કવિ શ્રી યોગેશ જોષીની આંતરચેતનામાંથી ઊઘડતી પ્ર-ભાવક રચનાઓ

યોગેશ જોષી ભલે નવલકથાકાર કે ગદ્યલેખક તરીકે વધુ જાણીતા હોય, પરંતુ એ સૌ પ્રથમ તો કવિ છે. એના કારણમાં કદાચ આ કવિ સફળ નવલકથાકાર પણ છે એ બાબત હોઈ શકે પોતાની રીતે ચાલનારા શબ્દવીર છે. અછાંદસ, ગીત, ગઝલમાં વિહરનારા યોગેશ જોષીની અછાંદસ કવિતામાં એકધારોને પોતીકો વિકાસ જોવા મળે છે. ‘અવાજનું આજવાળું’(૧૯૮૨), ‘તેજના ચાસ’(૧૯૯૧) પછી કવિનો આ ત્રીજો કાવ્યસંગ્રહ  છે. કવિતા રૂપે ‘જેસલમેર’ ૨૦૦૭માં પ્રગટ થાય છે. તાજેતરમાં ‘ટકોરા મારું છું આકાશને’ કાવ્યસંગ્રહ ૨૦૧૧માં પ્રકાશિત થયો છે. અહીં ‘જેસલમેર’ આ દીર્ઘ કૃતિને અનુક્રમે ૪ ખંડોમાં વિભાજિત કરી છે. તેમાં ૧૬ કાવ્યો સંગ્રહિત થયાં છે. બધાં કાવ્યો અછાંદસ છે, જે અગાઉ ‘શબ્દસૃષ્ટિ’ ત્યાર પછી, ‘ઉદ્દેશ’, ‘પ્રત્યક્ષ’ સામયિકમાં કાવ્યો પ્રગટ થયાં છે. ‘જેસલમેર’ કાવ્યસંગ્રહને ૨૦૦૮માં ઉશનસ્ પારિતોષિક પ્રાપ્ત થયું છે.
        અછાંદસ, ગીત અને ગઝલ એમ કવિતાનાં લગભગ તમામ સ્વરૂપોમાં ઘૂમી વળતા આ કવિનો સ્વભાવ એકાંત અને એકલતાનો હોવા છતાં, આજુબાજુના જગતમાં જે કંઈ બને છે એની સૂક્ષ્મ રીતે નોંધ પણ લેતા રહે છે. કવિની જગત સાથેની નિસબત જરા વિલક્ષણ પ્રકારની છે. ભરપૂર માણ્યું એ જગત હવે નથી. ઈચ્છ્યું હતું એ જગત નથી ને તોય એના પ્રત્યેની ચાહતમાં ઓછપ નથી આવી.
કવિતા રૂપે ‘જેસલમેર’ નામ પડતાં જ ચિત્રકારકવિ ગુલામ મોહમ્મદ શેખની ‘અથવા’ કાવ્યસંગ્રહની સાત રચનાઓ, જેસલમેરને અનુલક્ષતી, સાંભરે. યોગેશ જોષીએ પણ ‘નિવેદન’માં નોંધ્યું છે : "સૌ પ્રથમ વાર ચિત્રકાર કવિમિત્ર ગુલામ મોહમ્મદ શેખના કાવ્યોમાં જેસલમેર જોયેલું, માણેલું... આમ, ‘જેસલમેર’ બહાર આવતું ગયું ને દીર્ઘકાવ્ય રૂપે આકાર લેતું ગયું." આ અવચેતનમાંય ચાલતી રોપાઈ જવાની સર્જન પ્રક્રિયા અહીં મૂર્તરૂપ ધારણ કરે છે.
જેસલમેર યોગેશ જોષીની આંતરચેતનામાંથી ‘જેસલમેર’ દીર્ઘકાવ્ય રૂપે આકાર બહાર લેતું ગયું. શેખના શહેર-સપ્તક સાથે કવિ યોગેશ જોષીની દીર્ઘરચનાને તુલનાવિરોધથી તપાસવું એત્રે પ્રસ્તુત નથી, પણ તરત આંખે ઊડીને વળગે એવો તાત્વિક તફાવત સ્પષ્ટ કરતાં જણાય છે કે કવિ યોગેશ જોષી આત્મલક્ષી અભિગમના અન્વયે નગરવિષય સાથે હયાતીપરક તાદાત્મય સાધવા સાથે વિવિધ રીતિનો વિનિયોગ કરે છે.
દીર્ઘકૃતિને અનુક્રમે ૪ ખંડોમાં વિભાજીત કરી છે : (૧) રણ (૨) ઢૂવા (૩) ઝરૂખા અને (૪) કિલ્લો. આ ચાર ખંડોમાં અપરિહાર્યપણે સંકલિત થયું છે અને ખંડો વચ્ચે સેતુ બની ગયું છે.
કવિએ બહારને પામવું જ નથી અંદરને પામવું છે. બહારના ઉદ્દીપન અને આલંબનથી સ્વને પામવાની ઉત્કટ તરસ કાવ્યકલાની પ્રેરક છે. પામવાનો અધિકાર આધાર ઈન્દ્રિયાર્થો જ છે. પ્રત્યક્ષતા વગર કંઈ પણ પામી ન શકાય.
કાવ્ય ઉપાડથી જ કવિ યુગોની તરસ સુધી લઈ જાય છે :

"કૈં યુગોથી
તરસ હતી મને જેની
તે આ રણ નથી..."  (પૃષ્ઠ :૨)

‘રણ’ રચનાના આરંભમાં જ, ‘તરસ’, ‘ઝંખના’ કાવ્યમાં ભાવવિશેષ બની જાય છે. રણ પછી રણ વટાવતાં જવાનું છે, બાકી કાંટાળી તરસ. તરસને કાંટાળી કહીને કવિએ અદ્રશ્ય મનોભાવનું સાથે સાથે બાહ્ય પરિવેશનું કેવું સચોટ ચિત્ર દોરી આપ્યું છે.
જે રણ પ્રત્યક્ષ છે, તે રણમાં કાવ્યનાયકની તરસ પ્રત્યક્ષ થતી નથી, તેથી કહે છે :
"હે ઊંટ
ચાલ, હજીયે આગળ
નથી છીપતી હજીયે
કાંટાળી તરસ
મારી અંદર પડેલી છે યુગોથી ધગધગતી
આ શેની તરસ ?
.....................

આ શોધ કાવ્યમાં રજૂ થાય છે. અંગત અને ઉત્કટ અવાજ, ભાવકના મનમાં, મનુષ્યમાત્રનો બિનઅંગત અવાજ બની જાય છે. નાયક પોતાની અંદરની શોધ છે ક્યાં ? એ કહી શકાય એમ નથી. બસ, નિર્લેપ ભાવે ચાલતાં રહીને કદાચ આખીય યાત્રા તરસ તરફની યાત્રા છે, છતાં એ યાત્રા કષ્ટમય કે દુ:ખમય નથી.
‘ઢૂવા’ રચનાના આરંભમાં નાયકની સ્વગતોક્તિ છે :
"રોપાઈ જવા
ઝંખું છું હું
છેવટે
આ રણમાં" (પૃષ્ઠ : ૧૨)

નાયકને આ રોપાઈ જવાની સર્જનપ્રક્રિયા અવચેતનમાંય ચાલતી હોવાનો સંભવ પદપંક્તિઓમાં મૂર્ત થાય છે.
ઝરૂખા’ ખંડની આરંભની પંક્તિઓમાં કવિએ ઊંટને પ્રત્યક્ષ કર્યું છે. આ ચારે ખંડોમાં અપરિહાર્યપણે સંકલિત થયું છે. અને ખંડો વચ્ચે સેતુ બની ટક્યું છે તો છે રણનું ઊંટ.

તે ઊંટ, જીવન-મરણની સંધિરેખા પર ઊભીને ક્ષિતિજનીય પાર લંબાવે એની ડોક... શું શોધવા ? ‘ઝરૂખા’નાં ઘટકમાંય ઊંટ પ્રત્યક્ષ થાય છે :

"કેટકેટલા ઝરૂખા
જીર્ણશીર્ણ કિલ્લાની
દીવાલમાંથી
ડોકા કાઢે બહાર ?" (પૃષ્ઠ : ૨૭)

રચના રચાય છે એક સાથે નાયકના પોતાની અંદર અને બહારની એકતાના રૂપમાં. ઝરૂખો યાત્રીના અસ્તિત્વમાં પલક્યા કરે છે.
ઝરૂખો પણ ઈમારતનો સ્થૂળ ભાગ જ નથી અહીં : ‘એ જ આ ઝરૂખો વિરાટ ! આવ્યો ન હોય જાણે બહાર ક્ષિતિજની દીવાલમાંથી’ આ કાવ્યનો પ્રથમ ખંડ અને દ્વિતીય ખંડ ‘રેણ’ અને ‘ઢૂવા’ છે. તે રણ અને ઢૂવા પ્રકૃતિનું સત્ય છે. ત્રીજો ખંડ ‘ઝરૂખા’ છે. તે મનુષ્યનું ભૌતિક અને મૂલ્ય સાંકેતીક સાંસ્કૃતિક સત્ય છે.

ઊંટો આ પ્રત્યક્ષતા પૂર્વજ સજીવોને પ્રત્યક્ષ કરે છે. જે આજે નાયકની આંખ સામે નિર્જીવ છે. સર્વ સમયના સર્વ પૂર્વજો સંકેતાય છે, આ ભાવકની ભાવનચેતનામાં.
આમ અહીં, એની ચેતનામાં પત્યક્ષાતી સ્મૃતિઓ છે.

એક પછી એક દરવાજાને, અવરોધને ધ્વસ્ત કરતો નાયક આગળ વધે છે. છતાં વળાંકે વળાંકે આવ્યા જ કરે દરવાજો તોતિંગ. મનુષ્યની નાયકની ઉક્તિ છે :
"ક્યારે આવશે
છેલ્લો દરવાજો ?!" (પૃષ્ઠ : ૪૩)
કાવ્ય અહીં પૂરું થતું નથી. કવિ ભાવકને જરાક આગળ સુધી લઈ જાય છે :
"હાથમાં ઝૂલતા ઝરૂખા...!
ઝરૂખામાં ઝૂરે
ઊંડી ઊતરી ગયેલી
ઝાંખી વળેલી
ટમટમતી આંખો !"(પૃષ્ઠ : ૪૬)

ભાવનાની ક્ષણોમાં પ્રશ્ન જાગે. ‘કોની છે તે ટમટમતી આંખો ? શું છે તે આંખોમાં ! પ્રતીક્ષા.’ ‘યુગોથી ધગધગતી, આ શેની તરસ?’ તેને પામવાની પ્રતીક્ષા છે. મનુષ્ય હોવાની આ પાયાની સમસ્યા છે. કાવ્યમાં ક્યાંય અન્ય સાથેનો સંઘર્ષ નથી. રચનામાં સાદ્યંત ભર્મિનો લય ભાવક ઝંકારો છે. અભિવ્યક્તિ ક્યાંય ભર્મિલ થઈ ઢોળાઈ જતી નથી. આ કાવ્યસંગ્રહમાં ભાવ અને રેખાંકનોથી નેત્રસંતપેક બન્યું છે. ભાવયિત્રી પ્રતિભાના વાતાયનમાંથી કવિ યોગેશ જોશીના ‘જેસલમેર’ એક અદકેરો કાવ્યસંગ્રહ બની રહે છે.


ડૉ. ભીખાભાઈ પટેલ
મુ. નવા કલ્લેકા, પો. ચિબોડા, તા. ભિલોડા, જિ. સાબરકાંઠા, પીન: ૩૮૩૨૪૫
સંપર્ક :9428273723

000000000

***