દરીયાને પાર બીજો દરીયો...

(સૂરજની પાર દરિયો - વિનેશ અંતાણી, પ્ર.આ-1984, પ્રકાશક- આર.આર.શેઠની કંપની, મુંબઈ, મૂલ્ય રૂ. 22-00)

            

“સૂરજની પાર દરિયો” નવલકથા આશુ અને કોશાનાં ભગ્ન જીવનની કથા છે. રોજનાં એકધારા જીવનમાંથી કંટાળીને થોડા દિવસનો આનંદ મેળવવા માટે કોશા એના પતિ આશુ આગળ ગોવાનો પ્રવાસ માગે છે. અને આ પ્રવાસ કેવો મોઘો પડે છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
શ્રી વિનેશ અંતાણીએ તેમની નવલકથા ‘પ્રિયજન’ની અંદર લગ્નપ્રેમની કહાની સરસ રીતે આલેખી છે. તેનાં મુખપૃષ્ઠ ઉપર તેમને લખ્યું પણ છે કે ‘જીવનને ભરપુર જીવી લીધું હોય, બધુંજ સભર હોય અને જીવનની એક નમતી સાંજે એકાદ ચહેરો ડોકાઈ જાય ત્યારે કઈ ક્ષણ સાચી? કે પછી બંને ? પરંતુ અહીં આ જીવનનાં ભરપુરની શોધ છે. જેવી રીતે ચારુ લગ્ન પહેલા અને લગ્ન પછી જે રીતે અલગ અલગ પરિસ્થિતિમાં આનંદથી જીવી શકે છે તેવી રીતે અહીં કોશા જીવી શકતી નથી. એને શોધે છે થોડા આનંદના દિવસોની આ આનંદએને મળતો નથી. અને જેની પાસેથી મળે છે તે નંદ છે અને નંદ સાથે કોશાનો કયો સંબંધ ? તો એ સંબંધનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. માત્ર બે-ત્રણ દિવસોનો પરિચય એટલો જ સંબંધ.’
કોશાના પંદર વર્ષથી આશુ સાથે સહજીવન (લગ્નજીવન) ગાળે છે. પરંતુ આટલા વર્ષમાં તે માત્ર બે જ વખત આશુની સાથે બહાર ફવા ગઈ છે. પછી તો તેમનાં જીવનમાં રીના આવી અને આખાય ઘરની સાર-સંભાળની કાળજી તેનાં ઉપર આવી ગઈ. આ વખતે થોડા દિવસ પછી રીના સ્કૂલનાં પ્રવાસમાં જવાની છે. બાપુજી દેશમાં જવાના છે અને ત્યારબાદ ઋત્વિજનાં લગ્નની તૈયારીઓ... કોશાને વિચાર આવે છે. આ જે થોડા દિવસનો અત્યારે સમય મળ્યો છે એમાં જો ગોવા ફરી આવીએ તો કેવું સારું ? અને તેનો પ્રસ્તાવ તે આશું આગળ મુકે છે. આશું કમને પણ કોશાના નિર્ણય સાથે સહમત થવું પડે છે. બસ ટીકિટ મેળવી ગોવા જવા રવાના થાય છે. ગોવામાં મહામુસીબતે રૂમ મળે છે. એક દિવસનું સહજીવન ગાળે છે. અને આશુંને મુંબઈ પરત આવવું પડે છે. કારણ કે મુંબઈમાં તેની કંપનામાં લેબર પ્રોબ્લેમ ઊભો થાય છે. ત્યાં ગોવામાં એકલી કોશા રોકાય છે. એક દિવસ સાંજે તેને એક અજાણ્યો પુરૂષ નંદ મળે છે. અને આ નંદ સાથે બે-ત્રણ દિવસ મુક્તપણે ગોવાનાં દરિયા કાંઠે ફરે છે અને આ સફર દરમિયાન કરેલા પાપોની યાદી. આશુ પાછો મુંબઈ આવવાનો છે. ત્યાં કથા પૂરી થાય છે.
કોશા દરરોજની એકધારી જિંદગી જીવતી હોય છે. જમતી વખતે બાપુજીને જમવામાં શું જોઈએ, ઋત્વિજભાઈની સંભાળ, તેમની ટેવો-કુટેવો, આશુનો ખ્યાલ અને રીનાનું હોમવર્કનું ખરું જ. આ બધાથી મુક્ત થવા માટે, થોડું પોતાનું પણ કશુંક જીવન છે. એવું જીવવા માટે કોશા મુંબઈથી ગોવા આવે છે. કોશા કહે છે એક ધારી જીંદગી, આખા ઘરની જવાબદારી અને રીનાનું મોટા થવું – બસ, બીજું કશું જ કરવાનું નહોતું. મને ઘણીવાર વિચાર આવતો, આમને આમ વાળ ધોળા થઈ જશે. દર સિઝનમાં સામયિકોમાં છપાતી જુદાં જુદાં સ્થળોની પ્રવાસ માહિતી હું વાંચતી, પણ બહાર નીકળી શકાતું નહીં. અંગત જિંદગી જેવું કશું જ નહોતું રહ્યું. (પૃ.27,28) એક સુખી ઘરની અંદર કોશા જીવી રહી હતી. આ ઘર કેવું હતું ?તેમાં કોશાની જિંદગી કેવી હતી ? કોશા જ કહે છે: ઘણીવાર મને રાત્રે ઊંઘ ન આવે. આશુ ફેક્ટરીમાંથી થાકીને આવ્યો હોય. નાહી, જમીને સીધો જ પલંગમાં પડે. હું રસોડામાં કામ પતાવી, બાપુજી માટે દૂધનો ગ્લાસ એમનાં કમરામાં મૂકી આવીને પાછી ફરું ત્યારે આશુ ઘસઘસાટ ઊંઘતો હોય. રીના પણ એની છાતી પર માથું મૂકીને ઊંઘી ગઈ હોય. ઋત્વિજભાઈ પિક્ચરમાં ગયા હોય કે પોતાના કમરામાં બેસીને વાંચતા હોય. માત્ર હું જ મારા બેડરૂમમાં એકલી ઊભી હોઉં. આ બધાં જ પોતપોતાનાં સુખને જીવીને થાકી ગયા હોય. એમ ઊંઘી ગયા હોય. માત્ર હું જ એમાં ક્યાંક ન હોઉં. (પૃ.77) કોશા એવી જિંદગી જીવવા ઈચ્છતી હતી કે એમાં એનો સહયોગ હોય. નાના સુખો એને ભાગવવા હતા. આખાય જીવનનો થાક ઉતારવા એ ગોવા જવા ઈચ્છતી હતી. ક્ષણક્ષણનો આનંદ એ ગોવામાં જઈને મેળવવા ઈચ્છતી હતી. પરંતુ આમાનું કશુંજ બનતું નથી. આ આનંદની હેલી શરૂ થાય તે પહેલાં જ આશુંને મુંબઈ પાછા ફરવું પડે છે.  
એક સાંજે દરિયા કિનારે અને ત્યારબાદ હોટલમાં એક અજાણ્યો પુરુષ નંદ કોશાને મળે છે. નંદે કરેલા અનુમાનો સાચા પડે છે. નંદ પણ કેવો છે. જમીનના પેટાળમાં રહેલા ખનીજ તેલને શોધતી કમ્પની ઓ.એન.જી.સી.માં નોકરી કરે છે. જેની શોધ-ખોળ થયા પછી છાપામાં સમાચારો આવે કે અહીં નવું તેલક્ષેત્ર શોધાયું. પરંતુ તેની પાછળ કેટલાં લોકોએ તનતોડ મહેનત કરી છે તેનાં સમાચારો નથી હોતા. નંદ અત્યારે કચ્છમાં રણમાં તેલક્ષેત્રની શોધ કરે છે. અને થોડા દિવસ ગોવામાં ફરવા આવે છે અને કોશા સાથે પરીચય થાય છે. બે-ત્રણ દિવસ ગોવાના જુદાં જુદાં સ્થળોએ ભટકે છે. આનંદ મેળવે છે. નંદનો સ્વભાવ પણ થોડો વિચિત્ર છે. જે ક્રિયાઓ આગળ વધવાની ન હોય તેવા કામો તે વિશેષ કરે છે. અને એટલે જ જ્યારે કોશા પોતાના માટે ગાઉન ખરીદતી હોય છે ત્યારે એ પણ તેના ભાવ-તાલ પૂછે છે. આ ઉપરાંત નંદ એક બીજુ મહત્વનું કામ કરે છે- કોશાના ખાલી જતાં દિવસોને તે સભર બનાવવાનું. જે સુખ એને આશુ પાસેથી મેળવવાનું હતું કોશાને સુખ એને નંદ પાસેથી મેળવવાનું હતું. અને એટલે કોશા એકવાર નંદ આભાર પણ માને છે.
દરિયાની જેમ કોશાના જીવનમાં પણ ભરતી-ઓટ આવે છે. કોશાની વધતી જતી ઉંમર અને ઘટતું જતું સુખ પ્રાણ પ્રશ્ન હતો. એનું લાગતું આ ઓગણચાલીસમું વર્ષ ચાલે છે. કદાચ આગણચાલીસમું વર્ષ દરેક સ્ત્રીની એને પણ લાગ્યું હશે કે જીવનનો મળે તેટલો આનંદ આ વર્ષમાં મેળવી લેવો. ચાલીસ પછી કદાચ એવો આનંદ મળે ન મળે. અને એટલે જ કોશા સાથે ચાલીને આશુ પાસે પોતાનું બીજું હનીમુન માગે છે. કોશા ખુબ ઓછું માગે છે. પોતાની અંગત જિંદગી જેવું એને કશુંય રાખ્યું નથી. માત્ર પહેલી વખત એક થોડાક દિવસનો આ નાનકડો પ્રવાસ માગ્યો. અને આ પ્રવાસે જ એને મુંબઈ-ગોવા જેટલું અંતર એના લગ્ન જીવનમાં ઊભું કરી આપ્યું. કોશાએ કલ્પેલો દરિયો એના જીવનમાં જ ઉછળવા લાગ્યો. એનુ સુખ બિયરનાં ગ્લાસમાંથી ઢોળાઈ જતાં ફિણની જેમ ઢોળાવા લાગ્યું હતું.
આશુ વીસમી સદીની ઔદ્યોગિક કાન્તિમાં જીવતો પુરુષ હતો. રોજ સવારે પોતાની કમ્પનીમાં જવું અને આખો દિવસ દોડધામ કરી થાકીને સાંજે પાછા ફરવું અને ઊંઘી જવું. જે સુખ કોશા માગતી -માગતી હતી. તેવું સુખ આશુનાં વિચારમાં આવતું નહીં. અને અત્યારે પણ એવાં જ સંજોગો ઊભા થાય છે. કોશા હઠ કરીને બેઠી છે અને આ બાજુ કમ્પનીમાં કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા છે. એક બાજુ કમ્પની સંભાળવી કે આ બાજુ પત્નએ માગેલું એનું સુખ આપવું. અન્ય પુરુષની જે આશુ પણ કોશાની હઠ આગળ ઝૂકી જાય છે. અને ગોવાનાં પ્રવાસમાં જોડાય છે. તો આ બાજુ કમ્પનીમાં કામદારોની વચ્ચે ઝઘડા જેવું થઈ જાય છે. અને પોતાની પત્નીને ગોવાના બીચ ઉપર એકલી મૂકીને આશુને મુંબઈ પાછું આવવું પડે છે. અને તેને ધાર્યા હતા તેના કરતાં વધારે દિવસ ત્યાં રોકાવું પડે છે. અને તેને ધાર્ચા હતા તેના કરતાં વધારે દિવસ ત્યાં રોકાવું પડે છે. અને જ્યારે પાછો ગોવા આવવા નિકળે છે ત્યારે એ કોશાનાં જીવનમાંથી ખૂબ દૂર ચાલ્યો ગયો છે.
‘દરિયો’ કોશાનાં લગ્ન જીવનમાં એક મહત્વનું પાત્ર બની રહે છે. જે સુખની કલ્પના સાથે એ દરિયા કિનારે આવી હતી. એમાનું કશું જ સુખ એને મળતું નથી. ઉપરાંત સ્થળ પણ આનંદ માટેનું ગોવા. જ્યાં લોકો નિજાનંદ માટે જતાં હોય છે. પરંતુ આમાનું કશું જ કોશા કરી શકતી નથી. ઓરડાની બંધિચાર વાસની જેમ તે સબળે છે.
કોશા હિમંતવાન પણ છે. જે સુખ નથી મળ્યું, નથી આપતો તો તેની સામે બંડ પણ પોકારે છે. અને એટલે જ જ્યારે ગોવા આવ્યા પછી આશુને પાછુ જવાનું થાય છે. એટલે આશુને કહે છે. તુ જઈ આવ. હું અહીં થોડા દિવસ રહીશ અને તું આવ પછી આપણો ગોવાનાં બીચો જોવા જશું. અને એ કહે છે જો આશુ મને જોઈતું સુખ નહીં આપે તો કામદારોની જેમ કહીશ – હમારી માંગે પૂરી કરો. નોરાની જેમ કોશા પણ છેલ્લે આશુને છોડી દે છે. નંદ સાથે ફરે છે. એટલું જ નહીં જ્યારે બે દિવસની ટૂંકમાં જોડાય છે. ત્યારે બીજા દિવસે તે નંદને ના પાડે છે. અને નંદ પણ તે ટૂર જતો નથી. કોશા સાંજે સામે ચાલીને નંદને ટેક્સી કરી બીચ ઉપર ફરવા લઈ જાય છે. દરિયો અહીં પણ છે. અને દરિયો ‘પ્રિયજન’ માં પણ છે. પ્રિયજનની અંદર ચારુ-નિકેત દરિયાની ભીની રેતીમાં પા-પા પગલી માંડીને રમત રમે છે. શરૂનાં ઝાડ નીચે બેસીને વાતો કરે છે. જ્યારે અહીં દરિયો છે પણ આવા નાના-નાના સુખો નથી. દરિયો છે પણ તેનો છૂસવાટ નથી. અંદરને અંદર ઘૂમરાચા કરતો દરિયો છે.
કોશા દરિયામાં તણાતી નથી. કે પેલી પાર પણ કદાચ જઈ શકતી નથી. સૂરજની આ પારનાં દરિયો તેણે જોયો છે. જેમાં માત્ર પોલા રણની વેરાણતા દેખાય છે. અને સૂરજની પેલી રારનો દરિયો... કદાચ એ ક્યારેય નહીં જોઈ શકે. આશુ સાથેનું જીવન રણની ભૂમિ જેવું છે. અને નંદ સાથેનું જીવન. પણ તે શક્ય નથી. કારણકે હવે આશુ આવે છે. થોડા દિવસ પછી પાછુ મુંબઈ જવું પડશે. અને ત્યાં જઈને બધાનાં સુખોની વચ્ચે તેમની બધાની વચ્ચે તેને વિલિન થઈ જવાનું છે. બંધ ઓરડામાં, બાથરૂમની અંદર નળ નીચે પાણીની સાથે આંસુની અંદર એણે સુખોની વહાવી દેવાના છે.
વિનેશભાઈએ નારીવાદના કશા પણ ઝોક વગર આ કૃતિની રચના કરી છે. કોશા ભારતીય છે. એટલે એની અપેક્ષાઓ પણ સીમિત છે. કોશા કયાંય આક્રોશ વ્યક્ત નથી કરતી. એકલી બધુ જ સહન કરી લે છે. અને ક્યારેક રડીને પોતાના દુઃખ ઓછું કરે છે રીના કહે છે આવી રીતે રડવાથી કોઈ શું ખબર પડે છે કે તને શું જોઈએ છે. પરંતુ કોશા કહે છે. કોને કહું કે મારે શું જોઈએ છે ? આ પ્રશ્ન માત્ર કોશા એકલીનો નથી પરંતુ દરેક સ્ત્રીનો છે. જે વિનેશભાઈએ સૂરજની પાર દરિયો નવલકથામાં કર્યો છે.

દેવજી સોલંકી


000000000

***