આસ્થા અને અસ્મિતાની ગાથા

નવલકથાકાર કાન્તિલાલ પરમાર પાસેથી આપણને આ પહેલી  નવલકથા ‘ગેબીટીંબો’ મળે છે. આ નવલકથા કુલ વીસ પ્રકરણમાં વિસ્તરે છે. આ નવલકથાનો વાર્તાપ્રવાહ રસાત્મક રીતે સળંગ સૂત્રતાએ ચાલે છે. કથામાં લેખકે અનુભવેલી જીવનની તડકી-છાંયડીનું પ્રતિબિંબ પણ  ઝીલાયું છે.
પ્રસ્તુત નવલકથામાં લેખકે યુગોથી વ્યાપેલી જાતિગત અસમાનતા એવી  સવર્ણો અને દલિતો વચ્ચેની ખાઇને  પૂરવાનો પ્રયત્ન કર્યો  છે. આ નવલકથાનો વિસ્તાર દેવયાની ગામથી આરંભાઇ અમેરિકા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરે છે. નવલકથામાં મુખ્યત્વે ત્રણ સમાજ ચર્ચાયા છે. એક દલિત સમાજ, ઠાકોર સમાજ, અને પટેલ સમાજનો અછડતો ઉલ્લેખ  પણ થયો છે. એ અહીં ગૌણ છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર પોલીસ ઇન્સપેક્ટર ખાન સાહેબનું મળે છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં મુખ્ય બે પાત્રો છે. વાર્તાનાયક આકાશ અને વાર્તાનાયિકા સ્વાતિ આકાશ એદલિત કુટુંબમાંથી આવે છે. જે સમગ્ર દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે. આ પાત્રની મુખ્ય વિશેષતા એ છે કે ખૂબ જ હોંશિયાર, ગંભીર અને સમજું છે. જે સમગ્ર નવલકથાના પ્રવાહને વેગવંતો કરી મૂકે છે.
નવલકથાનું બીજું મુખ્ય પાત્ર વાર્તાનાયિકા સ્વાતિનું છે. સ્વાતિ એક સવર્ણ કુટુંબમાંથી આવે છે. તેની સાથે આકાશની નિર્મળ મૈત્રી બંધાય છે. અને વાર્તાનાયક આકાશના પાત્રની ગરિમા જળવાય તે મુજબ વર્તે છે. પ્રસ્તુત નવલકથામાં વાર્તાનાયકના પાત્ર કરતાં વાર્તાનાયિકાનું પાત્ર મૂઠી ઊંચેરું બની રહે છે. તેની પાસે ધન-દોલતની, સુખ-સગવડની કોઇપણ વાતની કમી હરપળ મુશ્કેલીઓ અને મુસીબતોનો જ સામનો કરવો પડે છે. છતાં તેનું નિષ્કલંક ચારિત્ર્યબળ ઉત્તમ કોટિનું પુરવાર થાય છે.
આ નવલકથામાં વાર્તાનાયક આકાશ એના દલિતપણાની કુંઠાથી પીડાય છે. વાર્તાનાયક એ દલિત સમાજમાંથી આવતો હોવા છતાં તે સમગ્ર માનવજાતની સેવા કરે છે તેમ છતાં તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે તેનાથી જ નવો માર્ગ સૂઝે છે.
નવલકથામાં અન્ય ગૌણ પાત્રો પણ એટલા જ મહત્વનાં છે. જેમાં ગામના સરપંચ ચંદુજી, ખાનાસાહેબ, ધનકી, નટવર, ચંદ્રકાન્ત, કરતારસિંગ, ઝાલાસાહેબ, જયેશ-પમ્મી વગેરે પાત્રો દ્વારા વાર્તાપ્રવાહ ગતિશીલ બની રહે છે.
આ ઉપરાંત વાર્તાનાયક આકાશની માતા મણિનું પાત્ર એ નવલકથામાં વાર્તાનાયિકા સ્વાતિ પછીનું બીજું મહત્વનું પાત્ર નવલકથામાં ખલનાયકના પાત્ર તરીકે મંગાજી અ પ્રતાપસંગનું પાત્ર ઉપસી આવે છે. આ બંને પાત્રોની ભૂમિકા મહત્વની છે. એક ખૂંખાર, જનવાણી-ગ્રામીણ સંસ્કાર ધરાવતા માણસને સમય જ સત્ય સમજાવે છે. કદાચ ચંદુજીના પાત્ર દ્વારા લેખક આ જ સંદેશ પાઠવવા માગે છે. તે છે આસ્થા અને કાળદેવતા પર ટકેલી શ્રદ્ધા છે.
નવલકથાની ભાષા શૈલી ખૂબ જ અગત્યનું અંગ છે. પ્રસ્તુત નવલકથાશિષ્ટ ભાષામાં લખાઇ છે. છતાં સમગ્ર નવલકથાના વાર્તાપ્રવાહમાં સંખ્યાબંધ રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો સહજ રીતે આવી ગયા છે. નવલકથાના સંવાદો સચોટ રીતે આલેખાયા છે. જેનાથી નવલકથાના પાત્રો ઉઘાડ પામે છે. ‘ગેબીટીંબો’ નવલકથામાં દેવયાની ગામનું ગ્રામ્ય વાતાવરણ અને અમદાવાદ શહેરની ચાલી, સીવીલ હોસ્પિટલનું વાતાવરણ તાદ્રશ્ય થાય છે. આ ઉપરાંત પશ્ચિમી સંસ્કૃતિના પરિવેશનો અછડતો ખ્યાલ આવે છે.
આ નવલકથામાં દેવયાની ગામના દલિત વાસમાં રહેતા લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને તેમના સામાજિક દરજ્જાનો ખ્યાલ આવે છે. તે જ ગામમાં સવર્ણોમાં ઠાકોર સામાજિક સ્થિતિ અને તેમની આનુવંશિક ખુમારીનાં લક્ષણોનો પરિચય થાય છે. સાથોસાથ વાર્તાનાયિકા સ્વાતિના પરિવારની દાન-પૂણ્યની ભાવનાનાં દર્શન થાય છે.
પ્રસ્તુત નવલકથામાં પ્રવાહમાં વચ્ચે વચ્ચે ધટના-પ્રસંગ બનતા જાય છે. તેમાં ધ્યાનસ્થ ઘટનાઓ કેટલીક છે. જેમાં ધનકીને આબરૂં લુંટાઇ તે, નાયકના સાથી મગનની દુર્દશાનું ચિત્ર, સ્વાતિની ગ્રામસભાનું સંબોધન, આકાશના પિતાના મૃત્યુની ઘટના વગેરે ઘટના પ્રસંગ ચિંતા અને ચિંતન કરાવે તેવા છે.
‘ગેબીટીંબો’ નવલકથા પરંપરાગત દલિત સાહિત્ય કરતાં નવો ચિલો ચાતરતી કૃતિ છે. આ કૃતિમાં સર્જકનો અભિગમ સમન્વયકારી અને વિધેયાત્મક રહ્યો છે. એથી અન્ય દલિત સાહિતકારો જેવી આક્રમકતા આ કૃતિમાં વરતાતી નથી પણ દલિતોનાં દુઃખ અને તેમની વેદના-સંવેદના સર્જકકર્મ અનુભવે છે. આ કૃતિનો કથાનાયક એ જ દર્દની દાસ્તાન કથે છે. પણ એનો દ્રષ્ટિકણો વિધેયાત્મક છે.
ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી મુકનાર દલિત સાહિત્ય કરતાં અહીં કશુંક જુદું નવું અને આસ્વાધ્ય, રુચિકર સર્જન ઉપલબ્ધ થયું છે. એમાં સંઘર્ષની લગોલગ સમાધાન છે. જે વાર્તાનાયક આકાશના વ્યક્તિત્વમા વણાય ગયેલ છે. આ કૃતિમાં વાર્તાનાયિકા સ્વાતિનું પાત્ર ગુજરાતી સાહિત્યની નાયિકાઓની હરોળમાં આવી શકે તેવું આશાસ્પદ પાત્ર છે. સર્જકની શ્રદ્ધા ‘સ્વ’ ને  ‘સમષ્ટિ’ માં ફેરવવાની છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં ગંભીર ચિંતનાત્મક અને સમાજલક્ષી મનોમંથનનું વસ્તુ છે. લેખકે દલિત એમાંય ચમાર જ્ઞાતિની વારસાગત નિર્બળતાનો તાદ્રશ ચિતાર આપ્યો છે. એટલે જ આ નવલકથા સમૃદ્ધ સામાજિક નવલકથા બની શકી છે. સમગ્ર નવલકથામાં પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની સરવાણી વહેતી અનુભવાય છે. પ્રસ્તુત નવલકથાની એક મર્યાદા જણાય છે તે અંતે સ્વાતિનું ગામ લોકો દ્વારા બહુમાન એક દિવસ આકાશનું વિશ્વસંઘ દ્વારા આમંત્રણનું પ્રસ્થાન અને 26મી જાન્યુઆરીના દિવસ આ ત્રણેય બાબત વાચકને ખૂંચે તેવી છે. પણ કોઇક નવા જ સંદર્ભ પણ છુપાયેલો છે તે વિશ્વદર્શન, મનુષ્યની આઝાદી એ બે સંદર્ભે સંકેત આપે છે.
આમ, આ નવલકથા એક સમન્વય કથા બની રહે છે. આ એક જ કથામાં એકાધિક ઉપકથાઓ ગૂંથીને લેખકે બહોળા ફલક પર વિસ્તરની મોટો ત્રિપરિમાણી પુરુષાર્થ કર્યો છે. આ નવલકથા દલિત સમાજના સચોટ દસ્તાવેજી અહેવાલ બની રહે છે. જે વાચકને પ્રણયકથા લેખે પણ વાંચવી અને વાગોળવી ગમે એવી કૃતિ બને છે. લેખકે દલિત સમાજનો ઝીણવટભર્યો અભ્યાસ, અવલોકન અને દલિત-સમસ્યાના સ્વાનુભાવનો નિચોડ આપવાનો શુભ સંકલ્પ આ નવલકથાથી કર્યો છે. ‘ગેબીટીંબો’ ખરે જ આપણી ભીતર જીવતા વાચકને ગમી જાય એવી સફળ રસપ્રત નવલકથા છે.

 

પ્રો. ભરત ઠાકોર
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

 

000000000

***