Download this page in

અતિમાનવની કલ્પના અને કલમનો પરિચય આત્મકથાકાર મુનશી

ગુજરાતી સાહિત્યમાં પોતાની પ્રતિભા વડે એક યુગના સર્જક તરીકે મુનશી ભારતીય સાહિત્યની એક નોંધપાત્ર વિભૂતિ ગણાય છે.સામાન્ય તરીકે જન્મીંને અસામાન્ય પ્રતિભા અને પ્રસિધ્ધિ મુનશીએ મેળવ્યા છે. તેમની એક કૃતિનું શીર્ષક તેમના માટે વિશેષણ બની જાય છે કે, મુનશી માત્ર 'સ્વપ્નદ્રષ્ટા' જ નહિ જોયેલા સ્વપ્નોને સાકાર કરનાર 'ગુજરાતનો નાથ' પણ છે.જે મુનશી એ પુરવાર કરી બતાવ્યું છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રખર ધારાશાસ્ત્રી , મૂર્ધન્ય સાહિત્યકાર, અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની , ભારતના બંધારણના ઘડવૈયા, ગુજરાતી અસ્મિતાના ઉદગાતા , મુનશીના વ્યક્તિત્વની અનેક છાપ આપણેને આશ્ર્ચર્યચકિત કરી દે છે . જે સમયે મુનશીનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ શરૂ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિપકવ અવસ્થામાં હોય છે. 'ગુજરાત' મુખપત્રની ભેટરૂપે કેટલીક નવલકથાઓ બહાર આવે છે જેના સર્જક 'ઘનશ્યામ ' છે . આ ઘનશ્યામ ગુજરાતી સાહિત્યના સમર્થ યુગપ્રવર્તક અને સવ્યાસાચી બનનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી તા. 30-૧૨-૧૮૮૭ના રોજ ભરૂચમાં જન્મે છે. મુનશીના ટેકરાની આસપાસ ફરતાં ફરતાં ક.મા.મુનશી ભવિષ્યના સ્વપ્નાઓ ગૂંથે છે વકીલાત કરતા કરતા લખવાનો શોખ પૂરો કરવા જતા મહાન સર્જક અને શબ્દસ્વામી બનેલાં મુનશીએ પોતાની આત્મકથા લેખન વડે 'ચરિત્ર શાસ્ત્ર નથી પણ કલા છે' એ સિધ્ધાંતનું, ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આત્મચરિત્રનું મૂળ આત્માઅવિષ્કરણની વૃતિમાં રહેલું છે . છતાં સર્જક કલાકારની અદાથી આત્મશ્ર્લાધાથી અલિપ્ત રહીને સત્યનો ઢાંકપિછોડો કર્યા વગર કૃતિને રસાવહ બનાવવાની હોય છે .આ પૂર્વશરત મુનશીએ પાળી બતાવીંને ગુજરાતી સાહિત્યમાં સૌથી લાંબી અને રસિક આત્મકથા આપી છે.

મુનશી પાસેથી 'અડ્ધેરસ્તે', 'સીધાંચઢાણ'૧-૨,અને 'સ્વપ્ન સિધ્ધિની શોધમાં'એમ ચાર પુસ્તકમાં એમના ઇ.સ. ૧૮૮૭ થી ઇ.સ.૧૯૨૬ સુધીનાં ઓગણચાલીસ વર્ષોનું આત્મવૃતાંત' મળે છે. એ સિવાય 'સ્વપ્નદ્રષ્ટા'માં પ્રચ્છન્નપણે તો 'શોશુ અને સખી' તેમજ મારી' બિનજવાબદાર કહાણીઓ'જેવા આપકથાત્મક પુસ્તકોમાં પ્રગટપણે એક અતિમાનવની કલ્પના અને કલમનો પરિચય થાય છે. અનુક્રમે' અડધે રસ્તે', થોડાક ભ્રામક શીર્ષક હેઠળ 'ટેકરાના મુનશી', 'બાલ્યકાળ', અને 'વડોદરા કૉલેજ' એમ ત્રણ ખંડમાં વહેંચાયેલ ૧૯૩૨-૩૩ ની આસપાસ 'કૌમુદી' માં લેખમાળારૂપે પ્રગટ થયેલ મુનશીનો ૧૮૮૭ થીઈસ ૧૯૦૬ સુધીના વર્ષનું આત્મવૃતાંત છે. અહીં પોતાના જીવનના પ્રત્યેક તબકકે જે સ્મરણીય ઘટનાઓ બની, યાદગાર વ્યકિતના પરિચયમાં આવાયું અને પોતે જે મનોમંથન અનુભવ્યું તે સર્વને કલાકાર મુનશીએ રસાત્મક રીતે મૂકી આપ્યું છે . આપણે કોઇ લલિતકૃતિમાં વિહરતાં હોઇએ તેવું લાગે લગભગ ૮૩ પૃષ્ઠોમાં પોતાના પૂર્વજોની કથા કહી છે .પોતાના યજ્ઞોપવિત પ્રસંગે સપ્તઋષિએ આપેલ આશીર્વચનનું ગૌરવગાન , આ કૂળગૌરવથી પ્રેરાઇને ભાર્ગવકૂળના અનેક પ્રતાપી મહર્ષિઓને એમણે સાહિત્યમાં જીવંત કર્યા છે. આધર્મસંસ્કારના પ્રભાવે જ ભારતીય વિદ્યાભવનની સ્થાપનાનામૂળનું પગેરું શોધી શકાય છે.આ ઉપરાંત સ્વપ્નસુંદરીનું દર્શન , પિતાજીની માંદગીનો પ્રસંગ, અંગ્રેજને બંગલે મળવા ગયા ત્યારે થયેલ નમોશીનો પ્રસંગ વ. માં મુનશીની ઝ્મકદાર કલમ આળસ મરડીને બેઠી થઇ છે . આથી સંદરજી બેટાઇએ કહ્યું છે કે, " મુનશીના આત્મચરિત્રમાં એમનામાં રહેલો નવલકથાકાર ચરિતાર્થ થાય છે"

આત્મકથા લેખનનો એક તંતુ વિનોદનો છે." રોટી ખાની સકકરસે ઔર દુનિયા જીતની ટકકરસે" એસૂત્રને જીવી બતાવનાર ફરસુ મુનશી, ધીરજકાકા,અધુભાઇ સરકાર જેવાપાત્રોના નિરૂપણમાં મુનશીની રંગદર્શી શૈલી અને વિનોદી સ્વભાવના દર્શન થાય છે. માતા તાપીબાનો જીવનપ્રસંગ, છ દીકરી પર દીકરાનો એટલે કે કનૈયાલાલનો જન્મ, તબલાના તાલે શીખેલા 'બત્રી એકુ બત્રીયા' તે ભણતરના એકડાને ગણતરમાં ફેરવ્યાના પ્રસંગો, એરેબિયન નાઇટસ, હાતિમતાઇના પરાક્રમોથી શરૂ કરીને તાપીબા પાસે અને સાથે સાંભળેલા કથાપ્રસંગોને પુન: જીવીત કરતા મુનશીમાં આપણા ઋષિ-મહર્ષિઓ અને મધાંતાઓની સદભાવનાની અનુભૂતિ જોવા મળે છે. માણભટ્ટ પાસેથી સાંભળેલા કથાપ્રસંગો,વિવેકાનંદ -અરવિંદઘોષના પુસ્તકોનું વાંચન, તાપીબાના હાથે અતિલક્ષ્મીની કેળવણી વ. પ્રસંગોના રસમય આલેખન છે.

ઈ.સ.૧૯૦૭થી ઇ.સ.૧૯૨૨સુધીના 'સીધાંચઢાણ' ભાગ૧-૨નાં સંસ્મરણોમાં ૧૯૦૭થી૧૯૧૨ સુધીના સંસ્મરણો પ્રથમ ભાગમાં તો ઇ.સ. ૧૯૧૩ થી ઇ.સ.૧૯૨૨ સુધીના સંસ્મરણો 'મધ્વરણ્ય'( મધુઅરણ્ય) અનુભવોમાંથી પસાર થયેલા પ્રસંગો છે. જેમાં ઉચ્ચ અભ્યાસની સાથે સાથે રાજકીય કારર્કિદી અને સાહિત્યિક કારર્કિદીનો વિકાસ જોવા મળે છે. 'ઘનશ્યામ' ઉપનામથી 'સ્ત્રીબોધ'માં લખેલ પ્રથમ વાર્તા તો 'ગુજરાત;માં ચૌદ આનાના લોભે લખેલી પ્રથમ સામાજિક નવલકથા'વેરની વસુલાત' થી નવલકથા લેખનનો આરંભ કરનાર મુનશી 'નવજીવન', હિંદુસ્તાન','પ્રજામિત્ર', વીસમીસદી 'વ. સામાયિકોમાં લેખન સાહિત્ય સંસદની સ્થાપના અને અનેક જાહેર જીવનના પરિબળના પ્રતાપે અને પ્રભાવે વધતા જતાં પ્રશંસકોની કથનીમાં કલ્પના અને તટસ્થતા વચ્ચે જબ્બર સમતુલા જાળવી આત્મકથન કર્યું છે.

સૌથી વિશેષ સર્જનાત્મક ચાર વર્ષ ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના રોજનીશીના મિશ્રણ સાથે રસલક્ષી મધુર શૈલીમાં લખાયેલું મુનશી, અતિલક્ષ્મી અને લીલાવતી વચ્ચેના હદયસંગ્રામનું કવિત્વમય ગૌરવચિત્ર 'સ્વપ્ન સિધ્ધિની શોધમાં' મળે છે,બાળપણમાં સેવેલી દેવીની કલ્પના લીલાવતીમાં સાકાર કરતા મુનશીમાં પ્રણયધર્મ અને કર્તવ્યધર્મનું મનોમંથન છતું થાય છે. બે 'અવિભકત આત્મા'નું હદયાનુંસંધાન, અતિલક્ષ્મીનું મૃત્યુ તેમજ લીલાવતી સથેના લગ્નની ધટના અહીં નિરૂપાઇ છે. મુનશીએ અહીં પોતાની નિર્બળતાનું બયાન સંયમિત રીતે કરેલું હોવા છતાં અતિલક્ષ્મીને'દેવી'નો દરજ્જો આપનાર મુનશી પોતાની જાતને દોષિત ઠેરવી શકયા નથી છતાં હ્ર્દયમંથનનું આલેખન સત્યની એરણ પર સો ટચનું સોનું સાબિત થયું છે

ત્રીજા પુરુષ એકવચનમાં લખાયેલી લેખકની પ્રગટ નહીં પણ પ્રચ્છ્ન્નરૂપે વાસ્તવને કાલ્પનિક બનાવતી કથા 'શીશુ અને સખી 'છે તો'બિન જવાબદાર કહાણી' નો ઉલ્લેખ 'સ્વપ્ન સિધ્ધિની શોધમાં' કરીને પોતાના જીવનની નોંધપોથી છે એમ ખુદ મુનશીએ સ્વીકર્યુ છે . મુનશીએ પત્ની અતિલક્ષ્મી અને લીલાવતી સાથે કરેલા યુરોપના પ્રવાસના અગંભીર સંસ્મરણોને અહીં પ્રગટ કર્યા છે.

આમ સાહિત્યમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનાર મુનશીએ 'શીલ તેવી શૈલી'નો યર્થાથ પડઘો પોતાની આત્મકથામાં ઝીલીને ગાંધીજી જેવું કઠોર સત્યદર્શન નહીં પણ સૌંદર્યદર્શનની પડખે આત્મગૌરવયુકત સત્યદર્શન સૌંદર્યમંડિત કલમે કરાવીંને મુનશીના શબ્દોમાં જ કહીએ તો " ચરિત્ર સર્જન છે લૂખું શાસ્ત્ર નહીં પણ રસાળકળા છે"નો અનુભવ કરાવ્યો છે.

સંદર્ભ:

(૧) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ -રમેશ ત્રિવેદી આ.૧૯૯૪.
(૨) ગુજરાતી સાહિત્યકોશ ખંડ -૨ અર્વાચીનકાળ આ.૧૯૯૦
(૩) સાહિત્ય સ્વરૂપો - કુંજવિહારી મહેતા- આ. ૧૯૭૪.