નિબંધ
ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...

અન્યા,
આમ તો અચાનક નીકળી પડવું એ અમારો સ્વભાવ છે. કયો સમય છે ? ક્યાં જવું છે કશું જ વિચારવાનું નહીં બસ એમ થાય કે નીકળી પડવું છે તો રાત કે રસ્તાઓ જોયા વગર અમારી ગાડી દોડવા લાગે.  આજે એમ જ નીકળી પડ્યા રાતના દસ વાગ્યા છે. અમારી ગાડી આણંદ-વડોદરા એક્સપ્રેસવે પર દોડી રહી છે. પૂનમની રાત છે ઍટલે દૂરદૂર સુધી આસપાસના ખેતરોમાં ચાંદની લહેરાઈ રહી છે. એક્સપ્રેસવેની બંને તરફના ગરમાળાઓ પર  ફૂલોની સાથે ચાંદની પણ  લચી પડી  છે. ગાડીમાં મારી સાથે હંમેશની જેમ  પ્રશાંત તથા મારા પ્રિય વિદ્યાર્થીઓ નાનો કમો, અંકુર તથા દેવેન્દ્ર છે. મારી ગાડી પણ મારા માટે એક સાથી છે મારી પ્રિયજન સાથેની વાતો, ખીલતી સવારોને ઉદાસ સાંજો,ક્યારેક આનંદી તો ક્યારેક ગમગીન રાતોની એ સાક્ષી છે. કેટલીય વાતો કરી છે મેં એની સાથે. આજે એની સાથે અમે પણ આનંદમા છીએ. હજી હમણાં જ નર્મદા વિષયક નિબંધોના સંપાદનનું કામ પૂરું કર્યું છે. મિત્રને નવો નવો પ્રેમ થયો છે એટલે એનો આનંદ પણ બેવડાયો છે.
ચલો તુમકો લેકર ચલે,
હમ ઉન ફિજાઓ મે
જહાં, મીઠા, નશા, હે તારો કી છાવમે....
ગીત ધીમા અવાજે વાગી રહ્યું છે. કોઈપણ પ્રેમની શરૂઆતનો તબક્કો મીઠા નશાનો હોય છે પણ પછી આવે છે વેદનાની કારમી રાતો. પણ અત્યારે તો આનંદ જ આનંદ છે. અંકુર ગાડી ચલાવી રહ્યો છે. એક્સપ્રેસવે પૂરો થવા આવ્યો છે ને આગળ ક્યાં જવું એ નક્કી નથી. આમતો મોટે ભાગે અમારી રાતની સફરનું ગંતવ્ય સ્થાન હોય નર્મદા. રાત્રિના અંધકારમાં નર્મદાનાં સૂના ઘાટ પર બેસી રહીએ. અવિરત વ્હયે જતાં વારીને જોતાં રહીએ. જીવનમાં જયારે હતાશા-નિરાશા ઘેરી વળે છે ત્યારે નર્મદાની શરણે જાઉં છું. પણ આજે તો આનંદ છે. રસ્તામાં પાવાગઢ લખેલું દેખાય છે ને નક્કી થાય છે ચલો પાવાગઢ. 
મોબાઈલ આવ્યા પછી અનેક ફાયદાઓની સામે એક ગેરફાયદોએ થયો છે કે માણસ દૂર ક્યાક પોતાના મિત્ર સાથે કલાકોના કલાકો વાતો કરે છે પણ એની પાસે બેઠેલા મિત્ર માટે સમય નથી. અત્યારે સાથી મિત્રોની જેમ  હું પણ અમારો આ આનંદ પ્રિયજન સાથે મેસેજથી સેન્ડ કરી રહ્યો છું. દૂર દૂર પાવાગઢ પરનો પ્રકાશ દેખાઈ રહ્યો છે. હવે રસ્તાની બંને તરફના ગરમાળા અને ખેતરોનું  સ્થાન મોટી મોટી કંપનીઓએ લઈ લીધું છે. ગોળમટોળ ચંદ્રને કોલેજના અનેક પાત્રો સાથે સરખાવીએ છીએ. સફરની પણ મજા હોય છે બલકે ખરી મજા જ સફરમાં છે. સફર કેટકેટલી વાતો કરાવે છે.  બેચલર ટોળી હોય ને છોકરીઓની વાતો ના હોય એ તો કેમ બને. અમારો સ્ટાફ પણ પ્રમાણમાં વાત કરી શકાય એવો. એટલે કેટલાક પાત્રો અમારી વાતોમાં અચૂક હજાર હોય. કોઈનું હાસ્ય, કોઈની આંખો, કોઈની સાડી,કોઈના ગાંડપણની સાથે અમારી મજાક મસ્તી ચાલ્યા કરે. પુરુષ પાત્રો પણ અમારે ત્યાં એકથી એક ચડિયાતા. ગણા કંજૂસ તો ગણા દિલદાર, ગણા સંકુચિત તો ગણા ઉદાર. કોઈ કોઈ તો એવા સાહસવીર કે એમના સાહસોના અમે પ્રેરણામુર્તિ. વાતોમાંને વાતોમાં પાવાગઢની તળેટીમાં આવી ગયા ને અચાનક અમારી સામે ઉગડ્યો અરણ્યલોક. ઉશનસની પેલી પંક્તિઓ મનમાં ગુંજવા લાગી.
“અમારી યાત્રા પ્રવિષતી આ હવે નામ વિણના અનામી આશ્ચર્યોમાં.”
આ પૃથ્વીના અનેક રૂપોએ હંમેશા મને રોમાંચિત કર્યો છે. અહીથી જતાં પહેલા એના શક્ય હોય એટલા રૂપો જોઈ લેવા છે. મને પ્રતીતિ છે કે સ્વર્ગ પણ પૃથ્વી જેટલું તો સુંદર નહી જ હોય.
અમે હળવા થવા માટે ગાડી ઊભી રાખી. ખરેલા પાંદડાઓમાં એક સાથે ચરચરાટનો અવાજ થયો. થોડીવાર ગાડી પાસે ઊભા રહ્યા. પાંદડા વગરના વૃક્ષોમાંથીચળાઈને ચાંદની આવતી હતી.જમીન પર પડેલા ખાખરાનાં સૂકા પાનને ઘસાઈને જતો પવન મનને રોમાંચીત કરતો હતો. બધા જ મિત્રો આ રોમાંચને પ્રિય પાત્રને વહેચવા મોબાઈલમાંથી મેસેજ કરી રહ્યા છે. ચારે તરફ પવનરવ સિવાયની શાંતિ છે. અરણ્ય ઉપર ચાંદની લેપાઈ ગઈ છે.શિયાળાની ઠંડી રાતોમાં પણ અહી આવ્યો છું. એ વખતે ગટાદાર ખીલેલા વૃક્ષો અને અમાસનું અંધારું ‘ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડો’ જેમ કંપાવી દે એવો અનુભવ થયો હતો.પણ આજે એજ પ્રકૃતિના કોમલ રૂપના દર્શન થઈ રહ્યા છે. અમે ગાડીમાં બેસીએ છીએ ને અમારી ઊચાઈ તરફની સફર શરૂ થાય છે. પ્રશાંતનો ફોન શરૂ થઈ ગયો છે. ધીમા ધીમા અવાજે એ કશુંક ગણગણી રહ્યો છે.કદાચ ગાડીમાં વાગતું ગીત
ખૂબ સુરત હે વો ઈતના સહા નહીં જતા,
 ચાંદ મે દાગ હે યે જાનતે હૈહમ લેકિન
રાતભર દેખે બીના ઉસકો રહા નહીં જાતા.

કોઈને સંભળાવી રહ્યો છે. મને અમૃતલાલ વેગડનો એક નિબંધ યાદ આવે છે. એમાં આવી જ ચાંદની રાતે એ નર્મદા કિનારે રાત્રે સૂઈ રહ્યા છે ને ચાંદના ડાઘ જોઈ ને અમને વિચાર આવે છે કે આતો ડાઘ નહીં પણ એના છુંદણા છે. હું વિચારે ચડી જાઉં છું. સૌંદર્ય જોનારની આંખમાં હોય છે. યુગે યુગે એની વિભાવના બદલાય છે.યુગ જ શું કરવા માણસની ઉમરના તબક્કા પ્રમાણે પણ એ બદલાય છે. હવે ગાડી હું ચલાવું છું. રાતના અંધારા-અજવાળામાં વાંકા ચૂકા ઢાળવાળા રસ્તા પર ગાડી ચાલવાની જુદી જ મજા છે. એ વાત જુદી છે કે પ્રશાંતને મારા ડ્રાઇવીગ પર વિશ્વાસ નથી. આમ છતાં અમે માચી આવી ગયા છીએ. રાતના બાર વાગ્યાનો સમય થયો છે. એક નાનકડી હોટેલ ખુલ્લી છે. ચાની ચૂસકીઓ વગર તો રાત કેવી રીતે પૂરી થાય. માંચીથી પગપાળા અમારી ચઢાઈ શરૂ થાય છે. પગથિયાંની બને બાજુના નાના દુકાનદારો દુકાનોને પડદા આડા કરીને ત્યાં જ સૂતા છે. થોડાક પગથિયાં ચડીને એવી જગ્યા ખુલ્લીએ બાંકડા પર બેઠાં છીએ  જ્યાથીમાંચી, પાવાગઢની તળેટી અને હાલોલ શહેરની જોઈ શકાય છે. સરસર પવન વાઈ રહ્યો છે. ચૌમાસામાં આ જ જગ્યાએથી ઝરમર વરસતા વરસાદમાં પહાડને લપેટતા ધારાવસ્રને જોયું હતું. અત્યારે ચંદ્ર પોતાની ચાંદનીનું વસ્ત્ર આખા પહાડની ઓઢાડી રહી છે. મારા મોબાઈલમાં મેસેજ આવે છે. ‘ક્યાં છો ?’.         હું જવાબ લખું છું. ‘રામગિરિ પર.’ સામેથી પ્રશ્ન આવે છે અત્યારે તો ચૈત્રની ચાંદની છે તો જવાબ કોણ લઈને આવશે.’મે જવાબ વાળ્યો ‘ આ ચાંદની જ મારો જવાબ લઈને આવશે.’ મિત્રો પણ પોતપોતાના મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા છે. એક સમયે જે આપણી એકદમ નજીક હોય છે એ જ ક્યારેક જોજનોના જોજન દૂર હોય છે. ને માટે જ જાણેકે હરીશ મીનાશ્રુ લખે છે;

‘ત્વચા ઉપર નિરંતર તમારો સ્પર્શ મળે
ને દૂરતાના કેટલા પ્રકાશવર્ષ મળે’

એક ક્ષણે જે ત્વચા જેટલું નજીક છે એ જ બીજી ક્ષણે પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ જાય છે કદાચ આજ માણસની નિયતિ હશે ! થોડીવાર માટે બાંકડા પર જ સૂઈ ગયો. ઉઠ્યો તો બે વાગ્યા છે. મિત્રો હજી ફોન પર વાતો કરી રહ્યા છે. મે કહ્યું ચાલો મિત્રો ભૂખ લાગી છે. હાઈવેની કોઈ હોટેલ પર નાસ્તો કરીશું. ચાંદનીનું સામ્રાજ્ય ધીરેધીરે સમેટાઈ રહ્યું છે.માંચીથી નીચે ઉતરતા ચાંપાનેરને અનેક ખંડેરો આગળથી પસાર થઈએ છીએ. સદીયોનો ઇતિહાસ અહી ઊભો રહી ગયો છે. કેટકેટલી તોપોના ગોળાના ઘાવ સહન કરીને એ હજી ઊભા રહ્યા છે. હું વિચારું છું  કાશ મારી પાસે ટાઈમ મશીન હોત ને હું એ સમયમાં જઈ શકત !ગાડી ઊભી રહી ને હું વર્તમાનમાં પાછો આવ્યો. રાત્રે ત્રણ વાગે શું નાસ્તો કરવો એની ચર્ચા ચાલી. આજે જ કોઇકે સેવ ઊસળ ખવાડવાની વાત કરેલી. મે તો એ નો જ ઓર્ડર આપ્યોને ચા તો હોય જ. કમાએ કહ્યું ચા તો અજયસર સરસ બનાવે છે. કોલેજમાં પણ અમારા ૪ નંબરમાં સતત ચાની ચૂસકીઓ ચાલુ જ હોય. હોટલ પરથી તૃપ્ત થઈ આણંદ તરફની સફર શરૂ થઈ. હું દૂર ઊભેલા પાવાગઢને જોઈ રહ્યો હતો ને ગાડીમાં ગીત વાગી રહ્યું હતું ‘ સો ગયા યે જહાં, સો ગયા આસમા. સો ગઈ હૈ સારી મંજિલે યે સારી મંજિલે, સો ગયા હૈ રસ્તા…


અજયસિંહ ચૌહાણ
વિદ્યાનગર

000000000

***