Download this page in

ડાહ્યાભાઈ વાઢુ સંપાદિત ‘કુંકણા કથાઓ’
(‘કુંકણા કથાઓ’, સંકલન અને ગુજરાતી અનુવાદ : ડાહ્યાભાઈ વાઢુ, પ્રકાશક : આદિવાસી ભાષા સાહિત્ય પ્રકલ્પ, (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી) પ્રથમ સંસ્કરણ : ૨૦૦૦, પૃ. ૧૭૭, કિંમત : ૬૦)

આદિવાસી સાહિત્ય, સંસ્કૃતિ અને ભાષાનાં મર્મજ્ઞ અભ્યાસી ડાહ્યાભાઈ વાઢુનો જન્મ ઈ.સ. ૧૯૫૬માં નવસારી જિલ્લાના તોરણવેરા ગામમાં થયો. બાળપણ કુંકણા કુટુંબ અને સમાજ વચ્ચે પસાર થયું. એ સમયગાળામાં માતા-પિતાના કંઠે ગીતો અને વાર્તાઓ સાંભળી, સમાજની વાસ્તવિક પરિસ્થિતિ નિહાળેલી, ધાર્મિક ઉત્સવો સમયે ભગતો પાસેથી વિવિધ કથાઓ સાંભળી, લગ્ન પ્રસંગે તમાશાવાળાના ખેલો જોયા વગેરે. આમ, આ બધાં પરિબળોએ તેમના સાહિત્યપ્રેમને પોખ્યો છે. ઉપરાંત બેંકમાં નોકરી દરમ્યાન રમેશ જોશી, કાનજી પટેલ, ડૉ. ગણેશ દેવીએ તેમની સાહિત્ય પ્રવૃત્તિને ગતિ આપી છે. મૂળ કુંકણા સમાજમાં ઊછરેલાં ડાહ્યાભાઈ વાઢુ પાસેથી આપણને મહત્વના બે સંકલન અને સંપાદિત લોકકથાના ગ્રંથો મળે છે. ૧. કુંકણા કથાઓ (૨૦૦૦), ૨. કુંકણા રામકથા (૨૦૦૩). અહીં ‘કુંકણા કથાઓ’ વિશે અભ્યાસ કરવાનો ઉપક્રમ છે.

આરંભે કુંકણા સમાજનો પરિચય મેળવીએ. પહેલાંના સમયમાં કોંકણ પ્રાંતમાં વસતા હિન્દુઓના સમૂહ માટે ‘કુંકણા’ કે ‘કોંકણા’ શબ્દ પ્રયોગ થતો. ‘કુંકણા’ શબ્દ ફારસી ‘canarim’ ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ સમુદ્રકાંઠો થાય છે. હિન્દુસ્તાનના સમુદ્રકાંઠે વસતી પ્રજા માટે ‘canarim’ શબ્દ પ્રયોજાતો હતો. આમ, ઉત્તર કોંકણ પ્રાંતની સીમા નાગસારિકા(હાલનું નવસારી)ની પૂર્ણા નદી સુધી હતી. પુરી (હાલનું થાણે) એની રાજધાની હતી. પ્રાંતના નામ પરથી અને દરિયાકાંઠે વસતા હોવાથી ઉત્તર કોંકણ પ્રાંતની પ્રજા કોંકણા નામે પ્રખ્યાત થઈ. કુંકણા સમાજમાં બોલાતી બોલી/ભાષાને કોંકણી તરીકે ઓળખવામાં આવે છે. કુંકણા સમાજની વસ્તી ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસવાટ કરતી હોવાથી તેમની ભાષા પર ગુજરાતી અને મરાઠી ભાષાનો પ્રભાવ વધારે જોવા મળે છે. કુંકણા સમાજની મૌખિક પરંપરા જોઈએ તો દરેક દિવસે-તહેવાર-ઉત્સવો સાથે- ક્યાંક ને ક્યાંક મૌખિક પરંપરામાં લોકકથા કે લોકગીતો કહેવાતા કે ગવાય છે. આ કથાગીતો ધાંધળી, થાળી, ઢાક જેવા વિવિધ વાજિંત્રોના તાલે કહેવાય છે, ગવાય છે. હવે ડાહ્યાભાઈ વાઢુ દ્વારા સંપાદિત ‘કુંકણા કથાઓ’ના સંદર્ભે એમની કાર્યપધ્ધતિ જોઈશું.

ડાહ્યાભાઈ વાઢુ પાસેથી સંકલન અને ગુજરાતી અનુવાદ લોકકથાઓનું પુસ્તક ‘કુંકણા કથાઓ’ ઈ.સ.૨૦૦૦માં પ્રાપ્ત થાય છે. જેમાં મુખત્વે મૂળ કુંકણા ભાષા અને ગુજરાતી અનુવાદમાં ચાર કથાઓનો સમાવેશ કર્યો છે. ૧. સતીમાતા, ૨. રાજા માનસિંહ અને સાળવાં રાણી, ૩. કનસરી અને ૪. ઉના. આ કથાઓ વિવિધ પ્રસંગો, તહેવારો, ઋતુચક્ર અને જીવનચક્ર સાથે સંકળાયેલી છે. કથાઓ આખ્યાન ઢભે કહેવાતી હોવાથી પ્રત્યેક કથા પહેલા ભગત ઈશ્વરની સ્તુતિ કરે છે. ‘રાજા માનસિંહ અને સાળવાં રાણી’ કથાનો આરંભ જોઈએ તો,
‘એ....એ.....એ.....
પહેલાં નમીન, પહેલાં નમીન, સરસ્વતિ દેવીલા કેલાં વે....,
દુસરાં નમીન, દુસરાં નમીન મહાદેવ ગુરુલા કેલાં વે....,
તીસરાં નમીન સહદેવલા, ઇન્દ્રુદેવલા, સેન્દ્રુદેવલા કેલાં વે....,
ચોથાં નમીન સપ્તશૃંગી, ગાંવ દેવી, ગાંવતરી, સીમદેવ, ડોંગરદેવ, ડોંગરમાવલી, ઘટા દેવ, છટા દેવલા નમન...વે...
દેવ, છટા દેવલા નમન....વે....,
પાંચવા નમીન, પાંચવા નમીન, અળટ ચન્નીલા કેલાં વે....,
છઠ્ઠા નમીન ગાંવખેડા, ગાંવનગરી, ગાંવ ચઉઠા, દેવ ધરતી,
કન્સરી, કારવાં જુગલા, મીરત ભોવાનીલા નમીન કેલાં વે....,
સાતમાં નમન ભૂત પ્રેતલા...
એ...આજ બાયે મુશળના ઘોડા કરજો, શિરાની સેમટી કરજો, બારા રાસ્તા, બારા ચઉઠા, કેલાં વે...
એ આયકજા હો દેવાં, તુમને માંડીવરના, માં નાદાન બાળ, ઇ કથા લાવુલા બીસના તે... ભૂલચુક ક્ષમા કરજા વે...’

(પહેલું નમન, પહેલું નમન સરસ્વતિદેવીને..., બીજું નમન મહાદેવ ગુરુને..., ત્રીજું નમન સહદેવ, ઇન્દ્રદેવને..., ચોથું નમન સપ્તશૃંગી દેવની..., ગાંવદેવી, ગાંવમાતા, સીમદેવ, ડુંગરદેવ, ડુંગર માવલી, ઘટાદેવ, છટાદેવને..., પાંચમું નમન ધ્રુવતારાને..., છઠું નમન ગામ લોકોને, ગામ નગરને, દેવ જેવી ઘરતીને, કનસરીને, કળીયુગને, મૃત્યુદેવને..., સાતમું નમન ભૂતને, પ્રેતને, ડાકણને મૂશળનો ઘોડો કરજો, ઝાડુની પૂછડી કરજો, બાર-બાર રસ્તા, બાર ચોક કરજો... એ દેવ, તમારા ખોળાનો હું તમારો નાદાન પુત્ર, હું કથા કહેવા બેઠો છું. ભૂલચૂક થાય તો ક્ષમા કરજો...) (‘કુંકણા કથાઓ’,પૃ.૩૭)

આમ, કથાઓને આરંભે ઈશ્વરની સ્તુતિ કરીને કથા આગળ વધારવામાં આવે છે. જેમાં દરેક દેવી-દેવતાઓને નમન કરવામાં આવે છે. તેમ જ ‘સતીમાતા’ કથાનો અંત જોઈએ તો,
‘કથા પૂરણ ઝાલી રે, સતીમાતા તુંની રે
જીગનાં જી
ભૂલાયનેલ શબ્દ પાછા વળજો રે, પાછા વળજો,
શબ્દ સપને ઈ જા રે, માના દેવા,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી’
(કથા પૂરી થઈ રે, સતીમાતા તમારી કથા,
જીગનાં જી
ભૂલાયેલા શબ્દ પાછા વળજો રે, પાછા વળજો રે,
શબ્દો સ્વપ્ને આવજો રે મારા દેવ,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી) (એજન, પૃ.૩૩)

આમ, કથાને અંતે કુંકણા ભાષાની મૌખિક પરંપરાને જીવંત રાખનાર ભગત દેવો પાસે ભૂલચુક થયાની માફી માંગે છે.

‘કુંકણા કથાઓ’ ટૂંકમાં જોઈએ તો પહેલી કથા સતીમાતાની છે, જે જન્મના પાંચમાં દિવસે થાળી ઉપર ગવાય છે. આ કથાના ગાયક ચનખલ ગામના (જિ. ડાંગ) અંધ કલાકાર શ્રી જીવલ્યાભાઈ છે. કથામાં પૌરાણિક સ્થળો દ્વારકા, ધળવેગીર (કૈલાસ પર્વત)નો ઉલ્લેખ થયો છે. અહીં સતીમાતા અને બરમદેવ (બ્રહ્મદેવ)ના સંબંધોથી જન્મતી દેવસતીની કથા આલેખાઈ છે. કથાના આરંભે પૃથ્વીલોકમાં રહેતી સતીમાતાને કૈલાસ પર્વત બોલાવવા માટે નારણ દેવ અને ભરમદેવ જાય છે. સતીમાતા તેઓનું આગતાસ્વાગતા કરે છે. તેમની સાથે કૈલાશ પર્વત પર જવા તૈયાર થાય છે. જંગલમાં રાત્રી રોકાણ દરમ્યાન સતીમાતા અને ભરમદેવ વચ્ચે સંબંધ બંધાય છે. નવ મહિના અને નવ દિવસ બાદ બાળકી અવતરે છે. બાળકીને જંગલમાં ફેકી તેઓ આગળ વધે છે. બાળકીને મહાદેવ મદદ કરે છે. અને એક કુંકણો સોનાની દૂધીના બીજ આપે છે. એ બીજ ઊગતા સમયાંતરે વેલાપર સોનાની દૂધી આવે છે. એ ચોરવા મહાદેવ અને નારાયણ આવે છે. પરંતુ દૂધીનો અસલી ધણી કુંકણો હોવાથી ચોરી શકતા નથી. એમનું અપમાન થાય છે. એ અપમાનનો બદલો લેવા મહાદેવ દેવસતીને પોતાને ઘરે રાખી મજૂરી કરાવે છે. પરંતુ તેઓ તેમાંથી સરળતાથી પસાર થાય છે. અંતે દેવસતી અને રાજા નહવટનો મનમેળાપ થતાં લગ્ન કરે છે. આમ, વિધિના લેખમાં લખાયેલું મહાદેવ પણ ફેરફાર કરી શકયાં નહીં. કથા પૂર્ણ થાય છે.

બીજી કથા, ‘રાજા માનસિંહ હન્ સાળવાંરાણી’ કથા શ્રી સોન્યાભાઈ ગાંવિત (ગામ: ચનખલ,જિ:ડાંગ) પાસેથી પ્રાપ્ત કરે છે. આ પ્રેમકથા છે. જે વ્યક્તિના મૃત્યુ સમયે ગવાતી હોય છે. કથાનો સારાંશ જોઈએ તો રાજા જોશિંગનો પુત્ર માનસિંહ શિકારે જાય છે. શિકાર દરમ્યાન કુંવરી સાળવાં આગળ દિલ હારે છે. માનસિંહ સાળવાં સામે સરત અને શરીર જીતે છે. પરંતુ મન હારે છે. સાળવાં દ્વારકાના દેવદરબારની નર્તકી હોય છે. માનસિંહ દ્વારકામાં મૃદંગ વગાડી સાળવાંને જીતે છે. જેથી સાળવાં દ્વારકામાં નૃત્ય કરવાનું બંધ કરે છે. દેવો સાળવાંને મૃત્યુને ઘાટ ઉતરી આત્માને દ્વારકા લઈ જાય છે. માનસિંહ ફરી આત્મા મેળવે છે. આમ, સાળવાં અને માનસિંહનો આત્મા અમર થાય છે. આમ, આ કથા શબ પાસે ગાવાથી મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા અમર બને છે. આવી માન્યતાના કારણે રાજા માનસિંહ અને સાળવાં રાણીની પ્રેમકથા અમર બની છે.

ત્રીજી કથા, ‘કનસરી’ એટલે જે અંકુર રૂપે ફૂટી છે તે દેવી, અનાજની દેવી. ‘કનસરી’ કથાનાં ગાયક શ્રી મનુભાઈ બચલભાઈ વાઢું મૂળ તોરણવેરા ગામના (તા. ચીખલી, જિ.નવસારી) વતની છે. કથા આખ્યાન ઢભે કુલ પાંચ ફંડવામાં (ખંડ,કડવું) વહેંચાયેલી છે. કથામાં મુખત્વે પૌરાણિક પૃથ્વીનું સર્જન, જળપ્રલય, પુન:સર્જન, કનસરીનો જન્મ અને કાર્યને આવરી લેતી કથા છે. કુંકણા સમાજમાં અનાજ પાકીને ઘરમાં આવે છે એ સમયે ગવાય છે. વાંસદા, ચીખલી અને ધરમપુરના વિસ્તારમાં કથા ધાંધળી પર અને ડાંગમાં થાળી પર ગવાય છે. આ કથાના અંતમાં પરિશિષ્ટ રૂપે અન્ય ત્રણ કથાઓ પણ આપવામાં આવી છે. કનસરીની કથા આપણને અન્ય શાંતિભાઈ આચાર્ય દ્વારા સંપાદિત ‘દક્ષિણ ગુજરાતની કોંકણી વાર્તાઓ’માં સંપાદિત ‘પાનદેવ-ગુંજવલા’ વાર્તા અને ‘દેવકનસરીની કથા : એક તુલનાત્મક સંશોધન’(૨૦૦૩), શંકરભાઈ તડવી દ્વારા સંપાદિત ‘કણેશ્વરી’ (‘સ્વાધ્યાય’ સામયિક, પુસ્તક:૧૯, પૃ.૩૦૨-૩૦૮)માં પણ મળે છે. આદિવાસીઓની દેવી હોવાથી ઘણા વિસ્તારોમાં તેમનું સ્થાનક હોય છે.

ચોથી કથા, ‘ઉના’ એ ડુંગરદેવ અને માવલીની કથા છે. જેમાં મહાદેવ અને સતીમાતા જેવા પૌરાણિક પાત્રો સંકળાયેલા છે. ઉના એ મહાસતીદેવીના પુત્ર મદનસિંહનો પુત્ર છે. ઉના ગાયોને માતાના ગઢ પર ચરાવે છે. ઉનાના લગ્ન થાય છે. ઉનાની સાળીનો પતિ મશે ઉનાની ઈર્ષા કરે છે. અને દારૂ અને માસ આરોગે છે. ઈર્ષાખોર મશે માતાના ગઢમાં જાય છે અને માવડી મશેને પથ્થર બનાવે છે. કથાના અંતે સંદેશો આપવામાં આવે છે કે, ‘કોઈએ મશે જેવું વર્તન કરવું નહીં, નહીં તો તમામની દશા મશે જેવી થશે.’

આમ, કુંકણા સમાજની ચારેય કથાઓ પ્રસંગો અને ઉત્સવો સાથે સંકળાયેલી છે. તેમ જ દરેક કથાઓમાં બોધ નૈતિક જીવન જીવવાનો બોધ મળે છે.

ચારેય કથાઓને ધ્યાનમાં રાખીને તેમના વર્ણનો ટુકમાં જોઈએ તો કથાઓ પૌરાણિક પાત્રો અને પ્રસંગો હોવાથી ચમત્કારીક વર્ણનો, શણગાર, હાસ્ય, શૃંગાર અને અદભુત રસોથી ભરપૂર જોવા મળે છે. જયારે કેટલાક વર્ણનો દેવોનું માનહાની પહોંચાડે છે અને હાસ્યાસ્પદ બને છે. ઉદા.
• ‘સતીમાતા’ની કથા- દૂધી ચોરવા મહાદેવ અને નારણદેવ જાય છે. એ સમયે ભાગતા પ્રસંગ બને છે ‘નારાયણ દેવની પોતડી છૂટી ગઈ. તેને પણ લેવા રોકાયા નહીં. નારણદેવ અર્ધનગ્ન થયા. મહાદેવની ટોપી ઉડી. મહાદેવ પણ ટોપી લીધા વગર બોડા માથે નાઠા.’ (દેવોનું માનહાની, હાસ્યાસ્પદ પ્રસંગ) (એજન,પૃ.૨૧)
• આદિવાસી સમાજમાં સ્ત્રી શણગારની કલ્પના જોઈએ તો, ‘પગમાં ઝાંઝર, દૂટીમાં હીરો, નાકે નથણી, કપાળે ટીલા, એની બોરાં, ગળામાં નવલખા હાર, કોણીએ એળા, ગળામાં માળા, વાળમાં ફૂલો....’ (સાળવાં રાણી દેવલોકમાં જવા તૈયાર થાય છે એ સમયનું શણગાર) (એજન, પૃ.૫૩)
• ઉના ગાયોને કાંકરા બનાવી પોટલીમાં બાંધી ડુંગર પર લઈ જાય છે. (ચમત્કારી તત્વ)(એજન, પૃ.૧૬૦)
• કથામાં ચમત્કારી, રૂપ પરિવર્તનની વિદ્યા ધ્યાન ખેંચે છે: વ્યક્તિ કાચબો, ઘો, પોપટનું રૂપ ધારણ કરી પુન: માણસ બને છે. વગેરે.

આ ચારેય કથાઓ કુંકણા સમાજની હોવાથી તેમનું મહત્વ અને લક્ષણોનું આલેખન જોવા મળે છે.
• ‘સતીમાતા’ કથામાં સોનાની દૂધીનો અસલ હકદાર તોરણ વેરા ગામનો વાઢુ (સંપાદકના પૂર્વજ ?!) હોય છે.
• ‘રાજા માનસિંહ અને સાળવાં રાણી’ કથામાં રાજા-રાણીનું વનવાસીકરણ થયું છે. જેને સમાજના પ્રતિબિંબ રૂપે ઓળખી શકાય. સાળવાં નૃતીકાનો શણગાર આદિવાસી સ્ત્રીઓમાં જોવા મળે છે.
• ‘કનસરી’ કથામાં કનસરીને દેવ-દેવીઓ ઓળખી શકતા નથી. કૈલાસ પર કૂંપળરૂપે પ્રગટેલી કનસરીને કુંકણો ઓળખી બતાવે છે. કુંકણાના હૃદયમાં અને ઘરમાં કનસરીનું મન અને સ્થાન પવિત્ર છે.
• ‘ઉના’ કથામાં નૈતિક જીવન જીવવા માટેનો સંદેશો અપાયો છે.

કથાના અંતે પરિશિષ્ટ રૂપે કુંકણા ભાષાની કેટલીક વિશિષ્ટતાઓ નોંધવામાં આવી છે.
• કુંકણા ભાષામાં માનવાચક સંબોધનો નથી. (ઘણા આદિવાસી બોલી/ભાષામાં માનવાચક સંબોધનો નથી.) બીજા પુરુષ સર્વનામમાં ‘તું’ જ બોલાય છે. ‘તમે’ અને ‘આપ’ માટે પણ ‘તું’ જ બોલાય છે. સમૂહ માટે ‘તુંમી’ શબ્દ ઉચ્ચારાય છે.
• કુંકણા ભાષાના ઘણા શબ્દો અનુનાસિક છે.
• કુંકણા ભાષામાં પુરુષવાચક અને સ્ત્રીવાચક વિશિષ્ટ શબ્દો છે. ઉદા.
ગુજરાતી વાક્ય: ‘શું કરો છો?’ પુરુષવાચક: ‘કાય કરે હશ રે?’ સ્ત્રીવાચક: ‘કાય કરે હશ હે’ આમ, અનુક્રમે ‘રે’ અને ‘હે’ પુરુષ અને સ્ત્રી માટેનાં ખાસ સર્વનામ છે. આવા અનેક ઉદાહરણો મળી આવે છે.

ભાષાની વિશિષ્ટતાઓ સાથે જાતિવાચક સંજ્ઞા અને કાળ, સંખ્યાવાચક શબ્દો અને શબ્દસૂચી તરીકે સગાઇ સંબોધન, શરીરના ભાગો, ઘરના ભાગો, રસોડાનાં સાધનો, ક્રિયાઓ,પક્ષી અને પ્રાણીના નામો, સામાજિક ઉત્સવો, સર્વનામ અને કેટલાક વિશિષ્ટ શબ્દસૂચી આપી છે. જે ઘણી ઉપયોગી અને નોંધનીય છે.

આમ, ડાહ્યાભાઈ વાઢુ દ્વારા સંકલન અને ગુજરાતી અનુવાદ ‘કુંકણા કથાઓ’માં આગવી સૂઝ અને સમજના કારણે આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય થાય છે.