગવા જાય ત્યારે એ જે શબ્દો કહે છે, એ સાંભળી એની કરુણતા હ્રદયની પાર ઉતરી જાય છે.

“બાઈ, આજ કાજ કરો મારું, તો હું મૂલે લીધી દાસ.(કડવું-5-5)

દ્વારામતી મમ પતિ પધારે, જાચવા જદુરાય,
અમો દુગણું કરીને આપીશું, કાંઈ ઉછીનું આપો માય!”(કડવું-5-6)

પોતે દાસત્વ સ્વીકારવા તૈયાર છે, જો કાંઈ લઈ જવા મળે તો. એને ખ્યાલ છે કે સુદામાને મોકલવા ખૂબ કઠીન છે. મહામહેનતે એણે જવાની હા ભણી છે. નગરમાં એને હવે કશું મળી રહ્યું નથી. સાવ અસહાય છે. એની દુર્બળ સ્થિતિ પર દયા કરી પડોશણ તાંદુલ આપે છે. અત્યારે આ તાંદુલ એના માટે રત્નથી વધુ મહામૂલા છે. મારગમાં વેરાતા ન જાય માટે દસવીશ ચીંથરાં ભેગા કરી તાંદુલ બાંધી આપે છે અને ભૂખ ભાંગે એવું કશુંક લઈને સુદામા પાછા ફરે એવી તીવ્ર અપેક્ષા સાથે પરિવાર એમને દ્વારામતી તરફ જવા વળાવે છે. એવું લાગે કેદ્વારામતી સુદામા એકલા નથી જતાં, પણ એમની સાથે એમની પત્નીની દારિદ્રની પીડાથી ત્રસ્ત હ્રદયનીશ્રદ્ધા, કૃષ્ણ દુખ ભાંગશે એવો વિશ્વાસ અને બાળકોની અપેક્ષાઓ મળીને સઘળું જાણે કે જોડાય ગયું છે.

બીજી તરફ સુદામાની મન સ્થિતિ અલગ છે. દ્વારામતી પહોંચ્યા, કૃષ્ણને મળ્યા, કૃષ્ણનો પરમ સ્નેહ અને અકલ્પનીય આદર પામ્યા, પણ એમનું મન તાંદુલની પોટલી સંતાડવામાં લાગેલું છે. કૃષ્ણની નજર એ પોટલી પર પડે છે અને કોઈ દુર્લભ વસ્તુ કહી કૃષ્ણ એ જાચે છે, યાદવ નારીઓ એ જોવા ઊભી રહી ગઈ છે ત્યારે સુદામા કફોડી પરિસ્થિતિમાં મૂકાય છે. એવે સમયે પણ પોતાનામનમાંને મનમાં પત્નીને દોષિત ઠેરાવી ઘણું સંભળાવી દે છે-
સુદામો સાંસા પડિયા, ‘લજ્જા મારી જાશે,
ભરમ ભાંગશે તાંદુલ દેખી, કૌતુક મારું થાશે.(કડવું-11-8)

સ્ત્રીને કહ્યે હું લાગ્યો લોભી, તુચ્છ ભેટ મેં આણી
લજ્જા લાખ ટકાની ખોઈ, ઘર ઘાલ્યું ધણિયાણી.’ (કડવું-11-9)

સુદામાને કૃષ્ણ સાથે મિલન થવામાં પત્ની નિમિત્ત બન્યા એનો એટલો આનંદ નથી. જેટલી લજ્જા આ તાંદુલની પોટલીથી એ અનુભવે છે. કૃષ્ણ આ ભેટને અણમોલ કરી આરોગે છે અને સુદામાના તમામ દુ:ખોનો અંત આવે છે. વૈકુંઠ જેવા સુખ-વૈભવથી સુદામાનું ઘર છલકાય ઊઠે છે. પણ કૃષ્ણએ સુદામાને પોતોના હાથમાં પ્રત્યક્ષ કશું નથી આપ્યું. ખાલી હાથ પાછા ફરતા પત્નીની સાથે કૃષ્ણને પણ નિંદે છે.

સ્ત્રીજીત નર તે શબ સમાન, રંડા ઉપજાવે અપમાન. (કડવું-12-15)
દામોદરે મુને કીધી મયા, મૂળગા મારા તાંદુલ ગયા!

બાંધી મુષ્ટિના શો મિત્રાચાર! મોટો નિર્દય નંદકુમાર. (કડવું-12-19)

ઋષિ પોતાની જાતને પણ નિંદતા જાય છે, જાચવા ગયાનો પાશ્ચાતાપ કરે છે. અંતે પોતાના કર્મની કઠોરતા માની નિરાશામા વિવેકજ્ઞાનથી પોતાને શાંત કરી પાછા ફરે છે. આખ્યાનના અંતમાં અહીં ખરી ઉદાત્તતા છે એમના પત્નીની. સુદામા ત્રુટી સરખી ઝૂંપડી, લૂંટી સરખી સુંદરી, છળ્યાં સરખાં છોકરાં શાધે છે. ઝૂંપડીની જગ્યાએ મોટું ભવન ઊભું છે અને એમના પત્ની રુક્મિણી જેવું સૌંદર્ય પામી છે, બાળકો કૃષ્ણપુત્રો જેવા દીપ્તિવાન થયા છે. આવા વૈભવને પામીને, એ સુખમાં ગરકાવ થવાને બદલે એમના પત્ની બારીએ બેસી સુદામાની આવવાની પ્રતિક્ષા કરે છે, એનો પંથ નિહાળે છે. સુદામાને જોતાવેંત જ સહસ્ત્ર સાહેલીઓને સાથે લઈ, જળઝારી ગ્રહી પતિના સ્વાગત માટે સામે જાય છે. શ્રીકૃષ્ણ-ચરણ-પ્રતાપે આપણા દુ:ખદારિદ્ર ગયા છે, એવું કહી સુદામાનો કર ગ્રહી ભવનમાં સ્નેહપૂર્વક લઈ આવે છે.સુદામાએ એની નિંદા કરી પણ એના મુખે કોઈ અવિનયી સંવાદ રચાયો નથી. એક નારીનું સંપૂર્ણ સમર્પણ આ પાત્રમાં જોવા મળે છે. અટૂટતિ દુખ અને અતિવ સુખ બન્નેમાં વિવેકસંમ્પન્ન રહી શકી છે. આપણે ગૌણ પાત્રોની યાદીમાં જે નામોને ગોઠવીએ છીએ એ ક્યારેય એવા ચોકઠામાંથી ઘણા ઉપર ઊઠી જતાં હોય છે.

સંદર્ભગ્રંથ:

* સુદામાચરિત્ર, કવિ પ્રેમાનંદ, સં.લાભશંકર ઠાકર, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ, પાર્શ્વ પ્રકાશન-અમદાવાદ, પ્ર.આ.1991