કૃતિ પરિચય : ‘ઝાંઝવાં’ , લેખક : ડૉ. કેશુભાઇ દેસાઇ

“નવલકથાકાર આષાઢી મોરલો છે. એને ઉમળકો ચડે છે ત્યારે એ મન મૂકીને ઊઘડે છે. ઢેલ કદાચ એની આંખમાંથી ખરતા આંસુને ઝીલવા મથતી હશે. પણ આપણને એનાં રૂપકડાં પીંછામાં પરોવાઇ જવું ગમે છે. અને મોરલો જાણે મનોમન આપણી વાત કળી ગયો હોય એમ પાછળ એકાદ-બે પીંછાં ખંખેરી દઈ એની કલા સંકેલી લે છે.” (પૃષ્ઠ ૪)
ઉપરોક્ત વાક્યમાં લેખક શ્રી કેશુભાઇ દેસાઇ નવલકથાસર્જનની ઊંડી સમજ દર્શાવી જાય છે. લેખક કહે છે તેમ તેમની ભીંતરની ભાગોળે ટહુકતા એ મોરલાએ ઉમળકે ચડીને થોડા થોડા અંતરે બે પીંછાં ખેરવ્યાં એમાંનું એક આ  ‘ઝાંઝવાં’ , જેના સર્જનની શરૂઆત લેખકે મકરસંક્રાન્તિની સવારે કરેલી છે.
સામાન્ય રીતે દરેક લેખકની પ્રત્યેક કૃતિ એક યા બીજા રૂપે તેની આત્મકથાનો અંશ જ હોય છે. સર્જકને શિલ્પીની ચતુરાઇ કરતાં જિંદગીની સચ્ચાઇ વિશેષ ઉપકારક હોય છે. એવા જ રૂપવિધાન સાથે પ્રસ્તુત લઘુનવલનું કથાનક; લેખકના સગાભાણેજનું બાજુના ગામની છોકરીને લઇને ભાગી જવાની ઘટના પરથી આલેખવામાં આવ્યું છે. આવો આધુનિક સ્પર્શ ધરાવતી આ લઘુનવલ કંઇક આ પ્રકારે જોઇ શકાય. ઉત્તરાયણના દિવસની વહેલી પરોઢથી શરૂ થયેલી આ કથાનો પ્રવાહ પતંગોની જેમ વાચકોના મનમાં તરંગીપણે વહેવા લાગે એમ છે. ઘરમાં બેઠેલો કથાનો નાયક અરવિંદ આજની ઉત્તરાયણમાં જરા ઉદાસીન બનેલો જણાય છે. સવારથી જ ઘરમાં તેને પૂરાયેલો જોઇ તેની પત્ની રમીલા તેના આવા માનસને આજ સુધી સમજી શકી નથી. દર ઉત્તરાયણની જેમ આ વખતે પણ તેને પેલો સોમોકાકો પતંગની મજા માણતો, પતરાં પર ઠેકડા મારતો જણાય છે. તેની કીકીયારીઓ અને બૂમબરાડા સાંભળીને જડી ડોશી પણ તેના આવા વર્તનને જોઇ મંદ અવાજે બબડાટ કરે છે. આજુબાજુનો સમગ્ર પરિવેશ ઉત્તરાયણથી ભરચક જણાય છે. રમીલાના કહેવા છતાં પણ નીરસ જવાબ પાઠવીને તે જીવનની અધૂરપને વ્યક્ત કરે છે. પતંગ ચઢાવવાની ઉત્સુકતાને ડામી દેતી અરવિંદની વાત સાંભળી રમીલા પણ તેને ઉચિત જવાબ આપી તેના હ્રદયને હલાવી જાય છે. એના કહેવાનો વ્યંગ આમ પણ દુ:ખદાયક હતો. જિંદગીની ઉત્તરાયણમાં સદાય એમનો પતંગ ચઢ્યા વગરનો જ રહ્યો. સંતાનરૂપી પતંગની આશાના અંધારે જીવતાં પતિ-પત્ની હવે સમાધાનવાળી જિંદગી ગાળતાં જણાય છે. દુનિયામાં ઘણાય લોકોને ઘરે પારણું નથી બંધાતું એમ કહી મન મનાવતાં જીવી રહ્યાં છે. હ્રદયને આવા વિચારે મજબૂત કર્યું પણ એ જીવનભરની ઉદાસીનતા એના ચહેરે બાઝેલી જણાય છે. જીવનની આ દુર્ભાગ્યસમી ખામીનો ખ્યાલ એને શાળામાં ભણતી વેળાએ જ આવી ગયેલો. પત્નીએ પણ આ ખામીને વખોડતા ઘણા હ્રદયદ્રાવી ઘા કર્યા.પણ કિસ્મત આગળ કોઈનું ચાલ્યું નથી. ઘણીવાર મળેલા મોકામાં એ રેલના પાટા પર જઇને જીવન ટૂંકું કરી શક્યો હોત. પણ એથી રમીલાને થયેલા અન્યાયનો ઉત્તર નહોતો મળવાનો. અને વળી રમીલા ય જાણતી હતી કે કોઇ ઇલાજ નથી, પણ મનમાં સળગતા ઉભરાને તે અરવિંદ આગળ ઠાલવી દેતી. ખાલીપો ભરેલી આ જિંદગી સાથે પણ જાણે કે એણે સમાધાન કરી લીધું હતું.
અરવિંદ અખબારમાં ત્રણેક કૉલમ લખતો. જેના અઢી-ત્રણ હજાર તેને મળતા. તો વળી રમીલાનું ઘર પણ ધમધમતું હતું. ક્યારેક રમીલા જાય તો મણ-બે મણ દાણા લઇ આવતી. ખોટો ખર્ચ નહોતો એટલે આટલી ટૂંકી આવકમાં પણ ઘર ચાલતું. પેપરોમાં આવતા અનેક કુમળી વયે માતા બન્યાના કિસ્સાઓ વાંચીને રમીલા ઘણીવાર વ્યથિત બની જતી. ખરેખર, દુનિયામાં કઈ સ્ત્રીને માતૃત્વની ઝંખના ન હોય...એટલે ઘણીવાર આવા લેખવાળાં છાપાં અરવિંદ જોઈને છૂપાવી દેતો. પત્નીની વ્યથામાં વધારો ન થાય એ કારણે તેણે આમ કરવું અનિવાર્ય જણાતું.
ઉત્તરાયણના દિવસોની સાથે જ ઠંડી પણ એકાએક છૂ થઈ ગઈ. પહેલાં રાત્રે સગડી વગર સૂઈ નહોતું શકાતું ત્યાં પંખો ચાલુ કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. તો સાથે સાથે ૠતુની જેમ ઘટનાઓ પણ એવી બદલાઈ કે કલ્પના જ ન કરી શકાય. રાજકારણીય હકીકતોને ટિપ્પણી રૂપે રજૂ કરતાં અરવિંદને ઘણા રાજકારણીઓ તરફથી લાલ આંખ પણ દેખાઇ. પણ પત્રકારનું કામ જ તટસ્થતાના માપદંડ પર રહેલું છે એ તે જાણતો હતો. ઘણી ઓફરોના અસ્વીકારથી રમીલાને તે મૂર્ખ પણ લાગેલો. પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ હતો. આમ, આવા તડકા-છાંયા પાર કરીને કથા લેખકના હાથે આગળ નવા જ આયામ પર આવીને ઊભી રહે છે. સૂર્યની મકરગતિની રાહ જોઈને બેઠો હોય એમ રમીલાનો તરુણવયનો ભત્રીજો એના નજીકના ગામની છોકરીને લઈને નાસી ગયો છે એવા સમાચાર કાને અથડાય છે. આવા કૃત્યથી રમીલાને એના ખાનદાનની ઉથલપાથલનો અણસાર આવી જાય છે. થોડા દિવસ અગાઉ રાકેશ એમને મળવા આવ્યો ત્યારે પણ એ કરેલી સગાઈ તોડવાના ઈરાદાવાળી વાતો કરતો હતો એ એને યાદ આવી ગયું. ને આખી વાત એને સમજાઈ ગઈ કે રાકેશ એ દિવસે કેમ આટલી ઉતાવળ કરતો હતો. રમીલાને એ પણ યાદ છે કે રકેશ તેને મળ્યો ત્યારે તે ખૂબ જ રડ્યો હતો, પણ આવું પગલું ભરીને ઘર, કુટુંબ અને સમાજમાં નીચું જોવા મજબૂર કરશે એવું ફોઇને પણ માન્યામાં નહોતું આવતું. વળી અરવિંદથી તો બોલાઈ પણ જવાય છે કે, “ લ્યો, તમારા ભત્રીજાનું નામ તો છાપે ચડી ગયું ! છાપાના માણસ હોવા છતાં અમને કોઇએ ન છાપ્યા...ને આ વીરપુરુષ રાતોરાત આખા જગતમાં જાણીતા થઈ ગયા !” (પૃષ્ઠ ૨૭)  રમીલા પણ શું બોલે ? ભત્રીજાનું આવું પરાક્રમ એનું પણ આજે મોં સીવી ગયું.
પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવે એના પ્રત્યુત્તર માટે ઊભા રહેવાની તૈયારી દર્શાવવાની બાકી રહી. રમીલા પોતાની ભાભીનો સ્વભાવ જાણતી હતી. અને એમાંય વળી ભત્રીજા અને ફોઈનો સ્નેહ અપાર મુસીબતોને લડી લેવા એ સફાળી બની જાગી ઊઠી છે. આવા સમયે રમીલા પોતાના પિયર પર આવી પડેલી આપત્તિને લઈને ખબર કાઢવા જવાનું વિચારી રહી હતી ત્યાં જ બે જીપો ભરીને પિયરીયાંનું ધાડું એના ઘરે આવી ચડે છે. પશોડોસો, રમીલાનો ભોળો ભાઇ જીવરામ, બીજા નવી પેઢીના ચાર-પાંચ યુવાનો હાથમાં હોકીસ્ટીક લઈને ઉતરે છે. અરવિંદ અને રમીલાને ઘણા પ્રશ્નો કરે છે ને કંઈ જ ન જાણતાં તે બંને જવાબ વાળે છે. આવેલા લોકો શંકાની નજરે ઘણા પ્રત્યાઘાતો આપે છે ને અરવિંદ એમને યોગ્ય જવાબો આપતો જાય છે. રમીલાને આ બધામાં પોતાના પિયરની આબરૂનો સવાલ સતાવે છે. પોતાના ભોળા ભાઈ જીવાના ખભે બેસી આવેલા આ પંચાતિયા ગમે તેમ કરી ખાનદાની પિતા લાખા બહેચરની આબરૂના લીરા ઉડાડવા જ આવ્યા છે. એમ તે સમજી જાય છે. એકબાજુ રાકેશની ચિંતા ને બીજી બાજુ ખાનદાનની આબરૂ. પણ તે મન તો બંને તરફ સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ. અને એમાંય રમીલા જ્યારે પિયર જાય છે ત્યારે પોતાની ભાભીનાં વાક્બાણોથી બચી શકતી નથી.
લેખકશ્રીએ નવલકથાને કંઈક અલગ જ મોડ પર લાવી મૂકી છે. શાંત દરિયાની સપાટીને મોજાથી ઉલેચવાનો પ્રયત્ન કર્યો છે. વિવિધ રસોના આછેરા નિરૂપણથી લઈ અંત તરફ જતી આ કથા એક વાવાઝોડાની પેઠે આગળ ધસમસતી જાય છે. સામાજિક પરિસ્થિતિનો જાણે કે અનહદ આવેશ પ્રગટેલો જોઈ શકાય છે. છોકરીને લઈને ભાગી જવાના સામાજિક પેંતરા આ કથાપટ પર લેખકે ચિતરી આપ્યા છે. આધુનિક સમાજના આવા પ્રશ્નો પાછળ જવાબદાર તો સમાજ જ છે. જો કે, લેખકે પોતાના સગામાં બનેલા પ્રસંગને લઈને નવલકથાનું સર્જન કરી લોકોને એ તરફ પગલાં લેવા વિચારતા કરી મૂક્યા છે. રાકેશ તેની  પ્રેમિકાને લઈ ભાગી છૂટ્યો છે એ વાત સમાજમાં ચારેકોર ફેલાઈ ગઈ છે. પરંતુ કથાનો ઉન્માદ એ પછીની હલચલ પર આવીને વધુ અસરદાર સ્વરૂપ પકડે છે. ભાગી છૂટેલા પ્રેમીપંખીડાઓને પકડવા પાછળ ઢગલો પૈસા ખર્ચીને આબરૂ ગુમાવ્યાનો દરેકને રંજ છે. રમીલાને ભાઈ-ભાભીના વેણની ચિંતા હતી. કુટુંબ કે સમાજના મોભીઓને તો તે પહોંચી વળે તેમ હતી. આખો કેસ પોલીસથાણે પહોંચે છે. એક બાજુ છોકરાના ઘરનાં, બીજી બાજુ છોકરીના ઘરનાં ને ત્રીજી બાજુ પોલીસ એમ ત્રણે ટોળાં રાત-દિવસ પ્રેમીપંખીડાંને પકડવા દોડધામ કરે છે અને આ બધામાં ચોથી હરોળ એવી છે જે આ બધાની આબરૂને બજારે વેચતી ફરે છે. પોલીસ પોતાની કાર્યવાહી શરૂ કરે છે. છોકરા અને છોકરી વાળાના ઘરથી લઈ ફોઈના ઘરે પૂછપરછ કરી નાખે છે. કેટકેટલાય આગેવાનોના મત સાંભળ્યા બાદ આખા કેસમાં છેલ્લે ત્રણ જ નામ આરોપનામામાં બાકી રહે છે : છોકરી, છોકરો અને એમનો મદદગાર ભૂરિયો. ભૂરિયાને કેસમાં ભેરવી દઈને સબ-ઈસ્પેક્ટરે આખા કેસને ‘ રોમેન્ટિક ટચ ’ આપી દીધો હતો. આખા કેસને રાતોરાત આંતરરાષ્ટ્રિય ‘સ્કેન્ડલ’ માં ખપાવી દીધો હતો. ભાગી ગયેલી જગલી પોતાની ત્રીજી પેઢીની ભત્રીજી થાય એવી વાત સાથે કેસમાં પ્રવેશેલા માધા મનોરનું એમના સમયમાં પોલીસથાણે જબરું ચાલતું. પણ આખો કેસ આમ ફંગોળાતો જોઈ એમને પણ હવે ફરિયાદ કર્યાનો પસ્તાવો થવા લાગે છે.
પ્રેમીપંખીડાંની શોધમાં આમને આમ દિવસો પસાર થઈ જાય છે અને એક રાતે અચાનક ફોઈ-ફુઆના ઘરે ભૂરિયાનો પ્રવેશ થાય છે. બે દેશોની સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજના હેઠળ ભારત ભણવા આવેલો તે પોતાના મિત્રને આ દોડદોડથી ઉગારવાની આજીજી તે બંને આગળ કરે છે. રાત્રીનું ભોજન લઈ ભૂરિયો આખી વાત એ બંનેને જણાવે છે. ભૂરિયાની વ્યવહારદક્ષતા અને ઊંડી સમજણ પ્રત્યે ફોઈ-ફુઆને એની પર માન જાગ્યું. રાકેશ અને પેલી છોકરીની સ્થિતિનો આખો ખ્યાલ તેમને ભૂરિયો આપે છે અને એમને આ પળોજણમાંથી બચાવવા વિનંતી કરે છે. ભૂરિયાની વાતોમાં રમીલાને નરી સચ્ચાઈ અને ઉદારતા જણાય છે. એના પ્રત્યે એને મમત્વનો ભાવ પ્રગટી આવે છે. ને રમીલાની આંખો ઊંઘથી ઘેરાઈ જાય છે. એને વિચારોમાં ફરી એ પુત્રની ઝંખનાનું મોજું ફરી વળે છે.
સવારે ધણી-ધણીયાણી જાગ્યા ત્યારે ભૂરિયો ગાયબ હતો. એની પથારી પર ચિઠ્ઠી પડેલી હતી. ચિઠ્ઠીમાં એ ઘણું બધું કહી જાય છે. કહ્યા વગર જતો રહેલો એ બદલ માગેલી માફીથી લઈ પોતાના મિત્રની વહારે જલદી જવાની વાત કરતી આ ચિઠ્ઠી તેના વ્યક્તિત્વની છાપ છોડી જાય છે. તો આ તરફ અરવિંદ પણ બની ગયેલા બનાવ બાદ છોકરાને (રાકેશને) પૂરી રીતે ઉગારવા સફાળો તૈયારી દર્શાવે છે. તેની ઉચ્ચ અધિકારી સાથેની વાત કરવાની ભાષાથી રમીલાને પણ પહેલી વાર આનંદ થયો. ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર ભૂરિયો એ બંનેને લઈ ફોઇ-ફુઆને ત્યાં આવવાનો હતો. સવારનાં આતુર નયને રાહ જોઇ રહેલાં ફોઇ-ફુઆને કંઈ સૂઝતું નહોતું. પણ રમીલાને આજ આખી જિંદગીમાં નીરસ લાગતો અરવિંદ સાચા અર્થમાં સમજાયો. માતૃત્વની ઝંખનામાં ગાંડીતૂર બનેલી રમીલાને આજ સુધી અરવિંદની થીયરી ભારેખમ લાગતી હતી, તે હવે ઊંડાણથી સમજાઈ.
આમ ને આમ ત્રણ દિવસની પ્રતિક્ષા બાદ [અણ પેલાં નજરે પડ્યાં નહિ એટલે અરવિંદ પણ મૂંઝાવા લાગ્યો. રમીલાની વિમાસણનો પણ પાર નહોતો. જોતજોતામાં હોળીય આવી ગઈ. અરવિંદ વિચારોમાં ને વિચારોમાં ઊંડો ઊતરી ગયો. પેલી ઉતરાણ જેમ એને વસમી લાગી હતી, એમ આ વખતની હોળી પણ એની ભીતરની ઠરી ગયેલી આગને સંકોરી રહી હતી. ‘ આવું છું’ કહીને ગયેલા ભૂરિયા અંગે પણ હવે તેમના મનમાં શંકાઓ ઊભી થવા લાગી. આ પળે એમને આવનારા પ્રેમીપંખીડાને આશરો આપવા બદલ સમાજ શું કહેશે એની લગારે ફિકર નહોતી. ફિકર હતી તો એ પેલાં બે જણની. જડી ડોશી પણ જુદા જ તાનમાં આવીને કહેવા લાગી : “તમે જોજો ને, આપણો રાકો એની વહુને તેડીને સાંજ લગીમાં આવ્યો જ સમજો ! સમજો કે એના પગ વાસે સે : એક પા વડ નીચે હોળી પ્રગટાણી નથી કે એ જુગલજોડું આપણા બંગલાના ઝાંપે.” (પૃષ્ઠ ૧૯૩)
રમીલાને પણ ડોશીની આ વાત પર જાણે કે વિશ્વાસ જ આવી ગયો. સાંજ પડી ને વડ નીચે ખડકાયેલો લાકડાંનો ઢગલો ઢોલના અવાજમાં અગ્નિને ભાસે છે. ઢોલના અવાજમાં, શરણાઈઓના સૂર વચ્ચે પ્રગટેલી હોળીના અજવાશમાં જ ગામમાંથી લાઈટ જતી રહે છે. ‘ બોલો...અંબે માત કી જય...’ જેવા જયનાદ વખતે જ એક રીક્ષા રોડ પરથી ઘર આગળ આવીને ઊભી રહે છે ને ‘ફોઈ !’ એવો ઉદગાર સાંભળી રમીલાને રાકાનો પગરવ સંભળાય છે. પછી બધા ઘરમાં જાય છે. રાકેશ બધીય વાત તેમને કરવા લાગે છે. ને પછી ઘડીક પૂરતી સ્મશાનવત્ શાંતિ છવાઈ જાય છે. પછી હસીને અરવિંદ કહે છે, “ તને ખબર છે રાકેશ ? આજે હું જિંદગીની પિસ્તાળીસમી હોળી ઊજવી રહ્યો છું...” (પૃષ્ઠ ૧૯૮) ત્યાં જ એકાએક લાઈટ આવી જાય છે, ને પાંપણને કિનારે આવીને અટકેલાં આંસુ ખરવા માંડે એ પહેલાં જ રમીલા એને લૂછી નાખે છે અને નવલકથાનો અંત આવે છે.
આમ, સુંદર કથાવસ્તુ સાથે પોતાની આગવી શૈલીમાં કથાતત્વને રજૂ કરનાર લેખક કેશુભાઈ દેસાઈ ખરેખરા કથાકાર છે. નાનાં-મોટાં અનેક પાત્રોને યોગ્ય ન્યાય આપતી સંવાદસૃષ્ટિની છાંયમાં વિકસેલી આ નવલકથા આધુનિક સમાજના જીવંત પ્રશ્નોને આબેહૂબ રજૂ કરવામાં સફળ બની છે.

ડૉ. શીતલ બી. પ્રજાપતિ
૯૨૬/૨, સેક્ટર-૭ સી,
ગાંધીનગર-૩૮૨૦૦૭
મો. ૯૬૬૨૫ ૨૭૫૯૬
ઇમેલ: shitu27584@yahoo.com

000000000

***