Download this page in

“ચમનની વહુ” ટૂંકીવાર્તાની વાર્તાકળા

ગુજરાતી સાહિત્યના સમગ્ર પટ પર એક એવા સર્જક થઈ ગયા જેને આવનારા સમયનો કાંટ ચડે તેમ નથી. ચોટીલામાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી જેને ‘રાષ્ટ્રીય શાયર’, ‘પહાડનું બાળક’ જેવા બિરુદથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. તેમના પિતાજીની સરકારી નોકરીના કારણે તેમનું બાળપણ સોરઠના પર્વત અને નદીના સાંનિધ્યમાં પસાર થયું હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી રજળપાટથી પ્રકૃતિના ખોળે ઉછેરવાની તક આપોઆપ મળી ગઈ.જેના પરિણામે અનુભવ સમૃદ્ધિ ઘણી વધી. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવી પત્રકારત્વના વ્યવસાયમાં જોડાયા . લોકસાહિત્યનો આત્મા હોવાથી લોક સાહિત્યનો પ્રભાવ તેનના તમત સર્જન પર પડે છે. કવિતા, નાટક, નિબંધ, નવલિકા, પત્ર ,પ્રવાસ,ચરિત્ર, આત્મકથાથી લઈને લોકકથા લોકગીતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યુ છે.બંગાળી ને અંગ્રેજી સાહિત્યનો આસ્વાદ પામેલા હોવા છતાં મેઘાણીને સોરઠી સાહિત્ય તરફની લગની લોક સાહિત્યની શોધ માટે ગામડે ગામડે રખડાવ્યા. અંતરના અવાજને અનુસરી વાર્તાના બીજ સમાજના જીવાતા જીવનમાથી મેળવ્યા.દંતકથા લોકકથાની સાથે સાંભળેલી સંશોધેલી ઘટનાઓને સર્જનાત્મક શક્તિ દ્વારા વાર્તાના સ્વરૂપમાં ઢાળી. જેના પરિણામે ‘મેઘાણીની નવલિકાઓ ભાગ૧ અને ૨’, ‘દરિયાપારના બહારવાટિયા’, ‘જેલ ઓફિસની બારી’, ‘પલકારા’, ‘માણસાઈના દીવા’, ‘વિલોપન’ જેવા વાર્તા સંગ્રહો મળ્યા.

ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓની વિષયસામગ્રીમાં સમાજના વિકૃત સ્વરૂપને સમાજના દૂષણોથી પીડાતા લોકો પ્રત્યેની સહાનુભૂતિના કારણે સમાજના નીતિનિયમોથી તિરસ્કારના ભાવ જાગે છે. રોષ પ્રગટે છે. ‘બદમાશ’, ‘વહુ અને ઘોડો’, ‘લાડકો રંડાપો’, ‘સદાશિવ ટપાલી’, ‘બૂરાઈના દ્વાર પરથી’, ‘ચમનની વહુ’ જાણીતી વાર્તાઓ છે.‘ચમનની વહુ’ વાર્તાની વિષય સામગ્રી તેમાં ઊપસેલી ઘટના પરત્વે દાખવેલી સજ્જતા તેને ગુજરાતીની શ્રેષ્ડ વાર્તામાં સ્થાન આપે છે.

‘ચમનની વહુ’ વાર્તા મેઘાણીની શ્રેષ્ડ વાર્તાઓના સંપાદનમાંથી પસંદ કરી છે. આ વાર્તાની વિશેષતાએ છે કે તેની વિષયસામગ્રી સામાન્ય નથી.મેઘાણીએ અસામાન્ય એવા વિષયને વાર્તા દ્વારા પડકારી છે.સમાજના એ વિકૃત માનસ ધરાવતા લોકોની વૃતિ સામે જાગૃતતા લાવવા આ વિષયને ખેડયો છે. તેથી જ કહી શકાય કે એવો કોઈ વિષય નથી જેને મેઘાણીની કલામનો સ્પર્શ ન થયો હોય. વાસ્તવિકતાને આલેખવામાં સફળ થયેલા મેઘાણીએ સમૃદ્ધ પરિવારમાં સ્ત્રીઓનુસ્થાન અને તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર તાગવાનો પ્રયાસ આ શોધપત્રના માધ્યમે કર્યો છે. આ વાર્તામાંથી પસાર થતાં લાગે કે મેઘાણીને ક્યાય શબ્દ શોધવા જવું પડતું નથી કે ભાવનિરૂપણ કરતાં ખચકાતાં નથી. ભાષાની સરળતા, અનોખી છટા, તળપદી અને બળવાન ચોટદાર બોલીનાં ઉપયોગ સાથે યથોચિત લાઘવ,ઉત્કૃષ્ટ સંવાદકલા, આબેહૂબ વર્ણનોના લીધે આ વાર્તાનો આસ્વાદ કરવા માટે મારી પ્રથમ પસંદગી બની.

‘ચમનની વહુ’ વાર્તામાં મેઘાણીની કલમ સોળે કલાએ ખીલી ઉઠી છે. આ વાર્તાની વિષય સામગ્રીની ચર્ચા કરતાં ઘણાં સહેજ ખચકાટ અનુભવે છે. ત્યારે વાર્તામાં નિરૂપાયેલ વિકૃત માનસ ધરાવતો અસમાન્ય વ્યવહાર કરતો ચમન તેની પત્ની લાડકીના સીધા સાદા ગ્રામીણ નારીના ઓજસ્વી રૂપને દર્શાવતા કથાનકનું આલેખન છે. લાડકી વહુની સહનશક્તિ, પરિવારપ્રેમ,સંપની ભાવનાને ઉજાગર કરે છે.સાથે વાર્તાના અંતમાં લાડકી વહુ પતિ ચમનનાં સજાતીય સબંધની આદતના કારણે તેના બીજા લગ્નથી કોડભરી અન્ય સ્ત્રીની જીંદગી બરબાદ થતી બચાવાની નિડરતા દાખવે છે. તેને અહી તપાસવાનો આશય છે. ‘ચમનની વહુ’ વાર્તાના પ્રારંભ સાથે જ વાર્તા નાયિકા લાડકી વહુ તેનો પતિ ચમનનો શ્રીમંત પરિવાર, પિતા લેરચંદ કપાસી, અતિ સ્વરૂપવાન સાસુ ગુલાબબાની ત્રણ માળની હવેલી અને દોમ દોમ સાહ્યબીનું ચિત્રણ જોવા મળે છે. મેઘાણીવાર્તાના રહસ્યને સ્ફૂટકરતાં કહે છે કે લગ્નનાં છ દિવસ પછી તરત જ ચમનથી અલગ થઈને લાડકી વહુ અલગ ઓરદે સૂવા જતી રહે છે.ઘરના બધા તેની પાછળના કારણો શોધે છે,પરંતુ નિષ્ફળતા મળે છે. લાડકી વહુએ પુત્રવધૂ તરીકેની તમામ ફરજો બજાવે છે પતિ ચમનને જે હાલત માં જોયો એ દૃશ્યને ગળી જાય છે. વર્ષો પસાર થઈ જાય છે છતાં કોઈ ફરિયાદ નો સૂર તેને પરિવાર સામે વ્યક્ત કર્યો નથી. સમય જતાં ચમનના બીજા ભાઇઓના લગ્ન થાય છે એના બાળકો થાય છે ત્યારે તેના પરિવારને ચમનના સંતાનની રાહ હોય છે.લગન ના પાંચ વર્ષ વીતવા છતાં કોઈ સંતાન ન થતાં ચમનના બીજ લગ્ન કરવાનું નક્કી થાય છે.અને ધનવાન પરિવારમાં પોતાની કન્યા પરણાવવાની હોડને લીધે કન્યા પણ મળી જાય છે.ત્યારે સૂર્યાસ્ત પછીની પતિ ચમનની હરકતો, ચમનનું જુદી જ દુનિયામાં જતું રહેવું, સજાતીય સબંધો બાંધવાની પતિની કૂટેવને જાણતી લાડકી તેના પતિને બીજા લગ્ન કરીને બીજી સ્ત્રીની જિંદગી ન બગાડવાનું કહે છે.સ્ત્રેણ લક્ષણો ધરાવતો ચમન અન્ય પુરુષો સાથેના અનૈતિક સંબંધની વાત ઘરના લોકોને કહી દેસે એ ડર તેને બીજા લગ્ન કરતાં રોકે છે.પોતાની હરકતોથી વાકેફ તેની પત્ની ચમનને અન્યથી નહી પરંતુ પોતાની જાતથી ડરો તેવું કહીને બીજી સ્ત્રીનું જીવન બગાડતાં અટકાવે છે.અહી મેઘાણીનું કેવાનું તાત્પર્ય માત્ર એટલુ જ છે કે આપણાં સમાજની સ્ત્રીઓ તેમના જીવનમાં આવતાં પુરુષો એ પિતા હોય, પતિ હોય, પુત્ર હોય,કે પોત્રને લાડ લડાવી અને તેમણે છાવરવામાં અગ્ર ભાગ ભજવતી હોય છે. જેના પરિણામે પુરુષનું સ્ત્રી પરનું આધિપત્ય, જોહુકમી માલિકીભાવના કારણે તે જીવનભર પરેશાન કરતાં રહે છે.પતિ પત્નીના સાત્વિક સબંધોની બીજી બાજુ દામ્પત્ય જીવનમાં પ્રવેશેલી વિષમ બાજુને દર્શાવી છે. અતિ ધનાઢ્ય, મોભાદાર આબરૂદાર ઘરની અંદર રહેલી સ્ત્રીની કફોડી સ્થિતિને ઉજાગર કરે છે.લગ્ન બાદ મળતા સોભાગ્યશાળીના પ્રતીકો તેની ઓળખ આપે છે. પતિ સાથે જોડાયેલી નિશાનીઓને સદાય પૂજતી સ્ત્રી પતિને પરમેશ્વર માને છે. તેથી પતિની ભૂલો, કૂટેવો, આદતો, વિકૃતિઓને કુટુંબના અન્ય સભ્યોથી છુપાવે છે.તેથી વ્યંજના અને વ્યંગ્યનું મિશ્રણ વાર્તાની સિદ્ધિરૂપ બની રહે છે. લાડકી વહુ પતિની વિકૃતિ સહન કર્યે જાય છે, તેની આદતોને પોતાનું નસીબ માની લે છે. કુટુંબની મર્યાદાને જાળવતી ઘરની આબરૂ વધારવા પ્રયત્નશીલ લાડકી ‘વહું’ નું મોભાદાર બિરુદ મેળવનારી ઓળખપાત્ર કામવાળી બની રહે છે.

સામાન્ય રીતે પરિવારના રીતિરિવાજોની પરંપરા,રહેણી કહેણી, આદર્શો પેઢી દર પેઢી વારસામાં મળે છે.અને સ્ત્રીઓ આ પરંપરાને દરદગીનાની ભેટ સ્વીકારતી હોય એમ કોઈ જાતના વિરોધ વગર ઈચ્છા અનિચ્છાએ સ્વીકારી લે છે. તેને કહેવાય છે કે આપદા પરિવારમાં આવી જ પ્રથા છે તેને પુત્રવધૂ તરીકે તમારે જાળવી રાખવાની છે. અને લાડકી આ પરંપરા સાચવે છે. કુટુંબરૂપી જાળાંમાં વિટળાવાનું દરેક સ્ત્રીના ભાગે આવે છે અને આ બંધનમાં મર્યાદાઓનું અંકુશ ક્યારેક સારું લાગે છે અને ક્યારે જીવનભરનો બોજ બની જાય છે.આ બધા વચ્ચે દબાયેલી લાડકીની સહનશક્તિ,ધીરજ,દૃઢતાના ગુણો કાબિલેદાદ છે.લગ્નના પ્રારંભિકદિવસોમાંજ તેના અરમાનો ભસ્મિભૂત થઈ જાય છે. એ રહસ્ય વધુ ઘેરું બનાવી મેઘાણી ભાવક પર પકડ જમાવી લે છે.
“ કાં’ક કેવા પણું હશે તયે જ ને, માડી!”
“હા નકર ગુલાબનો ગોટો છે, એકવાર તો મોળા પગરણની હોય તો યે મેલી દેવાનો જીવ ન હાલે” ( પૃ-૩૦૧)

ઉપયુક્ત સંવાદ સાંભળતા જ ભલભલા આદર્શોને એકબાજુ મૂકી દઈને કેવાનું મન થાય જાય. પરંતુ ત્યારે પણ લાડકી મૂંગા મોં એ સહન કરી લે છે. લોકોની સુંદર સ્ત્રી તરફ જોવાની માનસિકતા છતી થાય છે. કોઈપણ વ્યક્તિના ચરિત્રનું મૂલ્યાંકન જાણ્યા સમજ્યા વિના જ કરતા નજરે પડે છે. આ ઉપરાંત ધનવાન સ્ત્રીઓની છાપ અન્ય લોકો પર કેવી છે તેનું દૃષ્ટાંત ગુલાબબના પત્ર દ્વારા આલેખાયું છે.
“હવે રાખોને ,મારી બઈ! જાજી જાબદાયું ત્યાં જાજા ફાંકાં.”
ને અંતે તો ઘર જ ખોટીલુંના! સાસુના ભવાડા....”(પૃ-૩૦૨)

સમાજના લોકો દ્વારા થતાં કટાક્ષોમાં પાત્રની વાસ્તવિકતાનો પરિચય થાય છે. કેટલા સ્વપ્નોનો આંખોમાં આંજીને આવેલી કોડ ભરેલી લાડકી જ્યારે પોતાના ઓરડામાં સુવા આવે છે ત્યારે પોતાના જ વસ્ત્રો પહેરેલી કોઈ સ્ત્રીને જૂએ છે ત્યારે ચોંકે છે.પણ જ્યારે ખબર પડે છે કે એ સ્ત્રી બીજી કોઈ નહીં, પરંતુ સ્ત્રીનું રૂપ ધારણ કરેલ પોતાનો પતિ જ છે. ત્યારે તો પોતાના પગતળેથી ધરતી સરકી જાય છે.એ જ સમયે તે પોતાની જાત પર સંયમ રાખી પૂરી સ્વસ્થતા અને ધીરજથી કામ લે છે. ચમનની સ્ત્રીના વસ્ત્રો ધારણ કરવાની વૃતિ અન્ય પુરુષો સાથેનો સજાતીય સંબંધ વાર્તાની કેંદ્રવર્તી ક્ષણ છે. તેનું દૃષ્ટાંત,;
“ એક ગોરી યુવાન સ્ત્રીને દીઠી : મોં નહિ, પીઠ દીઠી. અરીસામાં જોતી જોતી,પીળા રેશમી ચણિયા પર બાંધણીની ઓઢણી ગોઠવતી, કાંચળિયાળા બાહુઓ ઘડિક ઢાંકતી તો ઘડિક ઉઘાડા કરતી, લટકાં કરતી-” (પૃ-૩૦૫)

“- ને અરીસામાં સામે ઊભેલ સ્ત્રીએ લાડકી તરફ મોં ફેરવ્યું. શરમથી એ મોં પાછું ફરી ગયું તે પૂર્વે તો લાડકીને સ્પષ્ટ દેખાયું.”
“એ સ્ત્રી નહોતી. ખુદ ચમનલાલ હતો. ને એણે ધારણ કરેલા પોશાક લાડકીના પોતાના હતા.”
સ્ત્રી-વેશધારી પતિ સંતાઈ ગયો, ને લાડકી નીચે ઊતરી ગઈ.(પૃ-૩૦૬)

આ વાકયોને વાંચતાં જ લાગે કે પુરુષો એ તેની જાત તેનાં સ્વાભિમાનને કોરાણે મૂકી અશોભનીય વર્તન કરીને તેના પુરુષત્વને લાંછન લગાડે છે. આ સંદર્ભ સાથે સર્જક વાર્તાના પાત્રની દામિત વૃતિઓને તેની જિજીવિષાને સ્ત્રીરૂપ ધારણ કરતી વખતે સતેજ થતી સૂચવે છે. પત્નીને જે સહન કરવું પડે તે યોગ્ય નથી ચમનનું સૂર્યાસ્ત પછીનું શોભનીય વારણ હલકટ મિત્રો સાથેનું સાહચર્યની કોઈ કલ્પના જ ન કરી શકે. અને જ્યારે ચમનના વારસદારની અપેક્ષાએ બીજા લગ્ન ગોઠવતા પરિવારને કશું કહેવા કરતાં લાડકી તેના પતિ સાથે લગ્ન પછી માત્ર બીજો સંવાદ કરે છે. કે મારુ જીવન તો બાગડ્યું હવે બીજી સ્ત્રીની જિંદગી ના બગાડતાં. પોતાની હકીકત ઘરના જાણી જશે તો શું આબરૂ રહેશે એ ડર લગ્ન કરતાં અટકાવે છે. વાર્તાના મુખ્ય વિચારને લાડકીના મુખે મૂકીને મેઘાણીએ એક સ્ત્રીના સમર્પણને સહનશક્તિને, જતુંકરવાની ભાવનાને દર્શાવી છે. લાડકીની સંસ્કારીતા, ખાનદાની ધન્યવાદને પાત્ર છે. પોતે જે ભોગ આપ્યો,પોતાના આરમાનો દબાવી ‘પડ્યું પાનું નિભાવી લેવું’ એ કહેવત ને આત્મસાત કરતી નજરે પડે છે.કુટુંબની આબરૂ અને મર્યાદા સાચવતી કુળવાન પુત્રવધૂ એ દાખવેલી ઉદારતા આજના સમયની પુત્રવધૂ માટે પ્રેરણાદાયી બની રહે છે. પોતાની ફરજ હસતાં મોં એ બજાવી પરિવારનું ઐક્ય જળવાશે તો કુટુંબ વિભક્ત બનતાં અટકશે તેમાં કોઈ શંકા નથી.

સંદર્ભ પુસ્તક:

1. મેઘાણીની શ્રેષ્ઠવાર્તાઓ- ઝવેરચંદ મેઘાણી
2. સંપાદિત પ્રથમ આવૃતિ - ૨૦૧૨