સંપાદકીય
એસ્થેટિક ડિસ્ટન્સ (સૌંદર્યમૂલક અંતર)

‘અતિ સર્વત્ર વર્જ્યતે....’ એમ આપણે ત્યાં પરંપરાથી કહેવાયું છે. આ વાક્યને વિસ્તારીએ તો જીવનના તમામ પાસાઓમાં આ સિદ્ધાંત લાગું પડે છે. વાત કરવી છે કલાઓના આસ્વાદમાં એસ્થેટિક ડિસ્ટન્સની.
કલાઓના આસ્વાદ વિશે આપણે ત્યાં જૂદી રીતે ઘણી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. એના ભાગરૂપે જ સર્જકતાને વિશિષ્ટ શક્તિની દેણગી માનવામાં આવી છે તે જ રીતે ભાવનની બાબતને પણ વિશિષ્ટ પ્રતિભા સાથે સાંકળવામાં આવી છે. દરેક માણસ કોઈને કોઈ કલા સાથે મનથી જોડાયેલ હોય છે. એ જ રીતે એની ભાવનની મર્યાદાઓ પણ એટલી જ સઘન રીતે એની સાથે જોડાયેલ હોય છે. વ્યક્તિના જન્મથી માંડી ઉછેર અને એને મળતા વાતાવરણ પર એની ભાવન શક્તિ ખીલવાનો આધાર રહેલો છે. સંગીત અને ખાસ કરીને શાસ્ત્રીય સંગીત સાથે વિવિધ ઘરાનાઓના નામ જોડાયેલા છે. એ દર્શાવે છે કે, એ ઘરાના સાથે સંકળાયેલા વ્યક્તિને જન્મથી જ, અને કદાચ એના રંગસૂત્રોમાં જ વારસો પ્રાપ્ત થયો છે. સાથોસાથ એમ પણ જોઈ શકીએ કે, એ ઘરાના સાથે સંકળાયેલા તમામ બાળકોમાં એ વારસો નથી આવતો- આ હકીકત પ્રતિભાને ઇશ્વરદત્ત કે કશાક અગોચર કારણો સાથે સાંકળી આપે છે. બીજી બાજુ એવું પણ બને કે, તદ્દન જૂદા જ માહૌલમાં ઉછરેલ વ્યક્તિ કલાની દુનીયામાં બહુ માટું નામ બનીને છવાઈ જાય. આ બંને તરફની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ પ્રતિભા વિશે વાત થઈ શકે.
કારયિત્રી શક્તિ જેટલો જ મહિમા ભાવયિત્રી શક્તિનો પણ છે. કેમકે, સર્જક આખરે તો સામે કોઇકની સામે રજૂ થવા માટે છે. જો સામે છેડે કોઈ ભાવક ન હોય તો કલાકારને પ્રોત્સાહન મળતું નથી. એ સતત વિકસી શકે નહીં. માનવજાતે ઉત્કાંતિ દરમિયાન વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને સૌંદર્યાત્મક અભિવ્યક્તિનો એક આખો સંસાર ખડો કર્યો છે.
કલા વિશ્વમાં મુખ્ય ચાર ધરી વ્યાપાર કેન્દ્રમાં રહ્યો છે. 1. કલાકાર (સર્જક), 2. કૃતિ (રચના। સર્જન), 3. ભાવક અને 4. એ કલાનું શાસ્ત્ર.  આ કલાવ્યાપારની પાયાની બાબતો છે. એમાં શાસ્ત્રને ગૌણ ગણીએ તો પણ કલાકાર-કૃતિ અને ભાવકનો ત્રિધરી વ્યાપારના કારણે જ કલાવિશ્વ  અસ્તિત્વમાં છે. આપણે ત્યાં સર્જકને કેન્દ્રમાં રાખીને વિગતે વિચારણા કરવામાં આવી છે, તે જ રીતે વિશ્વભરના માનવસમુદાયોએ વિવિધ રીતે આ શક્તિને સમજવા, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સર્જકને કવિ કહ્યો છે તે વ્યાપક અર્થમાં કહ્યો છે. એનામાં પ્રતિભા હોવી જોઈએ. આ પ્રતિભા એ સંકુલ સંજ્ઞા છે. એ ઇશ્વરદત્ત કહેવાઇ છે તો સાથો-સાથ કુદરતી જ, આકસ્મિક કે રેન્ડમ રીતે પ્રાપ્ત થયેલી શક્તિ તરીકે પણ ઓળખાવાઈ છે. એ સમજવાના ગણીત હંમેશા ટાંચા પડ્યા છે. મીરા નરસિંહથી માંડી કબીર કે અખાએ ઔપચારિક એવું કોઈ શિક્ષણ ન લીધું હોવા છતાં એમની સર્જકતાએ ચકીત કર્યા છે. પન્નાલાલ પટેલ પણ એક મોટું અને નજીકનું દૃષ્ટાંત બની શકે. પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ આ લેખકે જે માત્રામાં અને જે ગુણવત્તાસભર સર્જન કર્યું છે એ દર્શાવે છે કે પ્રતિભા વારસાગત નથી, એના માટે વિશિષ્ટ એવો ઉછેર પણ જવાબદાર નથી- આ ચર્ચાનો સાર એટલો જ કે પ્રતિભાને સમજવી આસાન નથી. તેમ છતાં એ હકીકત છે કે, માનવમાં આ વિશિષ્ટ શક્તિનો સતત આવિષ્કાર થતો રહ્યો છે. એ પ્રતિભાના બળે સૌને આલોકિત કરવાની પ્રવૃત્તિ સદીઓથી થતી રહી છે. આવું માત્ર કલાના ક્ષેત્રમાં જ નહીં, જીવનવ્યવહારના તમામ ક્ષેત્રમાં નવ સર્જન કે નવપ્રસ્થાન કરનારાં મનુષ્યોએ પોતાની વિરલ પ્રતિભાઓ દર્શાવી આપી છે.
વ્યુત્પત્તિ- આ બાબત પ્રતિભા ધરાવનારાં સર્જક માટે મહત્વની અને મોટાભાગે સમાજસરજીત છે. પરંપરાનું સેવન, ગ્રંથોનું વાચન, જે ક્ષેત્રમાં એની પ્રતિભા સક્રિય છે એ ક્ષેત્ર સાથેનું સર્જકનું જોડાણ, એમાંથી પ્રાપ્ત થતું અનુભવજ્ઞાન, જીવન-વ્યવહારના વૈવિધ્યોનો પરીચય, પૂર્વસૂરિઓના કાર્યોનો પરિચય અને એનું સેવન સર્જકની પ્રતિભાને દિશા અને ઉત્તમ દશા આપે છે. આગળ પન્નાલાલ પટેલનું દૃષ્ટાંત લીધું તેને જ આગળ ધપાવીએ તો પન્નાલાલમાં લખવાની આવડત હોવાનો એમને પોતાને ખ્યાલ આવ્યો પછી એ જો ઉમાશંકર જોશી કે અન્ય લેખક સાથે સંપર્કમાં ન આવ્યા હોત, કે પછી એમણે રામાયણ, મહાભારતથી માંડી વિશાળ વાંચન શરુ ન કર્યું હોત તો એમની પ્રતિભા યોગ્ય દિશા પામી શકી ન હોત. એમની પાસે પોતાના સંસ્કાર, પછી આસપાસના પરિવેશનુ નિરીશક્ષણ, અનુભવોનું ભાથુ, ઇશાનીયો મૂલક આખો તો એમના ચિત્તમાં હતો પણ એને કઇ રીતે આલેખી શકાય તે માટેનું માર્ગદર્શન એમણે સાહિત્યવાચનથી મેળવ્યું હતું. એટલે એ પુનરાવર્તનોના બદલે નવું પ્રદાન કરી શક્યા. બીજી બાજુ પરંપરા સાથેનું સન્ધાન એ માટે પણ જરૂરી બને છે કે, મારે શું કરવું જોઈએ ? શું થઈ ગયું છે ? શું કરવાથી કશુંક નવું આપી શકાય...? - આ બાબતોની જાણકારી પણ વ્યાપક વાચન અને પરંપરાના સેવનથી આવે છે. અન્યથા અનેક સર્જકો વ્યુત્પત્તિના અભાવે સિમિત દાયરામાં ચમકારા દાખવીને બેસી રહ્યાં હોય તેવું બન્યું છે. સર્જકમાં જેટલો વધું વ્યાપ, વિસ્તરણ થવાની શક્તિ એટલી વધું શક્યતા ખુલતી હોય છે. ઉમાશંકર જોશીનો વ્યાપ વધુ માત્રામાં ફેલાયેલો હોવાથી તેમની સર્જક પ્રતિભા વધારે વ્યાપમાં વિસ્તરેલી જોઈ શકાય છે. એ પન્નાલાલમાં એટલી વિસ્તરી નથી.
અભ્યાસ- સર્જક એક કૃતિની રચના કરે પછી બેસી જાય તો શ્રેષ્ઠ અર્પણ કરી શકે નહીં. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર દ્વારા ગુજરાતી નવલકથાને બહુ મોટા અર્થમાં વિસ્તારી આપી પણ પછીથી એમણે એ દિશામાં સક્રિયતા દાખવી નહીં. કદાચ, તેઓ વધારે સારી રચના આપી શક્યા હોત એવું પણ બનેત. કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસનું મહત્વ બહુ છે. ગાયકો રોજે રિયાઝ કરે છે ત્યાર પછી જ ઉત્તમ કૃતિ આપી શકે છે, રમતવીર રોજે રોજ વ્યાયામ કરે તો જ ઉત્તમ પરિણામ આપી શકે, એ જ રીતે લેખક પણ સતત લખતો રહે, અભ્યાસ કરતો રહે તો વિશિષ્ટ સર્જન જન્મવાની શક્યતા ઊભી થતી હોય છે. પ્રતિભા હોય, વ્યુત્પત્તિથી ભરપૂર એવા સર્જકો પણ જો અભ્યાસ છોડી દે તો એની પાસેથી ભવ્ય કૃતિ સાંપડી ન શકે.  આ ત્રણેયનો સરસ સુયોગ દ્વારા ભવ્ય સર્જનો અસ્તિત્વમાં આવ્યાં છે.
આટલી ભૂમિકા બાંધ્યા પછી આપણે મૂળ વાત પર કેન્દ્રિત થઇએ. જેમ સર્જક માટે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની જરૂર છે તે જ રીતે ભાવક માટે પણ વિશિષ્ટ એવી પ્રતિભા-ભાવયિત્રી પ્રતિભાની જરૂર રહે છે. જગતની ઉત્તમ રચનાઓની રસાનુભૂતિ દરેક માટે સહજ હોતી નથી. વળી, આસ્વાદની માત્રા તો ભાગ્યે જ સરખી હોય છે. એકની એક રચના એક માટે ભવ્ય આનંદ આપનારી હોય છે તો બીજા માટે સન્નિષ્ઠ પ્રયત્નો પછી પણ એટલી આસ્વાદ્ય બનતી નથી- એવું વ્યવહારમાં અનેકવાર સાંભળ્યું છે. આ બાબત દર્શાવે છે કે ભાવન માટે પણ વિશિષ્ટ એવી સજ્જતાની આવશ્યકતા રહેલી છે. સીધી સાદી વાત જોઈએ તો સાહિત્યકલાના વાચન માટે પહેલા તો માણસ સાક્ષર હોવો જરૂરી બને છે. ઓરલ ટ્રેડિશન (મૌખિક પરંપરા)માં પણ જો એની પાસે વ્યાપક શબ્દભંડોળ ન હોય તો લગ્ન કે કોઈ ધાર્મિક પ્રસંગે સંસ્કૃત શ્લોકના ગાન કરતાં પુરોહિતના મુખેથી સાંભળતા અનેક લોકો કંઇ જ સમજતા નથી તેવા હાલ ત્યારે પણ એ પરંપરામાં થતા હતા. જે ભાષામાં રચાયેલ સાહિત્યનું સેવન કરવું હોય તે ભાષાની જાણકારી એ એના ભાવકની પ્રથમ શરત બને છે. એ જ રીતે ઉચ્ચ કોટિના શાસ્ત્રીય ગાયકના ગાનને ન સમજનારાઓનો વર્ગ નાનો નથી હોતો. સામે લોકસાહિત્ય ભલે લોકોથી લોકો વડે સર્જાયું હોય તો પણ જે તે લોકપરંપરાનો જેને ખ્યાલ નથી એવો ભાવક એ લોકસાહિત્યનો આસ્વાદ લઇ શકતો નથી- આમ, ભાવન પ્રક્રિયાના આરંભે જ સર્જક અને ભાવક વચ્ચે એક અલિખિત દસ્તાવેજ થતાં હોય છે-સંક્રમણના.
એવા અનેક લોકો પણ મળી આવતા હોય છે જે કોઈ જ કલાનો આસ્વાદ લઇ શકતા નથી. એમને એ માટેની રૂચિ નથી. સમયનો વ્યય કરતા હોય તેવી અનુભૂતિ એમને થતી હોય છે. ખરેખર તો એમનામાં રહેલી પ્રતિભા કલાના ક્ષેત્ર માટે નકામી છે. શક્ય છે કે એને વ્યવસાયો કે જીવનના અન્ય ક્ષેત્રમાં રસ પડતો હોય. આમ, કલાને માણવા માટે પણ ખાસ પ્રકારની માનસિકતા, ખાસ પ્રકારની સજ્જતા આવશ્યક છે. ચિત્રકલાને માણવા આંખ હોવી આવશ્યક છે. એ જ રીતે સંગીત માણવા માટે શ્રવણેન્દ્રિય આવશ્યક છે. નાટક કે ફિલ્મને માણવા માટે આંખ-કાન ન હોય તો એવા વ્યક્તિ માટે એ કલાનો આસ્વાદ શક્ય નથી. આ થઇ ભાવનની પ્રાથમિક શરત.
વધુ સજ્જતાની વાત એ પછી આવે છે. ખાસ કરીને ચૈતસિક સજ્જતા અનિવાર્ય છે. કોઈપણ કલાના આસ્વાદ માટે મનથી તૈયાર થવું પડે છે. મન વિના માળવે પણ ન જઈ શકાતું હોય ત્યાં પરમ આનંદ આપનાર કલાકૃતિના ગર્ભ સુધી પહોંચીને અલૌકિક ગણાવાયેલ બ્રહ્મસહોદર આનંદ સુધી પહોંચવું તો ક્યાંથી સરળ હોય ?
કોઈપણ સાહિત્યકૃતિના વાચન માટેની પ્રાથમિક સજ્જતા હોય પણ જો વાંચવા માટેનો મૂડ ન હોય, ઉચિત સમય અને પરિવેશ ન હોય તો પણ એ રચના તમારા માટે આનંદ આપનારી ન નીવડે તેવું બને. કોઈ જાહેર સ્થળે, ભીડમાં, ખુબ અવાજોની વચ્ચે કે સારા-ખરાબ પ્રસંગોએ દરેક માણસ કલાઆસ્વાદ લઇ શકે નહીં. હા, એમાં અપવાદરૂપ હોઈ શકે. કેટલાક એવી વ્યક્તિઓ પણ સંપર્કમાં આવી હશે જે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરીને વાંચી શકતા હોય. પણ સામાન્ય રીતે માત્ર  આનંદ લેવા આસ્વાદ લેવા માટે વાંચવું આવી વિપરિત સ્થિતિમાં શક્ય બનતું નથી. તો આ પ્રકારની સ્થિતિમાંથી દૂર રહીને જ કલાકૃતિ સાથે તમે મુકાઇ શકો છો.

  1. આપણે એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે કોઈ નવલકથા વાંચતી વેળાએ, કથા સાંભળતી વેળાએ કે પછી ફિલ્મ જોતી વેળાએ કોઈ કરુણ પ્રસંગ જોઈ, વાંચી કે સાંભળીને રડી પડતા હોય છે. એક રીતે એની સંવેદનશીલતા પર માન ઉપજે છે પણ ખરેખર જોવા જઇએ તો એ કલાસ્વાદ લેવામાં નબળો વાચક કે ભાવક પૂરવાર થયો છે. કેમકે, કલાકૃતિ સાથે એણે ખાસ પ્રકારની બિનંગતતા કેળવી નથી. જેમ સર્જક લખતી વખતે સાધારણીકરણ કરે છે, અંગત વાતને બિનંગત રીતે રજૂ કરે છે તે જ રીતે ભાવક પાસે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી છે. કૃતિવિશ્વ સાથે ચિત્ત જોડાવું જરૂર જોઈએ પણ ખાસ પ્રકારનું અંતર બનાવી ન રાખીએ તો બળાત્કારના પ્રસંગોએ તમારો ક્રોધ એ બળાત્કારી ઉપર જન્મી આવશે ને રસવિઘ્ન સર્જાશે. નાયક દુઃખમાં હોય ત્યારે રડી પડાય કે વધુ પડતા આત્મીય જોડાણથી બેભાન પણ થઇ જવાય..., એ જ રીતે આનંદના પ્રસંગો વખતે બધું મુકીને નાચવા-કૂદવાએ ચડી જઈએ તો પણ ભાવનમાં વિઘ્ન આવે છે. આમ થશે તો કલાકૃતિનો આસ્વાદ લેવાનું બાજુમાં રહી જશે. આ સાચું ભાવન નથી.  ખાસ પ્રકારનું અંતર જાળવીને જ આસ્વાદ લેવો જોઈએ. આ ખાસ પ્રકારનું અંતર વધુને વધુ સમૃદ્ધ ભાવક થવાથી આપોઆપ રચાતું હોય છે. એના કોઈ સમીકરણ આપી શકાય નહીં.

  2. આપણે ત્યાં અભિનવ ગુપ્તે એમના ગ્રંથમાં ચિત્રતુરગ ન્યાય- દ્વારા આ વાતને વધારે સ્પષ્ટ રીતે સમજાવી છે. ચિત્રમાં દોરાયેલા ઘોડાને ઘોડો જ કહીએ છીએ પણ આપણાં ચિત્તમાં ત્યારેય એ સમજ પડેલી છે કે  આ ઘોડો સવારી કરવા માટે કામનો નથી, વળી એ ઘોડાની સામે ગમે તેટલું મજાનું ઘાસ નાંખીશુ તો પણ એ ખાઇ શકવાનો નથી. એ ખરેખર તો ઘોડાપણું ધરાવતો જ નથી. છતાં એ ઘોડો છે એનો નકાર નહીં કરી શકીએ. આવી વિશિષ્ટ પરિસ્થિતિ કલાના વિશ્વમાં કેન્દ્ર સ્થાને છે. સુમન શાહે હેતુ વિહિન હેતુતા-ની ચર્ચા કરતી વખતે સરસ રીતે આ વાતને સ્પષ્ટ કરી છે. વિગતે જોઈએ....

  3. કલાકાર ખરેખર કઇ રીતે ભૌતિક કે એના ચૈતસિક જગતને કલાના વિશ્વમાં ફેરવી નાંખે છે એની વાત કરતી વખતે સુમનભાઈ કહે છે કે, કલાકાર ખરેખર તો એના ઉપાદન સાથે એવી કરામત કરે છે કે મૂળ હેતુનો છેદ ઊડી જાય અને નવો જ હેતુ નિર્માણ પામે. એમણે જ આપેલા ઉદાહરણથી સમજીએ. આરસ પથ્થરમાંથી બનાવેલી હોડી આપણે ઘરના શો-કેશમાં રાખતા હોઇએ છીએ કલાકૃતિ તરીકે. એ હોડી ખરેખર હોડી રહી નથી. કેમકે, એ પાણીમાં તરી શકે નહીં. એ આકારનું અનુકરણ હોવા છતાં એમાંથી મૂળ હેતુનો છેદ ઉડાડી દેવાયો છે. હવે એ આસરનો પથરો છે એવું પણ કોઈ એને નહીં કહે કેમકે, એ હવે હોડી છે.

  4. સુઘરીનો માળો કુદરતી રીતે જ ગોઠવાયેલો હોય ત્યાં સુધી એ સુઘરીનું ઘર છે.  પણ એને કોઈ ઇન્ટિરિયર ડિઝાઈન કરનારા કલાકાર દ્વારા ઘરમાં એવી જગ્યાએ ટીંગાડી દે ત્યારે ઘરમાં એ કલાત્મક કૃતિરૂપે છે. પણ એનો મૂળ હેતુ સુઘરીનું ઘર- એ ત્યાં મરી પરવારે છે. પછી એમાં સુઘરી ઇંડા નહીં મુકી શકે. આપણે પણ એને એ રૂપે નહીં જોઈ શકીએ. – આ વાતને સમજવાથી કલાકૃતિના ભાવનમાં કયા પ્રકારની ચૈતસિક સજ્જતા કેળવવાની છે એ સ્પષ્ટ થાય તેમ છે.

  5. કલાકાર ખરેખર એના માધ્યમ સાથે શું કરે છે એ સમજવાથી ભાવકની સજ્જતા કેળવાય છે. આપણે સ્થાપત્યની વાત કરીએ તો મંદિરો, તાજમહાલ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એફિલ ટાવર હોય કે કોઈપણ ઉચ્ચ સ્થાપત્યકલાનો નમૂનો હોય તો એમાં એના સ્થપતિ દ્વારા પહેલા તો ઘર- નો જે કન્સેપ્ટ છે, એમાં વસવાટ કરી શકાય તેનો છેદ ઉડાડી દે છે. તાજમહાલ ગમે તેટલો સુન્દર હોય તો પણ તેનો ઉદ્દેશ એમાં નિવાસ કરવાનો નથી રહેતો. મંદિરો પણ. ભલે આકસ્મિક સંજોગોમાં એને એ રીતે ઉપયોગમાં લઇએ પણ મૂળે તો એ વસવા માટે નહીં, આનંદ માટે છે. એ અન્ય નિવાસોથી અલગ છે. એનો મૂળ હેતુ ગૌણ બનીને વિશિષ્ટ હેતુને સિદ્ધ કરે છે એટલે એ કલાકૃતિ તરીકે ખ્યાત છે. આપણને એ વિશિષ્ટ આનંદાનુભૂતિ કરાવે છે.

  6. ફિલ્મી હિરો કે નવલકથાનો નાયક આપણા જનસમુહની જ ભાષા બોલતો હોવા છતાં ખરેખર જોઈએ તો જનસમુહની રીતે બોલતો નથી. કેટલાય ડાયલોગ આજે અવિસ્મરણીય બની રહ્યાં છે કેમકે, રોજિંદા જીવનથી કંઈક જૂદી રીતે, જૂદી અને વિશિષ્ટ એવી ભાવસ્થિતીમાં વિશિષ્ટ એવા સંયોજનના ભાગરૂપે એ પ્રયોજાયા છે- ભાષામાંથી કલાકૃતિનું નિર્માણ એ રીતે સામાન્ય હેતુથી પર ઉઠીને વિશિષ્ટ હેતુને સર્જી રહે છે.  ભાષાના સામાન્ય વ્યવહારના ઉપયોગથી જૂદી પડતી ભાષા ખપમાં ન લેવાય તો ક્યારેય ઉત્તમ કલાકૃતિ સર્જી ન શકાય એવું મહાભારતથી માંડીને વર્તમાન કોઈપણ ઉત્તમ કૃતિને જોવાથી સમજી શકાય તેમ છે.

  7. શરીરમાંથી નીકળતો ઉત્શ્વાસનો મૂળ હેતુ પૂરો પડી ગયો છે. એનો વાંસળી વાદક વિશિષ્ટ હેતુ પૂર્વક અને વિશિષ્ટ રીતે નિયંત્રિત કરીને ઉપયોગ કરે છે ને સાવ વિરલ કહી શકાય એવી ધ્વનિસૃષ્ટિ રચી આપે છે... !  એમાંથી સંગીતની ઉત્તમ કૃતિઓ સર્જાઇ છે. સાથો સાથ ખર્ચાતો સમય, અને સ્પેશ પણ ભાવનમાં અનિવાર્ય હિસ્સો બનીને આવે છે. યંત્રો દ્વારા એને ફાસ્ટફોર્વડ કરીને સાંભળવાથી કે સ્લો કરીને સાંભળવાથી આ ઉદાહરણને સાચા અર્થમાં સમજી શકાય છે. કલાકૃતિ તમારા ચિત્ત સાથે વિશિષ્ટ રીતે કાર્યરીત થાય છે. પછી તે કોઈપણ કલાની કેમ ન હોય. એ તમારી સાથે આગવો અલિખિત કોન્ટ્રાક્ટ કરે છે. પછી જ એ તમને એના વિશ્વમાં પ્રવેશ આપે છે. આ કોન્ટ્રાક્ટની ભાષા સમજવી અત્યંત જરૂરી છે.

   આસ્વાદ માટેની આ શરતો વિશે હજી પણ વાત થઈ શકે, પણ કોઈ ચોક્કસ પેરામિટર આપી શકાય તેમ નથી. છતાં અમૂર્ત એવી આ બાબત જાણવી જરૂરી છે. અસ્તુ. 
આ વિશે અભિપ્રાય, ઉમેરા, સૂચનો અને ઉહાપોહ માટે આમંત્રણ છે.

ડૉ. નરેશ શુક્લ
(મુખ્ય સંપાદક)

000000000

***