અદાલત

હા
મેં હત્યા કરી છે.
ભ્રૂણહત્યા !
એક નાજૂક, કોમળ અને માસૂમ બાળકની,
ઘણું રડી હતી એ,
માં મને બચાવીલે,
માં મને જન્મ આપ,
હું સમાજ સુધારક બનીશ,
સ્ત્રીઓમાં ચેતના પ્રગટાવીશ,
તારું શોષણ કરનારાઓને સજા આપીશ,
માં મને જન્મ આપ,
ઘણી આજીજીઓ કરી હતી પણ......
મેં એક ન સાંભળી,
એનો શ્વાસ રૂંધાયો હતો,
નિષ્ઠુર સમાજે મને સંવેદનહીન બનાવી દીધી હતી,
મેં એને મારાં જ હાથે.....
શા માટે ?
શા માટે, હું એને લઈ આવું આ સમાજમાં ?
જ્યાં મારું સન્માન નથી,
કારણ...હું સ્ત્રી છું...
તિરસ્કારો વચ્ચે જીવતી,
એક વાંઝણી સ્ત્રી....
લોકો વાંઝણી કહે છે.
હા વાંઝણી...
કારણ માત્ર એટલું જ ને,
હું એક પુત્રને જન્મ ન આપી  શકી?
કેટલી પીડા આપે છે આ તિરસ્કાર,
મારી જ સ્ત્રી જાતનો,
મારાં પ્રત્યેનો તિરસ્કાર  !
પાંચ પાંચ પુત્રીઓને જન્મ આપવા છતાં પણ,
હું વાંઝણી...?
હા મેં હત્યા કરી છે.
પણ હું હત્યારી નથી.
હું ગુન્હેગાર નથી,
હત્યારો છે આ સમાજ ,જેણે મને હત્યા કરવા મજબૂર કરી,
ગુન્હેગાર છે આ સમાજ, જેણે મને ગુનો કરવા મજબૂર કરી.
મારે ફરિયાદ નોંધાવવી છે,
આ હત્યારા સમાજ વિરુદ્ધ,
કોઇ મને કહેશો ?
ક્યાં છે,
આ સમાજને સજા આપનારી અદાલત ?

 

અરુણા મકવાણા
‘આશિયાના’, ૪૦, રામનગર, વૃંદાવન સોસા.ની પાસે,
ટીંબાવાડી બાય પાસ, મધુરમ,
જૂનાગઢ – ૩૬૨૦૧૫ (ગુજરાત)
મો. ૦૯૪૨૬૨૦૬૬૬૪

ઈમેઈલ : anjaliparmar@ymail.com

000000000

***