નાનજી કાલિદાસ મહેતા લિખિત
“ યુરોપનો પ્રવાસ - ઈ.સ. ૧૯૩૩
(કૃતિ પરિચય)

ગાંધીયુગમાં પ્રગટ થયેલું શ્રી નાનજી કાલિદાસ મહેતાનું પ્રવાસપુસ્તક ‘યુરોપનો પ્રવાસ’ એ તેમણે કરેલા યુરોપના કેટલાક દેશોના ૩૨ જેટલા શહેરોના પ્રવાસને આલેખે છે. ઈ.સ. ૧૯૨૯ માં કરેલા યુરોપીય પ્રવાસના અનુભવોની વિગતો ઈ.સ. ૧૯૩૩માં પુસ્તકરૂપે આકાર પામી વાચકોને પ્રાપ્ત થાય છે.
          યુરોપનો પ્રવાસ કરનાર દરેક પ્રવાસીનો પ્રવાસ કરવા પાછળનો આશય અલગ-અલગ હોય છે. કોઇ પણ પ્રવાસ કરવા પાછળનો હેતુ આમ તો મોજશોખનો હોય છે. કોઈ વ્યક્તિ વિદ્યાભ્યાસ માટે પ્રવાસ કરે છે. કોઈ સ્વાસ્થ્યની સલામતી માટે પ્રવાસ કરે છે, કોઈ સરકાર મારફતે વિદેશમાં થતા સંમેલનમાં ભાગ લેવા કે સંબોધન અર્થે પ્રવાસ કરે છે.
          લેખકનો પોતાનો યુરોપીય પ્રવાસનો હેતુ વ્યાવસાયિક રહેલો છે. લેખક પોતાના પ્રવાસનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે, “ યુરોપનો પ્રવાસ કરવામાં મારો પ્રધાન હેતુ ત્યાંના વેપાર અને હુન્નર ઉદ્યોગો નજરે નિહાળવાનો અને મારાં પોતાનાં કારખાનાઓ માટે કેટલીક ભારે કિંમતની મશીનરી નજરે જોઈ, તપાસીને ખરીદ કરવાનો હતો. એટલે મારા પ્રવાસમાં મેં યુરોપનું નિરીક્ષણ માત્ર એક વેપારીની, એક કારખાનાદારની દ્રષ્ટિએ જ કરેલું છે અને તે સ્વરૂપમાં જ આ પુસ્તક રજૂ કરેલું છે. ” (પૃષ્ઠ )
          લેખકને દેશાટનનો શોખ બાળપણથી જ મનમાં રહેલો હતો, અને એમાં પણ જ્યારે તત્કાલીન સમયમાં સમાજનો એક વર્ગ એવો હતો કે જે પરદેશગમનને ગુનો ગણવામાં આવતો હતો એવી સ્થિતિમાં બાર વર્ષની ઉંમરે લેખકે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો.
          પ્રસ્તુત પ્રવાસપુસ્તકમાં લેખકે યુરોપમાં ભારતીયોની સ્થિતિ વિશે ચર્ચા કરી છે. પૂરતા પોષાક અને એક ટાણાના ભોજન માટેની કફોડી સ્થિતિ નજરે જોઈને લેખકનું હ્રદય દ્રવી ઊઠ્યું. કેટલાક ભારતીય લોકો દ્વારા વિદેશી એટલું બધું જ સારુ અને સ્વદેશી એટલું નકામું એવી માનસિકતા પણ ત્યાંના સમાજનું ક્રુર ચિત્ર રજૂ કરે છે. લેખકની વર્ણનકલા પર ગાંધીજીનો વિશેષ પ્રભાવ પડેલો જોઈ શકાય છે. વિદેશમાં રહેલા ભારતીયોની આંતરિક સ્થિતિ અને એકબીજા પ્રત્યેના વિચારોને લેખકે મુક્તપણે રજૂ કર્યા છે. ત્યાંના કહેવાતા રહીશ ભારતીયો દ્વારા ગરીબ ભારતીયોનું શોષણ, અપમાન, કુસંપ, સંકુચિતતા વગેરે તેમનામાં રહેલી એકતાને વિનાશ તરફ દોરી જાય છે.
ઈ.સ. ૧૯૨૯ ની ૧લી મે ના બપોરે સાડા બાર વાગ્યે મોંબાસા બંદરથી ઇટાલીયન સ્ટીમર ‘મેઝીની’ થી લેખક યુરોપપ્રવાસની શરૂઆત કરે છે. મુસાફરી વખતે સ્ટીમર પરના વાતાવરણ અને સવલતો તેમજ ભોજન લેવાની વિદેશી પદ્ધતિ અને સામગ્રીનું લેખકે બારીકાઇથી વર્ણન કર્યું છે. જમતી વેળાએ જમવાના કાંટાને ચોકડી આકારે નહીં મૂકવાની બાબતથી તેઓ માહિતગાર બને છે. તેમજ ઈટાલીયન પદ્ધતિથી તૈયાર થયેલા ભોજનમાં તેલ વિશેષ હોય છે. જેનાથી લેખક કેટલોક સમય બીમારીમાં સપડાઈ જાય છે.
અવિરતપણે ચાલી રહેલું સ્ટીમર મગડીશો બંદર પર આવીને થોભે છે. જ્યાં એ ગામના એજન્ટને મળાવાના આશયથી ઉતરેલા લેખક ત્યાંના લોકોના ચામડાના પહેરવેશ તેમજ ગોરો માણસ દિવસમાં જેટલી વાર સામે મળે એટલી વાર હિન્દીઓએ હાથ ઊંચો કરી સલામ મારવાની પ્રણાલીને હિન્દુઓની સર્વવ્યાપી બહાલી તરીકે નોંધે છે. મગડીશો બંદરથી ઊપડેલું સ્ટીમર ‘હાયુન’ બંદરે આવીને ઊભું રહે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવવાનો છે, જ્યાંનું લાખો ટન મીઠું આ બંદરેથી નિકાસ થાય છે. ‘હાયુન’ બંદરેથી નીકળેલું સ્ટીમર આગળ ‘એડન’ બંદરે આવી પહોંચે છે, જ્યાં ગામમાં મોટાપાયે રોગચાળો ફેલાયેલો હતો ને એ માટે શીતળાની રસી લેવી ફરજિયાત હતી એવું લેખક જણાવે છે. ‘એડન’ બંદરથી નીકળીને સ્ટીમર આગળ ‘મસોવા’ બંદરે ઊભું રહે છે. જ્યાં બંદર પરના લોકોનો પહેરવેશ મુખ્યત્વે ગાંધીટોપી અને ધોતિયું હતો, જેને ત્યાંના લોકો અસભ્ય ગણતા. ‘મસોવા’ની મુલાકાત લઈને રવાના થયેલું સ્ટીમર સુદાન બંદરે પહોંચે છે. દસ લાખ ચોરસ માઈલ વિસ્તાર અને સિત્તેર લાખની વસ્તી ધરાવતા આ સ્થળના લોકોનો મુખ્ય વેપાર ગુંદર, રૂ અને તલનો છે તથા અહીંથી કેરો અને યુગાન્ડા રેલવે મારફતે જઈ શકાય છે એમ લેખક નોંધે છે. સુદાન બંદરથી કેરો જવા માટે રાતો સમુદ્ર પાર કરવો પડે છે અને આ રસ્તે આગળ સુએઝ નહેર આવે છે. ત્યારબાદ ઇજિપ્તમાં પ્રવેશી શકાય છે.
ઇજિપ્તની મિસર સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેરો એ ઇજિપ્તની ‘પિરામીડ નગરી’ તરીકે ઓળખાય છે. જ્યાં નગરમાં પ્રવેશતાં ચારે બાજુ રેતીના પહાડો અને મરેલા ઊંટના શબ સ્ટીમરમાંથી જોઈ શકાય છે. પિરામીડોની વધુ માહિતી આપતાં કહી શકાય કે ચારસો ફુટના બનેલા આ પિરામીડોના બાંધકામમાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગેલો. આ પિરામીડોની મુલાકાત લેખકે ઊંટની સવારીથી કરેલી એમ તેઓ જણાવે છે. નાઈલ નદીને ઇજિપ્તની કામધેનુ ગણવામાં આવે છે. આમ તો નાઈલ નદીનાં મૂળ યુગાન્ડામાં છે પણ સવિશેષ ફાયદો ઇજિપ્તને થાય છે. નાઈલ નદીના કાંઠે વસેલા આ શહેરના વર્ણન બાદ લેખકે નાઈલ નદીની વિશાળતાનું વર્ણન કર્યું છે. નદીના કાંઠે જગવિખ્યાત સુલતાન હસન મસ્જિદ આવેલી છે જ્યાં મસ્જિદમાં પ્રવેશવા માટે ત્યાંની પ્રણાલી મુજબ ફરજિયાત કપડાંના બનેલા ચંપલનો ઉપયોગ કરવો પડે છે. ઇજિપ્તમાં વિશ્વનું સૌથી વધુ રૂ પેદા થાય છે તેમજ અહીંની સ્ત્રીઓ પુષ્કળ સોનું પહેરે છે એમ લેખક જણાવે છે.
ઇજિપ્તની મુલાકાત બાદ લેખક ઈટાલી પહોંચે છે. જ્યાં નેપલ્સમાં ‘લેટર ઓફ ક્રેડિટ’ની સગવડથી આપણે કોઈ પણ દેશનાં નાણાં મેળવી શકીએ છીએ. તેમજ યુરોપમાં મદદનીશ રહેલી એવી થોમસકુક કંપની વિશે પણ નોંધે છે કે યુરોપની સારી હોટેલોની સગવડો સસ્તા દરે આપતી આ કંપની ખૂબ જ સુલભ છે. ઈટાલીને જ્વાળામુખીનો દેશ કહેવામાં આવે છે. ‘વિસુવિઅસ’ એ ઈટાલીનો પ્રખ્યાત જ્વાળામુખી છે. જેની ઊંચાઈ પાંચ હજાર ફુટની છે તથા તેની ઉપર જવા માટે ઈલે. રેલવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને એટલા માટે જ આ શહેર વિશે કહેવામાં આવે છે કે “ See Napels and Die ”.  આ જ્વાળામુખીની નીચે ‘પોમ્પીઆઈ’ નામનું પ્રાચીન નગર દટાયેલું હતું. જેના ખોદકામથી મળેલી કિંમતી ચીજવસ્તુઓ અને પ્રાચીન પ્રતિમાઓ અહીંના એક સંગ્રહાલયમાં સચવાયેલી જોવા મળે છે.
ઈટાલીના બીજા પ્રખ્યાત શહેર રોમની મુલાકાતને લેખકે વિશેષ રીતે આલેખી છે. રોમની જાહોજલાલીનાં ભવ્ય વારસા સમાન ત્યાંની હોટેલો ઈન્દ્રભવન સમાન ગણી શકાય. ત્યાંનું એક જમાનાનું એમ્ફ્રી થિયેટર કે જેમાં સાઈઠ હજાર પ્રેક્ષકો એકીસાથે પ્રવેશી શકે છે એવી તેની વિશાળતા છે, જે અત્યારે બિસ્માર જર્જરિત હાલતમાં છે એમ લેખક જણાવે છે. આ ઉપરાંત રોમમાં ધર્મગુરૂ પોપના નિવાસસ્થાન એવા ‘વેટીકન મહેલ’ વિશે લેખક વર્ણવે છે. સેંટ પીટર કે જેઓ ઈશુના શિષ્ય હતા તેમનું દેવળ મોટેભાગે સોનાથી બંધાયું છે. જેની દિવાલો પર સ્વર્ગ અને નરકના દેખાવોને કોતરેલા છે એમ લેખક જણાવે છે.
ચેકોસ્લોવેકિયામાં વિશ્વના સહુથી શ્રેષ્ઠ ગણાતા ‘વિન્ડો ગ્લાસ’ ઉત્પન્ન થાય છે. એટલા માટે કે ઊંચી જાતના અને મજબૂત બનાવટના કાચ બનાવવા માટે આ દેશમાં ઘણી સારી રૂપેરી રેતી (સિલ્વર સેડ) ની ખાણો આવેલી છે. વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રો વિશેની લેખકની જાણકારી નવાઈ પમાડે તેવી છે. કાચની ફેક્ટરીથી લઈને લાકડુ અને કાગળ તેમજ રેશમ બનાવટની મીલો સુધીની સૂક્ષ્માતિસૂક્ષ્મ માહિતીનું આ પુસ્તકમાં લેખક અનોખું વર્ણન આપે છે. આમ અનેક અભિગમોથી લેખકે કરેલી ઉદ્યોગો વિશેની માહિતી દ્વારા વાચકો સમક્ષ યુરોપના ઔદ્યોગિક વિશ્વનું એક સુરેખ ચિત્ર ઉપસ્થિત થાય છે. ફ્રાન્સનું રેશમ, મારસેલ્સની ઓઈલ મિલો, લોરેન્સ તથા આલ્સેસના લોખંડના મહાકાય કારખાનાઓ, ઇટાલીનું આર્ટિફિશિયલ સિલ્ક તો ટ્યુરીનનું ‘ફિયાટ’ કારનું જંગી કારખાનું, સ્વિડનમાં દરિયાની છીપોમાંથી બનતાં રમકડાં,ફ્રેમ,બટન આદિ અને સ્વિટ્ઝર્લેન્ડમાં તૈયાર થતું કન્ડેન્સ્ડ મિલ્ક વગેરેની લેખકે જે ઔદ્યોગિક માહિતી પ્રાપ્ત કરી છે તે તેમની વ્યાવસાયિક એકનિષ્ઠતાની સુંદર પ્રતીતિ કરાવી જાય છે.
આજના ટી.વી. યુગમાં જાહેરખબરનો જાદુ આપણે જોઈ રહ્યા છીએ. આમ છતાં, લેખકે ૮૦ વર્ષ પૂર્વે યુરોપમાં જાહેરખબર આપવાની અવનવી પદ્ધતિઓ વિશે જે વાત કરી છે તે આજે પણ હેરત પમાડે તેવી છે. ત્યાંની પ્રજાની વ્યાવસાયિક સ્પર્ધામાં આગળ રહેવાની સભાનતાને કારણે એટલો બધો ખર્ચ થતો કે એ સમયે કંપની વતી ચિત્તાકર્ષક જાહેરખબરો આપવાનો સ્વતંત્ર ધંધો વિકસી ચૂક્યો હતો. વિજ્ઞાપનની રીતોમાં પણ અપાર વૈવિધ્ય અને નાવિન્ય રહેલું હતું. આમ આ પ્રજા વૈજ્ઞાનિક ઉપકરણોનો સહજ ઉપયોગ કરી ટેક્નોલોજી અને બુદ્ધિમત્તાનો સુંદર પરિચય આપી જાય છે.
          ‘યુરોપનો પ્રવાસ’ પુસ્તકમાં લેખકે યુરોપની સાંસ્કૃતિક વિશેષતાઓનું જે રોચક વર્ણન કર્યું છે તેને કારણે પ્રવાસગ્રંથ વધુ આસ્વાદ્ય બન્યો છે. યુરોપનાં ખ્રિસ્તી ધર્મનાં દેવળોનાં સ્થાપત્યો, તેની કલા-કારીગરી તેમજ દેવતાઓનાં વર્ણન દ્વારા ત્યાંના ધર્મસ્થાનોનું દર્શન કરાવ્યું છે. પ્રાચીન રોમના વિખ્યાત ચિત્રકારો માઇકલ એંજેલો અને રાફેલ આદિનાં પ્રાચીન ચિત્રોનું ઝીણવટપૂર્વકના અવલોકનનું વર્ણન લેખકની વિશિષ્ઠ સિદ્ધિ ગણી શકાય. યુરોપીય પ્રવાસના પ્રકૃતિદર્શનની ખોટ તેમને સાલે છે. જેનો બદલો તેઓ ત્યાંના સમાજની પ્રજાના સૂક્ષ્મ નિરીક્ષણથી વાળે છે. એમની એક વિશિષ્ટતાની નોંધ કરતાં લેખક જણાવે છે કે, ‘ અહીંની પ્રજાની પ્રકૃતિ જ એવી છે કે હર કોઇ માર્ગે જીવનનો આનંદ મેળવી લેવો, તેથી ગરીબ કે તવંગર, વૃદ્ધ કે જુવાન સૌ પોતપોતાને ફાવે તેમ જીવનનો આનંદ મેળવી લ્યે છે.’ (પૃષ્ઠ )
ભારતના રૂઢિચુસ્ત સમાજની સ્ત્રીઓની કફોડી હાલતને નજરે જોનાર લેખકે સ્વાભાવિકપણે ત્યાંની સ્ત્રીઓની પરિસ્થિતિઓ વિશે સભાનપણે નોંધ લીધી છે.
‘ સ્ત્રીઓ અને નાની ઉંમરની છોકરીઓ પણ બાઇસીકલો ઉપર લાંબી લાંબી મુસાફરીઓ કરે છે અને દિલમાં કોઇનો ભય રાખતી નથી.’ (પૃષ્ઠ ૧૦)
‘ યુવાન સ્ત્રીઓ ગમે ત્યાં એકલી ફરતી હોય છતાં કોઈની તાકાત નહિ કે તેની સામે કોઈ આંગળી ઊંચી કરી શકે...સ્ત્રીસ્વાતંત્ર્યની સીમા રહી જ નથી. ગમે તેટલી મોટી ઉંમર થતાં સુધી અથવા જિંદગીભર પણ સ્ત્રીઓ કુંવારી રહી શકે છે અને તેમને કોઈ પૂછતું નથી કે કોઈ તેમની ટીકા કરતું નથી.’ (પૃષ્ઠ ૧૧)
યુરોપીય પોલીસસેવાથી લેખક અત્યંત પ્રભાવિત થયા છે અને પ્રવાસવર્ણન દરમિયાન યથાવકાશ તેઓની પ્રશંસનીય સેવાઓનો પરિચય પણ કરાવ્યો છે. દા.ત.., ‘ યુરોપના દેશોની પોલીસ એટલે પ્રજાના સાચા સેવકો, પોલીસખાતાનો નોકર એટલે પ્રૌઢ, અનુભવી અને પરોપકારી માર્ગદર્શક...કંઈ ભૂલ કે ગેરસમજૂતી થઈ હોય તો અતિ નમ્ર શબ્દોમાં માફી માગે અને અત્યંત મીઠાશથી વાતચીત કરે.’ (પૃષ્ઠ ૧૪)
યુરોપની આવી ઉત્તમ પોલીસસેવા નિહાળીને લેખકને સહજપણે આપણા દેશની પોલીસસેવા યાદ આવે છે અને દુ:ખ તથા આક્રોશથી મન ભરાઈ જાય છે. લેખકને યુરોપપ્રવાસમાં ત્યાંના સમાજની અયોગ્યતા અને અતિરેક જ્યાં લાગ્યો છે ત્યાં એ સમાજના કેટલાક સારા અને અનુકરણીય વ્યસન, વિલાસિતા અને અમર્યાદાપણાની તેમણે કડક ટીકા કરી છે. આમ, યુરોપિય પ્રવાસ યુરોપીય પ્રજાનું અને તેની વિશિષ્ટતાઓનું નિરૂપણ અને શિસ્તપ્રિય માનસનું સુંદર ચિત્ર ખડું કરી જાય છે.
‘યુરોપનો પ્રવાસ’ ના વિવિધ પ્રસંગવર્ણનો દ્વારા લેખકના સ્વાભિમાની, સ્વદેશવત્સલ, ઉદ્યોગપરાયણ, ચિંતનશીલ અને ગુણાનુરાગી વ્યક્તિત્વની પ્રતીતિ થાય છે. પ્રસ્તાવનાથી માંડી પુસ્તકના અંતિમ પૃષ્ઠ સુધીમાં અનેક સ્થળે લેખકની દેશપ્રીતિના દર્શન થાય છે. જેમ કે, સ્પેનના બાર્સીલોનાના પ્રદર્શનમાં બ્રિટીશ સરકાર તરફથી ભારતની હાંસી થાય તેવી વસ્તુઓ મૂકાયેલી જોતાં લેખકના હ્રદયમાં રોષ અને દુ:ખની લાગણી જાગી ઊઠે છે. ઉપરાંત લંડનની પાર્લામેન્ટ હાઉસમાં પણ બ્રિટીશ સરકારની અન્યાયી હરકતોથી વિશ્વમાં ભારતને હલકું દર્શાવવાની તક જોઈને લેખક પોતાનો આક્રોશ પ્રગટ કરે છે તે પાર્લામેન્ટ હાઉસનો પરિચય જોવા જેવો છે.
‘યુરોપનો પ્રવાસ’ ના લેખકના નિશ્ચિત પ્રવાસહેતુઓને લક્ષમાં લેતાં પ્રસ્તુત ગ્રંથ દ્વારા યુરોપીય પ્રજાના ઔદ્યોગિક વિકાસ, સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ તથા લેખકના સંવેદનશીલ વ્યક્તિત્વનો જે વિશદ્ પરિચય પ્રાપ્ત થાય છે તે કારણે “યુરોપનો પ્રવાસ” એ તત્કાલીન પ્રવાસગ્રંથોમાં એક સફળ અને યાદગાર કૃતિ બની રહે છે તેમ કહેવાનું અતિશયોક્તિપૂર્ણ નહિ ગણાય.

ડૉ. મનીષ બી. ચૌધરી
અધ્યાપક
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
સમી. જિ. પાટણ
મો. ૯૬૬૨૫૨૭૫૯૭
મેઈલ : mann_chaudhari@yahoo.com

***