માસ્ટર ઝચારીઅસ
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)
લે. જૂલે વર્ન 
અનુવાદ- જીગર શાહ
(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
આગળનો હપ્તો વાંચવા માટે નીચે ક્લિક કરો.

http://issue11.sahityasetu.co.in/jigarshah.html

અમરત્વની ઘેલછા

એ વાતને દિવસો પસાર થઈ ગયા. માસ્ટર ઝચારીઅસ મોતને હાથતાળી આપી, ફરી પ્રવૃત્તજિંદગી જીવવા લાગ્યા. તેમને નવું જીવન મળ્યું હતું. પહેલાં કરતાં પણ વધુ જોમથી તેઓ પોતાના વર્કશોપમાં કામ કરવા લાગ્યા.  ભૂતકાળમાં બનેલી ઘટનાઓની અસર તેમના પર વર્તાતી  ન હતી. તે જાણે બધું ભૂલી ગયા હતા. પણ જીરાડ કાંઇ જ ભૂલી ન હતી. તેને હજી ઝચારીઅસની ચિંતા રહેતી. તેમની તે ખૂબ કાળજી લેતી હતી.
ઝચારીઅસ આખો દિવસ પોતાની ઘડિયાળો પર નવા પ્રયોગો કર્યા કરતા. ધારી સફળથા ન મળવા છતાં તેમણે પોતાનું કામ આગળ ચાલુ રાખ્યું.
એક સવારે જીરાડ ઝચારીઅસને મળવા વર્કશોપમાં ગઇ. ઝચારીઅસ ત્યાં ન હતા. જીરાડે આખો દિવસ તેમની રાહ જોઈ. ઝચારીઅસ આવ્યા નહીં. જીરાડને ચિંતા થવા લાગી. અગાઉ ક્યારેય ઝચારીઅસ જાણ કર્યા વિના આખો દિવસ ઘરથી બહાર રહ્યા ન હતા. તેણે ઔબર્ટને જાણ કરી. ઔબર્ટે શહેરભરમાં તપાસ કરી. ક્યાંય ઝચારીઅસનો પત્તો લાગ્યો નહીં. ઔબર્ટ ઘેર વી દુઃખદ સમાચાર જીરાડને આપ્યા.
તેઓ બંને ઝચારીઅસની ક્ષેમકુશળ માટે ચિંતીત હતાં. ત્યાં અચાનક ઝચારીઅસના અંતિમ શબ્દો ઔબર્ટને યાદ આવ્યા. ઝચારીઅસના મતે તેમણે બનાવેલી ઘડિયાળો પૈકીની એકમાત્ર ઘડિયાળ પરત આવી ન હતી. માત્ર એક જ પ્રાચીન બનાવટની સ્ટીલની ઘડિયાળ ચાલુ હોવાનું તેમનું અનુમાન હતું. તેને લીધે જ પોતે હજી જીવિત છે, તેવું તે માનતા હતા. તે ચોક્કસ તે ઘડિયળની શોધમાં જ ગયા હોવા જોઇએ.
ઔબર્ટે આ  શક્યતા જીરાડને જણાવી.
‘ચાલો, એમના ગ્રાહકોની નામાવલી તપાસીએ. તેના પરથી તે ઘડિયાળ કોની પાસે છે તે આપણે જાણી શકીશુ.’ જીરાડ બોલી.
તેઓ વર્કશોપમાં ગયા. ગ્રાહકોની નામાવલી ધરાવતી નોંધપોથી શોધી કાઢી. જે ગ્રાહકોએ પોતાની ઘડિયાળો પરત કરી હતી તેના નામ સામે ઝચારીઅસે નોંધ કરી હતી.
‘મિ. પિનોકીયો...ઓહ, સ્ટીલનું મોટું ઘડિયાળ, જેમાં મોટો ઘંટ હતો. આંકડા ફરી શકે તેવું ડાયલ હતું. એન્ડરમટની હવેલીમાં મોકલવામાં આવ્યું હતું.’
આ એ જ ઘડિયાળ હતું જેના સર્જનના વખાણ, સ્કોલાસ્ટીક લોકો સમક્ષ કરતાં થાકતી ન હતી.
‘મારા પિતા ત્યાં જ ગયા હશે’.-જીરાડ બોલી.
‘આપણે તરત જ તેમને શોધવા જવું જોઇએ. આપણે તેમને ત્યાં પહોંચ્યા પહેલાં હજી અટકાવી શકીશું.’ ઔબર્ટે કહ્યું.
‘અહીંથી તે કેટલી દૂર છે...?’
‘ઇશ્વર કૃપાથી એન્ડરમટની હવેલી જીનીવાથી દૂર ડેન્ટસ-ડુ-મીડીની ખીણમાં આવેલી છે. અહીંથી ત્યાં પહોંચતા લગભગ વીસેક કલાક જેટલો સમય લાગે છે. માસ્ટર હજી રસ્તામાં જ હશે. ઝડપથી નીકળીએ તો તેમને ત્યાં પહોંચતા પહેલાં જ આપણે અટકાવી શકીશું.’- ઔબર્ટે કહ્યું.
તે સાંજે જ જીરાડ, ઔબર્ટ અને સ્કોલાસ્ટીક ઝચારીઅસની શોધમાં નીકળી પડ્યાં. લેહમન સરોવરને કાંઠે પગપાળા આગળ વધવાનું તેમણે નક્કી કર્યું. રાત્રી દરમિયાન પણ, તેમણે ક્યાંય રોકાણ કર્યું નહીં. પાંચ લીગ જેટલું અંતર તેમણે રાત્રે જ કાપી નાંખ્યું હતું. રસ્તામાં મળતા માણસોને તેઓ ઝચારીઅસની પૂછપરછ કરતાં રહેતાં. તેમજ એન્ડરમનની હવેલી તરફ જવાનો આ રસ્તો યોગ્ય છે કે નહીં તેની ખાતરી પણ જાણકારો પાસેથી કરતાં રહ્યાં.
આખી રાતની, સતત મુસાફરી બાદ તેઓ એવિયન નામના ગામડાં પાસે આવી પહોંચ્યાં. આખા રસ્તે ઔબર્ટ સ્કોલાસ્ટિક અને જીરાડને મદદરૂપ બનતો હતો. શરુમાં સરોવર કાંઠેનો રસ્તો સરળતાથી કપાઇ ગયો. પણ પછીના પહાડી ચઢાણો ધરાવતો રસ્તો કપરો હતો.
ચોવીસ કલાકની સતત મુસાફરી કરી તેઓ નોસ્ટ્રા-ડેમ પહોંચ્યાં. ત્યાંથી વધુ વઆગળ જવાની કોઇનામાં ક્તિ ન હતી. એક આરામગૃહમાં તેમણે રાત વિતાવવાનું નક્કી કર્યું. આરામગૃહના માલિકને પણ તેમણે ઝચારિઅસ વિશે પૂછ પરછ કરી. પણ આવી કોઈ પણ વ્યક્તિ અહીં બે દિવસમાં દેખાઈ ન હોવાનું તેમણે જણાવ્યું. ઝચારીઅસનો પત્તો લાગવાની કોઈ આશા તેમણએ છોડી દીધી હતી. રાત્રી ભયાનક લાગતી હતી. વાતાવરણમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.
રાત્રી દરમિયાન ઔબર્ટ અને જીરાડે ઝચારીઅસની આખી દુઃખદ કહાની આરામગૃહના માલિકને જણાવી.
‘અહંકાર’- આરામગૃહના માલિકે કહ્યુઃ ‘બધાં દુર્ગુણોનો પિતા હોય તો તે અહંકાર જ છે...તેનો નશો માણસને બધું ભૂલાવી દે છે.  જે મહાન કાર્યો કરવા તેનું સર્જન થયું હોય છે, તે બધી શક્તિ આડે માર્ગે વપરાઇ જાય છે.  અહંકારમાં ડૂબેલો માણસ પોતાની વિચારવાની ક્ષમતા જ ગુમાવી બેસે છે. તમારા પિતા માટે હવે ઇશ્વરને કરેલી દુઆ જ કામ કરી શકે એમ લાગે છે. છતાં બની શકે તેટલી મદદ હું તમને કરીશ.’
બહાર વિશ્રામગૃહના માલિકનો કૂતરો ક્યારનો ભસી રહ્યો હતો. પણ તેનો અવાજ હવાના જોરદાર સૂસવાટાના અવાજમાં જ ઓગળી જતો હતો. અચાનક કૂતરાનો ભસવાનો અવાજ વધી ગયો. કોઈ કે વિશ્રામગૃહનો દરવાજો ખખડાવ્યો. બહારથી અવાજ આવ્યો,
ટમારે અહીં રાતવાસો કરવો છે. દરવાજો ખોલો....’
હવાના ધક્કાથી દરવાજો આપોઆપ ખૂલી ગયો. વિખરાયેલા વાળવાળો, જંગલી જેવો દેખાતો માણસ અંદર ધસી આવ્યો. તેનાં કપડાં પણ ફાટીને ચીંથરેહાલ થઈ ગયા હતાં. ‘ઓહ, પિતાજી...’ જીરાડે બૂમ પાડી. તે માસ્ટર ઝચારીઅસ હતા.
‘હું ક્યાં છું.?’- ઝચારીઅસ બોલ્યા. બધી ઘડિયાળોના કાંટાઓ અટકી ગયા છે...? સમય થંભી ગયો છે. ? હું મરણ પામ્યો છું...? હું ક્યાં છું. સ્વર્ગમાં કે નર્કમાં...?’
‘પિતાજી, તમને શું થયું છે...?’ રડતા રડતાં જીરાડ દુઃખદ સ્વરે બોલી.
ઝચારીઅસની નજર જીરાડ પર પડતાં તેમને થોડું ભાન આવ્યું. મારી દીકરી. જીરાડ. ઔબર્ટ તું પણ...ઓહ..તમારાં તો આપણા પ્રાચીન ચર્ચમાં લગ્ન થવાના હતાં.’
‘પિતાજી, તમને શું થઈ ગયું છે...? તમે કેમ આવી વાત કરો છો...’ જીરાડ તેમને વળગી પડી. ‘ચાલો અમારી સાથે. પાછા ઘરે...’
ઝચારીઅસે જીરાડને દૂર હડસેલી દીધી. તે દરવાજા તરફ દોડ્યાં. ઉમરા પાસે આવી બહાર જોવા લાગ્યા. બગાર હિમવર્ષા થઈ રહી હતી.
‘અમને છોડીને ન જાવ. તમારા વિના અમારું આ દુનીયામાં કોઈ નથી..’- ઔબર્ટ બોલ્યો.
‘હું પાછો ત્યાં કેમ જાઉં..?’ ઝચારીઅસ દુઃખી હાવભાવ સાથે બોલ્યા. ‘જ્યાં મારું શરીર દફન થયેલું છે..? જે સ્થળ છોડીને મારો આત્મા અહીં આવી ગયો છે....હું પાછો નહીં આવી શકું.’
‘તમે હજી જીવિત છો...તમારો આત્મા પણ...’ આશ્રયગૃહનો માલિક ઝચારીઅસને આશ્વાસન આપતાં બોલ્યો.
‘મારો આત્મા..? એ કેવી રીતે જીવિત હોય...? જ્યારે મારી બધી જ ઘડિયાળો અટકી ગઇ છે...?’
‘મારો આત્મા અમર છે...’
‘હા, મારી કીર્તિની જેમ...પણ એ તો હવે માત્ર એન્ડરમટની પેલી હવેલીમાં પૂરાયેલી પડી છે. મારી એ એકમાત્ર ઘડિયાળ છે. જે હજી ચાલી રહી છે. હું તેને જોવા માંગું છું...પાછી મેળવવા ઇચ્છું...’
‘સાવ એકલવાયું જીવન જીવન જીવતો આરામગૃહનો માલિક તેમને સમજાવવા આગળ વધ્યો. સ્કોલાસ્ટીક તો ક્યારની પોતાની ચેતના ગુમાવી ચૂકી હતી. તેના મોંમાથી એક શબ્દ પણ નીકળતો ન હતો. ઔબર્ટે જીરાડનો હાથ પકડી લીધો.
‘એન્ડરમટની હવેલીનો રહેવાસી એક શેતાન છે.’ – આરામગૃહના માલિકે ઝચારીઅસને સમજાવતાં કહ્યું- ‘ત્યાં તમે ના જાવ એમાં જ તમારી ભલાઈ છે.’
‘ઓહ, પિતાજી તમે કેમ સમજતા નથી. ત્યાં જવું સલાહભરેલું નથી.’
‘મારે મારો આત્મા જોઈએ. જે અત્યારે તેના કબજામાં છે. મારા આત્મા પર માત્ર મારો જ અધિકાર હોઇ શકે. હું તે કોઈ પણ ભોગે પરત મેળવીને જ રહીશ.’
‘રોકો એમને...કોઈ રોકો મારા પિતાને....’ જીરાડે રડતાં રડતાં ચીસ પાડી.
ઝચારીઅસ દરવાજો ઓળંગી બહાર જતા રહ્યાં. રાતના અંધારામાં તે ખોવાઈ ગયા. માત્ર તેમની બૂમો જ સંભળાઇ રહી હતી.
‘મારો આત્મા..હું તેને મેળવીને જ જંપીશ...મારો આત્મા....’
જીરાડ, ઔબર્ટ અને સ્કોલાસ્ટીક પણ તેમની પાછળ દોડ્યાં. આગળનો રસ્તો ચઢાણવાળો હતો. ભારે હિમવર્ષાને કારણે આગળ વધવું વધારે મુશ્કેલ બનતું હતું. પોતાનો આત્મા પરત મેળવવાની ધૂનમાં ઝચારીઅસ વધુ ને વધુ જોમથી આગળ વધતા રહ્યાં. કપરાં ચઢાણ છતાં તે ઘણા આગળ નીકળી ગયા હતા. હવે તેમનો અવાજ પણ સંભળાતો ન હતો.
અહીં અનેક પ્રાચીન ખંડિયેલો હતાં. બાંધકામનો ભંગાર ચોતરફ વેરણછેરણ પડ્યો હતો. એ પસાર કરી તેઓ આગળ વધતાં રહ્યાં. પરંતુ ઝચારીઅસ ક્યાંય દેખાતા ન હતા.
આખરે ઇવીનોઆઝ નામના ગામમાં તેઓ આવી પહોંચ્યાં. ગામ સાવ ઉજ્જડ હતું. સ્મશાન જેવી શાંતિ હતી. આખા ગામમાં એકપણ માણસ દેખાતો ન હતો. જાણે એમાં ભૂત-પતિલ જેવી પિશાચી શક્તિઓનો જ વાસ હોય તેવું લાગતું હતું. ડરેલાં હોવા છતાં સૌ આગળ વધ્યાં. આગળ ડેન્ટસ-ડુ-મીડીની ખીણ હતી. બધા તેમાં ઉતર્યાં. આગળનો રસ્તો ખડકાળ હતો. ચાલવામાં સૌને તકલીફ પડતી હતી.
‘એ ત્યાં છે...પેલી રહી.’ ઝચારીઅસનો અવાજ સંભળાયો.
ઝચારીઅસનો અવાજ સંભળાતાં જ જીરાડ, ઔબર્ટ અને સ્કોલાસ્ટીકના જીવમાં જીવ આવ્યો. અવાજની દિશામાં સૌ જડપથી આગળ વધ્યાં.
એન્ડરમટની હવેલીનું ખંડિયેર નજરે પડ્યું. તેનો ત્રિકોણાકાર વિશાળ મિનારો દૂરથી જ કોઈ ભૂતિયા આવાસની ઝાંખી કરાવે તેવો ડરામણો હતો. તેના વરંડામાં તેઓ પહોંચી ગયા. પ્રાચીન સમયનો જૂનો ભંગાર ચારેબાજુ વિખરાયેલો પડ્યો હતો. અંદર પ્રવેશતાં જ મુખ્ય ઓરડાની સ્થિતિ પણ એવી જ હતી. તેની છત ઉપર ચામાચીડિયા લટકતાં હતાં. હવેલીમાં વધું અંદર જવા માટે એક નાનકડાં બાકોરાં જેવો દરવાજો હતો. આટલી મોટી હવેલીમાં પ્રવેશ માટેનું આટલુ નાનકડું દ્વાર વિચિત્ર લાગતું હતું. પણ તેના બનાવનારે સુરક્ષાકારણોસર આવી રચના કરી હશે.  પ્રવેશદ્વારની આગળ માનવ હાડપીંજરો લટકતાં હતાં. દૃશ્ય અતિ બિહામણું હતું. કદાચ હવેલીમાં ચોરી  કે લૂંટફાંટ કરવાના ઇરાદાથી પ્રવેશ કરનારાઓને સજારૂપે અહીં જ લટકાવવામાં આવ્યા હશે.
આવા ડરામણાં દૃશ્યોથી પણ ઝચારીઅસ અટકે તેમ ન હતા. પ્રવેશદ્વાર વાટે તે અંદર પ્રવેશ્યાં. થોડું ચાલ્યા બાદ એક વિશાળ અંધારીઆ ખંડમાં તે પહોંચ્યાં. જીરાડ ઔબર્ટ અને સ્કોલાસ્ટીક પણ તેમની પાછળ જ હતાં. આ ખંડ હવેલીના અન્ય ખંડ કે વરંડા જેવો ન હતો. અહીં બધું વ્યવસ્થિત ગોઠવેલું હતું. દીવાલો પર પિશાચોના ચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. તેની મોટી ખુલ્લી બારીઓમાંથૂ ઠંડા પવનના સૂસવાટા વાઈ રહ્યાં હતાં.
ઝચારીઅસર એ વિશાળ ખંડની વચ્ચો વચ્ચ ઊભા હતાં. તેમની નજર સ્ટીલની બનેલી મોટી ઘડિયાળ ઉપર પડી. તેમણે આનંદિત થઈ બૂમ પાડી. આ એજ ઘડિયાળ હતી જે તેમણે વર્ષો પહેલા બનાવી હતી. તેને પરત મેળવવાની ધૂન તેમને જીનીવાથી આટલે દૂર ખેંચી લાવી હતી. આટલા લાંબા સમય બાદ તેને જોઈને ઝચારીઅસ ખુશ થાય તે સ્વાભાવિક હતું. વર્ષો જૂની ઘડિયાળ હોવા છતાં ઘડિયાળ હજી એવી જ સ્થિતિમાં જળવાઈ રહી હતી. તેની આજુબાજુની કલાત્મક કોતરણી તથા અન્ય સુશોભનો જોનારને મંત્રમુગ્ધ કરે તેવાં હતાં. જાણે કોઈ મહાન શિલ્પકારનું શિલ્પ. તે હજી પણ ચોક્કસ સમય બતાવતી હતી. તેની વિશેષતા એ હતી કે કલાક સૂચક ટકોરા તેમાં પડે ત્યારે તેના નીચેના ભાગમાં એક તકતી દેખાતી. જેના પર દર વખતે જુદાં જુદાં સુવાક્યો કે ધાર્મિક ઉપદેશો લખેલા દેખાતા. તેની રચના અત્યાંત જટિલ હોવા છતાં અન્ય ઘડિયાળોની માફક તેમાં કોઈ ખામી ઉદ્ભવી ન હતી.
ઝચારીઅસ ઘડિયાળ મેળવવાના આનંદમાં ખોવાઈ ગયા હતા...તેમને ભાન ન હતું કે તે ક્યાં હતા. તે ઘડિયાળ લેવા ઝડપથી આગળ વધ્યાં. ત્યાં ભયાનક હસવાનો અવાજ તેમને કાને પડ્યો. તેમણએ પાછળ ફરીને જોયું. તેમના ભવાં ચડી ગયા. તે ચીત્કારી ઊઠ્યાં. : ‘તું અહીં....’ ? જીનીવામાં ઝચારીઅસનો સતત પીછો કરતો રહેલો પેલો ઠીંગણો વૃદ્ધ તેમની પાછળ ઊભો હસી રહ્યો હતો...
જીરાડ તેમને જોઈને ગભરાઈ ગઈ. ઔબર્ટને વળગી પડી.....!
વધુ આવતા અંકે...

 

000000000

***