અબ્દુલ્લા હુસૈન અને એમની કાળજયી નવલકથા 'ઉદાસ નસ્લેં'


૪ જુલાઈ ૨૦૧૫ના દિવસે લાહોરમાં લોહીના કેન્સર સામેની લડાઈ હારીને અંતિમ શ્વાસ લેનાર અબ્દુલ્લા હુસૈન, મંટો કે ઈંતિઝાર હુસૈનની જેમ ભારત છોડીને પાકિસ્તાન જનારા લેખક ના હતા.૧૪-૦૮-૧૯૩૧ ના રોજ ગુજરાત પ્રાંતમાં, જન્મનાર હુસૈન, જન્મે હિંદુસ્તાની હતા. પછીથી ભૂગોળમાં દોરાયેલી રેખાએ એમને રાતોરાત પાકિસ્તાની બનાવી દીધેલ. જિંદગીનાં ૪૦ વર્ષ ઈંગ્લેન્ડમાં ગાળનારા અબ્દુલ્લા હુસૈને આમ તો ચાર વાર્તાસંગ્ર્હ, ત્રણેક નવલકથા ને બીજું પણ ઘણુ લખ્યું છે. પણ એમનો સર્જકયશ એમની સર્વકાલીન મહાન ગણાતી નવલકથા 'ઉદાસ નસ્લેં ' પર જ અવલંબિત રહ્યો. આમ તો ભારતના ભાગલા વિશે અનેક વર્તા- નવલકથા, ફિલ્મ, નટકનું સર્જન થયું છે. પણ સમગ્ર ભારતીય ઉપખંડમાં કુર્તલૈન હૈદરની નવલકથા 'આગના દરિયા' અને અબ્દુલ્લા હુસૈનની ' ઉદસ નસ્લેં' ની તોલે આવે એવી એકપણ કૃતિ નથી સર્જાઈ… બૃહાદ કાળખંડને ઊંડળમાં લેતી આ બંને નવલકથાઓ મહાકાવ્યની બરાબરી કરી શકે એવું સત્વ ધરાવે છે. આ લેખકની વિદાય પ્રસંગે એમની યાશોદાયી કૃતિ ' ઉદાસ નસ્લેં' વિશે જરાક વાત વહેંચવાની ઈચ્છા થાય છે. એક વિચિત્ર અજંપા અને વિષાદનો અનુભવ કરાવતી આ નવલકથામાં જાનપદી પરિવેશ, વિશ્વયુધનું પ્રતીકારક વર્તન, ભાંગતા ગામડાં અને વિકસતી નગરસંસ્કૃતિ તથા યંત્રસંસ્કૃતિ, ભાગલાની વિભાષિકા આ સઘળું આલેખયું છે છતાં નવલકથાની કલાત્મક્તા જોખમાઈ નથી.આવાં દષ્ટાંત ભારતીય કે વિશ્વ સાહિત્યમાં બહુ ઓછાં મળે છે.

ઉર્દૂ સાહિત્ય જગતમાં અબ્દુલ્લા હુસૈનનું નામ સાવ અજાણ્યું હતું. પણ ૧૯૬૩માં એમની બૃહદ નવલકથા 'ઉદાસ નસ્લેં' પ્રકાશિત થતાંની સાથે ઉર્દૂ સાહિત્ય જગતમાં ખળભળાટ મચી ગયેલો. માત્ર ૩૨ વર્ષની વયે પકિસ્તનનો સર્વોસર્વોચ્ચ પુરસ્કાર આદમજી એવોર્ડ જીતેલી આ કુતિએ એના સર્જકને અમર બનાવી દીધા. ધારો કે હુસૈન ' ઉદાસ નસ્લેં ' પછી કશુંય ના લખ્યું હોય તો પણ આ એક જ નવલકથાથી એઓ સાહિત્યપ્રેમીઓના હૈયામાં કાયમી જીવતા રહ્યા હોત.

સિમેન્ટ ફેકટરીમાં કેમિસ્ટની નોકરી કરતા હુસૈને ભયાનક કંટાળીને દૂર કરવા લખવાનું શરૂ કરેલું. પણ એમની કલમે જે નીપજ્યું તે આધુનિક ભારતનો ઈતિહાસ હતો. એક એવો ઈતિહાસ જે એક આખી પેઢીની વ્યથાને રજૂ કરે છે. 'The Weary Generations' શીર્ષકથી હુસૈન દ્વારા જ અંગ્રેજીમાં અનુવાદિત થયેલી ' ઉદાસ નસ્લેં ' માં ભારતીય ઉપમહાદ્વીપના પરંપરાગત સમાજનું આધુનિક સમાજમાં રૂપાંતરણ થવાની મથામણ નિરૂપાઈ છે. વિશાળ સમયપટ પર વિસ્તરેલી આ નવલકથા ત્રણ યુગોના દસ્તાવેજ સમી કૃતિ છે. પ્રથમ ખંડમાં અંગ્રેજી સામ્રાજ્યનો યુગ છે. બીજા ખંડમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેના સંધર્ષનો કાળ અને ત્રીજામાં ભારતના ભાગલા પછીની કત્લેઆમ ને પ્રજાઓના વિસ્થાપનની વાત છે.

બદલાતા જતા સામાજિક, રાજકીય ચિત્રની સમાંતરે બદલાતા જતા વિચારોનું, મૂલ્યોના જગતનું અહીં આલેખન થયું છે. ૧૯૧૩થી ૧૯૪૭ સુધીના હિન્દુસ્તાનના રાજકીય, સાંસ્કૃતિક ઉતારચઢાવ સાથે પ્રજાની બદલાતી જતી માનસિકતા આલેખાઈ છે. ભારતનો અર્ધી સદીનો ઈતિહાસ એના બધા જ રંગો સાથે આ કૃતિમં રજૂ થયો છે. ગોપાલકૃષ્ણ ગોખલે, એની બેસન્ટ, જિન્નાહ, ડો. ઈકબાલ, મૌલાના શૌકતઅલી જેવા નેતાઓ કૃતિનાં પાત્રો સાથે ફરતા, વાતો કરતા બતાવાયા છે. જલિયાંવાલા બાગ હત્યાંકાડ, પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન તથા સાયમન કમિશનનો વિરોધ જેવી ધટ્નાઓ મુખ્ય પાત્રોની સંડોવણી દ્વારા પ્રતીતિકાર લાગે તે રીતે આલેખાઈ છે. ' બ્રીટિશ ઈન્ડિય', 'હિંદુસ્તાન', બંટવારા' અને 'ઉપસંહાર' એમ ચાર ખંડમાં વહેંચાયેલી આ મહાનવલને મુખ્ય પાત્ર નઈમ દ્વારા સળંગ સૂત્રે ગૂંથવામાં આવી છે. ભારતના ભાગલાને વારંવાર નકારતો નઈમ, ' હું દરાર દિલ્હી નહીં છોડું' કહેતા રોશન આગા અને બીજા લાખો લોકો કેમ પાકિસ્તાન જનાર કાફલામાં જોડાઈ ગયા ? આ 'કેમ' પાછળનાં કારણો અને કોઈ મંજિલ વગર્ની સફરની અનાઅર્થકતા વ્યથિત કરી દે એ રીતે અહીં આલેખાઈ છે. માણસની વેદનાની આ મહાગાથા છે જેનુ નામ ૧૯૪૭ સુધી હિંદુસ્તાન હતું. આ મહાગાથામાં હિન્દુસ્તાનની ધરતીની મીઠી સુગંધ છે તો સાથે સાથે બે ટુકડામાં વહેચઈ જનારા લિકોની વેદના અને આક્રોશ પણ છે. હજારો વર્ષથી એકમેક સાથે હળીમળીને જીવનારા હિન્દુમુસ્લિમના નામે આ ઉપમહાદ્વીપમાં રાજનેતાઓએ હંમેશા સ્વાર્થની રાજનીતિ જ ખેલી છે. આ પ્રાચીન રાષ્ટ્રને ધર્મના નામે બે ટુકડામાં વહેંચી દેનારા ધટનાક્રમને કેન્દ્રમાં રાખતી આ નવલકથામાં સામાજિક, આર્થિક,રાજકીય, નૈતિક મૂલ્યોના બદલાવા સાથે બદલાતા યુગપરિવર્તનનું ચિત્ર આલેખાયું છે.પત્રોના અનુભવો, ચર્ચાઓ દ્વારા જીવનના પાયાની ફિલસૂફીની ચર્ચા થઈ છે. આ બધું નવલકથામાં તાણા-વાણાની જેમ ગૂંથાઈને આવે છે એટલે કથારસ કશે અવરોધાતો નથી.

અનેક પાત્રો હોવા છતાં લેખકે પાત્રોને એવો તો ન્યાય આપ્યો છે કે જરાક વાર માટે આવેલાં પાત્રો પણ સમગ્ર કૃતિ પર અને આપણા ચિત્ત પર ઓથારની જેમ તોળાઈ રહે છે. ખેડૂતો , મજૂરો , સૈનિકો, ક્રાન્તિકારીઓ, નેતાઓ, નવાબો, સત્યાગ્રહીઓ, જમીનદારો, અફસરો, ગામડાં, શહેર, જેલ, કારખાનાં, હુલ્લ્ડ, અનિ હિજરત... માણસજાતની આદિમ ઈચ્છાઓ સાથે સંધર્ષમાં ઊતરતાં એનાં સપનઓ, એનો પ્રેમ અને નફરત, એની સરળતા અને સંકુલતા, સંબંધોની જટિલતા અને એમાંથી પેદા થતી નિર્ભ્રાન્તિ... આ સઘળું આલેખવામાં લેખકને ભાષાનો પનો કશે ટૂંકો નથી પડ્યો. લેખકને વાર્તા કહેવાની જબરી ફાવટ છે. એના કારણે એ આપણને કથારસના ધસમસતા પ્રવાહમાં ઈચ્છે ત્યાં ફંગોળી શકે છે.

મુખ્ય પાત્ર નઈમના ગામ નિમિત્તે લેખકે કરેલા વર્ણનમાં ભરતનું ગામડું એની સોળે કળાએ ખીલી ઊઠયું છે. જે કોઈને પણ જાનપદી કૃતિનો ઉત્ત્મ નમૂનો જોવો હોય તેમણે પન્નાલાલ પટેલની ' માનવીની ભવાઈ' , ફણીશ્વરનાથ રેણુની 'મૈલા આંચલ', રાહી માસૂમ રઝાની 'આધા ગાંવ'ની સાથે 'ઉદાસ નસ્લેં' નો પ્રથમ ખંડ પણ અવશ્ય વાંચવો પડે. હિંદુ-મુસ્લિમ-શીખની વસતિવાળા રોશનપૂર ગામના લોકોની રહેણી- કરણી, ભાષા, પહેરવેશ, ઉત્સવો, ગીતો, આનંદ વ્યક્ત કરવાની રીતો... બધું એક્સરખું જ હતું, ક્યાંક કશો કા જુદારો નો' તો. દાંડી સત્યાગ્રહ વખતે બધા ભેગા થઈને મીઠું પકવવા બેઠા હતા. જેમની સમસ્યાઓ સરખી હતી, સુખ-દુ:ખ સરખાં હતાં, જેમને ખેતી અને ખેતર સિવાયના જગતની ખબર જ ન હતી એવી પ્રજને બે ટુકડામાં વહેંચી શકનારા સાંપ્રદાયિક વિષની તાકાત કેટલી તો પ્રચંડ હશે એ વિચારવા આવી કૃતિઓ મજબૂર કરે છે.

બીજા વિશ્વયુદ્વમાં નઈમ અને બીજા યુવાનોની પરાણે કરાયેલી ભર્તીને કારણે આપણને યુદ્વની ભયાનકતા અને નિરર્થકતા બંનેના સમાંતરે દર્શન થાય છે. બન્ને બાજુ લડનારા ખેડૂતો છે. બંનેને યુદ્વનાં કારણો વિશે કશી નથી ખબર ! યુદ્વનું અહીં થયેલ વર્ણન , યુવાનની નિર્ભ્રાંન્ત અવસ્થા,હતાશા અન્ય કોઈ ભરતીય કૃતિમાં આલેખાયાં હશે કે કેમ એ પ્રશ્ન જ છે. બીજો ખંડ 'હિન્દુસ્તાન' કૃતિનો સૌથી લાંબો ખંડ છે. થોડા વખત માટે હિંસક ક્રાંતિકારીઓ સાથે જોડાતો નઈમ બહુ જલદી નિર્ભ્રાન્ત થઈ જાય છે. એ એના ક્રાંતિકારી સાથીઓને મોઢા પર કહે છે : ' અક રેલગાડી ઉડાને સે તુમ ક્યા કર લોગે ? આઝાદી કે લિયે રેલગાડિયોં સે નહીં, ઉનમેં સફર કરનેવાલે લાખોં લોગો સે સંપર્ક કરને કી ઝરૂરત હૈ...' (૧૪૭) નઈમ-અઝરા, અલી-આયેશા,નમ્મી-ખાલિદ, નમ્મી-મસઉદ... આ બધા નિમિત્તે લેખકે સંબંધોની નજાકત અને સંકુલતા બંને આલેખ્યાં છે. પ્રજાના અલગ-અલગ સમૂહોનાં માનસિક-સામાજિક પરિવર્તનોને લેખકે એક સમાજશાસ્ત્રીની નજરે જોયાં છે અને કલાકારની કલમે આલેખ્યાં છે. ગામડાં ભાંગવાને કારણે નાછૂટકે ખેડૂત શહેર તરફ વળ્યો. એના તહેવારો, મેળા, દોસ્તી- બિરાયદી ,દુશ્મની ,શિકાર,ટોળટપ્પા, મોસમની સાથે રંગ બદલતાં આસમાન , ઝાડપાન અને રંગોની દુનિયા… બધું જ ખોવાઈ ગયું. શહેરમાં સૌને- અલાયદી જિંદગી હતી. ગામડાંની જિંદગીની રોનક અને શહેરની યાંત્રિક જિંદગીની રોનક અને શહેરની યાંત્રિક જિંદગીની એકલતાને પાસેપાસે મૂકી આપતા લેખક પલટાઈ રહેલા કાળખંડનું-સંક્રાન્તિકાળનું ચિત્ર આલેખે છે.

ત્રીજા ખંડ 'બંટવારા' છે જ્યાં મશીનની સાથે મશીન થઈ પિસાતો માનવી કઈ રીતે યંત્ર જેવો સંવેદનાહીન થતો જાય છે એ નઈમના સાવકા ભાઈ અલીના પાત્ર દ્વારા આલેખાયું છે. આ ખંડમાં ભરતની પ્રથમ હડતાલ નિમિત્તે થતાં ભાષણોમાં પ્રગતિવાદી સૂર બોલકો બનીને પ્રગટ્યો છે. અલીના અનુભવજગત દ્વારા લેખક જિંદગીનો કંટોળેલો અલી કોઈ પણ પ્રકારના ઈરાદા કે ઉદ્દેશ વગેરે શહેરમાં ચાલતી લૂંટફાટમાં જોડાય છે. અર્થ ગુમાવી ચૂકેલી જિંદગી એને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે. ને એમ જ એક દિવસ ભારતથી પાકિસ્તાન જતા કાફલામાં જોડાઈ જાય છે. બીમાર પત્નીને ગાડામાં નાખીને…

સંબંધોએ વધુ ને વધુ એક્લો બનાવ્યો એ પછી નઈમ જિંદગીનો અર્થ શોધવા વાચન તરફ વળે છે. જેમ જેમ એ વાંચતો જાય છે એમ ન, વિદ્વત્તાની અસારતા એને સનજાતી જાય છે. ન્યાય, વ્યવસ્થા, ઈશ્વર જેવા વિષયો પરની ગહન ચર્ચામાં જોડાતાં એનો મિત્ર અનીસ એને કહે છે : 'જાનતે હો હમને ખુદાકો ક્યોં ઈજાદ (શોધ, આવિષ્કાર ) કિયા હૈં ? અપને આરામ કી ખાતિર ક્યોંકિ હમ સોચના નહીં ચાહતે.' ધર્મથી, ઈશ્વરની અવધારણાથી પ્રશ્નો ધટવાનો બદલે વધ્યા એવું માનતો આનીસ કહે છે : ' દુનિયા કે તમામ મજહબ મુબ્બત કા પ્રચાર કરતે હૈં પર હોતા ક્યા હૈ ? જ્યોંહિ આપ એક મજહબ કો અપના લેતે હૈં, આપ કે દિલ મેં નફરત કા, ધાર્મિક પક્ષપાત કા બીજ બોયા જાતા હૈ, દૂસરે મજહબ કે ખિલાફ, ઉન તમામ અનગિનત સંપ્રદાયો કે ખિલાફ , જિના મેં આપ શામિલ નહીં હૈ..' (૩૫૦). આ બધી ચર્ચાઓ કરતો અનીસ અચાનક લાગણીવશ થઈને માયૂસીથી પૂછી બેસે છે : 'ક્યા સિર્ફ મુહબ્બ્ત કાફી નહીં હૈ , નઈમ ? ક્યા હમારી રુહ (આત્મા) કો ઈસકે અલાવા કિસી ઔર ચીઝ કી ભી ઝરૂરત હૈ ? હમ જો સેંકડો બરસોં સે એકદૂસરે કે મજહબ કો કોસતે આયે હૈં, એક દૂસરે કે ખુદાઓં કો નાલાયક કહતે આયે હૈં ઔર ઉસી સાંસમેં મુહબ્બત કા પ્ર્ચાર કરતે રહે હૈં, ક્યા યહ હમારી કમઅકલી હૈ ? (૩૫૦).

શહેરમાં ફાટી નીકળેલાં તોફાનોમાં અટવાતો નઈમ પણ મંજિલ વગરની દોડમાં, સરહદ પાર જતા કાફલામાંનો એક થઈ જાય છે. કાફલામાંનો એક થઈ જાય છે. કાફલામાં અલી ને નઈમ બન્ને અથડાઈ જાય છે. કાફલામાં પ્રથમ મૃત્યુને પૂરો આદર આપનારાઓ મોતની લંગાર પછી એનો મલાજો કરવાનું ભૂલી જાય છે. નઈમ સાથે ચાલી રહેલો ઈતિહાસનો પોફેસર જિંદગીભરના અનુભવોના નિચોડરૂપે આદર્શ અને રાજનીતિ વચ્ચેનો ભેદ સમજાવ્યા પછી કહે છે : 'હમારે પાસ ન આઈડિયલ થા, ન રાજનીતિ, સિર્ફ બિગડી બિગડી હુઈ જિંદગિયાં થી ઔર ઝહરીલે દિમાગ . જિસ કા નતીજા ઈસ બિગડી હુઈ હાલાત મેં સામને આયા હૈ… યહ હમારે ઈતિહાસ કા કૌનસા રૂપ હૈ ? યહ વહ નસ્લ હૈ જો એક મલ્ક કે ઈતિહાસ મેં અરસે કે બાદ પૈદા હોતી રહતી હૈ, જિસ કા કોઈ ઠિકાના નહીં હોતા, જો જન્મ સે હી ઉદાસ હોતી હૈ ઔર ઈધર સે ઉધર સફર કરતી રહતી હૈ ઔર ઈધર સે ઉધર સફર કરતી રહતી હૈ. હમ હિંદુસ્તાન કી ઈસ બ્દ-કિસ્મત નસ્લ કી સંતાનેં હૈં (૩૮૫). ઝીણી વિગતો દ્વારા લેખક આ સમયગાળાનું, ભયાનક બર્બરતાભર્યું વતાવરણ મૂર્ત કરી આપે છે.ભાગલા વિશેની ધણીબધી વાર્તા- નવલક્થા જુગુપ્સક વર્ણનો દ્વારા પણ જે નથી કરી શકે એ હલાવી મૂકે એવો માહોલ આ લેખક ભારે સંયમથી ઊભો કરી શક્યા છે. અલીની સામે હુમલાખોરો નઈમને લઈ જાય છે અને એક ભરપૂર જિંદગીનો આમ અંતરિયાળ અંત આવે છે.છે.૧૨ વર્ષથી માંદી પત્નીને છાતીએ વળગાડીને ફરતો અલી અમૃતસર સ્ટેશનની ભીડમાં અટવાય છે અને છેલ્લી ધડીએ, ચાલતી ગાડીમાં એકલો જ ચડી જાય છે. ભૂખ્યા- તરસ્યા, પોતાનું બધું જ ગુમાવીને બેઠેલા, કોઈ મંજિલ કે ઉદ્દેશ વગરના અલી જેવા સેંકડો માણસોની દોડ લાહોર સ્ટેશને પૂરી થાય છે. એ લોકો ક્યાં જઈ રહ્યા હતા ? પ્લેટફોર્મ પર જીવતી લાશો જેવા પડેલા આ લોકો એક ટોળા સાથે ભળી જઈ ટ્રેન પર હુમલો કરે છે. અલી કંટાળાથી આ મારકાપ જોઈ રહે છે. થાકીને આંખ મીંચી લે છે. અચાનક એની સામે રોતી- કકળતી સ્ત્રી આવે છે : મારા વર, છોકરાને મારી નખ્યા, તો મને કેમ છોડી દીધી, મને પણ મારી નાખો, એવો કકળાટ કરતી એ સ્ત્રીને જોઈને અલીની અંદરનું પશુ જાગી ઊઠે છે. પેલી સ્ત્રીને મારી નાખવાનું ઝનૂન એની અંદર વ્યાપી વળે છે. પણ મોત માટે કરગરતી એ સ્ત્રી મોતને આમ સાવ પાસે ઉભેલું જોઈ અચાનક પોતાનું કુરતું ફાડી નાખે છે. પોતાના બેઉ હાથમાં ઘડા જેવી છેતીઓ લઈ અલીના મોઢા પાસે લઈ જાઈ કરગરી ઉઠતી કહે છે : 'મુજે મત મારો. ખુદા કે લિયે, રહમ કરો. મૈં તુમ્હારી માં હૂં.' (૪૦૪). અલી નફરતથી મોઢું ફેરવી લે છે.

ભારતની અર્ધી સદીનું વાસ્તવદર્શી ચિત્ર રજૂ કરતી આ નવલકથા આપણા ભૂતકાળ સાથેનવી રીતે સંબંધ જોડી આપે છે. વિશાળ ફલક પર ગજબની પ્રવાહિતાથી વહેતી આ કૃતિ આપણી સામે એક આખા યુગને જીવંત કરી દે છે. આ નવલકથામાં વિષાદનું, અનઅર્થકતાનું એવા કલાત્મક સંયમથી આલેખન થયું છે કે વાચક રડવાને બદલે માનવનિયતિ વિશે વિચાર કરતો થઈ જાય છે. આવી કૃતિઓ આપણને આપણી ગઈ કાલ સાથે સાચા અર્થમાં જોડી આપે છે. એટલું જા નહીં, બદલાતા સમયને, પલટાતાં મૂલ્યોના જગતને આપણે આવી કૃતિઓ દ્વારા આત્મસાત કરી શકીએ છીએ. આવી કલાત્મક કૃતિઓ જ ભવિષ્યમાં આવનારી પેઢીઓને વીતેલા સમયનું, બનેલી ઘટનઓનું સાચું આકલન પૂરું પાડશે.

ડૉ. શરીફા વીજળીવાળા. અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત