'દ્રૌપદી' : નાનાભાઈ ભટ્ટની નજરે.....


'રામાયણ' અને 'મહાભારત' એવા મહાકાવ્ય છે, જેના વગર ભારતીય સંસ્કૃતિ અને સમાજ જાણે શૂન્ય થાય જાય છે. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો, સંસ્કૃત અને અન્ય ભારતીય સાહિત્યના પાયામાં રહેલા છે. આથી જ કહેવાયું છે... 'નાગાધિરાજ હિમાલય જેમ પૃથ્વીનો માપદંડ છે, તેમ મહાભારત પણ આ ધરતીનો માપદંડ છે.' આપણો ભારત દેશ બીજા કશા માટે ગૌરવ લઇ શકે કે નહી, પણ સમગ્ર પૃથ્વી ઉપરના ઊંચામાં ઊંચા પર્વત હિમાલય માટે જગતની પ્રાચીનમાં પ્રાચીન વાણી જેમાં સંગ્રાહેયેલી છે, તેવા વેદ માટે અને 'ઇલિયટ' અને 'ઓડિસી' જેવા જગતના પ્રાચીન મહાકાવ્યો કરતાં અનેક ગણા મોટા મહાભારત માટે ગૌરવ લીધા વગર રહેશે નહી. આ મહાગ્રંથની છત્રછાયામાં ઉછરતો ભારતવાસી યથોચિત રીતે જ અનંતકાળ સુધી લઘુતાનોસ્પર્શ સરખો અનુભવી શકે નહી. એટલે જ મહાભારત માટે સાચુ જ કહેવાયું છે...
'જે મહાભારતમાં નથી તે ધરતી પર ક્યાંય નથી, જે ધરતી પર છે તે સર્વ મહાભારતમાં છે.'

આથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે મહાભારતમાં દુનિયાનાં બધા જ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેની વિશેષ અસર હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી જેવી ભાષાઓમાં પણ જોવા મળે છે. અત્રે અહીં શોધવિષયને ધ્યાનમાં રાખી ગુજરાતી સાહિત્ય પર મહાભારતનો પ્રભાવ દર્શાવી, ગુજરાતી સાહિત્યના લેખક અને શ્રેષ્ઠ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટનો મહાભારત આધારિત ગ્રંથ 'મહાભારતનાં પાત્રો' માંથી અહીં દ્રૌપદીના પાત્રને પસંદ કરીને નાનાભાઈનાં માટે દ્રૌપદીને ઓળખવાનો પ્રયાસ કરીશું. દ્રૌપદીના પાત્રને જોતાં પહેલા મહાભારતના પ્રભાવની વાત કરીએ તો તેની અસર એટલી વ્યાપક છે કે મહાભારત પછીનાં સાહિત્યમાંથી મહાભારતને બાદ કરી નાખો તો ખાસ કશું રહે નહી. આમ, "सर्वेषा कविमुख्यानामुपजिव्यो भविष्यति |" આદિપર્વમાં જ ઉચ્ચારવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડે છે. ગુજરાતીમાં પણ અનેક કાવ્યો તથા નાટકોમાં મહાભારતનું કથાવસ્તુ દેખાય આવે છે, જેમ કે...પ્રેમાનંદનું 'નળાખ્યાન'. કવિ કાન્ત રચિત 'વસંત વિજય', 'અતિજ્ઞાન'. ઉમાશંકર જોશી લિખિત 'કર્ણકૃષ્ણ', 'ગાંધારી', 'યુધિષ્ઠિર'. મનસુખલાલ ઝવેરી રચિત 'કુરુક્ષેત્રનાં પ્રસંગકાવ્યો' તેમજ નાનાભાઈ ભટ્ટ લિખિત 'મહાભારતના પાત્રો' જેવાં અનેક મહાભારત આધારિત સાહિત્યની રચનાઓ અને કથાઓ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં આપણે નાનાભાઈ ભટ્ટ રચિત 'મહાભારતના પાત્રો'માંથી દ્રૌપદીના પાત્રને સર્જકની નજરે જવાનો પ્રયાસ કરીશું.

ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારોમાંના એક નાનાભાઈ ભટ્ટ છે, એ વાત સર્વસ્વીકૃત છે પરંતુ તેની સાથે તેઓ ગુજરાતના સંસ્કાર ઘડવૈયા પણ હતા. તેમને પાકી ઉંમરે લોકો પાસે ભાગવત કથા કરવાનું શરૂ કર્યું. આ રીતે રામાયણ-મહાભારત-ભાગવત આ ત્રણેય મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારનું રસાયણ સમજતા. આવું રસાયણ કિશોરવયે મળે તો અમૃત જેવું કામ કરે. તેવી હોંશથી તેમણે રામાયણ અને મહાભારતનાં પાત્રોની કથામાળા લખી. આ મહાકાવ્યોનાં બધા જ પાત્રોને આપણી સમક્ષ લાવીને મૂકી આપે છે. પાત્રના સમગ્ર જીવનને પોતાના ગ્રંથમાં ઉતારી આપે છે. અહીં જે વાત કરવાનો ઉપક્રમ છે તે દ્રૌપદીના પાત્રને સર્જકની નજરે જોવાનો છે. નાનાભાઈ દ્રૌપદીના જન્મથી લઇ ભારતવર્ષની સીમાસ્તંભ સ્ત્રી તરીકેનું શ્રેષ્ઠ પાત્ર તરીકે મૂકી આપે છે. નાનાભાઈ દ્રૌપદીના જન્મ સંબંધિત કથા આ પ્રમાણે વર્ણવે છે. દ્રોણે પોતાના શિષ્યોની સહાયતાથી દ્રુપદ રાજા પર આક્રમણ કરી ગંગા-યમુનાની ઉત્તર તરફનો પાંચાળ દેશનો ભાગ પડાવી લીધો, આથી વેર લેવાની ભાવનાથી રાજા દ્રુપદ યાજમુનિનાં આશ્રમે જી છે, અને દ્રોણનું માથું કાપી વધ કરે એવા પુત્રની માંગણી કરે છે. આથી યાજમુનિ યજ્ઞનું આયોજન કરે છે. જેમાંથી પુત્ર 'દ્યુષ્ટદ્યુમ્ન' અને પુત્રી 'કૃષ્ણા' (કાળારંગની હોવાથી કૃષ્ણા) ઉત્પન્ન થાય છે જે પાછળથી પોતાના પિતાના નામ સાથે સામ્યતા ધરાવતા દ્રૌપદી નામે, તો પાંચાલ દેશ તેમજ પાંચ પતિઓ હોવાથી પાંચાલી વગેરે નામોથી પ્રસિદ્ધ થાય છે.

મૂળ મહાભારતની કથામાં જેમ દ્રોપદીને પાંચ પતિઓ છે તેમ અહીં નાનાભાઈ આલેખિત દ્રૌપદીને પાંચ પતિઓ છે. પરંતુ મૂળ મહાભારતમાં દ્રૌપદી પાંચ પરાક્રમી પતિઓને પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે અને સમાજમાં પણ ઇન્દ્રપ્રસ્થની પટરાણી તરીકેનું બિરૂદ મેળવે છે, જયારે નાનાભાઈ ભટ્ટ દ્વારા આલેખિત દ્રૌપદી પાંચ પરાક્રમી પતિઓને પ્રાપ્ત કરી ધન્યતા તો અનુભવે છે. પરંતુ તેની માતા દ્રૌપદીના આ વિચારથી સહમત થતાં નથી. દ્રૌપદી આવું કરે તો સમાજ તેને 'કુલટા' જેવાં શબ્દોથી અપમાનિત કરશે તેવું જણાવે છે. તેમ છતાં જયારે તેને ખ્યાલ આવે છે કે દ્રૌપદીના પાંચ પતિઓ બ્રાહ્મણ નથી. પરંતુ પાંચ પાંડવો છે, ત્યારે તેનો સ્વીકાર કરે છે અને પોતાની પુત્રીના મત સાથે સહમત થાય છે અને દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થની પટરાણી બને છે. દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થની પટરાણી હોવાનો ખુલાસો નાનાભાઈ દુર્યોધનના મુખે આ રીતે કરાવે છે. 'પેલી દ્રુપદની છોકરી તો પાંડવોની પટરાણી થઇ પડી છે ! કાલ સવારની એ ધૌમ્ય વગેરે મુનિઓએ તેને અવભૃથ સ્નાન કરાવ્યું અને છુટો ચોટલો મૂકીને આચાર્યોની પૂજા કરી.' દુર્યોધનના શબ્દો જ આપણને દ્રૌપદીના વૈભવશાળી વ્યક્તિત્તવનાં દર્શન કરાવે છે.

નાનાભાઈ ભટ્ટ પ્રસ્તૃત ગ્રંથમાં દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગને પોતાની જ શૈલીમાં, પોતાની જ ભૂમિનો ધબકાર રજુ કરતાં હોય તેમ સુંદર રીતે ચિત્રિત કરે છે. પાંડવો દ્યુતમાં પોતાનું સર્વસ્વ હરે છે. તે કથાનો આડકતરો નિર્દેશ કરી સીધા જ દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગમાં સરી પડે છે. આ પ્રસંગની શરૂઆતમાં જ દ્રૌપદી વાઘણની જેમ ત્રાડ પાડતી, દ્યુત રમાયું હતું તે વૈભવી ઓરડામાં પ્રવેશ કરે છે, ને કહે છે ' ભારતવર્ષના ઓ ક્ષત્રિયો! તમારો હવે કાળ આવ્યો છે.' અહીં દ્રૌપદી ઘાયલ વાઘણ જેમ હુમલો કરે તેવા વેગથી સભામાં દાખલ થાય છે. તેનો લાંબો ચોટલો સમુદ્રના મોજાની માફક પીઠ પર ઉછળતો હતો, તેનો હાથ કેડના વસ્ત્રને સરી પડતું રોકી રાખતો હતો, તેના મુખમાં શ્વાસ સમાતો ન હતો, તેની આંખમાં ક્રોધ અને ગભરાટ હતાં. આ સભામાં ભીષ્મ અને દ્રૌણ ઉપરાંત પ્રતાપી પાંડવો બેઠા હોવા છતાં પાપી દુ:શાસન નિર્લજ્જ થઈને દ્રૌપદીનો ચોટલો ખેંચીને તેને પાટું મારે છે. આ પ્રસંગમાં દ્રૌપદીનું સ્વાભિમાની સ્વભાવના દર્શન પણ નાનાભાઈ કરાવે છે. પ્રસ્તૃત ગ્રંથમાં દ્રૌપદી જાતે જ કહે છે કે ' હું દ્રુપદ રાજાની પુત્રી, હું દ્યૃષ્ટદ્યુમ્નની બહેન, હું પાંડવોની ધર્મપત્ની, હું ભીષ્મ અને દ્યુતરાષ્ટ્રની કુલવધુ છું.' અહીં દ્રૌપદીના આત્મસન્માની સ્વભાવના દર્શન થાય છે. આ ઉપરાંત નાનાભાઈ ભટ્ટે દ્રૌપદીના રૌદ્ર સ્વરૂપને પણ વર્ણવ્યુ છે. જયારે કર્ણ દ્રૌપદી સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે ત્યારે દ્રૌપદી સ્પષ્ટ જણાવે છે કે 'દુર્યોધનનું એઠું ખાઈને ઉછરેલ ઓ કાગડા ! બસ કર.' ત્યાર બાદ દ્રૌપદી ધર્મપ્રશ્ન પુછે છે કે...'મહારાજ યુધિષ્ઠિરે મને હોડમાં મૂકી હતી, તે પહેલા પોતે પોતાની જાતને હાર્યા હતાં કે મને?' - દ્રૌપદીનો આ પ્રશ્ન સાંભળી આખી સભા સ્તબ્ધ થઇ જાય છે, છતાં આ સીલસીલો આટલાથી અટકતો નથી. દુર્યોધન દુર્ગુણોની પરાકાષ્ઠાએ પહોંચે છે. તે ભરી સભામાં કહે છે કે ' તમે પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી મારા દાસ છો, એટલે તમારા કપડાં ઉતારો.' મહારાજ યુધિષ્ઠિર એકદમ ઉભા થયા અને પોતાના ઉત્તરીય વસ્ત્રો ઉતારી દીધા. તરત જ તેના બીજા પાંડવો પણ યુધિષ્ઠિરને અનુસર્યા. પરંતુ દ્રૌપદી રજસ્વલાધર્મમાં છે, તેણે એક જ વસ્ત્ર પહેર્યું છે આથી આ કાર્ય માટે પ્રવૃત્ત થતી નથી. આથી ધીરજ ગુમાવી બેઠેલો દુ:શાસન કહે છે કે, 'ચાલ, ચાલ પાપણી!' એમ કહીને દુ:શાસન દ્રૌપદીના ચીર ખેંચવા લાગ્યો. આ સમયે દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણનું આહવાન કરતા કહે છે કે, 'હે પ્રભુ, હે પરમાત્મા જગત આખાની સ્ત્રીઓની લાજ આજે તારે હાથ છે! તું અનાથોનો નાથ છે! મારું બળ તારી કૃપાને આધીન છે!' દ્રૌપદીનો આ આર્તનાદ ચૌદલોકને વીંધીને કૃષ્ણ પાસે પહોંચ્યો અને દુ:શાસનના કાંડાનું જોર નરમ પડ્યું અને આંખે અંધારા આવતા તે બેસી ગયો.

દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગમાં નાનાભાઈ ભટ્ટે દ્રૌપદીનો પતિઓ પ્રત્યેનો પ્રેમ પણ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. પતિઓ તેને હોડમાં મુકે છે, છતાં અંતે દ્રૌપદી દ્યૃતરાષ્ટ્ર પાસે વરદાન માંગી પોતાના પતિઓને દાસત્વમાંથી મુક્તિ પણ અપાવે છે.

આમ, નાનાભાઈ ભટ્ટે મૂળ મહાભારતની દ્રૌપદીને કંઈક જુદા જ પરિપ્રેક્ષ્યમાં રજુ કરે છે. દ્રૌપદીને યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલી યજ્ઞજ્વાળા જેવી છે, જાજવલ્યમાન વ્યક્તિત્વ ધરાવતી હોવા છતાં તેની સાથે વસ્ત્રાહરણ જેવી ઘટના ઘટિત થાય છે છતાં તે દરેકનો સામનો કરી દ્રૌપદી પોતાના પાંચ પતિઓને દાસત્વમાંથી મુક્તિ અપાવે છે અને સમગ્ર ભારતવર્ષની સ્ત્રીઓ માટે સીમાસ્તંભ બની ઉભી રહે છે.

સંદર્ભ:

  1. 1. 'મહાભારતના પાત્રો' - નાનાભાઈ ભટ્ટ

ઉમેશ એચ. બગડિયા, પી.એચડી. શોધછાત્ર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.